Hu rahi tu raah mari - 3 books and stories free download online pdf in Gujarati

હું રાહી તું રાહ મારી - 3

રાહી  ટ્રેનમાં  સફર  કરી  રહી  હતી. તે  ઊંઘવાની  કોશિશ  કરી  રહી  હતી  પણ  તેની  સામે  વારંવાર  થોડીવાર  પહેલા  મળેલા  યુવકનો  ચહેરો  સામે  આવી  રહ્યો  હતો. રાહી  તે  યુવકની  સ્થિતિ  જોઈ  પોતાના  ભૂતકાળમાં  જે  બન્યું  હતું  તેના  વિષે  વિચારી  રહી  હતી. વિચારમાં  ને  વિચારમાં  તેને  ઊંઘ  ક્યારે  આવી  ગઈ  તેની  તેને  પણ  ખબર  ન  રહી. ત્યાં  જ  અચાનક  કોઈએ  તેને  બોલાવતા  તે  સફાળી  બેઠી  થઈ  ગઈ. રાહીએ  જોયું  તો  ટિકિટ  ચેક  કરવા  માટે  ટિકિટ  ચેકર  આવ્યા  હતા. 
           “ મેડમ  તમારી  ટિકિટ  બતાવજો .” ટિકિટ ચેકરે  રાહીને  નમ્રતાપૂર્વક  કહ્યું.
          રાહીએ  તેમની  સામે  જોયા  વગર  જ  પોતાના  પર્સમાંથી   ટિકિટ  આપી  પોતાના  ખુલ્લા  વાળ  સરખા  કરવા  લાગી. તેની  નજર  ટિકિટ  ચેકર  પર  પડતાં  જ  તે  આશ્ચર્યથી  ઊભી  થઈ  ગઈ. રાહીને  આમ  અચાનક  ઊભી  થઈ  ગયેલી  જોઈ  ટિકિટ  ચેકરે  તેની  સામે  જોયું. 
            “ ઓહ , તમે  અહીં ?” ટિકિટ  ચેકરે  પણ  રાહીની  જેમ  જ  આશ્ચર્ય  વ્યક્ત  કરતાં  કહ્યું.
          “  હા  હું, પણ  તમે  સાચે  જ  અહીં  છો ?” રાહી  હજુ  આશ્ચર્યમાં  જ  હતી.
        “ હા  હું  સાચે  જ  અહીં  છું. હા  મને  ખબર  છે  કે  તમે  થોડીવાર  પહેલા  સૂતા  હતા  પણ  અત્યારે  આ  કોઈ  સપનું  નથી  તમારું. હું  સાચે  જ  અહીં  છું.” ટિકિટ  ચેકરે  રાહીને  હસતાં  હસતાં  કહ્યું.
        રાહીને  હજુ  વિશ્વાસ  નહોતો  આવતો  પોતાની  આંખો  પર  કારણકે  જેને  થોડી  કલાકો  પહેલા  જુહુ  બીચ  પર  મળી  હતી  તે  જ  યુવાન  અત્યારે  તેની  સામે  ટિકિટ  ચેકર  બનીને  ઊભો  હતો. રાહી  તેને  ઓળખી  જ  ન  શકી  કેમ કે  ત્યારે  તેનો  અવાજ  થોડો  રડમસ  લાગતો  હતો  અને  અત્યારે  તે  એકદમ  અલગ  જ  લાગી  રહ્યો  હતો. કોચની  બ્લૂ  આછા  પ્રકાશમાં  પણ  તેનો  ચહેરો  એકદમ  પહેલા  જેવો  જ  સોહામણો  લાગતો  હતો. તેમાં  પણ  તેના  લાંબા  સુંવાળા  વાળ  તેની  સુંદરતામાં  વધારો  કરતાં  હતા. રાહી  તેને  જોઈ  થોડીવાર  જોઈ  રહી. 
           “ નસીબે  આપણે  ફરી  એક  વખત  મળી  ગયા. માફ  કરજો  પણ  અત્યારે  હું  તમારી  સાથે  બેસીને  વાત  નહીં  કરી  શકું  મને  ઈચ્છા  હોવા  છતાં. કેમ  કે  મારે  હજુ  ઘણી  બધી  ટિકિટો  ચેક  કરવાની  બાકી  છે.” કહી  તે  યુવક  આગળ  નીકળી  ગયો.
         “ રાહી  તેને  જતાં  જોઈ  રહી. રાહીએ  સમય  જોયો  રાતના  1:30  વાગી  રહ્યા  હતા. તેને  ફરીથી  સુવાની  કોશિશ  કરી. આમ – તેમ  પડખા  ફેરવવા  છતાં  તેને  ઊંઘ  આવી  રાહી  નોહતી. તે  ફરીથી  તે  યુવકના  વિચારો  આવવા  લાગ્યા. થોડા  કલાકો  પહેલા  ખરાબ  પરિસ્થિતીમાથી  પસાર  થઈ  રહેલો  તે  યુવક  આમ  અચાનક  તેની  સામે  આ  રીતે  આવીને  ઊભો  રહી  ગયો. રાહીને  તે  યુવક  પર  માન  થઈ  આવ્યું. જે  રીતે  તેને  પોતાની  જાતને  સંભાળી  આવું  કરવું  તે  દરેક  વ્યક્તિના  હાથની  વાત  નહોતી. ઊંઘ તો  આવી  નહોતી  રહી  આથી  રાહી  કોચના  દરવાજા  આગળ  જઈને  ઊભી  રહી  ગઈ. તેને   ગીતો  સાંભળવાની  ઈચ્છા  થઈ  આવી. આથી  તેને પોતાના  હેંડ્સ્ફ્રીને  કાનમાં  લગાવ્યા  અને  ગીતો  સાંભળવા  લાગી. રાતનો  સમય  હતો  આથી  ઠંડો  પવન  રાહીના  ખુલ્લા વાળને  ઉડાવી  રહ્યો  હતો. રાહીને  ટ્રેનમાં  સફર  કરવી  ખૂબ  જ  પસંદ  હતી  અને  તેમાં  પણ  કોચના  દરવાજા  પાસે  ઊભા  રહી  આ  રીતે  ગીતો  સાંભળવા  તેનું  મનગમતું  કામ  હતું. થોડીવાર  આમ  જ  તે  ઊભી  રહી  ગીતો  સાંભળી  રહી  હતી. તેને  આ  કામ  વધારે  દિલચસ્પ  લાગ્યું  પોતાની  સીટ  પર  જઇને  સૂઈ  જવા  કરતાં. રાહી  દરવાજા  પાસે  બહારની  તરફ  ચહેરો  રાખી  ગીતો  સાંભળી  રહી  હતી  ત્યાં  જ  કોઈએ  તેના  એક  કાનમાંથી  હેન્સફ્રીનું  એક  સ્પીકર  ખેચી  લીધું. રાહીએ  પાછળ  ફરીને  જોયું  તો  તે  યુવક  જ  હતો.
           “ ઓહ , હલ્લો .. થઈ  ગઈ  ટિકિટો  ચેક ?” રાહી
          “  હા , ચેક  પણ  થઈ  ગઈ  અને  હું  છેલ્લી  ૫  મિનિટથી  તમને  બોલાવી  રહ્યો  હતો  પણ  તમે  સાંભળી  રહ્યા  નહોતા  આથી  આખરે  મારે  સ્પીકર  ખેંચી  તમારું  ધ્યાન  દોરવું  પડ્યું.” યુવક
          “ ઓહ, માફ  કરજો. મારૂ  ધ્યાન  નહોતું.” રાહી.
          “ હા, આવું  જ  થાય  જ્યારે  આ  જગ્યા  પર  ઊભા  રહીએ. મારી  પણ  આ  મનપસંદ  જગ્યા  છે  પણ  રેલ્વેનો  એક  અધિકારી  હોવાના  લીધે  હું  અત્યારે  તમને  દરવાજાની  આ  બાજુ  પર  આવી  જવા  માટે  નિવેદન  કરું  છું  કારણ કે  ત્યાં  ઊભા  રહેવું  અત્યંત  ખતરનાક  છે. “ યુવક .
         “ ઓક, સર  જેવી  તમારી  ઈચ્છા .” રાહીએ  હસતાં  કહ્યું.
         સામે  છેડે  તે  યુવક  પણ  હસી  પડ્યો.
      “ અચ્છા , તમારું  નામ  તો  કહો  હવે..” રાહી.
      “ હું  શિવમ  સિદપરા  અને  તમે ?” તે  યુવકે  પોતાનું  નામ  જણાવ્યુ.
      “ હું  રાહી  તલાવિયા.”  રાહી.
       “ ઓહ, ગુજરાતી !! એમ ને ??” શિવમ.
       “ હા, તમારી  જેમ  જ.” રાહી.
       ફરી  બંને  હસી  પડ્યા.
       “ કેમ  મને  જોઈને  આટલા  આશ્ચર્યચકિત  થઈ  ગયા  હતા ?”  શિવમે  પ્રશ્ન  કર્યો.
      “ હા, આમ  અચાનક  થોડા  સમય  પહેલા  જ  તમને  મળી  હતી  અને  ફરીથી  આમ  અચાનક  જ ...!!” રાહી  બોલતા  અટકી  ગઈ.
       “ શું  આમ  અચાનક  જ ?? હહમમમ....?” શિવમે  હસતાં  જ  પ્રશ્ન  કર્યો.
       “ એમ  જ  કે  આમ  ફરીથી  આટલી  જલ્દી  આ  રીતે  ફરીથી  મળશુ.” રાહીએ  ચોખવટ  કરતાં  કહ્યું.
       “ હું  પણ  તમારી  જેવી  જ  સ્તિથિમાં  હતો. મે  પણ  નહોતું  વિચાર્યું  કે  તમે  આ  રીતે  મને  આમ  ફરીવાર  મળી  જશો.!!” શિવમ.
       “ પણ  મને  ગમ્યું .” રાહી.
       “ શું?” શિવમ.
       “ આમ  તમને  પહેલા  કરતાં  સારી  પરિસ્થિતીમાં  જોઈને.” રાહી. 
       “ ઓહ , મને  થયું  કે  મને  મળીને..” શિવમે  ફરીથી  હસતાં  કહ્યું.
       “ હા , એ  તો  ગમ્યું  જ .. પણ  તેનાથી  પણ  વધારે  મને  તમે  તે  પરિસ્થિતીમાથી  જલ્દી  બહાર  આવી  ગયા  તે  વધારે  ગમ્યું.” રાહી.
       “ સાચું  કહું  તો  આ  બધુ  તમારા  લીધે  શક્ય  બન્યું. જો  ત્યારે  ત્યાં  તમે  મને  હિંમત  આપવા  માટે  ન  આવ્યા  હોત  તો  કદાચ  આજ  હું  ઘણું  બધુ  ખોઈ  ચૂક્યો  હોત.” શિવમે  રાહીનો  આભાર  વ્યક્ત  કરતાં  કહ્યું.
       “ મતલબ ?” રાહી.
       “ મતલબ  તે  કે  આજ  મારી  નોકરીનો  પહેલો  દિવસ  છે. સાચું  કહું  તો  નોકરીની  પહેલી  રાત.” શિવમે  ચોખવટ  કરતાં  કહ્યું.
        “ ઓહ, શું  વાત  છે !! અભિનંદન.” રાહી.
        “ આભાર.” શિવમ.
       “ તમે  ખૂબ  જ  અજીબ  માણસ  છો  હો  બાકી..” રાહી.
       “ કેમ ?” શિવમ.
       “ આટલી  સારી  નોકરી  મળી  હોય , નોકરીનો  પહેલો  દિવસ  હોય , નોકરી  પર  જવાનો  સમય  થતો  હોય અને  તમે  આમ  ત્યાં  એકલા  બેસીને  દુઃખ  વ્યક્ત  કરી  રહ્યા  હતા ?” રાહી.
       “ હા ,  શું  કરું ? સમય  જ  કઈંક  એવો  હતો.” શિવમ.
       “ હા , હું  સમજી  શકું.” રાહી.
       થોડીવાર  બંને  ચૂપ  રહ્યા.
        “ તે  મારૂ  જીવન, મારૂ  પરિવાર, મારી  મિત્ર...તે  મારૂ  બધુ  જ  હતી.” શિવમ.
         રાહી  શિવમ  સામે  જોતી  રહી. શિવમે  બોલવાનું  ચાલુ  રાખ્યું.
        “ અમે  બંને  એક  જ  કોલેજમાં  ભણ્યા  છીએ. કોલેજ  સમયથી  તે  મારી  સારી  મિત્ર  હતી. ધીમે  ધીમે  અમારી  મિત્રતા  પ્રેમમાં  પરિણમી.” શિવમ.
        “ તમે  બંને  મુંબઈથી  જ  છો  એમ ને ?” રાહી.
        “ ના, અમે  સુરતથી  છીએ. ૩ વર્ષ  પહેલા  અમે  સાથે  જ  મુંબઈ  આવ્યા  હતા  કઈંક  બનવા  માટે. અમારા  દિવસો  ખૂબ  સારી  રીતે  વિતતા  હતા. અમે  સાથે  જ  રહેતા  હતા એક  જ  ઘરમાં. ” શિવમ.
        “ તો  તમારા  બંનેના  ઘરમાં  ખબર  હતી  આ  વાતની?” રાહી.
       “ હા, અમારા  બંનેના  પરિવાર  જાણતા  હતા કે  અમે  બંને  સાથે  રહીએ  છીએ. બંનેના  પરિવારની  સંમતીથી  બંને  સાથે  રહેતા  હતા. કેમ  કે  તે  બધા  જાણતા  હતા  કે  ભવિષ્યમાં  અમે  બંને  લગ્ન  કરવાના  છીએ.” શિવમ.
       “ ખૂબ  જ  સારી  વાત  છે. બધા  માતા – પિતાએ  આ  વાત  સમજવા  જેવી  છે  કે  જો  કોઈ  બે  વ્યક્તિ  ભવિષ્યમાં  એકબીજાના  જીવનસાથી  બનવા  ઇચ્છતા  હોય  તો  એકબીજાને  સમજવા  માટે  પૂરતો  સમય  આપવો  જોઇએ. પછી  ભલે  તે  સમય  ૧૦  મિનિટ  થી  માંડીને  ૩  વર્ષ  સુધીનો  કેમ  ન  હોય?” રાહી.
       “ ઘણા  સમજદાર  છો  તમે .” શિવમ.
       “ કેમ ?” રાહી.
       “ બહુ  ઓછા  લોકો  હતા  જેને  તે  સમયે  અમારી     વાતને  યોગ્ય  ગણાવી  હતી.” શિવમ.
        “ આપનો  સમાજ  છે  જ  એવો. લગ્ન  પહેલા  છોકરો  અને  છોકરી  સાથે  રહે  તે  વાત  સમાજ  માન્ય  રાખે  એ  શક્ય  તો  નથી  પણ...સાચું  કહું  એક  વાત ?” રાહીએ  શિવમ  સામે  જોતાં  કહ્યું. 
       “ બોલો ..આમ  પણ  મને  તમને  સાંભળવા  ખૂબ  જ  ગમે  છે  કારણ  કે  તમે  ખૂબ  જ  મુક્ત  વિચાર  ધરાવો  છો.” શિવમ.
      “ સાચું  કહું  તો  આ  સમાજ  છે  કોણ ? સમાજ  આપણે  જ  છીએ. આપનો  પરિવાર , આપણાં  મિત્રો, આપણાં  આજુબાજુના  લોકો ..આ  જ  તો  સમાજ  છે. હવે  આપણે  જેવુ  વિચારશું  તેવો  જ  તો  વિચાર  આપણે  સમાજને  આપી  શકશું.” રાહી.
      “ પણ  મારો  પ્રશ્ન તે  છે  કે  જ્યારે  માણસની  પોતાની  વાત  હોય  તો  કોઈ  નીતિનિયમ , સમાજ, લોકો, કાયદો .. કશું  જ  આડે  નથી  આવતું  પણ  જ્યારે  તે  જ  વાત  જો  કોઈ  બીજા  જોડે  થતી  હશે  કે  બીજા  પર  લાગુ  પડતી  હશે  તો  આ  જ  સમાજ  તેની  વાતો  કરવા, તેની  હાંસી  ઉડાવવા  પહોંચી  જશે. બસ  મને  આ જ  વાતથી  તકલીફ  છે?” શિવમે  થોડા  ઉગ્ર  શબ્દોમાં  કહ્યું.
         “ ના , તે  તમારી  તકલીફ  નથી. તમારી  તકલીફ  બીજી  જ  છે.” રાહી.
         “ મતલબ ?” શિવમે  પ્રશ્નાર્થ  સ્વરે  રાહી  સામે  જોયું. 
       “ મતલબ  તે  કે  આપણે  બધા જ .. “ કોઈ  શું  કહેશે?” ની  ચિંતામાં  આપના  વાસ્તવિક  જીવનની  હકીકતને  ભૂલી  જઇએ  છીએ. આપણે  શું  કરવા  ચાહીએ  છીએ  કે  આપણે  શું  કરવા  માંગીએ  છીએ  તે  ભૂલી  લોકોના, સમાજના  ડરથી  કઈક  એવું  જીવવા  લાગીએ  છીએ  જે  આપણે  જીવવા  માંગતા  જ  નથી  હોતા. અને  મને  પાક્કો  વિશ્વાસ  છે  કે  તમે  સાથે  જરૂર  રહેતા  હશો  પણ  સમાજની  બીક  તો  ચોક્કસ  મનમાં  રાખી  જ  હશે.” રાહીએ  આત્મવિશ્વાસથી  પોતાની  વાત   રજૂ  કરી.
         “ સાચું  કહું  તો  હા, શરૂઆતમાં  ખૂબ  જ  શરમ  આવતી  આ  રીતે  રહેતા  ત્યારે  આવા  લોકોની. પણ  પછી  મુંબઈના  મુક્ત  વાતાવરણમાં  બધુ  જ  ભૂલાતું  ગયું  આ  બધું.” શિવમ.
       “ તમે  બંને  ત્યાં  નોકરી  કરતાં  હતા ?” રાહી.
       “ હા .” શિવમ.
       “ તો  પછી  તમને  સાથે  રહેવાનો  સમય  જ  નહીં  મળતો  હોય ને ?” રાહી.
       “ અઠવાડિયામાં  માત્ર  એક  જ  વખત.” શિવમ.
       “ ઓહહ..” રાહી.
       “ ખૂબ  જ  સારા  હતા  તે  દિવસો. અમે  માત્ર  અઠવાડિયાના  એક  જ  દિવસે  સાથે  હોય  પણ  તે  દિવસ  અમારા  બીજા  સાત  દિવસને  ઊર્જાથી  ભરી  દેતો  હતો. ખૂબ  જ  ખુશ  હતા  અમે  બંને  એકબીજા  સાથે. આમ  તો  અમારે  બંનેને  સારા  પગારની  નોકરી  હતી  પણ  હું  તેને  જીવનની  બધી  ખુશી  આપવા  માંગતો  હતો  આથી  હું  કોઈ  સ્થાયી  નોકરી  માટે  કોશિશ  કરતો  હતો  જેથી  હું  તેની  દરેક  જરૂરિયાતો  પૂરી  કરી  શકું. આખરે  મને  રેલ્વેમાં  નોકરી  મળી  ગઈ. મારી  પસંદગી  સૌરાસ્ટ્રમાં  થઈ  હતી. હું  તેને  આ  ખુશખબરી  આપવા  માંગતો  હતો  પણ  તે  પહેલા  મારો  ટ્રેનીંગનો  એક  મહિનાનો  સમય  વચ્ચે  હતો  તે  મારે  પૂરો  કરવાનો  હતો. આથી  આ  ખુશખબરી  હું  તેને  ટ્રેનીંગમાથી  પાછો  આવું  ત્યારે  આપીશ  તેવું  મે  વિચાર્યું  અને  ઓફિસના  કોઈ  કામ  અર્થે  બહાર  જવાનું  છે  આવું  કહી  હું  ગયો  હતો.” શિવમ.
         રાહી  શિવમને  સાંભળ્યે  જતી  હતી.
         “ પણ  મને  શું  ખબર  હતી  કે  તેને  મારાથી  નહીં  પણ  મારા  પૈસાથી  પ્રેમ  હશે? તેને  મારામાં  નહીં  પણ  મારા  પિતાની  સુરતમાં  રહેલા  હીરાના  કારખાનામાં  રસ  છે. આ  વાત  મે  ખુદ  તેના  મોઢેથી  સાંભળી  હતી  જ્યારે  હું  ટ્રેનીંગમાથી  પાછો  આવ્યો. મને  થયું  તે  મને  આમ  અચાનક  આવેલો  જોઈ  ખુશ  થઈ  જશે  પણ  હું  પહોચ્યો  તો  મને  એટલો  મોટો  જાટકો  લાગ્યો  જેના  વિચાર  માત્રથી  અત્યારે  પણ  મારા  રદયમાં  કંપારી  છૂટે  છે. મે  તેને  મારા  સારા મિત્રની  બાહોમાં  સૂતેલી  જોઈ. તે  ચોખ્ખુ  બોલી  કે  તેને  મારી  મિલકત  જોઈએ  છે. તેને  મારી  સાથે  કોઈ  પ્રેમ  નથી. બસ  પછી  હું  તે  જ  સમયે  ત્યાંથી  નીકળી  ગયો. મે  તેને  ફોન  કરી  જણાવી  દીધું  કે  હવે  ના  તો  હું  મળવાનો  છું  તેને  કે  નહીં  મારી  મિલકત ...કેમ  કે  મારી  મિલકત  તો  મારો  પ્રેમ  જ  હતો  જે  હું  તેને  સાચા  રદયથી  કરતો  હતો. ” શિવમ.
        રાહીને  શું  બોલવું  તે સમજાતું  નહોતું. આથી  બંને  થોડીવાર  મૌન  રહ્યા. છેવટે  રાહીએ  મૌન  તોડ્યું.
         “ શિવમ  જો  પિતાની  આટલી  મોટી  મિલકત  હતી  તો  તારું  મુંબઈમાં  આવી  નોકરી  કરવાનું  કારણ  શું?” રાહી.
        “ તે  પાછળ  ખૂબ  જ  મોટું  કારણ  છે.” શિવમ.      
       “ તો  શું  આ  વાત  કોઈ  જાણે  છે  તમારા  બંનેના  પરિવારમાં ?” રાહી.
       “ તે  જ  તો  મુશ્કેલી  છે  કે  મારી  પાસે  કોઈ  એવું  નથી  જેને  હું  મારી  આ  પરિસ્થિતી  વર્ણવી  શકું.” શિવમ.
        ટ્રેનની  વિહસલ  જોરથી  વાગી. સવારના  ૫:૦૦  વાગી  રહ્યા  હતા. કોઈ  સ્ટેશન  આવ્યું  હતું.
        “ હું  હવે  ફરીથી  ચેકિંગ  માટે  જાઉં  છું. આપણે  પછી  મળીએ.” શિવમ.
       “ મળશુ  આપણે  હવે  ફરીથી ?” રાહી.
       “ કદાચ...” શિવમ.
      “ પણ  કઈ  રીતે?” રાહી.
     “ એક  કામ  કરો  તમે  મારા  ફોન  નંબર  લઈ  લો. જો  તમને  ઠીક  લાગે  તો  મને  મિત્ર  માનીને  ફોન  કરજો.” શિવમ.
      “ આટલો  બધો  વિશ્વાસ  એક  અજાણી  છોકરી  પર? યાદ  રાખો  તમને  એક  છોકરી  તરફથી  દગો  મળેલો  છે.” રાહીએ  પોતાની  વાત  કહી.
      “ મને  વિશ્વાસ  છે  કે  તમે  મારા  સારા  મિત્ર  સાબિત  થશો. હું  તો  વિશ્વાસ  કરું  છું  હવે  આ  વિશ્વાસ  નિભાવવો  કે  નહીં  તે  તમારા  પર  છોડું  છું.” શિવમે  રાહીની  આંખોમાં  જોયું.
      “ ગમ્યું  મને.” રાહીએ  આંખ  મિચકારતા  કહ્યું.
     શિવમ  પોતાના  ફોન  નંબર  આપી  ત્યાંથી  જતો  રહ્યો. ફરી  રાહી  તેને  જતાં  જોઈ  રહી.
          શું  છે  શિવમનું  તેના  પરિવારથી  દૂર  રહેવાનુ  કારણ? શા  માટે  પિતાની  આટલી  મોટી  મિલકત  હોવા  છતાં  તે  મૂંબઈમાં  આમ  સમાન્ય  જીવન  જીવી  રહ્યો  હતો? જોઈશું  આવતા  ક્રમમા...