Pramoshan books and stories free download online pdf in Gujarati

પ્રમોશન

રસરંગ પ્રાઈવેટ લિમિટેડ. ઘરગથ્થુ વાનગીઓમાં વપરાતાં અવનવાં દેશી-વિદેશી ચટાકેદાર મસાલાની કંપની. સવજીભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેન આ કંપનીના માલિક હતાં. બંને વચ્ચે બનતું નહીં આથી બંને અલગ રહેતાં. દીકરો અવિનાશ લક્ષ્મીબેન સાથે રહતો અને દીકરી અંકિતા સવજીભાઈ સાથે રહેતી. સવજીભાઈ લંડનમાં તો લક્ષ્મીબેન ન્યૂઝર્શીમાં રહેતાં. અવિનાશ અને અંકિતા બંને ભાઈ-બહેનને સારું બનતું અને  બંને સમય મળ્યે ભારત પણ આવ્યા કરતા. ટૂંકમાં તેમનો ઘરસંસાર પંખી ઉડી ગયા બાદ તેમના વિખેરાયેલા માળા જેવો હતો. કંપનીનાં સૌથી જુના કર્મચારી એવા મેનેજર રાકેશભાઈને હાર્ટએટેક આવતાં દુઃખદ અવસાન થયું. સવજીભાઈ અને લક્ષ્મીબેન આમ ભલે અલગ રહેતાં પણ આવા કામે સાથે જ આવતાં. તેમની વચ્ચે ફક્ત બનતું નહીં અને ઉમર વધુ થઈ હોવાથી છૂટાછેડા લેવાનો પણ કોઈ મતલબ નહતો. બંને ભારત આવી એમનાં અંગત સબંધી એવા રાકેશભાઈનાં પરિવારને સાંત્વનાં આપી. રાકેશભાઈના આસિસ્ટન્ટ મહેબૂબભાઈને બીજે સારી ઓફર મળવાથી તેમણે પણ નોકરી છોડી.

આ સમયે કંપનીને સંભાળનાર કોઈ ન હોવાથી તથા મેનેજર અને આસિસ્ટન્ટ પદે વિશ્વાસુ વ્યક્તિની નિમણૂક કરવાની હોવાથી સવજીભાઈ અને લક્ષ્મીબેન એક મહિના માટે ભારત જ રોકાઈ ગયા અને કંપનીના માલિકીના 3BHK લક્ઝુરિયસ ફ્લેટમાં સાથે જ રહ્યા. કંપનીમાં કામ કરતાં અનેક કર્મચારીઓ આસિસ્ટન્ટના પદે પ્રમોશન માટે વલખા મારી રહ્યાં હતાં પણ મેનેજરની પોસ્ટ માટે કોઈ તૈયારી કરતું ન હતું કેમકે બધાને વિશ્વાસ હતો કે આસિસ્ટન્ટના પદે કંપનીના માણસને જ રાખશે જ્યારે મેનેજરનું પદ ખુબજ મહત્વનું હોવાથી રાકેશભાઈની જેમ એમના ફેમિલી મેમ્બર મનોજભાઈને જ મળશે. શોભિત ઉપરાંત કલાર્ક રાહુલ પણ આસિસ્ટન્ટના પદે પ્રમોશન ઈચ્છતો હતો.

સવજીભાઈ અને લક્ષ્મીબેને નક્કી કર્યું કે તેઓ તમામ કર્મચારીઓના ઘરે જઈ સરપ્રાઇઝ મુલાકાત કરશે અને અંતે રિપોર્ટ બાદ સૌથી વધુ રેટિંગ મેળવનાર કર્મચારીને પ્રમોશન મળશે. આવો જ એક કર્મચારી શોભિત હતો. શોભિતને મેનેજરના પદનો તો લોભ ન હતો પણ આસિસ્ટન્ટ તરીકે પ્રમોશન મળી જાય એ માટે અવનવાં ગતકડાં વિચાર્યે કરતો.

શરત મુજબ સવજીભાઈ અને લક્ષ્મીબહેન શોભિતના ઘરે પણ પધાર્યા. શોભિતના દાદી રેખાબા ખુબજ બોલકણા સ્વભાવનાં હતાં. શેઠ-શેઠાણીને અનપ્રોફેશનલ ઘરમાં હાઈપ્રોફેશનલ સગવડો આપવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો. રેખાબા મહેમાનગતિ નવાજતાં ટહુકયાં, " આવો, શેઠ પધારો ! આવવામાં ક્યાંય તકલીફ તો નથી પડી ને ? "
સવજીભાઈ તરત જ બોલ્યાં, " અરેરે ! બા તમે ક્યાં શેઠ કહો છો ? તમે મને બેટા પણ કહી શકો, હું તો ઉંમરમાં તમારાથી ઘણો નાનો છું. " આ સાથેજ બેઠકખંડમાં હાસ્યનું પાતળું મોજું ફરી વળ્યું.

શોભિતના શેઠ-શેઠાણી આવ્યા છે, આ વાત સાંભળી, થોડીક જ વારમાં શોભિતના મોટાભાઈ સંજય , ભાભી સવિતાબેન , પત્ની અંકિતા , બે બાળક ( સ્મિતા અને અતિષ ), મોટાબેન રંજન તથા નાની બેન સુષ્મીતા પણ બેઠકખંડમાં આવી પહોંચ્યા. શોભિતનો પરિવાર ખુબજ મળતાવડો સ્વભાવનો હતો. પરિવારના બધાં જ સદસ્ય તરત જ હળી-મળી જાય. ચા-પાણી-નાસ્તો નિયત જગ્યાએ ગોઠવાઈ ગયો. રસોડામાંથી આવતી મધુર વ્યંજનોના સ્વાદની મહેક ઘરનાં રસોડાથી લઈને ઓસરી સુધીના આખાય પરિસરમાં પ્રસરાઈ ગઈ.

સવજીભાઈ અને લક્ષ્મીબેન એ આશ્ચર્યના આશ્રમમાં વિખૂટું પડેલ દંપતી હતું. કોઈ પરિવારમાં એટલો બધો મેળાપ જોઈ તેમને હર્ષ અને ઈર્ષ્યા બેય થતી. હર્ષ એટલાં માટે કે, આવા સુંદર પરિવાર સાથે બે પળ માણવી, હશી-મજાક કરવી તેમને ગમતી. ઈર્ષ્યા એટલાં માટે કે, તેમનો ખુદનો પરિવાર પ્રેમના અભાવે અહંકારના બહિષ્કૃત તીરથી વેધાયેલો હતો, છતાં પણ સવજીભાઈ અને લક્ષ્મીબેને આ સ્થિતિમાં રહેવામાં ખુબજ મજા પડતી હતી. લક્ષ્મીબેને તમામ સદસ્યોનો પારિવારિક ઇન્ટરવ્યૂ લેવાનું સ્ટાર્ટ કર્યું.

શોભિતને તો લક્ષ્મીબેન જાણતા જ હતાં. તેની પત્ની અંકિતાનો પ્રથમ નંબર આવ્યો. લક્ષ્મીબેને અંકિતાને ઘણાં બધાં સવાલો કર્યા. અંકિતા પતિ શોભિતને સમર્પણ થયેલી પતિવ્રતા સ્ત્રી હતી. લગ્નને ૧૦ વર્ષ થયાં હોવા છતાંય કયારેય કોઈ ઝઘડો કે રિસામણાં થયા નથી. વર્તમાન યુગમાં બાળકોના શિક્ષણના ખર્ચને પહોંચી વળવા તે ઘરનાં કામ ઉપરાંત સિલાઈ મશીનનું પણ કામ કરે છે, જેનાથી થોડી ઘણી જે કમાણી થતી, તેનાથી તેનો ઘરખર્ચ નીકળી જતો. અંકિતા કરકસર પણ ખુબજ કરતી. ટૂંકમાં શોભિત-અંકિતાના દાંપત્યજીવને બારણે સુખનાં લીલા તોરણ બંધાયેલા હતાં.

હવે વારો આવ્યો ચિબાવલી દાદી રેખાબાનો. સવજીભાઈ હાથની નીચે ઓશીકું દબાવી સ્વસ્તિક ( અદબ વાળવી ) રચી આછા સ્મિતના સહવાસે રેખાબાને સાંભળતા હતાં. રેખાબાએ ખુબજ મહેનતથી મકાનને " ઘર " બનાવી બનાવ્યું હતું. પારિજાતના પુષ્પો આ ઘરમાં હંમેશા મહેકતા જ રહ્યા છે. દાદી રેખાબાએ પોતાની પ્રેમ કહાની પણ વાતોના વડાની થાળીમાં પીરસી દીધી. શોભિતની નાની બેન સુસ્મિતા વચ્ચે કુદી પડી, " દાદી તમે અત્યારે ક્યાં પ્રેમની વાતો કરો છો ! સામે કોણ બેઠા છે એતો જુઓ " દાદી અને સુસ્મિતા વચ્ચે રોજ તીખી,મીઠી,ખાટી, ગળી રકઝક થયા જ કરતી, તો પણ દાદી જ જીતની હકદાર બનતી.

ઘરનું વાતાવરણ ખુબજ સુંદર તેમજ પ્રેમાળ હતું. સવજીભાઈ અને લક્ષ્મીબેનને આ પરિવાર ખુબજ ગમવા લાગ્યો. અહીંથી લક્ષ્મીબેન અને સવજીભાઈને પોતાનું દાંપત્યજીવન ફરીથી વસાવવાનો સબક મળી રહ્યો હતો. ઘરમાં ચાલતાં ઝઘડાને કેવી રીતે સુલજાવવા અને કેવી રીતે પરિવારને એક રાખવો એ માસ્ટર કી બોલકણા અને અનુભવી દાદીમાએ આપી દીધી. સવજીભાઈ અને લક્ષ્મીબેનને પોતાના ભૂતકાળના લીધેલા બેવકૂફીભર્યા અણઘડ નિર્ણયો પર પસ્તાવો થવા લાગ્યો.

શોભિતના મોટા ભાઈ સંજય પણ એક ગેરેજ ચલાવતાં હતાં. તેમના પત્ની સવિતાબેન ઘરમાં મોટા વહુ હોવાથી આખા ઘરને સંભાળતા તથા બહુ ભાગ્યે જ જોવા મળે એવો સવિતાબેન અને અંકિતા ( શોભિતની પત્ની ) દેરાણી-જેઠાણીનો પ્રેમાળ સબંધ ઘરમાં પ્રેમનો દીવો હરહંમેશ પ્રજવલ્લિત રાખતો. શોભિતની નાની બેન સુસ્મિતા અટલેકે નણંદને આ બંને ભાભી સગી બહેનની જેમ રાખતી. શોભિતના મોટા બેન રંજન પણ અનુભવી હોવાથી ઘરનાં મધુર સંબંધોને મેઈન્ટેઇન કરવાનું જાણતાં. ઘણે-ખરે અંશે તો ઘરમાં ઝઘડા થતાં જ નહીં !

સવજીભાઈ અને લક્ષ્મીબેન એક પછી એક ઘરના તમામ સભ્યોની સક્સેસ સ્ટોરીમાં રસ દર્શાવતા પરોવાતાં જતાં હતાં.
તેઓ મકાનને ઘર બનવાનું શીખી રહ્યા હતા તો બીજી તરફ શોભિતના પરિવારનાં સભ્યો પોતાનો પરિચય આપતાં શોભિતને આસિસ્ટન્ટ તરીકે પ્રમોશન મળે તેવી ઈચ્છા જતાવતાં હતાં. હવે શોભીતના બે સુંદર બાળકો સ્મિતા અને અતિષનો વારો આવ્યો.

સ્મિતા ૬ વર્ષની અને અતિષ ૮ વર્ષનો હતો. સ્મિતાને લક્ષ્મીબેને ખોળામાં લીધી તથા આ જ દૃશ્યનું અનુકરણ કરતા સવજીભાઈએ પણ અતિષને ખોળામાં લીધો. બાળ વયનાં અતિષે ભોળા મને પિતા શોભિતને આસિસ્ટન્ટ બનાવવાની ભોળી ભલામણ કરી. સવજીભાઈ હસી પડ્યા. સ્મિતા પણ લક્ષ્મીબેનને " પ્લીઝ આન્ટી, પપ્પાને આસિસ્ટન્ટની જોબ આપી દો " લક્ષ્મીબેન નાના બાળકો આગળ એમના જ સ્ટાઇલમાં ભોળા સાદે ટહુકયાં, " સારું, હો બેટા, તારા પપ્પાની જોબ પાકી બસ. હવે ખુશ ? હવે આન્ટીને વહાલી પપ્પી આપો તો.." બંને બાળકોએ સવજીભાઈ અને લક્ષ્મીબેનનો ખોળો સુખથી ભરી દીધો. બંને ખુશીના માર્યા ભૂલી ગયા કે તેઓ શેઠ-શેઠાણી છે અને કર્મચારીનું રેટિંગ કરવા આવ્યા હતાં પણ અહીં આવીને તો આ મજેદાર પરિવારના રંગે રંગાઈ ગયા.

જે ખુશીથી વાર્તાલાપ પુરો થયો અને બંને રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જવા નીકળ્યા ત્યારે રસ્તામાં ગાડી ઉભી રાખી બગીચામાં બેઠાં. સવજીભાઈ અને લક્ષ્મીબેને ઘણા વર્ષો બાદ આટલો સમય સાથે વિતાવ્યો. બંનેમાં આ થોડીક ક્ષણોમાં ઘણો ફેરફાર આવી ગયો હતો. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને પ્રેમાળ વાતો કરી. પોતાના પરિવારને શોભિતના પરિવારની જેમ ફરીથી રસરંગ બનાવવાનો નિર્ધાર કર્યો. તેમનો દીકરો અવિનાશ અને દીકરી અંકિતા તો રાજી જ હતા. લક્ષ્મીબેને ફોન કરીને બંનેને તમામ વાત કરી અને વહેલા ભારત આવી જવા કહ્યું. અંકિતા અને અવિનાશ તો પપ્પા-મમ્મી સાથે બેઠા છે અને ખુશમિજાજ પળો માણી રહ્યા છે,એ જાણીને જ નવાઈ થતી હતી. શોભિતના પરિવારે અજાણ્યે આ દંપતીને સુખનો માર્ગ બતાવ્યો અને આ દંપતી એ માર્ગે પ્રયાણ કરવા પ્રતિજ્ઞા લીધી.

બગીચામાં બેઠા બાદ મોડી રાતે ૧ વાગ્યે ઘરે ગયા. બીજા દિવસે જ બે પોસ્ટ પર કર્મચારી નિયુક્ત કરવાની જાહેરાત કરી. સવારે દશ વાગ્યે ઓફિસમાં બધા જ કર્મચારી આવી પહોંચ્યા હતા. આગલા દિવસને ધ્યાને રાખતા શોભિતને વિશ્વાસ હતો કે આસિસ્ટન્ટ રૂપે તેનું પ્રમોશન પાક્કું છે. સવજીભાઈ અને લક્ષ્મીબેન સ્ટેજ પર આવ્યા.

કર્મચારીઓમાં અતિ ઉત્સાહ હતો. લક્ષ્મીબેને કીધું કે, "તેઓ અને સવજીભાઈએ ખુબજ ચર્ચા કર્યા બાદ મેનેજર અને આસિસ્ટન્ટના નામ તૈયાર કર્યા છે. તેમણે કહ્યું કે તેઓ ખુબજ આશ્ચર્યચકિત નામ જાહેર કરવા જઈ રહ્યા છે. તેમણે કર્મચારીઓના ઉત્સાહીપણાની વચ્ચે જાહેરાત કરી કે "મેનેજરના પોસ્ટ માટે કંપનીના ઈમાનદાર અને મહેનતુ કર્મચારી શોભિતની તથા આસિસ્ટન્ટના પદે કંપનીના જ ક્લાર્ક રાહુલની નિમણૂક કરવામાં આવે છે.

રાહુલને તેની ઈચ્છા મુજબ મહેનત ફળી ગઈ તો બીજી તરફ શોભિત મેનેજર પદે પ્રમોશનનું નામ સાંભળી દંગ જ રહી ગયો. પ્રથમવાર કંપનીમાં મેનેજર પદે શેઠના પરિવારના સભ્યને રાખવાની પરંપરા તૂટી હતી. શોભિતને સવજીભાઈ અને લક્ષ્મીબેને જતી વખતે કહ્યું કે , " શોભિત, જીવનમાં કામની સાથે પરિવારને પણ સાચવવો પડે, જે ફરજ તે સારી રીતે નિભાવી. જે પરિવારને સારી રીતે ચલાવી શકે, એ કંપની પણ ખુબજ સરસ રીતે ચલાવશે તેમાં મને કોઈ જ શંકા નથી. ખરેખર પ્રમોશન તારું નહીં પણ મારા પરિવારનું થયું છે. અમે તારા તથા તારા પરિવારના હંમેશા આભારી રહીશું "

લેખક - મહેન્દ્રકુમાર પરમાર


Share

NEW REALESED