Sambandhoni Harakiri - 3 books and stories free download online pdf in Gujarati

સંબંધોની હારાકીરી - ભાગ-૩

'શૌર્ય?!! તું અહીં ક્યાંથી?? ક્યારે? કેમ??' સકતામાં પડેલા નલિનભાઈએ પ્રશ્નોનો ગોળીબાર શરૂ કરી દીધો. શૌર્ય હજુ કાંઈ જવાબ વાળે એ પહેલા તો મીનાબેન શૌર્ય પાસ પાણીનો ગ્લાસ લઈને ધસી આવ્યા. "તમારામાં કાંઈ મેનર્સ જેવું છે કે નહીં? દીકરાને પહેલા પાણીનું તો પૂછો." પછી પાણીનો ગ્લાસ શૌર્યની સામે ધરતા બોલ્યા,"આ લે બેટા પાણી પી લે અને જા અંદર રૂમમાં જઇ આરામ કર!આટલી લાંબી મુસાફરી કરીને આવ્યો છે,થાકી ગયો હોઈશ." મીનાબેન મમતાનો વરસાદ શૌર્ય પર વરસાવતા બોલ્યા.

"મોમ! હું રેસ્ટ પછી લઈ લઈશ. ફર્સ્ટ ટેલ મી આ બધું કઈ રીતે થયું એન્ડ આ દાદાજી કેમ નીચે પડ્યા હતા? લૂક એટ ધિસ! કેટલું બધું બ્લડ વહી ગયું છે." શૌર્ય એકીશ્વાસે બોલી ગયો. મીનાબેન તેને ઉડાઉ જવાબ આપતા બોલ્યા,"કાંઈ નથી થયુ! આ તો તેઓનું સંતુલન નહીં રહ્યું હોય તો પડી ગયા હશે, એમાં આટલી બધી ચિંતા કરવાની તારે જરૂર નથી, હું અને તારા પપ્પા છીએ જ ને." "બટ લૂક એટ ધીઝ મોમ! કેટલું બધું બ્લડ વહી ગયું છે." શૌર્ય ચિંતાનાં સ્વરમાં બોલ્યો. "મોટી ઉંમરે આમ જ હોય બેટા! હાડકા બરડ બની જાય ને ચામડી પાતળી થઈ જાય એટલે થોડુયે લાગે તો લોહીની સરવાણી ફૂટે." પછી મીનાબેને શૌર્યની નજરોથી બચાવી નલિનભાઈને આંખોથી ઈશારો કર્યો એટલે નલિનભાઈ કેશવભાઈને વ્હીલચેર પર બેસાડી ત્યાંથી બીજા રૂમમાં લઈ ગયા. મીનાબેન પણ શૌર્યનું રીતસર બાવડું પકડી તેના રૂમ તરફ ખેંચી ગયા.

"તું શા માટે આવ્યો અહીં?" મીનાબેન શૌર્ય સાથે પૂછપરછનો દોર આરંભ્યો. "આઈ ગોટ ન્યૂઝ કે દાદાજીને પેરાલિસિસનો એટેક આવ્યો છે એટલે મારાથી ના રહેવાયું." "પાગલ થઈ ગયો છે! આટલી વાત માટે છેક લંડનથી ધક્કો ખવાય??!" મીનાબેન ગુસ્સો બતાવવાનો પ્રયાસ કરતા બોલ્યા. "મોમ! આ નાનકડી થીંગ છે? દાદાજી એટેક પછી વ્હીલચેર પર છે,હીઝ ફેઈસ ઇઝ ઇનકલાઇન્ડ, બોલી પણ શકતા નથી." શૌર્ય થોડી વાર અટકીને નિસાસો નાખતા બોલ્યો, "મોમ! યુ આર ચેન્જડ નાઉ!" મીનાબેન પાસે દીકરાનાં પ્રશ્નનો કોઈ જવાબ નહોતો અને હોત તો પણ એ આપવા ના માગેત એટલે આડવાત નાખતા બોલ્યા," એ બધું છોડ! તારો પ્રવાસ કેવો રહ્યો? અને ભણવાનું કેવું ચાલે છે?" "તને ખબર જ છે આઈ હેઈટ ટ્રાવેલિંગ! એન્ડ સ્ટડી હર વખતની જેમ રોકિંગ! આ વખતે તો પાકું યુનિવર્સિટી ટોપ કરીશ." મીનાબેન દીકરાની વાત સાંભળી ગર્વાન્વિત અનુભવવા લાગ્યા. "તો તું આરામ કરી લે! આપણે પછી વાત કરીએ." મીનાબેન દીકરાની ચિંતા કરતા બોલ્યા. "ના! હું પછી રેસ્ટ કરીશ. પહેલા એ તો કહે મારી લવિંગ સિસ્ટર ક્યાં છે? દેખાઈ જ નથી એ હજુ સુધી?" "તેના રૂમમાં જ છે. સૂતી હશે હજુ." મીનાબેન પોતાના કારસ્તાન છતા ના થાય એટલા માટે જુઠ્ઠાણું ચલાવતા બોલ્યા. "ઓહ! મને તાના મારતી હું મોડો ઉઠતો ત્યારે! નાઉ! આઈ વિલ ટીઝ હર." શૌર્ય છાતી ફૂલાવતા ચાલવા લાગ્યો.

મીનાબેન શૌર્યની આગળ થઈ દોડીને તેને ખબર ના પડે તેમ દ્રષ્ટિનાં રૂમની સ્ટોપર ખોલતા આવ્યા. શૌર્યએ દ્રષ્ટિનાં રૂમને ધડામ દઈને પગ મારતા ખોલ્યો. દ્રષ્ટિ પોતાની રડમસ આંખો પર સામેનું દ્રશ્ય જોઈને થોડી વાર તો ચકિત થઈ ગઈ. "શેરા તું??" "યસ! છીપકલી,હું! એન્ડ મને ટીઝ કરતી હું લેઈટ ઉઠતો ત્યારે, લૂક એટ યુ,સ્લીપિંગ કવિન" શૌર્ય બહેનની મસ્કરી કરતા બોલ્યો. "તારું આ અંગ્રેજીનું ચપડચપડ બંધ કર!પાંચ વર્ષથી વિદેશ શું ગયો છે.વાતવાતમાં અંગ્રેજી ચોપડાવે છે અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન! હું ક્યારની ઉઠી ચૂકી છું. આ તો કોઈકે...." દ્રષ્ટિ વધુ કાંઈ બોલવા જાય એ પહેલા શૌર્યની પાછળ ઉભેલા મીનાબેને આંખોથી ઘૂરકિયા કાઢી દ્રષ્ટિને આગળ કાંઈ બોલી દીધી. દ્રષ્ટિ એકાએક ચૂપ થઈ જતા શૌર્યએ પૂછ્યું, "કોઈકે શું?" "કોઈકે... કાઈ નહીં, હું એમ બોલી??"

દ્રષ્ટિને થોથવાતી જોઈ શૌર્ય હસતા હસતા બોલ્યો, "તમારું ધ્યાન ક્યાં છે મેડમ? કે હજુ તમારા પ્રિન્સ ચાર્મિંગનાં સપનામાં જ છો?" પછી દ્રષ્ટિને હચમચાવતા બોલ્યો, "વેક અપ! વેક અપ!" દ્રષ્ટિ મનમાં ધૂંધવાતી હતી, તેને શૌર્ય સાથે મન મૂકીને વાતો કરવી હતી, જીવ ભરીને તેને ગળે વળગી રડવું હતું પણ મીનાબેનની હાજરી તેને ડંખી રહી હતી. તે ખોટેખોટું શૌર્યને ત્યાંથી ભગાવવા બોલી,"મને હેરાન ના કર ખોટી અને જા અહીંથી!" "વ્હોટ હેપન્ડ ટુ ઓલ! બધા મારી સાથે કેમ આવું બીહેવ કરે છે?" શૌર્ય ત્યાંથી પગ પછાડતા પછાડતા પોતાના રૂમ તરફ જવા નીકળ્યો. "એને કાંઈ કહેવાનું નથી, સમજી ગઈ?? અને જો એને કાંઈ કહ્યું છે ને તો......." મીનાબેન દ્રષ્ટિને ચેતવણી આપતા હતા ત્યાં મીનાબેન માટે આઘાત સમાન સ્વર તેમના કાને અથડાયો. "શું નથી કહેવાનું મને? શું હાઇડ કરી રહ્યા છો મારાથી?" શૌર્ય જાણે હવામાંથી પ્રકટ થયો. (ક્રમશ:)

-'ક્ષિતિજ'