64 Summerhill - 63 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 63

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 63

મૂશળધાર વરસાદમાં ઢીંચણ સુધી પગ કાદવમાં ખૂંપી જાય એવી વગડાઉ જમીન પર સૌએ ક્યાંય સુધી ચાલ્યા કર્યું. લૂંગી વિંટાળેલા એ માણસોએ તેમનો દરેક સામાન ઊંચકી લીધો હતો એ સારૃં હતું બાકી અહીં તો પોતાની જાત સંભાળવાનું ય સૌને મુશ્કેલ પડતું હતું.

કાદવમાં ખોસવા માટે સૌને ઝાડની લાંબી, મજબૂત ડાળખી આપવામાં આવી હતી અને કાદવમાં કઈ રીતે ડાળખી ટેકવવી, કઈ રીતે પહેલો પગ માંડવો અને એ જ લયમાં ક્યારે બીજો પગ ઊંચો કરવો તેનો ડેમો એ લોકોએ બે-ત્રણ વખત આપ્યો હતો પણ કોઈને એ તાલમેલ બેસાડવાનું ફાવતું ન હતું જ્યારે ટેકરીઓ પરથી ઉતરેલી એ ટોળકી ખભા પર સામાનનું વજન છતાં સડસડાટ કાદવ પાર કરી રહી હતી.

સૌથી પહેલો ઝુઝાર લપસ્યો હતો.

કાદવમાં ડાળખી ખોસીને તરત પગ ઉપાડવામાં જરાક વિલંબ થયો તેમાં ડાળખી પર વધારે વજન અપાઈ ગયું અને એ જ દિશામાં વધુ ઝૂક્યો એટલે પાછલો પગ લપસ્યો અને એ મોંભેર પટકાયો. બીજો કોઈ સમય હોત તો પગથી માથા સુધી કાદવથી ખરડાયેલા ઝુઝારને જોઈને કોઈ હસવું ખાળી શક્યા ન હોત. પણ અહીં તો દરેકની હાલત સરખી જ હતી. ન્હોતા લપસ્યા એ પણ પ્રત્યેક ડગલે લપસવાના ભયથી ફફડતા હતા.

'આ લોકો લૂંગી જેવું કપડું કેમ વિંટાળે છે એ મને સમજાઈ ગયું...' ભારે તકલીફદાયક હાલત છતાં છપ્પન બરાબર મજા કરી રહ્યો હતો, 'આવા રસ્તા હોય તો લૂંગી જ પહેરવી પડે ને...'

'મેરા બસ ચલે તો નંગા હી ચલું...' ઝુઝારે છપ્પનના ખભાને ટેકો દઈને છાતીનો હાંફ હળવો કર્યો અને કાદવથી ખરડાયેલો હાથ લોંગ શર્ટના ખિસ્સામાં નાંખીને રમનું એક મિનિએચર ખોલી ગળુ ભીનું કર્યું.

આખરે દોઢેક કલાકની આ દોહ્યલી દડમજલ પછી કાદવના થર ઘટવા લાગ્યા હતા પણ દરેકના પગે જાણે વજનિયાં બાંધ્યા હોય તેમ પીંડી પર આકરા ગોટલા ચડી ગયા હતા.

કાદવ પાર કર્યા પછી થોડીક નક્કર પણ એવી જ ઉબડખાબડ જમીનની પછીતે ગાઢ જંગલ શરૃ થતું હતું. વરસાદી વાયરામાં લૂમ્બેઝુમ્બે લહેરાતી વનરાજીનો કલશોર જાણે લીલીછમ્મ ખુશાલી ઓઢીને દોડવા મથતો હોય તેમ સડસડાટ ઢાળ ઉતરી રહ્યો હતો.

તોય ચાલવાનું હજુ ય એવું જ મુશ્કેલ લાગતું હતું. લૂંગી કાફલો ક્યાંય આગળ જતો રહ્યો હતો પણ તેની પરવા કર્યા વગર સૌ ત્યાં જ અટકી પડયા. ઝાડના ઘેરાવા વચ્ચેની બખોલમાંથી ઝરતું પાણી ખોબે ખોબે ઝીલીને રાઘવે પગ પર છેક ઢીંચણ સુધી જામેલો કાદવનો થર સાફ કર્યો. તેનું જોઈને હિરન પણ બીજું એક પાતળું ઝરણું શોધીને ત્યાં જ બેસી પડી. ત્વરિત અને છપ્પન એકમેકના પગ ધોઈ રહ્યા હતા. જ્યારે પ્રોફેસર હાંફતી છાતીએ, થાકેલા નિસ્તેજ ચહેરે ઝુઝારનો હુલિયો જોઈને મરકી રહ્યા હતા.

અલગ અલગ વિચારધારા, જુદા વ્યક્તિત્વ અને નોંખા ઉદ્દેશ છતાં કઠીનાઈના એ પહેલાં અહેસાસે સૌને જોડતી એકતાની સાંકળ ભીડવા માંડી હતી.

'ચલા... ઝેલ્દી ચલા...' દૂર ઊભેલો લૂંગી કાફલાના નેતા જેવો આદમી મોં પર કશુંક ભૂંગળા જેવું માંડીને મોટેથી ત્રાસદાયક હિન્દીમાં બરાડી રહ્યો હતો.

સૌથી પહેલા હિરન ઊભી થઈ. તેણે પરાણે ઝુઝારને આગળ ધકેલ્યો. રાઘવ અને પ્રોફેસર એકમેકને ટેકો દઈને ઊભા થયા. ત્વરિતે બંને હાથ ઉપરની તરફ ખેંચીને આખા શરીરને બેહદ કઢંગી રીતે વાંકુચુકું રાંટું કરીને સ્ફૂર્તિ ભરવાનો પ્રયાસ કર્યો.

સાંજ ઘેરાતી હતી પણ ઘનઘોર વૃક્ષોની અડાબીડ વનરાજી આથમતા સુરજના અજવાસને અધ્ધર જ રોકી રાખતી હતી. ક્યાંય કોઈ નિશ્ચિત કેડી ન હતી. આડેધડ ઊગેલા ઝાડી-ઝાંખરા, બાથમાં માય નહિ એટલા વિશાળ થડ ધરાવતા વૃક્ષોનો ઘટાટોપ, એકમેક પર ઝળુંબતા જાડા રાંઢવા જેવા જંગલી વેલાઓ, તોતિંગ વૃક્ષોની વીસ-ત્રીસ ફૂટની ઊંચાઈએ અદૃશ્યપણે મચેલો પક્ષીઓનો કલશોર અને વિશાળ પાંદડાઓના પાથરણામાંથી ઢળીને માથા પર અચાનક થતો રહેતો જલાભિષેક...

કાદવ ખૂંદ્યા પછીની આ દડમજલ રળિયામણી હતી પણ સૌના પગ એવા થીજી ગયા હતા કે ડગલું ય માંડવામાં ડુંગરો ચડવા જેટલો શ્રમ પડતો હતો.

૪૦-૪૫ મિનિટ પછી ફરી લેન્ડસ્કેપ બદલાયો. જંગલનો ઘટાટોપ આછો થતો ગયો અને નજર સામે અફાટ જળરાશિ સમેત ઘૂઘવી રહ્યો હતો મહાનદ બ્રહ્મપુત્ર...

જંગલની લીલાશ પીને મદમાતો થયેલો નદીકાંઠો, કાંઠાની ભીનાશ પર આડી પડીને આળોટતી સાંજ, સાંજના કેસરિયા ચહેરા પર વ્હાલપનો હાથ પસવારી જતો બ્રહ્મપુત્રના પાણીનો હિલોળો અને હિલોળાના પાછોતરા ધક્કે ઝકઝોરાતી જતી કાંઠા પર હારબંધ ઊભેલી હોડીઓ...

દૂર ક્ષિતિજમાં એક હોડી આગળ ધપી રહી હતી અને ઝરમર વરસતા વરસાદ વચ્ચે હોડીના કઠોડા પર ઝળુંબીને એક આદમી પાવો વગાડી રહ્યો હતો. પાવાના મુલાયમ સૂરમાં બ્રહ્મપુત્ર બેય કાંઠે હિલોળે ચડી હતી.

લૂંગી કાફલો તેમની અગાઉ પહોંચીને કામે લાગી ગયો હતો. તેમના નેતા જેવો દેખાતો માણસ મોંમાં ભૂંગળું ખોસીને મોટા અવાજે કોઈ અજાણી ભાષામાં સૂચનાઓ આપી રહ્યો હતો.

કાફલાના આદમીઓ જરાક સરખી બોલાશ વગર શિસ્તબધ્ધ રીતે કામે વળગેલા હતા. કોઈ બાંબુના માપસરના લાંબા કટકા કાપી રહ્યું હતું તો કોઈક જંગલમાંથી કાપી લાવેલા રાંઢવા જેવા મજબૂત વેલા વડે આડા-ઊભા બાંબુ બાંધી રહ્યું હતું. એ રીતે તૈયાર થયેલો મોટો તરાપો આખરે નદીના જળમાં તરતો મૂકાયો. તેના પર બધાનો સામાન લાદવામાં આવ્યો. શણના બીજા આઠ-દસ મોટા કોથળા ય ખડકાયા. તરાપાને એક હોડકા સાથે બાંધ્યો અને સૌને હોડીમાં ચડવાનો ઈશારો થયો.

કેડ સમાણા પાણીના હિલોળા વળોટીને સૌથી પહેલી હિરન છલાંગભેર હોડકામાં કૂદી. પછી તેણે હાથનો ટેકો આપીને પ્રોફેસરને અંદર લીધા.

પંદર મિનિટ પછી ત્રણ હોડકામાં સવાર થઈને કાફલો મઝધારે પહોંચ્યો ત્યારે બ્રહ્મપુત્રની આથમણી ટેકરીઓ પાછળ સુરજ લપાઈ ચૂક્યો હતો. આકાશમાં સુદનો ચંદ્ર ધીમી ધારે ચાંદની રેલાવવા માંડયો હતો અને ચાંદનીના કેફમાં બ્રહ્મપુત્રની અગાધ પહોળાઈ ખિલખિલાટ ઘૂઘવતી હતી.

પ્રોફેસર સ્તબ્ધ આંખે, ખુશહાલ ચહેરે નિસર્ગનો આ અજાયબ આહ્લાદ અનુભવી રહ્યો હતો. છપ્પન કશું જ બોલ્યા વગર મુગ્ધપણે પાણીમાં પછડાતા હલેસાની છપછપાટી નિરખી રહ્યો હતો.

હિરને જેકેટ હવે ઉતારી નાંખ્યું હતું. પીંડી સુધી વાળેલું તેનું જીન્સ છેક ઢીંચણ સુધી ખરડાયેલું હતું. ભીંજાયેલા તંગ ટોપમાંથી તેના માદક ઊભારો છલકાઈ ઊઠતા હતા અને ગાલ સાથે સતત અડપલા કરતો જતો પવન તેના ભુખરા વાળ વિખેરતો જતો હતો.

દૂર કાંઠાઓ પર મશાલો સળગી ઊઠી હતી. અગાઉ રવાના કરી દીધેલી હોડીમાં આવેલા લોકોએ રસોઈની તૈયારી કરવા માંડી હતી.

લગભગ દોઢ કલાકની મજલ પછી આખરે તેમના હોડકાં ય કાંઠે લાંગર્યા હતા.

હોડીમાંથી ઉતરેલા બીજા લૂંગીધારીઓ ય ફરીથી કશું જ બોલ્યા વગર રોજિંદી ટેવ મુજબ ફટાફટ કામે લાગી ગયા હતા. હવે ઉજમ પણ તેમની કાર્યપધ્ધતિ સમજવાનો પ્રયાસ કરતો તેમની સાથે કામમાં જોતરાવા લાગ્યો હતો.

ત્રણ-ચાર જણાએ કાંઠાની આથમણી દિશાના જંગલમાં મશાલના ઉજાસ તળે પાતળા કરગઠિયા કાપી-વીણીને ઢગલો કરી દીધો હતો. એ પછી તેઓ સ્હેજ વધુ ઊંડે જંગલમાં પ્રવેશીને વાંસના મોટા, જાડા, લાંબા ટૂકડા કાપવા માંડયા હતા.

કાંઠાની નરમ રેતીમાં ઊંડો ખાડો કરીને બીજા લોકોએ કરગઠિયા જલાવ્યા અને ખાડા ઉપર લોખંડનું બે ફૂટ ઊંચું સ્ટેન્ડ ગોઠવીને ચૂલો તૈયાર કરી નાંખ્યો.

ચોખાના લોટમાં થોડુંક પાણી, થોડુંક તેલ, મીઠું નાંખીને બાટી શેકાઈ. જંગલમાંથી વિણેલા કરમદા, ગુંદા અને પાતળા નરમ વાંસને મીઠું ભભરાવેલા પાણીમાં પલાળીને જરાક અમથા તેલમાં હળવી આંચે તળવામાં આવ્યા. તેના પર કોરા મીઠું, મરચું ભભરાવ્યા. અથાણું ગણો તો અથાણું અને શાક ગણો તો શાક. બાટી સાથે એ જ ખાવાનું હતું અને આવો ખોરાક ગળા નીચે ન ઉતરે તો ધક્કો મારવા માટે શરાબનો એક ઘૂંટડો ભરવાનો હતો.

અત્યાર સુધી મોજથી સફર માણી રહેલા ત્વરિતના મોંમાંથી પહેલી વાર દબાયેલા અવાજે ગાળ નીકળી ગઈ, '****, યાર યે તો મુશ્કિલ હૈ...' તેણે ઝુઝાર તરફ મોં મચકોડીને કહ્યું, 'આટલી આકરી મુસાફરી અને આટલા શારીરિક શ્રમ પછી જો આવું ખાવાનું મળવાનું હોય તો તો આપણે તિબેટ પહોંચી રહ્યા...!'

જમવાનું પત્યું એટલી વારમાં લૂંગી કાફલાએ કાંઠાની નરમ ભોંય પર ચાર મોટા ડાળખા ખોસીને વચ્ચે શણના મોટા કંતાન પાથર્યા, ત્રેવડા વિંટેલા શણના ફિંડલાનું ઓશિકું મૂક્યું અને ચારે દિશાએ ફરતા અણિયાળા કાંટાના ઝાંખરા પાથરવા માંડયા.

ચાર ડાળખા વચ્ચે જાણે નનામી બાંધી હોય એવી એ પથારી હતી એટલું તો રાઘવને સમજાયું પણ ફરતાં કાંટાળા ઝાંખરા કેમ?

તેણે પેલા નેતા જેવા આદમીને પૂછી જ નાંખ્યું, 'યે ક્યા હૈ? યહાં ક્યું લગા રહે હો?'

પેલાએ ક્ષુલ્લક નજરે રાઘવની સામે જોયું. જેના બૂટની એડી પછડાય ત્યાં કોન્સ્ટેબલ્સની સલામી વિંઝાવા લાગે એવા આઈપીએસ અફસરને મુફલિસ જેવો લાગતો એ આદમી ઉપહાસભરી નજરે તાકી રહ્યો અને પછી ચંદ્રના ઉજાસમાં હિલોળાતા મહાનદના જળરાશિ તરફ આંગળી ચિંધીને ભાંગીતૂટી હિન્દીમાં કહ્યું,

'યે બ્રહ્મપુત્ર... યર્લુંગ ત્સાંગ્પો... મતલબ માલુમ? વિકરાળ અજગર અને ઝેરી સાપનો ઈલાકો છે. તેનાંથી બચવાના અહીં બે જ ઈલાજ છે.' પછી તેણે પથારી ફરતા ચારે દિશાએ પાથરેલા કાંટાળા ઝાંખરા તરફ આંગળી ચિંધી, 'એક આ ઝાંખરા...'

એ બોલતો અટકી ગયો પણ અજગર અને ઝેરી સાપના ઉલ્લેખ માત્રથી રાઘવ સહિત સૌ કોઈ તેને તાકી રહ્યા. છેવટે છપ્પને ઉતાવળભેર પૂછી લીધું, '... અને બીજો ઈલાજ?'

'બીજો એ...' તેણે આકાશમાં આંગળી ચિંધી, 'તારી જીવાદોરી જેના હાથમાં છે એ ઉપરવાળો...'

ભાંગ્યાતૂટયું હિન્દી, થોડું અસમિયા અને ઝાઝું તિબેટી એવી મિશ્રભાષામાં બોલીને એ કામે વળગ્યો.

'ક્યા બોલા?' ઝુઝારને કશોય ટપ્પો પડતો ન હતો પણ તેને જવાબ વાળવાના ય કોઈને હોશ ન હતા.

સૌના ચહેરા પર કોરોધાકોર સન્નાટો અંજાઈ ગયો હતો.

ફાટાફાટ થતી ઉત્સુકતાના દોરવાયા તેઓ પગપાળા તિબેટ જવા નીકળી તો ગયા,પણ એ નિર્ણય કેટલો આકરો સાબિત થવાનો હતો તેની ગવાહી પહેલે દિવસે જ મળી રહી હતી.

(ક્રમશ:)