Satya na Prayogo Part-5 - Chapter-5 books and stories free download online pdf in Gujarati

સત્યના પ્રયોગો - ભાગ-5 - 5

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૫. ત્રીજા વર્ગની વિટંબણા

બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. ‘ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી,’ એવો જવાબ મળ્યો.

હું સ્ટેશનમાસ્તરને પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે ? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા. ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો.

‘બાર ઊઘડ્યાં’ ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સેહલાઈથી ટિકિટ મળે તેમ નહોતું. બળવાન ઉતારુઓ એક પછી એક ઘૂસતા જાય ને મારા જેવાને હઠાવતા જાય. છેવટે ટિકિટ તો મળી.

ગાડી આવી. ત્યાં પણ બળિયા હતા તે પેસી ગયા. ઉતારુ વચ્ચે ને પેસનાર વચ્ચે ફાગ ઊડે, ધક્કાધક્કી ચાલે. એમાં મારાથી ભાગ લેવાય તેમ નહોતું. અમે ત્રણે આમતેમ

જઈએ. બધેયથી એક જ જવાબ મળે, ‘અહીં જગ્યા નથી.’ હું ગાર્ડ પાસે ગયો. તે કહે,

‘જગ્યા મળે તો બેસો, નહીં તો બીજી ટ્રેનમાં જાઓ.’

મેં નમ્રતાપૂર્વક કહ્યું, ‘પણ મારે અગત્યનું કામ છે.’ આ સાંભળવાનો ગાર્ડને વખત નહોતો. હું હાર્યો. મગનલાલને જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જવા કહ્યું. પત્નીને લઈને હું ત્રીજા વર્ગની ટિકિટે ‘ઈન્ટર’માં પેઠો. ગાર્ડે મે તેમાં જતાં જોયેલો.

આસનસોલ સ્ટેશને ગાર્ડ વધારાના પૈસા લેવા આવ્યો. મેં કહ્યું, ‘તમારો મને જગ્યા બતાવવાનો ધર્મ હતો. જગ્યા ન મળી એટલે હું આમાં બેઠો છું. મને તમે ત્રીજા વર્ગમાં જગ્યા આપો તો હું તેમાં જવાને તૈયાર છું.’

ગાર્ડ સાહેબ બોલ્યા, ‘મારી સાથે દલીલ ન થાય. મારી પાસે જગ્યા નથી. પૈસા ન આપવા હોય તો તમારે ટ્રેનમાંથી નીકળવું પડશે.’

મારે તો કેમેય પૂના પહોંચવું હતું. ગાર્ડ જોડે લડવાની મારી હિંમત નહોતી. મેં

પૈસા ચૂકવ્યા. છેક પૂના સુધીનું વધારાનું ભાડું લીધું. મને આ અન્યાય ખૂંચ્યો.

સવારે મુગલસરાઈ આવ્યું. મગનલાલે ત્રીજા વર્ગમાં જગ્યા મેળવી લીધી હતી.

મુગલસાઈમાં હું ત્રીજા વર્ગમાં ગયો. ટિકિટ કલેક્ટરને મેં હકીકતથી વાકેફ કર્યા. તેની પાસેથી મેં અમારી વાતનું પ્રમાણપત્ર માગ્યું. તેણે આપવાની ના પાડી. મેં વધારાના ભાડાના પૈસા પાછા મળવાની રેલવેના વડાને અરજી કરી.

‘પ્રમાણપત્ર વિના વધારાના પૈસા પાછા આપવાનો અમારો રિવાજ નથી, પણ તમારા કેસમાં અમે આપીએ છીએ. બર્દવાનથી મોગલસરાઈ સુધીનો વધારા તો પાછો ન અપાય.’ આવી મતલબનો જવાબ મળ્યો.

આ પછીના મારા ત્રીજા વર્ગની મુસાફરીના અનુભવો એટલા છે કે તેમનું પુસ્તક બને. પણ આવા કેટલાક પ્રસંગોપાત્ત આપવા ઉપરાંત આ પ્રકરણોમાં તેમનો સમાસ થાય

એમ નથી. શરીરપ્રકૃતિવશ્‌ ત્રીજા વર્ગની મારી મુસાફરી બંધ થઈ એ મને હમેશાં ખડક્યું છે ને ખટક્યા જ કરશે. ત્રીજા વર્ગની મુસાફરીમાં જોહુકમી અમલની વિટંબણા તો છે જ. પણ ત્રીજા વર્ગમાં બેસનારા કેટલાક મુસાફરોની ઉદ્ધતાઈ, તેમની ગંદકી, તેમની સ્વાર્થબુદ્ધિ, તેમનું અજ્ઞાન ઓછાં નથી હોતાં. ખેદ તો એ છે કે, ઘણી વેળા મુસાફરો જાણતા નથી કે તેઓ ઉદ્ધતાઈથી વર્તે છે, અથવા ગંદકી પોષે છે, અથવા સ્વાર્થ જ શોધે છે. જે કરે છે તે તેમને સ્વાભાવિક લાગે છે. આપણે સુધરેલાએ તેની દરકાર નથી કરી.

કલ્યાણ જંકશન થાક્યાપાક્યા પહોંચ્યા. નાહવાની તૈયારી કરી. મગનલાલ અને હું સ્ટેશનના પંપે પાણી લઈ નાહ્યા. પણ પત્નીને સારુ કંઈક તજવીજ કરી રહ્યો હતો તેટલામાં સર્વન્ટ્‌સ ઑફ ઇન્ડિયા સોસાયટીના ભાઈ કોલે અમને ઓળખ્યા. તે પણ પૂના જતા હતા.

પત્નીને બીજા વર્ગની કોટડીમાં નાહવા લઈ જવાનું તેમણે કહ્યું. આ વિનયનો સ્વીકાર કરતાં

મને સંકોચ થયો. પત્નીને બીજા વર્ગની કોટડીનો આશ્રય લેવાનો અધિકાર નહોતો, એનું

મને જ્ઞાન હતું. પણ મેં આ કોટડીમાં તેને નાહવા દેવાની અયોગ્યતાની પ્રત્યે આંખ આડા કાન કર્યા. સત્યના પૂજારીને આવુંયે ન શોભે. પત્નીને કંઈ ત્યાં જવાનો આગ્રહ નહોતો.

પણ પતિના મોહરૂપ સુવર્ણપાત્રે સત્યને ઢાંક્યું.