Check and Mate - 9 books and stories free download online pdf in Gujarati

ચેક એન્ડ મેટ 9

ચેક એન્ડ મેટ - ચાલ જીંદગી ની

ભાગ ૯

લકી ગેસ્ટ હાઉસ માં પડેલી રેડ માં પકડાયેલ વ્યક્તિઓ માં ના એક બેરેક માં હાજર છ લોકો એકબીજા ના ભુતકાળ વિશે જણાવે છે.. એમની વાત સાંભળી ને બેરેક માં હાજર ડેવિડ નામનો વ્યક્તિ પણ પોતાની જીંદગી ની કહાની એ બધાં ને જણાવે છે. ડેવિડ જોડે એક પ્લાન હોય છે જેમાં બાકીનાં બધાં જોડાય તો એમની લાઈફ માં આવનારી મુસીબતો નો સામનો કરવા બહુ બધાં રૂપિયા મળી શકે છે.. એમની બધાં ની ઈચ્છા જાણ્યા પછી ડેવિડ એમને છુપાઈને રહેવા પોતાનાં મિત્ર કાર્લોસ ને ત્યાં પાંડીચેરી જવાનું સૂચન કરે છે.. હવે વાંચો આગળ... !!

***

પાંડીચેરી પગ મુકતાં ની સાથે જ જેલ માં મળેલાં એ અજાણ્યાં લોકો ની ટુકડી એક દિવ્ય અનુભૂતિ નો અહેસાસ અનુભવી રહી હતી.. લગભગ બે સદી થી પણ વધુ સમય સુધી ફ્રાન્સ ના આધિપત્ય નીચે રહેલું પાંડીચેરી પૂર્વ અને પશ્ચિમ બંને સંસ્કૃતિ ના મિશ્રણ સમાન હતું.. પાંડીચેરી શબ્દ ત્યાં ના સહુ થી મોટાં જિલ્લા પદદુચેરી પર થી ઉતરી આવ્યું છે જેનો અર્થ થાય નવું ગામ.

ફ્રેન્ચ લોકો ના પાંડીચેરી છોડયાં પછી ભારત સરકાર દ્વારા એને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો અને આજે પણ એ કેન્દ્ર શાસિત પ્રદેશ જ છે. ચારે બાજુ દરિયા થી ઘેરાયેલાં પાંડીચેરી ની સમૃદ્ધિ આંખે ઉડી ને વળગે એવી હતી. કાર્લોસ દ્વારા સીટી થી દૂર એક ફાર્મ હાઉસ પર એ લોકો ની રહેવાની સગવડ કરી આપવામાં આવી હતી.

ગોવિંદ અને સોનાલી તો જાણે હનીમૂન પર ઉતરી આવ્યાં હોય એમ એકબીજા થી અલગ જ નહોતાં થતાં. સોનુ પણ બહુ ખરાબ માનસિક અવસ્થા માં થી ગુજરી હોવાથી એને પણ અહીંયા નું શુદ્ધ અને ખુશનુમા વાતાવરણ વધુ મનમોહક લાગી રહ્યું હતું જ્યારે ઓમ અને નફીસા ને દરિયાકિનારે ફરવાનો અને ખરીદી નો શોખ હોવાથી એ બંને ને સારું બનતું હતું. એ બંને ધીરે ધીરે એકબીજા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યાં હતાં.

સુમિત પણ એમનાં પાંડીચેરી પહોંચ્યા ના દસ દિવસ પછી પાંડીચેરી પહોંચી ગયો હતો.. પાંડીચેરી ની પ્રખ્યાત જગ્યાઓ જેવી કે પેરેડાઈઝ બીચ, શીંજી, અરિકમેડુ, આનંદ રંગા પિલ્લાઈ મહેલ વગેરે ખુબસુરત સ્થળ ની મુલાકાત લઈને એ લોકો હળવાશ અનુભવી રહ્યાં હતાં. કાર્લોસે પણ એ લોકો માટે રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ કરી આપી હતી.. આમ ને આમ પંદર દિવસ વીતી ગયાં એની એમને ખબર જ ના પડી. સજા પુરી થતાં ડેવિડ જેલ માં થી છૂટી ગયો.. જેલ માં થી છૂટીને ડેવિડે કોલ કરીને કાર્લોસ ને પોતે ચાર દિવસ માં પાંડીચેરી આવે છે એવું જણાવી દીધું.

ડેવિડ ના આવવાની ખબર કાર્લોસે બધાં ને આપી દીધી.. ડેવિડ ના આવવાની વાત મળતાં જ એ લોકો ડેવિડ નો આકાશ સહાની ને બરબાદ કરવાનો પ્લાન શું હતો?અને એ પ્લાન કઈ રીતે એમને અઢળક ધન અપાવી એમની બધી પ્રોબ્લેમ નું સોલ્યુશન કરવામાં મદદ કરવાનો હતો.. એ જાણવા આતુર બન્યાં હતાં.

***

આખરે એ લકી ગેસ્ટ હાઉસ માં પડેલી રેડ માં પકડાયેલા એ છ કિસ્મત ના માર્યા લોકો ના જેલ માં થી છૂટ્યા ના બરાબર વીસ દિવસ પછી ડેવિડ એમની સાથે હતો. અત્યારે એ બધાં કાર્લોસે એમને જ્યાં રોકાણ માટે સગવડ કરી આપી હતી એ ફાર્મ હાઉસ ના મુખ્ય હોલ માં એકઠાં થયાં હતાં.. ડેવિડ અત્યારે હોલ ની મધ્ય માં બધાં ની વચ્ચે ઉભો હતો અને બાકીનાં સોફા પર બેસી એની વાત ધ્યાન પૂર્વક સાંભળી રહ્યાં હતાં. ડેવિડ અત્યારે એકદમ ચુસ્ત અને જેન્ટલમેન લૂક માં લાગતો હતો.. વ્હાઈટ શર્ટ અને કોફી પેન્ટ માં એ ખૂબ સ્ટાઈલિશ લાગતો હતો.. એનાં કપડામાંથી મોગરાની ખૂબ જ તેજ સ્મેલ આવી રહી હતી.

"તો દોસ્તો.. આજે હું જે કહેવા જઈ રહ્યો છું એ વાત તમારી કિસ્મત ને બદલી નાંખનારી પુરવાર થવાની છે એ નક્કી છે.. તમે બધાં અને હું અત્યારે એવી નાવ માં સવાર છીએ જે મધદરિયે તોફાન માં ડોલા ખાય છે અને વધારા માં એમાં પડેલાં કાણા માં થી પાણી પણ નાવ ની અંદર ઘુસી રહ્યું છે.. એમ જ આપણી જીંદગી ની દશા પણ એવી જ છે.. એક તો અત્યાર ની વર્તમાન પરિસ્થિતિ ને સુધારવાની છે અને આવનારી પરિસ્થિતિ આપણી મરજી મુજબ ની હોય એ માટે પ્રયત્ન કરવાનો છે.. અને એ બધાં માં જો કોઈ વસ્તુ તમારી સહાયતા કરી શકે એમ છે તો એ છે પૈસા.. મારે પૈસા ની જરૂર નથી પણ હું આકાશ ને બરબાદ કરવા માગું છું.. બસ મારાં માટે એટલું જ કાફી છે.. " કોલેજ ના પ્રોફેસર ની માફક ડેવિડ અત્યારે બોલી રહ્યો હતો.

"ડેવિડ તું જેમ કહીશ એ બધું કરવા અમે તૈયાર છીએ.. હવે જલ્દી જણાવીશ તારી યોજના શું છે.. ?ગોવિંદે કહ્યું. ગોવિંદ ના અવાજ માં હવે ડેવિડ નો પ્લાન જાણવાની તત્પતરતા સાફ જણાઈ રહી હતી.

"તમે આકાશ સહાની ની લાઈફ સ્ટાઈલ અને એની આવક થી તો વાકેફ જ હશો.. ભારત ના ટોપ રિચ વ્યક્તિ માં સામેલ એવા આકાશ પાસે કરોડો ની પ્રોપર્ટી છે.. આપણે એ પ્રોપર્ટી નો થોડો ભાગ લઈ લેવાનો છે.. "ડેવિડે કહ્યું.

"ડેવિડ ભાઈ થોડું સમજાય એવું બોલો તો ખબર પડે.. "સુમિતે કહ્યું.

"આપણે ચોરી કરવાની છે.. આકાશ સહાની ના ઘર માં.. "ડેવિડે કહ્યું.

"What the fuck... ? ચોરી.. અને એ પણ આકાશ સહાની ના ઘરે.. "ડેવિડ ની વાત સાંભળી આશ્ચર્ય માં ગરકાવ નફીસા એ કહ્યું.

"જોવો આપણે જેવી તેવી ચોરી નથી કરવાની.. આપણે કરવાની છે રૂપિયા ૨૦૦ કરોડ ની ચોરી.. ભારત ના ઇતિહાસ ની એક મોટી પ્લાન કરેલી ચોરી.. "ડેવિડે કહ્યું.

ડેવિડ ની વાત ત્યાં હોલ માં ઉપસ્થિત બીજાં લોકો માટે જાણે અણુ બૉમ્બ સાબિત થઈ.. ૨૦૦ કરોડ રૂપિયા ની ચોરી એ પણ કેશ.. આ વાત સાંભળી એ લોકો ના મોંઢા ખુલ્લા જ રહી ગયાં.. એક બે મિનિટ તો કોઈ કંઈ બોલ્યું નહીં.. પછી સોનુ એ બધાં વતી એક સવાલ પૂછી લીધો.

"પણ આકાશ સહાની ના ઘર માં ચોરી કરવાનો વિચાર પણ મોત ને હાથે કરી નિમંત્રણ આપવા સમાન છે.. મને નથી લાગતું એમાં આપણે સફળ થઈ શકીએ.. ૧૫૦-૨૦૦ કરોડ તો દૂર ની વાત છે.. આકાશ સહાની ના ઘર ની ટાઈટ સિક્યુરિટી ને તોડી ઘર માં પ્રવેશવું પણ અશક્ય છે તો પછી ચોરી કરવાનો વિચાર કરવો પણ મૂર્ખામી જ છે એમાં બીજું કંઈ થાય કે ના થાય પણ મરવાનું નક્કી જ છે... તો કઈ રીતે તમે વિચાર્યું કે આપણે આકાશ સહાની ના ઘર માં ચોરી કરી શકીશું.. "

"જીવવું મરવાથી વધુ મુશ્કેલ છે.. જીવવા માટે અને એમાં પણ નક્કી કર્યા મુજબ જીવવા માટે જે પણ કરવું પડે એ કરવું જોઈએ.. એમાં કંઈ ખોટું નથી.. આકાશ સહાની ના ઘરે ચોરી પણ થશે અને તમારા લોકો નો વાળ પણ વાંકો નહીં થાય એની જવાબદારી મારી.. આમ પણ તમારાં જોડે બીજો કોઈ ઉપાય પણ નથી મારી વાત માન્યા સિવાય.. પછી તમારી મરજી.. "ડેવિડ આજે એક એક શબ્દ સમજી વિચારી ને બોલી રહ્યો હતો.

"પણ આ બધું શક્ય કઈ રીતે બનશે.. અમે હંમેશા તમારી સાથે જ છીએ પણ એ પહેલાં તમારો પ્લાન કેટલો સેફ છે એ વિશે જાણવું જરૂરી છે.. "ઓમે કહ્યું. ઓમ દ્વારા પુછાયેલો સવાલ બધાં ને પૂછવો હતો એ દરેક ના ચહેરા પર થી સાફ જણાઈ રહ્યું હતું.

"હા મેં આકાશ ના ઘર માં એન્ટ્રી લઈ, એનાં ઘરે રોબરી કરી.. ત્યાં થી સહીસલામત નીકળવાનો એકદમ ફૂલ પ્રુફ પ્લાન ઘડી નાંખ્યો છે.. આપણે બધાં આ પ્લાન માં સો ટકા સફળ થઈશું એવો મને વિશ્વાસ છે.. "ડેવિડે જણાવ્યું.

"પણ એ પ્લાન શું હશે અને એને આપણે અંજામ કેવી રીતે આપીશું.. ?"સલોની એ સવાલ કર્યો.

"આકાશ ની ઈચ્છા હવે આગામી સમય માં પોલિટિક્સ જોઈન કરવાની છે એટલે એ પોતે એ વાત નું ધ્યાન રાખે છે કે એની છબી ના ખરડાય. એ અંગત જીંદગી માં ઘણાં મોજશોખ કરે છે પણ જાહેર માં કોઈને ખબર પાડ્યાં વગર. મેં એનાં એ મોજ શોખ ને ધ્યાન માં લઈને જ આગળ ના પ્લાન ની રૂપરેખા નક્કી કરી છે.. આ પ્લાન ને આપણે લગભગ બે મહિના જેટલાં સમય પછી જ અંજામ આપવાનો છે.. ત્યાં સુધી આપણે પૂરતો સમય લઈ આ પ્લાન ને કઈ રીતે સફળ બનાવી શકાય એનું આયોજન કરવાનું છે. "ધીરે ધીરે ડેવિડ પોતાની વાત એ લોકો સમક્ષ રજુ કરી રહ્યો હતો.

"ખૂબ સરસ.. એનો મતલબ કે તમારા જોડે નક્કર આયોજન રહેલું છે એ તમારી વાત પર થી સાબિત થાય છે.. તો આ પ્લાન ની યોજના ને અંજામ બે મહિના પછી આપીશું એમ ને?"સુમિતે કહ્યું.

"ના સુમિત એવું નથી.. મારાં જોડે દરેક વ્યક્તિ માટે અલગ અલગ આયોજન રહેલું છે.. એ આયોજન મુજબ કોઈએ પાંચ દિવસ માં, કોઈએ પંદર દિવસ માં, કોઈએ ચોરી ના દિવસ ના પાંચ દિવસ પહેલાં તો કોઈએ એ દિવસે પોતાની બુદ્ધિ થી કામે લાગી જવું પડશે.. મેં આ વિશે જેલ માં થી નીકળ્યાં પછી ચાર દિવસ સુધી વિચારી એક ચાર્ટ તૈયાર કર્યો છે.. જેમાં સ્ટેપ બાય સ્ટેપ નું પરફેક્ટ આયોજન દર્શાવેલું છે.. "ડેવિડે સુમિત ની વાત નો જવાબ આપતાં કહ્યું.

"ગ્રેટ.. તો શું અમે એ ચાર્ટ જોઈ શકીએ.. ?"નફીસા એ પૂછ્યું.

"હા કેમ નહીં.. "આટલું કહી ડેવિડે પોતાની જોડે રહેલ એક ચાર્ટ જેવું કાગળ કાઢ્યું અને એક ત્રિપાઈ પર પાથર્યું.. ચાર્ટ માં એક મકાન નું સ્કેચ હતું.. અને ત્યાં હાજર દરેક ના નામ ની સાથે કંઈક લખેલું હતું. બધાં ને સમજતાં વાર ના થઈ કે આ આકાશના ઘર નું ચિત્ર છે.

"આ આકાશ ના ઘર નું ચિત્ર છે ને.. જ્યાં આપણે ચોરી કરવાની છે.. ?"ઓમ એ સવાલ કર્યો.

"હા.. આ એ આકાશ નું જ ઘર કમ ફાર્મહાઉસ છે.. જેના વિશે એ એવું વિચારે છે કે એની સિક્યુરિટી તોડી અંદર જવું અશક્ય છે.. પણ એની આ ગલતફહેમી હું તોડી નાંખીશ.. "આકાશ પ્રત્યે ભારોભાર નફરત ડેવિડ ના અવાજ માં સાફ વર્તાઈ રહી હતી.

"તો હવે મહેરબાની કરી એ જણાવશો કે કોને શું કરવાનું છે.. ?"સોનાલી એ ડેવિડ ને ઉદ્દેશીને કહ્યું.

"હા.. તો સૌપ્રથમ આ આકાશ ની અભેદ્ય સિક્યુરિટી માં છીંડું પાડવાનું કામ કરશે ગોવિંદ.. "ડેવિડે કહ્યું.

"હું કઈ રીતે પણ.. ?"પોતાનું નામ સાંભળતા જ આશ્ચર્ય ના ભાવ સાથે ગોવિંદે કહ્યું.

"એ માટે ગોવિંદ તારે આકાશ ના ત્યાં ડ્રાઈવર બની ને રહેવાનું છે. આકાશ ને ગાડી ઓ નો બહુ શોખ છે.. એના આલીશાન બંગલા માં એક એક થી ચડિયાતી ગાડી ઓ નો કાફલો છે.. એ દરેક ગાડી માટે આકાશ જુદાં જુદાં ડ્રાઈવર રાખે છે.. એને ત્રણ દિવસ પહેલાં જ રોલ્સ રોયલ નાં નવા મોડલ માટે નો ઓર્ડર આપ્યો છે.. જેની આગામી અઠવાડિયા માં ડિલિવરી પણ થઈ જશે.. એ માટે ડ્રાઈવર નો ઇન્ટરવ્યુ લેવાશે. તારે એ રોલ્સ રોય ના ડ્રાઈવર તરીકે એનાં ત્યાં નોકરી માં લાગી જવાનું છે. આ રહ્યો એ માટે નો સિફારીશ લેટર.. તારી નોકરી આ લેટર બતાવતાં જ પાક્કી થઈ જશે.. "એક કવર ગોવિંદ ની તરફ લંબાવતાં ડેવિડે કહ્યું.

"સિફારીશ લેટર.. ?"સોનુ એ ચમકીને કહ્યું.

"હા.. આ લેટર ગોઆ ની ફેમસ ફૂડ ચેઈન ચલાવતાં ડિલિસિયસ રેસ્ટોરેન્ટ ના માલિકે ટાઈપ કરેલો છે.. મતલબ કે એમનાં સિગ્નેચર મોજુદ છે.. બાકી ટાઈપ તો આપણે જાતે જ કર્યો છે.. "ડેવિડે પોતાનાં પ્લાન નું પહેલું પાસું ફેંક્યું હતું.. ડેવિલ ની આ ચાલ પર ચેક એન્ડ મેટ થયેલાં બાકીનાં લોકો ના મન માં હવે એ વાત નો સહેજ પણ સંદેહ નહોતો રહ્યો કે ડેવિડ ખાલી વાતો જ નથી કરતો પણ એનાં જોડે એક સચોટ અને વિશ્વાસપાત્ર પ્લાન હતો આકાશ ને ત્યાં રોબરી નો.

"મારે ત્યાં જઈ ને શું કરવાનું રહેશે.. ?"ગોવિંદે સવાલ કર્યો.

"તારે કંઈ ખાસ નથી કરવાનું.. પણ આકાશ ના ઘર માં રહેલી સિક્યુરિટી સિસ્ટમ ની નાના માં નાની વિગત અમારાં સુધી પહોંચાડવાની છે.. જેવી કે CCTV કેમેરા ક્યાં લાગ્યાં છે.. ? આકાશ એનાં પર્સનલ રૂમ માં પૈસા અને અન્ય કિંમતી સામાન ક્યાં રાખે છે.. ?આ ઉપરાંત એનાં ફોન ના પાસવર્ડ થી લઈને બીજી નાના માં નાની વાત જે આગળ જતાં આપણ ને ઉપયોગી થવાની છે એને પોઈન્ટ ટૂ પોઈન્ટ નોંધીને મારા સુધી પહોંચાડવાનું છે.. આ કામ એ રીતે કરવાનું કે કોઈને તારા પર સહેજ પણ શક ના જાય.. "ગોવિંદ નું કામ શું હતું એ એને સમજાવતાં ડેવિડે કહ્યું.

ગોવિંદે થોડું વિચાર્યા બાદ કહ્યું.. "મારે મારા સાચા નામ સાથે જ જવાનું છે કે પછી બીજું કોઈ નવું નામ અને ઓળખાણ ધારણ કરી.. ?"

"સરસ.. ખૂબ સરસ.. આ બહુ યોગ્ય સવાલ છે.. આ માટે પણ મેં વિચારી રાખ્યું છે.. આ પ્લાન જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી આપણે બધાં એ પોતપોતાની ઓળખ છુપાવી રાખવી પડશે.. દરેક નું એક નવું નામ હશે અને એ નામ ને અનુરૂપ ડોક્યુમેન્ટ પણ. તમારા દરેક જોડે એક નવો જ મોબાઈલ હશે એ પણ ડમી સીમકાર્ડ વાળો.. કોઈ પણ કામ વગર કોઈને કોલ નહીં કરે.. અને ભૂલ થી પણ એકબીજાનું નામ દઈ ને તો વાત નહીં જ કરે.. હું નથી ઇચ્છતો કે કોઈ નાના માં નાની ભૂલ પણ આપણા પ્લાન ને ધૂળ માં મિલાવી દે.. "ડેવિડ આ રોબરી માટે સંપૂર્ણ તૈયાર હોય એમ નાના માં નાની વાત ને ચીવટ થી નોટ કરી ને બેઠો હતો.

"ડેવિડ ભાઈ.. સલામ છે તમારી બુદ્ધિ ને.. દરેક વસ્તુ ને એ રીતે પ્લાન કરી છે કે આ રોબરી એકસો ને દસ ટકા સફળ થઈ જ જશે.. "હજુ તો ડેવિડ નો પૂરો પ્લાન સાંભળ્યો નહોતો છતાં આનંદ ના અતિરેક માં સોનુ એ કહ્યું.

"ગોવિંદ ના આકાશ ના ઘરે ગયાં પછી આગળ શું કરવાનું છે.. હવે આગળ કોણ પ્લાન માં સામેલ થશે અને કઈ રીતે.. ?"નફીસા એ પૂછ્યું.

"આગળ ના પ્લાન માં આપણે સામેલ નથી થવાનું પણ આકાશ સામે થી આપણા માં થી એક ને આપણા પ્લાન માં સામેલ કરશે.. "ચહેરા પર લુચ્ચું સ્મિત લાવી ડેવિડે કહ્યું.

"મતલબ.. સાફ સાફ કહો તો કંઈક ખબર પડે.. ?"સોનાલી એ કહ્યું.

"મેં કહ્યું હતું ને કે આકાશ ની ઘણી ખરાબ આદતો છે.. એટલે આગળ નો પ્લાન એને અનુરૂપ બનાવેલો છે.. એ મુજબ એ માટે મારે જરૂર પડશે ઓમ અને નફીસા ની.. તમારી બંને ની મદદ થી આપણે આકાશ ની દુઃખતી નસો પકડી ને એને ઉંઘતો પકડીશું.. "ડેવિડે સોનાલી ના સવાલ નો જવાબ આપતાં કહ્યું.

"અમે બંને તૈયાર છીએ.. તમે કહેશો એમ કરવા માટે.. "પરસ્પર એકબીજા તરફ નજર નાંખીને ઓમ અને નફીસા એકસાથે બોલી ઉઠયાં.

"તમારે શું કરવાનું છે એ બધું હું તમને બે ને પછી સમજાવીશ.. અત્યારે તમારા બધાં નાં ફોટો પાડી લઉં.. આજે જ તમારાં નકલી આઈડી બનાવવાની કાર્યવાહી ને પહેલાં પૂર્ણ કરવી પડશે. "ડેવિડે કહ્યું.

ડેવિડ ના કહ્યા પ્રમાણે બધાં નું ફોટો સેશન પતી ગયું એટલે સુમિત ને લઈને ડેવિડ પોતાનાં એક ઓળખીતાં મિત્ર ને ત્યાં જઈને બધાં માટે નકલી આઈડી બનાવી લાવ્યો.. સાથે સાથે બધાં માટે મોબાઈલ અને ડમી સીમકાર્ડ ની પણ ખરીદી કરી લીધી.. ડેવિડ ની પહોંચ અને ઓળખાણો જોઈ સુમિત ને એ વાત નો વિશ્વાસ આવી ગયો હતો કે આ વ્યક્તિ પર ભરોસો મૂકી એમને બધાં એ કોઈ ભૂલ કરી નહોતી.

પણ ડેવિડ ની જાણ બહાર એનો મુંબઈ થી એનાં પડછાયા ની જેમ એનો પીછો કરેલાં એક વ્યક્તિ એ સુમિત અને ડેવિડ ના મોબાઈલ ની દુકાન માં થી નીકળતાં ની સાથે જ મુંબઈ એક નમ્બર ડાયલ કર્યો અને કહ્યું.

"ડેવિડે નકલી આઈડી બનાવ્યાં છે.. અને એનો ઉપયોગ કરી નકલી સીમકાર્ડ અને મોબાઈલ ખરીદ્યા હોય એવું લાગે છે.. એ કોઈ મોટા પ્લાનિંગ માં લાગે છે. "

ડેવિડ નો પીછો કરતાં વ્યક્તિ ને ફોન ના સામે છેડે થી થોડાં સૂચનો મળ્યાં જે સાંભળીને એ વ્યક્તિ એ કોલ ડિસ્કનેક્ટ કર્યો અને પોતે જ્યાં રોકાયો હતો એ હોટલ માં જવા નીકળી પડ્યો.

આ તરફ ફાર્મ હાઉસ પર પાછાં આવીને ડેવિડે બધાં ને એમનાં ઓળખ કાર્ડ અને મોબાઈલ ફોન આપી દીધાં.. એકબીજા ને ગુડ નાઈટ કહી બધાં પોતપોતાને આપેલાં રૂમ માં ચાલ્યાં ગયાં. ડેવિડ નો પેરફેક્ટ લાગતો પ્લાન સાચેજ પરફેક્ટ બની રહેશે એ વિચારવામાં એ દરેક ને ઊંઘ નહોતી આવવાની એ નક્કી હતું. !!

શતરંજ ની બીસાત પર પહેલી ચાલ ચલાઈ ગઈ હતી.. હવે જોવાનું હતું સામે વાળા ની જાણ બહાર ડેવિડ ની બીજી ચાલ શું હશે.. સામે ડેવિડ ની જાણ બહાર એની તરફ પણ કોઈ છુપી ચાલ ચાલી રહ્યું હતું. કોણ કોને માત આપવાનું હતું એતો ભવિષ્ય ની ગર્તામાં છુપાયેલું હતું.

***

નફીસા અને ઓમ નો ઉપયોગ પોતાનાં પ્લાન માં ડેવિડ કઈ રીતે કરવાનો હતો.. ? ડેવિડ નો પીછો કરતી વ્યક્તિ કોણ હતી.. ? ડેવિડ નો આકાશ સહાની ના ઘરે રોબરી કરવાનો પ્લાન સફળ થશે કે નહીં.. ?જાણવા વાંચો ચેક એન્ડ મેટ.. ચાલ જીંદગી નો નવો ભાગ આવતાં સપ્તાહે.

મારી આ નોવેલ ને શરૂવાત થી જ વાંચકો નો જે પ્રેમ મળી રહ્યો છે એ બદલ આનંદ ની લાગણી અનુભવું છું... હજુ તો કંઈ કેટલાય સસ્પેન્સ ને ઉજાગર કરતી આ નવલકથા કોઈ ડાર્ક સસ્પેન્સ થ્રિલર હોલીવુડ ફિલ્મ કરતાં ઓછી નથી એની ખાત્રી આપું છું.. તમે તમારા અભિપ્રાય મારાં whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.. આ સિવાય મારી અન્ય નોવેલ "બેકફૂટ પંચ" અને "ડેવિલ એક શૈતાન" પણ આપ માતૃભારતી પર વાંચી શકો છો.

-જતીન. આર. પટેલ