Pruthvivallabh - 15 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 15

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૫. માધવનો સંયમ

બીજે દિવસે સવારે રસનિધિ સ્નાનસંધ્યા કરી શિવને બીલી ચઢાવવાને મિષે જે મહાદેવના પ્રતાપની વાત લક્ષ્મીદેવીએ કરી હતી તેનું દર્શન કરવા ગયો.

શિવાલયમાં વિલાસને ધ્યાન ધરતી જોઈને રસનિધિ થોડી વાર ઊભો રહ્યો અને તે કોમળ લાવણ્યવતી બાલિકાને અરસિક વૃદ્ધોને શોભે એવા પદ્માસનને પણ મોહક બનાવતી જોઈ. એક પળવાર તેનાં બીડેલાં નેત્રોનો રૂપાળો ઘાટ, અંગરેખા, અસ્પષ્ટ છતાં અપૂર્વ મરોડ તે કવિની દૃષ્ટિએ જોઈ રહ્યો અને તે જોતાં-જોતાં તેનું હૃદય તે વૈરાગ્યની જ્વલંત આંચે ચીમળાઈ રહેલી વેલને રસ સીંચી બચાવવા તલસી રહ્યું.

પોઠિયો ક્યાં હતો તે તેણે નજરમાં ઘાલ્યું, અને પાસે જઈ શંકર પર બીલી ચઢાવી અને બારણા આગળ જઈ વિલાસ ધ્યાનમાંથી પરવારે તેની વાટ જોતો ઊભો.

થોડી વારે કોઈ આવ્યું. રસનિધિ પાછો ફર્યો અને સત્યાશ્રયને આવતો જોઈ જાણે બીલી ચઢાવી પાછો જતો હોય તેવો ડોળ ઘાલી મંદિરનાં પગથિયાં ઊતરવા લાગ્યો.

‘કોણ છે ?’ સખ્તાઈથી, ભવાં ચડાવી સત્યાશ્રય બોલ્યો.

‘હું અવંતીનાથનો કવિ છું.’

‘મહાસામંત છોડાવી લાવ્યા તેમાંનો ?’

તિરસ્કારપૂર્ણ સવાલથી રસનિધિએ પણ સ્થિર દૃષ્ટિએ જોયા કર્યું :

‘હા.’

‘અહીંયાં કેમ આવ્યો છે ?’

‘શંકરનાં દર્શન કરવા,’ તોછડાઈથી રસનિધિએ કહ્યું.

‘તમારે માટે ગામમાં શિવાલયો ઘણાં છે. આમાં કોઈને જવાનો હુકમ નથી.’

‘શંકરભુવન સદાયે સઘળાંને જ માટે હોય છે. અમારે ત્યાં તો એવો નિયમ છે, અહીંયાં કેવો છે તેની મને ખબર નથી.’

સત્તાપૂર્ણ ઉચ્ચારણથી સત્યાશ્રયે જોયું, અને આવા નજીવા માણસ જોડે જીભાજોડી ન કરવા માત્ર આટલું જ કહ્યું : ‘ઠીક ! હવે ખબર પડી ને ?’

રસનિધિ જાબ આપે તે પહેલાં સત્યાશ્રય ત્યાંથી ચાલ્યો ગયો. કવિએ થોડી વાર હોઠ દાબી જોયા કર્યું. સરસ્વતીના ભક્તને ન છાજે એવો ગુસ્સો તેના હૃદયમાં ભરાઈ આવ્યો હતો.

તે મંદિરની પાછળ જઈને ઊભો અને થોડી વારે સત્યાશ્રય બહાર નીકળી રાજમહેલમાં ગયો એટલે તે પાછો મંદિરમાં આવ્યો. વિલાસ મહાદેવજીની પૂજા કરતી હતી.

‘કેમ વિલાસવતીબા !’ રસનિધિએ પૂછ્યું, ‘શું કરો છો ?’

‘હમણાં જ ધ્યાન કરી રહી.’

‘ભલું તમને આવી રમણીય સવારે અહીંયાં કેદ થઈ રહેવું ગમે છે !’

‘મને એમાં કેદ લાગતી જ નથી. ધ્યાન ધર્યા વિના ચિત્તવૃત્તિનો નિરોધ કેમ થાય ?’

‘નિરોધ શા માટે કરવો જોઈએ તેની જ મને તો સમજ પડતી નથી.’

‘જુઓ ની, ઉદાયમતી નથી તેથી તેમને કેટલું શોષવું પડે છે ?

નિરોધ હોય તો એવું ન સહેવું પડે.’

રસનિધિ હસ્યો : ‘તમને ઉદયામતી યાદ રહી ગઈ લાગે છે.’

‘હા, આખી રાત તેનાં અને પેલું નાટક કહ્યું હતું તેનાં સ્વપ્નાં આવ્યાં કર્યાં.’

‘આ તમારો નિરોધ કે ?’

‘મારામાં જરાક કલંક પેઠું છે ખરું,’ વિલાસે હસીને કબૂલ કર્યું,

‘પણ હું તો હજીય કાચી છું.’

‘ભોળાનાથ કરે ને તમે પાકાં ન થાઓ.’

વિલાસવતીએ મૂંગે મોઢે શંકર પર ફૂલ ચડાવ્યાં અને પગે લાગી તે બેઠી.

‘હવે ક્યા જશો ?’

‘મૃણાલબાને પ્રણામ કરી આવું.’

‘મૃણાલબા તો પૃથિવીવલ્લભને પાંજરામાં પૂરવાના છે તે જોવા ગયાં છે.’

‘ત્યારે શું કરું ? પેલું તમારું નાટક કહો જોઈએ. તમારે ક્યાં જવું છે ?’

‘ના,’ રસનિધિએ કહ્યું, ‘એ નાટક સાંભળી શું કરશો ? તેમાં શુષ્ક વૈરાગ્ય નથી, સંયમ નથી, ચિત્તવૃત્તિનો નિરોધ નથી. તેમાં તો બે નિર્દોષ, નિખાલસ, હૃદયનાં હેતાળ બાળકોની કતા છે. તે એકબીજાને પ્રાણથી પણ અધિક માનતાં. એકબીજાને જોવામાં જ મુક્તિની સિદ્ધિ માનતાં. તેમને હૃદયે ત્યાગની અંધારી નહોતી, તેમની ઊર્મિઓ પર ઉપવાસનો અંકુશ નહોતો.

તમે તેમની કથા સાંભળી શું કરશો ?’

‘મારી બાએ સાંભળી તો હું શા સારુ ન સાંભળું ?’

રસનિધિ રસભરી દૃષ્ટિથી વિલાસ તરફ જોઈ રહ્યો. ‘સાંભળો ત્યારે. વિદર્ભરાજના અમાત્ય દેવરાતનો પુત્ર માધવ પદ્માવતીમાં ભ્યાસ કરવા આવ્યો. ત્યાં અચાનક તેણે મદનોદ્યાનમાં અમાત્ય ભૂરિવસુની પુત્રી માલતીને જોઈ અને તે પ્રેમઘેલો થઈ ગયો.’

‘પ્રેમઘેલો !’

‘હા, તમારી ભાષામાં કહીએ તો એક પળમાં તેણે સંયમ અનુભવ્યો.’

‘તે કેમ ?’

‘તેણે માલતી પર ચિત્ત ઠેરવી ધારણા કરી; તેની સાથે એકતાનતા સાધી ધ્યાન કર્યું; અને તેને જ જોઈ રહી પોતાનું સ્વરૂપ તે વસીરી ગયો એ જ સમાધિ -શ્ક્રસ્ર્ૠક્રશ્વઙ્ગેંશ્ક્ર ગધ્સ્ર્ૠક્રઃ’.

વિલાસના હસવાનો પાર રહ્યો નહિ, ‘વાહ રે એનો સંયમ !’

‘તેમને તે માટે આટલાં વર્ષો જોઈએ તે તેણે એક પલકમાં અનુભવ્યું.’

‘પછી ?’

‘પછી શું ? બિચારો માલતી વિના અધીરો બન્યો. તેણે તેના મિત્રને પોતાનું દુઃખ કહેવા માંડ્યું -’

‘શું ?’

‘- કે તે હતી ત્યારે જે હૃદય વિસ્મયતાથી સ્તબ્ધ થયું, ભાવશૂન્ય બન્યું, અમૃતમાં નાહ્યું હોય તેમ આનંદથી બની રહ્યું તે તેના વિના અંગારનો સ્પર્શ થયો હોય તેમ બળ્યું-બળ્યું થઈ ગયું.’

‘અરે બિચારો !’

‘એટલે શું થયું ? ન મપાય એવો, ન વર્ણવાય એવો, જન્મારામાં ન અનુભવાયેલો એવો, વિવેકના વિનાશથી વધતા મોહને લીધે ગહન એવો વિકાર તેને સંતાપવા લાગ્યો, જડ કરવા લાગ્યો. બિચારો ભ્રમિત થઈ ગયો. આંખમાં આંસુ લાવી મિત્ર મકરંદને કહેવા લાગ્યો : ‘મિત્ર, પડી વસ્તુ પરખાતી નથી; સરોવરના શીતળ જળમાં, મીઠી ચંદ્રિકામાં પણ તાપ શમતો નથી. ભાઈ ! મન કંઈ ચોંટતું નથી - ભમે છે - કંઈ કંઈ દેખે છે.’ રસનિધિ માત્ર વાત નહોતો કહેતો, ભાવો અનુભવતો હતો. તે વિલાસ, શિવાલય, માન્યખેટ વીસરી ગયો; તેની આંખોમાં કંઈ જુદું જ તેજ આવ્યું. ધીમેથી તે હૃદયના ઉદ્‌ગારો ભવભૂતિના શબ્દોમાં કાઢવા લાગ્યો.

‘દુનિયામાં ચંદ્રકળા છે - ઘણીયે વસ્તુ વિજયી છે; પ્રકૃતિથી મધુર બની મનને આનંદ આપે છે. પણ જ્યારે મારી વિલોચન ચંદ્રિકા મારી નજરે ચડી ત્યારે જ મારા જીવનનો મહોત્સવ થયો.’ આવો મહોત્સવ કરનારીને કોણ વીસરે ? માધવનો કંઈ વાંક હતો ? તે તો માલતીને અહીંતહીં, અગાડીપછાડી, બહાર અને અંદર દશે દિશામાં જોવા લાગ્યો.’

રસનિધિ અટક્યો. તેણે ઊંડો શ્વાસ લીધો. બોલતાં તેનું હૃદય પીગળી ગયું હતું. નિસાસો નાંખી તેણે કહ્યું : ‘જેણે આ ન જ અનુભવ્યું હોય તે પ્રેમસમાધિમાં શું સમજે ?’

વિલાસ તો આ શબ્દોથી, આ ભાવથી દિઙ્‌મૂઢ બની જોઈ જ રહી. તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.

‘વિલાસવતી ! આ નાટકનો પહેલો અંક.’ રસનિધિએ પણ ધોતિયાના છેડા વતી આંખ લૂછી.

‘કવિરાજ ! તમને પણ આંખમાં આંસુ આવ્યું ?’

‘ન આવે ? અત્યારે હું પણ માધવની જ સ્થિતિ ભોગવું છું. ક્યાં હું ને ક્યાં મારી ઉદયામતી ?’

થોડી વાર એ બંને જણ મૂંગાં મૂંગાં ઊભાં રહ્યાં.

‘બાકીનું નાટક હવે પછી કહેજો,’ વિલાસે આશ્વાસન આપતાં ધીમા, હેતાળ અવાજે કહ્યું.

‘જેવી ઇચ્છા,’ કહી રસનિધિએ ફરીથી નિસાસો મૂક્યો.

હેતભર્યા હૈયાએ ભીની કરેલી આંખો સહિત વિલાસ જોઈ રહી.

‘ચાલો ત્યારે રજા,’ થોડી વારે રસનિધિએ કહ્યું. ‘હા,’ કહી બંને મૂંગાં મૂંગાં છૂટાં પડ્યાં.