Cable Cut - 6 books and stories free download online pdf in Gujarati

કેબલ કટ , પ્રકરણ ૬

પ્રકરણ ૬

નાસ્તો આવે ત્યાં સુધી હાફ ટન, ફુલ ટન અને લાખો વાતે વળગ્યા. લાખા ને ફુલ ટન અને હાફ ટન જોડે બરોબર મિત્રતા થવા માંડી અને ફુલ ટને લાખાને પટાવવાના પ્રયત્નો કરવા માંડ્યા. ફુલ ટને હાફ ટનનો ખોટો પરિચય આપતા લાખાને કહ્યું,” આ મારો મિત્ર વસંત ચોર બજારમાં વર્ષોથી ચોરીનો સામાન લે વેચ નો ધંધો કરે છે અને તેની પાસે આપણા શહેરના અને બહારના ચોર મિત્રો જોડે પણ સારા કોન્ટેક છે. તે ચોરીની નાની મોટી દરેક વસ્તુ ની લે વેચ નો ધંધો કરે છે.ભાઈ લાખા તમારે ક્યારેય કોઈ વસ્તુ વેચવી હોય તો તેનો કોન્ટેક કરજો એટલે તમારું કામ થઇ જશે.” લાખો પણ વાતો શાંતિથી સાંભળતા સાંભળતા બોલી ઉઠે છે, “ અરે યારો હું કોઈ મોટો ધાડપાડું કે ચોર નથી કે મારી કોઈ ટોળકી નથી. હું તો આ એરિયાનો નાનો ચોર છું અને નાનીમોટી ચોરી કરી ગુજરાન ચલાવું છું. મારો ચોરીનો કોઈ પોલીસ રેકોર્ડ પણ નથી અને મારી ચોરી કરવાની વાત મારા ઘર સિવાય ગામના કોઈ જાણતા પણ નથી. હું આખો દિવસ આ રોડ, રસ્તા, નેળીયા, ખેતરો પર રખડતો હોવ છું અને રેકી કરી સાંજ પડતાં અંધારાના સહારે રોડ પર, હોટલ કે ઢાબા પર,ખેતરમાં પાર્કિંગ થયેલ ટ્રક, કારમાંથી સામાન કે એસેસરીઝની ચોરી કરી તે ચોરીનો સામાન શહેરમાં કબાડી બજારમાં મહેમુદને વેચી મારું છું.” હાફ ટન લાખાની વાત કોઈને ખબર ના પડે એમ ખાનગી રીતે મોબાઈલમાં રેકોર્ડ કરતો હોય તે ફુલ ટન ને ધ્યાનમાં આવે છે. લાખની આ રેકોર્ડ કરેલ વાત કયારેક કામ આવશે તે વિચારી ફુલ ટન હાફ ટન ના આ કામથી મનોમન ખુશ હતો. લાખો પોતાની વાત ઝડપથી પુરી કરી ફરી મળશું નો વાયદો કરી હાફ ટન અને ફુલ ટન થી છુટો પડી કામનું બહાનું કાઢી ગામ તરફ જાય છે અને ફુલ ટન ખાન સાહેબ ને તેમને મળેલી જાણકારી આપવા ફોન કરવાનું વિચારતા વિચારતા થોડી વાર માટે હોટલ પર જ રોકાય છે.

સવાર સવારમાં જ ખાન સાહેબે ફોરેન્સિક ટીમ, સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાંચના અધિકારી, સાયબર એક્સપર્ટની સ્થળ પર મીટીંગ બોલાવી ઘટનાનો અત્યાર સુધીનો રીપોર્ટ માંગ્યો અને કેસ અંગેની નવી જાણકારી હોય જણાવવા કહ્યું. ફોરેન્સિક ટીમ એક્સપર્ટે ખાન સાહેબ ને રીપોર્ટ આપ્યો કે,” સર બબલુની કાર અને લાશ અન્ય સ્થળ પરથી અહીંયા લાવવામાં આવ્યા છે તેવું પુરાવાને આધારે મારું માનવું છે. બબલુ એ આત્મહત્યા નથી કરી પણ કોઈએ બબલુ ને મારી આત્મહત્યા લાગે તેવા પ્રયત્નો ચપળતાથી ઉભા કર્યા છે. સર બબલુની કારના ટાયર, બમ્પર અને ટાયરના લુછણીયા પર ચોંટેલા કાદવ અને પાંદડા પરથી લાગે છે કાર અન્ય જગ્યા પરથી અહીં લાવવામાં આવી છે. ખાન સાહેબ કારના ટાયર પર જે પાંદડા છે તે આંબાના ઝાડના છે અને આ ઘટના સ્થળ પર કે નજીકમાં તપાસ કરતાં ક્યાંય આંબાનું ઝાડ નથી. ટાયર પર જે કાદવ છે તેની માટી રોડથી અહી સુધીની માટી કરતાં અલગ છે અને રોડથી અહી સુધી ક્યાંય કાદવ પણ નથી.” ખાન સાહેબે પોતે પણ રીપોર્ટ, કાદવની માટીનું સેમ્પલ, આંબાનું પાંદડું અને ઘટના સ્થળ પર કારની પણ ફરી ચકાસણી કરી સમજવાનો પ્રયત્ન કર્યો.

ફોરેન્સિક રિપોર્ટર ખાન સાહેબ ને કારની આજુબાજુ તપાસ કરતાં જોઈ માહિતી આપી,” સર ! બબલુની કારની અંદરથી સ્પીકરની ચોરી અને બહારથી કારના લોગોની ચોરી થઇ છે અને કારની સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ જોડે પણ છેડછાડ કરવામાં આવી છે. સર ચોર ચોરી કરવા આયો હોય તો તેણે માત્ર સ્પીકર અને લોગોની જ ચોરી કરે તે પણ વધુ શંકા ઉપજાવે છે, બબલુની કારમાંથી રેબનના સનગ્લાસ, સ્વીચ ઓફ થયેલો મોબાઈલ, મોબાઈલ ચાર્જર તેમજ બબલુના ખિસ્સામાંથી પર્સ કે તેના હાથ પરથી કિમંતી ઘડિયાળ,વીંટી ની ચોરી નથી કરી. કોઈકે બબલુની લાશ અને કારને અહી છોડી દીધા પછી કોઈ ચોરે ચોરી કરી હોય તેવું અનુમાન છે અને કદાચ અંધારામાં ચોરી કરતાં લાશની જાણ થતાં ભાગી ગયો હશે.” ખાન સાહેબ ને કારના સ્પીકર અને લોગોના ચોરની જાણ હતી એટલે બહુ નવાઈ ન લાગી પણ વિચાર તો આયો કે લાખા એ અન્ય સામાનની ચોરી કેમ નહી કરી હોય. આ પ્રશ્નો ના જવાબ માટે ખાન સાહેબ ને પાછા તેમના ખબરીઓની યાદ આવી અને સાઇડમાં જઈ ફોન કરી વાત કરે છે. ફુલ ટને સવારે લાખાને મળીને જે વાત થઇ તે ફોન પર જણાવે છે અને કહે છે,” સાહેબ લાખો નાનો ચોર છે અને તે કાર, ટ્રકનો સામાન, એસેસરીઝ ની ચોરી કરે છે અને કદાચ તે અંધારામાં લાશ જોતા બીજી ચોરી કર્યા વગર ભાગી ગયો હશે.”

ખાન સાહેબે ફુલ ટન ને ગાડીના ટાયર પર ચોંટેલા આંબાના ઝાડના પાંદડાની વાત કરી ઘટના સ્થળ ની આજુબાજુ કોઈ આંબાના ઝાડ હોય તો તેની તપાસ કરી માહિતી આપવા અને ગમે તે બહાને લાખાના સંપર્કમાં રહી વધુ જાણકારી મેળવવા કહ્યું. ફુલ ટન અને હાફ ટને લાખાને ફરી ક્યા બહાને મળવા બોલાવવો અને કેવી રીતે તેની જોડેથી માહિતી કઢાવવી તેની ચર્ચા અને પ્લાનિંગ કરવા માંડ્યા. આખરે ફુલ ટને લાખાને ફોન કર્યો અને કહ્યું, “ ભાઈ લાખા મારી પાસે ટ્રકની તાડપત્રી અને જેક ખરીદવા માટે પાર્ટી આઈ છે તો તારી પાસે આમાંનો કોઈ સામાન છે ?” ફુલ ટન ને વિશ્વાસ હતો જ કે લાખો હાલ નહી તો પછી પણ આ સામાન ની ચોરી કરી સોદો પુરો કરશે. જવાબમાં લાખાએ કહ્યું, “ મારી પાસે હાલ નથી પણ સાંજ સુધી મેળ પડી જ જશે, હું ફોન કરું એટલે આપણે રાતે મળીએ અને તમે સામાન લઈ જજો.” ફુલ ટન અને હાફ ટન રાત પડવાની રાહ જોવા લાગ્યા. ફુલ ટન હાફ ટન ને કહે છે, “ આજે રાતે ગમે તે કરીને લાખા જોડેથી બોલાવવું પડશે, જરૂર પડે તો પોલીસ ની ભાષામાં ઓકાવવું પડશે. આજે રાતે તેને રિમાન્ડ પર લેવો જ પડશે.”

રાત પડતાં જ રાહ જોતાં ફુલ ટન પર લાખનો ફોન આવતાં તે બોલી ઉઠે છે,” બોલો બોલો લાખા ભાઈ, કામ પૂરું થયું કે નહી અને કંઈ સામાનનો મેળ પડયો કે ?” લાખો પણ ઉતાવરે સ્વરે બોલી ઉઠે છે,” હા ભાઈ, મેળ પડી ગયો અને તમે પેલી હોટલ પાસે આવી જાવ અને સામાન લઇ જાવ.” ફોન કટ કરી તરત જ હાફ ટન અને ફુલ ટન સામાન ને બહાને માહિતી મેળવવા લાખાને મળવા પહોંચી જાય છે. અંધારામાં પહેલેથી જ લાખો રાહ જોતો હતો અને ફુલ ટન અને હાફ ટન લાખાને જોઇને ખુશ થઇ જઈ વાતે વળગાડે છે. હાફ ટને લાખા પાસેથી સામાન મેળવી રોકડા પૈસા ચુકવી દે છે. ફુલ ટન લાખાને પાર્ટી કરવાના બહાને પોતાની સાથે આવવા કહે છે પણ લાખો ના પાડી વાત બદલે છે પણ ફુલ ટન પાર્ટીની વાતનું દબાણ કરતો હોઈ એવું લાખાને લાગતા તેના ચહેરાના ભાવ બદલાતા જોઈ તરત હાફ ટન વાત બદલી નાંખે છે. ફુલ ટન ને મનોમન ખબર પડી જ ગઈ કે આ રીઢો ચોર સીધી રીતે માને કે માહિતી આપે તેમ નથી. ફુલ ટન હાફ ટન ને ઈશારો કરી ફોન કરી ને આવું તેમ કહી સાઈડમાં જાય છે અને ખાન સાહેબ ને ફોન કરે છે,” ખાન સાહેબ અમે અત્યારે ફરીથી બહાનું કાઢી લાખાને મળ્યા છીએ પણ લાખો સીધી રીતે કોઈપણ માહિતી આપે કે અમારી વાતોમાં આવે તેમ નથી અને કદાચ તેને અમારી પર શક પણ પડ્યો હોય તેવું લાગે છે. ખાન સાહેબ તમે સ્થાનિક પોલીસ ને આપણે ચા પાણી કર્યા તે લોકેશન પર મોકલો અને લાખાની ધરપકડ કરી રિમાન્ડ લેશો તો જ કંઈ જાણવા મળશે.”

ખાન સાહેબે ફુલ ટન ની વાત સાંભળી તરત જવાબ આપ્યો, “ ચિંતા ના કર, હું ઘટના સ્થળ પર જ છું અને હું જ ત્યાં આવી તેની ધરપકડ કરું છું પણ ત્યાં સુધી તેનું ધ્યાન રાખજો કે તે ભાગી ના જાય “ ફુલ ટન ફોન કટ કરીને લાખા પાસે આવે છે અને હાફ ટન ને ઈશારો કરે છે. લાખો ઈશારો જોવે છે પણ સમજી નથી શકતો અને પળભરનો વિચાર કરી રોડ પર દોટ મુકી ભાગી જાય છે. હાફ ટન અને ફુલ ટન પણ લાખાને પકડવા તેની પાછળ અંધારામાં દોડે છે.

પ્રકરણ ૬ પુર્ણ

પ્રકરણ ૭ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો...