Sapna advitanra - 39 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૩૯

"હેલો આદિ, તું ક્યારે ફ્રી થઈ શકીશ? "

પેશન્ટ ને તપાસતી વખતે આદિત્ય નો મોબાઈલ વાઇબ્રેટ થયો. જનરલી તે પેશન્ટ ની હાજરી માં મોબાઈલ ને અવોઇડ કરતો. પરંતુ, સ્ક્રીન પર કેયૂર નું નામ જોતા તેણે કોલ રીસિવ કર્યો. એમાંય કેયૂર નો આવો પ્રશ્ન સાંભળી તે થોડો ટેન્શન માં આવી ગયો.

"હાય, કેયૂર! વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ! આજે અચાનક મારી યાદ આવી ગઇ! "

ક્ષણિક મૌન પછી સામેથી અવાજ સંભળાયો,

"ફ્રેંકલી સ્પીકીંગ, આજે કે. કે. ની બહુ યાદ આવે છે. સો આઇ વીશ કે તારી સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરૂં. "

કેયૂર ના અવાજમાં રહેલી ભીનાશ થી આદિત્ય પણ પલળી ગયો. તેણે અપોઇનમેન્ટ ચાર્ટ માં નજર કરી કહ્યું,

"સોરી યાર, આજે તો આખો દિવસ ફીક્સ છું. "

સામે છેડે એક આછો નિઃસાસો સંભળાયો જે સીધો આદિત્ય ના હ્રદય સોંસરવો ઉતરી ગયો. થોડુક વિચારી તેણે કહ્યું,

"લેટ્સ ડુ વન થીંગ. રાત્રે મળીએ... કે. કે. ની ફેવરિટ જગ્યાએ... "

"થેંક્સ આદિ... થેંક્યુ સો મચ. "

કોલ કટ થઈ ગયા પછી પણ આદિ થોડી વાર એમજ વિચારતો સ્થિર બેસી રહ્યો. પછી પાછું તેનુ ધ્યાન પેશન્ટ પર કેન્દ્રિત કર્યું.

*****

"ટેલ મી, રાગિણી સાથે વાત કરી? "

કેદારભાઈ ના સવાલથી કેયૂર મનોમન પોરસાયો. તેના ડેડ તેને આટલી હદે સમજી શકે છે એ બાબત પર તેણે ગર્વ અનુભવ્યો. અને એ જ આનંદ મિશ્રિત અવાજે તેણે જવાબ આપ્યો,

"નોટ યેટ, ડેડ. હજી એવો મોકો જ નથી મળ્યો. ''

''ઓહ, કમ ઓન માય બોય. મોકો નથી મળ્યો તો ઉભો કર. ડુ વન થીંગ. સીંગાપોર ની ઇવેન્ટ પૂરી થઇ જાય એટલે તુ અહીં આવ... રાગિણી સાથે... "

"ઓહ, કમ ઓન ડેડ... "

'"સિરીયસલી, તું એકવાર આવ તો ખરો. પછી મૌકા હી મૌકા અને હર મૌકે પે ચોક્કા... "

કેદારભાઈ એ મોબાઈલ સ્પીકર પર રાખ્યો હતો, એટલે આ બધીજ વાત કોકિલા બહેને પણ સાંભળી. તેમને અંતરમાં હા' શ થઇ... ચાલો, કેટલાય દિવસે કોઇ તો સારા સમાચાર મળ્યા!

આ બધો સમય કે. કે. ની આંખ બંધ હતી, પણ તેનું સંપૂર્ણ ધ્યાન આ વાતચીત પર કેન્દ્રિત હતું. અચાનક તેની અંદર કંઈક પીગળી રહ્યું હોય એવું લાગ્યું. તેનું આંતરમન ખળભળી ઊઠ્યું. ડેડ અને કેયૂર ની વાત પરથી સ્પષ્ટ હતું કે કેયૂર રાગિણી ને પસંદ કરે છે. તો શું રાગિણી પણ.... કશુંક હતું જે તૂટી ગયુ... વેરવિખેર થઇ ગયુ... અચાનક તેના શ્વાસ ધમણની જેમ ચાલવા માંડ્યા... શું થયું તે સમજાય એ પહેલાં તો શ્વાસ તૂટવા માંડ્યા... આસિસ્ટન્ટ ડોક્ટર દોડી આવ્યા. તરતજ ઓક્સિજન માસ્ક પહેરાવી ટ્રીટમેન્ટ ચાલુ કરી. પણ તબિયત માં અચાનક આવેલો આ ફેરફાર કોઈને સમજાયો નહીં.

*******

"થેંક્સ ફોર કમિંગ, આદિ. "

કેયૂર આદિત્ય ને ભેટી પડ્યો. તેનો અવાજ થોડો ગળગળો હતો... અને કદાચ આંખમાં પાણી પણ! જોકે અંધારાને કારણે એ કળવું મુશ્કેલ હતું, પરંતુ આદિ અંદાજ લગાવી શકતો હતો. કે. કે. ની બગડેલી તબિયત ના સમાચાર તેને પણ મળી ગયા હતા.

"ચલ પગલે, રૂલાયેગા ક્યા? "

આદિત્ય એ વાતાવરણ ને હળવું કરવાની કોશિશ કરતા કહ્યું અને પછી કેયૂર નો હાથ પકડી, તેને રીતસર ખેંચી દરિયાની ભીની રેતીમાં ચાલવા માંડ્યું. બે ચાર ડગલા ખેંચાયા પછી કેયૂર પણ આદિ સાથે કદમ થી કદમ મિલાવી ચાલવા માંડ્યો. થોડે સુધી એમજ ચાલ્યા પછી આદિ ભીની રેતી માં પલાંઠી વાળી બેસી ગયો. તેને જોઈને કેયૂર પણ બેસી ગયો... એકદમ કે. કે. ની જેમજ!

આદિએ પોતાનો હાથ કેયૂર ના હાથ પર મૂક્યો. કેયૂર એમાંથી પ્રસરતી ઉષ્મા નો અનુભવ કરતો રહ્યો. થોડીવાર આમજ મૂક સંવાદ રચાતો રહ્યો. આદિએ રાહ જોઈ... કેયૂર બોલવાની શરૂઆત કરે એની, પણ કેયૂર કદાચ શબ્દો ગોઠવવાની મથામણ માં હતો! આખરે આદિએ જ શરૂઆત કરી.

"મારે વાત થઇ અંકલ સાથે. "

હજુપણ કેયૂર મૌન જ હતો, એટલે આદિએ વાત આગળ ચલાવી.

''ડોક્ટર સાથે પણ વાત થઇ. કે. કે. ની તબિયત માં જોઇએ એવો સુધારો દેખાતો નથી. ઈનફેક્ટ, આજે તો તકલીફ થોડી વધારે જ હતી. ''

હજુપણ કેયૂર ચૂપ જ હતો. આદિએ હળવેથી તેનો વાંસો પસવાર્યો.

''ડોન્ટ વરી. સૂન હી વીલ બી ઓલરાઇટ. ''

અને કેયૂરે રોકી રાખેલું ડૂસકું છૂટી ગયું. તે નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. આદિ બસ તેનો વાંસો પંપાળતો રહ્યો.

'"અરે દોડો... કોઈ ડૂબી રહ્યું છે... પકડો કોઇ... બચાવો... "

શાંત વાતાવરણ માં અચાનક કોલાહલ ગૂંજી ઉઠ્યો. થોડે દૂર ટોળું જમા થયું હતું અને હજુ વધુને વધુ લોકો એ ટોળાનો ભાગ બની રહ્યા હતા. મોડી રાત ને કારણે કિનારે પબ્લિક ઓછી થઇ ગઇ હતી. પણ આ કોલાહલ બાદ જાણે હાજર બધા ત્યા ટોળામાં ભળી ગયા હતા. આદિ અને કેયૂર પણ એ બાજુ ગયા.

"ખસો... આઇ એમ અ ડોક્ટર. મને જવાદો અંદર... "

આદિત્ય ના શબ્દો ની જાણે જાદુઈ અસર થઈ હોય એમ ટોળા વચ્ચે જગ્યા થઈ ગઈ અને આદિત્ય ની સાથે કેયૂર પણ ટોળાની વચ્ચે પહોંચી ગયો. ટોળાની વચ્ચે ઉભેલી, આખી પાણીથી ભીંજાયેલી અને સતત ધ્રુજી રહેલી એ વ્યક્તિ ને જોઇને બંનેની આંખો આશ્ચર્ય થી પહોળી થઇ ગઇ....

"રાગિણી!!! "

બંને જણ હતપ્રભ થઇ ગયા. ઘડીક તો શું બોલવું કંઇ સમજાયું નહીં. પણ આદિએ તરત જ સ્વસ્થતા મેળવી લીધી. હવે તે એક ડોક્ટર ના રોલમાં આવી ગયો હતો. તેણે તરત જ રાગિણી ના કાંડાની નસ પરથી ધબકારા ચેક કર્યા. આમ તો તે ભાનમાં જ હતી. પાણી પિવાઈ ગયું હોય એવું પણ લાગ્યું નહી. ધબકારા પણ બરાબર હતા. છતાં કશુંક તો હતું જે બરાબર નહોતું. રાગિણી નો ચહેરો એકદમ સપાટ હતો... તદ્દન ભાવવિહીન... જાણે પથ્થર ની પ્રતિમા જોઈ લો! વળી તે તદ્દન મૌન હતી. કોઈના એકેય પ્રશ્ન નો જવાબ તે આપી નહોતી રહી.

આદિત્ય એ કેયૂર સામે જોયું અને બોલ્યો,

"આમ તો ટેન્શન જેવું કંઇ લાગતું નથી. છતાં ક્લીનીક પર લઇ જઇએ તો પ્રોપર ચેક અપ થઇ જાય. "

આદિત્ય એક ડોક્ટર છે અને તેણે આ કેસ હાથમાં લઇ લીધો છે એ જોઈને ટોળું પણ ધીરે ધીરે વિખેરાવા માંડ્યું. કેયૂરે નોંધ્યું કે બીજી પણ એક વ્યક્તિ આખી ભીની છે. કદાચ તેણે જ રાગિણી ને બચાવી હશે. પણ તે તો ચૂપચાપ ટોળામાંથી સરકી ગયો!

"ઓ ખોદાય જી, શું ઠેઇ ગીયું મારી પોયરીને? "

સામેથી ઈમરાન સાથે એક પારસી વડીલ ને ઉતાવળે પગલે પોતાની તરફ આવતા જોઇ આદિ અને કેયૂર ત્યાંજ સ્થિર થઇ ગયા, પણ રાગિણી એમજ ચાલતી રહી, જાણે તેણે એ લોકોને જોયા જ ન હોય! ઇમરાન ઝડપથી આગળ આવી રાગિણી ના રસ્તા માં ઉભો રહી ગયો. પણ રાગિણી સાઈડમાંથી નીકળી ગઇ.

"ઓ ખોદાય જી, પોયરી, ટુ ઠીક તો છે ને? કશું ઠયું તો નઠી ને? આવું કરવાય કે? જોની, મારી હાર્ટ-બીટ કેવી ભભક ભભક ચાલે છ, એકડમ ટ્રેન ના એંજિન ની જેવી... હવે આ ઉંમરે મેં કેટલું ડોડવા, હે? અને ટારી રોશન આંટી... એ ટો બિચાડી રડી રડીને અડઢી ઠેઈ ગેઇ, બોલ! "

આદિત્ય અને કેયૂર ની સમજ બહાર નુ હતુ આ આખુ દ્રશ્ય. તેમણે પ્રશ્નાર્થ નજરે ઇમરાન સામે જોયું એટલે ઇમરાને એક ઘડી વાળેલો કાગળ આદિત્ય ના હાથમાં આપ્યો. આદિત્ય એ સાચવીને ઘડી ખોલી અને તેનાથી રાડ પડાઇ ગઇ... સ્યુસાઇડ નોટ!!!