અજવાળાંનો ઓટોગ્રાફ - 26

અજવાળાંનો ઓટોગ્રાફ

(26)

પ્રિય કામવાળા

ગયા જન્મોના કર્મોવાળી થિયરીને થોડી વાર સાઈડ પર મૂકી દઈએ તો સમજાય કે આપણે કેટલી બધી અસમાનતાઓ વચ્ચે જીવી રહ્યા છીએ. આપણી આસપાસ રહેલા અમૂક લોકો સાથે જો આપણી સરખામણી કરીએ, તો લાગે કે ઈશ્વર પાસે ડિજીટલ વજનકાંટો તો શું ? સાદું ત્રાજવું પણ નહીં હોય. પરીસ્થિતિની એ કેવી વિડંબના છે કે આપણા આલીશાન ઘરની સાફ-સફાઈ કરીને કોઈ વ્યક્તિ પોતાનું ઘર ચલાવી રહી છે.

કેટલાક લોકો આપણા ઘરે દરરોજ આવતા હોવા છતાં પણ આપણા કુટુંબનો ભાગ નથી હોતા. આ એવા લોકો છે જેમના ઘરે છાપું નથી આવતું અને તેમ છતાં પસ્તી ભેગી થતી હોય છે. એ લોકો એટલા માટે આપણા ઘરે કામ નથી કરતા કારણકે આપણે ઉદાર છીએ, એ લોકો કામ કરે છે કારણકે તેઓ લાચાર છે.

દર મહીને એમને પગાર આપીને કે થોડો પગાર કાપીને, આપણે તેમની સામે આપણી સર્વોપરિતા સાબિત કરીએ છીએ. એ સમયે આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે ઈશ્વર જો આપણી સાથે ઉદાર ન હોત, તો આપણો જન્મ પણ એમના જ ઘરમાં થઈ શક્યો હોત. સમાજમાં આપણું સ્થાન આપણે ઊંચું ગણતા હોઈએ, તો એની માટે આપણે ‘ડિવીઝન ઓફ લેબર’નો આભાર માનવો જોઈએ.

આપણા જ ઘરમાં આપણે ફેલાવેલી ગંદકી જે લોકો સાફ કરતા હોય, એ લોકો તો આપણા કરતા ઊંચા થયા ને ! દરેક વ્યક્તિ કોઈને કોઈની નીચે તો કામ કરતી જ હોય છે. કામવાળા આપણા ઘરે કામ કરે છે, તો આપણે બીજા કોઈની નીચે ઓફીસમાં કામ કરીએ છીએ. ‘જોબ’નું લેબલ લગાડીને ફરતા આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે પણ કોઈના ‘કામવાળા’ જ છીએ. કલાકાર પ્રેક્ષકો માટે કામ કરે છે, બિઝનેસમેન ગ્રાહકો માટે અને ડૉક્ટર દર્દીઓ માટે. કેટલાક જનતાની સેવા કરે છે તો કેટલાક શિક્ષણ અને વિદ્યાર્થીઓની. ટૂંકમાં આપણે સહુ કામવાળા જ છીએ.

પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા, નાનું-મોટું કામ કરનારી દરેક વ્યક્તિ સન્માનને પાત્ર છે. દરેક પોતાની અંગત લડાઈ લડી રહ્યું છે. ફૂટપાથ પર બેસીને શાક વેચનારાથી લઈને અપમાન સહન કરીને પણ, પરાણે સ્માઈલ કરતી પેલી એર-હોસ્ટેસ સુધી. અપમાન થયા બાદ પણ વ્યક્તિ ચુપ એટલા માટે હોય છે કારણકે પોતાના અહંકાર કરતા તેને નોકરી વધારે જરૂરી લાગે છે. આપણી સામે સરળતાથી નમી જતા એ લોકો આપણને માન નથી આપતા. તેઓ પોતાના કામને સન્માન આપતા હોય છે. દરવાજાની બહાર ઉભેલો ચોકીદાર આપણને નહીં, એના કામને સલામ મારે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે ફક્ત આપણે આપેલા પગારથી જ નહીં, આપણા શબ્દો અને સ્મિતથી પણ કેટલાય લોકોનું ગુજરાન ચાલતું હોય છે.

એ ઘરે આવતી કામવાળી બાઈ હોય કે નગરપાલિકામાંથી રોજ સવારે કચરો લેવા આવતો જણ. એ દરેક લોકો વંદનને પાત્ર છે જેઓ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. ‘ડિવીઝન ઓફ લેબર’થી વહેંચાઈ ગયેલા આપણે સહુ આમ જોઈએ તો એક જ પિતાના સંતાનો છીએ, જે કેટલાક સંતાનો પ્રત્યે ભયંકર પક્ષપાતી છે. એણે તો પાર્શીયાલીટી કરી જ છે, આપણે તો ન કરીએ.

-ડૉ. નિમિત્ત ઓઝા

***

Rate & Review

Sanjaysinh

Sanjaysinh 8 months ago

Bhavesh Shah

Bhavesh Shah 12 months ago

Balkrishna patel

Balkrishna patel 12 months ago

Deboshree B. Majumdar
Sejal Chauhan

Sejal Chauhan 12 months ago