Anjaam - 1 books and stories free download online pdf in Gujarati

અંજામ - ભાગ-1

'અંજામ '

પહેલો ભાગ

'આ સોનાલીને હમણાંનું શું થયું છે? 'જયારે ફોન કરું ત્યારે વ્યસ્ત જ હોય !' પીયૂષે પોતાના ફોન પર ગુસ્સો ઉતારતાં ફરીને ફરી રીડાયલ કર્યા કર્યું!

હા, પીયૂષ એના કોન્ટ્રાકટરના ધન્ધામાં બીઝી રહે છે, અવારનવાર બહારગામ જવાનું થાય એટલે તેની મોર્ડન યુવાન પત્નીના એકાંતનો એકમાત્ર સાથીદાર સ્માર્ટફોન હતો, પણ આજકાલ તો જાણે એના પ્રેમમાં પડી ગઈ હતી. ફોન પ્રિયતમ હોય તેમ એકધડી અલગ કરતી નથી. પતિની તો જાણે જરાય તમા(પરવાહ ) નથી.

પીયૂષ આજે શનિવારની સાંજે સોનાલીને બુલેટ પર બેસાડી લાંબી રાઈડ પર જવાના રોમાન્ટિક ખ્યાલમાં ફોન કરતો હતો પણ સોનુ કોની સાથે આટલી લાંબીલચક વાત કર્યા કરે છે? વર્ષો પહેલાં થયેલું ખરજવું ઊભરાયું હોય તેમ પીયૂષને ખજવાળ ઊપડી 'આજ તો સોનુંના મનના પડદા ચીરી સત્ય જાણીને જ રહીશ। એ સમજે છે શું? મુંબઈ પિયેર તેમાં નવી નવાઈની ફોનમાં ઇંગ્લીશમાં ને ઈંગ્લિશમાં ઝીકે રાખે છે!

સોનાલીએ મુંબઈની મીઠીબાઇ કોલેજમાં અંગ્રેજી વિષયમાં બી. એ. પૂરું કરી એક ટ્રાવેલ એજન્સીમાં ટેમ્પરરી કામ મેળવ્યું હતું, હાસ્તો મોટી એચીવમેન્ટ જ કહેવાય ! વીસ જણા ઇન્ટરવ્યૂમાં હતા પણ સોનાલીના ફાંકડા ઇગ્લીશે બાજી જીતી લીધી. એના મનમાં ભૂત ભરાઈ ગયું 'હું ફોરેન કન્ટ્રીમાં સેટ થઈશ'.

સોનાલી 25ની થઈ , તેના પિતા કિશોર પટેલ ચરોતર સમાજમાંથી કોઈ સારો મુરતિયો દીકરી માટે શોધતા હતા.

સોનાલીએ ચોખ્ખું સુણાવી દીધું :

'પપ્પા, હું શહેરમાં રહી છું મને ચરોતરના ગામડામાં નહિ ફાવે, અમેરિકાનો છોકરો મળે તો મને ગમે. ' સમય ની હોડમાં યુવાની સરકતી જતી હતી.

સોનાલી 27ની થઈ એટલે પપ્પાએ ચીમકી આપી :'સોનુ તને ગમે તેવું પાત્ર શોધવામાં તારે કુંવારા રહેવું પડશે બોલ શું વિચાર છે?

સોનાલીએ આણંદમાં રહેતા પીયૂષ જોડે લગ્ન કબૂલી લીધા . પીયૂષ સિવિલ એન્જીનયર હતો, એ પોતે શોખીન અને મુક્ત વિચારનો હતો પણ એના મમ્મી સુશીલાબેન જરા મર્યાદામાં રહેવામાં માનતા હતા. તેઓ મુંબઈથી આવેલી વહુના બધાં નખરાં જોતાં. સોનાલી અપટુડેટ રહેતી, અમેરિકન સ્ટાઇલના ઓઉટફીટ તેના પાતળા સુડોળ દેહ પર સેક્સિ લાગતા પણ પીયૂષની ચોઈસ હતી એટલે મૂગા રહેતાં પીયૂષ સોનાલીનું મન રાજી રાખતો. અમદાવાદ, વડોદરા બધે રેસ્ટોરન્ટમાં લઈ જતો. ચાઈનીઝ, ઇટાલિયન વાનગીઓ સોનાલીને પસંદ હતી. સુશીલાબેન ખમીને વહુના શોખ ચલાવી લેતાં. વિચારતાં કે જુવાનીનું જોર છે, છોકરાંની જવાબદારી માથે પડશે એટલે સીધીદોર થયા વગર છૂટકો નથી.

સોનાલીએ ફોરેનના સપનાનો વીંટો વાળી ઓશિકા નીચે મૂકી દીધો હતો । રાત્રે એ વીંટો વળેલા સપના રંગીન બની તેની ઉંધમાં અવરજવર કર્યા કરતા પણ આજ કાલ સાસરીમાં તેને દિવસે તે ફોરેનમાં ધુમતી હોય તેવા સપના દેખાતા! જાણે ન્યુયોર્કના મેનહટનમાં કોઈ સાથે ભટકાઈ હોય તેમ 'એસ્ક્યુઝ મી 'બોલી પડતી તો ઠન્ડી વાતી હોય તેમ જેકેટ પહેરી રાખતી। તેનું કારણ હતું પિન્ટુ! અમેરિકાના આકાશમાંથી ઊડીને આણંદની ધરતી પર પિન્ટુનું અવતરણ થયું હતું.

સોનુને સાસરીના બે માળના બંગલામાં ઉપરના માળનો વરંડો પ્રિય. વરડાની લાલ રંગની જાળી પર ઝૂકી કાન પર ફોન રાખી રોડ પરની ચહલપહલ જોયા કરે. એક મહિના પહેલાં સવારે દસેક વાગે એણે વરડામાંથી પડોશના બંધ બંગલામાં હલચલ જોઈ. સોનાલીએ અનુમાન કર્યું કે અમેરિકાથી ડો. શર્માનું કુટુંબ આવ્યું લાગે છે. મોટી મસ ચાર રોલર બેગ અને બીજો ઘણો સામાન ટેક્સીમાંથી કાઢી બહાર મૂક્યો હતો, ટેક્સીમાંથી ઊતરી ત્રણ જણાં બંગલા તરફ જતાં તેણે જોયાં. એને યાદ આવ્યું કે ગઈકાલે જ કામવાળીએ પડોશના બંગલાની સફાઈ કરી હતી અને ચાવી એનાં સાસુ સુશીલાબહેનને આપી હતી. સોનાલી નીચે ગઈ. સુશીલાબેન મંદિરે ગયા હશે. તેણે મમ્મીને જોયાં નહિ એટલે તે ડો. શર્માના બંગલાની ચાવી આપવા ગઈ.

'ઓહ , થેક્યું ' ઊંચા યુવાન પુરુષે ચાવી લેતાં કહ્યું.

'આપકો પહેચાના નહિ બેટે ' પાસે ઊભેલાં આન્ટી પ્રેમથી બોલ્યાં .

'આઈ એમ સોનાલી' તેણે વટથી કહ્યું .

'હાં , પીયૂષકી શાદીમેં મુઝે સુશીલાને બુલાયા થા , લેકિન પિન્ટુકી વજહસે મેં નહીં આયી , બહુત સ્વીટ હો . ચલો ઠીક હૈ બેટે પિન્ટુકે સાથ ઇગ્લિશમે બાત કરોગી તો વો ખુશ રહેગા. ' અણસમજુ પાંચેક વર્ષનો પિન્ટુ એના પાપાનો હાથ પકડી અજાણ્યા ઘર અને માણસ જોઈ 'નો નો , આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે હિયર ' કહી રડતો હતો. એના પાપા રાજેશે સોનાલીને કહ્યું :

'નાઇસ ટુ મીટ યુ' તેણે હાથ મિલાવ્યો .

સોનાલીએ પિન્ટુને 'હાઈ -ફાઇ ' કરી હસાવ્યો.

આંટી ખુશ થઈ બોલ્યાં :'પીન્ટુકો કમ્પની મીલ ગઈ. '

સુશીલાબેન મંદિર ગયેલાં તે આવી પહોંચ્યાં, મા જણી બહેનોની જેમ તેઓ પરસ્પર ભેટી પડ્યાં.

'નીલાબેન, આ વખતે બહુ રાહ જોવડાવી 'સુશીલાબેને કહ્યું.

આંટીએ પિન્ટુના માથે હાથ ફેરવતાં કહ્યું 'બસ ઇસકે લિએ રુક ગઈ થી. '

તેમણે સોનાલીના વખાણ કર્યા 'પીયુષકી વાઈફ બહુત સ્માર્ટ હૈ , ઈગ્લીશ પક્કા બોલતી હૈ '.

સુશીલાબેનને પહેલીવાર નખરાળી વહુ માટે ગૌરવ થયું.

તેમણે કહ્યું :'સોનાલીએ મુંબઈની કોલેજમાં અંગ્રેજીમાં ડિગ્રી લીધી છે'.

રાજેશે કહ્યું :મુઝે તો એક વિકમે વાપસ જાના પડેગા , '

સુશીલાબેન જાણતાં હતાં કે રાજેશના ડિવોર્સ થયા છે એટલે પિન્ટુને મમ્મી પાસે મૂકી જશે. તેમણે કહ્યું :

'રાજેશ તુ ચિંતા ના કરીશ , અમે કમ્પની આપીશું '

***

સોનાલી બગીચામાં કે વરંડામાં ફરતી ફરતી ફોન પર વાત કરતી હોય ત્યારે પિન્ટુ પડોશમાંથી દોડીને આવી જતો , જીદ કરીને કહેતો:

'સોની, પ્લીઝ પ્લે વિથ મી '

'વોટ . . . 'સોનાલી જરા ઉપેક્ષાથી કહેતી .

'હાઇડ એન્ડ સીક ' પિન્ટુએ દોડીને કહ્યું.

'રોજ તું મારું માથું ખાય છે. '. સોનાલી કઁટાળી હતી.

'વોટ. . . વોટ 'પિન્ટુ રડવા લાગ્યો. સોનાલીએ મનાવ્યો :'ઓ. કે. આઈ વિલ પ્લે '.

પિન્ટુને ભૂખ લાગતી ત્યારે સોનાલીનો હાથ ખેંચી નીલાબેનના રસોડામાં લઈ જતો. અમેરિકાથી લાવેલાં નુડલ્સના, સ્પગેટીના કે મેક્રોની ચીઝના પેકેટ બતાવી બનાવી આપવા કહેતો. નીલાબેન રાજી થઈ કહેતા:

'સોનાલી થેક્યું , બાબા મુઝે યે સબ બનાના આતા નહીં , તુમ બહુત અચ્છા બનાતી હો. '.

સોનાલીને સુશીલાબેનને રસોઈમાં મદદ કરવાનો કંટાળો આવતો, પણ પિન્ટુ માટે નૂડલ્સ બનાવવાની રંગત આવતી.

બપોરે બન્ને બંગલામાં જમ્યાં પછીના આરામની શાંતિ રહેતી. ત્યારે છાનોમાનો પિન્ટુ બગીચાની વાડમાંથી સરકીને હીંચકા પર ઝૂલતી સોનાલીને "હાઉ' કરી ચમકાવતો.

'નોટી બોય , ગો એન્ડ સ્લીપ 'સોનાલી ખિજાતી .

પિન્ટુ એના હીંચકાને જોરથી ધક્કો મારતો અને દોડીને સંતાઈ જતો. ઘડીક બગીચામાં ચકલી કે કબૂતરની પાછળ દોડતો. પછી જીદ કરી કહેતો:

'સોની, પ્લીઝ કમ વિથ મી '.

સોનાલી અને પિન્ટુ નીલાઆન્ટીના આરામમાં ખલેલ ન પડે તેમ ચોર પગલે પિન્ટુના રુમમાં સરકી જતાં . પિન્ટુ પાસે વોલ્ટ ડિઝનીની બાળકો માટેની મૂવીની ઢગલો ડીવીડી હતી. સોનાલીએ પૂછ્યું:'વોટ યુ વોન્ટ ટૂ સી? '

સોનાલી પાસે બેસે , મૂવી જુએ ત્યારે પિન્ટુને ખરેખરી મઝા આવતી એટલે એણે કહ્યું :'ટેલ મી વોટ યુ લાઈક '

સોનાલીએ 'લાયનકિંગ ', સિન્ડ્રેલા ' વગેરે જૂની મૂવી જોઈ હતી. 'આજે કોઈ નવી મૂવી જોવા દે' એ વિચારતી હતી ત્યાં એની નજર 'ફ્રોઝન' મૂવી પર ઠરી ગઈ .

'ફ્રોઝન 'મૂવી બહુ મઝાની હતી.

ફ્રોઝન'માં બે બહેનોની વાર્તા છે, મોટી બહેનને થીજી જવાનો શ્રાપ હતો. એ જેને સ્પર્શે તે બધું આઈસ થતું જાય . એ એકલી અટૂલી બરફના મહેલમાં થીજેલી રહે છે.

એની નાની બહેન જંગલ , નદીઓ , પર્વતોમાંથી અથડાતી કુટાતી મોટી બહેનના પ્રેમાળ હાથને પકડવા તેની નજીક જવા પ્રયત્ન કરે છે. મોટીબહેન પોતાના શ્રાપને

કારણે દૂર ને દૂર . . જાય છે !

'સોનાલી . . . સોનાલી . . ' આંટી બૂમો પડતાં હતાં. સોનાલીના હાથને હલાવી પિન્ટુએ બોલાવી , પરંતુ સોનાલી તો ક્યાંય કદી ન જોયેલા બર્ફીલા પર્વતોમાં આઈસની રાજકુંવરીની શોધમાં આઇસના મહેલમાં ફરતી હતી.

'સોનાલી , સુશીબહેન તુમકો બુલાતી હૈ'. આંટીએ રૂમમાં આવી કહ્યું.

સોનાલી ઘેર પહોંચી એટલે ઘણા દિવસથી અક્ળાયેલાં એના સાસુ બોલી ઊઠ્યાં

'નીલાબેન બાજુમાં આવ્યાં છે ત્યારથી તું તો જાણે અમેરિકાનો વીસા મળી ગયો હોય તેમ અમેરિકાનાં સપનાં ધોળે દિવસે જુએ છે. ત્યાંના પાસ્તાના પેકેટ ખાય છે ને વેંત જેવડા છોકરાની વાદે અંગ્રેજી ફિલ્મ જોયા કરે છે. ગુજરાતી બોલવાનું ભૂલી જ ગઈ હોય તેમ ઘરમાં અંગ્રેજીમાં ગોટપીટ કર્યા કરે છે. '

સોનાલી હજી આઈસની પૂતળી જેવી બારણાની વચ્ચે ઊભી હતી.

પીયૂષ ચા પીતો હતો. એણે મમ્મીને કહ્યું:

'મમ્મી પ્લીઝ , તારે કંઈ કામ હોય તો મને કહે . સોનાલીને શું કામ બોલાવે છે? '

સુશીલાબેનના મોં પર અણગમો આવી ગયો. તેમણે કહ્યું :

'તમે બન્ને તૈયાર થઈ જાવ. આપણે મનુકાકાને ત્યાં જવાનું છે, એમણે કથા રાખી છે. '

રાત્રે પીયૂષ અને સોનાલી બેડરૂમમાં ટી. વી. માં લાઈફ ઓ. કે. ચેનલ પર શો જોતા હતા. સોનાલીને મનમાં થયું 'લાઈફ ઇઝ નોટ ઓ. કે. . એ પીયૂષની નજીક સરકી, વહાલથી એની પહોળી મજબૂત છાતી પર હળવેથી માથું મૂક્યું , પીયૂષ તેના રેશમિયા , કાળા વાળના સ્પર્શથી રોમાંચિત થયો તેણે સોનાલીની કાનની પાસે જઈ , 'આઈ લવ યુ ' કહ્યું. સોનાલી પીયુષમા એકાકાર થતાં બોલી :

'આપણાથી અમેરિકા જવાય? '

તરૂલતા મહેતા

(હવે પછીનો બીજો ભાગ વાંચો , સીતાએ રામને સોનેરી મૃગની માંગણી કરી હતી. પીયૂષની પત્નીના સોનેરી સ્વપ્નનો શો 'અંજામ ' હશે? )