64 Summerhill - 17 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 17

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 17

જ્યાંથી મૂર્તિ ઊઠાવવાની છે એ ડેરા સુલ્તાનખાઁ જગ્યા કેવી છે, બીએસએફની ચોકી કેટલી કડક છે, શા માટે ત્યાં આટલો ચુસ્ત પહેરો છે, ત્યાં સુધી ક્યા વાહનમાં પહોંચવું પડે, કેવી કેવી એલિબી-ઓળખના ખોટા પૂરાવા જોઈશે, એવા બનાવટી પૂરાવા ક્યાંથી કેવી રીતે મેળવાશે, કેવી કેવી ચીજોની જરૃર પડશે, કઈ ચીજ અહીંથી જ લઈ લેવી પડશે અને કઈ ચીજ ત્યાંથી મળશે, હવામાન કેવું હશે, જતી વખતે-ચોરી કરતી વખતે અને પાછા ફરતી વખતે કોનો હુલિયો કેવો હશે...

કાગળ પર છપ્પન એ દરેક વિગતો આંકતો ગયો, ત્વરિતના સવાલોના જવાબ આપતો ગયો, રાજનંદગાંવની બજારમાંથી કરેલા 'શોપિંગ'ને જરૃરિયાત અને અગ્રતાક્રમ મુજબના પેકિંગમાં ગોઠવતો ગયો અને ત્વરિતના ચહેરા પર અહોભાવ લિંપાતો રહ્યો.

'તેરે કો તો યાર, પ્લાનિંગ કમિશન મેં હોના ચાહીયે...' તેણે છપ્પનના ખભા પર હળવો ધબ્બો માર્યો.

'ઉધર ભી કોઈ મૂર્તિ હૈ, ક્યા?' જવાબમાં છપ્પને ય મસ્તી કરી લીધી પછી ઊંડો શ્વાસ લઈને છત ભણી ગરદન તાકી આંખ મિંચી દીધી. બંધ પોપચાની ભીતર તેનો બાપ ગૂંગાસિંઘ તેની સામે મલકી રહ્યો હતો. ચંદ સેકન્ડ પછી તેણે આંખો ખોલી ત્યારે તેના ચહેરા પર છલોછલ આત્મવિશ્વાસ ઝળકતો હતો.

એક રીઢા ચોરની પૂર્વતૈયારી, તેની કાબેલિયત અને માનસિકતા ત્વરિત રસપૂર્વક નિહાળી રહ્યો હતો, 'મને ખબર નહિ કે તેં દિવસ દરમિયાન આટલી બધી તૈયારી કરી લીધી હશે...'

પોતે નાહકનો છપ્પન પર વહેમાતો રહ્યો તેનો ક્ષોભ તેના અવાજમાં વંચાતો હતો.

'ચોરીનું કામ ફક્ત અડધી કલાકનું જ હોય છે પણ ગલતી રહી જાય તો પકડાતા દસ મિનિટ પણ નથી લાગતી. ઈસી લિયે મેરે બાપ કા ઉસૂલ થા...' છપ્પને ઓરડામાં વેરવિખેર પડેલા તમામ અસબાબને સંકોર્યો. ત્વરિતને સમજાવવા માટે કાગળ પર કરેલી નોંધ, દોરેલા નકશા પર લાઈટર ચાંપ્યું અને પછી બેય હાથ માથા પર ખેંચીને આળસ મરડતા ઉમેર્યું, 'ચોરી અઈસે કિજિયો જઈસે લૌંડિયા સે ઈસ્સક કરતે હો..'

ત્વરિતે સ્મિતભેર બેયની પથારી સરખી કરવા માંડી.

'ક્યોં, તેરી ઔરત કે સાથ સુહાગરાત નહિ મનાની?'

'જા, જા સાલા...'

'અરે અપની હી આઈટમ હૈ... મૈં તો પચાસો બાર ચખ ચૂકા હું'

છપ્પન તેને જાણે આઈસક્રિમ ખવડાવતો હોય તેમ આગ્રહ કરી રહ્યો હતો. રાની મુખર્જી જેવા હસ્કી અવાજે એ છોકરીએ પણ રસીલી સુપારી ચાવતાં આમ જ પૂછ્યું હતું, 'ચખોગે સરકાર?'

ભડકેલા ત્વરિતને ત્યારે ચાખવાનો આ બીજો અર્થ ન્હોતો સમજાયો.તેણે આંખ જરાક ઢાળીને બાજુના ઓરડામાં બેઠેલી એ છોકરીને મનોમન નિહાળી લીધી...

ભડકીલા ઓરેન્જ રંગની તંગ કેપ્રીમાં હાંફતા ચુસ્ત માંસલ નિતંબ અને ખુલતા ગળાના સ્કિનફિટ ટી-શર્ટમાં છલોછલ ભીંસાતા સ્તનોનો લલચામણો ઉભાર...

ઝાટકા સાથે તેણે ડોકું ધૂણાવી નાંખ્યું,

'નહિ યાર...'

'તો મૈં જાઉં...' છપ્પનના અવાજમાં ઉતાવળ અછતી રહેતી ન હતી, '..તેરી ઔરત કે સાથ?'

અડધી કલાક પછી ત્વરિત અહીં આંખ મિંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે બાજુના ઓરડામાં લોખંડના પલંગના કિચૂડાટ પર સવાર થઈને ફેંકાતા માદક ઊંહકારા બારી વાટે ત્વરિતના કાનમાં પડઘાતા હતા.

તે સફાળો બેઠો થઈ ગયો. આંખ મિંચાતી હતી અને એ છોકરીનું ભર્યુંભર્યું બદન કીકીઓમાં પથરાઈ જતું હતું. ધ્યાન વાળવા માટે તેણે છપ્પને કહેલી ડેરા સુલ્તાનખાઁની વિગતો તાજી કરવા માંડી, જ્યાં જવા માટે કાલે વહેલી સવારે તેમણે નીકળવાનું હતું...

***

'સલામ સરજી...' મોબાઈલ વાઈબ્રેટ થયો કે તરત તેણે બ્લ્યુટૂથ ઓન કરી દીધું.

'કહાં પહુંચે મલ્હાન?' ઝુઝારનો મિજાજ જાણતા રાઘવે સલૂકાઈથી પૂછ્યું.

મધ્યપ્રદેશ કેડરમાં પોસ્ટિંગ મળ્યું કે તરત રાઘવે પોતાનું નેટવર્ક પાથરવા માંડયું હતું. જૂના કોઈ ઓફિસર પોતાના ઈન્ફોર્મર તેને આપવાના ન હતા એ તેને ખબર હતી. એ નવોસવો હોય ત્યારે જરાક નબળો પડશે તો નીચેની પાયરીના ઈન્સ્પેક્ટર પણ તેને દબડાવી જશે એ ય તેને સમજાતું હતું.

એટલે પોસ્ટિંગ થયું કે પહેલું કામ તેણે આખા મધ્યપ્રદેશના તમામ ડિસ્ટ્રિક્ટ હેડ ક્વાર્ટર્સની કર્ટસી વિઝિટ લેવાનું કર્યું. સ્ટેટ પોલિસના તમામ સિનિયર ઓફિસર્સ સાથે ઓળખ થઈ જાય, રાજ્યની ભૂગોળ સમજી શકાય એ બહાને તેણે આખા પ્રાંતની મુસાફરી કરી અને દરેક ડિસ્ટ્રિક્ટના ક્રાઈમ રેકોર્ડ્સ પણ ચેક કરી લીધા.

રોજ રાત્રે નવરો પડે ત્યારે એ ડિસ્ટ્રિક્ટ વાઈસ ક્રાઈમ રેકોર્ડને ગુનાની ગંભીરતા મુજબ સરખાવતો ગયો. જ્યાં જ્યાં સવાલો ઉપજ્યા ત્યાં જાતે માહિતી મેળવતો ગયો. પંદરેક દિવસની આવી સઘન કવાયત પછી તેણે પંદરેક જેટલાં એવા નામ તારવ્યા જે ક્રાઈમ ફાઈલમાં હતા છતાં સીધી રીતે એકેય ક્રાઈમમાં તેમની સંડોવણી જણાતી ન હતી અને એ કોઈની સામે કોઈપણ પ્રકારની તપાસ થઈ ન હતી.

પોતાના ઈન્ફોર્મરને છાવરવાની પોલિસની આ જુક્તિ પારખીને તેણે તારવેલા લિસ્ટમાં પહેલું નામ હતું...ઝુઝારસિંઘ મલ્હાન.

'સોહાગપુર પહોંચને આયા હું સા'બ... લેકિન લગતા હૈ આપ કા પંખી તો કહીં ઓર ઊડ ગયા'

'મતલબ?' સામા છેડેથી રાઘવના અવાજમાં અચરજમાં લપેટાયેલી ઉત્સુકતા હતી.

'વો પ્રોફેસર... આપને કહા થા કિ યહાં સે દિલ્હી જા રિયા હૈ.. કહા થા ન? લગતા હૈ વો ઊડ ગયા..'

'ડિટેઈલમેં બતાઓ મલ્હાન..'

'ફિલહાલ તો કા ડિટલ્વા બતાવે સા'બ...' સડકના હડદોલાને લીધે કાન પરથી સરી જતાં બ્લ્યુટૂથને એક આંગળી વડે બળપૂર્વક દાબીને ઝુઝારે પોતાની કામગીરી સમજાવવા માંડી,

'ડિંડોરી દેવાલયના ધાબા પાસે તેણે તેની ફોર્ડ ઈકોસ્પોર્ટ પાર્ક કરી હતી. નંબર નથી મળ્યો પણ જમ્મુ-કાશ્મીરનું પાસિંગ હતું. એ ગાડી પહેલાં કતની-શાહદોલ હાઈવે તરફ ગઈ.'

'તેરા સોર્સિઝ?' સવાલ અઘરો હતો. રાઘવને ય ખબર હતી કે ઈન્ફોર્મરને તેના માહિતીસ્રોત વિશે કદી ન પૂછાય. તોય તેણે પૂછી નાંખ્યું. બહુ બહુ તો ઝુઝાર ના પાડશે કે છેડાઈ જશે તેને બદલે ઝુઝારે બિન્દાસ જવાબ વાળી દીધો.

'એ રૃટ પર ટિમ્બર, મલબારી નળિયાના ટ્રકની આવ-જા હોય છે. મેં એ રૃટના ટ્રકવાળાને સાધ્યા. ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી આ વિસ્તારમાં આંગળીના વેઢે ગણાય એટલી છે અને જમ્મુ-કાશ્મીરનું પાસિંગ હોય એટલે કોઈપણ ટ્રકવાળાનું ધ્યાન ખેંચાયું જ હોય.'

'હમ્મ્મ્.. ફિર?' આ કામ તેણે ઝુઝારને સોંપીને કોઈ ભૂલ નથી કરી એવા અહેસાસથી રાઘવ મનોમન મલકી રહ્યો હતો.

ત્વરિતને તે પોતે ય કોઈ બહાનું કાઢીને ફોન કરી શકે પણ એમ કરીને એ તેને સતર્ક કરી દેવા માંગતો ન હતો. જો ત્વરિતે જ મૂર્તિ ચોરી હોય તો એ એકલો ન પણ હોય. તેની સાથે બીજા લોકોય સંકળાયેલા હોય. એવા સંજોગોમાં રાઘવ જો પોલિસ ફોર્સને તેની તલાશી માટે કામે લગાડે તો ક્યાંક માહિતી લીક થઈ જ જાય. ત્વરિતને તેણે રોકવાનો ન હતો પણ સતત ફોલો કરવાનો હતો. આવા કિસ્સામાં આઉટ ઓફ વે જઈને જ તેનો પીછો થવો જોઈએ. શાસ્ત્રીજીને મળીને પરત ફરતી વખતે રાઘવે બરાબર ગણતરી માંડયા પછી જ ઝુઝારને ફોન જોડયો હતો.

'ઉસે ગર દિલ્લી હી જાના હોતા તો વો રેવા-પન્ના સે છતરપુર કી ઓર જાના ચઈયે...'

'હા તો?' હવે રાઘવની ઉત્સુકતા બેવડાતી હતી.

'વો ગયા હૈ બૈકુંઠપુરા કી ઓર...'

'બૈકુંઠપુરા તો બોર્ડર પર હૈ ના?' રાજ્યનો ગોખી નાંખેલો નકશો રાઘવે મનોમન ફંફોસી લીધો. તેના સવાલમાં સ્પષ્ટ ઉચાટ ઉછળતો હતો. દિલ્હી જવાનું કહીને ત્વરિત ઊંધી દિશામાં છત્તીસગઢ તરફ કેમ ગયો? ઉશ્કેરાટથી તેની મુઠ્ઠી ભીંસાવા લાગી હતી.

***

ડેરા સુલ્તાનખાઁ...

અહીં પગ મૂકો એટલે પહેલો અહેસાસ એ જ હોય કે હિન્દુસ્તાનની ધરતી બડી અજાયબ છે. જેસલમેર અને બિકાનેરની વચ્ચે મરુભૂમિમાં પથરાયેલું નિસર્ગનું એ રૌદ્ર સ્વરૃપ ચોમાસાની નમતી સાંજે રમણિય આહ્લાદ બની જતું. નજર પહોંચે ત્યાં સુધી આંખોમાં વિંઝાતી કારમી વેરાની, વેરાનીને બિહામણી બનાવતા ક્યાંક-ક્યાંક ઊગી નીકળેલા બોરડી, આવળ કે ખજુરીના ઝાડ, ઝાડના પાંદડામાંથી પ્રગટતો લીલાશનો હાશકારો, એ હાશકારો ચાવીને રેતીના અલમસ્ત ઢૂવાઓના રંગમાં એકાકાર થઈને મોજથી આરડતા ઊંટ અને ઊંટના કઢંગા આકાર પણ સુડોળ લાગે એવા બેડોળ રીતે ઢુવા પાછળ પથરાયેલા ગાર-માટીના અવાવરૃ સાઠ-સિત્તેર ઢુંગા...

નકશામાં જેનું નામોનિશાન શોધ્યું જડતું ન હતું અને છતાં બબ્બે દેશોની આર્મી પોતાના નકશા પર આ આખા વિસ્તાર ફરતું લાલ કુંડાળું કરીને બાજનજર રાખતી હતી. ભારત કે પાકિસ્તાનની આર્મી જ શા માટે, છેક અફઘાનિસ્તાનના પહાડોમાં લપાયેલા અલ કાયદાના આકાઓ ય ભારતના આ છીંડાને નામજોગ ઓળખતા હતા...

જેમને ખબર હતી કે નંદનવન જેવી પૃથ્વીની આ દોઝખ જેવી જગ્યાએ ય કેટલીક વસ્તી જીવે છે એ લોકો તેને ડેરા સુલ્તાનખાઁ તરીકે ઓળખતા હતા.

***

રમનો મોટો ઘૂંટ ગળા નીચે ઉતારીને ઝુઝારે એકધારા બેઠા રહીને જકડાઈ ગયેલું શરીર તંગ કર્યું. હજુ હમણાં સુધી મધ્યપ્રદેશનો જ હિસ્સો ગણાતા છત્તીસગઢનો અહીંથી આરંભ થતો હતો. સમનાપુરથી અમરકંટક થઈને નર્મદા કાંઠાની સમાંતરે જમ્મુ-કાશ્મીરનું પાસિંગ ધરાવતી ફોર્ડ ઈકોસ્પોર્ટનું પગેરું દબાવતો એ અહીં સુધી આવ્યો હતો પણ હવે તેની કસોટી હતી.

અહીંથી બે રસ્તા ફંટાતા હતા. એક રસ્તો મોતીહાલા થઈને મંડોલા ફોર્ટ અને કાન્હા તરફ પાછો મધ્યપ્રદેશમાં જ લઈ જતો હતો અને બીજો રસ્તો સાલટેકરી થઈને છત્તીસગઢમાં પ્રવેશતો હતો. ક્યાંય સુધી તેણે વિચાર કર્યા કર્યો.

જો એ આદમીએ છત્તીસગઢની હદમાં જ પ્રવેશવું હોય તો શાહદોલથી બિલાસપુર તરફ જવું જ આસાન રહે. એ રસ્તો ય પહોળો અને ડ્રાઈવિંગ માટે મજેદાર હતો. પરંતુ ચેક પોસ્ટ આગળના ડિઝલ પમ્પવાળાએ બે દિવસ પહેલાં અહીંથી પસાર થયેલી ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી સમનાપુર તરફ ગઈ હોવાનું કહ્યું હતું. નર્મદા કાંઠાની એ સડક અત્યંત બિસ્માર અને સાંકડી હતી. જો કોઈએ છત્તીસગઢ જવું હોય તો શાહદોલથી સીધો રસ્તો છોડીને આ તરફ આવવાની કોઈ જરૃર જ ન હતી. તે ડિંડોરીનો ચકરાવો મારીને કાન્હા થઈને ફરી પાછો મધ્યપ્રદેશમાં જ આવવા માંગતો હોય તો જ આ રસ્તો પકડે.

પોતાના જ સવાલોથી ધૂંધવાતો ઝુઝાર એકશ્વાસે 'ઘટક્..ઘટક્' અવાજે રમના ચાર-પાંચ મોટા ઘૂંટડા પી ગયો. એ એવું માનતો કે અવઢવમાં હોય ત્યારે રમ પીવાથી તેને રસ્તો સૂઝતો હતો. હકિકત એ હતી કે, રસ્તો સૂઝે ત્યારે આગળ જવા માટે ય તેને રમ પીવો પડતો અને આગળ વધ્યા પછી નવી અવઢવ આવે ત્યારે ફરીથી રમ પીવો પડતો.

ધારો કે પોતે આ રીતે નીકળ્યો હોય તો શું કરે તેની ય કલ્પના કરી જોઈ પછી ડોકું ધુણાવ્યું. પોતે જો આ રીતે થઈ શકતા પીછાથી વાકેફ હોય તો ચકમો આપવા માટે આવો ચકરાવો જ લે અને પોતે મધ્યપ્રદેશમાં જ પાછો ફર્યો છે એવા ખોટા સંકેતો બતાડીને છેવટે છત્તીસગઢમાં જ પ્રવેશે. (છપ્પનને એ ગણતરી કર્યા પછી જ ત્વરિતને આ રસ્તો ચિંધ્યો હતો)

નિર્ણય પર આવેલા ઝુઝારે ફોન જોડયો. પોતે જાતે ચેકપોસ્ટમાં જઈને બે દિવસ પહેલાં પસાર થયેલી ગાડીના નંબર ચેક કરી શકે પરંતુ ચેકપોસ્ટમાં કોઈક ઓળખીતું હોય તો 'ઝુઝારસિંઘ મલ્હાનને આવી કોઈ ગાડીની તલાશ છે' એવો મેસેજ આખા ય પ્રાંતમાં ફરતો થઈ જવામાં વાર ન લાગે.

એક જમાનામાં માલેતુજાર શેઠિયાઓની લઠૈતી કરી ખાતો ઝુઝાર હવે પોતાના જ લઠૈત રાખતો થઈ ગયો હતો.

'હેલ્લો રામખિલાવન..'

'જી હુકુમ..' મલ્હાનનો ફોન આવે તોય જાણે એ સામે જ ઊભો છે તેમ ધારીને ખુરસી પરથી ઊભા થઈ જવા ટેવાયેલા રામખિલાવને અદબભેર કહ્યું.

'ઈહાં સાલટેકરી નાકે પે કોઈ પૈચાન હૈ ક્યા?'

'જી હુકુમ, કા હુવા?'

'હુવા કુછ નઈ, પૈચાન હો તો બોલ... એક ગાડી માટે જાણવાનું હતું. ફોર્ડ ઈકોસ્પોર્ટ ગાડી. જમ્મુ-કાશ્મીર પાસિંગ. બે દિવસ પહેલાં ત્યાંથી પસાર થઈ હોવી જોઈએ.' મલ્હાને મુદ્દાસર સમજાવી દીધું.

'જી હુકુમ... અભી બતાતા હું...'

દસ મિનિટ પછી મલ્હાનના મોબાઈલમાં રિંગ આવી. તેણે ફોન કાને ધર્યો અને ચૂપચાપ સાંભળ્યા કર્યું. ફોન મૂક્યો ત્યારે તેના ચહેરા પર મંદ સ્મિત હતું. તેણે જોન્ગાનું સ્ટિઅરિંગ વાળ્યું અને સાલટેકરીની દિશા પકડી.

તેણે ડેશબોર્ડ પરની ઘડિયાળમાં જોયું. મધરાતના સાડા ત્રણ થવા આવ્યા હતા. રાજનંદગાંવના ધોરી માર્ગ તરફ વળતી આ સિંગલ પટ્ટીની સડક પર એકલદોકલ ટ્રક અને કેટલાંક લોકલ મોટરસાઈકલ સિવાય વાહનોની ખાસ આવ-જા ન હતી. તેની આંખોમાં હવે દોઢ બોટલ નીટ રમનો શુમાર ઘેરાવા લાગ્યો હતો. રસ્તો સૂઝી ચૂક્યો હતો એટલે બીજા બે મોટા ઘૂંટડા ગળા હેઠે ઉતારીને તેણે જોન્ગાની સ્પિડ વધારી.

મેઈન રોડ પર ત્રણેક કિલોમીટર આગળ જઈને એક ધાબા પાસે તેણે ગાડી રોકી અને ત્યાં જ સૂઈ જવાનો નિર્ણય લીધો. ગાડીમાંથી રકસેક કાઢ્યો. બ્રિચિસ પર બેટન ઠપકારી. 'ઢગ્..ઢગ્..ઢગ્..ઢગ્' અવાજે સડક પરથી પસાર થઈ રહેલા બુલેટ એનફિલ્ડની દિશામાં અહોભાવપૂર્વક અછડતું જોયું અને ધાબાના કાઉન્ટર તરફ આગળ વધ્યો.

નશાના અતિરેકમાં તેની આંખો ઘેરાઈ ન હોત અને તે વધુ ત્રણેક કિલોમીટર આગળ ગયો હોત તો નરી આંખે એ માણસને વિલિઝ જીપમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો જોઈ શક્યો હોત, જેની તલાશમાં એ નીકળ્યો હતો.

(ક્રમશઃ)