64 Summerhill - 11 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 11

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 11

કેટલીય વાર સુધી બંને એ જ સ્થિતિમાં બેઠા રહ્યા અને બેબાકળી બનેલી મૌન સ્તબ્ધતા ઓરડાના સન્નાટામાં ફરતી રહી.

છેવટે ત્વરિતે શરીર લંબાવતાં મૌન તોડયું, 'ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે. ઘડીક સૂઈ જા... મારે સવારે ડિંડોરી જવું પડશે.'

છપ્પને જવાબ ન વાળ્યો પણ તેને ત્વરિતે 'ડિંડોરી જવું પડશે' એમ કહ્યું એથી એ એટલું સમજાઈ ગયું કે તેઓ અત્યારે ડિંડોરીમાં તો નથી જ. તેને એ પણ સમજાતું હતું કે, ત્વરિત અહીં મૂર્તિઓનો અભ્યાસ કરવા નિયમિત આવતો હતો એટલે મૂર્તિ ચોરાયા પછી તે ગેરહાજર હોય એથી શંકા તેના પર જ જાય.

'બે-ત્રણ કલાકની ઊંઘ ખેંચી લઈએ. ખબર નહિ, કાલે પોલિસને ઘૂમાવવામાં કેટલો ટાઈમ જાય...'

'પોલીસને તું શું કહીશ?'

'તને શું લાગે છે, મારે શું કહેવું જોઈએ?' ત્વરિતે ઓશિકા તળે અડધું મોં દબાવીને રમતિયાળ સ્મિત કરતાં પૂછ્યું.

'મારી બોલેરો ક્યાં છે?'

'આપણે એ ગાડીમાં જ અહીં આવ્યા છીએ... અત્યારે આપણે ડિંડોરીથી સાત કિલોમીટર દૂર કતની-શાહદોલ હાઈ-વે નજીકના એક ધાબાના ઉપરના મજલે છીએ.'

'કાલે તું ડિંડોરી જાય એ દરમિયાન હું બોલેરોને આ જગ્યાથી તદ્દન વિરુદ્ધની દિશાએ છોડી દઉં. તું મંદિરના માણસોને અને પોલીસને મળે એ દરમિયાન બોલેરો મળી આવ્યાની ખબર પડશે એટલે 'ખનીજ વિકાસ નિગમના અધિકારી' તરીકે આવેલા એ માણસ પર જ શંકા દૃઢ બનશે અને તું આબાદ નીકળી શકીશ.'

'હમ્મ્મ્મ્...' છપ્પનનું ઊઠાઉગીર દિમાગ ફરી કામે લાગી ગયું હતું એ અનુભવીને ત્વરિતને હસવું આવી ગયું.

'આઈ હોપ, કે હવે તું ભાગવાનો પ્રયાસ નહિ કરે...' ત્વરિતે મોટું બગાસું ખાતા કહી દીધું. જોકે છપ્પન ભાગવાનું ટાળે એ માટે તેના મનમાં પોતાનો પ્લાન તૈયાર જ હતો.

'હવે તો સાલા, હું તને નહિ ભાગવા દઉં...' છપ્પને પણ લોખંડના પલંગ પર પડતું મૂક્યું, 'હવે મને આ કમઠાણમાં તારાથી ય વધારે રસ પડયો છે અને મારે ભાગવું જ હોત તો તું ન્હાવા ગયો ત્યારે પૂરતી તક હતી જ...'

'આઈ સી...' ત્વરિતે નેણ અધ્ધર ચડાવીને છપ્પનની સામે સ્મિત કર્યું.

'બંને ગન બહાર મૂકીને તું બાથરૃમમાં ગયો હતો... એવી ભૂલ બીજી વાર ન કરતો..' છપ્પન પણ હવે ત્વરિતની ધાકમાંથી બહાર આવી રહ્યો હતો.

'ડોન્ટ વરી માય ડિઅર...' ત્વરિતે પડખું ફરતાં કહ્યું, 'હવે સૂઈ જા, મારી ય આંખ ઘેરાય છે..' પછી પલંગની દિશામાં છપ્પન તરફ ગરદન જરાક ઘૂમાવીને ઉમેર્યું, '... અને ભરોસો રાખજે, બતાવવાની અને ચલાવવાની ગન હું અલગ અલગ રાખું છું'

- અને બેફિકરાઈથી ચોરસો માથા પર ઓઢીને પડખું ફરી ગયો.

છપ્પને ય ઊંડો નિઃશ્વાસ છોડીને ઓશિકું ભીંસી દીધું. પોતે છપ્પન હતો પણ આ સાલો પ્રત્યેક ક્ષણે છપ્પનની માથે સત્તાવન સાબિત થતો હતો.

*** *** ***

'હમ્મ્મ્મ્..' રાઘવે ધારદાર નજરે તેની સામે ઘડીક જોયા કર્યું. સાલાની આંખ છે કે હીરાકણીની ધાર... ત્વરિતને ચહેરો સ્વસ્થ રાખવામાં ભયંકર મહેનત પડવા લાગી હતી.

ડિંડોરીના દેવાલયમાં પહોંચીને તે મૂર્તિ ચોરાયા અંગે મહેતાજી પાસે ખરખરો કરી રહ્યો હતો એ જ વખતે પોલીસની ગાડી દેવાલયના કમ્પાઉન્ડમાં પ્રવેશતી જોઈને તેના ધબકારા તેજ થવા લાગ્યા હતા. અનાયાસે તેના પગ બૂટની એડી વડે જમીન ખોતરવા લાગ્યા હતા અને મહેતાજી સાથે વાત કરતી તેની આંખો ચકળવકળ થવા લાગી હતી. 'નો... નો ત્વરિત... ઈટ્સ ટાઈમ ટુ પ્રુવ યોરસેલ્ફ.. બી કુલ' તેણે આદતવશ પોતાની જાતને કમાન્ડ આપવા માંડયા. પેટને અંદર ખેંચીને ઊંડા શ્વાસ વડે તેણે ઘડીભર ફેફસાંને ફૂલવા દીધા. ગભરાટભરી બોડી લેંગ્વેજ સભાનપણે અટકાવી અને હળવેથી શ્વાસ છોડયો.

હજુ ય તેનું મન તેને રોકતું હોય તેમ લાગતું હતું. તેણે શું કરવું જોઈએ? કહી દેવું જોઈએ કે મૂર્તિચોર તેના કબજામાં છે ? તેણે કહી દેવું જોઈએ કે...

'શીટ્..' તેણે બેય હાથના આંગળા સ્ટ્રેચ કરીને વેઢાંના કડાકા બોલાવી દીધા. 'નો વે, જિંદગી આખી વિતી જાય તોય આવી તક કદી મળવાની નથી. ચારસો-પાંચસો વર્ષથી જેનું અસ્તિત્વ જ વાયકા ગણાવા લાગ્યું હોય એવી બાબત શોધવાના આરે તે ઊભો હતો અને એમ ડરી જવાનું?' તેણે મનની એ જરાક નબળી રહી જતી બાજુને વિચારનો ધક્કો મારીને પાછી હડસેલી દીધી.

બાળપણથી જ એ બેફિકર, બેપરવા અને બંડખોર હતો. જેટલો ભારાડી એટલો જ ચબરાક. જેટલો તેજસ્વી એટલો જ બેખૌફ.અનંતનાગની સ્કૂલમાં કડક શિસ્ત તેને જરાય સોરવતી નહિ પણ દરેક નિયમનો એ પોતાની રીતે બંદોબસ્ત કરી નાંખતો. યુનિફોર્મ પહેરવાનો તેને સખત કંટાળો, કારણ કે એ તેના પર લાદવામાં આવેલો નિયમ હતો. છઠ્ઠા ધોરણમાં એક દિવસ તેણે બિન્ધાસ્ત મનપસંદ કપડાં પહેર્યા અને પપ્પાના નામે ટીચર પર જાતે જ ચીઠ્ઠી લખી નાંખી, 'આજે ત્વરિત સ્કૂલે જવા તૈયાર થઈને ઈન્ક પેનમાં શાહી ભરી રહ્યો હતો ત્યારે અચાનક શાહી શર્ટ પર ઢોળાવાથી એ યુનિફોર્મ પહેરી શક્યો નથી. માફ કરશો...' એવો કારસો કર્યા પછી એકની એક ચીઠ્ઠી વડે અઠવાડિયા સુધી યુનિફોર્મ વગર તેણે આઝાદી માણી હતી.

નિયમ, શિસ્ત, કાયદાનું તેને કદી પોતાના માટે કશું વજુદ લાગતું જ નહિ. જે સેલ્ફ ડિસિપ્લિનમાં રહી નથી શકતાં, પોતાની ક્ષમતા અને મર્યાદાને ઓળખી નથી શકતાં અને જેમને પોતે શું કરે છે તેનું ભાન નથી એવા નબળા લોકોને દાબમાં રાખવા માટે કાનૂન ઘડવા પડે છે એવું એ સ્પષ્ટ માનતો.

'તમે સાહેબને મળી લો...' મહેતાજીએ કહ્યું એ સાથે ત્વરિત સભાન બન્યો.

'હમ્મ્.. આવો ને તમે ય... મારી ઓળખાણ તો કરાવવી પડશે ને...'

એ પછી લગભગ પોણી કલાક સુધી મંદિરના ઓટલા પર રાઘવે ત્વરિતની ઉલટતપાસ લીધી. ત્વરિતે તેને બારિકાઈથી નીરખ્યો હતો. લબરમૂછિયો લાગતો આ યંગ એસીપી તદ્દન ઠંડા દિમાગે સવાલ કરી રહ્યો હતો. તેના અવાજમાં ક્યાંય પોલીસને માટે સહજ ગણાય એવી તોછડાઈ ન હતી. એ પૂરતા સન્માન સાથે વાત કરતો હતો પણ તોય ત્વરિતને તેની બાહ્ય શાલીનતા તળેથી ઠંડી દૃઢતાનો દઝારો અનુભવાતો હતો.

તેણે હસતાં ચહેરે પણ પૂરતી ઝીણવટથી ત્વરિતના તમામ ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા હતા. જમ્મુ સ્કૂલ ઓફ આર્કિયોલોજીના ઓનરરી ફેકલ્ટી તરીકેનું આઈ-કાર્ડ, તેનો પાસપોર્ટ અને બીજા કેટલાંક કાગળોના ફોટા પાડી લેવાની કોન્સ્ટેબલને સૂચના આપી હતી. ત્વરિત કોણ છે, શા માટે અહીં આવ્યો છે, વગેરે તમામ બાબતો તેણે રસપૂર્વક સાંભળી હતી.

સાલાની આંખ છે કે હીરાકણીની ધાર... ત્વરિતને ચહેરો સ્વસ્થ રાખવામાં ભયંકર મહેનત પડવા લાગી હતી.

'બટ મિ. કૌલ...' ચાનો કપ ઊઠાવીને સૌજન્યપૂર્વક ત્વરિતને ધરતાં તેણે કહ્યું, 'ડોન્ટ યુ ફિલ ઈટ સ્ટ્રેન્જ કે અહીં આટલી મૂર્તિઓ હોય તેમાંથી આ એક જ મૂર્તિ ચોર ઊઠાવી જાય?'

'સી, આઈ કાન્ટ સે એનિથિંગ અબાઉટ મોડસ ઓપરેન્ડી...' ત્વરિતે પણ એટલી જ સલુકાઈથી ચાનો ઘૂંટ ગળા નીચે ઉતારતા જવાબ વાળ્યો, 'બટ આઈ થિન્ક, બધી મૂર્તિ ઊઠાવવી એટલી આસાન પણ ન હોય એટલે તેણે હાથ લાગી અથવા તો કાઢવી સરળ લાગી એ મૂર્તિ ઊઠાવી હોય તેમ બને...'

'હમ્મ્મ્.. રાઈટ... બટ એઝ એન એક્સપર્ટ વોટ ડુ યુ થિન્ક, એ મૂર્તિ કોઈ રીતે વિશિષ્ટ હોઈ શકે?'

'એઝ એન એક્સપર્ટ...' ત્વરિતે સ્મિતભેર કહ્યું, 'મારા માટે તો આ બધી જ મૂર્તિઓ વિશિષ્ટ છે. ધો આઈ નીડ ફર્ધર સ્ટડી એન્ડ ઈન્વેસ્ટિગેશન, બટ માય રફ આઈડિયા સેઝ... આ બધી મૂર્તિઓ દેવાલયથી ય વધુ પૂરાણી લાગે છે. રાધર, એ જ મારા રિસર્ચનું મેઈન ફોકસ છે.'

'સી ધીસ..' રાઘવે એક બાસ્કેટ તેની આગળ ધર્યું. તેમાં પ્લાસ્ટિકના નાનકડાં પેકિંગમાં સૂકાયેલી માટીના સેમ્પલ, લાકડાના દોઢ-બે ઈંચ લાંબા ધારદાર ટૂકડા, દોરાના કેટલાંક ઘસાયેલા કટકા વગેરે જેવી ચીજો હતી, 'આ બધું એ ચોરાયેલી મૂર્તિના થાળા પાસેથી મળ્યું છે. મૂર્તિ ઉખાડવામાં તેનો ઉપયોગ થયો હોય તેમ લાગે છે?'

ત્વરિત ધ્યાનપૂર્વક એ જોઈ રહ્યો. છપ્પનિયો ય મારો બેટો ખરો ખેલાડી છે. સાલાએ આવા બધા દેશી સરંજામ વડે આબાદ રીતે મૂર્તિ કોરી પાડી હતી. ત્વરિતે મનોમન છપ્પનને શાબાશી દઈ દીધી પછી રાઘવની સામે જોઈને સ્વસ્થ સ્મિતભેર કહ્યું, 'તેણે કઈ રીતે મૂર્તિ કાઢી એ વિશે હું કંઈ અનુમાન કરી શકતો નથી. બટ..' તેણે લાપી-ચૂનાની સૂકાયેલી પેસ્ટવાળુ પેકિંગ સુરજ સામે ધરીને ઝીણી આંખે જોતાં ઉમેર્યું, 'આર્કિયોલોજીના પોઈન્ટથી કહું તો આવી ચીજો અમે ન વાપરીએ..'

'તો તમે મૂર્તિઓનું રિસ્ટોરેશન કઈ રીતે કરો?' ત્વરિતને પેટમાં ગોટા વળવા માંડયા હતા. આ છોકરડા જેવો લાગતો એસીપી સાલો બરાબર હોમવર્ક કરીને બેઠો હતો. ઉડાઉ જવાબ એ દઈ શકતો ન હતો અને ઠંડકથી પૂછાતા સવાલોની ઝડીથી થતી અકળામણ તેનાંથી છુપાવી શકાય તેમ ન હતી.

તેણે જવાબ વાળ્યો, 'એ બધી મેથડ સમજવા માટે તમારે આર્કિયોલોજી ભણવું પડે' તેણે ચહેરા પર સ્મિત મઢીને શક્ય તેટલા ફ્રેન્ડલી થવા કોશિષ કરી પણ તેની ભાષામાં છુપાયેલો વ્યંગ રાઘવે બરાબર પકડયો.

'જરૃર પડયે એ પણ કરીશ..' તેણે ચહેરાની એક રેખા સુદ્ધાં બદલ્યા વગર કહ્યું, 'ફિલહાલ તો મારે એ જાણવું છે કે જો તમારે આ મૂર્તિ કાઢવાની હોય તો તમે શું કરો?'

'મારે ચોરની માફક છાનાછપના તો આ મૂર્તિ કાઢવાની હોય નહિ. ઓર લેટ મી સે, મેં એવી રીતે કદી મૂર્તિ કાઢી નથી. અમે તો આધુનિક સાધનો વાપરીએ. મૂર્તિને હાનિ ન થાય એ રીતે તેના બેઈઝથી દોઢ-બે ફૂટ નીચેનો ભાગ મશીનથી કોરી લઈએ. આ મૂર્તિ તેના પાયામાંથી માંડ પાંચ સેન્ટિમીટર ઊંડાઈનો કાપો પાડીને ઉખેડી લેવાઈ હોય તેમ લાગે છે. એ માટે ચોરે કઈ પદ્ધતિ અજમાવી, કેટલો ટાઈમ લીધો, કેવા સાધનો વાપર્યા એ સમજવા માટે મને ય અનહદ તાલાવેલી છે. બિકોઝ...' તેણે રાઘવની આંખમાં આંખ પરોવીને કહ્યું, 'આવી કાબેલિયત તો મારેય શીખવી પડે. ચોર પકડાય ત્યારે તેનો ડેમો જોવા માટે મને ય બોલાવજો..'

'ઓહ સ્યોર મિ. કૌલ... ડેફિનિટલી આઈ વિલ..' રાઘવે બહુ જ મોકળાશથી હસીને કહ્યું, 'બટ માય લાસ્ટ એન્ડ પરહેપ્સ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઈઝ...' તેણે મૂર્તિઓના એ જમેલા ભણી આંગળી ચિંધી, 'અહીંની કોઈ મૂર્તિ વામપંથી હોઈ શકે ખરી?'

ત્વરિત સડક થઈ ગયો. એસીપી આટલી ઝડપથી તપાસના છેક આ તબક્કા સુધી પહોંચી ગયો હતો? મૂર્તિ વામપંથી હતી એવું પોતે આટલા સમયથી અહીં આવતો હતો તોય ખબર નથી પડી અને એસીપીને આટલી જલ્દી તેનો અંદાજ કેવી રીતે આવી શક્યો? જો એ આ મૂર્તિ વામપંથી હોવાનું જાણતો હોય તો તેની વિશેષતા ય તેને ખબર હોય અને તો પછી એ ચોરીની ગંભીરતા ય બરાબર પામી ગયો હોય.

તેના પેટમાં આંટા ભીંસાવા લાગ્યા હતા. ખુરસી પર બેઠો હોવા છતાં તેના પગની પીંડીના સ્નાયુઓ ધ્રૂજી રહ્યા હતા. આ માણસને કોઈપણ રીતે આગળ વધતો રોકવો જ રહ્યો.

'વામપંથી એટલે? યુ મિન..' ચહેરા પર ભોળપણ ઓઢીને તેણે ઝીણી આંખે રાઘવને તાકીને જાણીજોઈને વાક્ય અધૂરું છોડયું. એ હવે રાઘવને ચકાસી રહ્યો હતો.

'અફકોર્સ ઈટ્સ નન ઓફ માય બિઝનેસ બટ અલ્ટિમેટલી ઈટ્સ અ ડર્ટી જોબ, યુ નો..' રાઘવે બેય હાથ પહોળા કરીને સહજભાવે કહ્યું પણ આ વખતે પ્રતિક્રિયામાં ત્વરિત સહજ રહી શકતો ન હતો, 'અમારૃં પોલીસનું કામ જ એવું છે. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. જેને લગતો ગુનો બને તે વિષયમાં ઊંડા ઉતરવું જ પડે. ફિનાન્શ્યલ ફ્રોડ થાય તો લોકલ ઈકોનોમિક્સ સમજવું પડે અને મર્ડર થાય તો સાયકોલોજી, સોશિયોલોજી ય શીખવા પડે. હવે આ મૂર્તિ ચોરાઈ તો...' તેણે બેફિકરાઈથી ખભા ઉલાળ્યા, 'અબ માયથોલોજી, આર્કિયોલોજી ભી પઢના પડતા હૈ...'

ત્વરિતના મગજમાં ભયાનક અવાજે ઘંટડીઓ વાગી રહી હતી. તેણે પીન પોઈન્ટેડ ક્વેશ્ચન પૂછ્યો હતો અને આ સાલો ગોખેલું બોલતો હોય તેમ કડકડાટ બોલી ગયો હતો પણ વામપંથ વિશે પોતે કેટલું જાણે છે, કોણે તેને આ દિશામાં દોર્યો એ વિશે એક લફ્ઝ બોલ્યો ન હતો. આ માણસની સામે વધુ વખત ઊભા રહેવું હવે તેને ભયજનક લાગવા માંડયું હતું.

તેણે ટૂંકમાં પતાવવા માંડયું, 'વામપંથી મૂર્તિ વિશે હું પણ થોડુંક ભણ્યો છું પરંતુ આવી મૂર્તિઓ કોઈએ જોઈ નથી. એ ફક્ત જૂના પુસ્તકોના પાના પર રહી ગયેલી એક હકિકત માત્ર છે. આવી મૂર્તિઓ હતી પરંતુ હજુ ય ક્યાંય છે કે નહિ એ કોઈને ખબર નથી.'

'પણ આપણે પર્ટિક્યુલરલી આ ચોરાયેલી મૂર્તિની જ વાત કરીએ તો...'

'આ મૂર્તિ વામપંથી હોય તેવું હું માનતો નથી...' ત્વરિતે મક્મતાપૂર્વક કહી દીધું, '..કારણ કે, ડિંડોરીની આ પૂરાતન મૂર્તિઓ, ભલે લોકોમાં ખાસ જાણીતી ન હોય, પરંતુ પૂરાતત્વ અને મૂર્તિશાસ્ત્રના નિષ્ણાતો માટે આ સાઈટ સ્હેજે ય અજાણી નથી. આ દેવાલયના ઘુમ્મટની બાંધણી વિશે મંદિર સ્થાપત્યમાં ભણાવવામાં ય આવે છે. મતલબ કે, બહુ બધા એક્સપર્ટ્સ આ સાઈટ વિશે, અહીંની મૂર્તિઓ વિશે જાણે છે. મેં કદી ક્યાંય કોઈની પાસે ડિંડોરીની આ મૂર્તિઓ વામપંથી હોવા વિશે અછડતું ય સાંભળ્યું નથી.'

'તો પછી...' રાઘવે અવઢવમાં દાઢી ખંજવાળતા ચહેરા પર અકળામણના ભાવ સાથે કહ્યું, 'મને સમજાતું નથી કે આ મૂર્તિમાં એવું શું હશે..'

'સી મિ. માહિયા.. એઝ આઈ ગેસ, હજુ ગઈકાલ સુધી એ મૂર્તિ ધૂળ ખાતી ઉપેક્ષા પામતી હતી એ મેં નજરે જોયું છે. દર વખતે હું આવું ત્યારે પહેલાં તો મારે એ કમ્પાઉન્ડની સાફસફાઈ કરવી પડતી જેથી હું ત્યાં બેસી શકું. પરંતુ ચોરે આટલી મૂર્તિઓ વચ્ચેથી ફક્ત એ જ મૂર્તિને ઊઠાવી એટલે આપણું ધ્યાન દોરાયું. એટલે હવે આપણે એ મૂર્તિનું ઈમ્પોર્ટન્સ નક્કી કરવા આવા બધા તર્ક લડાવીએ છીએ..'

'રાઈટ...' રાઘવે સંમતિસૂચક આંખો નચાવીને દોસ્તાના અંદાજમાં ત્વરિતનો ખભો થાબડયો, 'ઐસા ભી હો સકતા હૈ' પછી કપાળ પર ત્રણ કરચલી પાડીને વચ્ચે સવાલ પરોવતાં ઉમેર્યું, 'લેકિન યે ગાંવવાલેં, યે પૂરોહિત તો કહેતે હૈ કિ પાંડવ યહાં આયે થે... ભીમને લોટા ઉલટા કરકે યે શિવલિંગ બનાયા..' એ સાલો ભોળો હતો, ભોટ હતો, વાત કઢાવતો હતો કે સહજ રીતે જાણકારી મેળવતો હતો? ત્વરિતને સમજાતું ન હતું. ઘડીભર તેને થઈ ગયું કે, આનાં કરતાં તો પોલીસ થર્ડ ડીગ્રી અજમાવે તો માર સહી લેવાનું વધારે સ્હેલું પડે!

તેણે તિરસ્કારભર્યું હાસ્ય વેરીને મોં મચકોડતા કહી નાંખ્યું, 'એ તો એવું હોય કે, મંદિરના પૂજારીઓ, ગામલોકો તો પોતાના મંદિરનો મહિમા વધારવા આવી વાર્તાઓ જોડી કાઢતા હોય પરંતુ એ બધી ફેંકમફેંકથી વિશેષ કશું ન હોય.'

'વેલ, મિ. કૌલ...' રાઘવ ઓટલા પરથી નીચે ઉતર્યો એ સાથે ત્વરિતને હાશ થઈ, 'થેંક્સ ફોર યોર કાઈન્ડ હેલ્પ..' તેણે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો એ જ ઘડીએ મંદિરના કમ્પાઉન્ડમાં સપાટાભેર પોલીસની બીજી એક ગાડીએ વળાંક લીધો અને ઓટલા પાસે આવીને ઊભી રહી.

અંદરથી એક ઈન્સ્પેક્ટર દરજ્જાનો ઓફિસર ઉતર્યો અને ત્વરિત-રાઘવથી સ્હેજ અંતર રાખીને તેણે કડક સલામ કરી.

'યસ હોલકર..' તેની ઉતાવળ અનુભવીને રાઘવની આંખોમાં સવાલ તરતો હતો.

'સર..' હોલકરે ત્વરિત સામે સૂચક નજર ફેરવીને અદબભેર કહ્યું, 'એક ઈન્ફોર્મેશન હૈ સર..'

'અરે કહીએ, નો પ્રોબ્લેમ..' રાઘવે સ્મિત વેરીને ત્વરિતને સહેજ આગળ કર્યો, 'આ મિ. ત્વરિત કૌલ છે. જમ્મુના આર્કિયોલોજિસ્ટ છે. અહીં મૂર્તિઓના સંશોધન માટે વારંવાર આવતા હતા.'

ત્વરિતે હોલકર સાથે હાથ મિલાવ્યો પછી હોલકરે રાઘવને કહ્યું, 'કન્ટ્રોલમાંથી ફોન હતો. શાહદોલથી ૧૭ કિલોમીટર દૂર સોહાગપુર ગામના વગડામાંથી બોલેરો ગાડી નધણિયાતી મળી આવી છે.'

'હમ્મ્મ્...' રાઘવના ચહેરા પર સતર્કતા અંકાતી ત્વરિત જોઈ રહ્યો. તેના કંઠે શોષ પડી રહ્યો હતો. છપ્પને કામ બરાબર તો પાર પડયું હશે ને?

હોલકરે આગળ ચલાવ્યું, 'ગાડી પર મધ્યપ્રદેશ ખનીજ વિકાસ નિગમનું બોર્ડ છે પણ તપાસ કરતાં ખબર પડી છે કે નિગમ પાસે આવી કોઈ ગાડી નથી.'

'રજીસ્ટ્રેશન નંબર?'

'ખોટો છે..' હોલકરે તરત જવાબ વાળ્યો, 'એન્જિન ચેસિસ નંબર આરટીઓમાં મોકલ્યા છે પણ એ ગાડી મધ્યપ્રદેશની તો નથી જ લાગતી.. અને દેવીલાલે લીધેલા સ્ટેટમેન્ટમાં એવી વિગત છે કે આ જ ગાડી લઈને આવેલો માણસ મૂર્તિની ચોરી થઈ ત્યાં સુધી ચાર દિવસથી અહીં હતો..'

'હમ્મ્મ્...' રાઘવે કદમ ઊઠાવ્યા અને બેપરવાઈથી કહી દીધું, 'મંદિરના માણસોની પૂછપરછ કરીને એ આદમીનું વર્ણન મેળવો અને આર્ટિસ્ટને બોલાવીને તેનો સ્કેચ તૈયાર કરાવો' હોલકરને સમજાતું ન હતું કે એક મામૂલી મૂર્તિમાં માહિયા કેમ આવડો બધો તાયફો કરી રહ્યો હતો. તેણે અણગમા સાથે સલામ કરી અને ધર્મશાળા ભણી ચાલવા માંડયું.

'ઓકે મિ. કૌલ..' રાઘવે ત્વરિત સાથે ઉષ્માભેર હાથ મિલાવ્યા. ત્વરિત તેના છોકરડા જેવા ચહેરા હેઠળના સ્નાયુઓનું બઠ્ઠડપણું અનુભવી રહ્યો, 'હવે તમારો શું પ્રોગ્રામ છે?'

'બસ, ઈફ યુ એલાઉ મી... હું અહીંથી હવે દિલ્હી જઈશ. ત્યાં એક ઈન્ટરનેશનલ કોન્ફરન્સ છે તેમાં કદાચ હાજરી આપીશ નહિ તો મેહરૌલી રહેતા મારા એક જૂના દોસ્તને મળવા જઈશ. ત્યાંથી જમ્મુ..'

'યોર લાઈફ સીમ્સ ઈન્ટરેસ્ટિંગ..' રાઘવે સ્મિત વેર્યું, 'મારા ઈન્ટ્રોગેશનમાં ક્યાંય મેં તમને અપસેટ કર્યા હોય તો આઈ એમ સોરી બટ આઈ એમ વેરી મચ પ્લિઝ્ડ ટુ મીટ યુ.. તપાસમાં કદાચ ક્યાંય તમારી જરૃર પડશે તો વી વીલ કોલ યુ..'

'એનીટાઈમ મિ. માહિયા...' ત્વરિતે ફરીથી હાથ મિલાવ્યો અને મંદિરની છેક બહાર રસ્તા પરના ધાબા પાસે પાર્ક કરેલી ફોર્ડ ઈકોસ્પોર્ટ ભણી ચાલવા માંડયું. મંદિરનું એ ચોગાન, ચોગાનની વચ્ચે પીપળાનું એ ઝાડ, ઝાડ હેઠળનો એ ઓટલો અને ઓટલા પર ખુરસી નાંખીને બેઠેલો એસીપી રાઘવ માહિયા... પાછુ ફરીને જોવાના હવે તેને હોશ ન હતા.

(ક્રમશઃ)