Pincode - 101 - 107 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 107

પિન કોડ - 101

પ્રકરણ-107

આશુ પટેલ

ઈશ્તિયાક દેશદ્રોહી વૈજ્ઞાનિક સાથે વાત કરી રહ્યો હતો એ દરમિયાન કાણિયાના એક માણસના ફોન પર કોઈનો કોલ આવ્યો.. સામેની વ્યક્તિએ કહેલા શબ્દો સાંભળીને તેના ચહેરા પર ભયની લાગણી ઊભરી આવી. તેણે કહ્યું: ‘મૌલવીજીના ઘરની બહાર પોલીસ આવી ચડી છે! ડઝનબંધ વાહનોમાં સેંકડો પોલીસ કર્મચારીઓ આવી ચડ્યા છે.’
તેના એ શબ્દો સાંભળીને કાણિયા ડઘાઈ ગયો. ઇશ્તિયાકના ચહેરા પર પણ તનાવ ઊભરી આવ્યો. તેણે વૈજ્ઞાનિક તરફ જોયું. વૈજ્ઞાનિકે આંખોના ઈશારાથી જ કહ્યું કે સાહિલ કે મોહિની પાસેથી પોલીસને આ જગ્યા વિશે ખબર નથી પડી.
ઈશ્તિયાકને સમજાયું. પોલીસ બેકરી તરફથી નહોતી આવી, મૌલવીજીના ઘરની બહાર આવી હતી. એટલે સાહિલને કારણે બેકરીની બહાર રસ્તા પર જે અંધાધૂંધ ગોળીબાર થયો એને લીધે પોલીસ નહોતી આવી. કાણિયાના કહેવા પ્રમાણે બેકરીની બહાર જે રોડ હતો એ રોડ મુખ્ય રસ્તા સાથે જોડાતો હતો ત્યાં સુધીની તમામ દુકાનો કાણિયાના માણસોની જ હતી. અને તેમણે વફાદારી નિભાવી હતી. અને તે બધાને તો એ ખબર પણ નહોતી કે મૌલવીજીના ઘરમાં થઇને પણ એક ગુપ્ત રસ્તો કાણિયાના અડ્ડામાં આવે છે. તો પછી પોલીસ સુધી માહિતી પહોંચાડી કોણે? એ વિચાર ઇશ્તિયાક અને કાણિયા બંનેને સતાવી રહ્યો હતો. તે બન્ને એ વાત ભૂલી ગયા હતા કે તેમનું એક પ્યાદું પોલીસના હાથમાં હતું. વિચારવાનો પણ સમય ન મળે એ ઝડપે બની રહેલી ઘટનાઓ દરમિયાન તેઓ ભૂલી ગયા હતા, ઓમર હાશમી પોલીસના કબજામાં હતો. બીજી એક વાત પણ તેમના મગજમાંથી નીકળી ગઈ હતી કે સાહિલ અને મોહિની જે રિક્ષામાં ભાગી છૂટ્યાં હતાં એ રિક્ષાવાળો પણ અંધાધૂંધ ગોળીબારનો સાક્ષી હતો અને તેને પણ એક ગોળી છરકો કરી ગઈ હતી. જો કે અત્યારે તેમની પાસે લાંબું વિચારવાનો સમય પણ નહોતો.
કાણિયાએ તેના એક ગુંડાને કહ્યું: ‘બધાને એલર્ટ કરી દો, પોલીસને અટકાવવા માટે.’
આ દરમિયાન ઈશ્તિયાકે વૈજ્ઞાનિક તરફ જોયું. વૈજ્ઞાનિક આંખોથી જ સમજી ગયો. તેણે કહ્યું: ‘હજી થોડો સમય લાગશે.’
ઈશ્તિયાકે કહ્યું: ‘સ્પીડ વધારી દઈએ તો?’
‘તો પણ થોડી મિનિટ તો લાગશે જ.’ વૈજ્ઞાનિકના ચહેરા પર પણ ઉચાટમિશ્રિત ભયની લાગણી હતી.
‘આપણે પેલી, તમે કહેતા હતા એ, જગ્યાએ જતા રહીએ.’ ઈશ્તિયાકે કાણિયાને કહ્યું.
‘એ જગ્યાએ જવા માટે મૌલવીજીના ઘરમાં થઈને જવું પડે એમ છે!’ કાણિયાએ કહ્યું.
‘એટલે? એ જગ્યાએ જવાનો બીજો કોઈ રસ્તો નથી?’ ઈશ્તિયાકના અવાજમાં ઉચાટ ભળ્યો.
‘બીજો રસ્તો છે પણ એ માટે બેકરીમાંથી બહાર નીકળીને સાત બંગલો તરફ થઈને ફરી યારી રોડ પર થઈને ત્યાં જવું પડશે.’ કાણિયાએ કહ્યું.
‘તો એ રસ્તે થઈને જઈએ. મને થોડો સમય જોઈએ છે.’ ઈશ્તિયાકે ઉતાવળે કહ્યું.
એ રસ્તેથી પેલી સોસાયટી સુધી પહોંચવા માટે અત્યારે સેંકડો પોલીસવાળા જમા થયા છે એમની વચ્ચેથી નીકળવું પડે! ‘અને આકાની પરવાનગી પણ ક્યાં મળી છે આ જગ્યા છોડવા માટે?’ કાણિયાએ કહ્યું. કટોકટીભરી ક્ષણોમાં પણ તેના અવાજમાં કટાક્ષ ભળી ગયો હતો.
ઈશ્તિયાક સમજી ગયો કે કાણિયા રિસાયેલા બાળકની જેમ જીદે ચડ્યો છે. તેને એક ક્ષણ માટે તો તેના પર કાળ ચડ્યો, પણ તેને સમજાયું કે અત્યારે કાણિયાની મદદ વિના પોલીસથી બચવાનું અને છેલ્લું મિશન પૂરું કરવાનું મુશ્કેલ છે. એટલે તેણે આ તબક્કે તેની સર્વોપરીતા સ્વીકારી લેવાનું નક્કી કર્યું. મોટાભાગના પાવરફુલ માણસો મુશ્કેલીમાં મુકાઈ જાય એવા મોટાભાગના કિસ્સાઓની પાછળ તેમનો અહમ જવાબદાર હોય છે. ઈશ્તિયાકે અત્યારે પોતાનો અહમ કોરાણે મૂકી દેવાનું નક્કી કર્યું.
‘આપણા મતભેદો વિશે આપણે પછી વાત કરીશું. અત્યારે તો અહીંથી સલામત રીતે બહાર નીકળી જઈએ.’ ઈશ્તિયાકે વિનંતીના સૂરમાં કહ્યું.
ઈશ્તિયાકના એ શબ્દોથી કાણિયાનો અહમ સંતોષાયો. જેમ અહમને કારણે મુસીબતો આવી પડતી હોય છે એ જ રીતે અહમ પડતો મૂકવાથી મુસીબતોમાંથી માર્ગ કાઢવાનું સહેલું પણ થઈ જતું હોય છે. ઘણીવાર માણસ પોતાના હાથ નીચેના માણસો સામે અપમાનિત થાય ત્યારે પોતાના હાથ નીચેના માણસોને પોતાનો પાવર, પોતાની મહત્તા બતાવી દેવા આફત વહોરી લેતો હોય છે. તે પોતાને અપમાનિત કરનારને પાઠ ભણાવીને પોતાના માણસોને બતાવી દેવા કોઈની સાથે બાખડી પડતો હોય છે. દુનિયાના મોટાભાગનાં યુદ્ધો કોઈના ને કોઈના અહમને કારણે જ સર્જાતાં હોય છે. પાવરફુલ માણસ પોતાના અહમને કારણે કોઈને બરબાદ કરતો હોય છે.
ઈશ્તિયાકે અત્યારે કાણિયાનો અહમ પોષીને તેને મનાવી લીધો. આઈએસના ચીફ કમાન્ડરે પોતાની સામે ઝૂકી જવું પડ્યું એનાથી કાણિયાને સંતોષ થઈ ગયો. તેણે પોતાના અને ઈશ્તિયાકના માણસોની સામે સાબિત કરી દીધું હતું કે મારા વિના આઈએસ પણ કશું કરી શકે એમ નથી.
‘બેકરીથી થોડે દૂર એક સોસાયટી છે એમાં પણ મારા મિત્રો છે. તેમને પૂછી જોઉં.’ કાણિયાએ કહ્યું.
ઈશ્તિયાકને ફરી એકવાર ગુસ્સો આવી ગયો, પણ તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો. તેને ખબર હતી કે કાણિયાએ આ વિસ્તારમાં કોઈને વિનંતી કરવાની જરૂર નથી. તેના ઈશારે સેંકડો લોકો જાન દેવા તૈયાર હતા એ તેણે જોયું હતું.
‘પૂછી જુઓ.’ ઈશ્તિયાકે અત્યંત સંયત અવાજે કહ્યું.
એ વખતે પેલા ડોક્ટર્સમાંથી એક ડોક્ટર કાણિયાને ઉદ્દેશીને બોલી ઊઠ્યો, ‘ભાઈ, મારી હોસ્પિટલની ઉપરનો ફ્લોર હું મારા નિવાસસ્થાન તરીકે વાપરું છું. ત્યાં તમે સલામત રહી શકશો. મારા ઘરની લિફ્ટ પણ અલગ છે અને તે મારી હોસ્પિટલના પાછળના ભાગમાં છે. એટલે કોઈને ખબર પણ નહીં પડે કે તમે બધા મારા ઘરમાં છો.’
ઈશ્તિયાકે કશી જ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી.
પણ તેના મનમાં શું વિચાર આવ્યો હશે એ સમજી ગયેલો કાણિયા મનોમન સમસમી ગયો. અત્યારે દોઢડહાપણ કરનારા તે ડોક્ટરનું લબોચું ભાંગી નાખવાની તેને ઈચ્છા થઈ. જો કે તે ડોક્ટર તેનો મિત્ર હતો. હકીકતમાં કાણિયા તે ડોક્ટરને જ કહેવાનો જ હતો કે તને વાંધો ન હોય તો અમે તારે ત્યાં આવી જઈએ. તે ડોક્ટર કાણિયાની આર્થિક મદદથી જ ભણી શક્યો હતો અને તે ડોક્ટર બની ગયો એ પછી તેને હોસ્પિટલ શરૂ કરવા માટે પણ કાણિયાએ જ પૈસા આપ્યા હતા. અને એટલે જ તેણે ઉમળકાભેર કાણિયાનું ઋણ ચૂકવવા ઓફર કરી હતી. જો કે તેને સમજાયું નહોતું કે કાણિયા ઈશ્તિયાકને ઝુકાવવાની છૂપી મજા માણી રહ્યો હતો એ વખતે તેણે વચ્ચે ડબકું મૂકીને કાણિયાને તકલીફ પહોંચાડી હતી.
કાણિયા બે સેક્ધડ માટે ચૂપ રહ્યો. એ વખતે મોબાઈલ ફોન પર વાત કરી રહેલા તેના એક ગુંડાએ ગભરાયેલા અવાજે કહ્યું, ‘ભાઈ, પોલીસે મૌલવીજીના ઘરની બહાર જમા થયેલ આપણા સમર્થકો પર લાઠીચાર્જ શરૂ કરી દીધો છે!’
‘બરાબર છે. અત્યારે બીજે ક્યાંય જવાને બદલે તારા ઘરે જવાનું જ બહેતર રહેશે,’ કાણિયાએ કહ્યું. અને એ સાથે તે બધા બેકરી તરફ જવા ઊભા થયા. કાણિયાએ બેકરીની પાછળના બાથરૂમમાંનો ગુપ્ત દરવાજો ચણી લેવાનો આદેશ થોડા કલાક પહેલા જ આપ્યો હતો, પણ એ તોડી પાડવામાં બહુ સમય નહોતો લાગવાનો. કાણિયાએ પોતાના એક ગુંડાને કહ્યું: ‘અબ્દુલને કોલ કરીને કહે કે પેલા દરવાજાની જગ્યાએ ચણી લીધેલી દીવાલ તરત જ તોડાવી નાખે. આપણે એ રસ્તેથી બહાર જવાનું છે.’
કાણિયાનો વફાદાર માણસ અબ્દુલને કોલ લગાવે એ પહેલા જ તેના મોબાઈલ ફોન પર અબ્દુલનો કોલ આવ્યો.
તે ગુંડાએ કોલ રિસિવ કર્યો અને સામેથી કહેવાયેલા શબ્દો સાંભળીને તે ગભરાયેલા
અવાજે બોલી ઊઠ્યો: ‘ભાઇ, અબ્દુલ કહે છે કે બેકરી તરફથી પણ પોલીસ આવી ગઇ છે!’
કાણિયાને લાગ્યું કે તેના બારેય વહાણ ડૂબી ગયાં છે. તે બરાડી ઊઠ્યો: ‘બધું જ ખતમ થઈ ગયું!’
જોકે એ દરમિયાન પેલા વૈજ્ઞાનિકે કંઈક કહ્યું એથી ઈશ્તિયાકના ચહેરા પર ઉત્તેજના છવાઈ ગઈ હતી. તેને કાણિયાના બરાડા પ્રત્યે ધ્યાન ન આપ્યું!
કાણિયાના અડ્ડાને પોલીસે બન્ને બાજુથી ઘેરી લીધો હતો, પણ ઇશ્તિયાક જાણે હવે આ બધી આફતોથી અલિપ્ત હોય એ રીતે વર્તી રહ્યો હતો. તેણે પેલા વૈજ્ઞાનિકની સાથે વાત ચાલુ રાખી.
કાણિયાએ તેને ઉદ્દેશીને બૂમ પાડી: ‘બેવકૂફ, અહીં આપણા જીવ જોખમમાં છે ત્યારે પણ તને નવો હુમલો કરાવવાની પડી છે?’
ઈશ્તિયાકે કાણિયાની સામે જોયા વિના કાણિયાના માણસોને કહ્યું: ‘તમે બન્ને બાજુએ મોરચો સંભાળી લો. માત્ર પાંચ મિનિટ માટે તમારે પોલીસને અંદર આવતા અટકાવવાની છે.’
કાણિયાના ગુંડાઓ પણ હેબતાઈ ગયા હતા. તેઓ કશું વિચાર્યા વિના બેકરી તરફ અને મૌલવીના ઘર તરફ દોડ્યા. તેમણે કાણિયાની પરવાનગી લેવાનું પણ જરૂરી ના ગણ્યું.
કાણિયાની ધીરજનો અંત આવી ગયો. તેણે ઈશ્તિયાકને ગાળ આપતાં કહ્યું: ‘%*,પાંચ મિનિટ પછી તારો બાપ તને બચાવવા આવવાનો છે? તે મને બરબાદ કરી નાખ્યો. *%*’
ઈશ્તિયાકના ચહેરા પર અપાર્થિવ ભાવ હતો. તેણે અત્યંત સંયત અવાજે કહ્યું: ‘ના. પણ પાંચ મિનિટ પછી પોલીસ પણ આપણી સાથે ફૂંકાઈ જશે!’
કાણિયાને જાણે સનેપાત ઉપડી ગયો હોય એમ તે ઈશ્તિયાકને બેફામ ગાળો આપવા લાગ્યો. જો કે ઈશ્તિયાકે તેની ગાળો અને તેના ભયમિશ્રિત આક્રોશ-રોષ સામે આંખ આડા કાન કર્યા. તેણે અત્યંત સ્વસ્થ ચિત્તે પેલા વૈજ્ઞાનિકને સૂચના આપી. એ સાંભળીને વૈજ્ઞાનિક સાથે કાણિયાના પણ હોશ ઊડી ગયા! ઈશ્તિયાકના શબ્દો સાંભળ્યા પછી હચમચી ગયેલા કાણિયાને પોતાના અડ્ડાને પોલીસે ઘેરી લીધો હતો એ આફત અત્યંત ક્ષુલ્લક લાગવા માંડી!
(ક્રમશ:)