Hu Tari rah ma - 16 books and stories free download online pdf in Gujarati

હું તારી રાહ માં - 16

આગળ જોયું… જય દિશા હનીમૂન પર જવા નીકળે છે. રાહી-ધ્રુવ તેમને છોડવા માટે એરપોર્ટ જાય છે. ત્યાં જ શ્રેયાનો ફોન આવે છે અને તે તેવી માહિતી આપે છે કે રિદ્ધિ પોતે હાલમાં ક્યાં છે તે જણાવવા માટે તૈયાર નથી આથી ધ્રુવ-રાહીની તે આશા પર પણ પાણી ફરી વળે છે. જય-દિશા ફરીથી ચર્ચમાં લગ્ન કરે છે જ્યાં એક ફોટામાં ધ્રુવને એક વ્યક્તિ દેખાય છે. જે ફરી તેના માટે આશાનું કિરણ બનીને આવે છે. રાહીના મત મુજબ તે રિદ્ધિમેમ હતા. પરંતુ દુલહનના ડ્રેસમાં સજ્જ હોવાથી બંને ચિંતામાં હતા. ક્યાંક રિદ્ધિમેમએ લગ્ન તો નથી કરી લીધા ને ? ધ્રુવ જયને આ વિશે પૂછપરછ કરે છે. જય તે વ્યક્તિ વિશે માહિતી આપે છે હવે આગળ...

જયનો ફોન મુક્તા જ રાહીએ ધ્રુવને પૂછવાનું શરૂ કરી દીધું ,” શું કીધું જયે તે વ્યક્તિ વિશે ? કોણ છે તે ?”

“ રાહી આપણો શક સાચો નીકળ્યો. આપણે જે વ્યક્તિ વિશે તપાસ કરાવી તે રિદ્ધિમેમ જ છે.”ધ્રુવ

“ ઓહ આ તો ખૂબ જ સારી વાત છે. પણ તે લગ્નના પરિધાનમા કેમ? શું તેમણે કોઈ જોડે લગ્ન કરી લીધા હશે ? રાહી

“ ના આપણે જે વિચારીએ છીએ તેવું કઈં જ નથી. રિદ્ધિમેમએ લગ્ન નથી કર્યા. તે ત્યાંના સંચાલક છે અને ત્યાં જ રહીને તે સંસ્થાનું સંચાલન કરે છે. “ ધ્રુવ

“ ઓહ, તેનો મતલબ આપણે આપણાં લક્ષ્યાંકની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ. ?!! “ રાહી

“ હા રાહી, સાચું કહ્યું હવે બસ આપણે રિદ્ધિમેમ સુધી તે હકીકત પહોચાડવાની છે જે હકીકત આપણને મેહુલસર પાસેથી જાણવા મળી ?” ધ્રુવ

“ પણ આપણે તેમને જણાવશુ કઈ રીતે? શુ આ વાત ફોનમાં કરવી યોગ્ય રહેશે ?” રાહી

“ ના આટલી જરૂરી વાત આપણે ફોન પર ન કરી શકીએ. આ માટે આપણે રૂબરૂ જ રિદ્ધિમેમને મળવા જવું જોશે ?” ધ્રુવ

“ તારો મતલબ છે આપણે કશ્મીર જવું જોઇએ?” રાહી

“ હા રાહી આપણે કશ્મીર જવું જ પડશે. પણ આપણે મેહુલસરને આ વાત નથી જણાવવી. “ ધ્રુવ

“ પણ શા માટે? હવે તો રિદ્ધિમેમ ક્યાં છે તે જાણ થઈ ગઈ છે તો મારા મતે આપણે મેહુલસરને આ વાત જણાવી દેવી જોઈએ.” રાહી

“ રાહી આ ખૂબ જ નાજુક બાબત છે. આ માટે આપણે સંભાળી સંભાળીને એક એક કદમ ઉઠાવવું જોશે. આપણી એક ભૂલ પણ આપણી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે.” ધ્રુવ

“ તો હવે આપણે શુ કરવું જોઈએ? મારા ખ્યાલથી કોઈ એવી વ્યક્તિની તો મદદ લેવી જ જોશે જેમની મેહુલસર નજીક હોય અને આ વાત સાથે તે વ્યક્તિ જોડાયેલુ હોય.” રાહી

“ તો તારું શુ કહેવું છે આપણે કોની મદદ લેવી જોઈએ ?” ધ્રુવ

“ તેવી તો બે જ વ્યક્તિ જ છે. એક રિદ્ધિમેમના મમ્મી ભારતીઆંટી અને બીજા મેહુલસરના મિત્ર મિલનભાઈ. ભારતીઆંટીનો સંપર્ક તો આપણે સરળતાથી કરી શકીશું પણ મિલનભાઈનો સંપર્ક કરવામાં થોડી મુશ્કેલી થશે.” રાહી

“ તેમનો સંપર્ક હું કરીશ. મારી પાસે તેમના કોંટેક્ટ નંબર છે. જ્યારે સરની બીજી ફેક્ટરીનું ઉદ્ઘાટન હતું ત્યારે મેહુલસરે મને બધા મહેમાનોને આમંત્રણ આપવાનું કામ સોપેલું ત્યારે મે તેમને ફોન કરેલો. ત્યારથી મારી પાસે તેમના નંબર છે. “ ધ્રુવ

“ ઓહ સરસ તો તેમનો સંપર્ક પણ સરળતાથી થઈ શકશે.” રાહી

“ પણ આ પહેલા આપણે ભારતીઆંટીને મળવું પડશે.” ધ્રુવ

“ઓકે તો આજ આપણે લંચ ટાઈમમા ભારતીઆંટીને મળી આવીએ. પછી આગળ શુ કરવું તે વિચારશું .” રાહી

લંચ ટાઈમ થતાં રાહી-ધ્રુવ ભારતીબહેનને મળવા માટે જાય છે. રાહી-ધ્રુવને આવેલા જોઈ ભારતીબહેન તેમને અંદર આવવા કહે છે. તે બંનેને પહેલેથી જ ઓળખતા હોય છે. ઓફિસે રાહી-ધ્રુવની ખબર પૂછવા આવતા હોય ત્યારે તે રાહી-ધ્રુવને મળેલા હોય છે. પણ આમ અચાનક આજે બંને સાથે આ રીતે આવેલા જોઈ ભારતીબહેન આશ્ચર્ય વ્યક્ત કરે છે.

“ જય શ્રી કૃષ્ણ આંટી. કેમ છો ?” રાહી

“ જય શ્રી કૃષ્ણ બેટા. હું ઠીક છું. તમે બંને કેમ છો ?” ભારતીબહેન

“ અમે પણ મજામાં .” ધ્રુવ

“ બોલો બાળકો કેમ આજ મને યાદ કરી તમે ?” ભારતીબહેન

“ આંટી અમે અહિયાં એક ખાસ કારણસર આવ્યા છીએ. અમારે તમારી મદદની ખાસ આવશ્યકતા છે.” રાહી

“ મદદ ? પણ હું કઈ રીતે તમારી મદદ કરી શકું?” ભારતીબહેન

“ હા આંટી તમારે અમારી મદદ કરવાની રહેશે અને હા અમે તમારા માટે એક ખુશખબર લાવ્યા છીએ.” ધ્રુવ

“ ખુશખબર ? પણ શું ? તમે લોકો શું વાત કરી રહ્યા છો મને કઈં જ નથી સમજાતું .” ભારતીબહેન

“ બધુ કહું છું આંટી પણ તે પહેલા તમે કહો કે તમે અમારી મદદ કરશો ને ?” રાહી

“ હા ચોક્કસ. મારાથી બનતી બધી મદદ હું તમને કરીશ પણ હવે મને જણાવશો કે વાત શું છે ?” ભારતીબહેને ઉત્સુકતા દર્શાવી.

રાહીએ બધી વાત ભારતીબહેનને જણાવી. રિદ્ધિ હાલમાં ક્યાં છે અને કેવી રીતે તેમનો પતો બન્નેએ મળીને લગાવ્યો તે વાત રાહીએ ભારતીબહેનને જણાવી. ભારતીબહેન રિદ્ધિની ખબર મળવાના સમાચારથી ખૂબ જ ખુશ હતા. તેમની આંખોમાં હરખના આંશુ આવી ગયા હતા. તેને રાહી અને ધ્રુવનો આભાર માન્યો.

“ જો આજ તમે બંને ના હોત તો કદાચ રિદ્ધિનો પતો લાગ્યો જ ન હોત.” ભારતીબહેન

“ ના આંટી અમે કશું જ નથી કર્યું. ઈશ્વરની પોતાની ઈચ્છા મેહુલસર અને રિદ્ધિમેમને મેળવવાની છે. અમે તો તે લોકોને મેળવવા માટેની કોશિશ માત્ર કરી છે અને આજે તે કોશિશ અમને સફળ થતી જણાય છે.” રાહી

“ બેટા તમે લોકો જે કહો તે પણ અત્યારે તમે લોકો મારા માટે ઈશ્વર બનીને આવ્યા છો. મે તો મારી દીકરીને ફરી મળવાની કે તેને હું જોઈ શકીશ તેને તેવી આશા જ ખોઈ દીધી હતી. પરંતું તમારી કોશીશોના પરિણામથી જ આજ મારી દીકરી ક્યાં છે તે ખબર લાગી શકી છે. ખબર નહીં હું તમારો આભાર કઈ રીતે વ્યક્ત કરું ?” ભારતીઆંટી

“ આંટી જો તમારે અમારો આભાર જ વ્યક્ત કરવો હોય તો અમને આશીર્વાદ આપો કે આવી જ રીતે અમે જીવનમાં પ્રગતિ કરીએ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકીએ.” રાહી

“ તો તમે નક્કી કર્યું કે આપણે હવે રિદ્ધિનો સંપર્ક કઈ રીતે કરવો ? તમે ફોન કર્યો હતો તેને ? મેહુલનું શું કહેવું છે આ બાબતે ?” ભારતીઆંટી

“ આંટી અમે રિદ્ધિમેમને કશ્મીર રૂબરૂ મળવા જવાનું વિચારીએ છીએ. અમે મેહુલસરને આ વાત નથી જણાવી. અમે ઇચ્છીએ છીએ કે આપણે બધા પહેલા રિદ્ધિમેમને મળી લઈએ અને તેમને બધી હકીકત જણાવી દઈએ પછી મેહુલસરને બધી વાત કરીએ.” ધ્રુવ

“ અમને વિશ્વાસ છે કે જો એકવાર રિદ્ધિમેમ પૂરી હકીકત જાણશે તો પછી રિદ્ધિમેમ ખુદ મેહુલસરને મળવા માટે તૈયાર થઈ જશે. બસ એકવાર તેમના સુધી હકીકત પહોચાડવી અનિવાર્ય છે.” રાહી

“ ઠીક છે તો પછી રિદ્ધિને લેવા હું અને રિદ્ધિના પપ્પા અમે બંને પણ સાથે આવશું. આજે જ તૈયારી કરવા લાગીએ કાશ્મીર જવા માટેની.” ભારતીબહેન નવા ઉમંગથી બોલી ઉઠ્યા.

સાંજે રિદ્ધિના પપ્પા ઘરે આવતા ભારતીબહેન તેમને પૂરી વિગતે વાત જણાવે છે. રિદ્ધિના પિતા પણ રિદ્ધિના મળવાના ખબર સાંભળી એકદમ ખુશ થઈ જાય છે.

ધ્રુવ મિલનને પણ ફોન કરીને બધી વાત જણાવે છે અને આગળ શું કરવું તેની માહિતી મેળવે છે. મિલન પણ તેમની સાથે કાશ્મીર આવશે તેવું જણાવે છે.

ધ્રુવ મેહુલ પાસે જાય છે અને થોડા દિવસ માટે પોતે અને રાહી બંને પોતપોતાના પરિવાર સાથે કાશ્મીર જવું છે તો રજા જોઈએ છે તેમ જણાવે છે. મેહુલને થોડું આશ્ચર્ય થાય છે. પહેલા જય અને દિશા હનીમૂન માટે કાશ્મીર જાય છે અને હવે રાહી અને ધ્રુવ પરિવાર સાથે કાશ્મીર જવાની વાત કરે છે ?

“ શું રાહી અને ધ્રુવ વચ્ચે પણ પ્રેમસંબંધ હશે? “ મેહુલ પોતે આવું કઈક વિચારતો હોય છે ત્યાં જ ધ્રુવ ફરીથી તે જ સવાલ પૂછતાં મેહુલ વિચારોમાંથી બહાર આવે છે.

“ તો સર અમે જઈ શકીએ? “ ધ્રુવે ફરી પ્રશ્ન કર્યો

“ હા ચોક્કસ. જાઓ ફરી આવો. પણ આમ અચાનક કાશ્મીર ? કઇં ખાસ કારણથી કે માત્ર આમ જ ?” મેહુલે જાણવાની કોશિશ કરી.

ધ્રુવ સમજી ગયો કે સર તેના અને રાહીના સંબંધ વિશે કઈક જુદું જ સમજવા લાગ્યા છે. પણ ધ્રુવ તેમનો આ ભ્રમ તોડવા નહોતો માંગતો. કેમ કે મેહુલસરના આ ભ્રમથી પોતાનું કામ સરળતાથી થઈ શકશે. મનમાં તો તે મેહુલસરને કહેતો હતો કે, “ સર તમારું જ સેટિંગ કરવા જઈ રહ્યા છીએ.” પણ તે કઈ બોલ્યો નહીં પરંતુ સામે સ્મિત ફરકાવી તે ત્યાથી જતો રહ્યો.

ધ્રુવે રાહી પાસે આવીને રજા મળી ગયાની વાત કરી. રાહીએ ભારતીબહેનને અને ધ્રુવે મિલનભાઈને ફોન કરીને ખબર આપી દીધા. બે દિવસ પછીની ટિકિટ મળતા બધા કશ્મીર જવા માટે

નીકળી ગયા.

***

એક દિવસ મેહુલને રિદ્ધિની ખૂબ જ યાદ આવતી હતી. જ્યારે પણ તેને રિદ્ધિની યાદ આવતી તે ભારતીઆંટીને મળી આવતો અને મનનો ભાર હળવો કરી લેતો. આથી મેહુલે રિદ્ધિના ઘરે જવાનું વિચાર્યું અને કારને રિદ્ધિના ઘર તરફ લીધી. અચાનક તેનું ધ્યાન રસ્તાની બીજી બાજુએ પડ્યું તો રાહીના મમ્મી-પપ્પા બાઇક પર ક્યાક જઈ રહ્યા હતા. મેહુલને ખૂબ જ આશ્ચર્ય થયું તેમને જૂનાગઢમાં જોઈને. ધ્રુવે રાહી અને તેના પરિવાર જોડે કશ્મીર જાય છે તેમ જણાવ્યુ હતું. આથી હકીકત જાણવા મેહુલ તેના માતા-પિતા પાસે જાય છે.

“ હલ્લો અંકલ –આંટી કેમ છો ?” મેહુલ

“ ઓહ મેહુલભાઈ , અમે ઠીક. તમે અહિયાં ?” રાહીના પપ્પા

“ અરે બસ થોડા કામથી અહિયાં માર્કેટમાં આવ્યો હતો. “મેહુલ

“ હા રાહી-ધ્રુવ કશ્મીર ગયા હોવાથી તમારે કામ ખૂબ જ વધી ગયું હશે ?!!! “ રાહીના મમ્મી

મેહુલને બીજો જટકો લાગે છે. “ ઓહ મતલબ રાહીના મમ્મી-પપ્પાને ખબર છે કે તે લોકો કશ્મીર ગયેલા છે. મેહુલ ખૂબ જ દુવિધામાં હતો. તેને આગળ શું બોલવું તેની ખબર પડતાં ચૂપ રહેવામાં જ ભલાઈ સમજી. આથી મેહુલ ત્યાથી નીકળી ગયો પણ ધ્રુવે ખોટું શા માટે બોલ્યું તે હજુ સુધી સમજી નહોતો શકતો.

“ ચાલો અંકલ-આંટી હું નીકળું છું મારે થોડું કામ છે.” મેહુલ

મેહુલ મનમાં થોડી ગૂંચવણ લઈ રિદ્ધિના ઘર સુધી પહોચ્યો. ત્યાં જઈને જોયું તો તાળું લાગેલું હતું. આથી મેહુલે તેમના પડોશીને પૂછ્યું તો તેમની પાસેથી જાણવા મળ્યું કે તે લોકો થોડા દિવસ માટે બહાર ગયા છે. આથી મેહુલને ખૂબ જ નવાઈ લાગી. કારણકે ભારતીઆંટી જ્યારે પણ એક દિવસ માટે શહેરની બહાર જવાના હોય તો પણ લગભગ મેહુલને જણાવતા જ. પણ આ રીતે બહાર ગયા અને તે પણ કઈં જણાવ્યા વગર આથી મેહુલને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને ભારતીઆંટીને ફોન પણ કરી જોયો પણ ફોન લાગ્યો નહીં. આથી મેહુલ ઓફિસ તરફ વળ્યો. તેના મનમાં ઘણા પ્રશ્નો હતા પણ તેની પાસે રાહ જોવા સિવાય કોઈ ઉપાય નહોતો.

બીજી તરફ રાહી- ધ્રુવ અને બાકી બધા પણ કશ્મીર પહોચી ગયા. ધ્રુવે જય પાસેથી તે જગ્યાનું સરનામું લઈ લીધું. ધ્રુવે એક હોટલમાં રૂમ બૂક કરાવ્યા. થોડીવાર આરામ કરી પછી રિદ્ધિને મળવા જવાનું બધાએ નક્કી કર્યું. આગળ...

મિત્રો આપણે કહાનીના અંત સુધી આવી ગયા. બધા હવે રિદ્ધિને મળવા જવાના છે. શું હશે રિદ્ધિના હાવભાવ હકીકત જાણીને ? શું રિદ્ધિ ફરી મેહુલને અપનાવી શકશે ? શું તે તેના ઘરે પાછી ફરશે ? જોઈશું આવતા ક્રમમા ...જય શ્રી કૃષ્ણ.