Satya Asatya - 7 books and stories free download online pdf in Gujarati

સત્ય અસત્ય - પ્રકરણ - 7

સત્ય-અસત્ય

કાજલ ઓઝા વૈદ્ય


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૭

સત્યજીત હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે રવીન્દ્રભાઈને આઈ.સી.સી.યુ.માં લઈ ગયા હતા. એમની ટ્રીટટમેન્ટ શરૂ થઈ ગઈ હતી. સોનાલીબહેન બહાર વેઇટિંગ લાઉન્જમાં ઊભાં હતાં. એમની આંખો ભીની હતી. સત્યજીતના આવતા જ એ દોડીને એની પાસે પહોંચી ગયાં, “બેટા, ડૉક્ટર કહે છે કે મેસિવ ઍટેક છે. તારા પપ્પા ક્યાંય સુધી છાતીમાં દુખાવો થાય છે એવું બોલ્યા જ નહીં. અહીં લાવતા મોડું થઈ ગયું છે.”

“મોમ, તુ ચિંતા નહીં કર. બધું બરાબર થશે.” સત્યજીતે કહ્યું તો ખરું, પણ એને સમજાતું નહોતું કે એ હજી હમણાં જ તૂટેલા પોતાના દિલના ટુકડા જોડે કે પપ્પાના દિલ પર થયેલો હુમલો સમજવાનો પ્રયત્ન કરે. એણે ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધાનો સૂર ખાસ્સો નિરાશાજનક હતો. રવીન્દ્રભાઈની ટ્રીટમેન્ટ ચાલતી રહી. ડૉક્ટર એમને કાર્ડિયાક મસાજથી શરૂ કરીને બીજી બધી જ સારવાર આપી રહ્યા હતા, પણ રવીન્દ્રભાઈનું શરીર એ સારવારનો કોઈ પ્રતિભાવ આપતું નહોતું. મોનિટર ઉપર ખૂટતા જતા શ્વાસના આંકડા ઘટતા હતા. સોનાલીબહેનની આંખોમાંથી આંસુ અટકતાં નહોતાં.

“કોઈ દિવસ તું હેરાન થઈશ... આ બધું જે બોલે છે એ કોઈ દિવસ સાચું પડશે તો ?” એને રહી રહીને પ્રિયંકાના શબ્દો યાદ આવતા હતા. કોણ જાણે કેમ સત્યજીતને રહી રહીને એમ લાગતું હતું કે પોતે જૂઠું બોલ્યો એનું જ આ પરિણામ હતું. એણે રવીન્દ્રભાઈની તબિયત વિશે જે કંઈ કહ્યું એને જાણે કોઈકે ‘તથાસ્તુ’ કહી દીધું હતું... આવું બધું માનવું કે નહીં એ વિશે એના મનમાં દ્વંદ્વ ચાલતું હતું, પણ આ વાત સાચી હતી કે ખોટી એ વિશે એ નક્કી નહોતો કરી શકતો. પપ્પાના ખેંચાતા શ્વાસ અને તરફડાટની સાથે સાથે એને પ્રિયંકાની ભીની આંખો અને આંખોમાંથી છલકાતી ફરિયાદ દેખાયા કરતાં હતાં.

એને ધ્રુસકે ધ્રુસકે રડવું હતું. પ્રિયંકાને ફોન કરીને પપ્પાના હાર્ટઍટેકની વાત કરવી હતી, પરંતુ હવે પ્રિયંકા એની વાત નહીં માને એવા ભય સાથે એ ચૂપચાપ નજર સામે બનતી ઘટનાઓ જોતો રહ્યો. ડૉક્ટર્સની અવરજવર, લોબીમાં થતા ચહલપહલ, આવી પહોંચેલાં સગાંઓની ધીમા અવાજે ચાલતી વાતચીત... એ બધાની વચ્ચે ક્યાંક પ્રિયંકાની ગેરહાજરી એને પીડી રહી હતી. એ સોનાલીબેનને કહેવા માગતો હતો કે આ એની ભૂલનું પરિણામ હોઈ શકે... એનું જુઠ્ઠાણું સાચું પડી ગયું હતું એ વાત એ માને જણાવવા માગતો હતો, એ પછી પ્રિયંકા સાથે જે કંઈ થયું એ પણ જણાવવા માગતો હતો, પરંતુ અત્યારે એ કહેવાનો સમય નહોતો...

હજી થોડા કલાકો પહેલાં તદ્દન બેફિકર- બિન્ધાસ્ત જીવી રહેલા સત્યજીતને અચાનક જ જિંદગી સમસ્યાઓથી ભરેલી અને મુશ્કેલ લાગવા માંડી હતી. હજી હમણાં સુધી પોતે પ્રિયંકાને કહેતો હતો, “તું દરેક વાતને આટલી સીરિયસલી કેમ લે છે ?”

પ્રિયંકા દરેક વખતે જવાબ આપતી, ‘‘જિંદગીને આટલી બેફિકરાઈથી લેવા જેવી નથી. જિંદગી માટે જ્યારે સંઘર્ષ કરવો પડશે ત્યારે સમજાશે કે જિંદગીનું મૂલ્ય શું છે ?’’ પ્રિયંકાની દરેક વાતને સત્યજીત હસી કાઢતો, પરંતુ હવે અહીં આઇ.સી.સી.યુ.ની બહાર ઊભા ઊભા એને ‘ગંભીરતા’ શબ્દ સમજાયો હતો.

આ ક્ષણે એને સૌથી વધુ જરૂર પ્રિયંકાની હતી. પ્રિયંકાના ચાલી ગયા પછી છેક હવે સમજાયું હતું કે એની હિંમત, એની તાકાત, એની બેફિકરાઈ કે એનો આત્મવિશ્વાસ, એનું સુખ, એની લાગણી અને એનું ભવિષ્ય બધું જ પ્રિયંકા નામની વ્યક્તિ સાથે જોડાયેલું હતું. એને માટે પ્રિયંકા જ એના સુખનો, એના જીવનનો, એની પ્રગતિનો પર્યાય હતી એવો ખ્યાલ એને છેક હમણાં આવ્યો હતો, સાથે જ એને સમજાતું હતું કે હવે ઘણું મોડું થઈ ગયું હતું.

“તારું ધ્યાન ક્યાં છે ?” સોનાલીબહેને એને હચમચાવ્યો.

“હા મા...” એના વિચારોની શૃંખલા તૂટી. એણે સોનાલીબેન સામે જોયું, “ડૉક્ટર્સ કહે છે કે હમણાં જ તાત્કાલિક બાયપાસ કરવી પડશે.”

“હા...” એની પાસે બીજો કોઈ જવાબ નહોતો.

“કોઈ વચન નથી આપતા, પણ ચાન્સ લઈ શકાય એમ કહે છે.” સોનાલીબહેન રડતાં રડતાં બોલતાં હતાં. સત્યજીતે માની આસપાસ હાથ લપેટ્યા, એને નજીક ખેંચી, એને સધિયારો આપ્યો. એ કશું જ બોલ્યા વિના માના ખભે હાથ ફેરવતો રહ્યો.

હૉસ્પિટલના પેપર્સની ફોર્માલિટી પૂરી કરીને એ ઑપરેશન થિયેટરની બહાર બેઠો હતો, પણ એની નજર વારે વારે ઘડિયાળ તરફ જતી હતી. પ્રિયંકા અત્યારે જવાની તૈયારી કરી રહી હશે એ વિચાર માત્ર એને અંદરથી કોરી ખાતો હતો. કોણ જાણે કેમ, એને લાગતું હતું કે પ્રિયંકા એક વાર દેશની બહાર જશે તો હવે એ બંને ક્યારેય નહીં મળી શકે. એણે પોતાના મનને સમજાવવાના ઘણા પ્રયાસ કર્યા, પણ રહી રહીને એની છઠ્ઠી ઇન્દ્રિય - કોન્શેન્સ એને કહી રહ્યું હતું કે હવે પ્રિયંકા એની જિંદગીમાંથી કાયમ માટે જઈ રહી છે.

પિતાના શ્વાસની સાથે સાથે ક્યાંક એને પોતાના શ્વાસ પણ ખૂટતા હોય એવું લાગ્યું. ખૂબ જ ગૂંગળામણ - અકળામણ થઈ રહી હતી. એનું મન એને હમણાં ને હમણાં ઊભા થઈને પ્રિયંકા પાસે પહોંચી જવા માટે મજબૂર કરી રહ્યું હતું. એ જાણતો હતો કે અહીંથી ઊભા થઈને જઈ શકાય એમ નથી. એણે જાતને સમેટીને ફરી એક વાર અહીં ચાલી રહેલી ઘટનાઓમાં ગૂંથાવાનો પ્રયાસ કર્યો, પણ એનું મન રહી રહીને ફરી એક વાર પ્રિયંકા પાસે પહોંચી જતું હતું. એ ક્યાં હશે, શું કરતી હશે, પોતાને યાદ કરતી હશે કે નહીં- આવા વિચારોથી એને હૉસ્પિટલની લોબી જેવી ખુલ્લી જગ્યામાં પણ એને લાગતું હતું કે જાણે દીવાલો નજીક ખસી રહી છે. આવતા-જતા ડૉક્ટર્સની સ્પીડ જાણે સ્લૉ મૉશનમાં હોય એમ સાવ ધીમી થઈ ગઈ હતી. એની આસપાસની દુનિયા વિચિત્ર રીતે જાણે અજાણી અને અધૂરી લાગતી હતી...

*

પ્રિયંકાને ત્યાં એના અમેરિકા જવાની તૈયારી ચાલતી હતી.

એનાં મમ્મી શીલાબેન ઝીણી ઝીણી વસ્તુઓ યાદ કરીને મૂકતાં હતાં. જાતજાતની સલાહો આપતાં હતાં. સિદ્ધાર્થભાઈ એક કાગળ ઉપર અમેરિકા જઈને કોને મળવું, કયા કામ પતાવવા અને કઈ રીતે આગળ વધવું એની વિગતો લખી રહ્યા હતા. મહાદેવભાઈ થોડા ચિંતામાં અને થોડા લાગણીવશ થઈ વારે વારે પ્રિયંકાની આસપાસ ચક્કર મારતા હતા. આખરે બેગ પૅક થઈ અને બહાર મુકાઈ ગઈ ત્યારે મહાદેવભાઈએ પ્રિયંકાને આંખનો ઇશારો કરીને પોતાના ઓરડામાં બોલાવી.

“જો બેટા, તું અમેરિકા જાય છે એ આનંદની વાત છે. તારા કામથી જાય છે એ એનાથી પણ વધુ આનંદની વાત છે, પરંતુ મને તારી ચિંતા છે. તું જે મનઃસ્થિતિમાં જાય છે તે...”

“દાદાજી, મેં મારી જાતને સંભાળી લીધી છે.” મહાદેવભાઈને એની આંખોમાં એક સ્વસ્થતા દેખાઈ. એટલે એમને થોડો હાશકારો પણ થયો, “હું સમજી શકું છું કે જે સંબંધ થોડા વખત પછી કડવાશમાં, પીડામાં પલટાવાનો છે એ સંબંધ આજે જ પૂરો થઈ જાય તો પણ પીડા થશે તો ખરી જ... પરંતુ પ્રમાણમાં થોડી ઓછી.” બોલતા બોલતા એની આંખોમાં સહેજ પાણી આવ્યાં, “નુકસાન થવાનું જ હોય તો પચાસ હજારથી અટકાવી, પંચ લાખ ઇન્વેસ્ટ કરવાનો અર્થ નથી. જે થવાનું હતું એ થઈ ચૂક્યું છે દાદાજી, મને એનાથી છૂટા પડવાની તકલીફ ચોક્કસ છે, પણ એક વાતે સંતોષ છે કે હું સમજી-વિચારીને આ નિર્ણય કરી રહી છું. કોઈ પ્રકારના ઉશ્કેરાટમાં કે ક્રોધમાં નહીં. દાદાજી, ખરું પૂછો તો હું એનાથી છૂટી નથી પડી. ક્યારેય છૂટી પડી શકીશ નહીં. એની સ્મૃતિ હંમેશાં મારી સાથે રહેશે, પણ હવે અમે સાથે આગળ વધવાને બદલે એકબીજાથી અલગ દિશામાં સ્વતંત્ર રીતે આગળ વધીશું એટલું જ...”

“જો બેટા, તું જેટલી સ્વાભાવિકતાથી આ વાત કહે છે ને, એટલી સ્વાભાવિકતાથી આ વાતને હૃદયમાં પણ સ્વીકારતી હોય અને મનમાં પણ માનતી હોય તો મને કોઈ વાંધો નથી...” મહાદેવભાઈએ એના માથે હાથ ફેરવ્યો, “પણ બીજા દેશમાં ગયા પછી એકલી પડે ત્યારે તને જો આ વાત કોરી ખાવાની હોય તો ફરી વિચારી જો.”

“જાતને છેતરવાનો અર્થ નથી, તકલીફ તો થશે દાદાજી. મેં નક્કી કર્યું છે કે હું એ તકલીફમાં મારી જાતને સંભાળતા શીખી જઈશ.”

મહાદેવભાઈ એક ક્ષણ માટે એની સામે જોઈ રહ્યા. પછી ભરાઈ આવેલી આંખો એમણે ધીમેથી લૂછી નાખી. ખૂબ સંયમથી, પણ દૃઢતાથી કહ્યું, “બસ બેટા, એટલું શીખી જઈશ તોય ઘણું છે. તકલીફોમાં તૂટવાનું નહીં, પણ લડીને પાર ઊતરવાનું. મારે તને એટલું જ શીખવવું હતું. એ તું શીખી ગઈ છે એનો મને સંતોષ છે. હવે તું અમેરિકા જા કે અલાસ્કા, મને બીક નહીં લાગે.” પ્રિયંકા એના દાદાજીની છાતી પર માથું મૂકીને, એમને ભેટીને ક્યાંય સુધી ઊભી રહી. મહાદેવભાઈ હળવા હાથે એની પીઠ પસવારતા રહ્યા.

‘‘બેટા, આપણે જે કોઈ નિર્ણય કરીએ એની જવાબદારી તો આપણી જ હોય... પરિણામ પણ આપણે જ ભોગવવાનું હોય. એક વાત નક્કી છે કે દુઃખ અને સુખ બંને આપણે જ પસંદ કરીએ છીએ, સવાલ માત્ર એટલો છે કે એ પસંદગી કયા સવાલ માત્ર એટલો છે કે એ પસંદગી કર્યા પછી ન સમજાવું જોઈએ.’’

‘‘હું સમજી નહીં.’’

‘‘બેટા, કયું દુઃખ છે ને કયું સુખ છે એની સમજ આપણને પસંદગી કરતા પહેલાં જ હોવી જોઈએ. જતું રહે ત્યારે સમજાય કે જે ગયું એ સુખ હતું ને રહ્યું તે દુઃખ છે. એને બદલે એટલું સમજાય કે જે જવા દીધું છે એ દુઃખ હતું તોયે ઘણું.’’

‘‘દાદાજી, હું દુઃખ અને સુખની વ્યાખ્યાથી ઉપર ઊઠીને આ પસંદગી કરું છું. સતત જુઠ્ઠું બોલતા માણસ સાથે કોઈ કારણ વગર સતત સંઘર્ષ કર્યા કરવાનું મને નહીં ફાવે. એ જે કંઈ કહે છે તે સાચું છે કે ખોટું એ તપાસવામાં મારી જિંદગી પૂરી થશે તો બેમાંથી કોઈ સુખી નહીં થઈ શકે. એના કરતાં એ એના ભાગની જિંદગી જીવે ને હું મારા ભાગની જિંદગી જીવું એમાં બેઉં શાંતિથી જીવી શકીશ’’

‘‘ભલે બેટા, તેં વિચાર્યું હોય તો મારે કંઈ કહેવાનું નથી. હવે તું જ તારા કલ્યાણનો માર્ગ પસંદ કરી લે...’’ એમણે પ્રિયંકાના કપાળ પર ચુમી ભરી. પ્રિયંકાની આંખોમાંથી વહેતાં આંસુ લૂછ્યાં અને હળવે પગલે પોતાના રૂમમાં ચાલી ગયા.

*

ઑપરેશન થિયેટરનો દરવાજો ખૂલ્યો. ડૉક્ટર માસ્ક સાથે બહાર નીકળ્યા. સામે સોફા પર બેઠેલાં સોનાલીબહેન અને સત્યજીત ઊભાં થઈ ગયાં.

ડૉક્ટરે નજીક આવીને માથું ધુણાવ્યું, “આઈ એમ સૉરી, અમારા તમામ પ્રયાસો છતાં અમે તમારા ફાધરને બચાવી શક્યા નહીં.” એ પછી ડૉક્ટરે શું કહ્યું એ જાણે સત્યજીતને સમજાયું જ નહીં. ડૉક્ટર જે કંઈ બોલતા એનો અવાજ જાણે મ્યુટ થઈ ગયો હતો, એમના હોઠ હાલતા હતા, પણ એમાંથી બહાર નીકળતા શબ્દો સત્યજીત સુધી પહોંચતા નહોતા. સત્યજીત ફાટી આંખે એમની સામે જોઈ રહ્યો. સોનાલીબેનનું રુદન જાણે થીજી ગયું હતું.

ડૉક્ટર જે કંઈ બોલી રહ્યા હતા એના ઉપર વિશ્વાસ ન આવતો હોય એમ સત્યજીતે ફરી પૂછ્‌યું, “શું કહો છો તમે?”

“અમે બાયપાસ શરૂ કરીએ એ પહેલાં જ તમારા ફાધર કોલેપ્સ થઈ ગયા. કદાચ એમને અહીં લાવવામાં થોડું મોડું થઈ ગયું.” સત્યજીતે બાજુમાં ઊભેલાં સોનાલીબેનનો હાથ પકડી લીધો. એ હજી સોનાલીબેનને સંભાળે તે પહેલાં એ ચક્કર ખાઈને નીચે પડ્યાં. સત્યજીતે એમને સંભાળ્યાં. બાજુના સોફા પર સૂવડાવી દીધાં, “આઇ એમ રિયલી સૉરી, પણ અમારાથી જે થઈ શકતું હતું તે બધું જ અમે કર્યું.”

“કશો વાંધો નહીં.” સત્યજીતના અવાજમાં વિચિત્ર પ્રકારની સ્વસ્થતા હતી, “જે થવાનું હતું તે બધું જ થઈ ગયું ડૉક્ટર...” એણે લગભગ સ્વગત કહ્યું. પછી ધીમેથી ભીના અવાજે ડૉક્ટરને પૂછ્‌યું, “શું ફોર્માલિટીઝ કરવાની છે તે સમજાવી દો એટલે હું એમના શરીરને લઈ જવાની તૈયારી કરું.”

એણે ન માની શકાય એટલી સ્વસ્થતાથી હૉસ્પિટલના પેપર્સની વિધિ પૂરી કરી, બિલ ચૂકવ્યું, શબવાહિનીને ફોન કર્યો અને સોનાલીબહેનને ડ્રાઇવર સાથે ઘેર મોકલી આપ્યાં. પોતે શબવાહિનીમાં પિતાની સાથે બેસીને ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં સગાંવહાલાંની ભીડ જમા થઈ ગઈ હતી. સત્યજીતને રડવાનો સમય જ મળ્યો નહીં. ઘરે પહોંચતા જ પિતાના શબને જમીન પર સૂવડાવવા માટે ચોકો કરવો, દીવો કરવો... જેવી જાતજાતની ને ભાતભાતની દુન્યવી વિધિઓમાં એ એવો તો અટવાયો કે એની છાતીનો ડૂમો છાતીમાં જ ગોરંભાયેલો રહ્યો.

*

સિંગાપોર એરલાઇન્સની ફ્‌લાઇટ મુંબઈ એરપોર્ટથી ટેક-ઑફ થઈ ત્યારે બંધ આંખે સીટ પર માથું ઢાળીને પ્રિયંકાએ મનોમન મુંબઈને જ નહીં, સત્યજીતને પણ ‘ગુડબાય’ કહી દીધું.

એણે મનમાં નક્કી જ કરી લીધું હતું કે અખબારનાં કામ પૂરાં થયાં પછી પોતે યુનિવર્સિટીઝમાં તપાસ કરશે. એણે ભારત છોડીને થોડાં વર્ષ ક્યાંક બીજે રહેવાનું નક્કી કરી લીધું હતું. ભારતમાં અને એ પણ અમદાવાદમાં રહીને સત્યજીતથી દૂર રહેવું એને માટે અસંભવ હતું એવી એને પોતાને પણ ખબર હતી. સત્યજીતની આંખોમાં જો કદાચ ફરી એક વાર જોવાનું થાય તો પોતે પીગળી જશે એવી પ્રિયંકાને ખાતરી હતી. પ્રિયંકાને ભય લાગતો હતો કે જો સત્યજીત એને ફરી એક વાર સમજાવશે તો પોતે ફરી એક વાર એની વાત પર વિશ્વાસ કરી લેશે. એને પોતાની લાગણી અને પોતાના પ્રેમની નબળાઈ વિશે જાણ હતી જ... થોડા દિવસ દૂર રહેવાથી કદાચ એ આ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજીને પોતાની જાતને વધુ ઝડપથી સંયત કરી શકશે એવું એને લાગતું હતું.

એ આંખો બંધ કરીને સત્યજીત વિશે, ઘર વિશે અને છેલ્લા ચોવીસ કલાકમાં બની ગયેલી ઘટનાઓ વિશે વિચારી રહી હતી ત્યારે અજાણતા જ એની આંખમાંથી સરકેલું આંસુ કોઈકે ટિશ્યૂથી લૂછ્‌યું. પ્રિયંકાએ ચોંકીને બાજુની સીટમાં જોયું તો એક સોહામણો, પરાણે વહાલો લાગે એવો હેન્ડસમ છોકરો એની સામે જોઈને હસી રહ્યો હતો. એણે ટિશ્યૂ લંબાવ્યું, “ટેક ઑફ થઈ ગયો છે, આપણે સેફ છીએ. ડરવાની જરૂર નથી.” એ છોકરાએ કહ્યું. પ્રિયંકા એની ઊંડી, કાળી, સ્વચ્છ અને નિષ્પાપ આંખોમાં જોઈ રહી. એ છોકરાના ચહેરા ઉપર એક અજબ જેવી સરળતા હતી. એનું સ્મિત નાના બાળ જેવું નિર્દોષ હતું.

“આદિત્ય પટેલ.” એણે હાથ લંબાવ્યો, “રડતી છોકરીની મને બહુ બીક લાગે. હું સ્કૂલમાં હતો ત્યારથી જ !”

ભીની આંખે પણ પ્રિયંકાને હસવું આવી ગયું, “હવે સ્કૂલ છોડી દીધી ? કે હજુ સ્કૂલમાં જ છો ?”

“મને સારી સેન્સ ઑફ હ્યુમર ધરાવતી છોકરીઓની પણ બહુ બીક લાગે...” એનો હાથ હજી લંબાયેલો હતો.

પ્રિયંકાએ લંબાયેલો હાથ પકડીને હેન્ડશેક કર્યા, “પ્રિયંકા મહેતા. પત્રકાર છું. હવે એમ નહીં કહેતા કે તમને પત્રકારોની પણ બહુ બીક લાગે છે.”

“હું કહેવાનો જ હતો.” આદિત્ય બોલ્યો. બંને ખડખડાટ હસી પડ્યા.

(ક્રમશઃ)

Share

NEW REALESED