MRUTYU PACHHINU JIVAN - 2 books and stories free download online pdf in Gujarati

મૃત્યુ પછીનું જીવન - 2

મૃત્યુ પછીનું જીવન - 2

એકદમ રાઘવની ટ્યુબ લાઈટ ઝબકી , અરે યાર આ તો આખી રાશીદની ઊભી કરેલી ગેઈમ છે.....

મારાં પરિવારને એણે જ એવું બતાવ્યું લાગે છે કે હું જીવિત નથી અને પછી...! પછી કદાચ મને જીવતો પકડીને...

પણ આ લોકોને કઈ રીતે સમજાવું કે હું તમારી સામે જ છું , મર્યો નથી..એ નાના દીકરા વંશ પાસે ગયો , મોટો માં પર પડ્યો છે પણ નાનો તો મારા જેવો છે, મેચ્યોર..વંશને ખભાથી હલાવીને બોલ્યો ,

“ અરે વંશ બેટા, આ શું છે બધું ? તું તો રાશીદને ઓળખે છે ,તું આપણા ધંધાની ચાલ સમજે છે..હું મર્યો નથી ,તારી સામે ઊભો છું..” પણ વંશે સામે પણ ન જોયું..હવે રાઘવ છેક અંદરથી હલી ગયો , શું વંશ ,મોટો, ગવાર ગોમતી..બધાય આ ખેલમાં સામેલ છે ? એક કલાકમાં આખી ગેઈમ જ બદલાઈ ગઈ ? કાંઈ જ સમજાતું નથી...! કલાક પહેલાં મારા ઘરમાં , માફિયા વર્લ્ડમાં, મારા પુરા શહેરમાં રાજ હતું મારું ; ધ ગ્રેટ રાઘવ...બટ નાવ.....૬ ફુટનાં આ માણસને જોઇને આઘાપાછા થઈ જતાં લોકો આજે પાછું ફરીને નજરેય નાખતાં નથી..પારકા તો ઠીક પોતાનાં ય...? એક જ કલાકમાં ચેસના બોર્ડ પર રાજામાંથી પ્યાદું બની ગયો જાણે...

ક્યાં છે મારો મની પાવર, માઈન્ડ પાવર , મસલ પાવર ,ગન પાવર...! ઓ ભગવાન.. આ શું થાય છે મારી સાથે ?

રાઘવ આટલી બધી અવગણના સહી ના શક્યો...એ ભાંગી પડ્યો , ગોળીના ઘાથી ઉફ પણ ન કરનાર રાઘવ અવગણનાનાં માર થી ભાંગી પડ્યો..ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો...પણ આંખમાંથી આંસુએ ન આવ્યાં..કેટલાય લોકોને રડાવનાર આ આંખો હવે આંસુની સંવેદના ઝીલી જ નથી શકતી જાણે...એને યાદ આવ્યું ..છેલ્લાં કેટલા વર્ષોથી એ રડ્યો નહોતો ...ભગવાનને ક્યારેય ન યાદ કરનારને આજે કોણ જાણે ક્યાંથી ભગવાન યાદ આવી ગયાં ...

દર્દભર્યા સ્વરે એ જોરથી ચિલ્લાયો...ઓહ ગોડ.....! અને અચાનક એક પવનની લહેરખી આવી અને...સામે મૂકેલાં શબ પરનું કપડું સહેજ હટી ગયું..અને કફન પાછળ પડેલાં શરીર પર એનો ચહેરો સાફ દેખાવા લાગ્યો...

રાઘવ ધ ગ્રેટ , ૬ ફૂટનો હેન્ડસમ માફિયા ડોન , કરોડોપતિ ,૧૦૦ વીઘા જમીનનો માલિક , આખા શહેરને ડરાવનાર , આખા પુલીસ તંત્ર ને હંફાવનાર રાઘવ ધ ગ્રેટનું શરીર જમીન પર પડ્યું હતું , અને રાઘવ એને જોતો જ રહી ગયો ...મારું શરીર તો અહી પડ્યું છે , તો હું કોણ ....? એટલે શું ખરેખર મારો ખેલ ખતમ ? નહી યાર, આ બધું કોઈ ભયાનક સપનું લાગે છે ..આમ અચાનક જ ..નહી નહી.. શક્ય જ નથી ...ગવાર ગોમતી ..પ્લીઝ મને ચુટલી ખણ , હું જાગી જાઉં , તારા હાથની ચા પી લઉં , ગુડિયા સાથે થોડું રમી લઉં , બહુ કમાઈ લીધું , હવે થોડી જીંદગી જીવી લઉં ..થોડાં સુકુનની, પ્રેમની મીઠી પળો માણી લઉં, થોડાં સારા કામ પણ કરી લઉં ...અરે યાર હજું તો કેટલાય કામ બાકી છે ? પ્લીઝ મારી ગવાર ગોમતી મને તું ઉઠાડી દે , આ સપના માંથી જગાડી દે..સૌથી મોટું કામ તો હજું બાકી જ રહી ગયું ...જિંદગી જીવવાની તો બાકી જ રહી ગઈ ....પણ હવે એને સાંભળવા વાળું કોણ હતું ..

એ એમ હિંમત હારે એવો ક્યાં હતો , કઈ કેટલીય વાર મોતને માત આપી હતી , પડીને ઊભો થઇ ગયો હતો ..આજે ફરી ઊભો થયો , મોટા દીકરા પાસે ગયો , જેને જીંદગીભર હડધૂત કરતો રહ્યો . એની સારપને એની મૂર્ખતા સમજતો રહ્યો, આજે એમ કહેવું છે કે સારું છે તું મારા માર્ગે નથી પડ્યો , નહીતર આજે તું પણ મારી જેમ .. , તું પણ ... બહારની ધમાલથી અજાણ નાની ગુડિયા પાસે જઈને હાથ ફેરવવો છે ... હીબકાં ભરતી ગોમતીને જીંદગીભર ગાળો આપી હતી, આજે એની સામે જઈ એનાં પ્રેમને જોઈ રહ્યો...એને કહેવું છે ,બસ કર ..હું અહીં જ છું તારી સામે ... મારી સાથે પરણી જીંદગીભર તું રડતી જ રહી ...આજે જયારે તારા પ્રેમનો અહેસાસ થયો ,ત્યારે શબ્દો જ છીનવી લીધા કુદરતે, કેવી રીતે તારા પ્રેમનું ઋણ ચુકવીશ હું ...કેવી છે આ જીંદગીની રમત...હે ભગવાન , મને માત્ર ૫ મીનીટનું જીવન આપ તું ; બસ મારા પોતાનાને જણાવવું છે મારે , કે હું તમારા વિના કંઈ નથી , બસ શૂન્ય છું , તમારાં સૌનાં પ્રેમને હું પૈસા ની દોડમાં જોઈ જ ન શક્યો..આજે કરોડો રૂપિયા છે , બધું જ છે , બસ હું જ નથી...

અને હું જ નથી , તો પછી રહ્યું જ શું .....?

મહારાજ પૂજા કરીને ઉઠ્યા , ચાલો હવે બધાં અંતિમ દર્શન કરી લો . બધાં એક પછી એક મારા શરીર ની પ્રદક્ષિણા ફરતાં ગયાં , હાર ચઢાવતાં ગયાં ..અને હું ખૂણામાં ઊભો ઊભો જોઈ રહ્યો હતો બધું , નિસહાય થઇને ....પછી મારાં જ અંશ એવાં વંશ અને સમીર મારા શરીરને બાંધી રહ્યાં..મારા શરીરને કાઢી રહ્યાં હતાં ...અને હું માત્ર જોઈ રહ્યો હતો... મારા પ્રિય ઘર, વર્ષો ની તપશ્ચર્યા નાં ફળ એવાં મારાં જ ઘર, રાઘવ સદન થી દૂર ..કાયમ માટે દૂર લઈ જવાની યાત્રા શરુ કરી ....

રામ બોલો રામ ... રામ બોલો રામ ...

અમીષા રાવલ

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------