Anjaam - 2 books and stories free download online pdf in Gujarati

અંજામ - ભાગ-2

'અંજામ' ભાગ-2'

વિખરાતો માળો

શનિવારની રાત્રે સોનાલી પીયૂષને વહાલથી વળગી પડી, ઘણા દિવસથી તેના મન પર છવાઈ ગયેલા સપનાને તેણે પતિની ધડકતી છાતી પરથી કળી ખીલીને ફૂલ બને તેવી નાજુકતાથી

માથું ઊંચકી પૂછ્યું :

'આપણાંથી અમેરિકા જવાય?. '

પીયૂષે સોનાલીના કાળા વાળની ઘટાને સ્પર્શી કહ્યું :'જવાય સોનુ, તું કહે ત્યાં હું તને લઈ જઈશ. હવે હેપી

થઈ ને? આજકાલ આપણા જેવાં યુવાન કપલ્સ હનીમૂન કરવા ફોરેન જાય છે. આપણે હાથમાં હાથ પરોવી ન્યુયોર્કના સ્ટેચ્યુ ઓફ લીબર્ટીને જોઈશું . '

સોનાલી ખુશીની મારી બેડમાંથી કૂદી નીચે કેડ ગોળ ફેરવતી હુલા ડાન્સ કરવા લાગી.

પીયૂષે તેને હાથ પકડી પાસે બેસાડી, ખાનગી વાત કહી, 'હમણાં મમ્મીને ખબર ન પડવી જોઈએ નહિ તો બધો પ્લાન ચોપટ કરી નાંખશે. '

પીયૂષ સુશીલાબેનનું એક માત્ર સંતાન એ દૂર જાય તો તેઓ રડીને અડધા થઈ જતા. તેમાંય કોઈ જ્યોતિષે તેમને વહેમ ઘાલેલો કે તેમના દીકરાને

પરદેશમાં ઘાત (મુત્યુ યોગ ) છે. તેમણે દીકરાને રડી, લડી, સમ દઈ સમજાવી દીધેલું એણે પરદેશ જવું નહિ.

સોનાલી ધીરા અવાજે બોલી:

'ઓ. કે. આઈ વિલ કીપ સીક્રેટ . '

***

સોમવારે સવારે પીયૂષે બાથરૂમમાંથી 'સોનું . . સોનાલી 'કરી બૂમો પાડી. સોનું ફોન પર વાત કરતી હતી. છેવટે ભીના શરીરે પીયૂષે બાથરૃમનું બારણું ખોલી બૂમ પાડી, 'આજે ટુવાલ મૂકવાનું ય ભૂલી ગઈ!'. સોનુંએ મીઠું હસીને 'સોરી' કહી ટુવાલ આપ્યો .

પીયૂષે ઇનશર્ટ કરી જીન્સને સરખું કરતાં કહ્યું:'આજે સવારમાં કોની સાથે વાત કરે છે?

સોનાલીએ પતિને હાથરૂમાલ આપ્યો અને એના શર્ટના કોલરને સરખો કરતાં કહ્યું :

'મારી બહેનપણી મીનાના ભાઈએ 'ડિઝની ટ્રાવેલ્સ 'ની એજન્સી ખોલી છે. આજે ત્યાં જવાનું ફિક્સ કરતી હતી. '

પીયૂષે કહ્યું:'આજે મારે કામ છે,બે દિવસ પછી આપણે સાથે જઈશું. '

સોનાલીને 'આપણે સાથે જઈશું' શબ્દોથી પ્લેનમાં બેસી ગઈ હોય તેટલો હરખ થયો. પીયૂષને ઉતાવળું ચુંબન કરી નીચે ગઈ.

'મમ્મી આજે હું નાસ્તો બનાવીશ'. સોનાલી પૂજાના ઓરડામાં બેઠેલાં સાસુને કહી આવી.

સુશીલાબેનને થયું, 'આજ તો ભાગ્ય ફરી ગયું, વહુના હાથનો ગરમ નાસ્તો મળશે. '

સોનાલીના પગની ઝડપ અને હાથની કરામત જોઈ તેમને વહુનું નવું રૂપ આશ્ચ્રર્ય પમાડતું હતું,વિચારતાં હતાં જરૂર કોઈ ખુશીના સમાચાર હશે! 'મારા સૂના ઘરમાં

ઘૂઘરો વાગતો થશે કે તરત હું મારી અંબામાને ચૂંદડી ઓઢાવીશ'. સાસુએ માનતા માની.

***

પીયૂષ અને સોનાલી બે દિવસ પછી બપોરે 'ડિઝની ટ્રાવેલ્સ' ની ઓફિસમાં પાસપોર્ટ તથા વીસાની તપાસ કરવા ગયાં. અબ્રાહમ નામનો ટ્રાવેલ એંજન્ટ યુવાન અને સ્માર્ટ હતો. એના હાથ પર ટાટુસ ચીતરેલાં હતાં. વાળ ખભા પર લટકતા હતા અને એક કાનમાં રીગ હતી.

ઈગ્લીશમાં બોલવાની એની છટા સોનાલીને અસર કરી ગઈ. એજન્ટે તેમની વિગતો ફટાફટ કોમ્યુટરના સ્ક્રીન પર ફોર્મમાં ટપકાવી દીધી. તેણે કહ્યું :

'મેડમ, વિધિન ટુ મન્થ્સ એવરી થીંગ વી લ બી રેડી '

'થેક્યું ' કહી સોનાલીએ અબ્રાહમ સાથે હાથ મિલાવ્યા .

'કેટલો ખર્ચ થશે?' પીયૂષે સાવધાનીથી પૂછ્યું.

'પાસપોર્ટની ફી ફિક્સ છે . વીસા માટે કોન્સોલેટમાં ત્રીસ હજાર ભરવાના હોય છે. વીસા ન મળે તો પેસા જાય તેનું જોખમ તમારે સમજી લેવું.

સોનાલી અધીરી થઈ બોલી :

એવું કાંઈ કરો ને કે વીસા મળી જાય ને અમારાથી અમેરિકા જવાય'.

અબ્રાહમે ટેબલના ખાનામાંથી એક ચેક કાઢી બતાવ્યો.

'લુક, તમારા પહેલાં આવેલા અશોક પટેલ આ એક લાખ રૂપિયાનો ચેક આપીને ગયો. ' અબ્રાહમે સિફતથી પીયૂષ ચેક બરોબર જુએ તે પહેલાં જ ડ્રૉઅરમાં મૂકી . દીધો.

સોનાલી અતિ ઉત્સાહમાં આવી બોલી : હું મારા પપ્પાને કહીશ મદદ કરશે. '.

પીયૂષ કંઈ વિચારીને બોલે તે પહેલાં અબ્રાહમ સોનાલીને પાસપોર્ટ માટેના ફોટા પાડવા પાછલા રૂમમાં લઈ ગયો,તેની પાછળ પીયૂષ પણ ગયો.

બહાર ખુરશીમાં આવી તેઓ બેઠા એટલે અબ્રાહમે કહ્યું:'સર,એક લાખનો ચેક આપશો પછી તમારે છૂટક કોઈ ખર્ચ નહિ, વીસા મળે એટલે એમરિટ્સ એરમાં તમારું બુકીંગ કરી દઈશ. તમને ડીસકૉન્ટમાં ટિકિટ આપીશ. એણે એરલાઇનનું પ્લેન આકાશમાં ઊડતું હોય તેવું બ્રોશર સોનાલીને આપ્યું.

પીયુષે કહ્યું :'આજે ત્રીસ હજારનો ચેક આપું છું, તમે પાસપોર્ટ માટેની વિધિ શરૂ કરી દેજો. તે બીજી ટ્રાવેલ એજન્સીમાં તપાસ કરવા વિચારતો હતો.

અબ્રાહમે ચેક લઈ લીધો. તેણે સોનાલીને કહ્યું :મેડમ હું તમને અફલાતુન ટ્રીપ ગોઠવી આપીશ. '

'થેકયુ વેરી મચ ' સોનાલી ખુશ થઈ.

તેઓએ ઓફિસની બહાર જવાની તૈયારી કરી એટલે અબ્રાહમ બોલ્યો:'બાકીનો ચેક મળશે પછી જ મારાથી મુંબઈ જઈ તમારું કામ થશે. '

***

સોનાલીને ચેન પડતું નથી. પીયૂષ ધન્ધાના કામે ચાર દિવસ માટે રાજકોટ ગયો છે. ડિઝની ટ્રાવેલ્સમાંથી ઉપરાઉપરી ફોન આવે છે, સુશીલાબેન

'આ શુ ચાલી રહ્યું છે ?'તેની આશઁકામાં વહુની હાલચાલ પર ઝીણી નજર રાખે છે.

સોનાલીએ પીયૂષને ફોનમાં કહ્યું:'લગ્ન વખતે મને પિયરમાંથી મળેલી ગિફ્ટના પેસા ઘરની તિજોરીમાં છે. હું એ અબ્રાહમને આપી આવું? '

પીયુષે શાંતિથી કહ્યું :' એવું ના કરતી, હું બે દિવસ પછી આવીશ ત્યારે બીજો ચેક આપીશું . '

સોનાલી વ્યગ્રતાથી રીગ વાગતા ફોનને કાન પર મૂકે છે, 'મેડમ કાલે મારે મુંબઈ જવાનું છે,તમારું વીસાનું થઈ જશે, બાકીની રકમ મળી જવી જોઈએ '.

સોનાલીનો મૂડ આઉટ થઈ ગયો, તિજોરીની ચાવી સાસુમા રાખતાં હતાં, બહાર જાય ત્યારે વહુને આપી જતા.

સોનાલીએ મીઠાશથી સાસુમાને પૂછ્યું :'આજે તમારે કથામાં નથી જવું ?'

એટલામાં પિન્ટુ અને આંટી આવ્યાં.

'સોની પ્લીઝ હેલ્પ મી, આઈ હેવ ટુ પેક માઇ બેગ . '

સોનાલી જાણે ડૂબી જતી હતી, તેણે પિન્ટુનો હાથ ઝાલી લીધો. તેણે કહ્યું :ઓ. કે. આઈ વિલ કમ વીથ યુ 'પિન્ટુ કૂદવા લાગ્યો,' યા વી વીલ હેવ ફન ઈન

' ડિઝની લેન્ડ' .

સુશીલાબેન મુંઝવણમાં પડી ગયા. 'શું કહે છે પિન્ટુ ?'

'અરે બાબા યે દોનોં માલૂમ નહીં ક્યા પ્લાન બનાતે રહતે હૈ 'આંટીએ કહ્યું. 'બચ્ચોકી બાત છોડો,ચલો મેરે સાથ શોપીગમે '

સોનાલીની આંખોમાં ચમક આવી ગઈ તે બોલી:મમ્મી, તમે આંટીને મોલમાંથી લઈ જાવ, હું સાંજની રસોઈ કરીશ. '

હાં, હમે દો દિનમેં વાપસ જાના હૈ સુશીલાબેન. 'આંટી બોલ્યાં.

***

બે દિવસ પછી બાજુનો ડો. શર્માનો બંગલો ખાલી થઈ ગયો .

સોનાલી વ્યગ્રતાથી પતિની આવવાની ઘડીઓ ગણ્યા કરે છે કારણ કે ટ્રાવેલીગ એજન્સીમાંથી ત્રણેક ફોન આવી ગયા, જો તેમને રકમ મળી જાય તો અબ્રાહમ વિઝા માટે મુંબઈ રાતની ફ્લાઈટમાં જવાનો છે, બીજા દસેક જણાના વિઝાનું પણ તે પતાવવાનો હતો.

સોનાલીએ વિચાર્યું લગ્નની ભેટરૂપે મળેલી રકમ હું વિઝાની ફી માટે આપું તેમાં પિયુષને શું પૂછવાનું ?એ ધન્ધામાં રોકાયેલો છે,બે દિવસ પછી રકમ આપશું તો વિઝાનું લટકી જશે . સવારે બરોબર દસ વાગે સાસુમા મહાદેવજીના મન્દિરે દૂધ ચઢાવવા નીકળતા હતા ત્યારે સોનાલી દોડતી નીચે આવી . 'મમ્મી જરાક આ ફૂલ મારા વતી ચઢાવજો '

'તું જ આવ, આપણે સાથે જઈએ 'સાસુમાએ કહ્યું

'તમે પહોંચો હું સાડી પહેરીને આવું 'સોનાલીએ ખાત્રી કરી કે સાસુ ગયાં.

તેણે ચોરની સિફતથી તિજોરી ખોલી રકમની પોટલી પોતાના રૂમમાં મૂકી, મન્દિરે ગઈ.

જમવાના ટાણે 'મને ભૂખ નથી ' કહી સોનાલી આંટા માર્યા કરતી હતી.

સાસુમા જમીને આરામ કરવા ગયાં પણ કેમે કરી આંખ મીંચાઈ નહિ .

સુશીલાબેન સોનાલીને બેચેનીમાં ફર્યા કરતી જુએ છે,ખરા તાપમાં ક્યાં ગઈ હશે? શઁકા કુશન્કામાં તેમનું માથું ધુમ થઈ ગયું. બે દિવસથી તિજોરીની ચાવી સોનાલી પાસે છે. પીયૂષની એરહાજરીમાં કાંઈ કહેવા જાય ને નારાજ થઈ જશે ! એમ વિચારી મુંઝવણમાં બેસી રહ્યાં

પીયૂષ ઘેર આવ્યો ત્યારે ગુસ્સામાં હતો, કોઈ મોટી આપત્તિ આવી પડી હોય તેમ તેનો સાદ ફાટી ગયો, 'સોનાલી ક્યાં છે? સોનું પેલી 'ડિઝની ટ્રાવેલ' વાળો તારી બહેનપણીનો ભાઈ કેટલાંયનાં સૂપડા સાફ કરી રફુચક્કર થઈ ગયો. મમ્મી સોનુ ક્યાં ગઇ ?'

તેના બરાડાથી મમ્મીની છાતીમાં ગભરાટ થયો 'બેટા તમે લોકો મને જણાવ્યા વગર અમેરિકા જવાના છો ?' તેઓ સોફામાં ઢળી પડ્યાં …..

તરૂલતા મહેતા