Ghelchha - 4 books and stories free download online pdf in Gujarati

ઘેલછા (પ્રકરણ - 04)

કૉલેજ કાળ માં ખુબ તેજસ્વી અને સુંદર આભા જેને બસ માં જતાં-આવતાં અવિ નો પરિચય થયો. આભા અને અવિ વચ્ચે ની મૈત્રી શરૂઆતમાં તો નિર્મળ હતી. પણ પછી અવિ ના મન માં આભા માટે પ્રેમ ની લાગણી જન્મી. આભા અને અવિ માં ખુબ ફરક હતો. અલગ જ્ઞાતિ, અભ્યાસ બાબતે અલગ વલણ અને ભવિષ્ય અંગે પણ અલગ મહેચ્છા. પણ બધુ છોડી-પોતાની જાતને બદલવા અવિ તૈયાર હતો જો આભા ની ‘હા’ હોય તો. પણ અવિ ને જે સિગારેટ નું વ્યસન હતુ, એ આભા ક્યારેય સ્વીકારી ન શકી. અલબત્ત અવિ આભા ની ‘હા’ ના બદલા માં સિગારેટ છોડવા પણ તૈયાર હતો. પણ એ શક્ય ન બન્યું. અને અવિ છેલ્લી વાત થઇ ત્યારે પુછેલા ત્રણ પ્રશ્નો ના બદલા માં આભા ની સ્પષ્ટ ‘ના’ સાંભળી ફરી આભા સમક્ષ ન આવ્યો. આભા શિક્ષિકા બની ગઈ અને અવિ કેનેડા પહોચી ગયો. પણ જતા પહેલાં પણ એક વાર આભા ને ફોન કર્યા વિના રહી ન શક્યો.અને ત્યારે આભા પોતાના નિર્ણય પર મંથન કરતી રહી કે શું ભવિષ્ય માં આટલો પ્રેમ કરનાર પતિ મળશે? પણ આ બધી ઘટનાઓ હજી આભા ના મન માં નહતી ભજવાતી. એ તો એના સંસાર સાગર માં વ્યસ્ત હતી.

ધાર્યુ ના હોય તે હદે પોતાની જાત ને બદલ્યા પછી પણ આભા આદિત્ય ના ઘર માં સન્માન ન મેળવી શકી. હા, આદિત્ય ના ઘર માં ....લગ્ન નાં બે વર્ષ વીત્યા પછી પણ આભાને આ ઘર પોતાનું નહતું લાગતું. હા, એ એનું સાસરુ જ્યાં વહુ એ સાસરી માં શું કરાય - શું ના કરાય, કેવી રીતે વર્તાય એ બધી વાતો સતત મહેણાં રૂપે તે સાંભળતી રહી હતી. તેની પોતાની આવડત કે કૌશલ ની કોઈ કદર અહી નહતી. અને સતત તે આદિત્ય ના મોઢે સાંભળતી,”મારા ઘર માં આજ સુધી આવું જ છે.....મારા ઘર માં આ નહી ચાલે.....મારે મારા ઘર માં પહેલાં આમ જોઈએ...મારા ઘરની વાત માં આમ ને તેમ.....” આભા વિચારતી,”ઘર એટલે કોણ? ચાર દિવાલો માં રહેતા લોકોએ એ દીવાલોની અંદર બનાવેલા નિયમો? કે ઘર એટલે સંસાર? એક સ્ત્રી અને પુરુષ સાથે મળી ને મકાન ને ઘર બનાવતા હોય તો હંમેશાં સ્ત્રી એ એના આગમન પહેલાં ના ઘરની બધી વાતો ખોટી હોય તો પણ સહન કરવાની?”તો કોક વાર આદિત્ય ગરજતો ,”તુ વહુ છું ઘરની....વહુ તરીકે તારી ફરજ છે .... તારે વહુ તરીકે સામે ના બોલાય... વહુ તરીકે આવું બધું તો બધાએ સહન કરવું જ પડતું હોય છે....” ઘણી વાર આભા કંટાળી જતી. એનું કોઈએ ના કર્યું હોય તેટલું અપમાન તેના પોતાના પતિએ કર્યું. અવાર નવાર તે પોતાની જાત ને નિમ્ન ગણાવી રહી. એ પોતેજ જાણે સ્વીકારીને બેસી ગઈ કે એના માં કોઈ આવડત નથી.

આભા નું સ્વમાન એટલી હદે ઘાયલ થયેલું કે હવે તેને ગુસ્સો પણ ભાગ્યેજ આવતો. સામા માણસ નો વાંક હોય તો પણ શાંત રહેવાની આદત પડી ગઈ આભાને અને આ બધાં પાછળ નું એક કારણ ....કે જે ખરેખર મને નડે છે અને વગર વાંકે મને ધુત્કારે છે એમનું હું કશું બગાડી ના શકતી હોઉં તો બીજા લોકો પર નાની નાની બાબતે રીસ રાખવાનો કે ગુસ્સો કરવાનો શો અર્થ? પહેલાં પોતાના મિત્રો કે સંબંધીઓ પર નાની નાની વાત પર રીસ રાખતી આભા હવે સમજી કે એ લોકોમાં કદાચ કોઈ ખામી હોય તો પણ એ બધાં તેનાં પોતાનાં હિતેચ્છુઓ જ છે અને આ સમજાતાં નાના નાના ગુણ-દોશ ને અવગણતા શીખી ગઈ આભા. આભા ની આંખો માં હતાશા મિશ્રિત નરમાશ એવી છવાઈ ગઈ કે જાણે એની એક સમય ની પાણીદાર આંખો સંકોચાઈ ગઈ. અને પોતાની આંખો માં લાગતો આ ફરક કોઈએ કહ્યો નહતો આભાને... બસ એને પોતાને જ દેખાયેલો એ ફેર. ડિપ્રેશન ની હદે જઈ પહોચેલી આભા ની સિકલ સુરત પણ બદલાઈ ગઈ. ઘણી વાર પોતાની જાતને અરીસા માં જોઈ આભા વિચારતી કે એ પોતે બદલાઈ ગઈ છે. કદાચ એના પર એક આવરણ પરિસ્થિતિએ લાવેલી હતાશા નું ચઢી રહ્યું છે. એક ઢોળ ...જે એને ચમકાવશે તો નહી પણ ગુંગળાવશે.

હતાશા એ આભાને એવી તો ઘેરી કે બધાને આભા માં પરિવર્તન દેખાયુ પણ કોઈ ને એના કારણ ની ખબર નહતી. એક મેડમ એની સાથે કામ કરતાં કાઉન્સેલર આભા ની સગાઈ થઇ એ વખતે આભા ખુશ છે - પ્રેમ માં પડી છે એવું કહી ચુકેલાં તેની ચામડી ની ચમક પરથી, હવે તેમણે જ સૌથી પહેલાં આભા ની ચામડી ની ફીકાશ અને ચહેરા ના હણાયેલા નૂર ને જોઇને કહી દીધું કે આભા ખરેખર તકલીફ માં છે.

એક દિવસ કાઉન્સેલર મેડમે પોતાનો ક્લાસ લેવા જઈ રહેલી આભા ને રોકી ને પોતાની ઓફીસ માં આવવા કહ્યું. આભા તો જાણે આ તકની રાહ જ જોતી હતી. બીજે જ દિવસે છેલ્લો ક્લાસ લઇ ને પહોચી ગઈ કાઉન્સેલર ની ઓફીસ માં.

“કઈ ગરબડ છે? તારા ચહેરા ની ચમક ઉડી ગઈ છે!” – કાઉન્સેલરે કહ્યું. અને તરતજ જાણે તળાવની પાળ તૂટી....રડતી આભાએ પોતાની બધી વ્યથા કહી સંભળાવી પણ અહી તેની વાત માં નવું ક્યાં કશું હતુ? એની વાત વચ્ચે કાપતાં મેડમ બોલ્યાં,”તુ તારા મમ્મી-પપ્પા કે ભાઈ ના સ્વભાવ ની વાત ના કર. પિયર અને સાસરી માં એક સરખુ વાતવરણ તો કોને મળે છે?” એમની વાત વચ્ચે જ કાપતાં આભા ગરજી,”પણ એ સતત એની મમ્મી, ભાભી અને બહેનો ની વાત કર્યા કરે છે.. મેં તો ના છૂટકે મારા ઘરની વાત તમને કહી કે મને પણ અહી ઘણું જુદું લાગે છે પણ હું તો કઈ નથી કહેતી...... પણ એ સતત એના ઘરની અન્ય સ્ત્રીઓની મારી સાથે તુલના કર્યા કરે છે. મારી સાસુ બોલ્યા કરે એ તો સમજાય પણ આદિત્ય આવું કરે એ હું કેમ ચલાવું? વાતે વાતે મારી બહેનો આમ ને મારી બહેનો તેમ....મને તો ત્રાસ થઇ ગયો છે. આ વ્યક્તિએ મને કદાચ પ્રેમ જ નથી કર્યો ...એ પિત્તળ પણ નથી જેને મેં સોનું ધારી લીધું બસ હવે એની ઉપર નો ઢોળ ઉતરી રહ્યો છે. ” આભાની વાત અટકત જ નહી પણ કાઉન્સેલર મેડમ હવે સામાન્ય સ્ત્રી બની ગયાં અને એમણે એમની પોતાની સાસુ- નણંદ ને લીધે એમના ઘર માં ઉદભવતા પ્રશ્નો ની વાત કરવા માંડી. એમનો ઉદ્દેશ અલબત્ત થોડી જુદી રીતે કાઉન્સેલીંગ કરવાનો જ હતો અને કૈક હદે એ સફળ પણ થયાં.

આભા થોડી સ્વસ્થ થઇ. એણે એક કલાક ના કાઉન્સેલીંગ સેશન નું એવું અર્થઘટન કર્યું કે આપણા સમાજ માં સાસુ-નણંદ ની હેરાનગતિ બહુ સામાન્ય વાત છે અને કોઈ કાઉન્સેલર જોડે આનો ઈલાજ નથી. એક વિચિત્ર કહી શકાય તેવો સંકલ્પ એણે સગર્ભા અવસ્થા માં કર્યો કે દીકરો હોય કે દીકરી એને પોતાને આ એક જ પહેલુ અને છેલ્લુ સંતાન હશે. દીકરો હોય તો તેની પત્ની ને ભવિષ્ય માં કોઈ નણંદ નો ત્રાસ નહી. અને દીકરી હોય તો એણે સ્વનિર્ભર બનાવવાની. એના રક્ષણ કે સહાય માટે ભાઈ ની જરૂર નહી. એક મજબુત સંતાન હશે પોતાનું એવુ એણે વિચારી લીધું. એક સંતાન હોય એને ભવિષ્ય માં કોઈની દખલ પણ નહી. અને કદાચ આદિત્ય સાથે નું આ લગ્ન સંતાન નામના પાતળા તંતુ ને આધારે ટકી ના શકે તો પણ પોતે એક સંતાન ને સહેલાઈથી ઉછેરી શકશે એવી આભાની ગણતરી..

સોળ સત્તર વર્ષ ની ઉંમર થી વાંચન નો શોખ જેણે કેળવેલો એ આભા આ તબક્કે જયારે સામાન્ય સ્ત્રીઓ રામાયણ, ભગવદ ગીતા અને અન્ય ધાર્મિક પુસ્તકો વાંચે ત્યારે કશું જ વાંચતી નહતી. સારા વાંચન ને સારા વિચાર ને બદલે એને મરવા-મારવા ના વિચાર આવતા હતા. સમસ્યાઓથી ઘેરાઈ ગયેલી આભા ઘણી વાર મોડી રાત્રે વિચારતી કે ઉંઘ માં જ એનું પોતાનું મોત થઇ જાય તો સારુ. એક વાર સંધ્યા કાળે આવાજ કૈક નકારાત્મક વિચારો નું વિશ્લેષણ કરતાં આભાએ મનમાં વિચાર્યું કે એના પોતાના વ્યક્તિત્વ પર જ એક અદ્રશ્ય ઢોળ ચઢી રહ્યો છે, જેમાં એ ગૂંગળાઈ રહેશે જીવનભર.

કૉલેજ કાળ માં કવિતા લખતી અને તક મળે એનું પઠન કરતી આભા એકાદ બે વાર કાવ્ય પઠન અને કાવ્ય રચના ની સ્પર્ધા પણ જીતેલી. એ સમયે એનાં એક પ્રોફેસર મેડમે એને ખુબ પ્રેરણા આપેલી કે ભવિષ્ય માં લખવાનું ચાલુ રાખે. અને આભા પોતે આ બાબતે ખૂબ ઉત્સાહી હતી.

બે ત્રણ વર્ષ સુધી તો આભા ને કાવ્ય કે બીજુ કઈ પણ લખવાની કે કઈ વાંચવાની સૂઝ પણ ના પડી પણ ધીમે ધીમે એણે ફરીથી લખવાનું શરુ કર્યું. એને ધ્યાન પણ નહતું કે એની અગાઉ અને અત્યારની રચના માં ઘણો ફેર છે. પહેલાં આશા, ઉત્સાહ અને જોમની ઝલક જોવા મળતી એ જગ્યા એ એનાં કાવ્ય માં હવે નિરાશા અને હતાશા જ હતાં. દુઃખ અને કડવી વાસ્તવિકતા તો પહેલાં પણ તે કવિતા ધ્વારા રજુ કરતી પણ સાથે સાથે એમાં પ્રગતિ અને ઉન્નતિ ની વાત રહેતી જયારે હવે તો જીવન થી થાકેલી હારેલી સ્ત્રી એ અગાઉની હણહણતી વછેરી ને ભુલાવી જ દીધી.

નાની નાની વાત માં ગુસ્સો કરતા-બૂમો પાડતા આદિત્ય ને વફાદાર-નિષ્ઠાવાન ઉત્તમ ચરિત્ર વાળી પત્ની મળી છે જે દેખાવે સુંદર અને જ્ઞાન ની બાબતે પણ તેજસ્વી છે એ બાબતે કોઈ ગર્વ તો ઠીક, કદર પણ નહતી. ક્યારેક એના આવા વર્તન થી કંટાળી આભા ખુબ નકારાત્મક વિચારતી. કૉલેજ સમયે પોતાના પ્રેમી કે પ્રેમીકા સાથે ફરતાં છોકરા-છોકરીઓ ને જોઈ આભા વિચારતી કે પોતે આ આનંદ લગ્ન પછી લૂંટશે. જેને પરણશે એની સાથે જ પ્રેમ નો આનંદ માણશે. પણ હવે તેને સમજાયું કે એ રોમાંચ, પ્રેમ નો પમરાટ એના જીવન માં છે જ નહી. અને હતાશા વધતી જતી. શું પોતાના નસીબ માં આવો તામસી પુરુષ જ છે? એક વાર આભા વિચારી રહી. અને અચાનક એના મન માં એક ઝબકારો થયો. તામસી શબ્દ તો મોટાભાગે વ્યસન કરનાર નો સ્વભાવ હોય. ....એવું બધા માને......આદિત્ય ને તો કોઈ વ્યસન નહતું. શું બધા વ્યસની તામસી જ હોય? અને આ પ્રશ્ન સાથે એના મન માં એક નામ ઝબકયું....અવિ..............ના....વ્યસની હોવા છતાં એનું વર્તન ક્યારેય આભા સમક્ષ તામસી તો નહતું દેખાયુ. ...અવિ...ક્યાં હતો અવિ? આભા ને તો અત્યાર ની ખબર પણ નહતી. પણ આ નામ ની યાદ પારાવાર પસ્તાવો લઇ આવી. અવિ ને ‘ના’ કહ્યા નો પસ્તાવો.