Angel ! - 4 books and stories free download online pdf in Gujarati

એંજલ ! - 4

મનાલીની આંખમાં નવાઈ અને હરખ બંને હતા. ‘પણ શશાંક..? મળવા માટે એ ‘હા’ કહેશે ??’ બીજી જ ક્ષણે ઉઠેલો આ પ્રશ્ન એનો બધો હરખ હવામાં ઓગાળતો ગયો. શશાંકને મળવા માટે સંમત કરવો – એ હવે સૌથી કપરું કામ હતું. એનું દિમાગ વિચારોમાં ડૂબેલું હતું.

“મળાવીશ ને ??” કિનારે અધીરાઈથી પુછ્યું.

મનાલીના હોઠ કાંઈકેટલું કહેવા આતુર થઈ રહ્યા હતા પણ અસમંજસમાં એમ ને એમ ભીડાયેલા રહ્યાં. શશાંક એને મળવા રાજી નહિ થાય એ વાત અત્યારે કહેવી યોગ્ય હતી કે કેમ એ મૂંઝવણમાં પોતે સરકતી જતી હતી.

“નેક્સ્ટ ફ્રાઈડે. મુરલીધર પાર્ટી પ્લોટ. સાંજે શાર્પ 7 વાગ્યે. પ્રણયને પણ સાથે લઈ આવજે. તમે આવશો એ મને ગમશે. તમારી રાહ જોઈશ. બાય.” મનાલીના મૌનને ‘હા’ સમજી એ મળવા માટેનો સમય અને સ્થળ જણાવી ચાલતી થઈ.

“પ્લીઝ…” જતાં જતાં એ પાછળ ફરી, “એને લઈ આવજે, હોં...”

મનાલીના હોઠ મલકવાની સ્થિતિમાં પણ નહોતા. પરાણે એણે ફિક્કું સ્મિત વિખેર્યુ. આગળ ઉપર શું થશે, શશાંકને કેમ મનાવવો, પ્રણય ને કઈ રીતે કહેવું... કશી જ ગતાગમ નહોતી પડતી. દિમાગમાં ઉઠેલા સવાલોના કાફલા સાથે એણે ઘર તરફ ડગ માંડ્યા.


***


“થેંક્સ મની !” પાસે બેઠેલી મનાલીને પ્રણયે પોતાની નજીક ખેંચી, “આજે મજા પડી ગઈ, જમવામાં ! મારો ફેવરિટ ભરેલો ભીંડો ! વાહ !” મનાલીના ખોળામાં પ્રણયે માથું મૂક્યું.

“અરે પાગલ, એમાં થેંક્સ કહેવાનું હોય ? તારું ફેવરિટ બનાવવું એ જ તો મારુ ફેવરિટ કામ છે !” એનાં વાળમાં હાથ ફેરવતા મનાલી હસી.

“સો સ્વીટ...!” એણે મનાલીના ગાલે હાથ ફેરવ્યો.

“પિયા !”

“હા મની, બોલ ને !”

“તને ખબર, મને આજે કિનાર મળી’તી. સિલ્વર મોલમાં.” એણે કહેવાનું શરૂ કર્યું, “એ છે ને શશાંકને મળવા માંગે છે. કદાચ એની ભૂલ હવે સમજાઈ છે એવું લાગે છે.”

“હં...” પ્રણય મનાલીના ખોળામાંથી બેઠો થઈ ગયો, “અઢીત્રણ વરસે કિનારને શશાંક યાદ આવ્યો છે. ચલ, એ વાત જવા દઈએ તો પણ તુંય જાણે જ છે કે આપણે કેટલી કોશીશો કરી છે. એટલી કોશીશો કે હમણાં બે અઠવાડીયા પહેલાં આ જ મુદ્દા પર મેં એને સમજાવ્યો’તો. એ ખીજાયો, ગુસ્સે થયો. પાંચ દિવસ સુધી વાત ન કરી. પણ પછી એણે જ ફોન કર્યો, સામેથી. હવે તો એણે જ મને પ્રોમિસ લેવડાવી છે કે આ મુદ્દે વાત ન કરવી. સંબંધના તાંતણા પરાણે બાંધવા જાઓ તો તૂટી જાય છે. આપણે એણે ફોર્સ કરીશું તો એ રિસાઈ જશે પણ મની, એને આપણી જરૂર છે...”

“ત્યાં રાહ જોતી બેઠી છે એનું શું ? એનો શો વાંક પ્રણય ?” મનાલીના શબ્દોમાં આછી વેદના હતી, “એ જ કે માફી માંગવા એણે પહેલાં ડગલું ભર્યું ? એ જ કે એણે આજ સુધી શશાંકને એની યાદોમાં જીવતો રાખ્યો ? એ જ...?”

“પણ શશાંક વગર ક્યાં ચહેરે કિનાર પાસે જશું ?” મનાલીને સમજાવતાં એણે કહ્યું, “તું સમજ મની. આપણે શશીને લીધાં વગર જશું તો હર્ટ થશે.”

“અને જો સાવ નહીં જઈએ તો કદાચ એ વધુ હર્ટ થશે.” મનાલીએ પ્રણયના ગાલે હાથ મુક્તા કહ્યું, “મુરલીધર પાર્ટી પ્લોટમાં એ શું રાહ જ જોતી રહેશે..? ને રાહ જોયા પછી જ્યારે એ કોઈને નહીં જુએ ત્યારે એ અંદરથી તૂટી જશે. એણે સંભાળવી મુશ્કેલ થઈ પડે એ કરતાં એણે મળીને જે છે એ જણાવી દેવું વધુ યોગ્ય છે. શશાંક અને કિનાર, આ બેઉને આપણી જરૂર છે, પ્રણય. આપણે બંનેને મળાવાની કોશીશો ન કરીએ પણ એટ લિસ્ટ સાથે તો રહી શકીએ. ધે નીડ્સ અસ. સાચે. મારુ માન.”

“ઓકે. પણ પાર્ટી પ્લોટ..? એણે આપણને પાર્ટી પ્લોટમાં મળવા બોલાવ્યા છે ??” પ્રણયને કશું અજુગતું લાગ્યું.

“હાસ્તો. મુરલીધર પાર્ટી પ્લોટમાં.”

“એક જ મિનિટ. નેક્સ્ટ ફ્રાઈડેએ કઈ ડેટ આવે છે ...?” પ્રણય પાસે પડેલા ફોનમાં કેલેન્ડર તપાસી રહ્યો હતો.

“સિક્સ્થ જૂન. ઓહ શીટ !” એનાં હોઠમાંથી શબ્દો ને હાથમાંથી મોબાઈલ સરી પડ્યો.

“શું થયું ?? શું છે સિક્સ્થ જૂને ??” મનાલીના પેટમાં ફાળ પડી.

“બર્થ ડે ! કિનારનો બર્થ ડે છે સિક્સ્થ જૂને ! કેટલી આશાઓ, કેટલી ખુશીઓના ઇંતેજારમાં એ ખોવાયેલી હશે કે શશાંક આવશે ને એને સ્વીકારશે, બંને એક નવી શરૂઆત કરશે ને એ જ દિવસે, એ જ દિવસે જ્યારે શશાંક નહિ આવે, એવું કશું જ નહીં થાય તો તો...!!” પ્રણયના હોઠે જાણે શબ્દો સુકાઈ ગયાં.

“ઓહ ગોડ !!” મનાલીની આંખો ફાટેલી જ રહી ગઈ !!


***


“મેં તો એણે કહી દીધું કે આવવું જ પડશે...” વ્યવસ્થિત તેલ નાખીને ઓળવેલું માથું, ચળકતું કપાળ, સુટેડ બુટેડ પ્રૌઢ વયનો વ્યક્તિ અને એ માણસની સાથે કમરમાં ટાંગેલી બંદૂક, જોશીલો ચહેરો અને મુછે તાવ દેતો એનો જમાદાર જેવો લાગતો એનો જોડીદાર બંને વાતો કરતાં કરતાં બેન્ક મેનેજરની કેબિનમાં પ્રવેશ્યા.

“ઓહો...” બેન્ક મેનેજરે ઊભા થઈ, અહોભાવથી બંનેને સસ્મિત આવકાર્યા, “આજ ત્રિલોકચંદ શેઠ તમે ?? આવો, આવો, પ્લીઝ બેસો. ભાગ્ય ઊઘડી ગયાં આજ તો !”

“આવવું પડે ભાઈ, અમારેય આવવું પડે !” ત્રિલોકચંદ શેઠે આવવાનું કારણ સ્પષ્ટ કર્યું, “આ લોનના પેપર્સ પર રૂબરૂ સિગ્નેચર કરવી પડે એટ્લે આવવું જ પડે ને ! એમાં પાછો ચૌહાણ રસ્તામાં મળી ગયો. એનેય બેન્કે આવવું’તું. મે કીધું ચાલ, એકસાથે કામ પતે.”

શેઠની વાતોમાં મલકીને માથું હલાવતા હલાવતા મેનેજરે પ્યૂનને ફોન કરી બે કોલ્ડડ્રિંક્સ લાવવાની સૂચના આપી દીધી. ને તરત લોન ઓફિસરને ફોન જોડ્યો, “ઝવેરીભાઇ, જરા આવજો ને, ત્રિલોક્ચંદ શેઠની ફાઇલ લઈને...”

પ્યૂન આવીને કોલ્ડ ડ્રિંક્સ મૂકી ગયો. એટલામાં જ દરવાજો ઉઘડ્યો ને હાથમાં લોન પેપર્સની ફાઇલ સાથે ઝવેરીભાઈ દાખલ થયા. સિગ્નેચર કરવા માટેના કાગળ ફાઇલમાથી કાઢી ટેબલ પર મૂક્યા.

“કમલેશભાઈ, આ સાહેબ નવા લાગે છે. અહિયાં કદાચ મિશ્રાજી હતા, નહીં ??” લોન ઓફિસરનો અજાણ્યો ચહેરો જોઈ ત્રિલોકચંદ શેઠ તરત બોલી ઉઠ્યા.

“હા ત્રિલોકભાઈ, મિશ્રાજીની ટ્રાન્સફર મેઈન બ્રાંચમાં થઈ ગઈ ને એમની જગ્યાએ આ નવા ભાઈ આવ્યા છે, પહેલાં ગાંધી હોસ્પિટલવાળી બ્રાંચમાં હતાં. શશાંક ઝવેરી નામ છે એમનું.” મેનેજરે સઘળી માહિતી આપી દીધી. પણ સાથે આવેલાં ઈન્સ્પેકટર ચૌહાણ લોન ઓફિસરના ચહેરા સામે તાકી રહ્યા હતા. જાણે એમણે ક્યાંક આ ચહેરો જોયો હોય !

“લો, થઈ ગઈ...” હાથમાં રહેલી પેન બંધ કરતાં શેઠ મીઠું મલક્યા, “જરા જોઈ લેજો બાકી નથી ને ક્યાંય.”

શશાંક પેપરની સહી તપાસી રહ્યો હતો ત્યાં અચાનક જ ચૌહાણને ઝબકારો થયો, “એક્સક્યુઝ મી...”

શશાંકે ઈન્સ્પેકટર સામે જોયું. ત્રિલોકચંદ ને મેનેજરનું પણ એ તરફ ધ્યાન ગયું. થોડીવાર ઈન્સ્પેકટર તાકી રહ્યા.

“મને કેમ એવું લાગે છે કે આપણે કયાંક મળ્યા છીએ...” શશાંક સામે જોઈ એ મનોમન બબડ્યા.

“એક મિનિટ, આજથી સાત આઠ મહિના પહેલાં કોઈને તમે એક્સિડંટમાં બચાવ્યા હતા?” ચૌહાણ ધીરે ધીરે અનુમાનથી હકીકત તરફ આગળ જઈ રહયો હતો.

“ના. મેં કોઈને એ રીતે બચાવ્યા હોય એવું કશું યાદ નથી..” શશાંકને પેટમાં ફાળ પડી. એ ગલ્લાતલ્લાં કરવા માંડ્યો. એને એ વાત ખૂલી નહોતી પાડવી કે ત્રિલોકચંદ શેઠને પોતે જ હોસ્પિટલ પહોચાડયા હતા !

“જૂઠું ન બોલો.” ચૌહાણનો અવાજ ઊંચો થઈ ગયો, “ત્રિલોક શેઠ, હું ગેરેંટી સાથે કહી શકું કે આ એ જ વ્યક્તિ છે જેણે તમને બચાવ્યા હતા પેલા રોડ એક્સિડંટમાં.”

શશાંક હેબતાઈ ગયો ! એની અસલિયત અચાનક ખૂલી ગઈ ને એ પણ કિનારના પપ્પાની જ સામે ! ‘આ ઈન્સ્પેકટર પણ જબરો નીકળ્યો હોં !!’ શશાંક મનોમન બોલ્યો. “ભાઈ...” ત્રિલોકચંદ શેઠ સ્નેહાળ સ્વરે હાથ જોડીને બોલ્યા, “મને તે બચાવ્યો’તો...? જે હોય એ સાચું કહી દે ભાઈ. હું કેટલાય સમયથી એ માણસને શોધું છું. બાકી ચૌહાણ ઊંચા અવાજે બોલે એમાં ખોટું ન લગાડતા હોં... ”

શશાંક ગળગળો થઈ ગયો. એણે શેઠના હાથ પકડી લીધા. એની આંખો ભીની થઈ ગઈ. ભીની આંખોએ એણે હકારમાં ડોકું હલાવ્યું. ને શેઠ રાજીના રેડ થઈ ગયાં. મેનેજરની આંખો પણ હસવા લાગી.

“એક ઇન્સપેક્ટરની યાદશક્તિ પર ક્યારેય શક ન કરવો. ત્રિલોકભાઈ, મળો આ એન્જલને...” મૂછો પર તાવ દેતા એ ગર્વભેર બોલ્યા.

“ભાઈ, તારો આભાર ક્યાં શબ્દોમાં કરું એ જ નથી સમજાતું. પણ આ શેઠ એટલો કૃતઘ્ની પણ નથી. આ શુક્રવારે મારી દીકરીનો જન્મદિવસ છે. સોનેરી અવસર છે. અને તમે આવો એવો મારો આગ્રહ છે. ‘ના’ ન પાડતાં પ્લીઝ. તમે આવો એ મને ગમશે. આવશો ને..?” શેઠે ભાવભીનું આમંત્રણ આપ્યું.

“...” કશું બોલ્યા વગર એ મૌન રહ્યો.

“હું તમારી રાહ જોઈશ. ને હા, તમારેય આવવાનું છે હોં, કમલેશભાઈ. ચાલો હું હવે નિકળું...” ને ત્રિલોકચંદ શેઠ મેનેજરને પણ આમંત્રણ આપી ઈ.ચૌહાણ સાથે વિદાય થયા.


***


એરકંડિશનર ફુલ હતું તોય શશાંકના કપાળે પરસેવાની બૂંદો જામેલી હતી. બેન્ક પૂરી થવાને દસ મિનિટ જ બાકી હતી. ટેબલ પર ફિફ્થ જુનની મુંબઈની ટિકિટ પડી હતી.

પાંચ, છ અને સાત જૂન સુધી એ ખુદ શહેરની અને આખી ઘટનાથી દૂર રહેવા ઇચ્છતો હતો. પણ હવે શેઠ પાસે પોતે જ એમને બચાવ્યા છે એ વાત ખૂલી ગઈ. કિનારને પણ અત્યાર સુધીમાં ખબર પડી ગઈ હશે. પ્રણય ને મનાલીને કીધા વગર મુંબઈ જઈશ તો એ લોકો પણ ચિંતા કરશે. શું કરું..? જો જઈશ તો ફરી એ કહાની શરૂ થશે. શું ફરી એ જ થશે ? ના, યાદ નથી કેવી મજાક ઉડાવી હતી તારી લાગણીઓની ?? ભૂલી ગયો ? ક્યાય જવાની જરૂર નથી. ના, શશાંક તું ન જઈ શકે. તું નહિ જાય. એનું દિમાગ એના પર જોર કરી રહ્યું હતું ને હ્રદય આ જ અવઢવમાં ડૂબેલું હતું.

માથામાં સખત દુખાવો થઈ રહ્યો હતો. માથું દબાવી એ થોડીવાર એમ જ બેઠો રહ્યો. પછી અચાનક જ ઊભો થયો. ટેબલ પર પડેલી બોમ્બે ફ્લાઈટની ટિકિટ હાથમાં લીધી. બેગ ઉપાડ્યું. ને એક મક્કમ નિર્ધાર સાથે દરવાજા તરફ ડગ માંડ્યા.


***


કાંડા પર હીરાજડેલી નકશીદાર ઘડિયાળમાં કિનારે જોયું. હજુ પોણા સાત થયા હતા. ઓફફો ! હજુ પંદર મિનિટ !

સોનેરી રંગના ડિઝાઇનર ડ્રેસમાં સુંદર પરી જેવી લાગતી કિનાર આજે એના સપનાંના રાજકુમારની આતુરતાથી રાહ જોઈ રહી હતી. રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરેલા દરવાજા પર એ જાણે કે આંખો બિછાવીને ઊભી હતી ! ત્રિલોકચંદ શેઠને પણ જાણવાની ઇચ્છા હતી કે એવો ક્યો મહેમાન છે જેની કિનાર આટલી રાહ જોઈ રહી છે ? એટલે એ પણ મહેમાનો સાથે વાત કરતાં કરતાં થોડી થોડી વારે કિનાર તરફ નજર કરી લેતા હતા.

અચાનક જ મોટા ફુગ્ગાઓથી અને મોટી બર્થડે કેકથી સજાવેલા સ્ટેજ પર ઊભેલી કિનારની નજર મુખ્ય દરવાજામાંથી આવી રહેલા મહેમાનોમાં પ્રણય અને મનાલી પર પડી. કિનારે એમની સામે એકીટશે જોયા કર્યું. બંને જાણે નજર બચાવીને કોઈ ખૂણામાં જતાં હોય એવું એને લાગ્યું. જાણે એમણે કિનારને જોઈ જ ન હોય ! તરત કિનારે એમની આસપાસ ચહેરાઓ શોધવાનું શરૂ કર્યું. જેને નજર શોધતી હતી એ ચહેરો ન જ દેખાયો. એ વ્યાકુળ થઈ ઉઠી.

સ્ટેજ પરથી એ ઝડપથી ઉતરીને પ્રણય તરફ દોડી. દોડતી દોડતી બંને પાસે જઈને ઊભી રહી. પાર્ટીમાં હાજર સૌનું ધ્યાન તેમના તરફ ખેચાયું.

કિનારે પ્રણયની આંખોમાં જોયું. ને કશું બોલ્યા વગર જ એણે ઘણાં સવાલો કરી દીધાં. પ્રણય નીચુ જોઈ ગયો. એની પાસે કોઈ જવાબ નહોતો.

'બંને એ કેટલો સમજાવ્યો પણ એ મુંબઈ ગયો તે ગયો જ...!' પ્રણય મનોમન બબડી રહ્યો. 

“સૉરી કિનાર..." મૌન ઉભેલી મનાલીએ ધીમા સ્વરે એટલું જકહ્યું, “પ્લીઝ. સમજવાની કોશિશ કર. વી આર રિયલી સૉરી !"

ના, ના, આવું ન થઈ શકે ! મને માફીના બદલામાં આવી સજા ! ના ભગવાન ના ! એનાં હ્રદયમાંથી મૂંગો ચિત્કાર ઉઠ્યો. આજ એનો ઇંતેજાર આવી રીતે તૂટ્યો હતો. જે સપનાઓ એણે સજાવ્યા હતા એ બધુ જ સાવ આમ !!? કેટલી હદે એ ઘવાયો હશે કે આજે એક વખત મને મળવા પણ ન આવ્યો ?! એક વખત સૉરી કહેવાનો મોકો પણ ન આપ્યો ?! કે પછી આટલું અભિમાન ??! એ નહોતો ચાહતો મને !? એવું ન બને !

કિનારની આંખોમાંથી આંસુઓ વહી રહ્યા હતા. ત્રિલોક્ચન્દને ધીમે ધીમે સમજાઈ રહ્યું હતું. ત્યાં ઉભેલા સૌ શું બની રહ્યું છે એનો ક્યાસ કાઢવા મથી રહ્યા હતા.

ભીની આંખે કિનારે એનાં પપ્પા તરફ દોટ મૂકી. પણ દોડતા દોડતા અચાનક જ લોકોની ભીડમાંથી લંબાયેલા એક હાથે એને દોડતી રોકી. એ હાથે એને જકડી રાખી. કિનારે તરત નવાઈથી પાછળ ફરીને જોયું. એ ચોંકી ઉઠી. બે ઘડી એને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો બેસતો.

“શ...શ...શશાંક..!” આનંદ અને આશ્ચર્ય મિશ્રિત સ્વરે એ એટલું જ બોલી શકી.

“કિનાર ઇંતેજાર કરે ને શશાંક ન આવે એવું બને ??!” શશાંકે એનો હાથ ધીમેથી પોતાના હાથમાં લઈ, મલકતા હોઠે કહ્યું.

“પણ તો…? ઓહ શશાંક...!” કહેતાં જ એ શશાંકને ભેટીને રડવા લાગી. શશાંકે એના વાળમાં હાથ ફેરવ્યો. ત્યાં સુધીમાં તો ત્રિલોકચંદ પણ ત્યાં આવી પહોચ્યા.

“કિનાર, બેટા મને એ નથી સમજતું કે શું મને એક્સિડંટમાં બચાવનાર ને જે સ્પેશ્યલ ગેસ્ટની રાહ તું જોઈ રહી હતી એ બંને એક જ છે??” ત્રિલોકચંદ શેઠે હળવી મજાક કરી. કિનારે લજ્જાભર્યું સ્મિત વેર્યુ.

“હા, ત્રિલોકભાઈ. પણ આ વાતની ખબર મનેય નહોતી પડવા દીધી હોં.” ઈન્સ્પેકટર ચૌહાણ પણ ત્યાં જ હતા. કિનાર હજુ શશાંકને વીંટળાયેલી હતી. ત્યાં જ પાછળથી પ્રણયે ધબ્બો માર્યો, “સા...લ્લા. તારાથી અમારી સાથે નહોતું અવાતું !? કિનાર અમને તો એવું જ કહે કે તમે જ શશાંકને ન લઈ આવ્યા એમ ને ?! હેં ??”

“અરે ના...ના...” શશાંકે કિનાર સામે જોઈને કહ્યું, “હું અહિયાં આવવાનો જ નહોતો. પણ મને થયું કે જો કદાચ આજે ન ગયો તો કદાચ...”

કિનારે શશાંકના હોઠે હાથ મૂકી દીધો. જાણે હવે કશું જૂનું કિનારને યાદ જ નહોતું કરવું !

શશાંકે કિનારની આંખોમાં જોઈ કહ્યું, “હેપી બર્થ ડે !!”

“થેંક્સ !” શશાંકના ખભે માથું મૂકી, પાંપણો ઝુકાવી કિનાર બોલી. ને પરિસ્થિતિને પામી ગયેલા ત્યાં ઉભેલા મહેમાનોએ આ દ્રશ્ય, આ અવસરને તાળીઓથી વધાવી લીધો.


(સમાપ્ત)