Murder at riverfront - 14 books and stories free download online pdf in Gujarati

મર્ડર @ રિવરફ્રન્ટ - 14

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:14

(અત્યાર સુધી આ નોવેલ તરફ તમે જે પ્રકારનો પ્રેમ આપ્યો એ બદલ આપ સૌ નો આભાર..ઘણાં વાંચકો નાં મેસેજ આવે છે કે કાતીલ આ છે..કાતીલ પેલો છે..જેનો મતલબ છે કે તમે નોવેલ ખાલી વાંચતાં નથી પણ માણો છો..આવાં ઉચ્ચ કોટીનાં વાંચકો મને મળ્યાં એ બદલ હું મારી જાતને આભારી ગણું છું..હજુ નોવેલમાં ઘણાં રહસ્યો પરથી પડદો પડવાનો બાકી છે.આગળનો દરેક ભાગ એ તમારાં મગજને કસવાનો છે એ નક્કી છે..તો આમ જ વાંચતાં રહો પરફેક્ટ સિરિયલ કિલર બેઝ સસ્પેન્સ એન્ડ થ્રિલર નોવેલ મર્ડર@રિવરફ્રન્ટ.આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રકાશિત થાય છે.)

રાજલ દેસાઈ પર સિરિયલ કિલરને કોઈપણ ભોગે પકડવાનું દબાણ સર્જાયું હતું..અત્યાર સુધી સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલી હત્યાઓ વિશે ન્યૂઝ ચેનલો છાપરે ચડીને ખબરો પ્રસારિત કરી રહી હતી.આ બધાં દબાણ વચ્ચે રાજલ શોધી કાઢે છે કે હત્યારો જે ગિફ્ટ બોક્સ મોકલાવી રહ્યો હતો એમાં એક બીજી હિન્ટ હતી જે મુજબ હવે પછી એ જેની હત્યા કરવાનો હતો એ વ્યક્તિ ની રાશિ કર્ક હતી.આ રાશિ ધરાવતાં બિઝનેસમેન નું લિસ્ટ બનાવવાનું સંદીપ ને આદેશ આપી રાજલ પોતાની કેબિનમાં બેઠી હોય છે ત્યાં એક વ્યક્તિ રાજલને મળવાં આવે છે.

"મેડમ અંદર આવું..?"રાજલની કેબિનની બહાર ઉભાં રહી અંદર પ્રવેશવાની અનુમતિ માંગતા એ વ્યક્તિ બોલ્યો.

"હા,આવો.."રાજલ બોલી.

રાજલની સહમતી મળતાં એ વ્યક્તિ રાજલની કેબિનમાં પ્રવેશ્યો અને રાજલનાં આગ્રહથી એની સામે ખુરશીમાં બેઠો.જીન્સ નું બ્લુ પેન્ટ અને જય મહાકાલ લખેલી ટીશર્ટ તથા માથામાં વન સાઈડ વાળ ધરાવતો એ વ્યક્તિ જોતાં જ કલરફુલ લાગતો હતો..રાજલે એ વ્યક્તિનાં બેસતાં જ શાંતિથી પૂછ્યું.

"બોલો તમે કોણ છો અને મૃતક વનરાજ સુથાર વિશે તમે શું જાણો છો..?"

"મેડમ,મારુ નામ હેરી છે અને હું એક હેર કટિંગ સલુનનો માલિક છું..આ વનરાજ ને હું સારી રીતે ઓળખું છું કેમકે એ મારાં ત્યાં જ પોતાનાં વાળ કપાવવાં આવતો હતો."એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વનરાજ જ્યાંથી છેલ્લે પોતાનાં વાળ-દાઢી કપાવીને નીકળ્યો હતો એ હેરી જ હતો..હેરીની વાત સાંભળતાં જ રાજલ ને આવું જ કંઈક ફોરેન્સિક એક્સપર્ટ ગૌતમ મિત્રા જણાવતાં હતાં એ યાદ આવતાં રાજલ બોલી.

"મતલબ કે વનરાજ ગાયબ થયો એ દિવસે તમારાં ત્યાંથી વાળ અને દાઢી કપાવીને નીકળ્યો હતો..?"

"હા,મેડમ એ આળસુ વનરાજ મારાં ત્યાં જ આવ્યો હતો.."વનરાજ તરફ પોતાને થોડો અણગમો હોય એવાં ભાવ સાથે હેરી બોલ્યો.

"કેમ આળસુ.?"હેરીનાં મુખે આળસુ શબ્દ સાંભળી રાજલે નવાઈ સાથે પૂછ્યું.

"અરે મેડમ તમે જાણતાં તો હશો કે આ વનરાજ છેલ્લાં સાતેક વર્ષથી સતત જેલમાં જ રહેતો હતો..એવું નહોતું કે એ ગુનો કરતો અને પોલીસ એને પકડી લેતી..એ તો ગુનો જ એ માટે કરતો જેથી પોલીસ એને પકડી લે.."હેરી પોતાનાં બંને હાથની કોણીનો ટેકો ટેબલ ઉપર રાખતાં બોલ્યો.

"મતલબ કંઈ ખબર ના પડી..?"રાજલે સવાલસુચક નજરે હેરી તરફ જોતાં પૂછ્યું.

"અરે મેડમ વનરાજ જ્યારે પહેલી વખત જેલમાં ગયો ત્યારથી એને આદત પડી ગઈ જેલનાં મફતનાં રોટલાં તોડવાની અને આખો દિવસ પડી રહેવાની..માટે જ એ જ્યારે જેલમાંથી બહાર આવતો એવો જ ચોરી,છેડતી કે મારા-મારી નો ગુનો કરતો અને પકડાઈ જતો..પછી એને સજા થતી અને જેલમાં ચાલ્યો જતો.."પોતે વનરાજ ને કેમ આળસુ કહેતો હતો એનું કારણ જણાવતાં હેરી બોલ્યો.

"ઓહ આ વાત છે એનાં જેલમાં જવા પાછળ..તો હવે તમે એ જણાવો જે તમે જણાવવા આવ્યાં છો કેમકે વનરાજ આળસુ હતો એ જણાવવા તો તમે અહીં સુધી લાંબા નહીં જ થયાં હોય.."રાજલે હેરી તરફ જોઈને કહ્યું.

"હા,મેડમ હું એક એવી વાત કહેવા આવ્યો છું જેનો સંબંધ ક્યાંક ને ક્યાંક હેરી ની હત્યા પાછળ હોઈ શકે છે.."આટલું કહી હેરી એ પોતે જે વાત કહેવા આવ્યો હતો એ જણાવવાનું શરૂ કર્યું.

"એ દિવસે વનરાજનાં વાળ-દાઢી કપાઈ ગયાં બાદ એ મારે ત્યાંથી નીકળતો જ હતો એટલામાં એનાં ફોનની રિંગ વાગી..વાત કરતાં કરતાં વનરાજ બહાર નીકળી ગયો..મારી દુકાન કાચનું બારણું ધરાવે છે તો મેં એમાંથી જોયું કે ફોન કટ કર્યાં બાદ વનરાજ રસ્તો ઓળંગી રોડની સામેની તરફ ગયો અને ત્યાં ઉભેલી સિલ્વર રંગની કાર જોડે જઈને ઉભો રહ્યો..વનરાજે કારમાં બેસેલાં વ્યક્તિ જોડે કંઈક વાત કરી એવું મને દૂરથી દેખાયું..પછી વનરાજ એ કારમાં બેસી ગયો..એનાં અંદર બેસતાં જ એ કાર ત્યાંથી નીકળી ગઈ.."

પોતાનાં નખ ને ચાવતાં ચાવતાં રાજલે હેરીની સઘળી વાત ધ્યાનથી સાંભળી અને પોતાનાં મનમાં ચાલતાં સવાલને હેરી સમક્ષ રાખતાં કહ્યું.

"તમે કારની અંદર કોણ બેઠું હતું એ જોયું હતું..?"

"ના મેડમ,કાર ની ખાલી સાઈડ મારી દુકાનનાં ગેટ તરફ હતી એટલે ડ્રાઈવિંગ સીટ પર બેઠેલાં વ્યક્તિનો ચહેરો તો હું ના જોઈ શક્યો પણ કારમાં એ એકલો જ હતો એ વાતમાં હું ચોક્કસ છું.."હેરી એ કહ્યું.

હેરીની વાત સાંભળી કંઈક યાદ આવતાં રાજલે હેરીને એક બીજો પ્રશ્ન કર્યો.

"તમે એ કારનો નંબર જોયો હતો..?"

આ જ સવાલની જાણે રાહ જોઈને હેરી બેઠો હોય એક ઝાટકે બોલી ગયો.

"મેડમ,મને પહેલાં થી ગાડીઓનાં નંબર યાદ રાખવાનો શોખ છે..અને વનરાજ આમ અચાનક કોઈ કારમાં બેસી નીકળી જાય તો એનો નંબર તો યાદ રાખવો જ રહ્યો.."

"મતલબ તમને નંબર યાદ છે..તો તો જલ્દી બોલો એ કારનો નંબર કયો છે..?"રાજલનાં અવાજમાં ગજબની બેતાબી હતી.

"GJ27JR2292.."હેરી એ આંખો બંધ કરી કારનો નંબર યાદ કરતાં કહ્યું.

રાજલે ફટાફટ એ કારનો નંબર નોંધી લીધો અને હેરીનો આભાર માનતાં કહ્યું.

"ખૂબ ખૂબ આભાર તમારો,તમે એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ પુરી કરી છે એ માટે તમે ધન્યવાદ ને પાત્ર છો.."

"મેડમ..આ સિવાય વનરાજે જેલમાંથી છૂટી એક સીમકાર્ડ પણ ખરીદ્યું હતું..એનો નંબર પણ હું એ દુકાનદાર જોડેથી લેતો આવ્યો છું.."હેરી એક કાગળ રાજલને આપતાં બોલ્યો.

રાજલે હેરીનાં હાથમાંથી એ કાગળ લઈ એની ઉપરનો નંબર વાંચ્યો અને સ્મિતપૂર્વક હેરી તરફ જોતાં બોલી.

"Thanks again.. હવે એ હત્યારો કોઈ કાળે બચી નહીં શકે.."

"સારું તો હું નીકળું હવે.."પોતાનાં ત્યાંથી જવાની રજા માંગતા હેરી બોલ્યો.

"હા તમે જઈ શકો છો.."રાજલ બોલી.

હેરીનાં જતાં જ રાજલે ઇન્સ્પેકટર મનોજને પોતાની કેબિનમાં આવવાનો હુકમ કર્યો એટલે મનોજ રાજલની કેબિનમાં આવીને એની સામે ટેબલની બીજી તરફ રાખેલી ખુરશીમાં ગોઠવાયો..ખુરશીમાં બેસતાં જ મનોજે રાજલની તરફ જોઈને સવાલ કર્યો.

"મેડમ..આ વિચિત્ર દેખાવ વાળો વ્યક્તિ આખરે શું જણાવવા આવ્યો હતો?..મને તો દેખાવથી કોઈ જોકર જેવો લાગે છે.."

"ઓફિસર ઘણી વખત વ્યક્તિનો દેખાવ મહત્વનો નથી હોતો..પણ એ વ્યક્તિ જોડે તમારાં માટે મુદ્દાની વાત છે કે નહીં એ વધુ મહત્વનું છે..અને તમારી જાણ ખાતર કહી દઉં કે એ વ્યક્તિ જોડે વનરાજની હત્યા જોડે સંકળાયેલી ઘણી એવી વાતો છે જે કાતીલ સુધી પહોંચવામાં આપણ ને મદદગાર થઈ શકે છે.."રાજલની આ વાત સાંભળી મનોજ થોડો ક્ષોભીલો પડી ગયો.

"ઓફિસર આ કાગળમાં વનરાજ નો મોબાઈલ નંબર લખેલો છે..જે શકયવતઃ સ્વીચઓફ હશે..પણ એ પહેલાં એની લાસ્ટ લોકેશન ક્યાં હતી એ શોધવાનું છે..આ ઉપરાંત નીચે એક કારનો નંબર છે જે કોની માલિકીની છે એ પણ જલ્દીથી તપાસ કરી જણાવો.."પોતાનાં હાથમાં રહેલો કાગળ જેની ઉપર વનરાજ નો સિમ કાર્ડ નો નંબર અને એ જે ગાડીમાં બેસીને નીકળ્યો હતો એનો નંબર મોજુદ હતાં.

એ કાગળ રાજલનાં હાથમાંથી લઈ મનોજ બોલ્યો.

"Ok મેડમ..હું હમણાં જ આ બંને વિગતો એકઠી કરવાનું શરૂ કરું.."

આટલું કહી મનોજ રાજલનાં કેબિનનો દરવાજો ખોલી કેબિનમાંથી બહાર નીકળ્યો અને લાગી ગયો રાજલે પોતાને સોંપેલાં કામમાં..સૌ પહેલાં તો એને સિમ કાર્ડ કઈ કંપનીનું છે એની તપાસ કરાવી અને પછી સિમ કાર્ડ સર્વિસ પ્રોવાઇડર કંપનીને કહી એ નંબરની કોલ ડિટેઈલ તથા એ સિમકાર્ડ જેમાં હતું એ ફોન ક્યારે સ્વીચઓફ થયો એની માહિતી આજ રાત સુધીમાં મેઈલ કરવા જણાવી દીધું.

ત્યારબાદ મનોજે કોલ લગાવ્યો RTO ઓફિસર ફૈઝલ મીર ને..ફૈઝલ ને મનોજે રાજલ દ્વારા આપવામાં આવેલો કારનો નંબર આપ્યો અને આ નંબર ધરાવતી કાર કોની માલિકીની છે એ જણાવવા કહ્યું..ફૈઝલ બે કલાકમાં આ કાર કોની છે એ ચેક કરી મનોજને જણાવશે એવું કહી એને કોલ કટ કરી દીધો.

રાજલ અને એની આખી પોલીસ ટીમ લાગી ગઈ હતી પોતપોતાની રીતે એ હત્યારા સુધી પહોંચવાની કોશિશમાં લાગી ગઈ હોય છે..કોઈકાળે એ સિરિયલ કિલર પોતાનાં હાથમાંથી બચીને નહીં જઈ શકે એવાં મક્કમ ઈરાદા સાથે રાજલ અત્યારે પોતાની કેબિનમાં બેઠી-બેઠી સંદીપનાં આવવાની રાહ જોઈને બેઠી હોય છે.

***********

એક તરફ પોલીસ પોતાની પુરી તાકાતથી સિરિયલ કિલર સુધી પહોંચવાની કોશિશમાં લાગેલી હતી તો બીજી તરફ રાજલ દ્વારા એક બીજી હિન્ટ પણ સોલ્વ કરી દેવાઈ છે એ વાતથી બેખબર એ શાતિર સિરિયલ કિલર શાંત ચિત્તે પોતાનાં બંગલાનાં ટેરેસ પર બાંધેલાં લાકડાનાં હીંચકામાં સૂતો હતો..બપોરે ધરાઈને જમ્યા બાદ એની આંખ લાગી ગઈ હતી અને એ ચેનથી ટેરેસ પર ખુલ્લી હવામાં આરામ ફરમાવી રહ્યો હતો.

અચાનક કંઈક તૂટવાનાં અવાજે એની ઊંઘ બગાડી અને એ ઝબકીને જાગી ગયો..અવાજ ક્યાંથી આવ્યો એનું અનુમાન લગાવતાં એને જાણ્યું કે પ્રથમ માળેથી અવાજ આવ્યો હતો..એને સાવચેતી ખાતર પોતાની બંદુક હાથમાં લીધી અને અવાજ ક્યાંથી આવી રહ્યો હતો એનો કયાસ લગાવતો લગાવતો દાદરો ઉતરી પ્રથમ માળે આવ્યો..એનું અનુમાન હતું કે આ અવાજ રસોડામાં ક્યાંકથી આવી રહ્યો હતો અને થયું પણ એવું જ.

એ સિરિયલ કિલરે રસોડામાં જઈને જોયું તો એક બિલાડી મોજુદ હતી..આ બીલાડીએ એનાં રસોડામાં રાખેલી ફિશ પોટ તોડી નાંખી હતી અને હવે ફિશ પોટમાંથી પડેલી બે માછલીઓમાંથી એક તો એ બિલાડી ખાઈ ગઈ હતી અને બીજી માછલી આરોગવાની એ બિલાડી તૈયારી કરી ચુકી હતી.

આ દ્રશ્ય જોઈ એ હત્યારો ધીરા ડગલે એ બિલાડી તરફ આગળ વધ્યો..બિલાડી જેવી માછલીને મોં માં લેવાં ગઈ એ પહેલાં જ એને માછલી પોતાનાં હાથમાં લઈ લીધી..એ હત્યારા ને પોતાની સામે જોઈ એ બિલાડી બે ડગલાં પાછી પડી..મનુષ્ય ને જોઈને થવો જોઈતો સામાન્ય ડર એ બિલાડીને પણ થઈ રહ્યો હતો..એક માછલી આરોગ્યા બાદ બીજી માછલી હાથમાંથી છટકી જવાનાં લીધે એ બિલાડી થોડી ગુસ્સામાં હતી પણ સામે ઉભેલાં માણસ સામે એ લાચાર હતી.

એ સિરિયલ કિલરે જેવી માછલી હાથમાં લીધી એવી જ એ છેલ્લાં તરફડીયાં ખાઈ મરી ગઈ..આ જોઈ એ સિરિયલ કિલરે એ માછલી ને એક કિસ કરી અને પછી પ્રેમથી એ બિલાડી તરફ જોયું..સફેદ અને ભૂરાં રંગ ની એ બિલાડી એકધ્યાને એ હત્યારા સામે જોઈ રહી હતી..એ સિરિયલ કિલરે પોતાનાં હાથમાં રહેલી મૃત માછલી એ બિલાડી તરફ ધરી અને એને પોતાની સમીપ આવવાં પુચકારી.

"મ્યાઉં.. મ્યાઉં.."કરતાં કરતાં એ બિલાડી માછલી ખાવાની લાલચમાં એ હત્યારા જોડે આવી..અને ધીરેથી એનાં હાથમાંથી માછલી પોતાનાં મોંઢા માં ભરાવી લીધી..એ હત્યારાં એ ધીરેથી એ બિલાડીને પોતાનાં હાથમાં લઈ લીધી અને એક હાથ વડે એની રેશમી રૂંવાટીમાં હાથ ફેરવવા લાગ્યો.

માછલી ખાતાં ખાતાં એ બિલાડી શાંતિથી એ હત્યારા નાં હાથમાં મજા કરી રહી હતી..અચાનક એ સિરિયલ કિલરનાં ચહેરાનાં ભાવ પલટાયા..એને ગિન્નાયેલાં મુખ સાથે એ બિલાડી ની બળપૂર્વક ગરદન મરોડી દીધી અને એક ઝાટકે એનું કાસળ કાઢી નાંખ્યું..અને પછી જોરજોરથી હસવા લાગ્યો..એનાં માથે અત્યારે શૈતાન સવાર હોય એવું સરળતાથી સમજી શકાતું હતું.

એનું હાસ્ય જે રીતે શરૂ થયું હતું એમજ અચાનક અટકી ગયું..અને પછી એ જોરજોરથી મૃત બિલાડી તરફ જોતાં બોલ્યો.

"મારો નવો શિકાર પણ બિલકુલ તારી જેવો છે..લાલચુ..અને લાલચ બહુ ખરાબ વસ્તુ છે..એનાં પણ હું એવાં જ હાલ કરીશ જેવાં મેં તારાં કર્યાં છે..બિચારી મ્યાઉં...મ્યાઉં.."

ત્યારબાદ એ બિલાડીને લઈને એ હત્યારો બંગલાની બહાર મોજુદ બગીચામાં ખાડો કરી દાટતો આવ્યો..માણસ ને મારનારાં એ સિરિયલ કિલર માટે એક બિલાડીને મારવી વધુ મોટી વાત નહોતી જે એનો ચહેરો કહી આપતો હતો.

એ પાછો બંગલાની અંદર આવ્યો અને પોતાનાં એ ખાસ રૂમમાં ગયો જ્યાં એ પોતાનાં દરેક વિકટીમની બહેરમીપૂર્વક હત્યા આચરતો હતો..અત્યારે ત્યાં એક ટ્રેડમિલ પડ્યું હતું..ટ્રેડમિલ એટલે જેની ઉપર ઉભાં રહી લોકો ઘરમાં જ વૉકિંગ એક્સસાઈઝ કરતાં હોય છે એ મશીન.

"આ ટ્રેડમિલ બનશે મારાં નવાં શિકારનાં મોતનું કારણ..એની લાલચ જ એનો કાળ બનશે.."રૂમમાં પ્રવેશતાં જ બંને હાથ ફેલાવી ટ્રેડમિલ તરફ જોતાં એ હત્યારો બોલ્યો અને ફરીવાર એનું પૂર્વવત ભયંકર હાસ્ય રૂમની દીવાલોને ધ્રુજાવવાં લાગ્યું..!!

★★★★

વઘુ આવતાં ભાગમાં.

હેરી એ આપેલાં કાર નંબર અને સીમકાર્ડ નંબર પરથી રાજલ એ સિરિયલ કિલર શોધી પહોંચી શકશે...?આ વખતે હત્યારાનો નવો ટાર્ગેટ કોણ હતું..?ગિફ્ટ બોક્સમાં આવતી અલગ-અલગ રંગની રિબિનનું રહસ્ય શું હતું .?આ સવાલોનાં જવાબ મેળવવાં જાણતાં રહો આ દિલધડક નોવેલ મર્ડર@રિવરફ્રન્ટનો નવો ભાગ.

જેમ-જેમ નોવેલ આગળ વધશે એમ નવાં રહસ્યો આપ સમક્ષ આવતાં જ રહેશે..તમે તમારું મગજ કસવાનું શરૂ કરી દો..અને તમારાં મંતવ્યો whatsup નંબર 8733097096 અને એપ પર મેસેજ કરીને જણાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture,રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

~જતીન.આર.પટેલ (શિવાય)