Zankhna - 5 books and stories free download online pdf in Gujarati

ઝંખના - ૫

ઝંખના – ૫

(અંતિમ પ્રકરણ)

“કબીર, હવે ખરેખર મને મોની યાદ આવે છે.” પીતા-પીતા હું બોલ્યો.

“આવે જ ને.. બે મહિના જેવા થયા, અને પાછો તું તો બજારમાં પણ નથી જતો..” કહીને કબીર હસ્યો.

“ના, એ રીતે નહિ.. એવું કશું નથી, પણ..”

“એવું જ છે. મોની જેવી સાથે દોઢ વર્ષથી સુવાની આદત પડી હોય, પછી તે યાદ આવે જ ને?? અને સાચું કહું તો મોની યાદ આવે એવી જ છે.”

હું અકળાઈને બોલ્યો, “તને સેક્સ સિવાય બીજું કશું સુઝે છે? દરેક વાતને તેના ત્રાજવે લઇ જઈને જ કેમ તોલે છે?”

“તો તું પણ કેમ ગોળ ગોળ બોલે છે? સીધું કહેને કે તું મોનીને ચાહે છે.”

હું ગૂંચવાયો, “કબીર, એવું તો ન કહી શકાય, પણ... સાળીએ.. ચાલ, તું કહે છે એવું રાખ, બસ?”

“હવે તું મુદ્દા પર આવ્યો.. એમ કહેને કે તને ફરી દુખી થવું છે, સુખ તને હજમ નથી થતું. સુખ તારા નસીબમાં જ નથી..”

“હા, હવે બે મહિના પછી મને એવું લાગી રહ્યું છે કે મોની વગર સુખી રહેવા કરતા મોની સાથે રહીને દુખી થવું જ સારું હતું.. મારે ફરી દુખી થવું છે.” કહીને હું હસ્યો અને ગ્લાસ ખાલી કર્યો.

કબીર બોલ્યો, “ફરી દુખી થજે, મારે શું? ક્યારે લેવા જવાનો છે?”

“આવશે??”

“કોશિશ કરવામાં કઈ નુકશાન નથી, કદાચ તને માફ કરી પણ દે. અને હા, તારી સાળીના શું સમાચાર છે? મોનીને મનાવવા જતા પહેલા ફરી એકવાર સાળીને અહી વેકેશન કરવા બોલાવી લે..” કહેતા કબીર મોટેથી હસ્યો.

“તને ચઢી ગઈ છે.. તે દિવસના ફોન પછી તેની સાથે કોઈ જ કોન્ટેક્ટ નથી રાખ્યો.”

“છોડ, ક્યારે લેવા જવાનો છે? અને શરત કરજે કે જે બધું લઇ ગઈ છે તે લઈને પછી આવે.”

“શું લઇ ગઈ છે? કશું જ તો લઇ નથી ગઈ.”

“કેમ તું જ તો કહેતો હતો..”

“હા, પણ બધું એમનું એમ છે, તેણે એક રૂપિયો પણ કાઢ્યો નથી.”

કબીર મને તાકી રહ્યો. ઉભો થતા બોલ્યો, “સવારે ઉતરી જાય પછી વિચાર બદલી ના નાખતો, કાલે જ જજે લેવા. અને વધારે હોશિયારી ના મારતો, ગમે-તેમ બોલે કે કહે તો સાંભળી લેજે. તે તારી સાથે આવી જ જશે, તે પણ તને પ્રેમ કરે છે.”

“એમ? મોનીએ તને કહ્યું?”

“ના, પણ હવે મને ખાતરી થઇ ગઈ છે.” કહેતા તે જતો રહ્યો.

ચાર પેગ પછી પણ મને ઊંઘ આવી નહિ. સવારે વહેલો જાગ્યો, નોકરી પર નહિ જાઉં, બોસ ઊંઘતો હશે, પછી ફોન કરું. મોનીને લેવા જવાનું છે, શું કહીશ? મારાથી જવાબમાં કશું બોલાઈ જ જશે, કંટ્રોલ નહિ થાય. કબીર સાથે હોય તો સારું.. ના, કબીરની વાઈફને લઇ જઈશ. ફરીથી વિચારે ચઢ્યો, કેમ લેવા જવું છે? મને મોની વગર નથી ફાવતું, પણ તેની જીભ? હા, તેની જીભ.. બસ તે કાપી નાખવામાં આવે તો તો પછી મોનીમાં બીજી કોઈ જ ભૂલ નથી. હું મનમાં જ હસ્યો, મને મોનીની જરૂર છે, લાવવી છે એટલે લાવવી છે, બસ.. વધારે વિચારવું નથી. માથું ઝટકાવીને વિચારો બહાર ફેંકવાની કોશિશ કરી.

મોનીએ મને ગીફ્ટ આપેલ શર્ટ પહેર્યો અને ટ્રાફિક વધે એ પહેલા નીકળી ગયો. કોઈને સાથે લેવું નથી, જે થાય એ.. થોડા વાક્યો મનમાં ગોઠવી રાખ્યા કે આ તો બોલવા જ. ટેક્સીમાંથી ઉતરીને બિલ્ડીંગ નીચે ઉભો રહ્યો. ઉપર જતા પહેલા એક સિગરેટ ફૂંકી નાખી, છેલ્લો કશ મારીને હું સડસડાટ ઉપર આવીને બેલ વગાડી દીધી.

મોનીની મા, મારી સાસુએ બારણું ખોલ્યું. હા તે હજુ કાયદેસર તો મારી સાસુ જ છે ને? રુક્ષતાથી તે બોલી, “બોલો શું કામ છે, કેમ આવ્યા?”

“વાત કરવી છે.” તેણે બે-પાંચ સેકંડ વિચાર્યું, અને પછી બારણામાંથી ખસી.. હું તેની બાજુમાં થઈને હોલમાં આવી ગયો અને તેના કહ્યા વગર જ સોફા પર બેસી ગયો. મોની મને જોવાઈ નહિ. મેં સિગરેટ કાઢી, પણ વિચાર માંડી વળ્યો, અને પછી મૂકી દીધી. સાસુ મારી સામે ઉભા રહીને બોલ્યા, “બોલો શું વાત કરવી છે?”

“તમારી સાથે નહિ, મોની સાથે..” મારી લાખ કોશિશ કરવા છતાં મારી સ્વભાવગત લાક્ષણિકતા મારા અવાજમાં આવી જ ગઈ. સાસુ ચિડાયા, “હવે શું બાકી રહ્યું છે? તે તમારી સાથે વાત કરવા માંગતી નથી, જે કહેવું હોય તે મને કહો.”

મને ખબર નહોતી કે મારી સાસુ સુચેતા વિષે જાણે છે કે નહિ? મોનીએ તેમને વાત કરી હશે? ભલે તે જાણતા હોય, પણ મેં નક્કી કર્યું હતું કે હું તે વિષે જરાય મો નહિ ખોલું.

હું ઉભો થઇ ગયો ને બોલ્યો, “તમે સાંભળ્યું નહિ? મારે મોની સાથે જ વાત કરવી છે, અને હું તેને લેવા આવ્યો છું, ક્યાં છે મોની?” કહીને હું ચારેબાજુ જોવા લાગ્યો. બોડી લેન્ગ્વેજથી મને એવું લાગ્યું કે સાસુ મારાથી ડરી ગયા હતા. તે બોલ્યા, “તમારી લુખ્ખાગીરી અહી નહિ ચાલે, ચાલવા માંડો.. તમારા બાપનું રાજ ચાલે છે? મરજી પડે ત્યારે કાઢી મુકો અને મરજી પડે ત્યારે લેવા આવો? હવે જે કઈ થશે તે કાયદેસર જ થશે.”

કાઢી મુકો?? મેં કાઢી હતી મોનીને? સમજી ગયો... મોનીએ એવું જ તેની માને કહ્યું હશે. એટલે કે સુચેતા વિષે તેઓ કશું જાણતા નથી.

પણ હું ઉભો જ હતો, તે દરવાજા તરફ હાથ લાંબો કરીને બોલ્યા, “સાંભળ્યું નહિ? જાવ છો કે પછી...”

મને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પણ હું સંયમ રાખીને બોલ્યો, “મને તમારી સાથે દલીલો નથી કરવી, અરે વાત જ નથી કરવી.. મોની ક્યાં છે?” કહેતા હું બેડરૂમ તરફ વધ્યો. સાસુ કશું બોલે તે પહેલા મોની બેડરૂમમાંથી બહાર દોડી આવી, અને મા ને અટકાવતા બોલી, “મા તું ચુપ રહે, હું વાત કરું છું.”

“આ મવાલી જોડે શું વાત કરવાની હોય? તું અંદર જા.. કઈ રીતે તું એને સહન કરતી હતી??”

“મા તું ચુપ રહે બસ..” કહેતા મોની બેડરૂમનું બારણું ખુલ્લું મુકીને અંદર ગઈ. અર્થ સાફ હતો, હું પણ તેની પાછળ અંદર આવી ગયો. તે બેડ પર બેસી ગઈ. તેણે ગાઉન પહેર્યો હતો. બંને હાથે વાળ સમેટીને તેણે અંબોડો બાંધ્યો. મને તેની બગલના કાળા વાળ જોવાયા, હાથ ફેરવવાની અદમ્ય ઈચ્છા થઇ...

હું તેને જ જોઈ રહ્યો હતો, અને તે પણ મારા બોલવાની વાટ જોતી હતી. “મોની, હું તને લેવા આવ્યો છું.”

“એમ? કારણ??” કહીને તેણે મારી આંખમાં જોયુ.

“ઘર સુનું થઇ ગયું છે, તારી કચ-કચ અને ઝઘડાઓ વગર મને ફાવતું નથી.”

“એટલે ઝઘડવા જ તું લઇ જવા માંગે છે??”

“મોની તું જે સાંભળવા માંગે છે તેવું બધું મને નહિ આવડે, ફક્ત એટલું કહીશ કે હું અડધો હોઉં એવું લાગે છે..”

“અને તેં જે કર્યું એ?? એનું શું? ભૂલી જાઉં?”

“મોની, મનેય પસ્તાવો છે, પણ એ બધું પકડીને બેસી ન રહે.”

“અચ્છા? બધું ભૂલીને તને માફ કરી દઉં, એમ જ ને? અને એ પણ માફી મંગાવ્યા વગર?? પસ્તાવો છે, એ સિવાય તું કશું બોલ્યો હતો? કે હજુ પણ બોલે છે?” કહેતા મોની રડવા લાગી. હું તેનું માથું પકડીને છાતી સાથે દબાવી દેવા માટે આગળ વધ્યો, તે હાથ આડો કરીને મને રોકતા બોલી, “આવું જ કશું હું કરતી તો? તું શું કરતો?”

મેં થોડી સેકંડ વિચાર્યું ને પછી મક્કમતાથી બોલ્યો, “ખરાબ લાગતું, પણ એક સેકંડ પુરતું જ, તને ખબર છે કે હું ભૂતકાળ યાદ રાખવાવાળો નથી જ.” મોનીએ આડો કરેલ હાથ નીચે કર્યો, મેં તેનું મોઢું બંને હાથે પકડીને તેના હોંઠ પર કિસ કરી, તેણે વિરોધ કર્યો નહિ. હું તેની આંખમાં જોઇને બોલ્યો, “તેં મને માફ કરી દીધો ને?”

મોનીના મો પર સ્મિત આવ્યું, તે બોલી, “તેં માફી માંગી?”

“તને કહેવું જોઈએને કે માફી માંગ, તો હું એકવાર શું સો વાર માંગી લેતો.”

ફરી મોની વ્યંગભર્યું સ્મિત કરતા બોલી, “એમ? ખરેખર માફી માંગી લેતો?”

“સાચું કહું તો ના. તે દિવસે તો તું કહેતી તો પણ હું માંગતો જ નહિ... કારણકે તેં માહોલ જ એવો બનાવી દીધો હતો, અને વાત કયાની ક્યાં પહોંચાડી દીધી હતી.”

“શરૂઆત મેં કરી હતી?”

“છોડ મોની, આઈ એમ સોરી, બસ? હવે તો માફી માંગી ને??”

“તારો ગુનો માફીને લાયક નથી, તે દિવસે તો માફી માંગતો કે પગે પડતો તો પણ હું માફ કરતી નહિ, પણ બે મહિના પછી મને લાગે છે કે તને એક મોકો તો આપવો જ જોઈએ.”

“કેમ મોકો આપે છે?”

“તારી તરફેણમાં એક જ વાત છે કે તું મને ન કહેતો તો મને ક્યારેય ખબર પડતી નહિ.”

“મોની, એક રીતે સારું થયું કે તે જ દિવસે મેં માફી માંગી નહિ અને માંડવાલી થઇ નહિ.. જો માફી માંગી લેતો તો તું ઘર છોડીને ના જતી, અને ના જતી તો મને ખબર જ પડતી નહિ કે તું મારે માટે શું છે??” કહેતા હું ભાવુક થયો. મોની મારો હાથ પકડીને બોલી, “મને પણ ખબર જ પડતી નહિ..”

હું તેની બાજુમાં બેસીને તેના ગળે હાથ નાખીને તેને મારી બાજુ ફેરવીને પૂછ્યું, “તને શું ખબર પડી?”

“કશું નહિ..”

“મોની ચાલ, આવે છે ને?”

તે બેઠા-બેઠા જ વાંકી વળીને બેડ નીચેથી હેન્ડબેગ ઘસડીને બહાર લાવી ને બોલી, “જો આ હેન્ડબેગ, તેને ખોલી પણ નથી.” હું ઉભો થયો, ને મોનીને ભીંસી નાખી, લગભગ ઊંચકી જ લીધી.

“કામ પર કેમ નથી ગયો?”

“કાલથી જઈશ, આ પણ કામ જ હતું ને.. ચાલ જલ્દી મને ભૂખ લાગી છે, કપડા પહેર.”

મોની ઉભી થઇ, અને કપડા બદલતા પહેલા રૂમ લોક કરી આવી. તરત જ તેની મા એ રૂમ ખખડાવ્યો, મોની કબાટમાંથી તેના પહેરવાના કપડા કાઢી રહી હતી, મેં બારણું ખોલ્યું, તેની મા ડરેલી અને ગભરાયેલી હતી, બોલી “શું છે? રૂમ કેમ લોક કર્યો? અને રૂમમાં ડોકિયું કરીને મોનીને સંબોધીને બોલી, “મોની તું જલ્દી બહાર આવ.. મને આ માણસથી ડર લાગે છે, તે મને જોવોય ગમતો નથી, તેણે તને કશું કર્યું તો નથીને??”

મોની બોલી, “મા હું કપડા બદલું છું એટલે બારણું બંધ કર્યું હતું, મા તું બહાર જા, અમને મોડું થાય છે, ઘેર જવાનું.”

“શું? મોની ગાંડપણ ના કર, હુજુ મોકો છે તારી પાસે, તારી લાઈફ બરબાદ ના કરીશ.”

“સાચું કહે છે તું, મારે મારી લાઈફ બરબાદ નથી કરવી, તું બહાર જા, મારે કપડા બદલવા છે.” અને મને સંબોધીને બોલી, “રાહુલ, બારણું બંધ કર...”

સાસુ એવી રીતે મને જોઈ રહી હતી કે જો તેનું ચાલે તો તે મને પત્થરથી ટીચી ટીચીને મારી નાખે. તે મોની સામે જોઇને બરાડી, “મરજે ત્યારે... હવે રડતી અહી આવીશ નહિ.” કહીને બારણું પછાડીને બંધ કર્યું.

હું ધીરે મોની પાસે આવતા બોલ્યો, “અને એક વાત સાંભળી લે, હવેથી પગ પર વેક્સિંગ કરવાનું બંધ..”

મોની ઢીચણ સુધી ગાઉન ઉંચો કરીને મને પગ બતાવતા બોલી, “જો, હું ક્યાં વેક્સિંગ કરું છું?”

હું વાંકો વાળીને તેની પીંડીઓ પર હાથ ફેરવતા બોલ્યો, “વસ્તુઓ લેવા આવી ત્યારે તો કરીને આવી હતી...”

તે હસીને બોલી, “હા ત્યારે કરીને આવી હતી.. તારા તરફના ગુસ્સાને કારણે.. તને ગમતી કોઈપણ વસ્તુ મારે રાખવી જ નહોતી...”

મેં તેના ગાલે ચીમટો ભરીને બોલ્યો, “તો પછી આ કેમ રાખ્યા? ચાલ ઘેર જલ્દી, લાવ હું તને કપડા બદલાવી દઉં, મને ભૂખ લાગી છે.....”

----- સમાપ્ત.