64 Summerhill - 15 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 15

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ – 15

ચોમાસાની સવારનો ભીનો અજવાસ આંજીને ડિંડોરી હજુ આળસ મરડી રહ્યું હતું ત્યારે જિપ્સી વાન ગામના પાદરમાં દાખલ થઈ ગઈ હતી. દૂર ટેકરીઓ પરથી ખેતર ભણી વહી આવતો પાણીનો નાનકડો ઝરો, જ્યાંત્યાં ભરાયેલા ખાબોચિયાં, ભીની માટીના કાદવમાં લપેટાતી ઢોરના છાણની ગંધ, સડકની પેલી તરફ ખુલ્લામાં લાઈનબંધ હાજતે બેસીને એકબીજા પર કાંકરીદાવ રમી રહેલા નાગાપૂગાં ટાબરિયા અને અહીં પુરોહિતવાડામાં તુલસીના ક્યારા પાસે પ્રગટાવેલા દિવડાંની પવનની લપડાકે તરફડતી જ્યોત.. રાઘવે ડેલાના ઢાળ પાસે ગાડી થંભાવી.

અંદર ઓસરી પર મોટા બોઘરણામાં વલોવાતા વલોણાનો ફફડાટી જેવો અવાજ છેક અહીં સુધી સંભળાતો હતો. સીધા અંદર જવું કે બહારથી હાક મારવી તેની અવઢવમાં રાઘવ ઘડીક ત્યાં જ ઊભો રહ્યો.

'કિસકા કામ...' ડેલાની બાજુની નાનકડી ડોકાબારીમાંથી ગરદન બહાર કાઢીને દાતણની ઉલ ઉતારી રહેલા એક માણસે તેને પૂછ્યું એટલે રાઘવ એ દિશામાં ફર્યો, 'અરે.. સાહબ આપ?' આટલું કહીને તેણે તરત ગરદન અંદર ખેંચી. રાઘવ કશું સમજે એ પહેલાં ગમછાથી હાથ-મોં લૂછતો એ બહાર આવ્યો, 'આઈએ સા'બ... ઘડીક તો હું ઓળખી ન શક્યો...'

એ ડિંડોરી દેવાલયનો પૂજારી હતો. ટૂંકા પહેરણ અને ઊભી લીટીવાળા પાયજામામાં 'ઓપતા' પૂજારીને ઘડીક રાઘવ પણ ઓળખી શક્યો ન હતો.

'માફ કિજિયે...' તેણે કંઈક ક્ષોભથી કહેવા માંડયું, 'બિના બતાયે હી ઈતની જલ્દી ચલા આયા...' સવાર પડે અને કોઈકને મોકલીને શાસ્ત્રીજીની અનુકૂળતા પૂછાવી શકાય એટલી રાઘવને ધીરજ ન હતી.

જેક ડેનિયલ્સના ત્રણ પેગ પછી ય તેને ઘેન વર્તાતુ ન હતું અને રાતભર પથારીમાં તેણે પડખાં ઘસ્યા હતા. આંખ જરાક મિંચાતી હતી અને તેને ઘડીકમાં ડિંડોરીની મૂર્તિ દેખાતી હતી તો ઘડીક હરિયાણાની એ ચોરાયેલી મૂર્તિના ગળા ફરતા વિંટળાયેલો કાચ પાયેલા દોરાનો હારડો દેખાતો હતો.

સવારે રોજની આદત મુજબ એ સાડા પાંચે ઊઠી ગયો. ઘરે થોડીક વોર્મઅપ એક્સર્સાઈઝ કરી. પંદરેક મિનિટ સ્ટેશનરી સાઈકલ ચલાવી. ટ્રેક સૂટ પહેરીને જોગિંગ પર નીકળતો હતો ત્યાં અચાનક જ વિચાર બદલીને ગાડી મારી મૂકી ડિંડોરીની દિશામાં...

'શાસ્ત્રીજી કૈસે હૈ?' ઉત્સુકતાનો માર્યો એ સવારના પહોરમાં આવી તો ચડયો પણ અહીંનો માહોલ જોઈને હવે રાઘવને ય સંકોચ થતો હતો.

'સાસ્ત્રીજી કી અબ ઉમર હો ગવઈ તો...' પૂજારીએ વેકરા વચ્ચે જાસૂદ-કરેણના ક્યારા પાસે ખાટલો પાથર્યો, '..થોડા-બોત ચલતા હી રિયો'

એટલી વારમાં એક ટાબરિયો પાણી ભરેલો પિતળનો લોટો ય આપી ગયો અને થોડી વાર પછી ઘૂમટો તાણેલી એક ઓરત સ્ટિલની રકાબીમાં ગરમ ગરમ વરાળ કાઢતી ચા ય પીરસી ગઈ. પંદર-વીસ મિનિટ પછી શાસ્ત્રીજી પૂજાપાઠમાંથી પરવાર્યા અને રાઘવને સન્મુખ થયા.

'શાસ્ત્રીજી...' તબિયતની અને હવામાનની ને એવી બધી ઔપચારિક વાતો પછી આખરે રાઘવે ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, 'મૈં બહોત શરમિંદા હું ઐસે વક્ત આને કે લિયે લેકિન..' તેણે વાક્ય પૂરું કર્યા વિના જ શાસ્ત્રીજીની સામે જોયું. ડગમગતી ગરદન પરાણે સ્થિર રાખીને કરચલિયાળા ચહેરે શાસ્ત્રીજી તેની સામે માયાળુ સ્મિત વેરી રહ્યા હતા.

'અહીં જે રીતે મૂર્તિ ચોરાઈ છે એવી જ રીતે હરિયાણાના એક પૂરાતન મંદિરમાંથી ય થોડાંક સમય પહેલાં મૂર્તિ ચોરાઈ હતી..' રાઘવે એ બંને ચોરી વચ્ચેનું સામ્ય અને પોતાની શંકા જતાવીને મોબાઈલના સ્ક્રિન પર દેખાતા ફોટોગ્રાફ શાસ્ત્રીજીની સામે ધર્યા, 'આપ કહે પાયેંગે... આ બેય મૂર્તિમાં કંઈ સામ્ય હોય તો?'

શાસ્ત્રીજીએ પૂજારીની સહાયતાથી મોબાઈલના સ્ક્રિનને ઝીણી આંખે તાક્યા કર્યો. ઘડીક આંખ આડે હાથનું નેજવું કર્યું. ઘડીક અજવાસની વિરુદ્ધ દિશામાં મોબાઈલ ધર્યો. રાઘવની આંખોમાંથી ઉત્સુકતાની ધાર થઈ રહી હતી.

'આમ તો મને કંઈ સમજાતું નથી...' શાસ્ત્રીજીએ આંખોમાં આવી ગયેલું પાણી લૂછતા કહ્યું, 'મૂર્તિઓ તો બધી એક જેવી જ લાગે. તફાવત શોધવો આસાન નથી હોતો. મારા જેવો માણસ જો એ તફાવત પારખી જતો હોય તો પછી એ મૂર્તિનું મહત્વ જ શું રહ્યું?'

'...પણ આ હરિયાણાની મૂર્તિ ય વામપંથી હોઈ શકે એવું કહી શકાય?' રાઘવના મગજમાં વામપંથનો વંટોળિયો ઘૂમરાયા જ કરતો હતો.

'મેં પહેલાં જ કહ્યું હતું કે, એ મારો વિષય નથી. ડિંડોરીની આ મૂર્તિઓ વામપંથી હોઈ શકે એવું મેં મારા વડવાઓ પાસેથી સાંભળ્યું છે. કઈ મૂર્તિ વામપંથી છે, શા માટે એ વામપંથી છે એ તો કોઈ નિષ્ણાત જ કહી શકે. એવું જ આ મૂર્તિનું.' શાસ્ત્રીજીએ સ્હેજ ગરદન ઊંચકીને પૂજારીની તરફ જોયું, 'મંદિરમાં પેલા ભાઈ આવે છે તેમની સાથે સાહેબની ઓળખાણ કરાવને... એ કદાચ કંઈક જાણતા હોય તો...'

'ક્યા ભાઈ?' પૂજારી ઘડીક શાસ્ત્રીજીની સામે અવઢવમાં જોઈ રહ્યો અને પછી અચાનક ઝબકારો થયો હોય તેમ તેણે કહ્યું, 'અરે વો... અરે હાં, ઓ સા'બ કો તો મિલા દિયો'

'કોની વાત કરો છો?' રાઘવને હવે ઉત્તેજનાની કીડીઓના ચટકારા ચડતા હતા.

'અરે વો કસ્મીરવાલે સા'બ.. પરસો આપકો મિલાઈયો ના? ઓ મૂર્તિ કા ઈસ્ટાડી કરને આતે હૈ..'

માય ગોડ... રાઘવના ચહેરા પર અચરજ વિંઝાઈ ગયું. આ તો ત્વરિતની વાત કરે છે, 'ડો. ત્વરિત કૌલ? એ અહીં આવતો હતો? શાસ્ત્રીજીને એ મળ્યો છે?'

'હા એ જ...' પૂજારી જવાબ વાળે એ પહેલાં શાસ્ત્રીજીએ જ હકારમાં ગરદન હલાવી દીધી, 'ઉંમરમાં નાનો છે પણ મૂર્તિઓનો અભ્યાસ સારો છે.'

'એ વામપંથી મૂર્તિઓ વિશે જાણે છે?' રાઘવ ભારે પ્રયત્નપૂર્વક સમગ્ર ગુત્થીના છેડા સુધી આવી ગયાનો ઉન્માદ ચહેરા પર આવતો રોકી રહ્યો હતો.

'એ તો મને ખબર નથી પણ મૂર્તિઓનો સમયગાળો, તેની રચનાનો પ્રકાર, તેનો હેતુ વગેરે તેમના સંશોધનના વિષયો હોય છે એવું એ કહેતો હતો. ડિંડોરીની મૂર્તિઓ મંદિરથી ય વધારે પ્રાચીન હોવાનું તે માનતો હતો. મારી સાથે ય બે-ચાર વાર ચર્ચા કરી ગયો છે. મેં તેને કહ્યું હતું કે આ મૂર્તિ પૂરાતન છે, કંઈક ભેદી ય હોવાનું મારા વડવા કહેતા હતા પણ એ માનતો ન હતો. તે કહેતો હતો કે એવા તો કંઈક ગપગોળા હોય..' શાસ્ત્રીજીએ મંદ સ્મિત કરીને ધૂ્રજતા હાથે હવામાં સંમતિ વેરી.

પાછા ફરતી વખતે રાઘવનો પગ એક્સલરેટર પર અથડાતો હતો, હાથ સ્ટિઅરિંગ પર યંત્રવત્ત ફરતો હતો અને દિમાગમાં સવાલોનો દાવાનળ પ્રગટયો હતો. તેણે ત્વરિતનું આટલું ડિટેઈલ્ડ ઈન્ટ્રોગેશન કર્યું તેમાં તેણે એમ કેમ ન કહ્યું કે તે દુર્ગાશંકર શાસ્ત્રીને મળ્યો છે? વામપંથી મૂર્તિ વિશે સ્પષ્ટ રીતે તેને પૂછ્યું ત્યારે તો તે શાસ્ત્રીજીનો ઉલ્લેખ કરી જ શક્યો હોત? છેલ્લે જ્યારે તેણે ગામલોકોની પાંડવકાલીન મંદિર હોવા વિશેની માન્યતા અંગે સવાલ કર્યો ત્યારે પણ તે બોલી શક્યો હોત. તો શું ત્વરિતે જાણી જોઈને શાસ્ત્રીજી સાથેની તેની મુલાકાત છૂપાવી હતી? વધુ સવાલોથી બચવા માટે તેણે શાસ્ત્રીજીનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું? કે પછી પોતે શાસ્ત્રીજી વિશે ન પૂછ્યું એટલે સહજ રીતે જ તેણે ય કંઈ ન કહ્યું?

અકળાયેલા રાઘવે બ્રેકપેડલ પર પગ સજ્જડ દબાવ્યો એ સાથે ભીની, કાચી સડક પર ચિચિયારી સાથે મોટો લિસોટો પાડતી જીપ્સી ઊભી રહી ગઈ. જીપ્સીના હૂડ ફરતો હાથ ભીંસીને ક્યાંય સુધી તે વિચારતો રહ્યો. મનોમન ગણતરીઓ માંડતો રહ્યો અને પછી ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને કોન્ટેક્ટ લિસ્ટમાં એક નામ શોધ્યું...

ઝુઝારસિંઘ મલ્હાન...

***

ખુરસી પર પગ ચડાવીને એ એવી રીતે બેઠી હતી જાણે મિસરની મહારાણી હોય. રૃમમાંથી બહાર આવેલો ત્વરિત આ નજારો જોઈને રીતસર ભડકી ગયો હતો.

તેને એકલો અહીં છોડીને છપ્પનિયો 'કુછ પ્લાન કરના પડેગા' કહીને વહેલી સવારથી કેકવા જોડે ક્યાંક જતો રહ્યો હતો. આખો દિવસ તેણે બહાર ખુલ્લા ખેતરમાં લટાર મારીને અને આ સાંકડા, ગંધાતા ઓરડામાં ઊંઘીને પસાર કર્યો હતો. આળસ મરડીને તે પથારીમાંથી બેઠો થયો અને ઘડિયાળમાં જોયું. પોણા છ થવા આવ્યા હતા. હવે તો છપ્પન આવ્યો જ હશે એમ ધારીને એ બહાર આવ્યો ત્યારે દાદર ભણી ફંટાતા રવેશ પાસે આ અનહદ રૃપાળી અને મારકણી બલા કોણ બેઠી હતી?

તેણે એ છોકરીની સામે ધારીને જોયું અને પછી અકળામણમાં હાક મારી, 'છપ્પન...'

નીચેથી કંઈ અવાજ ન આવ્યો એટલે તેણે ફરીથી બૂમ પાડી, 'કેકવા...'

'અબ્બી આ રિયે હૈ સરકાર..' ભોંયતળિયેથી છોકરાએ દાદરના કઠેડા ભણી નજર ઊંચકીને જવાબ વાળ્યો.

દૂર ક્ષિતિજ પર ચોમાસાની ગોરંભાયેલી સાંજે વાદળો તળે અથડાતો સુરજ આથમવા જઈ રહ્યો હતો. આગલી મોડી રાતે પડવો શરૃ થયેલો વરસાદ બપોર થતા થંભી ગયો હતો પણ ભીની માટીની ઘેનભરી સોડમ ખેતરના ઊભા મોલની લીલાશ ઓઢીને હજુય હવામાં વિંઝાતી હતી. ધાબાની સામેના ચોગાનમાં આઠ-દસ ટ્રક પાર્ક કરીને ત્રણેક ખાટલા પર ડ્રાઈવરો ગંજીપો ચીપી રહ્યા હતા અને સીડી પ્લેયર પર કેકવાના આગમનની છડી પોકરાતો યેશુદાસ ગાઈ રહ્યો હતો, 'ઈન નજારોં કો તુમ દેખોઓઓઓ.. ઔર મૈં તુમ્હેં દેખતે હુએ દેખું... મૈં બસ..'

ત્વરિતે ફરીથી એ છોકરી તરફ જોયું. ત્વરિતની હાજરીની કે નજરની સ્હેજપણ પરવા કર્યા વગર એ છોકરી બિન્દાસ્ત ઊભી થઈ. બાજુના ઓરડાના દરવાજા પાસે મૂકેલા જાતભાતના સામાનમાંથી એક થેલો તેણે ઊંચક્યો અને બહારનું ઝીપ પોકેટ ખોલીને અંદરથી કશુંક પડીકું ખેંચ્યું. ત્વરિત તેને શંકાભરી નજરે ધારી-ધારીને જોઈ રહ્યો હતો. પડીકામાંથી તેણે રસીલી સુપારીના ચાર-પાંચ પાઉચ કાઢ્યા. એક પાઉચ તોડીને સીધું જ મોંમાં ઓર્યું અને ત્વરિતની સામે મારકણી આંખોનો માદક ઉલાળો કરીને રાની મુખર્જી જેવા હસ્કી અવાજે પૂછ્યું, 'ચખોગે સરકાર?'

- અને એક કાચી સેકન્ડમાં ત્વરિત મનોમન ભડકો થઈ ઊઠયો. સાલી શું છોકરી હતી...

ઓવલ શેઈપના ગોરા, લિસ્સા ચહેરા પર લસરતી કુમાશ, સ્હેજ મોટી, ભૂરી આંખોમાંથી અનાયાસે નીતરતું ઈજન, સસ્તી લિપસ્ટિક કરીને વધારે ઘેરા બનાવેલા ભરાવદાર હોઠ, પોનીમાં બાંધેલા બ્રાઉન શેડના રેશમી, લાંબા વાળ, ભડકીલા ઓરેન્જ રંગની તંગ કેપ્રીમાં હાંફતા ચુસ્ત માંસલ નિતંબ અને ખુલતા ગળાના સ્કિનફિટ ટી-શર્ટમાં છલોછલ ભીંસાતા સ્તનોનો લલચામણો ઉભાર...

જિંદગીમાં પહેલીવાર કોઈ છોકરીને જોઈ હોય એવી બાઘાઈથી પોતે તાકી રહ્યો છે તેનું ભાન થતાં ત્વરિત થોડોક ઓઝપાયો. એ સાલી એવી જ બેપરવાઈથી ઘાટીલા નિતંબ મટકાવતી ત્વરિતથી પાંચ જ ફૂટ દૂર રવેશમાં આમતેમ ઘૂમી રહી હતી. દુબળીના નામે પેકેટ આપી ગયેલી છોકરીનો કોયડો હજુ ઉકેલાયો નથી ત્યાં આ નવી છેલબટાઉ કોણ આવી ગઈ?

'હેલ્લો...' દુબળી અને એ ભેદી દેહાતી છોકરીના સ્મરણ માત્રથી તેના હૈયામાં પડેલો ધ્રાસ્કો જીભ વાટે નીકળી ગયો, 'કૌન હૈ તૂ?'

'કૌન, મૈં?' ખિલખિલ અવાજે એ હસી ત્યારે તેના ભર્યાભર્યા ગાલમાં પડતા ખંજન ઉન્માદનું સરનામું જાણે ચિંધતા હતા. ત્વરિતની સામે ફરીને છાતીના ઉભારને તેણે વધુ તંગ કર્યો, નીચલો હોઠ દાંત તળે દબાવીને ભલભલાં પુરુષને પગથી માથા સુધી ઝાળ લાગી જાય એવી કેફી ચેષ્ટા કરીને ઉમેર્યું, 'મૈં.. તેરી ઔરત!!'

આઘાત અને અચરજના તમામ અર્થોની પેલે પાર જઈને ત્વરિતનું મોં ખુલ્લું રહી ગયું ત્યારે સીડી પ્લેયર પર યેશુદાશ ઊંચા અવાજે જાણે તેને સંભળાવી રહ્યો હતો, 'કસ્તુરી કો ખોજતા ફિરતા મૈં હું એક બન્જારા હો બન્જારાઆઆઆ...'

(ક્રમશઃ)