64 Summerhill - 56 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 56

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 56

પ્રોફેસરે પોતાની વાત આગળ વધારવા માંડી.

સંપર્કવિદ્યા મારો પ્રખર રસનો વિષય હતો. મારા અભ્યાસ, વાચન અને ચિંતનના આધારે મને પ્રબળ ખાતરી હતી કે આજે આપણે જેને લેટેસ્ટ ઈન્ફર્મેશન ટેક્નોલોજી કહીએ છીએ તો પ્રાચીન ભારતીય જ્ઞાનની સરખામણીએ પા-પા પગલી ભરતું બાળક માત્ર છે.

આધુનિક જ્ઞાન તો હજુ બે મોબાઈલ કે બે કમ્પ્યુટર સુધી પહોંચ્યું છે. પ્રાચીન જ્ઞાન તો એવો સંપર્ક બે માનવ દિમાગ વચ્ચે સ્થાપી શકતું હતું. આજે વોટ્સએપ નામની એક એપ્લિકેશનમાં સરખાં રસ-રૃચિ ધરાવતા લોકો ગ્રુપ બનાવીને, ભૌગોલિક અંતરની તમામ મર્યાદાઓ અતિક્રમીને પરસ્પર વાર્તાલાપ કે માહિતીની આપ-લે કરી શકે છે, બિલકુલ એવું સદીઓ પહેલાં વગર મોબાઈલે, વગર એપ્લિકેશને શક્ય હતું.

પરંતુ આવું હું એમ ને એમ કહ્યાં કરું તો દુનિયા મને ગાંડો ગણે. મારે તો નક્કર સાબિતી આપવી હતી. વિજ્ઞાને સ્વીકારેલી ઈન્વેન્શનની આધુનિક પરિભાષામાં મારે સિધ્ધાંત તૈયાર કરવો હતો અને સિધ્ધાંતને સ્વીકૃતિ મળે પછી પ્રયોગ વડે તેને સાબિત કરવો હતો.

બનારસ હિન્દુ યુનિવર્સિટી સાથે જોડાયા પછી મારી અભ્યાસુ પ્રકૃતિને જાણે પાંખો મળી હતી. પ્રાધ્યાપકોના બે પ્રકાર હોય. એક એવા પ્રકારના પ્રાધ્યાપકો, જે અભ્યાસ કર્યા વગર રોજિંદી ઘરેડમાં વિદ્યાર્થીઓને ભણાવી દે. બીજા એવાં કે જે પોતાના વિષયમાં ખપ પૂરતું વાંચીને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકે.

પરંતુ હું ત્રીજા પ્રકારનો પ્રાધ્યપક હતો. સતત, સઘન વાંચન, મનન અને ચિંતન પછી મન ઊભરાઈ જાય અને મનનો ઊભરો વાણી વાટે આપોઆપ પ્રકટે ત્યારે હું દિવસ છે કે રાત, ઘર છે, ઓફિસ છે કે ક્લાસરૃમ કશું જોયા વગર વિદ્યાર્થીઓને ભણાવવા માંડું અને ઊભરો ઓસરે નહિ ત્યાં સુધી થાક્યા વગર ભણાવતો રહું.

એવા માહોલમાં મારી ધૂનને સાચી સાબિત કરવા માટે લગાતાર પંદર વર્ષ સુધી મેં એકાકી જિંદગી ગુજારી. સમયનું ભાન વિસારી દીધું. દુનિયાદારીની પરવા છોડી દીધી. સંબંધોની ઉષ્મા મેં ત્યજી નાંખી. મારા ધૂની અને ચક્રમપણાંથી ત્રાસીને મારી પત્ની શરાબી થઈ ગઈ અને મોતને ભેટી.

મારી એક માત્ર દીકરી તેનાં મોસાળમાં ઉછરી. -બાર મહિને તેનો મામો મને મેળવવા તેને લઈને આવે ત્યારે હું તદ્દન અજાણ્યા ભાવે તેને જોતો રહું. મારી આંખ તેની સામે મંડાયેલી હોય અને મન જુની હસ્તપ્રતમાં કે કોઈ મૂર્તિના વણઉકેલ્યા સંકેતોમાં કે કોઈ પ્રાચીન ગ્રંથના ખોવાયેલા પાનાઓમાં ભટકતું હોય. ટબૂકડી છોકરી બિચારી એક ચોકલેટ, એક વ્હાલપભરી પપ્પી, બાપના એક હુંફાળા આગોશ માટે તરસતી નજરે મારી સામે તાકી રહે અને હું અચાનક ઊભો થઈને લાઈબ્રેરીમાં દોડી જાઉં...

કેટકેટલું મેં ગુમાવ્યું, કેટકેટલું મેં તરછોડયું, કેટકેટલાં પ્રત્યે હું બેપરવા બન્યો ત્યારે અંગત જિંદગીની બહુ ઊંચી કિંમત ચૂકવીને આખરે મેં પ્રાચીન સંપર્કવિદ્યાનો સિધ્ધાંત તૈયાર કર્યો. મને ખબર હતી કે મારો સિધ્ધાંત ચોંકાવનારો છે. મને પણ ખબર હતી કે તેમાં ઘણી અધૂરપ છે અને મારે હજુ ઘણું સાબિત કરવાનું છે.

પરંતુ સૈધ્ધાંતિક રીતે વિશ્વ તેને પ્રાથમિક માન્યતા આપે તો મારા જેવા અનેક ચક્રમો, ત્વરિત જેવા અનેક ખાંખતિયા વિદ્યાર્થીઓ દિશામાં સામૂહિક સંશોધનો કરવા પ્રેરાય, વિજ્ઞાન-વિશ્વની માન્યતા મળે તો સરકારો કે યુનિવર્સિટીઓ પણ દિશામાં સહાયતા પૂરી પાડે અને તો હિમાલય જેવડી ઘાસની ગંજીમાંથી સોયની અણી શોધવા જેવું દુષ્કર કાર્ય કદાચ પાર પડી શકે.

તેને બદલે પહેલાં તબક્કે મારી ભયાનક હાંસી ઊડી. મારૃં રિસર્ચ પેપર હું પૂરું કરું પહેલાં અટ્ટહાસ્યના ઠહાકા ઊડવા માંડયા. મારી બેફામ મજાક ઊડી. એક ઝાટકે મને ચક્રમ, બેવકૂફ, ગધેડો ગણાવીને મેં ગુમાવેલા પંદર વર્ષ પર પાણી ફેરવી દેવાયું.

તેનો મને એટલો બધો આઘાત લાગ્યો કે હું મહિનાઓ સુધી ગુમસુમ રહ્યો. બનારસ હિન્દુ યુનિવર્સિટી છોડી દીધી. દિલ્હી છોડી દીધું. મહિનાઓ સુધી ભીખારીની માફક, બેખબર પાગલની માફક જ્યાં-ત્યાં ભટક્યો. કારમી હતાશા અને દિશાહિન રઝળપાટમાંથી આખરે મારી દીકરીએ મારો હાથ ઝાલ્યો. મને સાંત્વના આપી. મારો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો આણ્યો અને પછી મારી સામે તેણે એક પ્લાન મૂક્યો...

બેહદ ભયંકર હતો પ્લાન.. પણ મારી જાતને સાચી સાબિત કરવાનો એકમાત્ર રસ્તો હતો.

બપોરે પેલો યંત્રમાનવ જેવો ઉજમ પ્લેટ્સ અને બાઉલ્સના ટેબલની ઘરઘરાટી કરતો અંદર આવ્યો ત્યારે પ્રોફેસરની કેફિયતમાં પહેલો ખલેલ પડયો.

જાણે કોઈ જુદી દુનિયામાં વસતો હોય તેમ ઉજમ ટેબલ પર યંત્રવત્ત ખાવાનું ગોઠવી રહ્યો હતો. એગ કરી પર મરી પાઉડર છાંટીને તેણે સફાઈપૂર્વક બટર સ્લાઈસ છીણી. દરેકની સામે પ્લેટ ગોઠવી. ત્વરિતે આભાર સુચવતું સ્મિત વેર્યું તોય અકારણ ઘૂરકતો રહ્યો અને પ્લેટ, ચમચી, પ્યાલા બધું ગોઠવીને આવ્યો હતો એમ યંત્રવત્ત ચાલતો થયો.

રાજમા, મેથી મટર મલાઈ, એગ કરી, પરાઠા, દાલ તડકા, સ્ટિમ્ડ રાઈસ અને ઘીમાં સાંતળેલા લસણની લિજ્જતદાર સોડમથી ઓરડાને જાણે ભુખ ઊઘડી હોય તેમ એકધારી તંગદીલી પછી દિવાલો હસું-હસું થઈ રહી હતી પણ કોઈના ચહેરા પર ખાવાની ઈચ્છા વર્તાતી હતી.

ત્વરિતની વર્તણૂંક સહજ હતી પરંતુ રાઘવની આંખોમાં પારાવાર કુતૂહલ તરવરતું હતું. છપ્પને કશું બોલ્યા વગર પ્લેટમાં બે પરાઠા મૂક્યા, બે ચમચા સબ્જી નાંખી. ઝુઝારે બોટલનું ઢાંકણું ખોલવા માંડયું જોઈને હિરને તેના ટેબલ તરફ ગ્લાસ ખસેડયો.

'કોઈ જરૃર નથી...' ઝુઝારે તરત આડો હાથ ધરીને તોછડાઈપૂર્વક જવાબ વાળ્યો. છોકરીએ બબ્બે વાર પરાસ્ત કર્યો હતો તેનો આઘાત હજુ વિસરી શકતો હતો.

તેણે સીધી બોટલ મોંઢે માંડીને ત્રણ-ચાર-પાંચ મોટા ઘૂંટ ગળા નીચે ઉતાર્યા અને ગંદા અવાજે ખોંખારો ખાઈ નાંખ્યો. જીભથી લઈને જઠર સુધીના પ્રવાસમાર્ગમાં કોરેકોરો રમ લ્હાય લગાડે પછી ઝુઝારનું ચિત્તતંત્ર કાર્યરત થતું હતું.

' મકાન કોનું છે?' પહેલો કોળિયો મોંમાં ઉતારતાં રાઘવે સહજ અવાજે પૂછી નાંખ્યું સાથે સૌનાં હાથ થંભી ગયા.

નીચે જોઈને જમી રહેલી હિરનના જડબા સ્હેજ તંગ થયા પણ પ્રોફેસરના ચહેરા પર એવીને એવી જ સ્વસ્થતા હતી.

'નો વેસ્ટેડ ઈન્ટરેસ્ટ...' પોતાના સવાલનો તરત જવાબ મળ્યો એટલે રાઘવે વગર પૂછ્યે સફાઈ પેશ કરવા માંડી, 'અહીં બધી સુવિધાઓ થઈ રહે છે એટલે મને જરા નવાઈ લાગી...'

'નથિંગ ટૂ હાઈડ નાવ...' પ્રોફેસરે ચમચી વડે રાજમા મોંમાં મૂક્યા. ઘડીક ચાવ્યા કર્યું અને પછી હિરન તરફ હાથ લંબાવ્યો, ' બધું તેના જડબેસલાક પ્લાન મુજબ થાય છે...'

કોઈ કશું બોલ્યું હતું, કોઈએ કશું પૂછ્યું હતું તેમ છતાં ચારેયની નજર પોતાના ભણી મંડાયેલી છે તેના અહેસાસથી હિરન થોડી અસહજ બની. તેના ગોરા, કુમાશભર્યા ચહેરા પર લાલઘૂમ ઉશ્કેરાટ અંકાવા માંડયો. તેની હાઈટ સ્હેજ ઓછી હતી, બાંધો ભર્યોભર્યો હતો પણ તેની પ્રત્યેક બોડી લેંગ્વેજમાં અપાર સ્ફૂર્તિ વર્તાતી હતી અને આંખોમાં જંગલી પ્રાણી જેવી હિંસક સતર્કતા...

પલભરમાં ચહેરા પરના ભાવ ખંખેરીને તેણે જમવાનું ચાલુ રાખ્યું.

'મૂર્તિનું લોકેશન નક્કી થાય એટલે તરત પ્લાનિંગ શરૃ કરી દે. ક્યાં મકાન જોઈશે, મકાન મેળવવા માટે ખોટા પૂરાવા કેવી રીતે ઊભા થશે, છપ્પનને કોણ, ક્યારે અને કેવી રીતે ફોલો કરશે એવી દરેક બાબતનું બેહદ ઝીણું પ્લાનિંગ કરવામાં માહેર છે.'

'તો પછી...' એકધારા હિરનને નીરખી રહેલા ત્વરિતથી અનાયાસે પૂછાઈ ગયું, 'તમારા પ્લાનિંગમાં ક્યાં કચાશ રહી ગઈ કે હવે છેડે આવીને તમે હતાશ થઈ ગયા છો?'

'ઈટ્સ માય ફોલ્ટ...' પ્રોફેસરે અસહાય નજરે હિરનની સામે જોઈને ડોકું ધુણાવ્યું, 'ઈટ્સ ઓલ માય ફોલ્ટ..'

જમવાનું પત્યું એટલે ઉજમ ફરી એકવાર રૃમમાં પ્રવેશ્યો, ફરીથી કશું બોલ્યા વગર ચાવી દીધેલા રમકડાંની માફક ફટાફટ ઓરડો યથાવત કરી દીધો અને ફરીથી પ્રોફેસરે વાત માંડી...

*** *** ***

હું પારાવાર હતાશામાં હતો, આપઘાત કરી લેવાના વિચારો કરતો હતો, મારી આખીય જિંદગીનું બધું કર્યું-કારવ્યું ધૂળમાં મળી ગયું હોય તેમ મને લાગતું હતું ત્યારે હિરને મને ઝકઝોર્યો હતો, 'તમે નક્કી કરો, જિંદગીભર આમ હતાશામાં ડૂબેલાં રહેવું છે કે માથું પટકીને રસ્તો કરવો છે?'

- પણ હું તેને કેમ સમજાવું કે રસ્તો કરવા માટે એક માણસની એક જિંદગીનું એક માથું ઓછું પડે એટલું ગંજાવર કામ હતું.

તેમ છતાં તેના પારાવાર આગ્રહ પછી મેં તેને મારી થિયરી અને તેમાં રહેલી સાવ પાતળા તરણા જેવી શક્યતાઓ સમજાવવા માંડી.

સંપર્કવિજ્ઞાનની થિયરીનો વિચાર મને સૂઝ્યો બે ગ્રંથમાંથી, સૌભાગ્યભાસ્કર અને ચંદ્રલામ્બામહાત્મ્ય. બંને ગ્રંથોનો રચયિતા ભાસ્કરાચાર્ય તો હજુ હમણાંનો, અઢારમી સદીનો વિદ્વાન. શાક્તમતના પુરસ્કર્તા તરીકે તેનું પ્રદાન અદકેરું છે. ચંદ્રલામ્બામહાત્મ્યમાં તેણે મુખ્ય વિદ્યા અને તેની પેટા વિદ્યા એમ કુલ ૬૪ વિદ્યાઓના નામ લખ્યા છે.

નામ હું કંઈ પહેલી વાર ન્હોતો વાંચતો. ઈન્દ્રાણી મુક્તિ નિયંત્રી, માહેશ્વરી પરાશક્તિ, ધૂમાવતિ કુંડલિની વગેરે વિદ્યાઓના નામ મેં પહેલાં પણ વાંચેલા હતા પરંતુ ભાસ્કરાચાર્યે દરેકનું અર્થઘટન આદ્ય શંકરાચાર્યની વિવિધ સ્તુતિઓ સાથે જોડયું હતું. હું ફરીથી આદ્ય શંકરાચાર્યે રચેલી દરેક સ્તુતિઓ નવા અર્થઘટનથી જોઈ ગયો.

મારા માટે પ્રચંડ અચરજની પહેલી ક્ષણ હતી. આદ્ય શંકરાચાર્યે સરળ સ્તુતિના સ્વરૃપમાં બહુ મોટો ભેદ સમાવી લીધો હોય તેમ મને પહેલી વાર અનુભવાયું. એમના તમામ ભાષ્યો હું ફરી-ફરી વાંચતો ગયો. દેખીતા અર્થની પાછળ ડોકાતા ગૂઢાર્થ, સૂચિતાર્થનું અનુમાન કરતો ગયો. એકમાંથી બીજી કડી, બીજામાંથી ત્રીજી કડી એમ મારા હાથમાં એક આખી સાંકળ તૈયાર થવા લાગી.

આદ્ય શંકરાચાર્ય એટલે ઈસ્વીસનની આઠમી-નવમી સદીનો સમયગાળો. સમયે સમગ્ર ભારત વિધર્મીઓના હિંસક, બર્બર આક્રમણો તળે તબાહ થવાની શરૂઆત થઈ ચૂકી હતી. આગામી સમય ભારત માટે કેવો ભયાનક હશે તેનો આગોતરો અંદાજ પારખીને આદ્ય શંકરાચાર્યે સમગ્ર ભારતમાં વેરવિખેર પડેલી પ્રાચીન વિદ્યાઓ એકત્ર કરવા માંડી.

અત્યંત પ્રાચીન હસ્તપ્રતો, ભોજપત્રો, તામ્રપત્રો, તાલપત્રો જેવા જર્જરિત સ્વરૃપમાં મળેલા અઢળક ગ્રંથો હજારો વર્ષ જૂના ભારતીય જ્ઞાનનો અણમોલ ખજાનો હતો અને બીજા હજારો વર્ષો સુધી યથાવત સચવાય જરૃરી હતું.

હાલમાં ઉત્તર અને પશ્ચિમ સરહદો પર થતાં બર્બર વિધર્મી આક્રમણો ભવિષ્યમાં સમગ્ર દેશમાં ફેલાશે અને તબાહીનું તાંડવ મચી જશે એવું પામી ગયેલા આદ્ય શંકરાચાર્યે પ્રાચીન જ્ઞાનના રક્ષણ માટે આબાદ વ્યવસ્થા ગોઠવી. તેમણે દેશના ચાર ખૂણે ચાર મઠ સ્થાપિત કર્યા અને પ્રાચીન જ્ઞાન દેશભરમાં ખૂણે ખૂણે વ્યક્તિગત સ્વરૃપે સચવાઈ રહે તે હેતુથી દશનામી સંપ્રદાય રચ્યો. સંપ્રદાય આજે પણ અસ્તિત્વમાં છે.

ગિરિ, પૂરી, વન, પર્વત, ભારતી એવા દસ પ્રકારે વહેંચાયેલા સંપ્રદાયે પ્રાચીન ભારતીય જ્ઞાનવારસાના રક્ષણ માટે પેઢીઓની પેઢી સુધી અત્યંત મૂલ્યવાન જવાબદારી વહી છે. ગિરિ એટલે ગિરિમાળાઓમાં વસનારા, પૂરી એટલે નગરમાં વસનારા, વન એટલે જંગલમાં રહેનારા, ભારતી એટલે સમગ્ર ભારતનું વિચરણ કરનારા.

આદ્ય શંકરાચાર્યે આવી બીજી સમાજ રચના કૌંઢ્ય પ્રથા તરીકે દક્ષિણ ભારતમાં લાગુ કરી. બ્રાહ્મણો અને એકદંડી સાધુઓના અનેક જૂથો તેમણે રચ્યા અને એક જૂથ-એક વિદ્યા રીતે પરંપરા બનાવી. દશનામીઓ હાર્ડ નોલેજનું વહન કરે અને કૌંઢ્યો સોફ્ટ નોલેજને જાળવી રાખે. વ્યવસ્થામાં કોઈ એક વ્યક્તિ કે એક રાજ્ય પર આધારિત તંત્રને બદલે દેશભરમાં ખૂણેખૂણે ફેલાયેલા સમગ્ર સમાજને શંકરાચાર્યે જ્ઞાનની જાળવણીમાં જોતરી દીધો હતો.

પરિણામે ઈસ્લામિક આક્રમણો ઉત્તરથી મધ્ય ભારત સુધી પ્રસર્યા ત્યારે ભારતીય જ્ઞાનનો ખજાનો દક્ષિણ-પૂર્વ અને પશ્ચિમમાં કેન્દ્રિત થતો રહ્યો. વિસ્તાર પર પણ જોખમ ઊભું થયું ત્યારે સેંકડો વર્ષોની જહેમત પછી પંજાબના રસ્તે છેક કાશ્મીરની ઘાટીઓમાં પહોંચ્યો.

સમગ્ર બેકગ્રાઉન્ડ સમજાવ્યા પછી હવે ફરીથી મારી થિયરીની વાત પર આવું.

આપણા પૂરાણોમાં જે ૬૪ કળાની વાત છે તમામ કળા સંપર્કવિજ્ઞાન સંબંધિત છે. આજે બધું લુપ્ત થઈ ચૂક્યું હોવાનું આપણે માનીએ છીએ. ૬૪ કળા પૈકી કર્ણપિશાચિની, હસ્તપ્રલંબ, દીર્ઘસ્વરૃપાયની જેવી ગણી-ગાંઠી વિદ્યાઓ સિવાય બીજા નામ સુધ્ધાં આપણે વિસરી ચૂક્યા છીએ. કર્ણપિશાચિની એટલે એક એવી વિદ્યા જેમાં એક સ્થળે બેઠેલી વ્યક્તિ બહુ દૂરના સ્થળે થતી વાતચીત સાંભળી શકે, હસ્તપ્રલંબનો જાણકાર વ્યક્તિ દૂર રહીને એક આખા જૂથ સાથે સંપર્ક જાળવી શકે, દીર્ઘસ્વરૃપાયનીમાં બે વ્યક્તિ એકબીજા સાથે એકપણ અક્ષર બોલ્યા વગર વાર્તાલાપ કરી શકે.

તમારી સૌની આંખમાં જોઈને હું તમારા મનમાં ઊગતા સવાલ વગર પૂછાયે સાંભળી લઉં છું, હું અને હિરન વગર બોલ્યે એકબીજા સાથે વાર્તાલાપ કરી શકીએ છીએ, છપ્પન મૂર્તિ ઊઠાવે ત્યારે તેને ફોલો કરી રહેલી હિરન ત્યાંથી મને માહિતી આપે અને તમારી સાથે વાતો કરતી વખતે અચાનક મને તેનો અસ્ફૂટ અવાજ સંભળાઈ જાય મેં દીર્ઘસ્વરૃપાયનીના અભ્યાસ વડે સિધ્ધ કર્યું છે.

- એન્ડ બિલિવ મી, હું તો હજુ દીર્ઘસ્વરૃપાયનીના પહેલાં પગથિયે ઊભો છું. સમગ્ર વિદ્યા તો મારે હજુ જોવાની બાકી છે.

શાંકરભાષ્યમાં વારંવાર અનેક જગ્યાએ કહેવાયું હતું કે કુપાત્રના હાથમાં કેટલીક વિદ્યાઓ જવી જોઈએ. તેમણે એવો આદેશ કર્યો હતો કે સાંસારિકો માટે કેટલીક વિદ્યાઓ ત્યાજ્ય છે. યૌગિક વિદ્યાઓ શીખવા માટે પણ તેમણે ચોક્કસ માપદંડો આપ્યા હતા. નકારાત્મક માનસિકતા ધરાવતી વ્યક્તિઓના હાથમાં વિદ્યાઓ જાય તે માટે તેમણે તમામ યૌગિક વિદ્યાઓને વિવિધ સંકેતો વડે ગોપનીય બનાવી દીધી હતી. પરિણામે, હજારો વર્ષની ઉથલપાથલ પછી હવે શોધવી વધુ દોહ્યલી બની હતી.

બધી વિદ્યાઓને એક દેવી સાથે સાંકળી અને દેવીને શક્તિનું સ્વરૃપ માનવામાં આવ્યું. દરેક વિદ્યા યોગક્રિયા સાથે સંકળાયેલી હતી માટે દરેક વિદ્યાની સ્કૂલ તરીકે એક દેવીનું નામ આપવામાં આવ્યું અને એમ ૬૪ યોગિની બની. પરંતુ હજારો વર્ષ પછી મૂળ અર્થ અણસમજ તળે દટાતો રહ્યો.

૬૪ યોગિની અપભ્રંશ થઈને જોગણી થઈ ગઈ. ઓરિજિનલ સાયન્સ તો ક્યાંય ખોવાઈ ગયું હતું અને તેનાં નક્કર પૂરાવાઓ તો હતા નહિ એટલે બધું 'પૂરાણોની વાર્તા'માં ખપી ગયું. ખરેખર તો યોગિની અથવા દેવી એટલે ચોક્કસ વિદ્યાપીઠ યાને સ્કૂલ ઓફ પર્ટિક્યુલર સાયન્સ અને શક્તિ એટલે જ્ઞાન, વિઝડમ એવો અર્થ થાય છે. પરંતુ ધર્મ સાથે જોડીને આપણે ઠાલાં વિધિવિધાનમાં સરી પડયા અને મૂળ વિદ્યા વિસરાતી ગઈ. પરિણામે, આધુનિક વિજ્ઞાન તરીકે તેને સ્વીકૃતિ મળે એવો તો આપણી પાસે સિધ્ધાંત બચ્યો હતો કે તો પ્રાયોગિક રીતે સિધ્ધ થઈ શકતું હતું.

પ્રયોગ કરવાની તો મારી ક્ષમતા હતી એટલે મેં પ્રથમ સૈધ્ધાંતિક રીતે તર્કને એકસૂત્ર કરવાનો પ્રયત્ન કર્યો. માનવીય દિમાગ વચ્ચે સંપર્ક સાધી આપતી ૬૪ પ્રાચીન વિદ્યાઓ, દરેક વિદ્યાની એક સ્કૂલ, દરેક વિદ્યા હાંસલ કરવાની ચોક્કસ પધ્ધતિ, પ્રાણાયામથી માંડીને યોગ અને કુંડલિનિજાગૃતિથી માંડી ચક્રભેદ જેવી વિધિઓ વડે માનવ મગજના વિભિન્ન રસાયણો ઉત્તેજીત કરીને તેના વાઈબ્રેશન્સ દ્વારા પરસ્પર સંપર્ક સાધી શકાય એવા તર્કના આધારે મેં થિયરી તૈયાર કરી, જેને દુનિયાએ બહુ બૂરી રીતે હસી કાઢી.

મારૃં કહેવું એમ હતું કે આદ્ય શંકરાચાર્યે દેશભરમાં જ્ઞાન પ્રસરાવી દીધું છે પણ તેમ છતાં જ્ઞાનની પ્રાપ્તિ માટે કેટલાંક સંકેતો મૂક્યા છે. આપણે સંકેતો શોધવા પડે અને પછી સંકેતોના રસ્તે મૂળ જ્ઞાન સુધી પહોંચવું પડે. એક વ્યક્તિથી કામ થઈ શકે. માટે જાણકારો, વિદ્વાનોનો આખો સમૂહ મચી પડવો જોઈએ અને તો કદાચ ૨૫-૫૦ વર્ષે મૂળ સુધી પહોંચી શકાય.

મારી બેરહેમ હાંસી ઊડાવ્યા પછી હવે મારી જાતને સાબિત કરવાનો મારી પાસે એક રસ્તો બચ્યો હતો. હિરનનું કહેવું હતું કે, હું એકલો ગંજાવર, અશક્ય અને મહામુશ્કેલ કામ હાથ પર લઉં. જ્યાં-જ્યાં પ્રાચીન જ્ઞાનના સંકેતો ફેલાયેલા છે તેનો કેડો મેળવું. આદ્ય શંકરાચાર્યે દેશભરમાં છૂપાવેલા વિવિધ સંકેતો સુધી જો પહોંચી શકાય તો જ્ઞાનના પ્રાચીન વારસો કદાચ પામી શકાય.

અમે આદ્ય શંકરાચાર્યના વિવિધ ભાષ્યોમાંથી મળતા સંકેતોને ક્રમબધ્ધ કરવા માંડયા. એમાંથી આઠ મુખ્ય વિદ્યા અને આઠ પેટા વિદ્યાના સંકેત તરીકે કુલ ૬૪ પ્રતિમાઓ છે એવું તો નક્કર રીતે જાણવા મળ્યું પરંતુ પ્રતિમાઓ ક્યાં છે તેનું કોઈ ઠેકાણું શંકરાચાર્યના લખાણોમાં ક્યાંય સાંપડતું હતું.

અમે પારાવાર લમણાંઝિંક કરી, દિવસ-રાત એક કરીને આંખો ફાડી ફાડીને એક એક લીટીના, પ્રત્યેક શબ્દના થઈ શકે એટલાં અર્થઘટનો કરી જોયા ત્યારે એક વાક્યે મારૃં ધ્યાન ખેંચ્યું. એક જગ્યાએ શંકરાચાર્યે લખ્યું હતું, 'પ્રપંચસ્ય સર્વાણિ ભેદાનિ શ્રીધરેણ ગોપીતાનિ' અર્થાત્ સૃષ્ટિના આવા કેટલાંક રહસ્યોને શ્રીધરે છૂપાવ્યા છે.

હવે બુધ્ધિના સાક્ષાત બાપ જેવા શંકરાચાર્યની ચાલાકી જુઓ.

શ્રીધર એટલે? શ્રી એટલે લક્ષ્મી અને શ્રીને ધારણ કરનાર એટલે વિષ્ણુ. પહેલો અને મન તરત સ્વીકારી લે એવો અર્થ થાય કે વિષ્ણુએ સૃષ્ટિના કેટલાંક ભેદ છૂપાવ્યા છે. અનેકવાર પંક્તિમાંથી પસાર થવા છતાં મને પણ આવો અર્થ સૂઝ્યા કર્યો હતો પણ એક મેઘલી રાતે અનરાધાર વરસાદ વરસતો હતો. શંકરાચાર્યની ભામતી ટીકા સાથે માથાફોડી કરીને હું પથારીમાં બેચેનીપૂર્વક પડખા ઘસી રહ્યો હતો અને અચાનક વીજળીના પ્રચંડ ઝબકારાએ મારા મનમાં હજારો વાદળોની ગડગડાટી જેવો વિસ્ફોટ કરી નાંખ્યો.

મને થયું કે, શંકરાચાર્ય તો શૈવ-શાક્ત મતના ઉગ્ર સમર્થક હતા. તો પછી તેમણે અકારણ અહીં વિષ્ણુનો ઉલ્લેખ કેમ કર્યો? સવાલના જવાબમાંથી મને બીજો સવાલ ઊગ્યો કે શ્રીધર એટલે વિષ્ણુ હોય અને ખરેખર કોઈ અન્ય શ્રીધર હોય તો?

ઝાટકાભેર પથારીમાંથી ઊભો થઈને હું લાઈબ્રેરીમાં ધસી ગયો. શંકરાચાર્યના સમકાલીન વિદ્વાનોની નામાવલિ ચેક કરવા માંડયો અને મને મળી ગયો શ્રીધર... નવમી સદીમાં, શંકરાચાર્યની બિલકુલ હરોળમાં થઈ ગયેલો મહાન ગણિતશાસ્ત્રી શ્રીધર. હવે મારે શ્રીધરના લખાણોમાં ખાંખાખોળા કરવા પડે તેમ હતા પણ ઘાસની ગંજીમાંથી સોય શોધવાથી અનેકગણું કપરું હતું....

- એન્ડ બિલિવ મી, મેં પણ કર્યું.

આઠમી-નવમી સદી આસપાસની મનાતી હોય એવી હસ્તપ્રતો હાલ દુનિયામાં ક્યાં ક્યાં છે તેનો મેં તાગ લેવા માંડયો અને તેનો છેડો નીકળ્યો છેક રોયલ એશિયાટિક સોસાયટી ઓફ લંડન સુધી.

ભારતની કમનસીબી જુઓ. ઈસ્લામિક આક્રમણકારોએ અત્યંત ઘાતકી રીતે ભારતીય વિદ્યાપીઠો, પુસ્તકાલયોનો નાશ કરી નાંખ્યો હતો, તલવારની ધારે ધર્માંતર કરાવીને આખી પરંપરાઓ ભૂંસી નાંખી હતી અને ચબરાક અંગ્રેજ આક્રમકોએ ભારતીય જ્ઞાનવારસાનું મૂલ્ય પારખીને જે મળ્યું બધું ઘરભેગું કરી દીધું હતું, પણ બેય કિસ્સામાં આપણાં ભાગે તો ગુમાવવાનું આવ્યું હતું.

રોયલ એશિયાટિક સોસાયટી ઓફ લંડન ભારતમાંથી મેળવેલા આવા બેશકિમતી ખજાનાથી તરબતર છે અને આપણને તેની ખબર તો નથી , પરવા પણ નથી.

એવી એક હસ્તપ્રત બહુ રોચક ઈતિહાસ ધરાવે છે.

વાત છે સન ૧૮૮૧ની.

પેશાવર નજીકના બખ્શાલી ગામે કોતવાલ રહિમયાર ખાન દિવસે ધુંઆપુંઆ હતો. તેના વિસ્તારમાં એક ખૂન થયું હતું. ખૈબર પખ્તુનના અરાજક પ્રાંતમાં ખૂનખરાબાની કોઈ નવાઈ હતી પણ ખૂન અંગ્રેજ કેપ્ટન સાથે સારાસારી ધરાવતા એક શાહુકારનું હતું એટલે તેની ભાળ મેળવવા માટે કોતવાલ રહિમયાર ખાન પર પસ્તાળ પડી હતી.

હત્યારો તો પકડાયો હતો પણ લાશની ભાળ મળતી હતી. ગિન્નાયેલા કોતવાલે આરોપીને મારી-મારીને અધમૂઓ કરી નાંખ્યો ત્યારે તેણે બખ્શાલી ગામની સીમમાં આવેલા એક અવાવરૃં મકાનમાં લાશ દાટી હોવાનું કબૂલ્યું. રહિમયાર ખાને હત્યારાને ભેગો રાખીને દાયકાઓથી અવાવરૃ પડેલાં મકાનની તૂટેલી ભીંતો અને ભાંગેલી પરસાળનું ખોદકામ કરાવવા માંડયું. લાશ તો લાશના ઠેકાણે રહી પણ મકાનની પરસાળના છેડેથી પંદરેક ફૂટ ઊંડે દાટેલું લાકડાનું એક ભેદી ખોખું મળી આવ્યું અને ખોખામાં હતી ભોજવૃક્ષની છાલ પર લખાયેલી એક અત્યંત જર્જરિત હસ્તપ્રત...

બખ્શાલી મેન્યુસ્ક્રિપ્ટ તરીકે ઓળખાતી હસ્તપ્રત હાલ રોયલ એશિયાટિક સોસાયટીમાં છે. ઈસ્વીસનની આઠમી-નવમી સદી આસપાસની મનાતી હસ્તપ્રતમાં વર્ગમૂળ, ઘનમૂળ કાઢવાની પધ્ધતિઓ તેમજ ક્ષેત્રફળ અને ઘનફળ કાઢવાની રીત વર્ણવવામાં આવી છે. શંકરાચાર્યનો સમકાલીન ગણિતશાસ્ત્રી શ્રીધર તેનો રચયિતા હોવાનું મનાય છે.

હું લંડન પહોંચ્યો.

હાથ અડે તોય ભાંગીને ભૂક્કો થઈ જાય એવી બિસ્માર હસ્તપ્રતના ૭૦ જેટલા પાના મળ્યા હતા અને બાકીના ૨૦૦ જેટલા પાનાઓ ગાયબ હતા. હાલ વિસરાઈ ગયેલી શારદા લિપિમાં લખાયેલી હસ્તપ્રતમાં ગણિતના સંકેતો અને સૂત્રોમાં ત્રણ નામ ગૂંથેલા જણાયા. ત્રણ નામ એટલે આઠમી સદીનો ખગોળશાસ્ત્રી મન્વાચાર્ય, લલ્લ અને શ્રીસેન.

ત્રણેય વિદ્વાનો ઉપરાંત શ્રીધરે રચેલી અને પેઢી દર પેઢી હાથબદલો પામતી રહેલી કેટલીક હસ્તપ્રતો જમ્મુ સ્થિત રઘુનાથ મંદિરના ભોંયરામાંથી મળી આવી હતી.

આદ્ય શંકરાચાર્યે રચેલી દશનામી-કૌંઢ્ય પરંપરાના વાહકોએ તદ્દન ગુમનામીમાં રહીને પારાવાર જતનપૂર્વક આશરે એક હજાર વર્ષ સુધી ભારતીય જ્ઞાનનું રક્ષણ કર્યું હતું પરંતુ અઢારમી સદીના આરંભે મુઘલ સલ્તનત વ્યાપક બની ગઈ, છેલ્લી આશા સમા મરાઠાઓ પણ પરાસ્ત થઈને વિભાજીત થઈ ગયા, અંગ્રેજીયતની નવી સત્તાનો સૂર્ય ક્ષિતિજ પર ડોકાવા લાગ્યો ત્યારે ભારતીય જ્ઞાનનો મહામૂલો વારસો કાશ્મીરની ચિનાબ નદી વાટે કાંઠે બનાવાયેલા એક ભોંયરા વડે જમ્મુની મધ્યમાં એક વિશાળ ભૂગર્ભ ઓરડામાં પહોંચ્યો. ભૂગર્ભ ઓરડાનું હંમેશા રક્ષણ થાય હેતુથી તેના પર મંદિર બાંધી દેવામાં આવ્યું.

લગભગ દોઢસો વર્ષ પછી ભોંયરું મળ્યું ત્યારે ત્યાંથી પણ સંખ્યાબંધ હસ્તપ્રતો ગાયબ થઈ ચૂકી હતી. જે કંઈ મળ્યું અત્યારે દિલ્હી, પૂણે અને પટનામાં રઘુનાથ લાઈબ્રેરી તરીકે સચવાયેલું છે.

મેં ત્રણેય જગ્યાની રઘુનાથ લાઈબ્રેરીના કેટલોગ ચકાસ્યા અને શ્રીધરે ઉલ્લેખેલા વિદ્વાનોની હસ્તપ્રતો મેળવી ત્યારે ચાર વિદ્વાનોની ચાર અલગ અલગ વિષયની હસ્તપ્રતોમાંથી મને કુલ ૬૪ મૂર્તિઓના ઠામઠેકાણા અને સંકેતો જાણવા મળ્યા.

અત્યાર સુધીનું મારું કાર્ય એક સંશોધક તરીકેનું હતું પણ હવે મારે જો આગળ વધવું હોય તો દરેક મૂર્તિઓનો સઘન અભ્યાસ કરવો પડે. મૂર્તિની સામે ઊભા રહીને શક્ય બને કારણ કે, શંકારાચાર્યે એક મૂર્તિમાં દરેક વિદ્યા એકસરખી રીતે આલેખી હોય તે શક્ય હતું. ભેજાંબાજ આદમીએ તેમાંય અપાર ચબરાકીઓ કરી હતી. એક મૂર્તિમાં એક મંત્ર અડધો હોય અને બીજું અડધિયું ચોથી મૂર્તિમાં મળે. સૂત્રો કોતર્યા હોય તો તેનો ઉકેલ વળી છઠ્ઠી મૂર્તિમાં હોય.

નાછૂટકે મેં મૂર્તિઓ ઊઠાવવાનું નક્કી કર્યું. મારી જાગીરનો બહુ મોટો હિસ્સો વેચી નાંખ્યો. હવે બે-અઢી કરોડ રૃપિયા જેટલી રોકડ રકમ મારી પાસે હતી. પૈસા ખર્ચવાનો હવે કોઈ પ્રશ્ન હતો. હિરને આબાદ મૂર્તિચોર તરીકે છપ્પનસિંઘને શોધી કાઢ્યો. છૂટ્ટા મોંએ રૃપિયા વેરીને એક પછી એક મૂર્તિઓ હું ઊઠાવતો ગયો. છપ્પનથી કેમ છાના રહેવું, કેવી રીતે ક્યાંય આપણું પગેરું મૂક્યા વગર પણ આપણો કમાન્ડ હાવી રાખવો બધું આયોજન હિરનનું હતું.

ટેમ્પો ટ્રેવેલર મોડીફાઈ કરીને તેને અમે અમારું ઘર બનાવી દીધું. મારો ત્રણ પેઢીનો વફાદાર નોકર ઉજમ બહાદુર થાપા પણ લોહીની વફાદારીને લીધે અમારી સાથે જોડાયો.

- અને એમ હું ૬૪મી મૂર્તિ સુધી પહોંચી ચૂક્યો છું.... મારા તર્કની સચ્ચાઈની સાવ નજીક અને છતાંય બહુ દૂર... પહોંચી શકાય તેટલો દૂર...

પણ નજીક એટલે? દૂર એટલે કેટલુંક દૂર?’ બેબાકળા અવાજે ત્વરિતે પૂછી નાંખ્યું ત્યારે પ્રોફેસરના ચહેરા પર પારાવાર હતાશાની સફેદી લિંપાયેલી હતી.

(ક્રમશઃ)