Student speech books and stories free download online pdf in Gujarati

વિધાર્થીની વાચા

સંસ્કાર સભર શાળા...

નમસ્કાર,

મારા માટે બીજું ઘર એ તું જ છે ને તું શાળા.આપણે છેલ્લે ક્યારે મળ્યા હતા? તને તો મારો ચહેરો યાદ હોય કે ન હોય મને તો તારા પ્રાંગણથી માંડીને અગાશીના છેલ્લા પગથિયા સુધીના તારા ધબકારા યાદ છે. બધાને એમ જ હોય કે બાળકોને શાળાથી ભાગવું હોય ને સો ગાઉનું છેટું હોય. ના, ના એવું નથી કંઈ પરંતુ અમને કયારેક જ કંટાળો આવે. શાળાના ક્લાસરૂમ , વોટરરૂમ, ઓફિસરૂમ, કોમ્પ્યુટર રૂમ, લાઈબ્રેરી, રમતગમત નું મેદાન, સ્ટાફરૂમ અને એ ખાસ વાતો કરવા ભેગા થાય એ વોશરૂમ બધું યાદ આવે જ. અમારાથી જ આ શાળા ધમધમાટ કરે છે એવું લાગે જ કારણ મેં વેકેશનમાં શાળાના મુંગા ડુસકા મહેસુસ કરેલા છે.
એ શાળાના ચાલુ દિવસોમાં હું તેલ નાંખેલ વાળ અને શિસ્તબદ્ધ ચાલ સાથે જે પ્રવેશ મેળવું કે એક મન અને તનમાં અનેરી શાંતિ છવાઈ જાય છે સાથે સાથે શિક્ષકોનું સવારનો પહેલો ગ્લાસ હળદરના દૂધ જેવું બોલાતું 'શુભ સવાર' કેટલું અસરકારક નિવડતુ હોય એ અમે જ જાણી.

આચાર્યનું આગમન સાથે અસંખ્ય દેડકાનું ડ્રાઉ ડ્રાઉનું શાંત સરોવરમાં ફેરવાઈ જવું એ યાદ આવે છે. હળવી કસરત શરીરને ખડતલ બનાવે અને એ જ રાષ્ટ્ર ગીત સાથેનું તિરંગા નું અભિવાદન હું પુર્ણપણે ભારતીય છું એવું ગુમાન પ્રગટાવે એ કેમ ભૂલાય.

આજ આટલી બધી મને શાળા શું કામ યાદ આવી એવો વિચાર તમને આવતો હશે ને? હું એક વાત જણાવવા જ આવી છું કે આ કોરોનાની પરિક્ષા પુરી થઈ ગઈ એવું રખે ન સમજતા. કદાચ, હું સમજું હોવ ને બીજા ભુલ કરે. કયારેક ત્રીજો કોઈ ભુલ કરે ને બધા ભોગવે એવું ન થવા દેતા. અમે જ આવનારા ભારતનું ભવિષ્ય છીએ. અમારા જીવન સાથે રાજકારણની રમતો રમી અમને ડરના વમળમાં ન ફસાવતા. અમે ડરી ડરીને નહિ ભણી શકી. એક શિક્ષક કેટલાની સંભાળ રાખશે અને એક શિક્ષક કોરોનાને કેટલો દુર રાખશે અમારાથી. વિદ્યા જીવનમાં ગણતર થકી પણ આવે જ છે એ કોરોનાએ શિખવી દીધું છે. ફી, સંચાલન કે સંચાલક, રાજકારણ આ બધાથી દુર હટી જીવનને સાચવજો. આ મેનમેડ વાઈરસ છે કે કુદરતી છે તો જીવલેણ જ ને. શિક્ષક સંસ્કાર અને શિક્ષણના પાઠ ભણાવે છે એટલે એમનું જીવન પણ અમુલ્ય જ છે અમારા માટે.

અમે એક વર્ષ કે છ મહિના નહીં ભણી તો કોઈ જ આપતિ નહીં થાય પણ જો એકવાર કોરોનાગ્રસ્ત થયા તો જરૂર એક પરિવાર પર મુસીબત છવાશે. અમને અમારી પ્રાથમિકતા પહેલા આપો પણ આ શાળાને કોરોના નો દાગ ન લાગવા દો. કોઈ શિક્ષક ની ભુલ એવું સાંભળવા અમારા કાન રાજી નથી. અમારા ઘડતરના પાયા અને પાયાની ઈમારતોને મહેરબાની કરી હમણા છુટ ન આપતા.
અમને ખબર છે કે સેનિટાઈઝર સાથે રાખવાનું પણ મિત્રતાને નથી ખબર. અમને ખબર છે કે માસ્ક પહેરાય પણ બાળકોલક્ષી નાની બીમારી એ વાતથી અજાણ છે. ઈમ્યુનિટી અમને પણ ગમે છે વધારવી પણ કોઈના દિવેલીયા ચહેરે એ નાસ્તાની શું મજા?
હું ફરી એક વાર કહીશ ભારતનું એક બાળક છ મહિના કે આઠ મહિના નહીં ભણે તો કોઈ વાવાઝોડા નથી આવવાના પણ જો કોઈ એક વિધાર્થી ખોવાયો તો એ શિક્ષક કે શાળા અને એ વિધાર્થીઓના સહાધ્યાયીઓના મન મરી જશે ....
તો મારી પણ આ વાચાને વેગ આપો કે અમે ઘરે ભણશુ પણ ડરે ભણવા તૈયાર નથી..

એક વિચારશીલ વિધાર્થી...

' કોરોના તને મારી હાય લાગશે. તું કલંક છો વિદ્યાના ધામ પર.'

લેખક : શિતલ માલાણી
૧/૧૧/૨૦૨૦