Ajvadana Autograph - 22 books and stories free download online pdf in Gujarati

અજવાળાંનો ઓટોગ્રાફ - 22

અજવાળાંનો ઓટોગ્રાફ

(22)

થપ્પડ કી ગુંજ

આપણાથી વધુ શક્તિશાળી માણસ પોતાની વાત મનાવવા માટે દસ લોકોની હાજરીમાં આપણને તમાચો મારે તો ? શક્તિ કે બળની બાબતમાં આપણે તેમની બરોબરી કરી શકવાના ન હોવાથી, એમના હુકમનું પાલન કરવું પડે તો ? તમાચો માર્યા પછી એ જ વ્યક્તિ આપણને ગળે લગાડી ‘આઈ લવ યુ’ કહે અથવા તો ‘એ તારા સારા માટે હતો’ એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે ત્યારે આપણને કેવું લાગશે ? આ વાંચતી વખતે તમાચો મારનાર વ્યક્તિ વિશે જે વિચાર આપણને આવે છે, તદ્દન એવો જ વિચાર તમાચો ખાધા પછી આપણા બાળકોને આવતો હોય છે.

એવા કેટલાય વાલીઓ છે જેઓ કોલર ઊંચા કરીને ગૌરવભેર કહેતા હોય છે કે અમે તો માર ખાઈને જ મોટા થયા. પણ એ કહેતી વખતે આપણે એ નથી સમજી શકતા કે જે ભૂલ આપણા મા-બાપે કરી, એ જ ભૂલ આપણે પણ કરી રહ્યા છીએ.

તમાચામાં પોષકતત્વો નથી હોતા. એટલે બાળકના યોગ્ય ઉછેર માટે તમાચો જરૂરી છે, એવી દલીલ વાહિયાત છે. બાળકને મરાયેલો તમાચો બાળકનું જિદ્દીપણું દર્શાવવા કરતા બાળકને હેન્ડલ કરવાની આપણી અણઆવડત વધારે દર્શાવે છે.

બાળકો આપણા પર સંપૂર્ણપણે નિર્ભર હોય છે અને માટે એ તમાચો સહન કરવા સિવાય એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. રિસાઈ જવું અને રડવું, આ બે સિવાયનું ત્રીજું હથિયાર એમની પાસે ન હોવાથી એમણે આપણી સરમુખત્યારશાહી ભોગવવી પડે છે. તમાચો ફક્ત સમય અને સમજનો જ નહિ, ધીરજનો પણ અભાવ દર્શાવે છે.

કોઈ બીઝનેસ ડીલ હોય કે પ્રેમ-લગ્ન માટે કોઈને કન્વીન્સ કરવાના હોય. પગાર વધારવાની વાત હોય કે ઓફિસમાંથી રજા લેવાની. આપણી વાત મનાવવા માટે આપણે દરેક જગ્યાએ કેટલી શાંતિ અને ધીરજથી કામ લઈએ છીએ ! કારણકે આપણે જાણીએ છીએ કે ત્યાં બળ કામમાં નહિ આવે. બોસને તમાચો મારીને આપણે ક્યારેય રજા નથી માંગતા. કારણકે આપણે જાણીએ છીએ કે તમાચો માર્યા પછી બોસની પ્રતિક્રિયા શું હશે ?

આપણા માટે એનાથી વધારે બદનસીબીની વાત બીજી કઈ હોઈ શકે કે આપણે બોસ સાથે ગેરવર્તણૂક કરતા ડરીએ છીએ પણ આપણા બાળક સાથે નહિ.

આપણો સાચો બોસ આપણું બાળક છે. એ ફક્ત પોતાની મરજીનો માલિક જ નથી, એ એના રાજ્યમાં રહેલા દરેક રમકડા અને ઢીંગલીઓનો રાજા છે. આપણી કરતા પણ બાળકોમાં સેલ્ફ-રિસ્પેક્ટ વધારે હોય છે. તેઓ પોતાની જાતને વધારે પેમ્પર કરે છે. આવી સુંવાળી જાત પર તમાચાને કારણે ઉઠેલા સોળ, એ બીજું કશું જ નહિ આપણા ઉછેરની નિષ્ફળતાનું સર્ટીફીકેટ છે.

બાળક જે કરે એને ભૂલ કહેવાય, ગુનો નહિ. એ કરે એને તોફાન કહેવાય, હેરાનગતિ નહિ. આપણે બાળકને જે પણ સજા આપીએ, એ એના વ્યક્તિત્વના સુધારા માટે હોવી જોઈએ. એના આત્મ-વિશ્વાસ કે આત્મ-સન્માનને ઈજાગ્રસ્ત કરવા માટે નહિ.

ચાબુક મારવાથી ઘોડો પણ દોડવા લાગે છે. જંગલનો રાજા સિંહ પણ સર્કસમાં ખેલ કરે છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે રીંગ માસ્ટર થવું છે કે મા-બાપ ? બાળકોને પાળવા છે કે ઉછેરવા છે ?

-ડૉ. નિમિત્ત ઓઝા