Bhadram Bhadra - 9 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 9

ભદ્રંભદ્ર - પ્રકરણ - 9

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૯. પ્રસન્નમનશંકર

ભદ્રંભદ્ર વિશે પ્રસન્નમનશંકરે પહેલેથી સાંભળ્યું હોય તેમ લાગતું હતું. ઘેર જઈ આજના બનાવની વાતો પૂરી થઈ, એટલે તેમણે ભદ્રંભદ્રને કહ્યું,

'મેં આપના આતિથ્યકારને ગૃહે શિવશંકર દ્વારા આપનું અન્વેષણ કરાવ્યું હતું. આપ સારુ મેં અશ્વદ્વયાકૃષ્ટચતુશ્ચક્રકાચગવાક્ષસપાટાચ્છાદાનસમેતરથ પ્રેષિત કર્યો હતો; પણ આપ સંમિલિત થયા નહિ. આપનું ચરિત્ર શ્રવણ કરી હું સાનંદાશ્ચર્ય પ્રાપ્તિ છું. આપ મોહમયીમાં નિવાસ કરો, ત્યાં મમ આતિથ્યગ્રહણ ક્રિયતામ્, એ રીતે મને આપનો સમાગમલાભ અધિગત થશે. મારે આપની સહાયતાની આવશ્યકતા છે. સુધારાવાળા મારા શત્રુ છે. તેઓ પંડિત બની મને દુર્વિદગ્ધ ઠરાવવા મથે છે. પણ હું સૌરાષ્ટ્ર્વાસી પડ્યો એટલે મારે જાતે તો શત્રુને પણ પ્રિય વચન કહેવાં પડે. તેમની પ્રકટિત પ્રશંસા કરવી પડે, પણ આપ જેવાની દ્વારા તેમના પર નિન્દવર્ષણ થઈ શકશે. વળી વાદવિવાદમાં કે લેખનશક્તિમાં હું કોઈ સમય પરાજિત ન ગણાઉ એ પણ આવશ્યક છે, માટે હું જાતે તેમાં પ્રગટ થઈ ઊતરતો નથી. આપને હું સર્વ રીત્યા સંતુષ્ટ કરીશ. મેં પોતે પુસ્તક તો લખી રાખ્યાં છે. પણ મારા સદૃશ પવિત્ર પુરુષની પવિત્ર કૃતિને દુષ્ટ સુધારાવાળાઓની અપવિત્ર ટીકાનો સ્પર્શ ન થાય માટે આપ સદૃશ કોઈ વિદ્વાનના નામથી તે પ્રસિદ્ધ કરવાનો વિચાર છે. નહિ તો પછી મારાં બીજાં પુસ્તકપ્રસિદ્ધસાદૃશ્યેન એ પણ કલ્પિત નામ્ના પ્રસિદ્ધ કરત. આપે "વિદ્યાઢગ" નામે ગ્રંથકારનાં પુસ્તક વાંચ્યા હશે. "પ્રૌઢબોધ", "સુલભ કીર્તિ માર્ગ", એ સર્વે મારી કૃતિઓ છે.'

ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, 'ઓહો! ત્યારે તો આપને હું પુસ્તક દ્વારા સારી રીતે ઓળખું છું. મેં આપનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો છે, હું મારા ભાષણમાં આપનાં વચનોનાં પ્રમાણ પણ આપું છું. પણ મને તો સાંભરે છે કે એ પુસ્તકોમાં 'વિદ્યાઢગ' ને બદલે 'વિદ્યાઠગ' નામ હતું અને તે આપ જ એમ વિદિત નહોતું. કદાચ વિનય માટે એવું નિરભિમાન નામ ધારણ કર્યું હશે એમ હું ધારતો હતો. પણ હવે આપનું ખરું ઉપનાઅ સમજાયું.'

પ્રસન્નમનશંકર કહે, 'એ તો મુદ્રાલયે અક્ષરસમસનવ્યાપૃત પુરુષો દુષ્ટ સુધારાવાળાના મળતિયા હશે કે હું ઢકારને સ્થાને ઠકાર મૂકી દીધો. ઠગ શબ્દની વ્યુત્પતિ યાવન નહિ પણ સંસ્કૃત છે. એટલે મને વિશેષ ખેદ થયો નહિ. પ્રથમ તો એક કવિતાનું પુસ્તક રચ્યું છે તે આપને દર્શાવું. આપ, સદૃશને નામે તે પ્રગટ કરી મારી પ્રૌઢતા સચવાય તેવી વિખ્યાતિ પામતું જણાશે તો પછી દ્વિતીય આવૃત્તિમાં મારું વાસ્તવિક કર્તૃત્વ પ્રકાશિત કરીશ. નહિ તો પછી કીર્તિનો લાભ નથી. હું કેવો નિઃસ્પૃહી છું તે આપને રામશંકર કહેશે. વર્તમાનપત્રવાળાને મારે ધન આપી મારી પ્રશંસા કરતા અટકાવવા પડે છે. પણ તે એવો લોભી છે કે કોઈ પ્રસંગે સુધારાવાળાની નિંદા કરાવવી હોય ત્યારે પુનઃ પુનઃ ધનપ્રાર્થના કરે છે. સંસારમાં નિર્લોભીને લોભી સાથે વ્યવહાર કરવો પડે છે, તે અપશોચ કરવા જેવું છે. મારા કાવ્યનો પણ એ જ અંતર્ગત વિષય છે. એમાં સુધારાવાળ પર ઘણા ગુપ્ત આક્ષેપ કર્યાં છે. ભય એ છે કે એ આક્ષેપ તેઓ સમજશે નહિ. અર્થભાવ લેશ માત્ર ન સમજાય, એમાં જ કાવ્યનું સૌંદર્ય છે. કેમકે સમજાય તેવી કવિતા તો બધા રચી શકે. પણ આ આક્ષેપ સમજાય એ તો ઉદ્દેશ છે, માટે આપ તે જોઈ જુઓ. જુઓ આ એક દેડકા પર અન્યોક્તિ છે:

ભુજંગીઅહો દેડકા! સત્વરં ઉત્પતંત,કર અશ્મવૃષ્ટિ યુવા પારસીક;ન સ્પર્શે પ્રહારો તને લેશ માત્ર,સુધારાથી નૈપુણ્ય નૈપુણ્ય સાર.

અહીં પ્રસંગ એવો છે કે, એક વેળા હું વર્ષાઋતુ સમયે અમારા અશ્વપાલની વ્યાધિગ્રસ્તતાને લીધે ચાલતો જ કોર્ટમાં જતો હતો. ત્યાં વિસ્તીર્ણ ભૂમિમાં પાણી ભરાઈ રહ્યું હતું અને તેમાં એક દેડકો હતો. તેને પારસીના છોકરા પથરા મારતા હતા. તોપણ તે એવો ત્વરાથી કૂદતો હતો, કે તેને પથરા વાગતા નહોતા. આ ભાવયુક્ત દર્શનથી મારા કવિત્વપૂર્ણ હ્રદયમાં ઉદ્દીપન થયું અને સાયંકાળે મારા વીરસસહિત ગૃહ પ્રતિ સત્વર આગમન કરતાં ગૃહે પહોંચતાં પહેલાં જ આ શ્લોક જોડી કહાડ્યો. પછી 'દુર્દરશતક' રચ્યું. છેલ્લી લીટીમાં સર્વ રહસ્ય છે. તેનો અભિહિત અર્થ એ છે કે દેડકા, તારું નૈપુણ્ય સુધારા અર્થાત્ સુધારાવાળાથી સારું છે. તાત્પર્યાર્થ કે સુધારાવાઆને તારા જેટલું નૈપુણ્ય પણ નથી આવડતું કે લોકનિંદાપ્રહારમાંથી બચી શકતા નથી. આ તો અન્યોક્તિ છે. એક સુધારાવાળો યુવક પારસીક દેડકા જેવો બધે ફરતો ફરે છે અને લોકો પર નિંદા રૂપી અશ્મ ફેંકે છે, પણ તેને પ્રકર્ષ નામ મહોટા હારો અર્થાત્ સુવર્ણ મોતીના હારો અર્થાત્ ધન લેશમાત્ર મળતું નથી, તેનો આક્ષેપ છે કે સુધાર કરવા કરતાં નૈપુણ્યથી ધનસંચય કરી હું વિશેષ લાભ પામું છું. બીજો આક્ષેપ સુધારાવાળા સ્પર્શાસ્પર્શનો ભેદ રાખતા નથી, વળી પારસીઓ સાથે ભોજન કરે છે તેમના પર છે. પારસીઓ ખીચડીના ગોળા કરી મહોંમાં અધ્ધર નાખે છે, તેને અશ્મવૃષ્ટિની ઉપમા આપી છે. કવિતા બહુ મનોહર છે, એમ આપ કહી શકશો. બધા મળી આવા પચાસ આક્ષેપ આ એક જ શ્લોકમાં છે. એટલે આખા શતકમાં ૫૦૦ આક્ષેપ સુધારાવાળા પર છે, એ મહા આનંદની વાત છે. કવિતાનો આનંદ અનુપમ કહેવાય છે. તે આપને અનુભવથી ગમ્ય થશે.'

ભદ્રંભદ્ર કહે, 'આવી ,મનોહર કવિતા મેં કદાપિ જોઈ નથી. વાહ! આપની રસિકતા અલૌકિક છે. આપણા પક્ષમાં મહાકવિ કોઈ થયો નથી. તે ખોટ આપ પૂરી પાડશો. હું તો આપ તત્ત્વચિંતક છો એટલું જ જાણતો હતો.આપનું કવિત્વ મને વિદિત નહોતું. આ દેશમાં સુધારાવાળાની સંખ્યા પાચ હજાર પણ નથી. એકેક આક્ષેપ એકેક જણ લે તો નિરુત્તર અને ખિન્ન થઈ વાગ્બાણથી શત્રુ વર્ગ નાશ પામે અને આ 'દર્દુરશતક'થી જ દેશનો ઉદ્ધાર થાય તો પછી મારે વ્યાકરણના પ્રશ્ન પૂછી સુધારકોને નિરુત્તર કરવાની આવશ્યકતા રહે નહિ.'

પ્રસન્નમનશંકર કહે, ' આપ વ્યાકરણમાં કુશળ છો એ આનંદની વાત છે. મારા પુસ્તકમાં સુધારાવાળાના એ વિષયના અજ્ઞાન પર મેં બહુ આક્ષેપ કર્યા છે. ઉદાહરણનાં ખરાં રૂપ ન આવડવાથી સ્થળે સ્થળે વાક્ય મારે અપૂર્ણ સ્થિતિમાં રાખવાં પડ્યાં છે, તે આપથી જાણી લઈ પૂર્ણ કરી દઈશ. વિદ્વત્તાનો ઢગ મેં આપ જેવાની પાસેથી જ સંગ્રહ કર્યો છે. એથી સુધારાવાળાઓ મને 'વિદ્યાઠગ' કહે છે. પણ હું સુધારાવાળા કરતાં વિદ્વાન છું, એવું આપ આ કાવ્યની પ્રસ્તાવનામાં લખી શકો, તો અસત્ય નહિ કહેવાય; એ આપે ઉપરની કૃતિથી જાણ્યું હશે.'

આવી વિદ્વદ્ગોષ્ઠિમાં એક પછી એક દિવસ જવા લાગ્યા. કોઈ કોઈ વખત કુશલવપુશંકર આવીને બેસતા. તે વખતે એમના કાકા પુસ્તક પ્રસિદ્ધ કરવાની યુક્તિની, સુધારાવાળા પર બીજા મારફત નિંદાવર્ષણ કરાવવાના ઉપાયની વાત નહોતા કરતા. એ હોય ત્યારે તો ઈ.સ. ૧૫૮૦માં ઈંગ્લાંડમાં જોન ટેલર નામે થયેલા કવિ વિશે પ્રસન્નમનશંકર બહુ વાતો કરતા. એ કવિનાં 'જલ-કવિ' અને 'હલ્લેસાં-પ્રેરક' નામે ઉપનામ એમને બહુ પ્રિય હતાં. વાક્યે વાક્યે તેનાં 'પાવલાનો પ્રવાસ', 'ભિક્ષા અને ભિક્ષાવૃત્તિની પ્રશંસા', પૃથ્વી પૈડા પર ચાલે છે, એક કેદખાનાની પ્રશંસા અને સર્વ જાતની ફાંસીનું ઉત્તમ રહસ્ય તથા આવશ્યક ઉપયોગ. નામે ગ્રંથોનાં વચનપ્રમાણ આપવાનો અભ્યાસ તેઓ રાખતા. કુશલવપુશંકર વિદ્વત્તાથી છલકાઈ જતા આ સંભાષણથી ચકિત થઈ કહેતા કે અમે આટલું બધું અંગ્રેજી ભણ્યા પણ આ 'જલ-કવિ'નું નામ સાંભળ્યું નથી, તો પછી વચન તો ક્યાંથી પાઠે હોય? એક વખત તો કુશલવપુશંકર એટલે સુધી બોલી ગયા કે તમે મને તમને 'પંડિત કાકાજી' કહેવાનું કહ્યું છે તે યથાયોગ્ય છે.

પ્રસન્નમનશંકર કહે, 'મૂર્ખ, મેં તને ક્યારે કહેવાનું કહ્યું હતું? તું તારી મેળે એમ કહી બોલાવે છે.'

રામશંકર કહે, 'સત્ય છે. ગઈ કાલે જ કોઈ મળવા આવ્યું હતું. તેને આપ કહેતા હતા કે કોણ જાણે શાથી મારો ભત્રીજો કુશલવપુ મને પંડિત કાકાજી કહી બોલાવે છે. તે મળવા આવનારે પણ કહ્યું કે બાળકો અને યુવાનો નિરીક્ષણ બહુ ચતુરાઈથી કરે છે, મહોટી ઉંમરના અદેખાઈથી ઝટ ગુણગ્રાહી થતા નથી. પણ કુશલવપુભાઈ જરા વ્યવહારમાં કાચા છે.'

કુશલવપુશંકર બોલ્યા, 'વ્યવહાર વેદમાં વિહિત નથી. પણ સુધારાવાળાનું ખંડન કરવા તેનું જ્ઞાન આવશ્યક છે અને આવશ્યક પ્રતિ પ્રવૃત્તિમાં શ્લોકબંધ પ્રમાણ છે એટલે છૂટકો નથી. સુધારાવાળા પ્રમાણ વિના શી રીતે ચલાવી શકે છે તે બહુ આશ્ચર્યની વાત છે. મૂર્ખોને વિદિત નથી કે આપણા પૂર્વજો એવા વિચારવંત હતા કે ખાવા, પીવા અને ઊંઘવાનાં પણ પ્રમાણ આપી ગયા છે કે પ્રમાણભાથે આપણે કોઈ સમય સંશયગ્રસ્ત ન થઈ જઈએ અને કિંકર્તવ્યમૂઢ ન થઈ જઈએ.'

પ્રસન્નમનશંકર કહે, 'સંશયગ્રસ્તતા એટલું મહોટું સંકટ છે કે ધનની સહાયતા વિના તેમાંથી છુટાતું નથી. મારા શ્રેષ્ઠત્વ વિશેના ઘણાના સંશયનો છેદ એમ જ થયો છે. પણ અમારા ડચીમામાના સંશય સમક્ષ તો સર્વ નિરુપાય. રામશંકર, એમનો ઈતિહાસ કહો.'

રામશંકર કહે, ડચીમામા ભાઈસાહેબના મામા થાય. એમનું રહેવું ઘણા વર્ષથી અહીં જ થાય છે. પણ વહેમી બહુ, એક વેળા આખી ગાડીમાં બેસીને જતાં સંશયમાં પડી ગયા કે વખતે પૈડાં સાથે આખી ગાડી પણ ચક્કર ફરે તો આપણું શું થાય? નીકળાય નહિ અને ગાડી ઉપરતળે થાય તો આપણે તો ફજેતીમાં આવીએ! તે દહાડાના શક ખાઈ ગયા, તે ગાડીમાં જ નથી બેસતા. બહુએ સમજાવીએ છીએ પણ વહેમની કંઈક કચાશ રહી જાય છે. એક વખત જમતાં જમતાં શકમાં પડી ગયા કે વખતે ખાધેલું વાંસા તરફ ઊતરી જાય, તો પેટમાં કંઈ ન આવે. ખાતે ખાતે ભૂખ્યા ને ભૂખ્યા! ગમે તેટલું ખાઓ પણ પેટમાં કોયલી જ! તે દહાડાના એવા વહેમમાં પડી ગયા છે, કે ખાતી વખતે ડાબે હાથે બોચી પછાડીથી સજ્જડ ઝાલી રાખે છે, કે વાંસા તરફ કંઈ ઊતરે જ નહિ. વૈદ્યરાજે એમની સમક્ષ બહુ ખુલાસા કર્યા પણ શક પૂરો થયો નથી. પણ એ વહેમ ખાઈ જવાની વૃત્તિ આખરે સદ્ગુણ છે. સુધારામાં ન ભળ્યા તો પણ એ જ કારણથી. એક વખત એમને ગામ એવી સંગતમાં હતા અને સ્ત્રીઓને ભણાવવાની સભામાં દાખલ થવાના હતા. પણ એવામાં શક લાગી ગયો કે બાયડીઓને ભણાવીએ ને વખતે તે તો કહેશે, કે અમે જંગલી લાકડાંથી ચૂલો નહિ સળગાવીએ, પણ વિલાયતી દીવાસળીઓ બાળી રાંધીશું, તો અધધધ ! એટલી બધી દીવાસળી ક્યાંથી લાવીએ! વિલાયત લેવા જઈએ તો તો નાતબહાર મૂકે. એવા વહેમમાં પડી ગયા કે પોતાની છોકરીને નિશાળે મોકલે નહિ, એટલું જ નહિ પણ પાસેના ગામમાં નિશાળ હતી, તે તરફની સીમમાં ઘરની ગાયને ચરવા જવા પણ દે નહિ, કે વખતે ભણેલું ઘાસ ચરી આવે. ભાઈસાહેબે એમના વહેમની ખાતરી કરી આપી કે સ્ત્રીઓને ભણાવી પંડિત બનાવીએ તો પછી આપને પંડિત કોણ કહેશે? બ્રહ્માને ત્યાં પંડિતની સંખ્યા તો બાંધેલી છે.'

સ્ત્રીકેળવણીનો પ્રસંગ નીકળ્યાથી ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, 'સ્ત્રીકેળવણી વિષે તો સંશય રહે, એ જ સંશયની વાત છે. અનાદિકાળથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે સ્ત્રીઓને કેળવણી ન આપવી જોઈએ. સ્ત્રીઓને કેળવણી આપવાની હોત તો ઈશ્વર વેદમાં ન લખત કે સ્ત્રીઓને કેળવણી આપજો? ઉપનિષદોમાં કોઈ કોઈ ઠેકાણે ભણેલી સ્ત્રીઓ વિશે લખ્યું છે પણ તે તો વાસ્તવિક રીતે ભણેલા પુરુષો માટે છે, એમ વ્યાકરણાદિની સહાયતાથી સિદ્ધ કરી શકાય છે, તો પછી શું આપણે એવા મૂર્ખ છીએ કે અણગમતા અર્થનો આગ્રહ કરીએ? સ્મૃતિપુરાણો તો વેદવિરુદ્ધ હોઈ શકે નહિ એટલે તેમના પ્રમાણ વિશે ચિંતા નથી. તર્ક વાપરીએ તો પણ એ જ અનુમાન નીકળે છે. આપણે આર્યો શ્રેષ્ઠ છીએ. તેથી આપણામાં કાંઈ ખોટું હોઈ શકે નહિ, તે માટે આપણા દેશમાં હાલ ચાલે છે, તે બધું બરોબર છે. તો આ દેશમાં હાલ સ્ત્રીઓ ભણતી નથી તે પણ બરોબર છે. વળી એક વિદ્વાન કહે છે કે ફીજી બેટમાં એગુટી નામે એક પ્રાણીની જાત છે, તેની માદાને મગજ નથી હોતું તેથી સિદ્ધ થાય છે કે કુદરતમાં સ્ત્રીજાતિને ભણવાની ગોઠવણ નથી, કેમ કે તેમને મગજ નથી.'

પ્રસન્નમનશંકરે પૂછ્યું, ' એ ઉદાહરણ આપે કોની પાસેથી અધિગત કર્યું?'

ભદ્રંભદ્ર કહે, 'અત્યંત આહારથી પ્રખ્યાત થયેલા શંભુપુરાણીના ભાણેજ વલ્લભરામ ગામડાના છતાં આ મોહમયીમાં નિવાસ કરી આંગ્લ ભાષા શીખ્યા છે. તે આર્યપક્ષના છે અને આ દેશનું સર્વ સારું જ અને પરદેશનું સર્વ ખોટું જ એમ સબળ આગ્રહ કરે છે, તોપણ પ્રસંગે પાશ્ચાત્ય લેખકોના મત આપણા પક્ષને અનુકૂળ હોય ત્યારે તેનાં પ્રમાણ લેવાં ચૂકતા નથી. માત્ર પ્રતિકૂળ હોય ત્યારે જ તેને વિદેશીય અનુકરણ કહી હસી કહાડે છે. તેમના પુસ્તકમાં આ ઉદાહરણ વાંચવામાં આવ્યું. આપ એમને ઓળખતા હશો.'

પ્રસન્નમનશંકર કહે, ' સારી રીત્યા ઓળખું છું. મારા આશ્રિત છે. પણ ગર્વને લીધે આશ્રિતપદથી પોતાને ઓળખાવતા નથી, તેથી કંઈક અંતર રહે છે. એક ઠેકાણે એમને સારા વેતનની કારાગૃહપાલની પદવી અપાવવાનો વિચાર છે કે પછી મારા સદ્ગુણ સત્વર એમના ધ્યાનમાં આવે અને તે પુસ્તકોમાં પ્રગટ કરે. પાશ્ચાત્ય પ્રમાણ ઉતારવાની વલ્લભરામની પદ્ધતિને હું સંમત નથી. આપણા ઋષિઓના ગ્રંથોમાં શું એવાં પ્રમાણ નથી? અને એ રીતિનાં પ્રમાણ ન હોય તો પારમાર્થિક જ્ઞાનથી ક્યાં બે ભિન્ન પ્રમાણોનો અભેદ થઈ શકતો નથી? જલકવિ વિના બીજા કોઈ પાશ્ચાત્ય લેખકનાં વચન હું ઉતારતો નથી અને મારી વિદ્વતાની તુલના કરવા માટે તેમ કરું છું. જલકવિ, હું અને કાલિદાસ એ ત્રિપુટીનો તેજોરાશિ સમુચિત થાય એથી જગતને બહુ લાભ છે. સ્ત્રીકેળવણીની અયોગ્યતા તો ઉપલા પ્રમાણ વિના પણ સિદ્ધ છે. સ્ત્રીઓ મૂર્ખ છે તેથી તેમને ભણાવવી ઘટે નહિ. ભણ્યા પછી બુદ્ધિનું બળ વધે છે પણ સ્ત્રીનું ભૂષણ તો નિર્બળતામાં છે. અબલા બુદ્ધિબળ પ્રાપ્ત કરે એ પ્રકૃતિના શાશ્વત નિયમોથી ઊલટું છે. સ્ત્રીઓના કામકાજમાં કેળવણીની આવશ્યકતા પડતી નથી. કેળવાયેલાથી પ્રત્યેક કામકાજ વધારે સારું થાય છે, એ પાશ્ચાત્ય મત આપણને માન્ય નથી. સ્ત્રીઓને માત્ર ધર્મજ્ઞાનની આવશ્યકતા છે. ધર્મજ્ઞાન માટે વિદ્વત્તાની આવશ્યકતા નથી. પુરુષો વિદ્વાન થયા પછી ધર્મજ્ઞાન સારું સમજી શકે છે એ ક્રમ સ્ત્રીઓને લાગુ પડતો નથી, કેમ કે સ્ત્રીઓ તે પુરુષ નથી. વળી સ્ત્રીઓ કેળવણીનો ખોટો ઉપયોગ કરે છે માટે તેમને મૂર્ખ રાખવી જોઈએ. પુરુષો કેળવણીનો ખોટો ઉપયોગ કરે છે, ત્યારે કેળવણીનો દોષ નથી હોતો પણ વ્યક્તિ પરત્વે સ્વભાવનો દોષ હોય છે. કારણ ઉપર કહ્યું તે જ. એ રીતે અનેકાનેક કારણોથી સુધારવાળાનો પક્ષ પરાભૂત છે.'

એવામાં ડચીમામા બહારથી આવ્યા. તેમને જોઈ પ્રસન્નમનશંકર કહે,'અમારા ડચીમામા સાથે આપને વધારે પ્રસંગ થશે તો એટલા સંશય કહાડતાં શીખશો કે સ્ત્રીઓને ભણાવવાના લાભના એક એક કારણનું આપ ખંડન કરી શકશો.'

ડચીમામા કહી, 'પ્રસન્નમનશંકરભાઈ જગતમાં સહુથી મહોટા છે, એ વિના એક એક વાત વિશે શક છે. સ્ત્રીકેળવણી વિરિદ્ધ તો ઝટ શક કહાડાય છે. સ્ત્રીકેળવણીથી આપણા પુરુષોને શો લાભ છે તે સિદ્ધ થયા વિના આપણાથી તેનો આરંભ કેમ થાય? અને આરંભ કર્યા વિના સિદ્ધ કેમ થાય? તો પછી સ્ત્રીકેળવણી કેમ અપાય? હું એક સમે સમુદ્રતટે બેઠો હતો ત્યારે પાઘડી સમુદ્રમાં પડી અને શક ગયો કે સમુદ્રદેવ છે તેણે પોતે પાઘડી ખેંચી લીધી હશે તો પાછી નહિ આપે. લેવા માંડીએ ને ન મળે ત્યાં સુધી જણાય પણ કેમ કે તેણે હાથે કરી લીધી? અને તે જાણાયા વિના લેવા જવાય પણ કેમ ? એ શંકામાં હું ઉઘાડે માથે ઘેર આવ્યો. તેના જેવી આ વાત છે.'

ડચીમામાની વિચારશક્તિથી અને દેવ પરની શ્રદ્ધાથી ભદ્રંભદ્ર ચકિત થયા. તેમની સાથે વધારે પરિચય થતો ગયો તેમ તેમ ભદ્રંભદ્ર પોતાના શક તેમને પૂછ્તા ગયા. તે શકમાં ડચીમામા ઉમેરો કરતા ગયા.

રામશંકરના કહેવાથી ખબર પડી કે ભદ્રંભદ્રને વધારે વાર પરોણા રાખવાનું કારણ એ હતું કે સુધારાવાળા વિરુદ્ધ પુસ્તક લખાવવા એક માણસ પગાર આપી રાખવાનો કોઈ શ્રીમંત પાસે પ્રસન્નમનશંકરે વિચાર મૂક્યો હતો. પગારમાંથી અરધો ભાગ પ્રસન્નમનશંકરે તેમની વિદ્વતા માટે ભેટ આપવાની મરજી જણાવી ભદ્રંભદ્રે થોડા વખત માટે એ જગા કબૂલ કરી. પ્રસન્નમનશંકર જે વિષય બતાવે તે લેવો એવી આજ્ઞા હોવાથી "રૂઢિ પ્રશંસા"નો વિષય પ્રથમ લીધો. ભદ્રંભદ્રે સૂચવ્યું કે 'જે રૂઢિઓને શાસ્ત્રનો આધાર ન હોય તેમને માટે આધાર શોધી કહાડી બતાવવો એ આ ગ્રંથનો હેતુ રાખવો, કેમકે તર્કથી રૂઢિની ઈષ્ટાનિષ્ટતા સિદ્ધ કરવી કે નિરર્થક વ્યવહારમાં લાભાલાભ જોવો એ નિરુપયોગી છે, કારણ કે શાસ્ત્રાનુસરણ એ જ લાભ છે. વ્યવહારમાં જ્યાં લાભ ન જણાય ત્યાં માયા ભ્રાંતિ કરાવે છે તે જ્ઞાનથી દૂર થશે. શાસ્ત્રાધાર બતાવવો એ જ રૂઢિની ખરી પ્રશંસા છે.'

પ્રસન્નમનશંકર કહે, 'એ સત્ય છે. રૂઢિનું ધાતુ "રુહ" છે "રુહ્" એટલે વધવું. માટે પ્રથમ પ્રકરણમાં કોઈ વય અને જ્ઞાનથી રૂઢ પુરુષની પ્રશંસા આવવી જોઈએ.'

ભદ્રંભદ્ર કહે, 'આપ જેવા યોગ્ય પ્રશંસાપાત્ર બીજા કોણ હોય? માટે આપની જ પ્રશંસા ઘટે.'

પ્રથમ પ્રકરણમાં વાંચનારનો પ્રશંસાના વિષયમાં પ્રવેશ થાય માટે મહાપુરુષ પ્રસન્નમનશંકરનું જીવનચરિત્ર પ્રશંસા સાથે લખવામાં આવ્યું. એમની જન્મની તારીખ અને મુંબાઈ આવ્યાની તારીખ સિવાય બીજી કોઈ તારીખે એમના જીવનમાં જાણવાજોગ બનાવ બનેલા નહોતા, તેથી એ રાજવંશમાં જન્મ્યા હોત તો કેવા પ્રતાપી થાત, ઋષિઓના સમયમાં જન્મ્યા હોત તો એમની રચેલી કેટલી સ્મૃતિઓ પ્રમાણભૂત ગણાતી હોત, એ મુંબાઈમાં ન આવ્યા હોત તો જગતમાં કેવી રીતે કેવા કેવા અનર્થ થઈ જાત, ઇતિહાસના મહોટા બનાવ વખતે એઓ હોત તો અનેક દેશોના ઇતિહાસનું સ્વરૂપ કેવું કેવું બદલાયેલું માલમ પડત, એવી એવી રચનાથી સર્વ ધાતુઓના સંકેત ભૂતકાળ એમના ચરિત્રમાં આપવામાં આવ્યા.

બીજું પ્રકરણ "રૂઢિસ્વરૂપ" વિશે હતું. રૂઢિનું લક્ષણ શું આપવું એ બહુ કઠણ પ્રશ્ન લાગ્યો. લક્ષણમાં નિષિદ્ધ દોષ એકે ન આવે અને સ્વરૂપથી રૂઢિનું પ્રમાણ અને ઇષ્ટતા સિદ્ધ થઈ જાય એવી વ્યાખ્યા ભદ્રંભદ્ર ખોળતા હતા. પ્રસન્નમનશંકરની ઇચ્છા એવી હતી કે લક્ષણ એવું સંપૂર્ણ આપવું કે તેથી રચનારની વિદ્વતા સિદ્ધ થાય. લક્ષણ જડે તો 'શ્રીયુત પ્રસન્નમનશંકરે કૃપા કરી આ લક્ષણ બતાવી આપ્યું છે', એવું પુસ્તકની ટીકામાં રચનારે પ્રસિદ્ધ કરવું. એવી તેમની ઇચ્છા હતી. કુશલવપુશંકર અને ડચીમામા પણ આ ચિંતનમાં સહાયક થયા. કુશલવપુશંકર કહે કે 'દુઃસાધ્યતા એ છે કે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનું શાસ્ત્રરૂપ એક્ય છતાં રૂઢિ તેથી સ્વતંત્ર પ્રવર્તે છે, છતાં માયા પ્રમાણે રૂઢિ ભ્રાંતિ કરાવનાર નથી પણ માન્ય અને પ્રમાણભૂત છે એમ દર્શાવવાનું છે. ઉત્તમ માર્ગ એ છે કે અદ્વૈતવાદનું પ્રમાણ લેવું અને શાસ્ત્ર અને રૂઢિ એ બેનો પરમાર્થ દૃષ્ટિએ અભેદ છે તેથી રૂઢિ શાસ્ત્રનું જ રૂપ છે એમ વ્યાખ્યામાં કહેવું.'

ડચીમામા કહે, 'મને લાગે છે કે આપણા ઘયડીઆઓએ જ્યારે બહુ વિચાર કર્યો હશે ત્યારે તે વિશે કંઈ લેખ કર્યો હશે. માટે ટાંકા, તળાવ, હવેલીઓ, મંદિરો ખોદાવી નાખી ઊંડી તપાસ કરવી જોઈએ તો ધરતીમાંથી રૂઢિ વિશે જડે ખરું. ત્યાં સુધી આપણાથી રૂઢિ વિશે કંઈ નવું કેમ પ્રસિદ્ધ થાય? વખતે એમનો મત એથી જુદો જ માલમ પડે તેથી, આખો ભરતખંડ ખોદાવી તપાસ કર્યા વિના આ ઉતાવળ થાય છે એમ મારું માનવું છે.'

ભદ્રંભદ્ર કહે, 'કાળને સીમા નથી ને કોઈ દિવસ પણ એ ખોદાવવાનું કામ પૂરું થઈ રહે એમાં સંશય નથી; તથાપિ ગ્રંથ કરવામાં ધન પ્રવૃત્તિહેતુ છે એવી વિસ્મૃતિ થવી ન જોઈએ, કેમકે તેવી વિસ્મૃતિ માટે પ્રમાણ નથી. તો પછી પૂર્વજોનો રૂઢિઓ બાંધવામાં શો આશય હશે એ જાણવાની આવશ્યકતા રહેતી નથી, જે આપણને, ઠીક લાગતો હોય અને જેથી આપણો પક્ષ સબળ થતો હોય, તે તેમનો આશય ઠેરવવો એ આપણી પ્રવર્તમાન યુક્તિ છે. વળી બહુ શ્રમ કરવો પડે નથી, કેમકે આપણા પૂર્વજોના જે આશય તેઓને અજ્ઞાત હતા તથા આપણને પણ અજ્ઞાત છે, તે અમિરિકામાં થિયોસોફિસ્ટ લોકોને જડ્યા છે અને અપૂર્વ છે, તે છતાં તે ગ્રહણ કરતાં વાધો નથી. આપણા દેશમાં બનતા વાસણ હવે વિલાયતથી બનીને આવે છે. તે લેવાની સુધારાવાળા ના નથી પાડતા તો પછી આપણી રૂઢિઓનાં કારણ અમેરિકાથી થિયોસોફિસ્ટ લોકો બનાવી કહાડીને મોકલે તે લેવાની આપણે શું કામ ના પાડીએ? અને કંઈ નહિ તો પછી પ્રાણવાયુથી ક્યાં બધાનાં કારણ જોડી કહાડતાં નથી? મારો તો મત એ છે કે એ કારણો શોધવા કરતાં શાસ્ત્રનાં પ્રમાણ શોધી કહાડવાં. જેટલાં શ્લોક એટલાં શાસ્ત્ર છે એટલે એમાં ક્દી કઠિનતા નહિ પડે. કારણો, આશય, લાભાલાભ એ સહુ જોવાથી શાસ્ત્ર પર વિશ્વાસ કંઈક ઓછો થાય છે અને અંતે કંઈક કર્તવ્યની વિસ્મૃતિ થાય છે. અન્નદેવનો અનાદર ન કરવો એ શાસ્ત્રાજ્ઞા અનુસરવા માટે જ આપણે દ્વિજવર્ગ નિત્ય ભોજન કરીએ છીએ. માત્ર કારણ જોનારા, ખાવાથી લાભ છે કે નહિ એમ વિચારનારા શૂદ્ર ભિખારીઓ શાસ્ત્રાજ્ઞા નથી જાણતા, તેથી જ ઘણી વાર ભૂખ્યા પડી રહે છે. લાભાલાભની પરિક્ષા કરવાની અગત્ય જ નથી. તેથી રૂઢિદેવીને અનુસરવામાં આંખો મીંચી ઘસડાયા જવું એમ આપણા પૂર્વજો કહી ગયા છે.'

પ્રસન્નમનશંકર કહે, 'ધનથી ઇતર લાભાલાભસ્ય ઉપરિ દૃષ્ટિ કરવાનું શાસ્ત્રેષુ વિહિત નથી અને ધનવ્યવહારમાં આપ વદો છો તેમ આંખો બંધિત રાખવાનું આવશ્યકતાનું છે. એવ. તસ્માત્ હમણાં રૂઢિની વ્યાખ્યા પ્રસિદ્ધ કરવામાં બાધ નથી પણ કોઈ ભૂલ શોધી કહાડી અસ્માકં દોષ ન દર્શાવે માટે એવે યુક્તિ ક્રિયતામ્ કે એક વ્યાખ્યા વર્તમાનપત્રેષુ મુદ્રિત કરવો કે 'કશ્ચિત્ એકદા અજ્ઞાન, પણ અધુના સુબુદ્ધિ સુધારાવાળો આર્યપક્ષમાં ભળી રૂઢિની આવી વ્યાખ્યા આપે છે. તેમાંની સકળ અપૂર્ણતા લખી મોકલનારને આટલું પારિતોષિક આપવામાં આવશે. જે ભાગ જેને સત્ય જણાય તેણે તેટલું પણ જણાવવું' એથી સર્વેષાં મત આવી મળવાથી તેની સહાયતા વડે આપને નિશ્ચિંતપણે અસ્માકં વ્યાખ્યા રચીશું'

આ યુક્તિથી સર્વ પ્રસન્ન થયા. વ્યાખ્યા સુધારાવાળાના નહિ પણ આર્યપક્ષના દ્રષ્ટિબિંદુ, ઘડવાની હતી તેથી ઝાઝી હરકત પડી નહિ, મંત્રણા કરતાં અંતે નીચેની વ્યાખ્યા પત્રોમાં છપાવવાનું ઠર્યું:

"રૂઢિ તે આર્ય સમય સમય અને સ્થાન સ્થાનની ભિન્નતાને અનુસરી અને સનાતન શાસ્ત્રોનું વેદધર્માનુયાયી ઐક્ય જાળવી સર્વ દેશકાળને અનુકૂળ થયેલી, પણ એક અચળ ધ્રુવ રહેલી, લોકોને આચારવિચાર, ભોજન, પાન, ઇંગિત ચેષ્ટા, ગાયન, નૃત્ય, વાચન, લેખન, જ્રાંભણ, છિક્કાકરણ, પર્યટન, જનન, મરણ, વિવાહસ્ય, કરણ, નિરાકરણ, ભજન, પૂજન, દાયસ્ય, પ્રાપન, અપહરણ, સ્નાન, મુંડન, પરિધાન, આચ્છાદન, વચન, દર્શન, વેપન, ઘર્ઘરાયણ, શયન, જાગરણ, લંઘન, ભૂતગ્રસન, ધ્યાન, માર્જન, વ્યવહાર, વૈરાગ્ય એ સર્વમાં બિદ્ધિના ઉપયોગ વિના, ચક્ષુના ઉદ્ઘાટન વિના, શાસ્ત્ર નિરીક્ષણ વિના, વિવાદના પ્રયત્ન વિના, ગૌરવની ગણના વિના, અવમાનના ખેદ વિના, સુખની અપેક્ષા વિના, ઉન્નતિની ચિંતા વિના, વિરોધિતાના ભાન વિના, લાભના દર્શન વિના, સારાસારના વિવેક વિના, મૂઢ ભાવથી પૂજ્ય બુદ્ધિથી અને અકારણ ગર્વથી આર્યોને પ્રવર્તાવનાર, દિવ્ય, માનનીય શાસ્ત્રવિમુખ છતાં શાસ્ત્રરહસ્ય, ભૂત, ભક્તજનોના હસ્તપદ માટે લોહશૃંખલા અને કંટ માટે વધસ્તંભ ધારણ કરનાર દેવીરૂપ પ્રસિદ્ધ સંપ્રદાય, તે લતાપ્રહારથી પ્રવૃત્તિ કરાવે, મુખરોધનથી નિવૃત્ત કરાવે, મૂર્ખ દ્વારા સુવિચારનું હાસ્ય કરાવે, અંધ દ્વારા સુમાર્ગનો પ્રતિબંધ કરાવે, અનક્ષર વર્ગને મુખરિત કરે, વિદ્વદવર્ગને મૂક કરે, એવા એવા અનેક ચમત્કારથી આર્ય દેશના અપૂર્વ અંધકારમય દીપ થઈ રૂઢિ જગતને વિસ્મયથી ચકિત કરે છે. એનો પ્રભાવે એવો છે કે તેના સેવકો દુઃખ કરતાં તેના કોપથી વધારે ડરે છે; સુખ કરતાં તેના પ્રસાદ વધારે ઈચ્છે છે, ડહાપણ કરતાં તેનું અનુસરણ વધારે શ્રેયસ્કર ગણે છે, તેના સેવકો તેની ભક્તિમાં લીન થઈ રૂઢિશત્રુઓનાં સુખ સાધવાનો યત્ન વ્યર્થ કરી તેમની નિંદા, ઉપદ્રવ અને બહિષ્કારથી પીડે છે. અધોગતિને કલ્યાણ કહેવડાવનાર, પાપને પુણ્ય ગણાવનાર, મલિનને શુદ્ધ મનાવનારા, વિચ્છિન્નને અખંડ સ્વીકારાવનાર, અયુક્તને વૈદગ્ધ્વક્ત અંગીકાર કરાવનાર તેનો મહિમા અધરોત્તર છે."

આ જાળ પાથરી તેમાં સંખ્યાબંધ પક્ષીઓને આવી પડતાં વાર લાગે તેમ હતું. કેટલાંક તો પકડયા વિના ઊંચેથી આવી જાળ પાથરનારને માથે ચાંચ મારી જશે એવી ભીતિ હતી. તેથી ધૈર્ય ધરી અને સાવધાન થઈ વાટ જોવાની જરૂર હતી. એ યુક્તિથી વિધિ પૂરો થાય તે દરમિયાન ભદ્રંભદ્રે રૂઢિ માટે શાસ્ત્રનાં પ્રમાણ એકઠાં કરવા માંડ્યા. ઘણાંખરાં પ્રમાણમાં રૂઢિને પુષ્ટિ આપવા સારુ ફેરફાર કરવાના હતા અને કેટલાક તો નવાં જોડી કહાડવાનાં હતાં. ભદ્રંભદ્રે વ્યાકરણના વાદ વિશે ઘણે ઠેકાણે ઘોષ કર્યા હતા, પણ તેમનો એ વિષયમાં ઝાઝો પ્રવેશ ન હતો. કોઈ સામો વ્યાકરણના વાદમાં ઊતરવા આવશે તો મ્લેચ્છ, યવન, શૂદ્ર, ચાંડાલાદિના સાંનિધ્યમાં મુહૂર્ત વિના કે મિષ્ટાન્નની આશા વિના ભૂખ્યે પેટે શાસ્ત્રનું વચન ન બોલાય એવું બહારનું કહાડી જોઈ લેવાશે એમ તે હિંમત રાખતા હતા. અને હજી લગી જટાધારી શંકરે એમની લાજ રાખી હતી. પણ પ્રમાણોની હાથચાલાકીમાં તો વ્યાકરણનું જ્ઞાન જોઈએ. કુશલવપુશંકર આ સહાયતા આપવાને રાજી હતા તેથી ભદ્રંભદ્ર અડધો પગાર પહેલેથી મળે તેનું વ્યાજ તેમને આપવાનો ઠરાવ કરી, એમ સહાય થવાથી પ્રસન્નમનશંકરે રજા આપી. પ્રમાણના ફેરફારમાં બહુ અગત્યના વિષયો આવ્યા. ભદ્રંભદ્રને હંમેશ એક વાદનો વિષય એ હતો કે કેટલાક આર્યપક્ષવાદીઓ પણ સુધારાવાળાથી અંજાઈ જઈ બાળલગ્નની વિરુદ્ધનાં પ્રમાણ કબૂલ કરે છે. અને તેથી કરીને આર્યદેશની હાલની વ્યવસ્થાની સંપૂર્ણતામાંથી ઓછું કરે છે, તે સારું એમ ઠરાવ્યું કે પ્રમાણગ્રંથોમાં લગની વયમાં જ્યાં "ષોડશ" હોય ત્યાં સર્વ ઠેકાણે "દ્વાદશ" કરવું; અને "વર્ષ"ને ઠેકાણે સર્વ સ્થાને "માસ" કરવું; અને એ રીતે "અષ્ટમાસા ભવેદ્ગૌરી" ઈત્યાદિરૂપે એ પ્રસિદ્ધ શ્લોક ટાંકી કન્યાનું લગ્ન અવશ્ય દસ માસની ઉંમર પહેલાં કરી નાખવું જોઈએ એમ પ્રમાણથી સિદ્ધ કરવું. કુશલવપુશંકરની સલાહથી એટલું ઉમેરવું ઠર્યું કે 'માસ' ને સ્થાને 'વર્ષ' એ પાઠાંતરનો આગ્રહ કરવામાં આવે તો પણ 'વર્ષ' તે 'વર્ષાંગ'. અર્થાત્ માસના અર્થમાં લેવાનું છે અથવા વર્ષ એટલે જલનું પ્રોક્ષણ અથવા સેચન લેવું અને તે સેચન નવા જન્મેલા બાળક પર પ્રતિમાસે કરવાનું વિહિત હોવાથી 'અષ્ટવર્ષા' એટલે આઠ સેચનવાળી અર્થાત્ આઠ માસની કન્યા એમ સમજવું. આ પ્રમાણે ઘણાં પ્રમાણોના પાઠ પર ક્રિયા થઈ. બ્રાહ્મણોની જ્ઞાતિઓમાં પરસ્પર ભોજનવ્યવહારના નિષેધ માટે પ્રમાણ નથી તેથી આર્યપક્ષને ઘણું વૈષમ્ય નડે છે અને સુધારાવાળા બહિષ્કારથી પીડાતા છતાં શાસ્ત્રાર્થમાં જીતે છે, માટે ઠર્યું કે એમ પ્રસિદ્ધ કરવું કે નરનારાયણ સ્મૃતિમાં આવો શ્લોક આપ્યો છે:-

ब्राह्मणो ब्राह्मण द्रष्टवा श्वानवत् धुर्घुरायते।न कर्षति मुखात् स्वाद्यं तस्माच्छुनो द्विजो वरः॥

"બ્રાહ્મણ બ્રાહ્મણને જોઈ કૂતરાની પેઠે ઘૂરકે છે (ભોજન દક્ષિણાદિની સ્પર્ધાથી): (પણ કૂતરા પેઠે સામાના) મુખમાંથી ખાવાનું ખેંચી લેતો નથી, તેથી કૂતરાથી બ્રાહ્મણ સારો તાત્પર્યાર્થ એ કે બ્રાહ્મણની ભિન્ન ભિન્ન જાતિઓમાં ગમે તેટલી સ્પર્ધા, છતાં તેઓ એકબીજાનું ખાતા નથી, એમાં જ બ્રાહ્મણનું શ્રેષ્ઠત્વ છે; જુદી જુદી નાતોવાળા એકબીજાનું ખાય તે કૂતરા જેવા છે."

આ રીતે જોડી કાઢેલા બધા નવા શ્લોક નરનારાયણ સ્મૃતિને નામે પ્રવર્તાવવા અને નારાયણે (શ્રી કૃષ્ણે) શ્રીમદ્ ભાગવદ્ગીતાના અગિયારમા અધ્યાયમાં નરને (અર્જુનને) બહુમુખ અને નેત્રવાળું અને ઘની દાઢોથી એવું ભયંકર પોતાનું વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે બગાસું ખાતાં ખાતાં શ્રી કૃષ્ણના મુખમાંથી આ સ્મૃતિ નીકળી ગઈ તે ઉચ્છવાસથી ઊડી ગયેલી પાછી હાથ લાગેલી છે એમ તેનું પ્રમાણ કરવું એમ નક્કી કર્યું.

***

Rate & Review

Ravindra

Ravindra 2 years ago

Jay Panchal

Jay Panchal 3 years ago

Shagufta Memon

Shagufta Memon 4 years ago

Mitesh Vachheta

Mitesh Vachheta 5 years ago

Jignesh Patel

Jignesh Patel 5 years ago