Chintanni Pale - Season - 3 - 47 books and stories free download online pdf in Gujarati

ચિંતનની પળે - સીઝન - 3 - 47

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

47 - એકસરખી મોસમ આપણને સદતી નથી

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’! હમણાં વા’ણું વાય છે, ‘રોકાઈ જાવ’!

એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે, ‘રોકાઈ જાવ’!

-સાબિર વટવા

અગર આપ કુછ પાને કે લીયે જી રહે હો તો ઉસે વક્ત પર હાંસિલ કરો, ક્યું કિ જિંદગી મોકે કમ ઔર ધોકે જ્યાદા દેતી હૈ…’ એક મિત્રએ આવો મેસેજ મોકલ્યો. આપણે કોઈને દોષ આપી નથી શકતા ત્યારે જિંદગીને દોષ આપીએ છીએ. આખરે કંઈક તો જોઈએને જેના પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ અને થોડુંક આશ્વાસન મેળવી શકીએ. આપણે આપણી ઉદાસી અને નિષ્ફળતા માટે હંમેશાં કોઈક બહાનું શોધતા હોઈએ છીએ. એક કારણ આપણે જોઈતું હોય છે અને એ આપણે ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ. કંઈ જ ન મળે તો છેલ્લે નસીબને તો દોષ દઈ જ શકીએ છીએ. મારી કિસ્મત જ ખરાબ છે. નિદા ફાઝલીનો એક શેર છે, કુછ તબિયત હી મિલી થી ઐસી, ચૈન સે જિને કી સૂરત ન હુઈ, જિસે ચાહા ઉસે અપના ન શકે, જો મિલા ઉસસે મુહોબ્બત ન હુઈ. ગાલીબના એક શેરની પંક્તિ આવી છે કેદિલ કો બહેલાને કે લીયે ગાલીબ, યે ખયાલ અચ્છા હૈ…’ આપણે રોજ દિલને બહેલાવીએ છીએ, પંપાળીએ છીએ. આશ્વાસન મેળવવામાં આમ જોઈએ તો કંઈ ખોટું નથી પણ આવા આશ્વાસનની આદત પડી જવી ન જોઈએ, નહિતર આપણે આશ્વાસન જ શોધતા રહેશું. ઘણા લોકો તો પરિણામ પહેલાં આશ્વાસન તૈયાર રાખે છે. જો નિષ્ફળ જશું તો શું કારણ આપશું?

લાઇફ ઇઝ, વોટ ઇટ ઇઝ. જિંદગી એ જ છે જે જિંદગી છે. તમારી જિંદગી માટે તમે કોઈને દોષ ન દઈ શકો. માણસે પોતાને પણ દોષ ન દેવો જોઈએ. બસ, જીવવાનાં કારણ, જિંદગીમાં બદલાવ, કંઈક ગમે એવું કરવાની ઇચ્છા અને જિંદગી જીવી લેવાની ખેવના જોઈએ. તમારી જિંદગીમાં એવું શું છે જે તમને જીવવા માટે મજબૂર કરે છે?

કદાચ આત્મહત્યા કરવાવાળા પાસે મરવાનું કારણ હશે, એ સાચું હશે અથવા ખોટું હશે પણ કારણ તો હશે જ. પણ આપણી પાસે જીવવાનું કારણ હોય છે? કે પછી આપણે બસ એમ જ જીવતા હોઈએ છીએ? કોઈ મકસદ, કોઈ તમન્ના, કોઈ ખ્વાહિશ, કોઈ તડપ,કોઈ પ્યાસ, કોઈ પ્રેમ કે કંઈ ન હોય તો શોધી કાઢો. બધાંને કંઈક કરવું હોય છે. પણ એ કરી શકતા નથી. મોટા ભાગે આપણે કંઈ કરતા નથી અને કારણ એવું આપીએ છીએ કે અમે કરી શકતા જ નથી. ટાઈમ જ ક્યાં છે? સમય આવવાની રાહ જોઈએ છીએ પણ એ સમય આવતો જ નથી. બધું એકસરખું અને એ જ ઘરેડમાં ચાલતું રહે છે. કંઈ જ બદલાતું નથી. માત્ર મોબાઈલના સ્ક્રીન પર તારીખ અને કેલેન્ડર બદલાતાં રહે છે.

માણસને અલગ અલગ સમયે જુદો જુદો અહેસાસ જોઈએ છે. આપણે એકસરખાં કપડાં પણ કાયમ પહેરતાં નથી. તો પછી એકસરખી જિંદગી કેવી રીતે જીવી શકવાના? તમારી જિંદગીમાં વેરાયટીઝ છે? સુખ માટેના કેટલા વિકલ્પો તમારી પાસે છે? એકસરખું સુખ પણ આપણાથી સહન નથી થતું. મીઠાઈ ગમે એટલી ભાવતી હોય તો પણ રોજ નથી ખાઈ શકતા. આપણે કંટાળી જઈએ છીએ. આવા કંટાળામાંથી બહાર ન આવીએ તો જિંદગી જ એક સમયે કંટાળો લાગવા માંડે છે. તમારી પાસે આ કંટાળાનો ઉપાય છે?

એક મનોચિકિત્સકે એવી સલાહ આપી છે કે જો તમને હતાશા કે ઉદાસી લાગતી હોય તો તમે થોડા દિવસો યંગસ્ટર્સ સાથે રહો. તેની જિંદગીને જુઓ. તેમના જેવા થવાની કોશિશ કરો એટલા માટે કારણ કે યંગસ્ટર્સ સતત ધબકે છે. એને કંઈક કરવું છે. તેની પાસે જીવવા માટે ઢગલાબંધ કારણો છે, સફળ થવાની દાનત છે અને નિષ્ફળ જવાની તૈયારી છે.

એક બોક્સરને એવો સવાલ કરવામાં આવ્યો કે તમે આવી જીવલેણ રમત શા માટે રમો છો? કાં કોઈને મારવાનું અને કાં માર ખાવાનો. બોક્સરે કહ્યું કે મને આ રમત એટલા માટે ગમે છે કારણ કે એ જિંદગી જેવી છે. સમય અને સંજોગો આપણા ઉપર ઘા કરતાં રહે છે અને આપણે તેને સામો પંચ મારવાનો હોય છે. જો તમે પંચ નહીં મારી શકો તો તમને પંચ લાગવાનો છે. તેનાથી પણ મોટું કારણ તો બીજું એક છે, આ રમતમાં તમે પડી જાવ, ધરાશાયી થઈ જાવ એટલે તમે હારી જતા નથી પણ રેફરી દસ સુધી બોલે અને તમે ફરીથી લડવા માટે ઊભા ન થાવ તો તમે હારી જાવ છો. જિંદગીનું પણ આવું જ છે. ક્યારેક આપણે પડી તો જવાના જ છીએ પણ ઊભા થવાની તમારી કેટલી તૈયારી છે તેના ઉપર જ જિંદગીનો સૌથી મોટો આધાર છે. જિંદગી પણ મોકા આપે જ છે,તમે ઊભા ન થાવ તો તેમાં વાંક જિંદગીનો નહીં, તમારો જ હોય છે.

એક ઝનૂન, એક દીવાનગી, જીવવાનાં થોડાંક કારણો સદાયે માણસમાં જીવતાં રહેવા જોઈએ. પણ ઘણી વખત એ મરી જાય છે. માણસ એક જિંદગીમાં કેટલી વખત મરતો હોય છે? ડિપ્રેશન, હતાશા અને ઉદાસી એ કામચલાઉ મોત છે પણ આવાં મોત આપણને ફરીથી સજીવન થવાની તક આપે છે. ફરીથી જિંદા થવાની આપણી કેટલી તૈયારી હોય છે?

દરેક પાસે જિંદગીની પોતાની વ્યાખ્યા હોય છે. આપણે જીવતા હોઈએ છીએ ત્યારે ઘણી વખત આપણી જ આ વ્યાખ્યાઓ આપણને સામે મળી જતી હોય છે. આપણને ક્યારેક અચાનક જ મજા આવે છે, હાશ થાય છે. બધાને એક શુકૂન જોઈએ છે. બધાને થોડો સમય પોતાનામાં ખોવાવું હોય છે. તમારી જિંદગી તમારી સાથે કેવી વાત કરે છે? હા, બધું જ આપણું ધાર્યું નથી થતું, તો પછી બધું જ ધાર્યું થાય એવી દાનત શા માટે રાખવાની? થોડુંક તો આપણું ધાર્યું આપણે કરી જ શકતા હોઈએ છીએ. તમે કરો છો?

આપણે હંમેશાં એક વાત સાંભળીએ છીએ કે દરેક માણસે કામ કરવું જોઈએ. એટલિસ્ટ આઠ કલાક તો કામ કરવું જ જોઈએ. સાચી વાત છે, પણ આપણે ક્યારેય એમ શા માટે નથી કહેતા કે માણસે થોડુંક પોતાને માટે પણ જીવવું જોઈએ. એટલિસ્ટ થોડાક કલાક, થોડીક ક્ષણો, થોડાક શ્વાસ માણસે પોતાના માટે પણ લેવા જોઈએ. તમારી પાસે તમારા શ્વાસ છે? તમારી પાસે તમારી ક્ષણો છે? હોય જ છે, આપણને ખબર નથી હોતી.

એકસરખું આપણને કંઈ જ ગમતું નથી, કંઈ જ સદતું નથી, મોસમ પણ નહીં અને જિંદગી પણ નહીં. આપણને સતત ચેન્જ જોઈએ છે. આપણને સતત રાહત, હાશકારો અને શાંતિ જોઈએ છે. સતત દોડ પછી એક વિરામ જોઈએ છે. આ ન હોય ત્યારે જ કંટાળો આવે છે. આરામની મજા થાકમાં જ છે. પણ થાક પછી આપણી પાસે આરામનાં કે શુકૂનનાં કારણો ન હોય તો થાક બેવડાઈ જાય છે. થોડીક મિનિટો આપણે એવી જોઈતી હોય છે જ્યારે આપણે બધું જ ભૂલી જઈએ. નોકરીની ઉપાધિ કે ધંધાની ચિંતા.

દરેક માણસ અંતે તો જિંદગી તરફ પાછો વળતો જ હોય છે. આપણે પણ અનેક વાર જિંદગીની નજીક જતાં હોઈએ છીએ અને થોડી વારમાં જ જિંદગીથી દૂર જતાં રહીએ છીએ. આપણે જેટલી ક્ષણો જિંદગીની નજીક હોઈએ છીએ એટલો સમય જીવીએ છીએ? એક ગઝલ, એક પંક્તિ કે એક વ્યક્તિ ઘણી વખત આપણને જિંદગીની નજીક લઈ જતી હોય છે. આ ક્ષણ જીવી લો, આ ક્ષણ માણી લો,જિંદગી સામે લડવાની તાકાત મળી જશે. દૂર ચાલ્યા ગયા હોય એવું લાગે ત્યારે પાછા વળી થોડું જિંદગી તરફ વળો. કંઇક એવું શોધી કાઢો જે તમને જીવવાનું કારણ આપે. જિંદગી કંટાળા માટે કે એકસરખું જીવવા માટે નથી. દરરોજ થોડાં થોડાં ખીલતાં રહો તો થાક નહીં લાગે. જે થાકતો નથી એ ક્યારેય હારતો નથી. જે જિંદગીની નજીક છે એ ક્યારેય થાકતો નથી. તમારી જાત સાથે વાત કરો અને તમારી જાતને જીવતા રહેવાનું વચન આપો. જિંદગીને નજીક બોલાવી એને પંપાળો , અરે આરામ માટે પણ કારણ શોધો,નહીંતર આરામનો પણ થાક લાગશે. જિંદગીની નજીક જાવ, જિંદગી તમારી રાહ જુએ છે. કંઈક એવું કરો જેનાથી થોડીક ક્ષણો એવું ફીલ થાય કે બસ મજા આવી.

છેલ્લો સીન :

તમારે શાંતિ, સુખ અને આનંદ જોઈએ છે? તો ક્યાંય જવાની જરૂર નથી ફક્ત તમે તમારી જાતને નિહાળો, તમે જે શોધો છો એ તમારી અંદર જ છે. અજ્ઞાત

***