Geetamanthan - 3 books and stories free download online pdf in Gujarati

ગીતામંથન - 3

ગીતામંથન

સંક્ષિપ્ત

કિશોરલાલ ઘ. મશરૂવાળા

યજ્ઞ એટલે શું?

અધ્યાય ત્રીજો

અર્જુને પૂછયું “એ રીતે યજ્ઞાર્થે કર્મ કરવાં, એટલે શું?”

આ સાંભળી, જેમ કોઈ કુશળ આચાર્ય વિદ્યાર્થી આગળ શાસ્ત્રનું વિવરણ કરે તેમ, શ્રીકૃષ્ણ બોલ્યા :

“કીડી-કીડાથી માંડી મનુષ્યસ્રુશ્ટિ સુધી કોઈયે પ્રાણીને પોતાના જીવનના નિર્વાહ માટે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કર્યા વિના ચાલતું જ નથી. સમજુ અને અણસમજુ માણસ, બંનેને પોતાના શરીરના નિર્વાહ માટે કર્મ કરવું જ પડે છે. જો સમજુ માણસ પણ કેવળ પોતાના જ નિર્વાહ માટે કર્મ કરીને બેસી રહે, તો સમજુ અને અણસમજુમાં ભેદ શો?

“અર્જુન, ગાય પોતાનાં વાછડાં માટે દૂધની સેર છોડે છે. પક્ષીઓ પોતાનાં બચ્ચાં માટે કેટલીય હાડમારી વેઠે છે. બાળક માટે સ્ત્રી કેટલાંયે સ્વસુખોનો ત્યાગ કરે છે અને કષ્ટો ઉઠાવે છે. જો આમ પ્રાણીમાત્ર બીજાં માટે કષ્ટ ન ઉઠાવતાં રહ્યાં હોત, તો આ સંસારનો અંત ક્યારનોયે આવી ગયો હોત.

“પણ આમ નિકટનાં સગાં માટે પ્રાણીઓ પોતાનાં સુખનો ત્યાગ કરી જે કષ્ટ સહન કરે છે, તેનું કારણ વિશ્વાત્માએ પ્રાણીમાત્રના હૃદ્યમાં જે મોહ અથવા પ્રેમ મૂક્યો છે તે છે. એને વશ થઈને અણસમજુ પ્રાણીઓ પણ તેવા પ્રકારનો ત્યાગ કરે જ છે. આવી જાતનું કષ્ટસહન એ સત્કર્મ હોવાથી જરૂર કરવા જેવું છે. પણ ચિત્તશુદ્ધિ કરાવનારું જે યજ્ઞરૂપી સત્કર્મ, તે આટલેથી જ અટકતું નથી.

“ત્યારે યજ્ઞની શી વિશેષતા છે તે સાંભળ : સૂર્ય તપે છે, પણ અમુક પ્રાણીઓને જ પોતાનો પ્રકાશ આપવો અને અમુકને ન આપવો, એવો ઉદ્દેશ રાખતો નથી. મેઘ વરસે છે; અગ્નિ બાળે છે, પવન વાય છે, પૃથ્વી ધારણ કરે છે, નદી તરસ ભાંગે છે; પણ તે કોઈ ખાસ પ્રાણીને ઉદ્દેશીને પોતાની ક્રિયાઓ કરતાં નથી. આથી મેં એવો સાર કાઢયો છે કે દેવોનાં કર્મો પ્રાણીઓમાં ભેદબુદ્ધિ વિનાનાં, પક્ષપાત વિનાનાં, સહજપણે સંસારનાં ઉત્પત્તિ, સ્થિતિ કે લય માટે થતાં હોય છે. એથી પાપી કે પુણ્યશાળી, વનસ્પતિ, જંતુ કે મનુષ્ય સર્વને સરખાં જ લાભ કે હાનિ થાય છે. એટલે કે એ સમદૃષ્ટિથી થાય છે. વળી દેવોનાં કર્મો ઉત્પત્તિ કે પાલનને શ્રેષ્ઠ અને સંહારને કનિષ્ટ ગણવાં, એવોયે ભેદ નથી રાખતાં. એમનાં આચરણોથી ક્યાંક અને ક્યારેક ઉત્પત્તિ થાય છે, ક્યારેક પાલન થાય છે, તથા ક્યારેક સંહાર પણ થાય છે.

“જેમ દેવોનાં કર્મો પક્ષપાત વિના થાય છે, તેમ જે સત્કર્મો કોઈ વિશેષ વ્યક્તિને ઉદ્દેશીને નહિ પણ સમાનદૃષ્ટિથી કરવામાં આવે તે યજ્ઞકર્મ છે. આ કેવી રીતે એ હું દાખલાથી તને સમજાવીશ.

“ગોપો સેંકડો ગાયો રાખે છે અને તેમનું પ્રીતિથી પાલન કરે છે. પણ તે પોતાને માટે જ તેને ધંધારૂપે કરે છે, માટે તેને કોઈ યજ્ઞ નથી કહેતું. વળી કોઈ ગૃહસ્થ પોતાના મિત્રોને આમંત્રણ આપી દરેક પ્રકારે તેમની આગતાસ્વાગતા કરે છે. પણ આથી તેણે અતિથિયજ્ઞ કર્યાે, એમ કહી શકાતું નથી.

“પરંતુ જો કોઈ પુરુશ ગાયો પ્રત્યેની ભક્તિને લીધે ગાયોના નિર્વાહાર્થે પોતાનાં ગોચરોનો લાભ જે ઇચ્છે તે લઈ શકે એવી રીતે અર્પણ કરે; અથવા કોઈ ગૃહસ્થ માનવો પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને પ્રવાસી, દીન, ભૂખ્યાં મનુષ્યને સન્માનપૂર્વક જમાડે, તો તેમણે યજ્ઞ કર્યાે એમ કહેવાય.

“પરિશ્રમપૂર્વક નિર્માણ કરેલા ધનધાન્યાદિકને તથા પોતાની સર્વ શક્તિઓને કોઈ વિશિષ્ટ પ્રાણીઓને ઉદ્દેશીને જ નહિ, પણ સંસારમાં જે કોઈ એના ક્ષેત્રમાં આવી જાય તેના હિતાર્થે ભક્તિપૂર્વક અર્પણ કરવાં, એને મેં જીવનનો કર્મયોગરૂપી શ્રેષ્ઠ યજ્ઞ માનેલો છે. એમ કરતાં જે કાંઈ પોતાના નિર્વાહાર્થે મળી શકે તેને ઈશ્વરનો અનુગ્રહ માની ઉપભોગ કરવો, તેને હું યજ્ઞની પ્રસાદી કહું છું.

“આ રીતે થતા યજ્ઞકર્મથી આ સંસારનું ચક્ર ચાલી રહ્યું છે. એ ચક્ર પ્રત્યેક ભૂતપ્રાણીએ પોતપોતાનાં નાનાં ક્ષેત્રોમાં ઓછાવત્તા પ્રમાણમાં ચાલુ રાખવું જોઈએ.”

આ પ્રમાણે પોતાનું વિવેચન પૂરું કરી, શ્રીકૃષ્ણ થોડીક ક્ષણ સુધી મૌન ધારી રહ્યા. પરંતુ એને લગતી વિચારપરંપરા હજુ એમના મનમાં ચાલુ રહી હતી. એ ચિંતનના પ્રવાહમાં જ શ્રીકૃષ્ણે અનાયાસે વળી પાછી વાણીરૂપી પોતાની વીણાને છેડી :

“લોકકલ્યાણ ઇચ્છનારા મહાપુરુશો દરેક પ્રાણીને તેનો સ્વભાવ ઓળખીને એને માટે યોગ્ય કર્મમાર્ગ કયો તે દર્શાવે છે. પોતાના સ્વભાવને અનુકૂળ થઈને રહેલો એવો કર્મમાર્ગ તે એ પ્રાણીનો સ્વધર્મ કહેવાય. બીજો ધર્મ સોહામણો લાગનારો હોય અને પોતાથી સારી રીતે આચરી શકાશે એમ લાગતું હોય, તોયે મનુષ્યે સ્વધર્મનું આચરણ કરવું શ્રેયસ્કર છે.

“અર્જુન, બાળપણથી જ નહિ પણ વંશપરંપરાથી તને ક્ષાત્રધર્મના આચરણ માટે ઉછેરવામાં આવેલો છે. તારી પ્રકૃતિ યુદ્ધકર્મને અનુકૂળ હોઈ, તારી કેળવણી પણ એ જ કર્મ માટે થયેલી છે. સર્વ સમાજ તારી પાસે એ જ કર્તવ્ય અદા થવાની અપેક્ષા રાખે છે. એ કર્મ બજાવતાં બજાવતાં તુંયે ઉત્તરાવસ્થાની સમીપ આવવા માંડયો છે. હવે તારા ધર્મને જ વફાદાર રહી, તે ધર્મ બજાવતાં બજાવતાં મરવું એ શ્રેય છે, પણ એનો ત્યાગ કરી પરધર્મ આચરવા પ્રયત્ન કરવો એ તારે માટે તેમજ સૌ કોઈ માટે ભયાનક થશે.”

[પહેલા ત્રણ અધ્યાયોમાં ‘ગીતા’ના ખાસ ઉપદેશના સર્વે મુદ્દાઓ આવી ગયા. પછીના અધ્યાયોમાં કોઈ નવો સિદ્ધાંત આવતો નથી, પણ એ ઉપદેશોનું વિશેષ સ્પષ્ટીકરણ આવે છે. જેમ કોઈ મંદિરનો પાયો અને ખોખું તૈયાર કરીએ, તેમ પહેલા ત્રણ અધ્યાયો છે. પાછલા અધ્યાયો એ પહેલા ત્રણ પર ઉત્પન્ન કરેલી ઇમારત છે. — કિ. ઘ. મ.]

***