64 Summerhill - 54 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 54

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 54

દુબળી કેમ ચિત્કારી રહ્યો હતો? તેની સાથેની છોકરી કોણ હતી? એ જોતાં પહેલાં કેટલોક ફ્લેશબેક.

મૂર્તિ ઊઠાવવા માટે છપ્પન છૂટો પડયો એ સાથે ટેમ્પો ટ્રેવેલરે જુદી જ દિશા પકડી હતી.

નેટ કર્ટનને લીધે સ્પષ્ટ ખ્યાલ આવતો ન હતો, પરંતુ ટ્રાફિકની પેટર્ન ધીમે ધીમે બદલાઈ રહી હતી. બાઈક્સ હવે ઓછા દેખાતાં હતાં અને આસપાસમાં ફોર વ્હિલર્સ તેમજ હેવી ટ્રક પૂરપાટ વેગે નીકળતા હતા. રાઘવનો અંદાજ સાચો હતો, તેઓ વારંગલ શહેરના રિંગ રોડ પરથી પસાર થઈને હવે નરસમપેટ તરફ વળી રહ્યા હતા. રસ્તાની ડાબી તરફ છૂટાછવાયા બંગલા દેખાતા હતા. છેવટે, સડકથી ખાસ્સા દોઢસો મીટર દૂરના એક બંગલા તરફ ગાડી વળી હતી.

રાયણ, બોરસલ્લીના ઝાડથી ઘેરાયેલું સાફસૂથરું કમ્પાઉન્ડ, બોગનવેલની સફેદ, ગુલાબી, જાંબલી પત્તીઓથી ઘેરાયેલો વિશાળ દરવાજો, હારબંધ સ્ટેકર્ડ પાથરીને બનાવેલો સુઘડ પોર્ટિકો અને એ સિવાય બસ, સમગ્ર સૃષ્ટિમાં આ મકાન સિવાય બીજાં કશાંનું જાણે અસ્તિત્વ જ ન હોય એવો નર્યો સન્નાટો...

ગાડીમાંથી ઉતર્યા પછી ત્રણેયની આંખોમાં એક જ સવાલ વંચાતો હતો, 'ડ્રાઈવિંગ કોણ કરતું હતું?'

'આ તરફ...' ત્રણેય જાણી જોઈને ડ્રાઈવર સાઈડ તરફ ચાલવા લાગ્યા ત્યાં દુબળીએ આડો હાથ કરીને તેમને પોર્ટિકોની જમણી તરફની પગદંડી ચિંધી, 'તમારી એરેન્જમેન્ટ અંદર બંગલામાં છે...'

પણ કોણ કરી રાખે છે આ બધી એરેન્જમેન્ટ? દરેકના ચહેરા પર ઊભરતા આ સવાલનો જવાબ મળતો ન હતો. ક્યાંય કોઈ હલચલ ન હતી. અંદર બીજું કોઈ હોવાનો અણસાર પણ ન હતો. મોટા હોલમાં ત્રણ આરામદાયક બિછાના તૈયાર હતા. એરકન્ડિશનર પણ ચાલુ હતું.

'ફ્રેશ થઈ જાવ. થોડી વારમાં ફૂડ આવી જશે પછી આરામથી થાક ઉતારજો' તેણે સ્મિતભેર કહ્યું અને પછી દરવાજાનો નોબ પકડીને ઘડીક ઊભો રહ્યો, 'આઈ રિપિટ, નો સ્માર્ટનેસ પ્લિઝ. તમે મારા મહેમાન છો તો મહેમાનની જેમ જ રહેજો. અધરવાઈસ...' તેની આંખોના ભાવ ક્ષણાર્ધ માટે પલટાયા, '...યુ વિલ પે'

'ક્યા બોલા?' તેણે દરવાજો બંધ કર્યો કે તરત ઝુઝાર તાડુક્યો હતો. આ માણસ સતત દબડાવી જાય અને તોય કોઈ કંઈ બોલે નહિ એ તેને બહુ જ ખૂંચતું હતું, 'ક્યા બોલા વો?'

'તેણે એમ કહ્યું કે...' રાઘવે ઝુઝારનો ટોન પારખીને તેના ખભે હાથ મૂકીને સ્મિતભેર જવાબ વાળ્યો, 'ઝુઝારસિંઘ માટે ફ્રિઝમાં બોટલ રેડી છે. બે-ચાર ઘૂંટ મારતા થાવ ત્યાં જમવાનું તૈયાર થઈ જશે..'

* * *

નમતી સાંજે સૌથી પહેલાં ત્વરિતની આંખ ખુલી હતી. તેણે એમ જ પથારીમાં પડયા રહીને આળસ મરડીને ઊંઘરેટી આંખે જોયું. ઝુઝાર ઊંધો પડીને આરામથી નસકોરા બોલાવતો હતો. રાઘવ તેના બિછાનામાં ન હતો. તેણે તરત આસપાસ નજર દોડાવી. એ એક બંધ બારીની ફાંટમાંથી કશુંક જોવા મથતો હતો.

'શું જુએ છે? કંઈ થયું?'

'કશું જ થતું નથી... એટલે તો જોવાની ટ્રાય કરું છું' તેના ચહેરા પર રમતિયાળ સ્મિત હતું.

'યુ મિન...?'

'મને અંદાજ નથી આવતો કે દુબળીની સાથે કેટલાંક માણસો હોઈ શકે?' ત્વરિતના બેડ પર અધૂકડા બેસતાં તેણે કહ્યું.

'પણ શું ફરક પડે છે, વખત આવ્યે એ પોતે જ સામેથી બધું કહેતો રહે છે...' મૂર્તિચોરીનો ભેદ જાણવા માટે ત્વરિત એટલો બધો આતુર હતો કે હવે એ કોઈ પણ રીતે દુબળીને છંછેડવા ન્હોતો માંગતો.

'એ કહે ત્યારે જ ખબર પડે એ સ્થિતિ આપણા માટે યોગ્ય નથી...' દુબળીની વાતો સાંભળ્યા પછી રાઘવની ઉત્સુકતા ય ફાટાફાટ થતી હતી પણ હજુ ય પોલિસ અફસરનો તેનો માંહ્યલો જાગી જતો હતો.

'બંગલામાં બીજું કોઈ હોય તેમ લાગતું તો નથી..'

'આઈ ડોન્ટ બિલિવ...' રાઘવે મક્કમતાથી માથું ધુણાવ્યું, 'દુબળી અને ડ્રાઈવર બહારના આઉટહાઉસમાં હોવા જોઈએ. એ સિવાય પણ કોઈક છે જે આપણે આવ્યા એ પહેલાંથી બંગલામાં હાજર છે...'

'હમ્મ્મ્...' ત્વરિતને આ બધા તર્ક લડાવવામાં ખાસ રસ પડતો ન હતો. તેણે ઉડાઉ જવાબ વાળ્યો, 'બની શકે કે કોઈક હોય...'

'બની શકે નહિ, છે જ...' રાઘવના મગજમાં એ ભેદી છોકરી ઘૂમરાતી હતી, 'આપણે અહીં આવ્યા ત્યારે રૃમમાં એરકન્ડિશનર ચાલુ હતું. રાઈટ? બટ રૃમ વોઝ નોટ ધેટ મચ ચિલ્ડ. તેનો મતલબ કે, આપણે એન્ટર થયા તેની થોડી જ વાર પહેલાં કોઈએ એસી ઓન કર્યું હોવું જોઈએ.'

'હા... હમ્મ્મ્..' ત્વરિતને સમજાતું ન હતું કે કઈ રીતે રાઘવને આ અર્થહિન વિચારોથી રોકવો.

'આ મિનિમમ ચાર માણસોની ગેંગ હોવી જોઈએ એ મને સમજાય છે પણ એ કઈ રીતે કમ્યુનિકેટ કરે છે એ સાલું સમજાતું નથી...' રાઘવની અસલી અકળામણ આ હતી.

બિકાનેરથી નીકળ્યા પછી દુબળીએ મોબાઈલને હાથ જ ન્હોતો લગાવ્યો અને છતાં ગાડી નિર્ધારિત જગ્યાએ પહોંચે, ત્યાં બધી વ્યવસ્થા પણ હોય. છપ્પન સામેલ નહિ હોય તેની ખાતરી સાથે હોલમાં ત્રણ જ બેડ પાથરેલા હોય... આ બધું... કોણ ડ્રાઈવર નક્કી કરતો હશે? ? ? એ આઉટર ટીમ સાથે સંપર્કમાં રહેતો હશે? પણ ડ્રાઈવરને કેવી રીતે ખબર પડી કે છપ્પન અત્યારે સાથે નથી અને ક્યાં સુધી નથી આવવાનો?

'પેલી છોકરી કેમ નથી દેખાતી?' છેવટે તેણે મનમાં ઘૂમરાતો સવાલ કરી જ દીધો.

'કેમ, ફરીથી કૂકડાની જેમ ઊભડક બંધાવું છે તારે?' ત્વરિતને એ દૃશ્ય યાદ કરીને હસવું આવી રહ્યું હતું.

'ગુડ ઈવનિંગ ફ્રેન્ડ્સ...' અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો અને દુબળી અંદર ધસી આવ્યો.

લાઈટ ગ્રીન કલરનો ડયુઅલ કોલરનો શર્ટ, હળવા-ચળકતા બ્રાઉન કલરનું કોટન ટ્રાઉઝર, પગમાં બ્લેક કલરના લોફ્ટર, તાજાં ધોયા હોય તેમ કપાળ સુધી આવી જતાં ભુખરા વાળ, યુડી કોલનની અણિયાળી ખુશ્બુ...

'સર, ધેર ઈઝ અ ક્વેશ્ચન...' રાઘવ કંઈક છબરડો કરે એ પહેલાં જ ત્વરિતે વાતનો દોર હાથમાં લઈ લીધો.

'યસ, માય ડિઅર...' દુબળીની ખુશમિજાજી યથાવત લાગતી હતી, 'મારા ડ્રેસિંગથી આશ્ચર્ય થાય છે ને?'

'યસ સર...' પૂછાય એ પહેલાં જ જવાબ વાળી દેવાની તેની ક્ષમતાથી ત્વરિત હવે ટેવાઈ રહ્યો હતો, 'તમારો જબ્બર મેકઓવર થયો છે. કેમ્પસમાં મેં તમને આવા સ્ટાયલિશ કદી નથી જોયા...'

'લાઈફ...' તેણે એક ઈઝી ચેર નજીક ખસેડીને બેઠક જમાવતા ઊંડો નિઃશ્વાસ નાંખ્યો, 'લાઈફ ઈઝ અ બીચ, યુ નો...'

'એટલે?' તેનો બદલાતો ટોન જોઈને રાઘવને ય રસ પડયો.

'વાંચવું, લખવું અને ભણાવવું... આ ત્રણ સિવાય મેં મારી જિંદગીમાં કશું જ વિચાર્યું ન હતું. હું મારા સ્ટડીમાં જ એટલો મશગુલ હતો કે મારા માટે બસ, આટલી જ દુનિયા હતી. લોકો કેવા કપડાં પહેરે છે, શું વિચારે છે, કેવી રીતે ટાઈમપાસ કરે છે, લોકોની કેવી હોબી હોય છે... મેં કદી એ કશાની પરવા કરી ન હતી... બટ...' ઘડીક એ અટકીને હવામાં તાકી રહ્યો. તેની આંખોમાં કશોક ખાલીપો વર્તાતો હતો, 'ઈટ વોઝ હોરિબલ ટાઈમ...' સ્વગત બોલતો હોય તેમ તે ડોકું ધુણાવી રહ્યો હતો, 'હું ભયાનક ડિપ્રેશનમાં હતો. હેવ એટેમ્પ્ટેડ સ્યુસાઈડ એફોર્ટ ટુ. મારા માટે આ રિસર્ચ મારી આખી જિંદગીની મહેનતનો નીચોડ હતો. તેમાં માર ખાધા પછી મને જિંદગી જ નિરર્થક લાગવા માંડી હતી.'

આંખો ભારપૂર્વક મીંચીને તેણે બંનેની સામે જોયું, એકધારા ત્રાટક કરીને જોયા જ કર્યું. તેની આંખમાં સન્નાટો હતો, કશીક ફરિયાદ હતી, 'હું આવો હતો નહિ, મારે આવા બનવું પડયું છે. કોઈપણ ભોગે હું મારી જાતને સાબિત કરવા માંગતો હતો પણ મને રસ્તો સૂઝતો ન હતો ત્યારે એક વ્યક્તિએ મને સંભાળ્યો, મને બરાબર સાંભળ્યો, મહિનાઓ સુધી મને સધિયારો આપતાં જઈને એક દિવસ તેણે મારી સામે પ્લાન ધર્યો.. મારી જાતને જો ખરેખર મારે સાબિત કરવી હોય, દુનિયાની સામે મારા રિસર્ચને સન્માનભેર મૂકવું હોય તો એ એકમાત્ર રસ્તો હતો.'

એ ફરી અટક્યો, ફરી બંનેની સામે જોયા કર્યું અને પછી તેના ચહેરા પર જરાક ભાવ આવ્યો, 'આજે એ પ્લાનનો છેલ્લો દિવસ છે.. હવે છપ્પન મૂર્તિ લાવે એટલે...'

'પણ એ વ્યક્તિ કોણ?' તેનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ રાઘવથી પૂછાઈ ગયું એ સાથે ચંદ સેકન્ડ સુધી હોલમાં સ્તબ્ધતા ફરી વળી. ઘડીક ત્વરિતને ય થઈ ગયું કે રાઘવે ખોટા સમયે ખોટો સવાલ પૂછી લીધો. તેને હજુ બોલવા દેવો જોઈતો હતો. રાઘવ પણ તેના બદલાતા હાવભાવ જોઈને પોતાની જાતને મનોમન કોસવા લાગ્યો.

તેણે મુસ્તાક નજરે બેયને નાણીને સ્મિત વેર્યું, 'શી ઈઝ માય ડોટર... હિરન... હિરન રાય'!

* * *

એ પછી બીજા દિવસે ય તેણે ખુશહાલ મિજાજે જાતભાતની વાતો કરી હતી. ત્વરિતે ભણ્યા પછી શું કર્યું એ વિશે ય રસપૂર્વક સાંભળ્યું હતું અને રાઘવે પૂછેલા સવાલોના ય એટલી જ ઉલટભેર જવાબો વાળ્યા હતા.

'આ બધી મૂર્તિઓ રેર છે, અતિશય દુર્લભ છે એમ તું કહે છે તો અત્યાર સુધી કોઈને ખબર ન પડી અને અચાનક તેં કેવી રીતે તેના ઠામઠેકાણા શોધી લીધા?' ખરેખર તો ત્વરિતના મનમાં આ સવાલ ઝંઝાવાત જગાવતો હતો પણ તે નારાજ થઈ જવાના ભયથી એ પૂછી શક્યો ન હતો પણ રાઘવે તો છેવટે પૂછી જ લીધું હતું.

'બીજા કોઈને ખબર કેમ ન પડી એ જવા દો...' તેણે ત્વરિત તરફ હાથ લંબાવ્યો, 'આ ત્વરિતને કેમ ખબર ન પડી એ સવાલ જરૃર થવો જોઈએ..'

'એટલે?' તેના આ ભેદી જવાબથી બંને મૂંઝાયા હતા.

'રઘુનાથ મંદિર...'

'હેં??' એ બોલ્યો કે તરત ત્વરિતથી લગભગ રાડ ફાટી ગઈ. બેડ પરથી એક જ છલાંગે કૂદીને તે સાવ નજીક ધસી આવ્યો. તેના બદલાયેલા હાવભાવથી રાઘવ પણ ચૌકન્નો થઈ ગયો.

'યસ માય ડિઅર...' તેના ચહેરા પર ગર્વિષ્ઠ સ્મિત હતું.

'એઈ... એક મિનિટ...' હવે રાઘવ પણ નજીક ખસ્યો, 'ફરીથી કહું છું, તમને બંનેને ખબર હોય એટલે આમ અડધી-પડધી વાત નહિ ચાલે... મને સમજાવું જોઈએ... માંડીને કહે, શું છે આ રઘુનાથ મંદિરનું?'

'જમ્મુનું રઘુનાથ મંદિર બહુ જાણીતું...'

'યસ, મને યાદ આવ્યું...' રાઘવ ઉત્સાહમાં આવી ગયો હતો, '૨૦૦૨માં કાશ્મીરી મિલિટન્ટ્સે બબ્બે વખત આ મંદિર પર ફિદાયિન એટેક કર્યો હતો'

'યસ્સ, ધેટ્સ ઈટ... એ મંદિર ખાસ..' અચાનક એ અટક્યો. જાણે સરવા કાને કશુંક સાંભળતો હોય તેમ ત્રાંસી નજરે જોઈ રહ્યો, તેના ચહેરા પર ઝડપભેર ભાવપરિવર્તન થવા લાગ્યું અને અચાનક નાના બાળકની જેમ ખુશખુશાલ ચહેરે મોટેથી ચિલ્લાયો, 'ઓઓઓઓઓઓ....'

રાઘવ, ત્વરિત અને ઝુઝાર ત્રણેય ડઘાયેલી નજરે તેને જોઈ રહ્યા.

'સોરી દોસ્તો...' તેણે રાઘવનો ખભો થપથપાવ્યો, 'મારે વાત અહીં જ અધૂરી છોડવી પડશે... છપ્પને કદાચ કામ પાર પાડી દીધું છે... આઈ નીડ ટૂ ગો... પણ, આજે રાતે ચોક્કસ તમારી દરેક ઉત્સુકતાનો જવાબ આપીશ...'

એ સપાટાભેર બહાર નીકળી ગયો એટલે ત્વરિતે લમણું કૂટી નાંખ્યું, 'હું પાગલ થઈ જઈશ યાર, મને સાચે જ કંઈ સમજાતું નથી... મને માથા પટકવાનું મન થઈ આવે છે... શું થઈ રહ્યું છે આ બધું યાર?'

'તને તો આટલી પણ ખબર છે અને તોય તારી આ હાલત છે તો મને તો કશું ભાન જ પડતું નથી યાર...' રાઘવે ય એવો જ ઊંડો નિઃશ્વાસ છોડયો.

'મને ફક્ત એટલી ખબર પડે છે કે આ માણસ સખત ડામિસ છે અને ધમારવાથી જ સમજે તેવા માણસને તમે બંને પંપાળવાથી સમજાવી રહ્યા છો' ઝુઝારને આ બેઉ દ્વારા થતી દુબળીની આળપંપાળ સ્હેજે ય માફક આવતી ન હતી.

'પહેલાં વામપંથી મૂર્તિ, બે ઈન્સાનોના દિમાગ વચ્ચે ડેટા શેઅરિંગ.. પછી સંકેત પ્રતિમા અને હવે આ રઘુનાથ મંદિર... સાલી વાત ક્યાં શરૃ થાય છે, ક્યાં પૂરી થાય છે એ જ સમજાતું નથી મને તો..' રાઘવે અકળામણભેર જોરથી હાથ ઠપકાર્યો, 'શું છે આ રઘુનાથ મંદિરનું યાર?'

'મને ય શું ખબર?'

'અરે પણ તું તો કાશ્મીરનો જ મૂઓ છે ને? હેંએએએ કહીને તરત દોડયો તો હતો. થોડીક ખબર તો હોય ને?' રાઘવના મગજમાં અફાટ ઉત્સુકતા ભભૂકતી હતી અને એકે ય સવાલનો જવાબ મળતો ન હતો એટલે હવે એ બરાબર અકળાયો હતો.

'દુબળી શું કહેવા માંગે છે એ તો મને ય ખબર નથી પણ હું તો હિસ્ટોરિકલ ફેક્ટ્સના આધારે જ જેટલું જાણું છું એટલું કહી શકીશ.રઘુનાથ મંદિર સાથે એક બહુ મોટો ભેદ સંકળાયેલો છે એટલી મને ખબર છે'

'હા તો બોલ ને, શું છે એ? અહીં સાલુ બધુ ભેદભેદભેદ જ છે... કશું જ સીધું સાદું સમજી શકાય તેવું નથી. તું બોલ યાર બોલ, શું છે ભેદ...' રાઘવ હવે પોલિસ અફસર મટીને નાના બાળક જેવી જીદ પર આવી ગયો હતો.

'રઘુનાથ મંદિર એ કાશ્મીરના ડોગરા વંશના સ્થાપક ગુલાબસિંઘ ડોગરાએ બંધાવ્યું હતું...' ત્વરિતે મગજ પર જોર આપીને યાદ કર્યું, 'ઓગણીશમી સદીના ફર્સ્ટ હાફમાં... સમજો ને, ૧૮૩૦-૩૫ આસપાસ. એ સમયગાળામાં દેશભરમાં મુઘલ સત્તા સ્થાપિત થઈ ચૂકી હતી. દખ્ખણમાં અહમદનગર, બીજાપુર, ગોલકોંડા પર આદિલશાહી અને કુતુબશાહી વંશજોનું રાજ હતું. રાજપૂતાના વેરવિખેર હતું. મરાઠાઓનો અસ્ત થઈ રહ્યો હતો એવે વખતે જામવાલ શાખના ડોગરાઓનું કાશ્મીર એકમાત્ર મોટું હિન્દુ રાજ્ય હતું'

'હમ્મ્મ્..' રાઘવને હવે બરાબર રસ પડયો હતો. રાજપૂત, મુઘલ, હિન્દુ એવા શબ્દોથી ઝુઝાર પણ નજીક આવીને ગોઠવાઈ ગયો હતો.

'રઘુનાથ મંદિર બની ગયું, જાણીતું પણ બન્યું તેના લગભગ ત્રીસેક વર્ષ પછી એક્ઝેટ કહું તો, ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામની ભયાનક નિષ્ફળતા પછી અહીં ચિનાબ નદી આસપાસ કંઈક ભેદી હેરફેર થતી હોવાની વાયકા પ્રસરી હતી. એ વખતે મહારાજા ગુલાબસિંઘની આખરી અવસ્થા હતી અને યુવરાજ રણબીરસિંઘ જ બધો વહીવટ સંભાળતા હતા. કાશ્મીરને અંગ્રેજો સાથે મૈત્રીભર્યા સંબંધો હતા. એટલે જ કાશ્મીર વિપ્લવથી પણ અલિપ્ત રહ્યું હતું.'

'પણ આ ચિનાબ નદીની હેરફેરની વાયકા ફેલાવા માંડી એટલે કંપની સરકારે પોતાના સૈનિકોને અહીં તપાસ કરવા મોકલ્યા હતા. ખુદ યુવરાજ તેમની સાથે ચિનાબના કાંઠે-કાંઠે ફર્યા અને કેટલીય જગ્યાએ તલાશી લીધી પણ કશું હાથ લાગ્યું ન હતું.'

'એ પછી એકાદ દાયકાના અંતરાલ બાદ મંદિરના કશાક સમારકામ દરમિયાન મુખ્ય મંદિરના ગર્ભગૃહથી લગભગ ત્રીસેક મીટર દૂર કશુંક પોલાણ જેવું નજરે પડયું. એ પોલાણ થોડુંક ખોદવામાં આવ્યું તો માટીના થરની નીચે પગથિયા જેવું કંઈક ભળાયું. જેમ જેમ ખોદકામ આગળ વધ્યું તેમ તેમ ખબર પડતી ગઈ કે અહીં તો મંદિરની બરાબર નીચે ભોંયરું હતું. એ ભોંયરાનું ખોદકામ છ-સાત વર્ષ જેટલો સમય ચાલ્યું ત્યારે જે જોવા મળ્યું તેનો જવાબ હજુ સુધી નથી મળ્યો...'

'એટલે? શેનો જવાબ? શું હતું એ ભોંયરામાં? આ તું ખરેખર હિસ્ટોરિકલ ફેક્ટ કહી રહ્યો છે?' રાઘવનો ચહેરો ઉશ્કેરાટથી લાલઘૂમ થઈ ગયો હતો.

'યસ, આ ઐતિહાસિક વિગતોના અનેક પ્રમાણો નોંધાયેલા છે. મંદિરની બરાબર નીચે રહેલા એ ભોંયરાનો છેડો સવા બે કિલોમીટર દૂર ચિનાબ નદીના તદ્દન નિર્જન અને અવાવરુ કાંઠે નીકળતો હતો. ભોંયરાની બંને તરફ હારબંધ અને બહુ જ ચીવટપૂર્વક બનાવેલી અલમારીઓ હતી અને એ અલમારીઓ પર સદીઓ જૂની હસ્તપ્રતો, તામ્રપત્રો, ભોજપત્રો જેવી મેન્યુસ્ક્રિપ્ટ દેવદારના પાટિયા વચ્ચે શણ અને નાળિયેરના થડના રેસાઓમાં વીંટેલી મળી આવી હતી...'

'કેટલીય અલમારી ખાલી હતી, ભોંયરામાં કશીક આવ-જા થઈ હોવાના, દેવદારના ખોખાં ઘસડાયા હોવાના, કેટલાંક ખોખા તૂટયા કે ફાટયા હોવાના ય સંકેતો મળ્યા હોવાનું કહેવાય છે પરંતુ મહારાજા રણબીરસિંઘે જાતે જ હાજર રહીને તેમાં કશુંક ભીનું સંકેલી લીધું હતું અને જે હસ્તપ્રતો, તામ્રપત્રો મળ્યા તેને દૈવી ખજાના તરીકે જાહેર કરી દેવાયા હતા. પછી તો અંગ્રેજો ય અહીં આવ્યા, બહુ છાનબીન ચાલી છેવટે આઝાદી પછી રઘુનાથ મંદિરના ભોંયરામાંથી મળેલું આ બધું સાહિત્ય નેશનલ આર્કાઈવ્ઝના કબજામાં સોંપી દેવાયું હતું.'

'બેહદ મૂલ્યવાન એવી એ હસ્તપ્રતો વગેરે કોણ ત્યાં લાવ્યું, કોણ મંદિરના ભોંયરામાં આવ-જા કરતું હતું, શા માટે આટલું બેશકિમતી સાહિત્ય આવી રીતે છુપાવી રખાયું હતું, મોટાભાગની અલમારી ખાલી કેમ હતી આ બધા જ સવાલોના સાચા, અધિકૃત અને સંતોષકારક જવાબ કદી મળ્યા નથી.'

'બસ, આટલી મને ખબર છે. દુબળી હવે ક્યા રેફરન્સથી રઘુનાથ મંદિરનો ઉલ્લેખ કરે છે એ તે પોતે જ કહી શકે...'

* * *

ક્યાંય સુધી ત્રણેય સૂનમૂન થઈને એકમેકને તાકી રહ્યા હતા ત્યારે બંગલાના વરંડામાં મનોહર સાંજ ઢળી રહી હતી. થોડી જ વારમાં છપ્પનસિંઘે એન્ટ્રી મારી હતી. દુબળી પણ આઉટહાઉસમાંથી બહાર આવીને સૌને ભેટી રહ્યો હતો. ઘડીક ચોધાર આંસુએ રડી લેતો હતો. ઘડીક ગાલ થપથપાવીને, વાળમાં હાથ પસવારીને નાના બાળકની માફક હસી પડતો હતો.

ચારેયને એકલા છોડીને તેણે ફરીથી દરવાજો વાસ્યો. ચારેય શરાબ પીવા બેઠા. અચાનક ચીસ સંભળાઈ અને ચારેય જણા બહાર આઉટહાઉસ જેવા બેઠા ઘાટના મકાનના ત્રણ-ચાર ઓરડા તરફ ધસી ગયા. ઝુઝારે અવાજની દિશા બરાબર પારખીને ધડાધડ લાત ઠોકી દરવાજો ખાંગો કરી દીધો અને...

* * *

ઘડીક તો આ ચાર અને દુબળી જેને વળગીને નાના બાળકની માફક મોટા અવાજ સાથે હિબકાં ભરી રહ્યો હતો એ છોકરી... પાંચેય એકમેકને વિસ્ફારિત આંખે તાકી રહ્યા.

દરેકના ચહેરા પર પ્રચંડ આઘાત વિંઝાતો હતો.

'સ્ટોપ ધેર...' અચાનક એ છોકરી હાથ લાંબો કરીને મોટેથી ચિલ્લાઈ હતી અને પછી ઝડપભેર હાથનો ઈશારો કર્યો, 'પકડ સાલાઓને...'

એવું તેણે કોને કહ્યું? છપ્પને ઝુઝાર તરફ જોયું. ઝુઝારે રાઘવ સામે જોયું. રાઘવે પીઠ પાછળ નજર કરી.

તેમની બરાબર પાછળ માંડ દસેક કદમ છેટે એક આદમી બેય હાથમાં ગન ઝાલીને ઊભો હતો.

દસ જ મિનિટ પછી ચારેય જણાને ફરીથે બંગલાના હોલમાં બાંધી દેવાયા હતા. કોઈને સૂઝ પડતી ન હતી કે અચાનક શું થઈ ગયું. પેલા આદમીને પૂછવાની તેમણે કોશિષ કરી પણ એ તો જાણે કશું સાંભળતો જ ન હોય તેમ અજડની માફક કચકચાવીને મડાગાંઠ વાળી રહ્યો હતો.

અચાનક ધડ્ડામ અવાજ સાથે બારણું ખૂલ્યું અને વાવાઝોડાંની જેમ એ છોકરી અંદર પ્રવેશી. ભયાનક ધૂંધવાતી નજરે તેણે દરેકની સામે જોયું.

'જરાક પણ મૂવમેન્ટ કરે તો સાલાને ગોળી મારી દેજે...' હન્ટરના સટાકા જેવા અવાજે તેણે કહ્યું. વિસ્ફારિત થયેલી તેની ભુખરી આંખો વધારે મોટી લાગતી હતી.

દૂધમાં ઘોળેલા સિંદૂર જેવો ગોરો, કુમાશભર્યા ચહેરો લાલઘૂમ હતો. અવાજના રણકામાં જન્મજાત સામ્રાજ્ઞી જેવો ઠસ્સો હતો. કપાળ પર આવી જતી વાળની લટ, તીવ્ર ઉશ્કેરાટથી હાંફતા ભરાવદાર સ્તનોનો લયબધ્ધ હિલોળો, લો-વેસ્ટ જીન્સ અને ટૂંકા, સ્કિન ટાઈટ ટોપની વચ્ચેથી આંખોમાં મોરપિંછ ફેરવી જતો કમરનો મોહક, માંસલ વળાંક અને આમતેમ વિંઝાતા હાથમાં જેમતેમ ફરતું ગનનું નાળચું...

'હું પ્રોફેસર જેવી હેતાળ નથી...' તેણે ફરીથી દરેકની સામે આરપાર વિંધી નાંખતી નજરે જોયું, '... કે તમને સૌને લાડ લડાવું... જરાક પણ ડહાપણ કર્યું છે તો...' તેણે ગન તાકીને પૂતળાની જેમ ઊભેલા આદમી તરફ ઈશારો કર્યો, 'આ ઉજમ બહેરો-મૂંગો છે... લમણાંમાં ગોળી ધરબી દેશે અને તમારી મરણચીસ પણ એને નહિ સંભળાય...'

અડબૂથ જેવા એ આદમી તરફ ફરીને તેણે હાથથી કશાક ઈશારા કર્યા, જવાબમાં પેલાએ ચાવી દીધેલા રમકડાંની જેમ ગરદન હલાવી, ફરીથે તેણે ડોક ઘૂમાવીને દઝાડતી આંખે જોયું અને બહાર નીકળી ગઈ.

ચારેય ડઘાયેલી હાલતમાં એકમેકને જોઈ રહ્યા. રાઘવ પરાણે સ્વસ્થ રહેવા મથતો હતો. ચહેરો સપાટ રાખીને એ મનોમન બદલાયેલી સ્થિતિનો ક્યાસ કાઢી રહ્યો હતો. ત્વરિતના ચહેરા પર ગૂંચવણોનું જાણે જાળું વિંટળાઈ ગયું હોય તેવા ભાવ હતા.

ઝુઝારને હજુ ય ગડ બેસતી ન હતી કે અચાનક આ બધું શું થઈ રહ્યું છે. તેણે છપ્પનને સ્હેજ હડોદોલો માર્યો, 'શું નામ કહ્યું તેનું?'

'ચૂપ બેસને યાર... હજુ કહ્યું જ નથી...' દુબળીની વાતો વખતે છપ્પન ગેરહાજર હતો એટલે તેને તો ક્યાંથી નામની ખબર હોય?

'તેનું નામ હિરન છે...' ત્વરિતે આ હાલતમાં ય મસ્તીખોર સ્મિત વેરીને રાઘવ સામે આંખ મિંચકારી દીધી, 'કૂકડા બનાવવાની સ્પેશ્યાલિસ્ટ હિરન રાય...'!

(ક્રમશઃ)