the wonder girl - Jamni books and stories free download online pdf in Gujarati

જમની

નિરવ વહેલી સવારે કાનમાં ઈયરફોન, પગમાં સ્પોર્ટ્સ શુઝ, હાથમાં મોંઘીદાટ ઘડિયાળ સાથે ચાલ્યો જોગીંગ કરવા. એનો જોગિંગ ટ્રેક અનોખો હતો. એ સોસાયટીથી થોડે દૂર આવેલી નાની એવી હરિયાળી કેડીમાંથી પસાર થતો થતો જોગિંગ કરતો હતો. એને આ કુદરતી વાતાવરણ અને મનગમતા ગીતોનો સાથ પણ ગમતો.

એના એ રોજના રસ્તામાં રોજ એક સાતેક વર્ષની છોકરી જામફળનો ટોપલો લઈને બેસેલી જોવા મળતી. એ રસ્તા પર વાહનોની અવરજવર રહેતી પણ, જામફળ લેનારાની લાઈન વધુ જોવા મળતી. એ પોતે તો એ શહેરમાં નોકરી કરતો એટલે પરિવાર તો ક્યાં સાથે હોવાનો ??? નિરવ કાયમ એ છોકરીને હસતી જોવા માટે રોજ એક જામફળ ખરીદતો. એ છોકરી જ્યારે નિરવને હાથમાં જામફળ આપે ત્યારે તે પહેલા જામફળ સૂંઘે અને કહેતી કે આજ કણીદાર નીકળશે, આ જામફળ દળદાર નીકળશે અથવા તો કહેતી કે મોળું નીકળશે એટલે નથી આપવું. નિરવ વિચારતો આ છોકરી આવી રીતે કેમ જાણી શકતી હશે. નિરવને હતું કે મા-બાપની કંઇક ટ્રિક હશે આ છોકરીના જામફળ વેચવા બાબતે.

એકવાર એ જોગિંગ માટે ન ગયો. એક અઠવાડિયું કમોસમી વરસાદ વરસ્યો. જ્યારે થોડું કોરાળું થયું તો નિરવ ચાલ્યો પોતાના જોગિંગ પર...આજ એ છોકરી બેઠી હતી જાણે નિરવની જ રાહ જોઈને ! નિરવે જામફળ લેવાની ના પાડી કારણ એ જામફળ લાલાશ અને કાળાશ પડતા હતા. થોડા પોચા પણ પડી ગયા હતાં. છોકરી નિરાશ થઈ પણ કશું બોલી નહીં. એણે ધરાર એક જામફળ નિરવના હાથમાં થમાવ્યું અને ઝાડી ઝાંખરાના રસ્તે અદ્રશ્ય થઈ ગઈ.

નિરવે ઘરે જઈને જામફળને નિરખ્યા કર્યું. એને એ છોકરીની વ્યથા કદાચ હવે સમજાણી. એણે તરત જ એ જામફળ કાપ્યું અને એ જોતો રહી ગયો. આટલા સમયમાં આવું સ્વાદિષ્ટ જામફળ એને ક્યારેય નહોતું ખાધું. એ તો બીજા દિવસના સવાર પડવાની રાહ જોઈ.

ફરી એ જ રસ્તો અને એ જ જોગિંગ. આજ એ છોકરી રસ્તા પર ન હતી. એણે ત્યાં રાહ જોઈ ખાસ્સો સમય માટે. પણ, એ છોકરી ન જ આવી. આજ નિરવે મક્કમ મન સાથે નક્કી કર્યું કે એ છોકરીની વ્યથા મારે દૂર કરવી જ પડશે. એ પણ એ ઝાડી ઝાંખરા ખૂંદતો ચાલ્યો અજાણ્યા રસ્તે. ચાલતા ચાલતા નાની એવી વસ્તી દેખાઈ. ભાગ્યે જ દસ કોથળે ઢાંકેલા અને ઘાસથી ધરાર ટકાવેલા હતા એ નાના નાના ઘર.. બધા ઘરમાં ડોકિયું કર્યું પણ કોઈ જ ન દેખાયું. એ પણ નિરાશ થતો પાછો ફરતો હતો કે એક ભાભો પગે ઘસડાતો નિરવ સામે આવતો હતો. નિરવે જામફળ વેચનાર છોકરી વિશે પૂછ્યું. જે નિરવે સાંભળ્યું એ બધા માટે એક સબક જ છે...

"જમની છે એનું નામ, એ તો મારી પૌત્રી છે. મા-બાપને રસ્તે કોક કચડી ગયું તે મુજ અભાગિયાને એ રોટલો આપે છે. હું આ બધાના ઘરનું ધ્યાન રાખું એટલે છાસનો વાડકો આલે અમને..... એ બચાકડી.. અહીંથી બે ગાઉં આઘી વનરાઈમાં જાય અને જામફળ તોડી આવે. હવે તો વરસાદના ખરી પડ્યા તે આજ એ પાછી નથી આવી. મને પણ ચિંતા થતી હતી તે તમે આવ્યા."

નિરવ તો ડઘાઈ ગયો આ સાંભળીને. એને હવે ખરેખર દુઃખ થયું કે 'એ બિચારીની મહેનત પર મેં ના ન કહી હોત તો ! '

ભાભો બોલ્યો, "એ છોડી તો કોક ઓફિસર માટે રોજ જામફળ લેવા જાય છે. સાહેબ, એ વનરાજીમાં પણ ક્યારેક જંગલી કૂતરાં અને વરૂ હોય એનો ડર લાગે મને.. એ છોડી રોજ કેટકેટલા તોડી લાવે પણ, એ ઓફિસર માટે લાવેને એનો તો ઢગલો જુદો કરે છે જુઓ, ત્યાં પણે ! "

નિરવે પાછું વળીને એક સૂંડલામાં નજર કરી તો રોજ એના માટે જે જામફળ લાવતી એ જ હતા. એની આખે આંખે આંસુ આવ્યાં. એ તો ત્યાં જ અર્ધ તૂટેલા ખાટલે બેસી ગયો. માથે તડકો ને ડર લાગે એવા એકાંતવાળી જગ્યાએ એ બેઠો રહ્યો. લગભગ ચારેક વાગ્યે જમની આવી. પગે લંગડાતી હતી અને પોતાને ખભે પ્લાસ્ટિકનો બાચકો નાંખીને. એ તો સટ્ટાક કરતો ઊભો થયો.

જમનીએ પણ જોયું કે 'કોઈ બેઠું છે તો એને પણ શરમ આવી ! એ નજીક આવી અને ભેટી પડી નિરવને. આગલા પીળ દાંતથી ખિલતા સ્મિતમાં પણ એ મોહક લાગતી હતી. નિરવે એના હાથ જોયા તો એકદમ ધૂળવાળા અને ખરબચડા લાગતા હતા. પગે પણ ધૂળના થર જામ્યાં હતાં. વિખરાયેલા વાળે વાતોડી જમની દોડી ઝૂંપડીની અંદર. પતરાના ડબ્બામાં રાખેલી છાસ લાવી એણે નિરવને આપી. નિરવ તો જોતો જ રહ્યો.

જમની બોલી, " ઓફિસર સાહેબ, મને ખબર હતી કે તમને આ જામફળ વગર હાલશે નહીં. હું આજ સવારની બધા ઝાડે ફરતી રહી. કેટલા જામફળ સૂંઘયા અને કેટલા જામફળને અડકયા. હું ગોતતી રહી, તમને ભાવતા સ્વાદના જામફળને. આમ પણ સૂડા ક્યાં વધવા દે છે હવે ? મને તો સૂડાના ખાધેલા બહું ભાવે " એમ કહેતી, ફરી એક અર્ધું પોપટનું ખાધેલું જામફળ લાવી એણે ખાધું.

નિરવે જામફળના રૂપિયા કાઢ્યા આપવા માટે તો ભાભો બોલ્યો, " એ કાંઈ નથી આલવું. તમારા માટે આ મારાથી આઘી આઘી ભમે છે એની ના પાડો તો સારું !" (બાપાએ હાથ જોડતાં કહ્યું)

નિરવે જમનીને સમજાવી અને એમ ન કરવા કહ્યું. જમનીએ દાંત કાઢતા કાઢતા હા પાડી. નિરવે બધા જામફળ ઉપાડ્યા અને મોટી કડકડતી નોટ આપી ભાભાને પણ ખુશ કર્યો. જમની તો નિરવને રોડ સુધી મૂકવા પણ ગઈ. જોગાનુજોગ બીજા જ દિવસે નિરવની બદલી થઈ અને એ શહેર છોડવાનું હતું.

બીજા દિવસે એ જમનીને મળવા ગયો ફરી એ જ રસ્તે... ત્યાં જમની તો ન હતી પણ પથ્થર પર પડેલું જામફળ જરૂર હતું. નિરવે રાહ જોઈ પણ જમની ન આવી. એણે એ જામફળ ઉઠાવ્યું અને ઘરે જઈને કાપીને ખાધું. એ જ સ્વાદ, સુગંધ અને જમનીની યાદ સાથે...

નિરવને લાગ્યું કે 'જમની એની જીવવાની રાહમાં કાયમ માટે ભાગીદાર બની ગઈ.'

શિતલ માલાણી"સહજ"
૨૨/૧/૨૦૨૧
જામનગર..


Share

NEW REALESED