light of knowledge books and stories free download online pdf in Gujarati

જ્ઞાનનું અજવાળું

નિયતિના પરિવારની બદલી આદિવાસીની વસાહતો એવા ડાંગ જીલ્લામાં થઈ. એને ખુદને થોડા દિવસ તો ત્યાં કોઈ સાથે હળવું મળવું ન ગમ્યું. એ પોતાની જાતને ત્યાં એડજસ્ટ કરવાના પ્રયાસો કરી રહી હતી.

એને મળેલા સરકારી ક્વાર્ટરમાં પણ સારો એવો મોટો બગીચો હતો. એ સૂઈ રહી હતી ત્યાં બારીની નાની એવી તિરાડમાંથી અજવાળાનું કિરણ એની બંધ આંખમાં પ્રવેશ્યું.એ ઊભી થઈ પડદો સરખો કરવા જતી હતી કે થોડો ધીમો ધીમો અવાજ સંભળાયો. બારીને હળવેથી ખોલી કે એણે ત્યાં કામ કરી રહેલા મજુરના બાળકોને જોયા. કોઈ બાળકો એ વનસ્પતિઓને સૂંઘી રહ્યું હતું. કોઈ બાળકો એના પાંદડા તોડી લસોટી રહ્યાં હતા. કોઈ બાળકો ત્યાં નાની કુણી કુંપળને તોડી એક થેલામાં જમા કરી રહ્યા હતા. એ પોતે આ બધું જ બારીમાંથી જોઈ રહી હતી.

એ તરત જ ત્યાં ગઈ અને પૂછવા લાગી કે "આ શું કરો છો તમે?"

'ઓહડીયા સ તો નાના મોટા દરદ મટાડે.' કોઈક બોલ્યું.

"એ તમને કેમ ખબર એ ઔષધ છે એ એમ ?"

"બુન, અમ જીવી ત્યાં લગણ ઈયાં જ અમારો વહવાટ, અમ છોડ પાન હાંરે જીવનારા, અમ કુદરતના છોરું."

"તમે આ ઔષધ વિશે થોડું મને લખી દો ને તો હું પણ ઓળખતા શિખું કંઈક ?"

બધા મીણના પૂતળાની જેમ ઊભા રહી ગયા અને વિચારતા રહ્યા આ 'લખવું એટલે શું?'

નિયતીએ એકને એક વાત બે ત્રણવાર સમજાવી. એને લાગ્યું કે આ બાળકો અક્ષરજ્ઞાનથી વંચિત છે. એણે એ તમામ બાળકોને રોજની બે કલાક ફાળવી લખતા વાંચતા શિખવી દીધું. તકલીફો ઘણી હતી બધા સાથે તાલમેળ કેળવવાની પરંતુ નિયતીએ ધીરજથી કામ લીધું. એમના માતા-પિતાને વિશ્વાસમાં લીધા.અબુધ બાળકોએ પણ હસતા રમતા અક્ષરજ્ઞાનને ઘોળી ઘોળીને પીધું.લખતા વાંચતા આવડવા છતા પોતાની ભાષામાં વર્ણન કરવું એ પણ બાળકો હોંશે હોંશે શિખી જ ગયા.બાળકોએ પણ પોતાની રીતે જ આસપાસ ઊગતી વનસ્પતિના ઉપાય દ્રારા નાની મોટી શારિરીક તકલીફો કઈ રીતે દૂર કરી શકાય એ લખીને આપ્યું.

નિયતીને હવે એ ગામડું છોડવાનો સમય થયો. એને હવે એ જગ્યા દિલમાં વસી ગઈ હતી. હજી નિયતીનો ધ્યેય આટલૈ જ થોડો હતો? એ તો એ બાળકને પોતાની ઓળખ ખુદ બનાવે એ જ દિશા તરફ વિચારે ચડી હતી. એકદિવસ બધા બાળકોને બોલાવી એ તમામને પ્રોત્સાહિત કરવા નાનું બાળસંમેલન ગોઠવી એમની અંદરની શકિતઓને વ્યક્ત કરતા શિખવ્યું વાચાના માધ્યમથી. તમામ બાળકોને સમજાવ્યાં કે એ જ્યારે બધાને શહેરમાં બોલાવે ત્યારે આવવાનું.

આજે અમદાવાદમાં જ રાજયકક્ષાના લેવલનો 'આવડતના અજવાળા'ના સંદર્ભે એક સેમિનાર યોજાયો હતો. જ્યાં નાની ઉંમરના બાળકો જેનામાં અનોખી આવડત હોય એમની કલાને દુનિયા સામે લાવી એને યોગ્ય ઓપ આપી એમની આવડતને નિખારવાની એ શ્રેષ્ઠ કોશિશ હતી.

થોડીવાર પછી એક ગાડીમાંથી નિયતી અને આઠ બાળકો ઊતર્યા. એમનો પહેરવેશ અને એમનો હાવભાવ અજાણ્યો હતો પણ મન મક્કમ હતું. આખા આયોજનના કેન્દ્ર બિંદુ એ બાળક જ હતા. નિયતીએ એની આગવી છટાથી બધાની વચ્ચે તેમના હુન્નરની વાત કરી. બધા એમની આવડતને વખાણતા જ રહી ગયા. નિયતીની ધીરજને પણ આવકારી. નિયતિએ બાળકોની મદદથી "ઔષધિ એ જ અજવાળું જીવનનું" પુસ્તક છપાવ્યુ. એ બાળકોના વિચાર,ઉપાય અને સાદી સીધી રીતોથી તંદુરસ્ત શરીર સાથેનું જીવન જીવવાના નિયતીના પ્રયાસો સફળ રહ્યાં.

આજે એ પુસ્તકમાં નિયતી અને બધા બાળકો હસતા હોય એ ફોટો 'ફ્રન્ટ પેઈજ' પર જોઈ એવું લાગે કે જ્ઞાનને સંઘરવા કરતા પિરસીએ તો એ વધુ ફાયદાકારક બને. અજવાળું જીવનને ચમકાવે પણ જ્ઞાનનું અજવાળું તો આખા માનવજીવનને નવી રાહ ચીંધે.....

લેખક : શિતલ માલાણી (શિતુ)
૧/૧૧/૨૦૨૦