શમણું એક સોનેરી સાંજનું-૬

શમણું એક સોનેરી સાંજનું-૬

ઈશાની આંસુ છુપવવાના વ્યર્થ પ્રયત્ન કરી રહી. સંજય હજી એ જ વિચારી રહ્યો છે કે ઈશાની ગુસ્સે છે એટલે રડી રહી છે. અને બંને એકબીજાને ભેટીને એકમય થઇ જાય છે હવે આગળ.

'ઈશુ, આટલી નાની વાતમાં તું દુઃખી કેમ થઇ ગઈ??'

'સંજય, હું દુઃખી નથી. બહુ જ ખુશ છું અને આ ખુશીના આંસુ છે. તું નહિ સમજે.. ', લેટર સાઈડમાં સંતાડતા કહ્યું.

સંજયને ધીમે ધીમે ખબર પડી કે ઈશાની એનો આપેલો પત્ર વાંચી રહી હતી અને ભાવુક થઇ ગઈ હતી એટલે સંજય ઇશાનીની બાજુમાં જઈને હાથ પકડીને હિંચકે બેસાડી અને બસ પછી બંનેએ એકબીજાની આંખોમાં જોયા કર્યું જાણે કે આંખોથી જ બધો જ વાર્તાલાપ થઇ ગયો.

'બસ આ સમય અહિયાં જ રોકાઈ જાય, જીવન અહિયાં જ થંભી જાય ઈશાની,

ના જોઈએ દુનિયાની કોઈ પણ જાહોજલાલી, બસ તું છે ને ત્યાં મારી જિંદગી જ ઝાકમઝોળ છે.', સંજય બસ આજે બધી જ ફીલિંગ્સ કહી દેવા માંગતો હતો.

ઈશાની, તને કદાચ ખબર નહિ હોય પરંતુ તારા આવ્યા પછી મારા જીવનમાં ઘણા બધા ફેરફાર થયા છે, તું નહતી ત્યારે જિંદગી ખાલી એમ જ જીવતી હતી, તારા આવ્યા પછી જીવવાનો રસ લાગ્યો, મન ભરીને જિંદગીને માણવા લાગ્યો, હા, શરૂઆતના દિવસોમાં ઘણું નવું-નવું લાગ્યું પછી ધીમે-ધીમે બધું જ બદલાવવા લાગ્યું. મારો સ્વભાવ, રહેણી-કરણી, બોલવા-ચાલવાથી લઈને જમવા સુધી બધું જ ધીમે-ધીમે મને ગમવા લાગ્યું. મારુ જે બદલાયેલું આ સ્વરૂપ મને મારા જ પ્રેમમાં પડી દેવા માટે કાફી હતું, મેં મનથી માની લીધું હતું કે જે છોકરીના આવ્યા સાથે મને મારી સાથે પ્રેમ થઇ ગયો એ છોકરી સાધારણ ના હોઈ શકે, જેને મને બદલવા માટે કયારેય કીધું નથી, મને કોઈ વાતની રોક-ટોક કરી નથી છતાં મારા માં આપમેળે આવતા બદલાવ અને એ પછીનું મારુ આ નવું સ્વરૂપ જોઈને મને લાગ્યું કે ના ખરેખર કાંઈક તો જાદુ છે આ સાદગીનો, સાચા મનનો, પ્રેમાળ સ્માઈલનો અને આપણા બનેંના સાથનો. બસ પછી તો નક્કી જ કરી લીધું કે જીવનમાં કયારેય તારી સાથે અન્યાય થાય એ કામ નહિ કરું. એક પતિ, મિત્ર, જીવનસાથી, હમસફર બધાની ફરજ હું ઉભા પગે નિભાવીશ, તારી આંખમાંથી આંસુની એક બુંદ ના ખરે એનું હું અચૂકપણે ધ્યાન રાખીશ. આપણા બંનેના સંબંધોને તરો-તાજા રાખવાના બધા જ પ્રયત્ન હું કરીશ.

(ઈશાની સંજયને વચ્ચે જ રોકીને)

સંજય, મને બધું જ ખબર છે તમે શુ કેહવા માંગો છો, તમે જે પત્રમાં લખ્યું છે ને એ તો મેં મારા મનની આંખોથી તમારી આંખોમાં ક્યારનું જોઈ લીધું છે પરંતુ જે કાંઈ પણ થયું, તમે જે લખીને મને જણાવ્યું ને એ વાંચવાની અનુભૂતિ કેવી હતી ને એ હું તમને વર્ણવી નહિ શકું, તમે બસ આજે મારા મનની બધી જ દીવાલોમાં દીવો પ્રગટાવી દીધા છે. આજે તો ખુશી એટલી છે કે હું તમને શું કહું!

(આમ બોલીને ઇશાનીએ જાતે જ બંનેની નજર ઉતારી દીધી) અને બંને હસી પડ્યા.

ઈશાની, વાત તો તારી ખુબ સાચી છે.નજર ના લાગે આપણા મધુર જીવનમાં. ક્યારેય કોઈની ખરાબ નજર ના પડે. હવે તો મને બહુ વધારે ડર લાગે છે, કારણકે મારી પાસે ખોવા માટે બહુ બધું છે, હું તને કોઈ પણ સંજોગોમાં મારાથી અલગ નહિ જોઈ શકું. બસ હવે તો એમ થાય છે કે અહિયાં જ રોકાઈ જવું છે, દુનિયાની જંજાળમાંથી દૂર રહીને બસ પોતાના માટે જીવવું છે, આપણા માટે જીવવું છે..

(આમ વાતોમાં ને વાતોમાં ક્યાં સાંજ પડી ગઈ ખબર ના રહી, થોડી વાર બન્ને એકબીજામાં ઓતપ્રોત થઈને પ્રેમની ઝીણી બુંદોમાં સમાઈ ગયા.)

થોડા સમય તો એમ જ બેસી રહ્યા. એકબીજા ના સાથનો અનુભવ કરી રહ્યા. પછી રાતની ચાંદની વધારે ઘાઢ થતી ગઈ અને બંને રાતનાં ડિનર માટે વિચારી રહ્યા ત્યાં જ ઇશાનીએ સંજયને એની સાથે આવવા કહ્યું.

'સંજય, કમ... આઈ હેવ અ સરપ્રાઈઝ ફોર યુ.', ઈશાની બોલી..

'ઈશુ, ક્યાં લઇ જાય છે મને? તને ખબર છે મને અંધારાથી બીક લાગે છે.'

'ચાલો તો ખરા. બસ અહીંયા જ.. એક મિનિટ અહીંયા જ ઉભા રહેજો.'

સંજયને બહાર મૂકીને ૨ મિનિટમાં ઈશાની બહાર આવે છે અને બંને અંદર જાય છે ત્યાં જ રોશનીથી આખો ડિનર હૉલ ઝળઝળી ઉઠ્યો અને લાઈટ મ્યુઝિક શરુ થયું. સંજય તો આ જોઈને આશ્ચર્યથી ઈશાની સામે જોવા લાગ્યો અને મનથી ખુશ થઇ ગયો. ઈશાનીએ સાંજને વધારે સુંદર બનાવવા માટે આટલું બધું કર્યું એ જોઈને દિલ તો જાણે ગાર્ડન ગાર્ડન થઇ ગયું. એમની સિક્સ Month એનિવર્સરી ખરેખર ખુબ યાદગાર બની રહશે એવું લાગવા લાગ્યું.

ઈશાની અને સંજય રોમેન્ટિક સોન્ગના સુરે પ્રેમમાં થોડા મદહોશ થવા લાગ્યા અને કપલ ડાન્સમાં મગ્ન થઇ ગયા. થોડા સમય એકબીજા સાથે પ્રેમથી ડાન્સ કરીને એક સરસ ઝૂલો શણગારેલો હતો એ ઝૂલામાં ઝૂલતા વાતો કરવા લાગ્યા.

'ઈશુ, તે આ બધું ક્યારે પ્લાન કર્યું?'

'સંજય, એક હજી સરપ્રાઈઝ છે, વેઇટ.... આઈ એમ કમિંગ ઈન ૨ મિનિટ્સ.

ઈશાની એની Ph .D માટે એડમિશન લીધું છે અને આગળ ભણવા માટે તૈયારી બતાવી છે એ વાત આજે સંજયને કેહવાની છે એટલે એડ્મિશન ફોર્મની કોપી લેવા જાય છે.

'સંજય, સી, ધીસ પેપર.'

સંજય તો પેપર ધ્યાન થી જોવે છે અને ખુશી અને આશ્ચર્ય બંનેના ભાવ એના ચહેરા પર દેખાઈ આવે છે. આજનો દિવસ તો ખરેખર ખુબ સરસ રહ્યો છે એવું મનમાં વિચારીને સંધ્યા કાળે ઈશાનીને ખુશીથી ભેટી પડે છે.

'ઈશુ, તને ખબર નથી કે હું આ એડ્મિશન પેપર જોઈને કેટલો હરખાયો છું. મને ઘણા સમયથી હતું કે તને કહું કે તું તારું આગળનું ભણવાનું શરુ કરે અને તારી એક નવી ઓળખ બનાવે અને તે મારા મનની વાતને જાણીને આજે આજે જ આટલું સારું કામ કર્યું છે એ જોઈને મને ખુબ આનંદ થયો છે.'

બંને વાતો કરતા રહ્યા અને આજે સમય જરાક ધીમો ચાલી રહ્યો હતો. અચાનક જ જાણે આભ ફાટ્યું હોય એવું કાંઈક અજુગતું બન્યું અને ઈશાની તો જાણે એક ક્ષણ માટે આભી જ બની ગઈ.

વધુ આવતા અંકે.....

બિનલ પટેલ

૮૭૫૮૫૩૬૨૪૨

***