college diary - 2 books and stories free download online pdf in Gujarati

કોલેજ ડાયરી - 2

પ્રકરણ 4

યાદોની સફર

એકદમ વહેલી સવારે અમદાવાદને વિદાય આપવા હું સ્ટેશન ઉભો હતો...થોડીવાર થઈ, ત્યાંજ મારી વોલ્વો આવી ગઈ... એક ઊંડા નિસાસા સાથે હું બસમાં બેઠો અને બસની સાથેજ અમદાવાદની બહાર નીકળી ગયો...

બસમાં હું હજી સીટ પર સરખો બેઠો નહતો અને ત્યાંજ અચાનક મારો મોબાઈલ રણકી ઉઠ્યો..મોબાઈલ ની સ્ક્રીન પર જોયું તો એ મનનનો ફોન હતો..(મનન એ મારો સ્કૂલ ટાઇમનો મિત્ર છે)

હેલો મનન !! કોલ રિસીવ કરતાવેંતજ મેં કહ્યું...

હાઈ નિલુડા તું આવે છેને આજે રાજકોટ...ચાલ હું તને સ્ટેશને લેવા આવીશ.. અહીં પહોંચવા આવ એટલે મને કોલ કરજે....મનન ખૂબ ઉત્સાહથી મને કહી રહ્યો હતો.

હા હા ચોક્કસ.... મેં કહ્યું

અને હા હર્ષ પણ આવે છે....તને ખબર ?? એણે ઉમેર્યું.

હર્ષનું નામ સાંભળીને મારી આંખોમાં હલકી ચમક પ્રસરી, અને મોઢા પર ઝીણું સ્મિત ઉભરાઈ આવ્યું..

મારુ મન યાદોની લાંબી સફર પર નીકળી ગયું...એ સ્કૂલ ટાઇમની જૂની યાદો મારા ચહેરા સામે ફરી તાજી થઈ...એ સઘળી યાદોને વાગોળતા વાગોળતા મારી આંખોએ ભીનાશ પકડી...

ચાલો તમે પણ જાણીલો મારા સ્કૂલની વાતો...અને એ નાનકડી પ્રિયાને !!! વાર્તા ભૂતકાળમાં મારા સ્કૂલના સમયમાં જઈ રહી છે.

દસમાં ધોરણના લાંબા વેકેશન બાદ અમે ફરી સ્કૂલ જવાના હતા...

શ્રી શારદા વિદ્યામંદિર ની મુલાકાત ફરી થવાની હતી...સાથે ક્લાસ માં નવા મિત્રો પણ આવશે એ વાતની મનમાં થોડી હોંશ પણ હતી. મનન,હર્ષ, તનવી અને હું અમે ચાર જુના મિત્રો ફરીથી અગિયારમાં ધોરણમાં સ્કૂલમાં સાથેજ હતા...

અગિયારમાં ધોરણનો મારો પહેલો દિવસ....

આન્ટી તમે આ નિલયને વહેલા તૈયાર થવા માટે કેમ નથી કહેતા ...અમારે સ્કૂલે જવા મોડું થાય છે.... હર્ષ મારા મમ્મીને મારી મીઠી શિકાયત કરી રહ્યો હતો.

હર્ષ અને મનન એમની સાઇકલ લઈને હંમેશની જેમ મારા ઘરે પહોંચી ગયા હતા.

અરે હા.. બેટા તમે બેસોને..હજીતો વાર છે...લ્યો આ મારા હાથની લાડુડી ખાવ.....મારા મમ્મીની લાડુડી ખૂબ ફેમશ હતી અને આ બન્ને જણા ખાસ એની માટેજ મારા ઘરે વહેલા પહોંચી જતા હતા.

ચાલો જઈએ હું તૈયાર છું.....મેં બંન્નેને કહ્યું

હા ચાલો..હર્ષે કહેતા કહેતા ડીશ માંથી બે લાડુડીઓ વધુ ઉઠાવી લીધી.

મેં મારી સાઇકલ લીધી અને અમે લોકો સ્કૂલ તરફ જવા નીકળી ગયા...રસ્તામાં મનનનું તનવીની રાહ જોઇને ઉભું રહેવું એ કાયમનું હતું. હા આ એજ તનવી 'પ્રિયાની દોસ્ત'.

હું અને હર્ષ તો વહેલા નીકળી જતા...મનન અને તનવી અમારી સાથેજ પાછળથી આવતા, એ બંન્ને ની પ્રેમ કહાની દસમાં ધોરણના વેકેશનથીજ શરૂ થઈ ગઈ હતી.

અમે સ્કૂલે પહોંચ્યા, સ્કૂલમાં આજે અમારો પહેલો દિવસ હતો...

કલાસરૂમમાં અમે ઘણા નવા ચહેરાઓ જોયા જે કોઈક બીજી સ્કૂલમાંથી અહીં એડમિશન લઈને આવ્યા હતા...અને એમાંની એક હતી પ્રિયા દેસાઈ.

અમે થ્રિ ઇડિસ્ટ્સતો હંમેશની જેમ ક્લાસની છેલ્લી બેન્ચ પર ગોઠવાઈ ગયા....હું હર્ષ અને મનન.

આ તનવીની બાજુમાં કોણ બેઠું છે ?? ક્લાસમાં હર્ષ મને એના તરફ ઈશારો કરતા કહી રહ્યો હતો.

ખબર નહીં કોઈક નવી આવી લાગે છે....મેં એ તરફ જોઈને કહ્યું .

એનું નામ પ્રિયા છે. અને એ તનવીની દોસ્ત છે, પહેલા એ નિકેતન સ્કૂલમાં હતી, એને આ વર્ષે એણે આપણી સ્કૂલમાં એડમિશન લીધું છે....મનને હળવેકથી જણાવ્યું.

હમ્મ....નાઇસ લાગે છે નઇ.... હર્ષ એક સ્મિત સાથે બોલી ગયો.

તારા કરતાતો નાઇસજ છે....મેં હસતા હસતા કહ્યું.

મનન તું મળાવીશને મને એની સાથે ? તનવીની દોસ્ત છે એ એટલે.... હર્ષ મનનને કહી રહયો હતો.

ઓય..શાંત થા અલ્યા....મેં અધીરા થયેલા હર્ષને કહ્યું.

અરે!! હું મજાક કરું છું નિલય....હર્ષ સહજતાથી કહી રહ્યો હતો.

'હર્ષ' આ એજ વ્યક્તિ જેના સ્વભાવની સરળતા અને જેની હોંશિયારીનો, હું આજેય ફેન છું. ક્લાસની છેલ્લી બેન્ચ પર બેસીને પણ એ સહેલાઈથી પ્રથમ ક્રમાંક લઇ આવતો. સ્કૂલની દરેક ઇતર પ્રવૃત્તિઓમાં હંમેશા એ એક્ટિવ રહેતો. એના સ્વભાવની નિર્દોષતાથી હું હજીએ વાકેફ છું...મારા બાળપણનો ખાસ મિત્ર!! જેના વિશે કદાચ હું મારાથી પણ વધારે જાણું છું.

તારો અને પ્રિયાનો રોલ નંબર આગળ પાછળ જછે, તમેં બંન્ને પ્રેક્ટિકલ લેબમાં સાથે આવશો....હર્ષ નોટિસ બોર્ડ ચેક કરતા કરતા મને જણાવી રહ્યો હતો.

અરે હા... મેં એને કહ્યું.

બસ લેબમાં હું પ્રિયાને પહેલી વાર મળવાનો હતો...

પણ પહેલી લેબમાં એમ ન બન્યું...

પ્રેક્ટિકલ લેબની શરૂઆતમાંજ એ આઉટ થઈ ગઈ...એ લેબના સાધનો સાથે નહોતી લાવી...અમારા ગરમ મિજાજી મેડમે બધાની વચ્ચેજ એને લેબમાંથી બહાર કાઢી મૂકી....હર્ષને પણ એજ વાંકમાં લેબની બહાર કાઢી મુકવામાં આવ્યો.

દિવસની એ છેલ્લી લેબ હતી...જે મારાથી માંડ માંડ પુરી થઈ....અને આ બોરિંગ લેબ કરતાતો..જો મને પણ બહાર કાઢી મુકવામાં આવ્યો હોત તો સારું હતું...હર્ષની જેમ વહેલા ઘરે જવા તો મળેત....મેં વિચાર્યું.

***

પ્રકરણ 5

મિત્રતાની મુલાકાત

આ મુલાકાત મારી નથી, એમની છે..

ભલે થોડીક એમના વહેમની છે..

પણ હા પ્રેમની છે..

હર્ષ અને મારું દરરોજ વહેલી સવારે રેસકોર્સ ગાર્ડન પર દોડવા જવાનું ત્યારબાદ થોડી કસરત કરીને ત્યાં દુલાની કિટલીએ ચા પીવાનું રૂટિન હતું. અને મને દોડવા માટે ફરજ પાડી હતી આ હર્ષે...હર્ષ એની ફિટનેસની ખુબજ કાળજી રાખતો, આખરે નાનપણથી એણે એક નેવી (NEVI) ઓફિસર બનવાનું સપનું જો સેવ્યું હતું.

અમે અમારા દરરજોના રૂટિન મુજબ કસરત કરીને દુલાની કિટલીએ ચા પીવા માટે બેઠા.

તને ખબર હું પ્રિયાને મળ્યો હતો....હર્ષે વાત ની શરૂઆત કરતા કહ્યું.

શું ? અરે વાહ!! ક્યારે ?....મેં આશ્ચર્ય સાથે પૂછ્યું.

ખબર છે તને અમે લોકો ગઇકાલે લેબમાંથી વહેલા નીકળી ગયા હતા....હર્ષ મને યાદ કરાવી રહ્યો હતો.

નીકળી ગયા હતા ?!! તમને બહાર કાઢી મૂક્યા હતાને .....મેં મારી આંખની ભ્રમર ઊંચી કરતા કહ્યુ.

હા બસ..ત્યાર પછી પ્રિયા મને લેબની બહાર મળી..એને મને સામેથીજ લાઈબ્રેરીની બુક્સ વિશે પૂછ્યું.

જો અમે કંઈક આ રીતે વાતો કરી....

(હવે પછીની વાત હર્ષ ના શબ્દોમાં, હર્ષ અને પ્રિયાનો ટૂંકો સંવાદ )

હાઈ તું પણ બહાર ? મેડમે બહુ ગુસ્સો કર્યો નઇ ? પ્રિયા ક્લાસની બહાર નીકળીને મને કહી રહી હતી.

હા જોને...મેડમનું આ દર વખતનું છે.....મેં પ્રિયાને કહ્યું.

અરે હા... અહીં સ્કૂલની લાઇબ્રેરી પણ છે..રાઈટ ? પ્રિયાએ કહ્યું.

હા બસ જો ત્યાંજ છે લાઈબ્રેરી... મેં ઈશારા સાથે કહ્યું.

મારે પણ એક બુક જોઈએ છે, બસ હું ત્યાંજ જાવ છું, આવ તું પણ મારી સાથે..અને તું પણ જોઇલે લાઈબ્રેરી.....મેં કહ્યું.

હા હા..એના જવાબ પછી અમે લાઈબ્રેરી તરફ નીકળી ગયા.

અમે લોકોએ લાઇબ્રેરીના જુદા જુદા ખૂણામાં બુક્સ શોધી...

આખરે બુક શોધ્યા બાદ અમે એ બુક ઇસ્યુ કરાવવા માટે કાઉન્ટર પર પહોંચ્યા...નવાઈ ની વાત એ હતી કે બન્ને ની પાસે ડો આઈ કે વિજળીવાળાની જુદી જુદી સાહસ કથાની બુક હતી...

તને પણ સાહસ કથાઓ વાંચવાનો શોખ છે ??... મેં પ્રિયાને પૂછ્યું.

હા ખુબજ...તને પણ ? વાહ....મારા હાથમાં રહેલી બુક જોઈને એ કહી રહી હતી.

અમે લોકો બુક ઇસ્યુ કરાવી બહાર નીકળ્યા...આખરે એને મને મારુ નામ પૂછીજ લીધું.

હર્ષ...મેં કહ્યું. અને તારું ? મને જાણ હોવા છતાં પણ મેં પૂછવાની ખોટી ફોર્મલિટી કરી.

પ્રિયા દેસાઈ....એ સહજતાથી કહી રહી હતી.

( હર્ષ સંવાદ રજૂ કરીને પાછો વર્તમાનમાં આવી ગયો...મારી સાથે ( નિલય સાથે )

પછીતો અમે બંન્નેએ ઢગલો એક નાની મોટી વાતો કરી, એ ક્યાં રહે છે ? કઇ સ્કૂલ માં હતી ? એને શું ગમે એ બધુંજ મને એ સરળતાથી જણાવી રહી હતી. પછી અમે બંન્ને સાથેજ ઘર તરફ જવા ત્યાંથી નીકળી ગયા..

એનું ઘર આપણી સોસાયટી ની એકદમ બાજુની સોસાયટીમાં જ છે....હર્ષ હવે મને(નિલયને) કહી રહ્યો હતો.

હર્ષ પ્રિયાની જે રીતે વાતો કરતો એ પરથી કંઈક અંદાજે મને લાગી રહ્યું હતું કે હર્ષને પ્રિયા ગમવા લાગી છે.... મેં મનોમન વિચાર્યું.

ચાલને આપણે એની સોસાયટી તરફ જઈએ ?? દુલાની કિટલીએ બેઠો બેઠો હર્ષ મને કહી રહ્યો હતો.

અરે ધીરજ રાખ હર્ષ... આમ એની સોસાયટીમાં કારણ વગર આંટા ફેરા કરવાથી કંઈ નઇ મળે. ....મેં હર્ષ ને કહ્યું.

આજે તો રવિવાર છે...રજા ના દિવસે કંઈક તો કરીએ....ચાલને કેમ કંઈ નઇ મળે ? પ્રિયા એકવાર દેખાઈ જાય એટલે બસ ઘણું.....હર્ષ ની આવી પાગલપન વાળી વાતોની આગળ મારે દલીલો કરવી નિષ્ફળ હતી.

સારું ચાલ મેં કહ્યું.. અને અમે પ્રિયાની સોસાયટીમાં પહોંચી ગયા...

શું યાર હર્ષ...તને એનું ઘર ક્યાં છે એ પણ ખબર નથી ?

તો મને તું અહીંયા શું લઇ આવ્યો ? મેં નારાજગી સાથે હર્ષ ને કહ્યું.

મળશેજ ક્યાંક..બસ આમ એક બે શેરીઓમાં આંટા મારીએ.... હર્ષ મને એના અડધા આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો હતો.

ઓહ!! હર્ષ... તું અહીંયા શુ કરે છે ? અચાનકજ એક મીઠો અવાજ મારા અને હર્ષના કાને સંભળાયો...

અમે ઉભા હતા ત્યાં પાસેજ નાનકડા બંગલાના બીજા માળના જરૂખા પરથી. કોઈક છોકરીનો અવાજ હતો.

ઓહ હાઈ પ્રિયા !! કહેતા હર્ષના મોઢા પર એક સ્મિત ચમકી આવ્યું.

અરે વાહ આખરે મળીજ ગઈ મેં મનોમન વિચાર્યું....એટલામાં જ પ્રિયા જરૂખા પરથી ઘરના બારણે આવી ગઈ...

તું અહીંયા શુ કરે છે ? તમે લોકો ચાલો અંદર મારા ઘરે....મને ખુશી થશે...પ્રિયા વ્યવહારુ આગ્રહ સાથે કહી રહી હતી..

ના ના અમારે થોડું કામ હતું એટલે અમે આવ્યા હતા, બસ હવે અમે હવે જઈએ જ છીએ... હર્ષ પ્રિયાના ઘરની અંદર જવાના આગ્રહથી ગૂંચવાઈ ગયો હૉય એરીતે બોલ્યો.

મારેતો એને કહેવું હતુ કે આપણે કંઈ કામ નથી, ચલ એના ઘરે બહાના બનાવ્યા વગર....પણ પ્રિયા સામે હતી એટલે હું એમ ના બોલી શક્યો.

મમ્મી જો આ લોકો અંદર આવવાની ના પાડે છે...પ્રિયાએ બૂમ પાડી... હવે એના મમ્મી પણ દરવાજે આવી ગયા....

હેલો આન્ટી.... મેં કહ્યું.

ચાલો બેટા શરમાઓ નહીં...આ તમારી દોસ્તનુજ ઘર છેને.....એના મમ્મીના આ આગ્રહ સામે અમે લોકો એના ઘરમાં પ્રવેશ્યા.

પ્રિયાના મમ્મી ડોકટર છે...મને જાણીને ખૂબ સારું લાગ્યું...એમના સુંદર સ્વભાવ અને દેખાવ હૂબહૂ પ્રિયામાં ઉતરી આવ્યા હતા...

પ્રિયા અમારા લોકો માટે મેગી બનાવીને લઇ આવી...હર્ષે મારો પ્રિયા સાથે પરિચય કરાવી આપ્યો... આ પ્રિયા સાથેની મારી પહેલી મુલાકાત હતી...મેગીનો સ્વાદ લેતા લેતા અમે લોકોએ સ્કૂલની ઘણી વાતો શેર કરી...ખરેખર પ્રિયાનો સ્વભાવ અને વાત કરવાની રીત સૌ કોઈને ગમી જાય એવી હતી...એના આવા વલણ પરથી મને સ્પષ્ટ સમજાયું કે એ કેટલી આત્મવિશ્વાસુ છોકરી હતી.

અરે હા...પ્રિયા પ્રેક્ટિકલ લેબમાં તું અને નિલય બંન્ને પાર્ટનર છો...હર્ષ બોલ્યો.

હમ્મ ...ગઈ વખતે તો તું નીકળી ગઈ હતી...મેં પ્રિયાને કહ્યું.

નીકળી નહોતી ગઈ મને કાઢી મૂકી હતી એ હસતા હસતા કહી રહી હતી...પણ હવે હું લેબના સાધનો લઇઆવી છું...તો નેક્સ્ટ લેબમાં તો હું હોઈશજ.....પ્રિયાએ કહ્યું.

હમ્મ..ચાલો અમે જઈએ હવે...થોડી વધુ વાતો કર્યા બાદ હર્ષે કહ્યું....

ખરેખર તો અમે આમ પ્રિયાને જોવાજ એની સોસાયટીમાં આવ્યા હતા....પણ અત્યારેતો અમે એના ઘરમાં બેઠા હતા હર્ષ અને મારા ચહેરા પર થોડો કંઇક ડર સ્પષ્ટ દેખાતો હતો.

ઓકે બેટા ફરી આવતા રહેજો બાય!! પ્રિયાના મમ્મી કહી રહ્યા હતા.

હા ચોક્કસ આન્ટી...અમે કહ્યું.... પછી પ્રિયાને બાય કહીને અમે ત્યાંથી નીકળી ગયા.

ઘર તરફ જતા હર્ષના ચહેરા પર ઉભરાઈ આવેલું એક અલગ પ્રકારનું સ્મિત હું જોઈ રહ્યો હતો...

કેટલી સારી છે પ્રિયા અને એના મમ્મી કેમ ? હર્ષ મને જણાવી રહ્યો હતો.

હં ખરેખર ખૂબ સરસ સ્વભાવ છે...મેં કહ્યું.

મને એ ખૂબ પસંદ છે પ્રિયા, આખરે હર્ષ બોલી ઉઠ્યો...

મેં પણ એની સામું જોઈને એક સ્મિત આપ્યું.

થોડી શાંતી છવાઈ અને અમે અમારા ઘર તરફ નીકળી ગયા.

બસ ત્યાર પછીથી પ્રિયા અમારા મિત્ર મંડળમાં જોડાઈ ગઈ. મારી એ બોરિંગ પ્રેક્ટિકલ લેબ હવે પ્રિયાના સાથના લીધે બોરિંગ રહી નહોતી...પ્રિયાની કેમિકલ સાથેની રમતો મને હજીએ યાદ છે...હું શરૂવાતમાંતો એની સાથે વાત કરતા ખૂબ શરમાતો હતો...પણ એના સ્વભાવના લીધે એ મને કોમ્ફર્ટેબલ ફીલ કરવી દેતી...એની આ વિશેષતા મને ખુબ ગમતી. પ્રિયા એક ખુબજ ખુલ્લા વિચારો વાળી, પ્રતિભાથી ભરપૂર છોકરી હતી... હર્ષને પ્રિયા ખૂબ ગમતી હતી, આમતો ક્લાસના દરેક છોકરા પ્રિયા પર ફિદા હતા, કારણ એ છેજ ખૂબ સારી...

હર્ષ આમને આમ અગીયારમું ધોરણ પૂરું થવા આવ્યું....તું પ્રિયાને તારા પ્રેમની વાત કરીશ કે નહીં....મેં હર્ષને કહ્યું.

હમમ.. શું લવલેટર લખીને મોકલું...એક કામ કરને તુંજ એને મારા તરફથી વાત કરને....હર્ષે મલકાતાં મલકાતાં કહ્યું.

જો હર્ષ..આ લવલેટર વાળી વાત તો તું ભુલીજ જા... પ્રિયાને તારી એવી હરકત તો જરાય નહી ગમે....કહેતો હોય તો હુંજ વાત કરું એ સૌથી વધુ યોગ્ય રહેશે....મેં કહ્યું.

અરે ના !! જેમ છે તેમજ બરાબર છે...તને તો ખબરજ છે મારી....

મારે નેવી(NEVI) જોઈન કરવાની છે...પ્રિયાને હું મારી સાથે ઇચ્છીને પણ નહીં રાખી શકું. હું બિલકુલ નથી ઇચ્છતો કે પહેલા હું એની સાથે પ્રેમની લાગણીએ બંધાઈને પછી એને છોડીને જતો રહું. .....હર્ષ આ વાત મને એના હૃદયની ઉડાઈમાંથી કહી રહયો હતો.

"બીજાની લાગણીઓ ની કદર" કદાચ હર્ષ નો આ પ્રેમ સૌથી સાચો કહેવાય.... મેં મનોમન વિચાર્યું

એવું કંઈ નથી હર્ષ.. તારે તારી લાગણીઓ ખુલ્લીને વ્યક્ત કરવી જોઈએ....મેં હર્ષને સમજાવતા કહ્યું

હં.. હું વિચારું, પણ અત્યારે તો મારું ધ્યાન નેવી ઓફિસર બનવા તરફ વધારે છે.....હર્ષ નરમ અવાજમાં બોલ્યો.

અમે લોકો બારમાં ધોરણમાં પ્રવેશી ચુક્યા હતા....

સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. પ્રિયા અને હું ધીરે ધીરે ખૂબ સારા મિત્રો બની ગયા હતા.

હું પ્રિયા સામે હર્ષ ની ઘણી તારીફ અને વાતો શેર કરતો...કદાચ એના દ્વારા હું હર્ષની લાગણીઓ પ્રિયા સામે વ્યક્ત કરી શકું....પણ હર્ષે મને એમ કરતાં રોકી લીધો.

હર્ષ મને કહી રહ્યો હતો કે રહેવાદે નિલય...હું નથી ઇચ્છતો કે નેવી જોઈન કર્યા પછી મારે ફક્ત પ્રિયાની યાદો સાથે જીવવું પડે....મારે મારી લાગણીઓ પર અંકુશ રાખવો જોઈએ...બસ પ્રિયા મારી એક ખૂબ સારી મિત્ર છે તારી જેમ... તો એને મિત્રજ રહેવા દવ....હર્ષ બોલ્યો.

હંમ તને ઠીક લાગે તેમ....મેં હર્ષને કહ્યું.

નિલય લે આ એક"ડાયરી" હું તને ગિફ્ટ આપું છું... તારા બર્થડે પર તો હું હાજર હતો નહી...તો મારે તને ગિફ્ટ આપવાની પણ બાકી હતીને.... હર્ષે કહ્યું.

અરે...આમાં તો વચ્ચેથી થોડાક પાનાં ફાટેલા છે...મેં ડાયરીના પાનાં ફેરવતા હર્ષને કહ્યું.

હા એ મેં થોડું લખ્યું હતું પણ હવે મારે વધુ કંઈ નથી લખવું....તું આ ડાયરી રાખ હવે એ તારાજ કામમાં આવશે...હર્ષ બોલ્યો.

હા થેન્ક્સ યાર...કહીને મેં એ ડાયરી મારી પાસે રાખી લીધી....અને આ એજ ડાયરી જે આગળ જતાં બની મારી "કોલેજ ડાયરી"....તો તમે એતો સમજીજ ગયા હશો કે જે દસેક પાનાં ફાટેલા હતા એ હર્ષ દ્વારા લખાયા હતા.

ધીરે ધીરે હવે અમારું બારમું ધોરણ પતવા આવ્યું...આ અંતિમ દિવસો દરમિયાન હર્ષ ખૂબજ હાર્ડવર્ક કરી રહ્યો હતો...બારમુ ધોરણ પૂરું થાય એટલે તરતજ નેવી ની(NEVI) એન્ટ્રન્સ પરીક્ષા હતી જેને પાસ કરવા માટે હર્ષ પૂરેપૂરું જોર લગાવી રહ્યો હતો.

મને પૂરું ખાતરી હતી કે એ આરામથી પાસ કરી લેશે...આખરે નાનપણથી એ એના કાકાની જેમ એક નેવી ઓફિસર બનવાના સ્વપ્ન માટે કડી મહેનત કરી રહ્યો હતો...જેનાથી સૌથી વધારે પરિચિત તો હુંજ હતો.

આમને આમ અમારી પરીક્ષાઓ પુરી થઈ ગઈ...અમારા લોકોનું એન્યુઅલ ફંક્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં અમે લોકો કદાચ નરમ હૃદયે આખરી વાર મળી રહ્યા હતા. દરેક ના હોઠો પર એજ વાતો હતી કે...

દરેક આગળ કઈ ફિલ્ડમાં કઇ કોલેજમાં એડમિશન લેવાના છે. દરેક લોકો એકબીજાના કોન્ટેક નંબર શેર કરી રહ્યા હતા. જુના મિત્રો હવે અલગ પડવાના છે એ વાતનું સહેજ દુઃખ દરેકના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.

હું અને હર્ષ એન્યુઅલ ફંક્શનમાં છેલ્લી હરોળ પર બેઠા હતા...ત્યાંજ પ્રિયા અમારી બાજુમાં આવીને બેઠી.

તો તમે લોકોએ આગળ કઇ ફિલ્ડમાં જવાનું નક્કી કર્યું ? પ્રિયા અમને પૂછી રહી હતી.

હું તો એક નેવી ઓફિસર બનવાનો છું...હર્ષે કહ્યું.

હું આગળ ગ્રેજ્યુએટ થવા અમદાવાદની કોઈક સારી કોલેજ માં એડમિશન લેવા વિચારી રહ્યો છું. ....મેં કહ્યું.

અને તું પ્રિયા...હર્ષે પૂછ્યું ?

મેં હજી એ વિશે કંઈ નથી વિચાર્યું...હર્ષ તારી એન્ટ્રન્સ એક્સામ ક્યારે છે ?...પ્રિયાએ હર્ષને પૂછ્યું.

બસ હવે ખાલી 15 દિવસ બાકી છે....હર્ષે સહજતાથી કહ્યું.

અચ્છા ઓલ ધ બેસ્ટ...પ્રિયાએ હર્ષને કહ્યું.

હમમ થેન્ક્સ પ્રિયા...સારું ચાલો મારે આગળ સ્પીચ આપવાની છે..મારે એની તૈયારી માટે જવું પડશે...કહીને હર્ષ ત્યાંથી જતો રહ્યો.

હમ ઓકે...પણ મને તમારા લોકોના કોન્ટેક નંબર તો આપો પ્રિયાએ કહ્યું.

એ આ નિલય જોડેથી લઇલે...બાય કહીને હર્ષ ત્યાંથી નીકળી ગયો..

મેં મારા બેગમાંથી હર્ષે ગીફ્ટ કરેલી ડાયરી કાઢી...અને એમાંથી એક પાનું વધારે ફાડીને પ્રિયાને મારો અને હર્ષનો કોન્ટેક નંબર લખી આપ્યો.

આ ડાયરી તારી છે ?? પ્રિયા એક અલગ મિજાજમાં મને કહી રહી હતી.

હા.. મારી જ છે આ ડાયરી....મેં કહ્યું.

(કાશ મેં ત્યારેજ કહી દીધું હોત કે આ ડાયરી મારી નથી હર્ષે મને ગિફ્ટ કરી છે...પણ ખબર નહિ કેમ મેં એવું ના કહ્યું.)

સ્ટેજ પર હર્ષની સ્પીચ શરૂ થઈ ગઈ....એની બોલવાની છટા અને એની વાતોએ દરેક વિદ્યાર્થીઓને મિત્રતાની યાદોની જાંખી કરાવી દીધી. હવે આ મિત્રતાની યાદોને જીવનભર સાથે લઈ જઈશું કહીને હર્ષે સ્પીચ પૂર્ણ કરી.

ત્યારબાદ પ્રિયાને મેં અને હર્ષે અંતિમ બાય કહ્યુ....અને અમે લોકો છુટા પડ્યા....

આપણે મળતા રહીશું પ્રિયા અમને કહી રહી હતી.

હા કેમ નઇ, ચોક્કસ મળતા રહીશું ..અમે લોકોએ કહ્યું...અને આખરે અમે લોકો છુટા પડ્યા.

હર્ષની નેવી(NEVI)ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ....અને એ પાસ પણ થઈ ગયો....

ફરી એક સવારે અમે રનિંગ પર રેસકોર્સ ગાર્ડન તરફ જવા નીકળ્યા...દરરોજ ના રૂટિન પ્રમાણે અમે થોડી કસરત કરી અને દુલાની કિટલીએ ચા પીવા માટે બેઠા...આ મારી અને હર્ષની સૌથી પસંદિત જગ્યા હતી....

વાહ હર્ષ આખરે તું નેવી ઓફિસર બની જ ગયો...તો ક્યારથી જોઇનિંગ છે ? ....મેં ખુશીના ભાવ સાથે કહયું.

બસ આ 15 દિવસ પછીજ...થેન્ક્સ યાર મારુ આ સપનું પૂરું કરવામાં સૌથી વધુ સાથ તેં આપ્યો હતો.

થેન્ક્સ.. ફોર મારી માટે વહેલા સવારે જાગીને કસરત માટે આવવા. થેન્ક્સ.. મને હંમેશા પોઝિટિવ રાખવા...નિલય તું મારો ખૂબ સારો મિત્ર છે હર્ષ બોલ્યો.

અરે ના હર્ષ.. આ તો તારી મહેનત અને તારી લગનનું જ પરિણામ છે. હું ખૂબ ખુશ છું, મને તારા પ્રત્યે ગર્વ છે....મેં કહ્યું

એના મોઢા પર સ્મિત હતું....મનન અને તનવી તો અહીં રાજ્કોટ માંજ કોલેજ કરવાના છે. તું પણ અમદાવાદ જવાનો છે. અને પ્રિયાની કંઈ ખબર નથી.

બસ એકજ વાતનુ દુઃખ છે કે હવે પ્રિયા મારી સાથે નહિ હોય...મને એ ખરેખર ખૂબ ગમે છે. જો મેં એના માટે થોડીક કવિતાઓ પણ લખી હતી....મને હર્ષે કાગળમાં લખેલી કવિતાઓ બતાવી.

તારી માટે મારી પ્રેમની ભાષા કંઈક એમ છે.

કંઈ કહેવાની તો વાત જ નથી.

વ્હાલનો દરિયો અને તું એમાંનુ મોતિ,

પણ કેમ મળે એ મોતી, વાતજ કંઈક એમ છે.

~ ફોર પ્રિયા દેસાઈ

અરે હર્ષ આતો તેં મને ગિફ્ટ કરેલી ડાયરીના જ ફાટેલા પેજ લાગે છે....મેં હર્ષને કહ્યું.

હા આ એજ ડાયરીના પેજ છે....પણ હવે હું વધુ લખવા નહોતો માંગતો એટલે મેં એ ફાડી નાખ્યા. પ્રિયાએ પણ આ ડાયરી વાંચી લીધી છે.... હર્ષ મને કહી રહ્યો હતો.

શું ? ક્યારે ?....મેં આશ્ચર્ય સાથે હર્ષને પૂછ્યું.

એકવાર લાઈબ્રેરીમાં હું ડાયરી ટેબલ પર છોડીને બીજી ચોપડીઓ લેવા ગયો હતો ત્યારે પ્રિયાએ નજર ફેરવી લીધેલી.

પણ સારી વાત છે કે એને ખબરના પડી કે એ મેં લખી હતી....હર્ષે કહ્યું.

એને ખબરના પડી ? કેમ એણે પ્રયત્ન ના કર્યો જાણવાનો....મેં પૂછ્યું.

એ બધું જવાદે....ચલ આજની ચા મારા તરફથી કહી એણે વાતને ટાળી દીધી.

હર્ષ હવે નેવી જોઈન કરવા માટે જઈ રહ્યો હતો.... હું અને મનન એને સ્ટેશન મૂકવા જઈ રહ્યા હતા.... અમને તારી યાદ આવશે દેશભક્ત!! સલામી આપીને અમે એને ગળે વળગી ગયા અને બાય કહ્યું. મારી આંખો ઉભરાઈ આવી. દરેક આર્મી ઓફિસરની એક પોતાની સ્ટોરી હોય છે...ન જાણે એ લોકો દેશની સેવા માટે કેટલુંય છોડીને જાય છે. હર્ષ પણ અહીં ઘણું છોડીને ગયો હતો..એના મૂલ્યની મને જાંખી હતીજ....એના આખા જીવન ચરિત્ર થી હું ક્યાં વાકેફ નહતો. મારા માટે એ એક સાચો હિરો મારો સાચો દોસ્ત છે.

***

વધુ વાંચો આગળના ભાગમાં.

આ વાર્તા માટે આપના પ્રતિભાવો અને રેટિંગ્સ ચોક્ક્સથી મોકલી આપશો.

વધુ માહિતી માટે તમે મારી સાથે ફેશબુક ઇન્સ્ટાગ્રામ પર જોડાઈ શકો છો. Id@nitin_sutariya