64 Summerhill - 36 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 36

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 36

એ દેહાતી ઓરતના પતિએ ધીમા, ગભરાયેલા અવાજે જે કંઈ કહ્યું એથી પરિહારના ચહેરા પર કારમી સ્તબ્ધતા અંકાઈ ગઈ.

તેની વાતમાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ ન હતું. તેણે કહ્યું એટલે બીજા ય એક-બે યાત્રાળુઓએ હામી ભરી હતી. પરિહારે ઘડીભર આંખ મીંચીને મનોમન એ કેફિયત પ્રમાણેનું દૃશ્ય મંદિરની પરસાળમાં ભજવાતું કલ્પી લીધું.

અલાદાદે પહેલી ગોળી છોડી એ સાથે જ મંદિરમાં અબૂધ યાત્રાળુઓમાં હો-હા મચી ગઈ હતી અને સૌનું ધ્યાન છત્રી તરફ દોરાયું હતું. એ પછી ખુબરામાં હાજર બીએસએફના બંને જવાનોએ પોઝિશન લીધી અને ઓટલા પાસેથી વધુ એક રાઉન્ડ ફાયર થયો એટલે છત્રી આસપાસ ઊભેલા કેટલાંક યાત્રાળુઓ ગભરાઈને મંદિર ભણી દોડયા.

મંદિરમાં આવીને તેમણે એક આદમી (અલાદાદે છોડેલી ગોળીથી બીએસએફનો જવાન) માર્યો ગયો હોવાનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો એ પછી યાત્રાળુઓમાં ફફડાટ વ્યાપી ગયો.

ત્યાં સુધી કોઈને ખબર ન હતી કે ઓટલા આસપાસ ત્રણ-ચાર જણા વચ્ચે શાની ઝપાઝપી થઈ રહી છે અને તે લોકો કોણ છે. પરિહારનો કાફલો ઢુવા પરથી ઉતરીને મંદિરમાં પ્રવેશ્યો ત્યારે તેઓ બીએસએફના માણસો હોવાની ખાતરી થઈ હતી.

ખુબરામાં, ઓટલા પાસે અને ઢુવાઓ પર જંગ બરાબર જામ્યો અને પરિહારના જવાનો મંદિર છોડીને આગળ વધ્યા કે તરત મંદિરની પરસાળમાં થાંભલીઓની આડશમાં લપાવા મથતા યાત્રાળુઓ પૈકી ઘૂમટો તાણેલી એક ઓરત ઊભી થઈ હતી અને સૌના ફફડાટ વચ્ચે અચાનક તે મંદિરની બરાબર વચ્ચેનો ઘંટ વગાડવા માંડી હતી.

એકધારો ઘંટારવ કરતાં જઈને તેણે અન્ય ઓરતોને અને યાત્રાળુઓને ય ઈશારાથી બોલાવ્યા અને બીજા ઘંટ વગડાવવાના ચાલુ કરી દીધા. પછી તો તેનું જોઈને દેખાદેખીમાં સઘળા અબૂધ, દેહાતી યાત્રાળુઓ ગભરાઈને ટંકોરા પર 'ટનન્..ટનન્' મંડી પડયા. એક યાત્રાળુએ ક્યાંકથી ઝાલર શોધી કાઢીને તેના પર દાંડી પીટવા માંડી. તેનાંથી મનોવૈજ્ઞાનિક અસર એ ઊભી થઈ કે, ખુબરામાં છૂટી રહેલી ગોળીઓના અવાજ આ ઘંટારવમાં દબાઈ જવા લાગ્યા અને ઘંટારવ સાથે સંકળાયેલા ઈશ્વર સામિપ્યના અહેસાસથી સૌનો ગભરાટ પણ થોડો ઘટયો.

અહીં સુધી જ જો બન્યું હોત તો પરિહારે તેને અબૂધ યાત્રાળુઓની ભયપ્રેરિત શ્રદ્ધા ગણી લીધી હોત પરંતુ એ ઓરતનું અહીં પછીનું બયાન વધુ ચોંકાવનારું હતું.

મોટાભાગના યાત્રાળુઓ ઘંટારવ કરવામાં, ઝાલર વગાડવામાં અને મોટેમોટેથી સ્તુતિ બોલવામાં લાગી ગયા ત્યારે સૌથી પહેલો ઘંટારવ ચાલુ કરનારી એ સ્ત્રીને મંદિરની પછવાડે લપકતાં આ ઓરતે જોઈ હતી. તેણે માથા પરનો ઘૂંઘટો હટાવી દીધો એથી આ ઓરતનું ધ્યાન વિશેષ ખેંચાયું હતું.
કેશાવલિના આ રેગિસ્તાની ઈલાકામાં આવેલા મંદિરે કોઈ દેહાતી ઓરત એકલી આવે એ શક્ય ન હતું અને દેહાતી ચરવાહાઓની પરંપરા મુજબ, પુરુષોની હાજરીમાં કોઈ સ્ત્રી માથા પરનો ઘૂંઘટો ઉતારી નાંખે એ ય તાજુબીભર્યું જ હતું.

ઉત્સુકતાવશ એ ઓરતે બારીના જાળિયામાંથી જે દૃશ્ય જોયું એથી તેનું આશ્ચર્ય બેવડાઈ ગયું હતું.
અંદર સૌને ટંકોરા, ઝાલરે વળગાડીને કોઈનું ધ્યાન ન પડે તેમ એ એકલી મંદિરની પછીતે સરકી ગઈ હતી, માથા પરનો ઘૂંઘટો ઉતારીને તેણે કમરમાં ખોસેલો ચૂંદડીનો છેડો ય કાઢી નાંખ્યો અને જાંબલી અતલસની ચોળીમાં હાથ નાંખીને ભરાવદાર ઉભાર વચ્ચેથી એક પિસ્તોલ કાઢી હતી. પછી ઘાઘરાની સાળ ઊંચી કરીને ગોરી, માંસલ પીંડી ફરતો બાંધેલો પટ્ટો તેણે છોડયો અને તેમાંથી સ્હેજ મોટા કદની વધુ એક પિસ્તોલ કાઢી. ઘેરદાર ઘાઘરાનું નાડું સ્હેજ ઢીલું કરી તેની વચ્ચે તેણે સપાટાભેર એ પિસ્તોલ બાંધી લીધી. આ બધો વખત એ એકધારી ખુબરાના મેદાન ભણી જોઈ રહી હતી…

- અને તેને બેહદ તાજુબીભેર જોઈ રહી હતી આ દેહાતી ઓરત.

અચાનક તેણે જોયું કે, એ ભેદી સ્ત્રીએ મંદિરની પાછળ પ્રદક્ષિણા માર્ગ પર સ્હેજ સરકીને જાળિયામાં બે આંગળા ભરાવ્યા. પછી ગોખલામાં પગ ટેકવીને શરીરને ત્વરાથી ઊંચક્યું હતું અને અડધી લટકેલી હાલતમાં બે થાંભલી વચ્ચેથી તેણે આબાદ ગોળી ચલાવી હતી. (એ જ ગોળીથી પરિહાર ઘાયલ થયા હતા) એ ક્યાંય સુધી એમ જ લટકતી ઊભી રહી અને પછી ખબર નહિ કેમ પણ અચાનક તેણે નીચે ભૂસકો માર્યો અને મંદિરની પાછળના ઢુવાઓ ભણી ક્યાંક ગાયબ થઈ ગઈ.

તેને ગોળી ચલાવતી જોઈને હેબતાઈ ગયેલી એ ગામડિયણ ઓરત એટલી હબકી ગઈ હતી કે એ વિગતો કહેતી વખતે હજુ ય તેનો અવાજ થોથવાતો હતો અને ચહેરા પર ખૌફ તગતગતો હતો.

સ્વાભાવિક રીતે જ, પરિહારને પહેલી શંકા ફાતિમા અને ચંદા પર ગઈ, પણ એ બંને તો છેક સુધી મંદિરમાં જ થાંભલી પાસે કે અન્ય કોઈક જગ્યાએ ડઘાયેલી હાલતમાં ઊભી હતી એવું કહેનારા બીજા ય મળી આવ્યા અને આ ઓરતે પણ ફાતિમા-ચંદાને બરાબર નિહાળીને કહી દીધું, 'ઈ દોન મેં સે કોઈ નંઈ થી સા'

'તો?' અકળાયેલા પરિહારે પૂછી તો નાંખ્યું પણ તેમને ય બરાબર ખબર હતી કે આ ઓરતે જેટલું જોયું હતું એ બધું જ કહી દીધું છે.

'ઉસકા પહનાવા તો હમરા થા પર..' એ ઓરત ડઘાયેલી આંખે ઉશ્કેરાટભેર કહી રહી હતી, 'ઉ તો કોઈ મેમસા'બ જૈસી થી... ગોરી.. ગોરી... બ્હોત હી...'

એ અટકી ગઈ પણ તેની આંખોના ચમકારામાં સ્પષ્ટ સંભળાતું હતું, 'બ્હોત હી ખૂબસુરત...'
આટલું કહીને તેણે આંખો ઝુકાવી દીધી ત્યારે પરિહારના મગજમાં એક પછી એક અંકોડા ગૂંથાઈ રહ્યા હતા.

ગામડેથી આવેલા યાત્રાળુઓ ભેગી એ છોકરી પહેલેથી જ અહીં મોજુદ હતી. ફાયરિંગ શરૃ થયું ત્યારે તેણે પોતાની હિલચાલ ભણી કોઈનું ધ્યાન ન ખેંચાય એ માટે અહીં ઘંટારવ ચાલુ કરાવવાની જુક્તિ વાપરી. ગભરાયેલા યાત્રાળુઓ ટંકોરા આસપાસ એકઠા થયા હોય એ વખતે પોતે આસાનીથી બહાર સરકી શકે અને ધારો કે પોતાને ગન ચલાવવાની થાય તો પણ પિત્તળના મસમોટા ટંકોરાના અવાજમાં પોતે ચલાવેલી ગોળીનો અવાજ પણ દબાઈ જાય. અચાનક શરૃ થયેલી બંદૂકોની ધણધણાટી અને ઢળી ગયેલી લાશને લીધે ડરી ગયેલા યાત્રાળુઓ તેનું જોઈને દેખાદેખીમાં ટંકોરા, ઝાલર વગાડવા માંડયા પછી એ લાગ જોઈને બહાર સરકી ગઈ.

પેલી ઓરતે ચિંધેલી જગ્યાએ જાળિયા અને ગોખલામાં પરિહારે ઝીણવટભરી તપાસ કરી હતી. દીવાની મેંશ અને ઘીની ચીકાશથી ખરડાયેલા ગોખલામાં કોઈકનું પગલું સ્પષ્ટ વર્તાતું હતું. પરિહારે પોતે ખભાની ઈજાની પરવા કર્યા વગર બિલકુલ એ રીતે લટકીને ખાતરી પણ કરી જોઈ અને તેમના હોઠ વચ્ચેથી અનાયાસે જ તારિફભર્યો સીસકારો નીકળી ગયો.

એ છોકરીએ આવી લટકતી સ્થિતિમાં એક હાથ વડે બે થાંભલીઓ વચ્ચેની જરાક અમથી જગામાંથી નિશાન તાકીને પોતાનો જમણો ખભો આબાદ વિંધી નાંખ્યો હતો.

કાબેલ નિશાનબાજીના અહેસાસથી સમસમી ગયેલા પરિહારે ડોકું ધૂણાવી નાંખ્યું. સાથીદારોનું મોરલ ટકાવી રાખવા તેઓ ચહેરાને સપાટ રાખવાનો પ્રયત્ન કરતા હતા પણ કપાળ પર તણાયેલી ભુ્રકુટીમાં એ સવાલ સ્પષ્ટ વંચાતો હતો…

કોણ હતી એ નિશાનબાજ છોકરી???

***

નર્સે ધરેલી દવા છપ્પને પરાણે કટાણું મોં કરીને જીભ પર મૂકી. બીજા હાથે નર્સે મોંએ માંડેલા ગ્લાસમાંથી નાળિયેર પાણીનો મોટો ઘૂંટડો ગળા નીચે ઝડપથી ઉતારી દીધો અને પછી તરત મોટા અવાજે ઓડકાર ખાઈ લીધો.

'અભી શામ તક પેશન્ટ કો કમજોરી મહેસુસ હોગી... '

છપ્પને અધખુલ્લી આંખે જોયું તો નર્સ તેને નહિ પણ સોફા ભણી મોં કરીને કોઈકને કહી રહી હતી. અચાનક તેની સ્મૃતિ સળવળી.

હા... એ જ હતો... એ જ…

તેની આંખો ફરીથી બેહોશીમાં ઢળી પડી એ પહેલાં દરવાજો ખોલીને તે અંદર આવ્યો હતો અને સોફા પર સ્ટાઈલથી બેસતાં તેણે પૂછ્યું હતું,

'કઈસન હો છપ્પન બાદશાહ?'

હવે પૂર્ણતઃ હોશમાં આવી રહેલા છપ્પનના હૈયામાં કારમી કિચુડાટી બોલવા લાગી હતી. દિમાગની બોઝિલ હાલત અને શરીરની ઘાયલ અવસ્થા વચ્ચે ય તેણે ફટાફટ વિચારવા માંડયું.

'કોઈ બાત નહિ... રાત કી દવાઈ મેં વક્ત પર દે દુંગા...' ઊંઘવાનો ડોળ કરી રહેલાં છપ્પને ચૂંચી આંખે જોયું. એ પર્સમાંથી પૈસા કાઢી રહ્યો હતો.

'પ્લિઝ કન્વે માય થેન્ક્સ ટુ ડોક્ટર...' તેણે નર્સના હાથમાં ટિપ થમાવી, 'સી યુ ટુમોરો...' દરવાજા સુધી નર્સને વળાવીને તે અંદર આવ્યો એટલે છપ્પન હતી એટલી તાકાત એકઠી કરીને સતર્ક થઈ ગયો.
'છપ્પન બાદશાહ...' નજીક આવીને તેના પર ઝળુંબીને તેણે છપ્પનના વાળમાં એવા આર્જવથી હાથ પસવાર્યો જાણે એ તેનો બાપ હોય.

અણીદાર નાક, સ્હેજ ફિક્કો ચહેરો, પીળાશ પડતી આંખો, ભુખરા વાળ, કોઈપણ ઢાંચામાં આસાનીથી ઢળી જાય તેવો પાતળો, એકવડિયો, છરહરો બાંધો…

એ જ હતો.. દુબળી.

'બિલકુલ ફિકર ન કરીશ...' તેણે છપ્પનની સ્તબ્ધ આંખોમાં તાકીને પ્રેમાળ સ્મિત વેરતાં કહ્યું, 'અબ મૈં આ ગયા હું...'

જવાબમાં પોતે શું પ્રતિક્રિયા આપવી તેના વિચારમાં છપ્પન તેને તાકી રહ્યો. બંને એકપણ શબ્દ બોલ્યા વગર એકમેક સામે જોયા કર્યા.

છેવટે છપ્પને હોઠ ફફડાવ્યા, 'એ મૂર્તિ...'

'તું શ્રમ ન લે...' તેણે તરત હાથ લંબાવીને છપ્પનને બોલતો રોક્યો, 'મને ખબર છે, મૂર્તિ તારી પાસે નથી. મને એ પણ ખબર છે કે મૂર્તિ ત્વરિત પાસે છે અને એ બિચારો...'

એ બે સેકન્ડ અટક્યો પણ એટલી વારમાં છપ્પનનું હૈયું ધબકારા ચૂકી ગયું. 'એ બિચારો...? શું થયું ત્વરિતને?' અચાનક તેનો અવાજ ઊંચકાયો અને તેણે પૂછી નાંખ્યું.

'ઘાયલ ઊંટની રાશ વચ્ચે ફસાઈને તે રેગિસ્તાનમાં ક્યાંક લાપતા થઈ ગયો છે...'

'ઓહ નો...' છપ્પનની આંખમાં ઝળઝળિયા આવી ગયા અને તેણે બેય પોપચાં ભારપૂર્વક બીડી દીધા,

'પણ તેં તેને બચાવવાની કોશિષ ન કરી?'

'વોટ ડુ યુ થિન્ક?' તેણે પલંગમાં સ્હેજ જગ્યા કરીને છપ્પનની બાજુમાં જ બેસતાં કહ્યું, 'મારા હાથમાં હોત તો મેં પ્રયત્ન ન કર્યો હોત?'

'તને ખબર હતી કે...' નબળાઈ અને ધીમા બ્લડપ્રેશરને લીધે ક્ષીણ અવાજે છપ્પને ફીક્કી આંખ તાકીને પૂછ્યું. એ પૂછવા માંગતો હતો કે ખુબરામાં આવો જંગ જામશે એ તને ખબર હતી?

'ઈન ફેક્ટ, નો...' તેના અવાજમાં મક્કમતા હતી, 'નોટ એટ ઓલ... મને જો ખબર હોત તો મેં તને ય રોક્યો હોત અને રસ્તો ચૂકેલા ત્વરિતને ય મેં અટકાવ્યો હોત. જે કંઈ થયું એ મારા માટે ય તદ્દન અણધાર્યું હતું.'

'તો હવે? ત્વરિત?'

'વી વિલ ટ્રાય...' તેના હોઠ દૃઢતાપૂર્વક બીડાયા, 'મારી શીખામણ યાદ રાખશે તો કદાચ વાંધો નહિ આવે..'

છપ્પન આશ્ચર્ય અને આઘાતથી તેને તાકી રહ્યો. કઈ અગમચેતીથી આ માણસ ત્યાં હતો? કઈ રીતે તેણે મને બચાવ્યો? કઈ રીતે તે પોતાની જાતને અળગી રાખીને પણ સર્વત્ર હાજર હોય છે? ત્વરિતને વળી તેણે ક્યારે શીખામણ આપી? કઈ શીખામણ?

છપ્પન બોલ્યો નહિ પરંતુ તેની આંખોમાં વિચારોનું ધમાસાણ સ્પષ્ટ વર્તાતું હતું.

'મંદિર તરફ જવાનો રસ્તો મેં તેને બતાવ્યો ત્યારે જ મેં તેને કહ્યું હતું કે મહેરબાન ઈ રેગિસ્તાન હૈ. ઈહાં જો સામને દિખતા હૈ વો હોતા નહિ હૈ...'

(ક્રમશઃ)