Ek vyast bhaktno ishwarne naame patra books and stories free download online pdf in Gujarati

એક વ્યસ્ત ભક્તનો ઈશ્વરને નામે પત્ર....

એક વ્યસ્ત ભક્તનો ઈશ્વરને નામે પત્ર....
લે. નીરવ પટેલ “શ્યામ”

હે મારા વહાલા ઈશ્વર,
        આજે મારું મન તને પત્ર લખવાનું થયું. તારા મંદિરમાં જઈને પ્રાર્થના કરવા જેટલો સમય મારી પાસે નથી. હું મારા કામકાજમાં એટલો વ્યસ્ત થઈ ગયો છું કે હવે હાલતાં ચાલતાં ક્યારેક કંઇક વાગી જાય, કોઈ ખરાબ સમાચાર સાંભળી લઉં કે ના કરવાનું થઇ જાય ત્યારે “Oh GOD” બોલી તારું નામ લઇ લઉ છું. સાચું કહું તો અગરબત્તી કરવાનો પણ સમય મને નથી મળતો. સવારે નાહી ધોઈ ને તૈયાર થઉં ત્યાં નાસ્તાનો સમય થઇ જાય છે અને પછી ઘડિયાળ સામે જોઉં તો ઓફિસમાં જવાનો સમય. ઘરમાં તારું મસ્ત માર્બલનું મંદિર બનાવ્યું છે અને એમાં પ્યોર પ્લેટિનમની મૂર્તિ મૂકી છે પણ મને ત્યાં જોવાનો સમય પણ નથી મળતો. હા મારા ઘરડા બા-બાપુજી રોજ તારી સેવા કરે છે. ક્યારેક એમને પણ મોડું થઈ જાય તો મારા ઓફીસ જવાના સમયે જ બા ની આરતી પૂર્ણ થાય એટલે મહિનામાં એકાદવાર તારી આરતી લેવાનો મોકો જરૂર મળી જાય છે મને. અને સાંજે કોઈ વાર ઘરે વહેલા પાછો ફરું ત્યારે અગરબત્તીની સુગંધ પણ લઇ લઉં છું. સવારે તો મસ્ત મઝાનું ઈમ્પોર્ટેડ પરફ્યુમ છાંટીને નીકળું એટલે કંઈ ખાસ ખબર ના પડે પણ સાંજે એ પરફ્યુમની મહેક ઓછી થઇ ગઈ હોય એટલે અગરબત્તીની સુવાસ મનને ગમે ખરી..!
        વિચાર્યું હતું કે આ રવિવારે થોડો સમય તારી પાસે પસાર કરી લઈશ. પણ આ ઘરવાળી એ એના પિયર જવાનો પ્લાન બનાવી લીધો. સાળાને જોવા માટે છોકરી વાળા આવવાના હતાં તો મારાથી ના ન કહી શકાયું. એમ પણ દર રવિવાર મારી પત્નીનો કાંઇક ને કાંઇક પ્લાન તૈયાર જ હોય. ક્યારેક ફિલ્મ હોય, ક્યારેક શોપિંગ. મને તો આ બધા થી કંટાળો આવે પણ પત્નીને ખુશ રાખવી એ પણ મારી ફરજ જ છે ને! તું સંસારમાં નથી એટલે તને આ બધું ખબર નહિ પડે પણ મારા જેવા સામાન્ય માણસને કેટલું સહન કરવું પડે છે એ અમે જ જાણીએ છીએ.
        ગયા વેકેશનમાં અમે પ્રવાસ ઉપર નીકળ્યા હતા. તિરુપતિ પણ એમાં સામેલ હતું. પણ મંદિરની બહાર લાઈન જોઈને અમને દર્શન કરવાની ઈચ્છા ના થઇ. કેટકેટલા તારા ભક્તો દર્શન કરવા માટે આવે છે!! એમાં મારો નંબર તો ક્યારે લાગે? ઓછા માં ઓછા ૨ દિવસ તો લાગી જ જવાના હતાં. હું તો તૈયાર હતો લાઈનમાં રહી તારા દર્શન કરવા માટે પણ મારા નાના ટાબરિયા નો વિચાર કર્યો. બીચારો એ બે દિવસ સુધી લાઈનમાં કેવી રીતે  રહી શકે? એટલે ત્યાંથી અમે આગળ રવાના થઇ ગયા.
        લગ્ન પછી મારી ઈચ્છા જ્યોતિર્લિંગના દર્શનની હતી. પણ મારા મિત્રો કહે, “અલ્યા લગ્ન પછી તરત કોઈ જ્યોતિર્લિંગના દર્શન કરવા જતું હોય.!”  ઘરવાળા પણ એવું જ કાંઇક વિચારતા હતાં કે હું કોઈ હિલ સ્ટેશન પર જઈ હનીમુનની મઝા લઉં. એટલે બધાની સલાહથી લોનાવાલા અને ખંડાલાનો પ્લાન બનાવવો પડ્યો. જ્યોતિર્લિંગ ફરી કોઈવાર જવાશે એવો નિર્ણય થયો. પણ હજુ સુધી ત્યાંનો મેળ પડ્યો નથી.
        ઓફિસમાંથી પણ ઘણીવાર ફરવા જવા માટેના પ્લાન અમે બનાવતા હોઈએ પણ મારા સાથી મિત્રો ફરવા જવાનું નામ આવે એટલે ચારધામમાંથી જ કોઈ એક ધામની પસંદગી કરતા હોય.. દીવ, દમણ, ગોઆ અને આબુ. આ ચાર જગ્યાએ તો હવે મને ઊંઘમાં મોકલી દે ને તો પણ હું ભૂલો ના પડું એટલું યાદ રહી ગયું છે. મેં એમને ઘણી વાર કહ્યું કે ચાલો અંબાજી, દ્વારકા, રણુજા જઈએ. પણ દર વર્ષે બધા એમ જ કહે કે આવતા વર્ષે જઈશું. પણ એ આવતું વર્ષ આવતું જ નથી ને શું કરું ? વળી આબુ થી અંબાજી અને દીવથી સોમનાથ નજીક જ થાય ને! પણ ત્યાંથી પાછા ફરતી વખતે કોઈના એવા હાલ જ ના હોય કે એ દર્શન કરી શકે. એટલે મારો વિચાર તો ઠેલાતો જ જાય.
        હવે તને એમ થશે કે તારી પાસે જો આટલા બધામાં મારી માટે સમય નથી તો આ પત્ર લખવાનો સમય તે ક્યાંથી કાઢ્યો ? પણ એમાં વાત જાણે એમ છે ને કે પત્ની થાકીને મીઠી ઊંઘ માણે છે. આજે ઘરે પણ મોડો આવ્યો. મને ઊંઘ આવતી નહોતી તો તને યાદ કર્યો. હવે આટલી મોડી રાત્રે મંદિર માં  જઈને તો બેસાય નહીં.. નહિતર બા-બાપુજી કે મારા છોકરા કે પત્ની જાગી જાય તો મને ગાંડો જ સમજી લે. એટલે શું કરું એ જ વિચારતો હતો અને ઈચ્છા તને પત્ર લખવાની થઇ ગઈ. એ બહાને તને યાદ તો કરી લીધો એવો સંતોષ મારા દિલને થયો.
        ક્યારેક મારા દિલમાં થાય કે જે ભગવાને મને સર્વસ્વ આપ્યું એ ઈશ્વર માટે જ મારી પાસે સમય નથી ?? પણ અત્યારે મારું સ્ટેટસ એવું થઈ ગયું છે કે હું ઇચ્છવા છતાં પણ તારી ભક્તિ નથી કરી શકતો. મન તો બહુ કરે કે તારા મંદિરે જઈ કલાકો ના કલાકો બેસી રહું, રોજ તારા નામનું ભજન કીર્તન કરું. પણ આવું કરીશ તો સમાજ મને એક વિચિત્ર નજરે જોવા લાગશે એ જ બીકથી હું પાછો પડું છું. અને એટલે જ આ બધા કામોમાં હું મારી જાતને વ્યસ્ત રાખું છું. જેના દ્વારા હું બચી શકું. પણ મારો અંતરાત્મા તારું જ નામ રટ્યા કરે છે. તું તો અંતર્યામી છે. મારા દિલના હાલ તું સારી રીતે વાંચી શકતો હોઈશ. અને હું જ નહિ મારા જેવા ઘણાં પ્રોફેશનલ લોકોની લાઈફ આવી જ થઇ ગઈ હશે. માટે ભલે તનથી નહિ પણ મનથી અમે તને રોજ યાદ કરીએ છીએ. માટે તું તારી કૃપા અમારા ઉપર બનાવી રાખજે.
લી.
તારો એક  વ્યસ્ત ભક્ત
Share

NEW REALESED