Pin code - 101 - 95 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 95

પિન કોડ - 101

પ્રકરણ-95

આશુ પટેલ

‘હું તાજનો સાક્ષી બનવા તૈયાર છું, સર.’ મોડેલ કો-ઓર્ડિનેટર ઓમર હાશમી મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના સિનિયર ઈન્સ્પેક્ટર મહેશ દીઘાવકરને કહી રહ્યો હતો. નતાશાના અપહરણના દિવસે પોલીસે તેને પકડ્યો એ પછી તે હજી પોલીસ કસ્ટડીમાં જ હતો. મીડિયાએ અને વધુ પડતા ‘ઉત્સાહી’ બૌદ્ધિકોએ તેને છોડાવવા માટે પોલીસ પર દબાણ કર્યું હતું, પણ મુંબઈ પર આતંકવાદી હુમલાઓ થયા એટલે તેના પરથી બધાનું ધ્યાન હટી ગયું હતું.
‘તું પહેલા મોઢામાંથી ફાટ્યો હોત તો મુંબઈને આતંકવાદી હુમલાઓથી બચાવી શકાયું હોત. પણ હજી તારી પાસે હોય એટલી માહિતી આપી દે. તને તાજનો સાક્ષી બનાવવો કે નહીં એ તો મારા ઉપરી અધિકારીઓ નક્કી કરશે. પણ હું તને એટલી ખાતરી આપી શકું કે હું તને એન્કાઉન્ટરમાં ઉડાવી દેવાનો હતો એને બદલે તને જીવતો રહેવા દઈશ!’ સિનિયર ઈન્સ્પેક્ટર દીઘાવકરે કહ્યું.
ઓમર હાશમી થથરી ગયો. તેને થયું કે પૈસાની લાલચમાં અને મઝહબને બચાવવાની વાતોમાં ભોળવાઈને તે ભેખડે ભરાઈ પડ્યો હતો. તેને સદ્બુદ્ધિ સૂઝી નહીં તો આ ઈન્સ્પેક્ટર કે બીજો કોઈ અધિકારી તેને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખત!
‘મારો વિશ્ર્વાસ કરો. મને ખબર નહોતી કે એ લોકો આટલા ખતરનાક બૉમ્બ વિસ્ફોટ કરવાના હતા નહીં તો હું તેમની સાથે જોડાયો જ ન હોત’ ઓમરે કહ્યું.
‘પણ તને એ તો ખબર હતી જ ને કે એ હલકટોએ એક વૈજ્ઞાનિકની હમશક્લ એવી એક મોડેલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું અને તેની હત્યાને આત્મહત્યામાં ખપાવીને પોલીસને અવળા પાટે ચઢાવવાના હતા કે વૈજ્ઞાનિકે આત્મહત્યા કરી લીધી છે. તને એ કામ સારું લાગ્યું હતું?’ દીઘાવકરે કટાક્ષમાં કહ્યું.
‘ભૂલ થઈ ગઈ, સાહેબ. મને માફ કરી દો. મને એ સમજાયું એટલે જ હું તમને સહકાર આપવા તૈયાર થયો છું.’
‘બોલવા માંડ.’ દીઘાવકરે કહ્યું.
‘મને કાણિયાની ઑફિસ ક્યાં છે એની ખબર છે...’
‘ઑફિસ! કાણિયાના અડ્ડાને તું ઑફિસ કહે છે!’
‘સોરી, સર. આદતને કારણે બોલાઈ ગયુ.’ ઓમરે માફી માગી.
‘આગળ બોલ.’ દીઘાવકરે કહ્યું.
‘વર્સોવામાં કબ્રસ્તાન નજીક...’ ઓમરે આગળ જે માહિતી આપી એ સાંભળીને દીઘાવકર ચોંકી ઊઠ્યા.
* * *
‘સોરી સર, પણ આ ઓપરેશનમાં વરસોવા પોલીસને સામેલ ના કરો તો સારું. જો કે એ વિશેની જાણ જ વરસોવા પોલીસને ના કરો એવી હું આપને વિનંતી કરું છું. વરસોવા પોલીસે એક નિર્દોષ મુસ્લિમ યુવાનને ઘણા દિવસથી લોકઅપમાં ધકેલી દીધો છે. તેનો ગુનો એ હતો કે તેણે વરસોવા પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું હતું કે તેની સોસાયટી નજીકના વિસ્તારમાં કંઈક ભેદી પ્રવૃત્તિ ચાલી રહી છે. તે યુવાન એક જાગૃત નાગરિક તરીકે ઈકબાલ કાણિયાના અડ્ડા વિશે માહિતી આપવા ઈચ્છતો હતો, પણ કાણિયાના પીઠ્ઠુ અધિકારીઓએ તેની ફરિયાદ સાંભળવાને બદલે તેને અંદર કરી દીધો. તેને એટલો ફટકારાયો છે કે તે ઊભો રહી શકતો નથી. ઊભા રહેવાનું તો છોડો તે બેસી પણ શકતો નથી!’ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પંકાયેલા વાઘમારે આક્રોશભર્યા અવાજે ડીસીપી સાવંતને કહી રહ્યા હતા.
‘અરે! તમે મને કહ્યું કેમ નહીં?’ સાવંતે આઘાત અનુભવતા પૂછ્યું.
‘સોરી સર, પણ તમને કહ્યું હોત તો પણ તમે શું કરી શકત? તમને તો ઝોન અગિયારના ડીસીપી તરીકે બોરીવલી મોકલી દેવાયા હતા!’
‘આઈ કેન અંડરસ્ટેન્ડ, વાઘમારે. પણ છતાં મેં કઈક કોશિશ કરી હોત. હું શેખ સરને કહેત.’
સુષુપ્ત જ્વાળામુખી અચાનક ફાટે એ રીતે વાઘમારે ઉશ્કેરાઈ ગયા: ‘શેખ સરના હાથ પેલા હલકટ ગૃહપ્રધાને બાંધી રાખ્યા હતા. ઈકબાલ કાણિયાના ઈશારે નાચનારા ગૃહ પ્રધાને આ શહેરને બરબાદ કરવામાં મદદ કરી છે. આપણા ડિપાર્ટમેન્ટના ઘણા ગદ્દાર અધિકારીઓએ કાણિયા અને આઈએસને મદદ કરી છે, કાણિયાના પૈસે જલસા કરનારા ઘણા દેશદ્રોહી પત્રકારોએ આ શહેરની ઘોર ખોદી છે અને હ્યુમન રાઈટ્સના નામની બાંગો પોકારનારા ઘણા નીચ એક્ટિવિસ્ટ્સે માત્ર આ શહેરની જ નહીં આખા દેશની પત્તર ઠોકી છે. જેમણે ડઝનબંધ નિર્દોષ નાગરિકોનાં ખૂન કર્યા હોય એવા શૂટર્સને પોલીસ ફટકારે કે ગોળીએ દઈ દે ત્યારે માનવ અધિકારની દુહાઈ દેવા ધસી આવતા દેશદ્રોહી અને સમાજના દુશ્મન સમા કેટલાય માનવાધિકારવાદીઓ પેલા દેશપ્રેમી મુસ્લિમ યુવાનને મદદ કરવા તૈયાર નથી! તે યુવાન વરસોવા પોલીસ સ્ટેશનના લોકઅપમાં સબડી રહ્યો છે. મેં બીજા લોકો દ્વારા કેટલાક માનવાધિકારવાદીઓ સુધી વાત પહોંચાડી જોઈ. મને એમ હતું કે મુસ્લિમ યુવાન છે એટલે લઘુમતિ પ્રજાના રખેવાળો તેને જરૂર સહાય કરશે, પણ તેને મદદ કરવા એક પણ માઈનો લાલ આગળ ના આવ્યો. આ હલકટો ખુદ કાણિયાના ખૂની ભાઈઓ માટે માનવ અધિકારની દુહાઈ દઈને એક વાર આઝાદ મેદાનમાં ધરણા કરવા ઊભા રહી ગયા હતા. કાણિયાના ગુંડાઓએ મને કેટલીય વાર ગોળીઓ મારી અને આપણા ઘણા માણસો તો કાણિયાના શાર્પશૂટર્સની ગોળીના નિશાન બનીને કમોતે મર્યા એ વખતે એક પણ હરામી માનવ અધિકારવાદી મોંમાથી ફાટ્યો નહોતો કે બહુ ખરાબ થયુ. પોલીસવાળાઓ પણ માણસો જ છે અને તેમના માટે પણ અમે અવાજ ઉઠાવીશું...’
ભયંકર આક્રોશ સાથે બોલી રહેલા વાઘમારેને અટકાવતા સાવંતે કહ્યું: હુ તમારી લાગણી સમજુ
છું અને આ કડવી વાસ્તવિકતાથી મને પણ
દુખ થાય છે, પણ અત્યારે લાગણીશીલ બનવા
માટે આપણી પાસે સમય નથી. આપણે એક્શન વિશે વાત કરીએ. આપણી પાસે સમય બહુ
ઓછો છે. એટલે હમણા માત્ર કામની જ વાત કરીએ.’
‘સોરી, સર. હા, આપણી પાસે સમય બહુ
ઓછો છે. કાણિયાને કાબૂમાં નહીં લઈએ તો
આ શહેરને કબ્રસ્તાનમા ફેરવાતા કોઈ નહી
બચાવી શકે. એટલે કામની વાત કરું. આપણે
પેલી નતાશા નાણાવટીના પ્રેમીને અને નતાશાની હમશકલ વૈજ્ઞાનિકને બચાવવાની કોશિશ કરવી પડશે.’
‘અરે! નતાશા નાણાવટીને બચાવવા માટે તો છેક દિલ્હીથી આદેશ આવી ગયો છે, ખુદ વડા પ્રધાનનો!’ દીઘાવકરે કહ્યુ.
‘સર, મેં નતાશા નાણાવટીની વાત નથી કરી. મેં એમ કહ્યું કે આપણે તેના પ્રેમી સાહિલ સગપરિયા અને તેની હમશકલ વૈજ્ઞાનિક મોહિની મેનનને બચાવવાની કોશિશ કરવી પડશે.’
‘હું સમજ્યો નહીં, વાઘમારે. કાણિયાના અડ્ડા પર ત્રાટકીશું પછી કદાચ તે બન્ને વિશે કઈક ક્લુ મળશે.’ સાવંતે કહ્યું.
‘ક્લુ નહીં, તે બન્ને ખુદ વરસોવા પોલીસને મળી ગયા છે.’
‘વોટ?’ સાવંત ચોંકી ગયા. તેમને ખબર હતી કે મુમ્બઈ પોલીસમા વાઘમારે જબરદસ્ત નેટવર્ક ધરાવતા હતા. તેમને ઘણી વાર એ વાતના પુરાવા પણ મળ્યા હતા. અને એટલે તો તેમણે સ્પેશિયલ કે
સમા વાઘમારેને પાછા ફરજ પર બોલાવવાનો
આગ્રહ રાખ્યો હતો. પણ અત્યારે આટલી
મહત્ત્વની માહિતી તેમને મળે એ પહેલા વાઘમારેને મળી ગઈ હતી એનાથી તેમને આશ્ર્ચર્યાઘાતની લાગણી થઈ હતી.
જોકે તેઓ એ હકીકત પચાવે એ પહેલા વાઘમારેએ તેમને બહુ મોટો આંચકો આપી દીધો.: હા, સર. તે બન્ને અત્યારે વરસોવા પોલીસના કબજામાં છે. તે બન્નેને અત્યારે વરસોવા પોલીસ સ્ટેશન તરફ લઈ જવાઈ રહ્યા છે અને તેમને લઈ જઈ રહેલી પોલીસ વેન વરસોવા પોલીસ સ્ટેશનમાં પહોંચશે એ પછી તે બન્ને ત્યાંથી બહાર નહીં આવે, તે બન્નેની લાશ જ બહાર આવશે!’

(ક્રમશ:)