Sapna advitanra - 13 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં ૧૩

ચર્ ર્ ર્... ગાડીને લાગેલી બ્રેક આદિના વિચારો પર પણ અસર કરી ગઈ. વિચારોની ગતિ અટકી ગઈ અને આદિ વર્તમાનમાં ખેંચાઈ આવ્યો. તેણે જોયું તો ગાડી કે કે મેન્સન ને બદલે ડૉ. ભટ્ટ ની હોસ્પિટલનાં ગેટ પાસે ઉભી હતી. કેદાર ભાઈ આદિની રાહ જોયા વગર, ઉતાવળા પગલે લિફ્ટ પાસે પહોંચી ગયા હતા. આદિએ પણ ઉતાવળ રાખી અને કેદારભાઈ સાથે જ લિફ્ટ મા પ્રવેશ કર્યો. 

લિફ્ટ ની બરાબર સામેના સ્પેશ્યલ ડિલક્ષ રૂમમાંથી ડૉ. ભટ્ટ બહાર આવી રહ્યા હતા કે લિફ્ટ નો દરવાજો ખૂલ્યો અને અધિરાઇ સાથે કેદારભાઈ તથા ડૉ. આદિત્ય ને આવતા જોયા, એટલે ડૉ. ભટ્ટ પણ તેમની સાથે રૂમમાં પાછા આવ્યા. આદિત્ય દોડતો કે. કે. પાસે પહોંચી ગયો અને કેદારભાઈ ડૉ. ભટ્ટ સાથે દરવાજા પાસે જ ઉભા રહી ગયા. ડૉ. ભટ્ટે કેદારભાઈ સાથે હેન્ડશેક કરવા હાથ લંબાવ્યો. કેદારભાઈ એ બંને હાથે ડૉ. ભટ્ટ નો હાથ પકડી લીધો અને ચિંતાતુર ચહેરે પૂછ્યું, 

"શું લાગે છે ડોક્ટર? મારો કૌશલ... "

"ડોન્ટ વરી. અત્યારે તો સિચ્યુએશન અંડર કંટ્રોલ છે. ડાયગ્નોસિસ થયા પછી જે વધારાનો ટાઈમ કાઢ્યો, તેના કારણે પરિસ્થિતિ થોડી વણસી જરૂર ગઈ છે... બટ ઇટ્સ ઓકે. એકવાર તેનુ બોડી પ્રોપર રીએક્ટ કરતુ થઈ જાય એટલે તરત જ આપણે કેમોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેશું. "

"એટલે? "

"એટલે એમ કે કે. કે. નું બોડી અત્યારે એકદમ વીક થઈ ગયું છે. આટલું નબળુ શરીર કેમો સહન ન કરી શકે. તેને ગ્લુકોઝ ની બોટલ ચડાવવાનુ સતત ચાલુ રાખશુ એટલે ઝડપથી વીકનેસ કવર થઈ જશે. લેટર ધેન, વી કેન ફોલો ધ ટ્રીટમેન્ટ. "

"પણ... સારું તો થઈ જશે ને? "

કેદારભાઈ ની ચિંતા હજુ પણ યથાવત હતી. શેકહેન્ડ માટે લંબાયેલા હાથ પણ એ જ સ્થિતિ મા હતા. ડૉ. ભટ્ટે કેદારભાઈ નો હાથ થપથપાવી હૈયાધારણા બંધાવતા કહ્યું, 

"ડોન્ટ વરી. સાયન્સે ઘણી પ્રગતિ કરી છે. નાવ, કેન્સર ઇઝ નોટ કેન્સલ. આપણે પૂરી કોશિશ કરીશું. આફ્ટર ઓલ, ગોડ ઈઝ ગ્રેટ. તેના પર ભરોસો રાખો. "

આટલું કહી ડૉ. ભટ્ટ બહાર નીકળી ગયા અને કેદારભાઈ કે. કે. ના બેડ તરફ આગળ વધ્યા. કે. કે. બેડમા સૂતો હતો, પણ માથા પાસેથી બેડ ઊંચો કરેલો હતો, જેના કારણે તે બેઠેલી પોઝિશન મા હતો. તેના જમણા હાથમાં બોટલ ચડતી હતી. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. છતાં ચહેરા પર એ જ ચીર પરિચિત સ્મિત હાજર હતું. કોકિલા બેન તેનો ડાબો હાથ પકડીને ખુરશી પર બેઠા હતા અને કેયૂર ફોનમાં વાત કરતો હતો. 

"ડેડ, આઇ હેવ ટુ ગો. ઓફિસ થી કોલ આવ્યો હતો. "

"યા ડિયર, યુ મસ્ટ. "

કેદારભાઈ એ રજા આપી એટલે કેયૂર તરતજ ત્યાથી નીકળી ગયો. કોકિલા બેન પણ ખુરશી પરથી ઉભા થઈ કે. કે. ના માથા પાસે ઊભા રહી ગયા. કેદારભાઈ ખાલી ખુરશી પર ગોઠવાયા અને કે. કે. નો હાથ પોતાના હાથમાં લીધો... કોકિલા બેનની જેમજ... 

કેદારભાઈ થોડી વાર એમજ હાથ પસવારતા રહ્યા. કે. કે. એમના ગુસ્સા માટે માનસિક રીતે તૈયાર હતો, પરંતુ કેદારભાઈ તરફથી વાતચીત ની કોઇ શરૂઆત ન થતા તેનાથી રહેવાયુ નહિ. 

"સોરી... ડેડ... "

પણ કેદારભાઈ તરફથી કોઇ રિસ્પોન્સ ન મળ્યો એટલે તેણે ફરીથી કહ્યું, 

"પ્લીઝ ડેડ... મેં આવુ નહોતુ ધાર્યું... "

હવે કેદારભાઈ નો કંટ્રોલ છૂટી ગયો. હંમેશા સંયત રહેતા કેદારભાઈ કે. કે. ની હાલત જાણ્યા પછી પોતાના ગુસ્સા પર કાબુ નહોતા મેળવી શકતા. આદિત્ય પર ગુસ્સો ઉતાર્યા છતાં મન શાંત નહોતુ થયુ. એમા વળી ડૉ. ભટ્ટ ની વાતે બળતામાં ઘી નુ કામ કર્યું. કે. કે. નો અવાજ સાંભળીને જે શાતા વળી, તેનો છમકારો થયો અને આક્રોશ આંખમા આંસુ બની તગતગી રહ્યો. આ બધાની સામટી અસર સ્વરૂપે તેમનો અવાજ કંઇક વધારે જ મોટો થઈ ગયો. 

"શું નહોતુ ધાર્યું? કેન્સર એટલે શું એ ખબર પડે છે તને? કેટલા સમયથી છે તકલીફ? ક્યારે તને ખબર પડી? અને ખબર પડ્યા પછી પણ અમને કોઇને જણાવવાની જરૂર ન લાગી? "

હવે કેદારભાઈ નો હાથ કે. કે. પસવારી રહ્યો હતો. તે ઇચ્છતો હતો કે કેદારભાઈ નો આક્રોશ બહાર નીકળી જાય, નહિતર બીપી વધી જશે તો વધુ તકલીફ થશે. કેદારભાઈ નું બોલવાનું હજુય ચાલું જ હતું. 

"આ જો તારી મા ને... રડી રડી ને આંખો સોજી ગઈ છે. અને કેયૂર... એ તો તારા ભાઈ કરતાં ફ્રેન્ડ વધારે છે. એનાથી પણ છૂપાવ્યુ? એન્ડ વ્હોટ અબાઉટ મી? મેં મારી લાઈફ ના બધાજ સિક્રેટ તારી સાથે શેર કર્યા છે કે નહીં? અને તે... આટલી મોટી વાત અમારાથી છૂપાવી! હાઉ કુડ યુ? "

કેદારભાઈ એ ઝાટકો મારી ને પોતાનો હાથ કે. કે. ના હાથમાંથી છોડાવ્યો. પરંતુ એ ઝાટકાની અસર બીજા હાથ પર પણ થઈ અને કે. કે. થી ઉંહકારો થઈ ગયો. એ સાથે જ કેદારભાઈ એ ફરી તેનો હાથ પોતાના હાથમાં લઈને પૂછ્યું, 

"આર યુ ઓકે? ડોક્ટર ને બોલાવુ? "

અને કે. કેના ચહેરા પર હળવાશ પથરાઈ ગઈ. 

"બસ, એટલે જ... "

કે. કે. ના અવાજ થી કેદારભાઈ ના કાન ચમક્યા. તેના બોલવામા નબળાઈ વરતાતી હતી, છતાં કોન્ફિડન્સ તો એટલો જ હતો. 

"વ્હોટ? વ્હોટ ડુ યુ મીન બાય બસ એટલે જ? "