Ajvadana Autograph - 20 books and stories free download online pdf in Gujarati

અજવાળાંનો ઓટોગ્રાફ - 20

અજવાળાંનો ઓટોગ્રાફ

(20)

ઠંડકનું ઋણ

એક સમય હતો જ્યારે ઘરમાં એ.સી નહોતું. અને તેમ છતાં ત્યારે પણ ઉનાળો આવતો. સંજોગો અને પરીસ્થિતિ પ્રમાણે દરેક ઘર ઉનાળાની સાથે સમાધાન કરી જ લેતું હોય છે. રેગ્યુલેટર ફેરવીને પંખાની સ્પીડ પાંચ ઉપર કરતા. ભીની કરેલી ચાદર ઓઢીને પંખાની નીચે સૂઈ જતા, જેથી પંખાનો પવન આપણા સૂધી પહોંચતા પહોંચતા થોડો ઠંડો થઈ જાય. ફળિયામાં પાણી છાંટતા, બારીઓ ખુલ્લી રાખતા અને રાતે સૂવા અગાશીમાં જતા.

ઉનાળાની દર રાત્રીએ, અગાશીમાં સૂતા સૂતા તારાઓ ગણતા. અલાર્મ મૂકવાની જરૂર ન પડતી કારણકે વહેલી સવારે થઈ જતા અજવાળાને કારણે આંખો આપોઆપ ખૂલી જતી. એ સમયે એક વાતની ખાતરી તો થઈ જ ગયેલી કે ન તો આ અંધારું કાયમનું છે, ન તો આ ગરમી. એ દિવસોમાં જેમના ઘરે એ.સી હોય, એમની સામે અહોભાવથી જોતા. એક વાત ત્યારે સમજાણી કે ઉનાળો ભલે બધા માટે સરખો હોય પણ ઘરની અંદરનું તાપમાન બધા માટે અલગ અલગ હોય છે. એ.સીની દુકાન જોઈને ત્યારે કાયમ વિચાર આવતો કે કેટલીક ઠંડક આપણા ગજા બહારની હોય છે. કદાચ થોડી હિંમત કરીને એ.સી લઈ પણ લીધું, તો ચિંતા લાઈટ બીલની રહેતી. ત્યારે એવું લાગતું કે ઈલેક્ટ્રીસીટી બાળવા કરતા જીવ બાળવો વધારે પોસાશે. ભૂતકાળના એ ઉનાળા સાથે દોસ્તી થઈ ગયેલી. પરસેવા સાથે પ્રેમ થઈ ગયેલો. આવો ઉનાળો માણતા, એટલે જ કદાચ મોસમનો પહેલો વરસાદ વધારે સુખ આપતો.

પછી બન્યું એવું કે પપ્પાની હૂંફ અને ઉષ્માની સામે બહારનું તાપમાન ઘટવા લાગ્યું. ઘરમાં પહેલા એર-કૂલર આવ્યા. પપ્પાએ ખરીદેલા એ કૂલરમાંથી નીકળતી ઠંડી હવા, પપ્પાએ ઓફિસમાં પાડેલા પરસેવાની યાદ આપતી. પપ્પાની મહેનત અને ઈરાદાઓ સામે, ધીમે ધીમે ઉનાળો હારવા લાગ્યો. આપણી ઉંમરની સાથે ધીમે ધીમે ઘરની ઠંડક પણ વધતી ગઈ. એર-કૂલરમાંથી વિન્ડો એ.સી અને પછી સ્પ્લીટ એ.સી. શરૂઆતમાં ઘરના એક જ ઓરડાને એ.સી પોસાતુ. ઠંડકમાં સૂવાના બહાને પણ, એ ઓરડામાં ઘરના બધા સભ્યો સાથે સૂતા. આજે પણ ઘણા ઘર એવા હશે જેના એક જ ઓરડામાં એ.સી હશે. જગ્યાના અભાવે એ.સીવાળા રૂમમાં ન સૂઈ શકનારા કેટલાક સભ્યો આજે પણ પોતાના હિસ્સાની ઠંડકનું બલિદાન આપતા હશે.

ધીમે ધીમે એ.સી સામાન્ય બનતા ગયા અને ગરમી અસામાન્ય. દરેક રૂમમાં એ.સી આવ્યા, કારમાં અને ઓફિસમાં આવ્યા. હવે ઉનાળો પહેલા જેવો નથી રહ્યો. જે વડીલો દરેક ઉનાળે ધોમધખતા તાપમાં કામ કરતા રહ્યા અને વગર એ.સીએ એમના બાળકોને ટાઢક આપતા રહ્યા, એ વડિલોના રૂમમાં એમના સંતાનો હવે ફાઇનાન્સ પર એ.સી નખાવી આપે છે.

આપણને દરેકને મળેલી ઠંડક આપણા પર ઉધાર હોય છે. એ ઠંડક બીજાને આપીને આપણે ઋણ ચૂકવવાનું છે. કોઈ વ્યક્તિના જીવનમાં રહેલા આકરા તડકામાં, આપણે છાંયો ન બની શક્યા તો કાંઈ નહીં. એમના ઉનાળામાં, એ.સીની ઠંડક તો બની જ શકીએ. આજે કેટલાય ઘરોમાં એ.સી નહીં હોય. એમની ઉનાળા સાથેની દોસ્તી, આજે પણ અકબંધ હશે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કાં તો એમને જલદી ઠંડક મળી જાય, કાં તો એમનો ઉનાળો જલદી પૂરો થઈ જાય.

-ડૉ. નિમિત્ત ઓઝા