Pratiksha - 5 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - ભાગ - ૫

ઉર્વીલ ચુડા મનસ્વીના ઘરે પહોંચી તો ગયો પણ તેનું મન હજી મુંબઈ રેવાના ઘરે જ હતું. મયુરીબેન સતત ઉર્વીલને કઇંક ને કઇંક કહે રાખતા હતા પણ ઉર્વીલ ના લાખ કોશિશ કરવા છ્તાં પણ તેના કાને કોઈ શબ્દો પડી રહ્યા નહોતા.
તેના મગજમાં ચાલી રહેલા તોફાનને શાંત કરવાના તે રસ્તા શોધતો જ હતો ત્યાં ચાની ટ્રે લઈને જાંબુડી સાડીમાં સુશોભિત મનસ્વી ઉર્વીલની સામે આવી. એક ક્ષણ પૂરતું તેનું ધ્યાન તેની તરફ ગયું અને તેની સરખામણી મનોમન રેવા સાથે થઈ ગઈ. રેવા કરતાં મનસ્વી તદ્દન અલગ હતી. નાજુક નમણી સુંદર ડેલિકેટ છોકરી. જોતાંવેત ગમી જાય તેવો નાજુક ગોળ ચેહરો, નાની પણ ભાવવાહી સુંદર કાળી આંખો, લાંબી ડોક, સહેજ ફીકા ગુલાબી હોઠ ને ગાલમાં પડતાં ખંજન...
મયૂરીબહેને તરતજ ચા નો કપ લઈ મનસ્વીને પોતાની બાજુમાં બેસવા ઈશારો કર્યો. ઉર્વીલ જોઈ રહ્યો હતો કે મનસ્વી અસ્વસ્થતાથી સહેજ શરમાઈને બધા પ્રશ્નોના જવાબ આપી રહી હતી. ઉર્વીલથી વિચારાઇ ગયુંકે શું આવી જ રીતે મયૂરીબેન રેવા સાથે વર્તી શકશે... શું તે રેવાને વહુ તરીકે સ્વીકારશે. શું રેવા આ પરિવારમાં ક્યારેય ભળી શકશે?

તે આ બધુ વિચારતો જ હતો ત્યાં જ મનસ્વીના પપ્પા નવીનભાઈ ઉર્વીલની બાજુમાં આવી તેની સાથે વાતો કરવા લાગ્યા. એકવખત તો ઉર્વીલને થઈ પણ ગયું કે મોઢે કહી દે બધાને કે તે લગ્ન નથી કરવા ઈચ્છતો પણ તે એમ કહી ના શક્યો. તે બનાવટી સ્મિત લાવીને બસ નવીનભાઈના સવાલોના જવાબ આપી રહ્યો...
“મનસ્વી, તમારો બગીચો બહુ સરસ છે.” મયુરીબેન થોડું જોરથી બોલ્યા.
“હા”
“તો ઉર્વીલને તો બતાવ...” બન્ને એકબીજા સાથે થોડી વાત કરી લે એ આશયથી મયૂરીબેને મનસ્વીને બગીચો બતાવાનું કહી દીધું. મનસ્વી ની સાથે જ ઉર્વીલ ઊભો થઈ તેની પાછળ બગીચા તરફ દોરવાયો.

“તમને બગીચાનો શોખ છે?” થોડીવાર બગીચામાં મૌન ફર્યા પછી મનસ્વીએ ધીમેથી ઉર્વીલને પૂછ્યું.
“હા, એમ ગમે. બહુ ખાસ નહીં.” ઉર્વીલ હજી અસ્વસ્થ હતો.
“તો શું ગમે તમને?” મનસ્વીએ ફરી પ્રશ્ન પૂછ્યો.
“મને તો બસ રેવા ગમે...” ઉર્વીલના મગજએ જવાબ આપ્યો પછી આછું હસી વાતાવરણ હળવા કરવાના મૂડમાં તેણે મનસ્વી સામે જોઈ કહ્યું, “મને ખાવાનો બહુ શોખ છે. અલગ અલગ વાનગીઓ ખાવાની મજા જ અલગ હોય...”
“લકી છો, મને ૩૫૦ ઉપર વાનગીઓ આવડે છે... રસોઈ મારો શોખ અને પ્રેમ બન્ને છે.” મનસ્વી હસતાં હસતાં બોલી.
“તમે પ્રેમમાં માનો છો?” પ્રેમ શબ્દ સાંભળી ઉર્વીલે રેવા વિષે વાત કરવાના હેતુથી પ્રશ્ન મૂક્યો.
“હા, હું પ્રેમમાં માનું છું. પ્રેમ તો ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેની સાથે થઈ શકે. આ ફૂલોથી, આ વૃક્ષોથી, આ હવાથી, વરસાદથી, બધાથી મને પ્રેમ છે.” મનસ્વીના ચેહરા પર ના સમજાય તેવા ભાવ હતા.
“હું પણ પ્રેમમાં માનું છું.. એક.” ઉર્વીલે રેવા વિષે વાત કરવાની શરૂઆત કરી પણ ત્યાજ મનસ્વીએ વાત કાપી નાખી અને તેની બદામી આંખોમાં પોતાની કાળી આંખો પરોવતા બોલી,
“હું તમને પ્રેમ કરવા લાગી છું ઉર્વીલ. ખબર નહીં ક્યારે કેમ અને શું કામ... પણ તમને જોયા ત્યારે જ મનમાં ખયાલ આવી ગયો કે હું જો કોઈ વ્યક્તિ સાથે આખી જિંદગી કાઢવા માંગતી હોય તો તે તમે જ છો... કદાચ કોઈક ખામી હશે મારામાં, મારા રૂપમાં, મારી આવડતમાં પણ મારા પ્રેમમાં ક્યારેય ઉણપ નહીં શોધી શકો તમે... જો આજે તમે આ સંબંધ સ્વીકાર કરોછો તો હું ચોક્કસપણે કહી શકું કે તમને કે તમારા ઘરના એકેય સભ્યને ક્યારેય પણ ફરિયાદનો મોકો નહીં મળે.” મનસ્વી બોલી રહી પણ ઉર્વીલના ગળામાંથી એક પણ શબ્દ ના નીકળી શક્યો...
થોડીક્ષણો એમજ બન્ને એકબીજા સામે જોઈ રહ્યા. ઉર્વીલને શબ્દો નહોતા મળી રહ્યા મનસ્વીને કઈ પણ કહેવા માટે... તે હજી વધુ વિચારે તે પહેલા જ મયુરીબેન બન્ને પાસે આવી પહોંચ્યા અને મનસ્વી ધીમેથી બહાર સરકી ગઈ.

“તો ફાઇનલ ને?” મયુરીબેન મસ્તીભર્યા સ્વરે બોલ્યા
“મમ્મી, મારે લગ્ન નથી કરવા...” ઉર્વીલ ગભરાહટમાં બોલ્યો.
“લગ્ન નથી કરવા એટ્લે? ૨૬ નો તો થયો... બીજા ભાઈ બહેનો ક્યારે પરણાવીશું તો અમે??” પાછળથી આવી રહેલા ઉર્વીલના પપ્પા વિનોદભાઇ આક્રોશવશ બોલ્યા
“પણ પપ્પા હજી એકાદ વરસ પછી આપણે વિચારી શકીએ ને...” ઉર્વીલે પાંગળો બચાવ કર્યો.
“મનસ્વીમાં કોઈ કમી છે??” મયૂરીબેને ધારદાર સ્વરે ઉર્વીલને પૂછ્યું.
“ના, પણ...” ઉર્વીલે પોતાની વાત કહેવાની કોશિશ કરી
“તો લગ્ન માટે હવે વરસ રાહ જોવાની જરૂર નથી... આજે સગાઈ ને શુભ મુહૂર્ત પર લગ્ન. મારે કઈ જ સાંભળવું નથી.” મયુરીબેન ગુસ્સામાં બોલ્યા
“પણ મને કોઈ બીજું ગમે છે.” ઉર્વીલે આખરે હિમંત કરી કહી જ નાખ્યું.
“એટ્લે તને તારા માંબાપ ની પસંદ પર ભરોસો નથી એમ જ ને?? અમને તારા માટે કઈ છોકરી સારી એ ના ખબર પડે??!!” મયુરીબેન કઈંજ સાંભળવા તૈયાર નહતા.
“મમ્મી તું વિચારે છે એવું નથી. મનસ્વી બહુ જ સારી છોકરી છે પણ હું એને પ્રેમ નથી કરતો.” ઉર્વીલે ફરી કોશિશ કરી.
“તો એ તો તારા પપ્પા ય નહોતા કરતાં લગ્ન પહેલા...” મયુરીબેનની દલીલ હજી ચાલુ જ હતી.
“તને તારા માંબાપ પર ભરોસો છે કે નહીં?” વિનોદભાઇ એ ઉર્વીલની એક્દમ નજીક જય પૂછ્યું.
“હા, મને તમારા પર ભરોસો છે પપ્પા પણ મને કોઈક બીજું ગમેછે. એક છોકરી છે જે મને બહુ જ ગમે છે. હું મારી જિંદગી તેની સાથે વિતાવવા માંગુછું. પ્લીજ સમજો.” ઉર્વીલ હજી શાંતિથી સમજાવાની કોશિશ કરી રહ્યો હતો.
“વૈષ્ણવ છે? આપણાં ઘર પ્રમાણે એડજસ્ટ થશે? ઠાકુરજીનો એક ટાઈમ ભોગ ધરવામાં ય વાંધો આવશે તારી પસંદ ને... મનસ્વીના ઘરની રહેણીકરની ને આપણાં ઘરની રહેણીકરની સરખી જ છે. આપણાં ઘરની વહુ એ જ બનશે.” મયુરીબેન આખરી નિર્ણય આપતા હોય તેમ એકીશ્વાસે બોલી ગયા.
“પપ્પા...” ઉર્વીલે બચાવ માટે વિનોદભાઇ તરફ જોયું
“જો બેટા, તારી પસંદ તારા માટે સારી હોય શકે પણ અમારાથી વધારે તો સારું કોઈ નહીં વિચારે ને તારું?? તને અમારા પર ભરોસો છે કે નહીં વાત એટલી જ છે.” વિનોદભાઇ એ સમજાવતા કહ્યું.
“ને મનસ્વી થી સારી છોકરી હોય જ નહીં તારા માટે...” મયૂરીબહેને ઉર્વીલના ખભા પર હાથ મુક્તા કહ્યું.

ઉર્વીલ પાસે હવે જવાબ નહોતો કોઈજ વાતનો, તેણે વિચાર્યું હતું કે કદાચ મનસ્વી ના પાડી દે પરંતુ એ પણ એના એકરાર પછી શક્ય નહોતું. મયુરીબેન કે વિનોદભાઇ રેવા માટે નહીં જ માને તે વસ્તુ ઉર્વીલ જાણતો હતો. તેની પાસે હથિયાર મૂકી દેવા સિવાય કોઈજ વિકલ્પ હવે રહ્યો નહોતો.
“ઠીક છે.” પોતાની બધી વેદનાઓ સમેટી આંખના ખૂણા લૂછતા ઉર્વીલે હા કહી જ દીધી

23 ફેબ્રુઆરી 1995, ઉર્વીલે પોતાના પ્રેમ, પોતાની રેવા સામે પોતાની લાગણીઓની કબૂલાત કરી. અને 24 ફેબ્રુઆરી 1995 એ ઉર્વીલ વચનથી મનસ્વીને પોતાની વાગ્દતા સ્વીકારી રહ્યો હતો...
મોબાઈલમાં કેલેન્ડર ની આ તારીખો જોતાં ઉર્વીલ અનહદ તકલીફ અનુભવી રહ્યો હતો. 23 વર્ષ પહેલા થયેલી ઘટનાઓમાં કુદરતની આંટીઘુટી સમજવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો હતો.

*

કહાનના હાથમાં રહેલા બોક્સમાં ગન જોઈ ઉર્વા રીતસર ધ્રુજી ગઈ હતી.
“તને શું લાગે છે આ આમ બદલો લેવાથી તને કઇં મળી જશે?? શું આ ખરેખર સાચું છે??” થોડી સ્વસ્થ થઈ ઉર્વા કહાનને સમજાવતા બોલી.
“બદલો લેવાની કે વેરની ભાવના રાખવામા કઇં ખોટું કેમ હોય શકે? તું એમજ કહીશ ને કે ઉર્વીલને એના કર્મની સજા ભગવાન કે એના કર્મ આપશે...
પણ ભગવાને જે સહન જ નથી કર્યું તેની સજા તેને ભગવાન આપી પણ દે તો મને શું મળશે?? મને ખરેખર કાઇજ હાસિલ થશે? એના કરતાં હું જાતે જ વેર શું કામ ના લઉં? આ પ્રતિશોધની આગ મને બીજી કઇં આપે કે ના આપે શાંતિ તો જરૂર આપશે જ...
આ વેરની કિંમત જિંદગી આપીને ચૂકવાતી હોય તો પણ હું ચૂકવીશ. રેવા માટે હું કઈ પણ કરીશ ઉર્વા. તું ઉર્વીલને બાપ તરીકે માફ કરે તો તારી મરજી...
પણ રેવાના ગુનેગારને હું કોઈ કાળે માફ નહીં કરું.
દીકરી ભલે તું રહી એની, પણ એના દીકરાથી વિશેષ હું છું.” કહાન આવેશમાં રોકાયા વિના સતત બોલતો રહ્યો. અને ઉર્વા સાંભળતી રહી.
“બોલી લીધું? એક બુલેટથી ખતમ થાય એવી સજા શું કામની? એને તો હવે જિંદગીભરની તપસ્યા શરૂ કરવાની છે... પ્રત્યેક દિવસ એ રેવાને યાદ કરે, હવે એ રેવાની અને ઉર્વાની પ્રતિક્ષા કરે એ જ મારૂ વેર થશે. 48 કલાક પછી ઉર્વીલ વોરાની જિંદગી બદલવાની છે કહાન. બસ તું થોડી ધીરજ રાખી જા...” ઉર્વા કહાનને સમજાવતા બોલી અને કહાનના ચેહરા પર થોડી સ્માઇલ આવી ગઈ.
“હું ઉર્વીલને મરવા નહીં દઉં કહાન, પણ આપણાં પ્રેમના સમ એને એક ક્ષણ પણ શાંતિથી જીવવા ય નહીં દઉં.” ઉર્વા ફરી ઘડિયાળમાં વહેતો સમય જોઈ બોલી રહી.

*

(ક્રમશઃ)