Ajvadana Autograph - 17 books and stories free download online pdf in Gujarati

અજવાળાંનો ઓટોગ્રાફ - 17

અજવાળાંનો ઓટોગ્રાફ

(17)

કયું સ્ટેશન આવ્યું ?

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જ્યારે કોઈ સ્ટેશન પર ટ્રેન થોડી વાર ઉભી રહે, ત્યારે ઘણીવાર આપણે આસપાસના મુસાફરોને પૂછતાં હોઈએ છીએ કે ‘કયું સ્ટેશન આવ્યું ?’. હકીકતમાં આપણે જાણતા હોઈએ છીએ કે ‘સ્ટેશન ક્યારેય નથી આવતું’, આપણે સ્ટેશન પર આવતા હોઈએ છીએ. વર્ષોથી એક જ જગ્યાએ ઉભેલા સ્ટેશન પર આવ-જા તો આપણી થતી હોય છે.

વર્ષ બદલાય કે સ્ટેશન, દિવસ બદલાય કે ક્ષણ, જિંદગીની ટાઈમ-લાઈન પર સૌથી વધારે ઝડપથી કોઈ ગતિમાન હોય તો તે આપણે જ છીએ. ક્યારેક એવું લાગે છે કે આપણને સમય ફક્ત પસાર કરતા જ આવડે છે, સમયને પામતા નહિ.

જન્મ દિવસ હોય કે નવું વર્ષ, આપણે સમયના પસાર થવા પર રાજી થઈએ છીએ. જિંદગી જેમતેમ કપાઈ રહી છે, એ વાતનો આનંદ આપણે કેક કાપીને સેલીબ્રેટ કરીએ છીએ. સમયને પસાર કરવા માટે આપણે સહેજપણ પ્રયત્ન કરવો નથી પડતો. પ્રયત્ન કરવો પડે છે સમયને રોકવા માટે.

આપણા રોજના જીવનમાં આપણી પોતાની કહી શકાય એવી ક્ષણો કેટલી ? આપણી ક્ષણો વહેંચાયેલી અને વેરાયેલી હોય છે. ક્યાં છે એવી ક્ષણો કે જેમાં ક્યાંય પહોંચવાનું ન હોય ? કોઈ ઉતાવળ, આયોજન, ભીડ કે તનાવ ન હોય. એવી ક્ષણો કે જેમાં ફક્ત આપણે હોઈએ. સમયને રોકવાનો એક જ ઉપાય છે. આપણી પાસે રહેલા સમય વિશે સજાગ હોવું.

ક્યારેક અટકી જવાનો પણ રોમાંચ હોય છે. આપણે પૈસા કરતા પણ વધારે ઉદારતાથી સમય વાપરી નાખીએ છીએ. જે પઝેસીવનેસ આપણને વ્યક્તિ કે સંપત્તિ માટે હોય છે, એ આપણા સમય માટે ક્યારેય નથી હોતી. એકલા ચાલવા જવું, મનગમતા સ્થળે રોકાઈ જવું, એક જ ગીત વારંવાર સાંભળ્યા કરવું, કોઈ જ સરનામે પહોંચવાની ઈચ્છા વગર કોઈ અપરિચિત રસ્તા પર નીકળી પડવું, થોડા પરંતુ નિશ્ચિત કરેલા સમય માટે કોઈનો ફોન ન ઉપાડવો, આ બધી તરકીબો છે જાતને ફ્લાઈટ મોડ પર મુકવાની. જે શબ્દોમાં વર્ણવી ન શકાય, એવી જ અનુભૂતિ શ્રેષ્ઠ હોય છે. આપણી અંગત ક્ષણોની ફરતે આપણે જ ફેન્સીંગ કરવાની છે.

કોઈ શાંત જગ્યાએ બેસીને આપણી અંદર ચાલી રહેલા શ્વાસની અવરજવર અનુભવી શકવી, એ સમયના પટ પર નિરુદ્દેશે દોડધામ કરતા આપણા જીવનને મારેલી સૌથી મોટી બ્રેક છે. થોડો સમય જાત સાથે પસાર કરીએ તો સમજાય કે આપણે આપણને મળવા જેવા માણસ છીએ. આંખો બંધ કરીને ક્યારેક આપણી અંદર રહેલું કશુંક જોઈ શકાય, તો એ વિશ્વનું સૌથી સુંદર ‘સાઈટ-સીઈંગ’ છે. કુદરતી દ્રશ્યો આપણી બહાર જ નહિ, આપણી અંદર પણ રચાતા હોય છે.

સમય હજી આપણા હાથમાં છે. આપણામાં સાંકળ ખેંચવાની હિંમત હોવી જોઈએ. જો ક્યાંક પહોચવું હશે, તો અટકી જવું પડશે. કારણકે ક્યાં પહોચવું છે ? એનો જવાબ ફક્ત અંગત ક્ષણો જ આપી શકશે.

ગતિમાં રહેલા કેટલા બધા લોકોને તેમના સ્ટેશનનું નામ સુદ્ધાં ખબર નથી હોતી. જે દિશામાં ટ્રેન જઈ રહી છે, તેઓ પણ એ જ દિશામાં અજાણતા ગતિ કર્યા કરે છે અને પૂછ્યા કરે છે કે ‘કયું સ્ટેશન આવ્યું ?’

-ડૉ. નિમિત્ત ઓઝા