Badlo - Crime Diary - 1 books and stories free download online pdf in Gujarati

બદલો - ક્રાઇમડાયરી - 1

          પ્રસ્તુત સ્ટોરી સંપૂર્ણ કાલ્પનિક છે. સ્ટોરીમાં રજુ થયેલા પાત્રો પણ કાલ્પનિક છે. એ પાત્રો વાસ્તવિક જીવન સાથે કોઈ સંબંધ ધરાવતા નથી. આ સ્ટોરીનો ઉદેશ માત્ર મનોરંજન પૂરો પાડવાનો છે. તેથી વાંચકોને મારી નમ્ર વિનંતી છે કે આ સ્ટોરીને ફક્ત સ્ટોરી તરીકે જ લેવામાં અને માણવામાં આવે. આ સ્ટોરીનો ઉદેશ કોઈ સમાજ, કોઈ વર્ગ કે કોઈ વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોચાડવાનો નથી.
         રાત્રીના પોણા બે થયા હતા. આખું અમદાવાદ એકદમ શાંત થઇ ગયું હતું. અચાનક એક કારની લાઈટ એક મોટા બંગલાના ગેટ પર પડી. ગાર્ડ એ જોઈ કાર પાસે આવ્યો. ગાડીના કાચ પાસે આવી તે ઉભો રહ્યો. કાચ ખુલતા જ એક વ્યક્તિ અંદરથી બોલ્યો, “અમે એક કેસને લીધે અહી આવ્યા છીએ. શું અત્યારે મેડમ અમૃતાદેવી ઘરે છે?” ગાર્ડે કહ્યું, “એક મિનીટ હું મેડમ સાથે વાત કરીને જાણી લવ કે તે ફ્રી છે કે નહિ.” તેણે ઘરના ફોનમાં કોલ કરી કહ્યું, “મેમ અત્યારે કોઈ ક્લાઇન્ટ તમને મળવા આવ્યા છે. શું હું એમને અંદર મોકલું?” સામેથી જવાબ આવ્યો, “અત્યારે પોણા બે વાગે? કોણ છે? શું નામ છે?” ગાર્ડે આવેલા વ્યક્તિનું નામ પૂછ્યું. પેલા વ્યક્તિએ જવાબ આપ્યો, “મેમને જણાવો કે આઈપીએસ શિવમનો મિત્ર કિશન આવ્યો છે.” ગાર્ડે મેમને જણાવ્યું અને સામેથી જવાબ આવ્યો, “ઓકે તેમને અંદર મોકલો.”
          ગાડીમાંથી બે વ્યક્તિ બહાર આવ્યા અને બંગલાની અંદર પ્રવેશ્યા. તેઓ અંદર પહોચ્યા ત્યાં સામેથી અમૃતાદેવી આવ્યા અને તેઓને આવકારી પોતાના ગેસ્ટરૂમમાં લઇ ગયા અને સોફા પર બેસવા કહ્યું. આવેલા બંને વ્યક્તિ બેઠા. અમૃતાદેવીએ કહ્યું, “તો આપ શું લેશો ચા કે કોફી?” કિશને જવાબ આપતા કહ્યું, “નો થેન્ક્સ મેમ. સોરી તમને અત્યારે ડીસ્ટર્બ કર્યા બટ અત્યારે તમને મળવું જરૂરી હતું. તેથી અત્યારે અમે બંને મિત્રો અહી…” અમૃતાદેવી બોલ્યા, “ઇટ્સ ઓકે કિશન હું સમજી શકું છુ. તો કેસ શું છે?” કિશને કહ્યું, “મેમ તમે થોડા દિવસ પહેલા શિવમની ન્યુઝ તો સાંભળી હશે. મીડિયા કહે છે કે શિવમ પોતાની સતાનો દુરુપયોગ કરી બ્લેકમની એકઠું કરતો હતો પણ મેમ હું આ માનવા તૈયાર નથી. મારું માનવું છે કે તેને ફસાવવામાં આવી રહ્યો છે. તમારી પહેલા ઘણા વકીલ પાસે કેસ લડવા માટે વિનંતી કરી પણ એ લોકો કેસ લેવા તૈયાર નથી. એ કેમ ના પાડી રહ્યા છે એ પણ સમજાતું નથી. તેથી મેમ હું અત્યારે તમારી મદદ લેવા આવ્યો છું. મેમ તમે આ કેસને સારી રીતે હેન્ડલ કરી શકશો. હા હું જાણું છુ કે તમે માત્ર મહિલાઓને ન્યાય માટેના કેસ લો છો પણ મેમ અત્યારે અમારી માટે તમે ઓન્લી હોપ છો. પ્લીઝ ના ન કહેતા. તમે કહેશો એટલી ફી ચુકવવા તૈયાર છું. મેમ પ્લીઝ મારા મિત્રને બચાવી લો. તેના ચરિત્ર પર દાગ લાગે એ હું જોઈ નહિ શકું.” એ સાંભળી અમૃતાદેવી બોલ્યા, “રિલેક્ષ કિશન. કામ ડાઉન. મેં કેસ લેવાની ના થોડી પાડી છે? તારો આ અતુટ વિશ્વાસ જોઇને મને પણ લાગે છે કે શિવમ નિર્દોષ છે. એ માટે મારે થોડા ડોક્યુમેન્ટ્સ જોશે એન્ડ તેના બચાવ માટે થોડા એવીડેંશ શોધવા પડશે. એ પહેલા મારે તેને સવારે મળવું પડશે. તો તુ અત્યારે શિવમનું એડ્રેસ આપ અને કોઇપણ ચિંતા વગર ઘરે જઈ સૂઈજા. બધું જ સારું થઇ જશે.” અમૃતાદેવીનો આભાર વ્યક્ત કરતા કિશન બોલ્યો, “થેંક્યું મેમ. હવે કઈંક શાંતિ મળી. શિવમ સાચું જ કહેતો હતો કે તમે ઇનકાર નહિ કરો.” એ સાંભળી અમૃતાદેવી હસીને બોલ્યા, “ઠીક છે ઠીક છે. તો સવારે શિવમને ત્યાં મળીએ.” કિશન અને તેનો મિત્ર ત્યાંથી નીકળી ગયા.
          સવાર થઇ. કિશન સીધો શિવમના ઘરે પહોચી ગયો. શિવમને સુતો જોઈ તે તેને ઉઠાડતા બોલ્યો, “એય શિવા ઉભો થા. મારા ભાઈ અત્યારમાં તુ આબરૂ કાઢીશ. હમણાં થોડીવારમાં લોયર અમૃતાદેવી આવવાના છે. તને આમ જોશે તો શું સમજશે? ચલ જલ્દી તૈયાર થા.” શિવમ તૈયાર થઇ ગયો અને અમૃતાદેવીની રાહ જોવા લાગ્યો. થોડીવાર થઇ અને ઘરની બહાર કારનો હોર્ન સંભળાયો. તે સાંભળી તરત જ શિવમ ઘરની બહાર આવ્યો. અમૃતાદેવીને કારમાંથી બહાર આવતા જોઈ તે તેમની પાસે જઈ કહેવા લાગ્યો, “આવો મેડમ તમારી જ રાહ જોતો હતો. ચાલો અંદર ચાલો.” તે તેમને અંદર લઇ આવ્યો અને તેમને બેસાડી પૂછવા લાગ્યો, “મેમ તમે શું લેવાનું પસંદ કરશો ચા કે કોફી કે કોલ્ડ્રીંક?” અમૃતાદેવી હસવા લાગ્યા અને જવાબ આપતા બોલ્યા, “ના એ બધાની જરૂર નથી. બસ એક ગ્લાસ પાણી.” કિશન તરત જ પાણી લઇ આવ્યો.
          થોડીવાર થઇ અને અમૃતાદેવી પૂછવા લાગ્યા, “તો શિવમ ગવર્મેન્ટે તને સસ્પેન્ડ શા માટે કરી નાખ્યો? શું મીડિયા જે બ્લેકમનીની વાત કરે છે તે સાચી છે?” શિવમે જવાબ આપતા કહ્યું, “મેમ એ તો મને પણ નથી સમજાતું કે આમ કેમ થયું? એ દિવસે લગભગ રાતના ત્રણ વાગે મને એક કોલ આવ્યો કે હાઈવે પર ચાર પાંચ જણા એક મહિલાની છેડતી કરી રહ્યા છે. હું તેને કંઈપણ પૂછું એ પહેલા તેણે કોલ કટ કરી નાખ્યો. મેં ત્યાં જાતે જઈને તપાસ કરી તો ચાર પાંચ જણા ફિલ્મની હિરોઈનના બેનર પર સિગરેટ ફેરવી રહ્યા હતા. એ જોઈ મને ગુસ્સો આવ્યો. એ લોકોને મારીને મેં ત્યાંથી ભગાડ્યા અને જેણે મને કોલ કર્યો હતો તેને ઘણી વખત કોલ કર્યો પણ તે બંધ બતાવતો હતો. મને થયું કે કોઈ મારી મશ્કરી કરી રહ્યું છે એમ માની હું ઘરે આવી ઊંઘી ગયો. સવારે ઉઠ્યો તો ઇન્કમટેક્ષનાં અધિકારીઓ મારા ઘરની બહાર ઉભા હતા. તેમણે મને રેડ મારવાનો વોરંટ બતાવ્યો અને આખું ઘર ખોળી નાખ્યું. તે લોકોએ મારી તિજોરીમાંથી પચાસ કરોડના સોનાના બિસ્કીટ કાઢ્યા. એ જાણી મને પણ નવાઈ લાગી. મેં એમને ઘણા સમજાવ્યા કે એ વિષે મને કાઈ ખબર નથી પણ એ ન માન્યા અને મારા પર કાર્યવાહી શરૂ કરી. એના બીજા દિવસે મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. એટલું સોનું મેં ઝીંદગીમાં ક્યારેય જોયું પણ નહતું. તે ક્યાંથી આવ્યું એ હું પણ નથી જાણતો. એ બધું અચાનક કેવી રીતે થયું એ હજુ સુધી હું સમજી શક્યો નથી.”
          શિવમની વાત સાંભળી અમૃતાદેવીએ પૂછ્યું, “શિવમ તિજોરીની કેટલી ચાવીઓ છે? આઈ મીન બીજી ચાવી તે કોઈ તારા મિત્રને આપી હોય અથવા તારા કોઈ નજીકના સગાને આપી હોય.” શિવમ જવાબ આપતા બોલ્યો, “ના મેમ એવું કઈ પણ નથી. ચાવી ફક્ત એકજ છે અને હમેશા મારી પાસે જ હોય છે. મારા મિત્ર ગણો કે ભાઈ ગણો એ કિશન અને કરણ છે. જે કાલે મારો કેસ લઈને તમારી પાસે આવ્યા હતા. આમય મેમ હું મોટા ભાગે કામને કારણે બહાર જ હોવ છું. મારી જે કાઈ પુંજી છે તે બેન્કના લોકરમાં સેફ છે. તેથી તિજોરીમાં માત્ર કપડા હોય છે. હવે કોણે તિજોરીમાં એટલું સોનું મુક્યું એ તો રામ જાણે.” અમૃતાદેવીએ ફરી એક પ્રશ્ન કર્યો, “શિવમ તારી કોઈ સાથે દુશ્મની હતી? આઈ મીન તારી ડ્યુટી દરમ્યાન તારા લીધે કોઈનું નુકશાન થયું હોય અને તારી સાથે બદલો લેવા તેણે આમ કર્યું હોય એવું બની શકે છે.” શિવમ જવાબ આપતા બોલ્યો, “જ્યાં સુધી હું જાણું છું કે મારી ડ્યુટી શરૂ થઇ તેના કોઈ ખાસ લાંબો સમય નથી થયો. લગભગ દોઢેક વર્ષ થયું હશે. પણ મેમ આ સમય દરમ્યાન એવુ કશું પણ નથી થયું કે કોઈ મારાથી આટલી હદે નફરત કરે.” અમૃતાદેવી બોલ્યા, “તારી વાત સાચી છે પણ એવું પણ બની શકેને કે કોઈને નુકશાન થયું હોય અને તને એ વાતની ખબર ન હોય. કારણ કે કેસ જીતતા કોણ મારું દુશ્મન બન્યું હશે અને કોણ દોસ્ત એ તો હું પણ ન કહી શકું કારણ કે આપણા બંનેનું કોઈ એક પક્ષને ન્યાય અપાવવાનો છે. હવે સ્વાભવિક છે કે જે વ્યક્તિ આપણી વિરૂદ્ધ છે તેના મનમાં આપણે દુશ્મન જ હોઈશું. મારા અનુભવ પ્રમાણે જેણે તને ફસાવ્યો છે તે આજ નહી તો ક્યારેક તારી ખુબ નજીક રહેલું છે.”
          શિવમ અમૃતાદેવીની વાત સાંભળી બોલ્યો, “મારી નજીક તો આ કિશન અને કરણ છે બીજું કોઈ નથી.” અમૃતાદેવી બોલ્યા, “આર યુ સ્યોર? હજી એક વખત વિચારી જો.” શિવમ તે સાંભળી બોલ્યો, “મેમ મને તમારી વાત પરથી લાગી રહ્યું છે કે તમને મારી વાત પર વિશ્વાસ નથી લાગતો.” તેનો જવાબ આપતા અમૃતાદેવી બોલ્યા, “વિશ્વાસ નથી એવું કઈ નથી. પણ હું મારા અનુભવથી કહી રહી છું કે તુ કઈંક તો છુપાવી રહ્યો છે. કદાચ એ તારી પ્રતિષ્ઠાને ખરાબ કરી નાખશે એ માટે તુ કહેવા નથી માંગતો. જો હું તને એક જ સલાહ આપીશ કે જો તારે તારી પોસ્ટ પાછી મેળવવી હોય અને સમાજમાં ફરી ગર્વથી જીવવું હોય તો તારે તારી અંદર પડેલા રાઝને બહાર કાઢવું જ પડશે. એક વખત શાંતિથી વિચાર કરી જો કે હજી આ ક્ષેત્રમાં તારે વધારે સમય નથી થયો અને અત્યારથી જ તારી ખાકી પર દાગ લાગશે તો કેમ ચાલશે? ટૂંકમાં સાચી માહિતી વગર હું તો શું પણ કોઈ વકીલ તને નહિ બચાવી શકે. જેણે તને ફસાવ્યો છે તે કોઈ સામાન્ય માણસ હોય એવું મને નથી લાગતું. કારણ કે તારો કેસ લેવા કોઈ તૈયાર નથી. શાંતિથી વિચારીને મારા ઘરે આવી જજે. તને તારી ખાકી અપાવવાની જવાબદારી મારી બસ. એક વખત શાંતિથી વિચારીને નિર્ણય લેજે.” શિવમે કહ્યું, “બટ મેમ મારો વિશ્વાસ કરો એવું કઈ નથી. હું તમારી પાસે ખોટું થોડી બોલીશ?” અમૃતાદેવી બોલ્યા, “રિલેક્ષ શિવમ રિલેક્ષ. હું તને સારી રીતે જાણું છુ. તારી ઈમાનદારી પર મને તારા કરતા પણ વધારે ભરોસો છે. પણ કઈંક તો છે જે બહાર નથી આવતું. એ છોડ બધું એક બે દિવસ એકલો પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કર. કદાચ તારી જાત જ તને સત્ય બતાવી દે. ઓકે બાય. સી યુ સુન.”
          અમૃતાદેવી ત્યાંથી કારમાં બેસી ચાલ્યા ગયા. તેમના ગયા પછી કિશન બોલ્યો, “યાર શિવમ મેમને વકીલ કરતા સાયકોલોજીસ્ટ થવાની જરૂર હતી. એક વકીલ આવી રીતે પણ વિચારી શકે એ મને આજ જાણવા મળ્યું. એક વાત પૂછું? યાર ખોટું ન લગાવતો.” શિવમ બોલ્યો, “તારી વાતનું ખોટું હું કેમ લગાડું? મિત્રની વાતનું ખોટું શું લાગે છે? ચાલ બોલ શું વાત છે?” કિશન જવાબ આપતા બોલ્યો, “હું તારા પર શંકા નથી કરો પણ યાર આ સવાલ જ્યારથી અમૃતાદેવી કઈંક રાઝ છે એવું બોલ્યા છે ત્યારથી મને સતાવ્યા કરે છે. મારું કહેવાનું એમ છે કે આપણી મિત્રતા થઇ એના માત્ર ત્રણથી ચાર મહિના થયા છે. તુ કામમાં બહુ બીઝી રહેતો હતો તેથી આપણી વચ્ચે બહુ વાત થતી નહતી. કરણ પણ ગેરેજમાં નવરો નથી હોતો એટલે તે તારી સાથે વાત કરતો હોય એવું બનવાના ચાન્સ બહુ ઓછા છે.” શિવમ કહેવા લાગ્યો, “યાર એ બધું સાઈડમાં રાખી જે કહેવાનું હોય એ સીધુ કહી દે ને.” કિશન બોલ્યો, “હું એમ કહેવા માંગુ છું કે અમૃતાદેવી કહેતા હતા એમ સાચે જ કોઈ રાઝ તુ અમારાથી પણ છુપાવી તો નથી રહ્યો ને?” તે સાંભળી શિવમ હસવા લાગ્યો અને બોલ્યો, “તુ સાચું જ કહેતો હતો યાર અમૃતાદેવીને વકીલ નહિ પણ સાયકોલોજીસ્ટ બનવાની જરૂર હતી.” એ સાંભળી કિશન બોલ્યો, “એનો અર્થ કે અમૃતાદેવી..” તેને બોલતો અટકાવી શિવમ બોલ્યો, “હા એક રાઝ છેલ્લા એક વર્ષથી આ દિલમાં દફન છે. અમૃતાદેવી કેમ સમજી ગયા કે હું કઈંક છુપાવું છું?” કિશન બોલ્યો, “તો શિવમ તે અમૃતાદેવીને કેમ કહ્યું નહિ?” તેની વાતનો જવાબ આપતા શિવમ કહેવા લાગ્યો, “યાર અમૃતાદેવી મહિલાઓને ન્યાય અપાવવા માટે હમેશા લડતા હોય છે. તેમને કેમ કહું કે એક છોકરીની જિંદગી મારા કારણે ખરાબ થઇ ગઈ છે?”
          કિશન કહેવા લાગ્યો, “એક છોકરીની જિંદગી ખરાબ થઇ ગઈ અને એ પણ તારા કારણે? કોણ છે એ છોકરી? શું નામ છે તેનું?” શિવમે જવાબ આપતા કહ્યું, “એનું નામ બિંદુ છે. એ મારી સાથે કોલેજમાં ભણતી હતી. એ સમયે મારો એક મિત્ર હતો નયન. બિંદુ તેની બહેન હતી. તેથી કોલેજના એક ફંકશનમાં નયને બિંદુને મારી સાથે પરિચય કરાવ્યો. હું અવારનવાર નયનના ઘરે જતો. એ સમયે કોલેજ કરવાનો મારો હેતુ કોઈ ખાસ નહતો બસ ટાઈમપાસ કરવા અને કોલેજ લાઈફને એન્જોય કરવાનો હતો. તેથી હું અને નયન હમેશા સાથે રહેતા. સાથે આખું સીટી ફરતા, ફિલ્મો જોતા, પાર્ટી વગેરે. એક દિવસ નયનને કોલેજના સિનિયર્સ સાથે ઝઘડો થયો અને બધા મિત્રો મારામારી પર ઉતરી આવ્યા. હવે સ્વાભાવિક છે કે મિત્રને કોઈ મારતું હોય તો સામે વાળાને વળતો જવાબ આપવો જ પડે. મારું પણ લોહી ઉકળી ગયું હતું. અતિશય ગુસ્સો પણ હતો. એ ગુસ્સામાં મેં એક છોકરાનું માથું ફોડી નાખ્યું. બસ આ ઘટનાને કારણે પ્રિન્સિપલે અમને મહિના માટે સસ્પેન્ડ કરી નાખ્યા. નયનના ઘરે જાણ થતા તેના પપ્પાએ નયનને ઘરમાંથી બહાર જવાની નાં પાડી દીધી. પણ હતા અમે પાકા મિત્રો તો દુર રહેવાનો પ્રશ્ન જ ઉભો નહતો થતો. હું દરરોજ નયનના ઘરે જવા લાગ્યો. મારા પેરેન્ટસ ગામડે રહેતા હતા. હું અમદાવાદમાં ભાડે રહેતો હતો. તેથી ક્યારેક નયનના ઘરે જ રોકાઈ જતો. બસ આ કારણે બિંદુ અને મારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.”
           કિશન બોલ્યો, “એટલે બિંદુ તને પહેલેથી જ લાઈક કરતી હતી?” શિવમે જવાબ આપતા કહ્યું, “ના પહેલેથી લાઈક નહતી કરતી. સસ્પેન્ડ થયાના તેર દિવસ પછી જયારે હું નયનના ઘરે ગયો તો જાણ થઇ કે તે તેના દાદા દાદી સાથે કાશી ગયો છે. નયનને કોલ કરી તેના ખબર અંતર જાણતો હતો કે તેણે એક કામ મને સોંપી દીધું.” કિશને પૂછ્યુ, “કેવું કામ?” શિવમે કહ્યું, “બિંદુ હમેશા નયન સાથે કોલેજ જતી હતી. તેથી નયન ચાહતો હતો કે હું બિંદુને દરરોજ તે કાશીથી ન આવે ત્યાં સુધી ડ્રોપ કરું અને લઇ આવું. કારણ કે કોલેજ બહુ દુર હતી અને બિંદુ એકલી ટ્રાવેલિંગ કરે એ તેના ઘરનાને મંજુર નહતું. નયને તેના પેરેન્ટસ પાસે મંજુરી માંગી. એ લોકોની નજરમાં મારી ઈમેજ સારી હતી. તેથી તેઓ માની ગયા. મને પહેલેથી જ બિંદુ પ્રત્યે પ્રેમની લાગણી નહતી. પણ બિંદુ ઓપન માઈન્ડ ટાઈપની છોકરી હતી. જયારે એ મારી સાથે ફરતી ત્યારે મને ક્યારેય લાગ્યું જ નહિ કે મારી સાથે કોઈ છોકરી ફરે છે. તે મારી ખુબ મશ્કરી કરતી અને મારી સાથે ખુબ વાતો કરતી. જયારે તેના ઘરે જતો અને તે ફ્રી હોય તો મારા માટે કઈંકને કઈંક વાનગી બનાવતી. તેને રસોઈનો ખુબ શોખ હતો. તેની સાથે હોવ ત્યારે મને ઘણું સારું લાગતું. ધીમે ધીમે હું પણ બિંદુને પસંદ કરવા લાગ્યો હતો. નયનના આવ્યા પછી પણ બિંદુ મારી સાથે સમય પસાર કરે એ માટે હું કોઈકને કોઈક રસ્તો તો કાઢી જ લેતો. જાણે મને તેની આદત થઈ ગઈ હતી. તેનાં પ્રત્યે એક અલગ જ લાગણી અનુભવતો હતો. એનું નામ જ કદાચ પ્રેમ હશે. હું તેને પ્રેમ કરતો હતો પણ હમેશા એક વાત મને બહુ સતાવતી કે તે નયનની સગી બહેન છે. મારા પાકા મિત્રની બહેન. ડર લાગતો હતો કે નયનને ખબર પડશે તો અમારી દોસ્તી તૂટી જશે.” કિશને પૂછ્યું, “એટલે તે દોસ્તી ન તૂટે તે માટે બિંદુ પ્રત્યેની લાગણીઓને સ્ટોપ કરી નાખી અને આઈપીએસની તૈયારીમાં લાગી ગયો એમજ ને? તો જ ભૂરા તુ અત્યારે આઈપીએસ બન્યો હોય.” શિવમ કહેવા લાગ્યો, “ના એવું કંઈપણ નથી.”
          કિશન બોલ્યો, “તો પછી તે તારી લાગણીને આગળ વધારી એમજ ને?” શિવમ બોલ્યો, “હા એક દિવસ નયનના રીલેટીવના ઘરે લગ્ન હતા. નયન મને તેની સાથે ત્યાં લઇ ગયો હતો. બધા લગ્નમાં બીઝી હતા ત્યારે તક જોતા મેં બિંદુને મારા દિલની વાત કહી દીધી. બિંદુ પણ મને લાઈક કરતી હશે. તેણે મને સ્વીકારી લીધો. એ દિવસથી હું બહાના બનાવતા શીખી ગયો હતો. નયન સાથે પણ ખોટું બોલવા લાગ્યો હતો. જયારે માણસને પ્રેમ થાય છે ને. ત્યારે પ્રેમિકા સિવાય બધા જ પારકા થઇ જાય છે. એ મને બિંદુ સાથે રહેતા સમજાયું. છેવટે હું નયનથી આ વાત છુપાવી ન શક્યો. મેં નયનને બધી જ વાત કહી દીધી અને સાથે એ પણ જણાવ્યું કે હું તેની બહેન સાથે ટાઈમપાસ નથી કરતો પણ તેની સાથે લગ્ન કરી લાઈફમાં સેટ થવા માંગું છું. તેણે થોડો ગુસ્સો વ્યક્ત કર્યો પણ છેવટે તો હું તેનો જીગરી હતો. તેણે મને કહ્યું કે હું તેના પપ્પા સાથે બિંદુ સાથે લગ્ન કરવાની વાત કરું. તેના સૂચન મુજબ મેં બિંદુના પપ્પા સાથે વાત કરી તો તેમણે સામે શરત મૂકી કે મારે બિંદુ સાથે લગ્ન કરવા હોય તો કોઈ સારી સરકારી નોકરી લેવી પડશે. હું બિંદુને છોડવા નહતો માંગતો. તેથી મેં તેમની પાસે બે વર્ષનો સમય માંગ્યો. તેમણે મારી વાત મંજુર રાખી. એ દિવસ પછી મેં બધા મોજશોખ છોડી માત્ર આઈપીએસની તૈયારી લાગી ગયો. એટલો ગંભીર થઇ ગયો હતો કે બિંદુ સાથે પણ વાત કરવાનું છોડી દીધું હતું. આખરે મારી આઇપીએસની એક્ઝામ મેં કમ્પ્લીટ કરી. માત્ર રીઝલ્ટ આવવાની રાહ હતી. નયનને મળ્યો તો ખબર પડી કે થોડા દિવસમાં બિંદુના લગ્ન છે. તેના પપ્પાના મિત્રનો દીકરો ડોક્ટર હતો. બિંદુ તેની સાથે લગ્ન કરી રહી હતી. એ જાણીને મને શોક લાગ્યો. થોડીવાર માટે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. વધારે દુખ ત્યારે થયું જયારે મને ખબર પડી કે એ નિર્ણય બિંદુના પપ્પાનો નહિ પણ બિંદુનો હતો. એ સમયે હું ચુપ રહ્યો. પણ તેના લગ્નના બે દિવસ પહેલા મેં તેના થનાર પતિ વિનયને મારા અને બિંદુના સાથે લીધેલા ફોટાઓ અમારા મેસેજ વગેરે મોકલી દીધું. એ સમયે હું એટલો ગુસ્સામાં હતો કે સાચા ખોટાનું પણ ન વિચાર્યું. મારી એ હરકતને કારણે બિંદુના લગ્ન તૂટી ગયા. વિનયે બિંદુના ઘરે જઈને કહ્યું કે છોકરીને કોઈ કામ નહિ આવડતું હોય તોપણ ચાલશે પણ છોકરી ચરિત્રશીલ અને સંસ્કારી હોવી જોઈ. એ દિવસથી મારી અને નયનની દોસ્તી હમેશા માટે તૂટી ગઈ. મારા લીધે બિંદુની લાઈફ બરબાદ થઈ ગઈ. તેના પપ્પનો વર્ષો જુનો મિત્ર પણ ચાલ્યો ગયો. હવે તુ જ મને જણાવ કે આ વાત હું અમૃતાદેવીને કહું તો તે મારી મદદ કરે ખરા?”
          કિશન કહેવા લાગ્યો, “આમાં તારો વાંક હતો જ. તારે બિંદુ સાથે એક વખત વાત તો કરવી હતી. તને કારણ તો જાણવા મળત કે તેણે તારી સાથે લગ્ન કરવાનું માંડી કેમ વાળ્યું? ઓકે એ બધું થઇ ગયું. મારું માન તો તારે આ પણ અમૃતાદેવીને જણાવવું જોઈએ. એ તારી મદદ કરશે. એવું મને લાગે છે.” શિવમે કહ્યું, “પણ આ વાતને કેસ સાથે શું લેવા દેવા?” કિશને કહ્યું, “એક વખત જણાવી તો જો. કદાચ આ વાતથી થોડી મદદ મળે.” શિવમે તેની વાત માન્ય રાખી અને બંને મિત્રો અમૃતાદેવીને ઘરે ગયા અને શિવમે અમૃતાદેવી પાસે ખોટું બોલવા બદલ માફી માંગી અને બધી જ વાત જણાવી દીધી. અમૃતાદેવીએ શિવમની વાત સાંભળી કહ્યું, “મને સારું લાગ્યું કે તે તારી ભૂલ કબુલ કરી લીધી. હવે હું મારું કામ કરી શકીશ. તો હવે સીધા કોર્ટમાં મળીએ.”
          થોડા દિવસો વીત્યા. કોર્ટમાં ચુકાદાનો દિવસ હતો. શિવમ અને તેનો મિત્ર કોર્ટ પહોંચી ગયા. તે અમૃતાદેવીને મળ્યા. શિવમ કહેવા લાગ્યો, “મેમ મારી ખાકીની લાજ તમારા હાથમાં છે. પ્લીઝ એ જવા ન દેતા.” અમૃતાદેવી બોલ્યા, “શિવમ હું તારા પર દાગ નહિ લાગવા દવ. તુ બસ ધીરજ રાખ.” કોર્ટમાં કેસ શરૂ થયો. સામેના સરકારી વકીલે શિવમના ઘરમાંથી પકડેલું સોનું રજુ કર્યું. ન્યાયાધીશ પણ શિવમને અપરાધી જાહેર કરતા બોલ્યા, “અમૃતાદેવીજી આપ આપના ક્લાઈંટના બચાવમાં કઈ બોલવા માંગો છો?” અમૃતાદેવી બોલ્યા, “હા જજસાહેબ. કેસ સોલ્વ જ છે.” જજ બોલ્યા, “જે કહેવા માંગતા હો એ સ્પષ્ટ કહો.” અમૃતાદેવી બોલ્યા, “ડૉ. વિનયે પોતાની અંગત દુશ્મનીને કારણે આઈપીએસ શિવમને ફસાવ્યા છે. આઈપીએસ શિવમ નિર્દોષ છે અને તે પોતાની ડ્યુટી ઈમાનદારીથી નિભાવે છે. આ સીડી તેનું સબુત છે.” અમૃતાદેવીએ સીડી મોકલી. સીડીમાં ડૉ. વિનય કોઈ વ્યક્તિ સાથે શિવમના ઘરમાં રેડ પાડવાની વાત કરી રહ્યા હતા. જેવું શિવમ સાથે થયું હતું એવી જ યોજના ડૉ. વિનય કોઈ વ્યક્તિને જણાવી રહ્યા હતા. સીડી જોઈ જજે શિવમને નિર્દોષ જાહેર કર્યો. ડૉ. વિનય અને તેનો સાથ આપનાર ઇન્ક્મ્ટેક્ષ અધિકરીને જેલ થઇ. પોલીસે ઇન્કમટેક્ષ અધિકારી દ્વારા શિવમની તિજોરીમાં સોનું છુપાવનારને પણ પકડી પાડ્યો. એ વ્યક્તિ ચાવીઓ બનાવવામાં માહિર હતો. આખરે અમૃતાદેવીને કારણે શિવમને આઇપીએસની જોબ પાછી મળી.
          કેસ જીત્યા પછી શિવમ અમૃતાદેવીના ઘરે જઈ સત્ય કેવી રીતે સામે આવ્યું તે પૂછવા લાગ્યો. અમૃતાદેવીએ જવાબ આપતા જણાવ્યું, “તે જયારે બિંદુની વાત કહી ત્યારે હું બિંદુને ઓળખી ગઈ હતી. હું બિંદુને રૂબરૂ મળી અને તારી વાત જણાવી. શરૂમાં તે ખુશ થઇ કે તને સસ્પેન્ડ કરી નાખ્યો છે. પણ પછી તે રડવા લાગી અને કહેવા લાગી કે તેણે તને એટલે છોડ્યો હતો કે તે એમ માનતી હતી કે તારી જેવો છોકરો આઈપીએસ બની જ નહિ શકે. તમારા બંનેના લગ્ન થઇ શકે તેવા ચાન્સ બહુ ઓછા હતા. તુ એની સાથે વાત નહતો કરતો તેને એ વાતનો ગુસ્સો હતો. જયારે વિનયે તેને પ્રપોઝ કરી ત્યારે તારી પ્રત્યેના ગુસ્સાને કારણે તે તેની સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઈ. જે દિવસથી વિનયે તારા મોકલેલા ફોટા અને મેસેજ જોયા ત્યારથી તે તારી સાથે બદલો લેવા માંગતો હતો. વિનય તેના પપ્પાના નિર્ણયને કારણે બિંદુને પોતાની પત્ની ન બનાવી શક્યો કારણ કે એ ફોટા વિનયના ફોનમાં નહી પણ તેના પપ્પાના ફોનમાં આવ્યા હતા. વિનયને એમ થયું કે તારા કારણે તેણે બિંદુને ગુમાવી છે ત્યારે તેણે બિંદુને પોતાની યોજના કહી હતી. એ સમયે બિંદુએ તે લોકોનો વિડીઓ ઉતારી લીધો હતો. કારણ કે બિંદુને ડર હતો કે જો વિનયનો પ્લેન નિષ્ફળ ગયો તો તેને પણ જેલ જવું પડશે. જયારે મેં કહ્યું કે તને જેલ થવાની છે તો તે તને બચાવવા તૈયાર થઇ ગઈ. તે કહેવા લાગી કે વિનય કહેતો હતો કે શિવમની માત્ર નોકરી જ જશે. તેથી તે આ માટે માની ગઈ હતી. મેં તેને ખાતરી આપી કે તને આ કેસમાં ઇન્વોલ્વ નહી કરું. બસ આમ તેણે મને સીડી આપી દીધી. મેં તારી મદદ એટલે કરી કારણ કે તને તારા કર્યા પર પસ્તાવો હતો. ઉપરાંત તારી ઈમાનદારી દાવ પર હતી. તારી ઈમાનદારીને ધ્યાનમાં લઇ તારી મદદ કરી છે.” શિવમે આભાર માનતા કહ્યું, “મેમ આજ જો તમે ન હોત તો હું સમાજમાં ગર્વથી જીવી ન શક્યો હોત. તમારો આ ઉપકાર હું કદી નહિ ભૂલું.”
          અમૃતાદેવી બોલ્યા, “એમાં ઉપકાર જેવું કઈ નથી. હું બસ મારા કામ પ્રત્યે વફાદાર રહી છુ અને બધાને રહેવું જ જોઈએ. એન્ડ આઈ થીંક બિંદુ હજી તને પ્રેમ કરે છે. મને લાગે છે કે તારે તેની સાથે લગ્ન કરી લાઈફમાં સેટ થઇ જવાની જરૂર છે. તમારો સંબંધ તુટ્યો એમાં બંનેનો વાંક હતો. એમાં બિંદુનો વાંક એ હતો કે તેણે ગુસ્સામાં નિર્ણય લીધા. તારો વાંક એ હતો કે તુ એ સમયે બિંદુને જીતવા માટે એટલો બીઝી થઈ ગયો કે તેની સાથે વાત કરવાનું જ છોડીં દીધું. બિંદુએ મારી સાથે વાત કરતી વખતે એક વાત એવી કીધી જે તારે સમજવાની વધારે જરૂર હતી. તેણે કહ્યું કે સ્ત્રી કોઈ વસ્તુ નથી કે તેને જીતવા શરતો પૂરી કરવી. શરતો જરૂરી છે પણ લાગણીથી વધારે મહત્વની નથી. જે થયું એ ભૂલી જાવ અને એક નવા જીવનની શરૂઆત કરો. તું માફી માંગી લઈશ તો તેના ઘરના પણ તને સ્વીકારી લેશે. જા બિંદુ પાસે. મદદની જરૂર પડે તો આવજે.” શિવમે ખુશ થઇ ત્યાંથી રજા લીધી.