64 Summerhill - 66 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 66

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 66

વહેલી સવારનો ઝાંખોપાંખો ઉજાસ સડસડાટ ટેકરીઓનો ઢાળ ઉતરીને બ્રહ્મપુત્રના નીરમાં ભળી જવા જાણે કોઈના આદેશની રાહ જોતો હોય તેમ ક્ષિતિજ પર ઝળુંબી રહ્યો હતો.

આગલા દિવસે સૌના માપ લેવાયા હતા ત્યારે કોઈએ કશો ફોડ પાડયો ન હતો પણ તેનું કારણ હવે સમજાતું હતું. ટ્રેક સુટ અને હેવી ટ્રેકિંગ શૂઝમાં સજ્જ થઈને તેઓ પહાડોની સાંકડી તળેટીમાં પહોંચ્યા ત્યારે પેલી છોકરી એક ચટ્ટાન પર બેસીને કાગળ પર કશુંક નોંધી રહી હતી. તેની સાથેના બીજા આઠ-દસ આદમીઓએ તેમને ત્રણ ટીમમાં વહેંચીને હરોળમાં ઊભા રાખી દીધા.

ઝુઝાર અને પ્રોફેસર એટલે રોપ ૧.

છપ્પન અને રાઘવ એટલે રોપ ૨ અને રોપ ૩માં હિરન અને ત્વરિત.

એક કલાક સુધી યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કારના બાર સેટ્સ અને બેઝિક સ્ટ્રેચિંગ પછી હારબંધ બેસીને સૌ હાંફતી છાતીએ ટી-શર્ટની બાંય વડે પસીનો લૂછી રહ્યા હતા ત્યારે કાગળિયાની ગડી વાળીને ટ્રાઉઝરના હિપ પોકેટમાં મૂકતી એ છોકરી ચટ્ટાન પરથી નીચે ઉતરી હતી.

ચુસ્ત ટ્રેક સુટમાં તેની સુડોળ કાયા બેહદ કમનિય લાગતી હતી. સ્પોર્ટ્સ બ્રા તળે ભીંસાતા સ્તનોનો ઊભાર તંગ ટી-શર્ટમાં અછતો રહેતો ન હતો. શૂઝ ઉપર તેણે પીંડી સુધીના એન્કલ્સ પહેર્યા હતા અને એન્કલ્સમાં ટ્રાઉઝર ખોસ્યું હતું એટલે એ છરહરી છતાં ચપળ, માદક છતાં પ્રભાવી લાગતી હતી.

'સો યુ ઓલ વાન્ના ગો તિબેટ...'

તેના અવાજમાં બાસ વધારે હતો... થોડોક રાની મુખર્જી જેવો!! તેને ધ્યાનથી નીરખી રહેલા રાઘવે મનોમન વિચારી લીધું અને પછી રાની મુખર્જી સાથેની સરખામણીથી એ સ્હેજ મરકી પડયો.

કાતિલ નજરે એ છોકરી ઘડીક તેની સામે જોઈ રહી. તેની મોટી, કાળી આંખોમાં ક્ષણાર્ધ માટે રોષ છલકાયો અને તરત ઓલવાઈ ગયો.

'જાહિર હૈ...' તેણે હાંફી રહેલા દરેકને એક જ નજરમાં આવરી લઈને લટાર મારતાં મારતાં બોલવા માંડયું, 'યે કોઈ પિકનિક તો હૈ નહિ.' પછી તેણે બ્રહ્મપુત્રની પેલે પાર ઝાંખીપાંખી દેખાતી પહાડીઓ તરફ હાથ લંબાવ્યો, 'હિમાલય કી એક એક ચટ્ટાન હર પલ જહન્નમ કી બહોત કરીબ સે પહેચાન કરવાતી હૈ...'

પછી તે થોડી નજીક સરકી. હિરનનું ટી-શર્ટ સ્હેજ ખેંચીને ખંખેર્યું. ઝુઝારનું રાઠોડી બાવડું સ્હેજ થપથપાવ્યું, 'હિમાલય પાર કરવા માટે શરીર ખડતલ અને મન મક્કમ હોવું જરૃરી છે. તમારી દરેકની પ્રકૃતિ અલગ અલગ છે. પ્રોફેસર રાય એન્ડ...' એક સેકન્ડ માટે તે મનોમન કશુંક યાદ કરતી હોય તેમ અટકી, 'ત્વરિત કૌલ.. એ બંને દિમાગ કસવામાં માહેર છે. મલ્હાન શારીરિક રીતે બળુકો છે પણ માત્ર બળથી કામ નથી ચાલતું. પહાડો પર ચપળતા અને મનની સ્થિરતા ય એટલાં જ જરૃરી છે. છપ્પનસિંઘનું મનોબળ કદાચ સારૃં હશે.. બટ હી ડઝન્ટ સીમ ધેટ મચ ફીટ'

'તમે દરેક પહેલાં તો તમારા પોતાના શરીર અને મનનો તાલમેલ ગોઠવો અને પછી તમારા જોડીદાર સાથે તાલમેલ સાધો એ આ ટ્રેનિંગનું પહેલું લેસન બની રહેશે. હિરન જાણે છે, કદાચ પુલિસ ઓફિસર સા'બ પણ જાણતા હશે. આપણું શરીર આપણાં મનનું કહ્યું કરે છે અને મનમાં વહેતાં રસાયણોનું પ્રભુત્વ આપણી પ્રકૃતિ ઘડે છે.'

'કેટલાંક લોકોને ફિઝિકલ એક્ટિવિટિઝમાં બહુ જ ઈન્ટરેસ્ટ હોય. દસ કિલોમીટર દોડવું, વેઈટ પુલ કરવું. આખો દિવસ ભાગદોડના કામમાં વ્યસ્ત રહેવું. એ લોકો થાકે જ નહિ, પણ બૌધ્ધિક ગડમથલમાં તેમને પરોવો તો દસ મિનિટમાં થાકી જાય. આવા લોકો સોમાટોટોનિક હોય છે. મતલબ કે તેમના મગજમાં પેદા થતાં કેટલાંક એવા રસાયણોનું પ્રભુત્વ વધારે છે જે તેને શારીરિક પ્રવૃત્તિઓ માટે એક્સાઈટ કરે છે.'

'બીજા એવા પ્રકારના લોકો, જેમને એસી ઓફિસમાં બેસીને આખો દિવસ દિમાગનું દહીં કરી નાંખવું ફાવે, મગજ ગોટે ચડી જાય એવી પઝલ્સ સોલ્વ કરી નાંખે પણ અડધી કલાક ચાલવાની વાત માત્રથી તેમને પરસેવો છૂટી જાય. આવા લોકો સેરિબ્રોટોનિકલી હાઈપર કહેવાય છે.'

'અને ત્રીજો પ્રકાર સંવેદનશીલ કે લાગણીપ્રધાન વ્યક્તિઓનો છે. પોતાના ખયાલો અને પોતાના ભાવવિશ્વમાં રાચતા લોકો ઈમેજીનરી હોય, વન્ડરફૂલ ડ્રિમર હોય. તેમની આ ખાસિયત તેમના દિમાગમાં પેદા થતા વિસેરોટોનિકને કારણે હોય છે.'

'તમારી પ્રકૃતિ ઘડતી આ દરેક બાબત એ વ્યક્તિ તરીકે તમારી વિશેષતા છે, પરંતુ પહાડો ચડતી વખતે એ તમારી નબળાઈ ગણાશે. જો તમે ફિઝિકલી અગ્રેસિવ છો અને બૌધ્ધિક વ્યાયામમાં નબળા છો તો એ નહિ ચાલે અને બૌધ્ધિક તર્ક લડાવવામાં માહેર છો પણ તમારા સેન્ટિમેન્ટ્સ જડ છે તો એ પણ તમારા માટે ઘાતક નીવડી શકે છે.'

'માઉન્ટ પાસીસ ઓન્લી ધોઝ હુ આર બેલેન્સ્ડ. અસંતુલનથી પહાડોને સખત નફરત છે. પછી એ પથ્થરમાં ભરાવેલું એન્કર હોય, કમર ફરતો વિંટાળેલો રોપ હોય, પગને કરાડો સાથે સજ્જડ જડી રાખતા ક્રેમ્પોન્સ હોય કે પછી પહાડ ચડનારાનું પોતાનું વ્યક્તિત્વ હોય... જરાક પણ સંતુલન ગુમાવ્યું એટલે તરત પહાડ તમને નીચે ફંગોળી દેશે'

'હું જાણું છું કે હિમાલય વળોટીને છેક તિબેટ પહોંચવાની તૈયારી માટે દસ દિવસના સમયની કોઈ હેસિયત નથી, પણ આપણી પાસે એથી વધુ સમય પણ નથી. મને કહેવામાં આવ્યું છે કે ચોમાસુ ઉતરે એ પહેલાં તમારે તિબેટ પહોંચી જવાનું છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. દસ દિવસની આ સઘન તાલીમમાં તમે નીચોવાઈ જશો પણ તમારા શરીર અને મનના સંતુલન માટે એ જરૃરી છે.'

'તમારી સૌની પ્રકૃતિના પ્લસ-માઈનસનો સ્ટડી કરીને મેં ત્રણ ટીમ પાડી છે. ઝુઝાર ફિઝિકલી ફીટ છે પણ ઈન્ટલેક્ચ્યુઅલી હી ઈઝ પૂઅર... સો આઈ કિપ હિમ વિથ પ્રોફેસર. કારણ કે પ્રોફેસર ફિઝિકલી પુઅર છે. સેઈમ વે, મેં ત્રણ ટીમ ડિવાઈડ કરી છે. દસ દિવસમાં તમે જીવતેજીવ જહન્નમ ભાળી જાવ એમ પણ બને. અનેક વખત એવું બનશે કે તમે તમારી જાતને મોતના મોંઢામાં અનુભવશો. પણ એ જરૃરી હશે... અહીં જેટલું જોખમ વ્હોરશો એટલા જ એક્ચ્યુઅલ ક્લાઇમ્બિંગમાં સફળ રહેશો.'

'ડેઈલી બેઝીક વર્કઆઉટ પછી ફૂડ સપ્લિમેન્ટનો તમારો ઈનડિવિડયુઅલ પ્રોગ્રામ બની રહ્યો છે. અહીં તમને ઓછામાં ઓછી સગવડતાઓ વચ્ચે શક્ય એ તમામ ટ્રેનિંગ મળશે. રોપ ક્લાઈમ્બિંગ, ફ્રિ ફોલ, સેલ્ફ એરેસ્ટ, સીટ રેપલિંગ, સ્ટમક રેપલિંગ, બોન ટ્રાવર્સિંગ એ દરેક ટ્રેનિંગનું શેડયુઅલ તૈયાર છે.'

એકધારી આટલું બોલીને એ અટકી. લશ્કરી શિસ્ત મુજબ અદબભેર ઊભેલા તેના સહાયકને તેણે કશોક ઈશારો કર્યો એટલે કંતાનની વજનદાર બોરી ઊઠાવીને તે નજીક સર્યો.

'મિસ્ટર પુલિસ ઓફિસર...' તેણે રાઘવની સામે દમામભેર આંગળી ચિંધી અને તેને ઊભા થવા ઈશારો કર્યો.

રાઘવ સપાટાભેર ખડો થઈને તેની નજીક આવ્યો એટલે તેણે તેની પીઠ પાછળ ચામડાના મજબૂત બેલ્ટ વડે ૩૦ કિલો વજનનો કોથળો બાંધી દીધો.

'ટ્રેનિંગ દરમિયાન ફક્ત એક જ વાતની તમારે કાળજી રાખવાની છે.' તેણે દરેકની સામે જોઈને કહ્યું, 'હું બોલતી હોઉં એ વખતે જરાક પણ બેધ્યાન થયા કે હસ્યા એટલે બેહદ આકરી પનિશમેન્ટ માટે તૈયાર રહેવાનું છે.' પછી તેણે ઉગ્રતાપૂર્વક રાઘવની પૂંઠે ધબ્બો મારીને ત્રાડ નાંખી, 'મૂવ...'

'હેં???' ચોંકેલો રાઘવ હજુ સમજી શકતો ન હતો.

'તળેટી ફરતા પંદર રાઉન્ડ અને રાતના ડિનર સુધી ખભા પરથી બેકપેક ઉતારવાનો નથી... જા ભાગ...'

ડઘાયેલા રાઘવને ત્યારે સમજાયું કે રાની મુખર્જી સાચે જ બહુ અઘરી હતી.

***

સાંજ હળવેહળવે ઢળી રહી હતી પરંતુ તળેટીમાં ઊભેલા ઝુઝારને તો રાત પડી ગઈ હોય તેમ લાગતું હતું. તેની આંખોમાં કાળાડિબાંગ અંધારા વચ્ચે પીળા ઝબકારા થતા હોય તેવો ભાસ થતો હતો. હાથ-પગની જગ્યાએ લાકડાના ઠુંઠા ધડ સાથે ખીલી મારીને ફીટ કર્યા હોય તેમ નિર્જીવપણે લબડી રહ્યા હતા.

પ્રોફેસર હાંફતી છાતીએ ડોળા અધ્ધર ચડાવીને પસીનાથી લથપથ હાલતમાં ઝુઝારના ઢિંચણ પર જ માથું ટેકવીને ઢળી પડયા હતા.

છપ્પન લથડિયા ખાતો માંડ માંડ નીચે ઉતરી રહ્યો હતો અને છેલ્લી કરાડ પરથી તળેટી સુધીનો પટ ઓળંગવા જતા બહુ બૂરી રીતે પટકાયો હતો, પણ તેને ઉંહકારો કરવાના ય હોશ ન હતા. જોડીદાર તરીકે તેને ઊભો કરીને નીચે લઈ જવાની રાઘવની જવાબદારી હતી પણ દિવસભર વજનદાર બેકપેક ઊઠાવીને પહાડની ચટ્ટાનમાં ચોર-પોલિસ રમીને તેના સ્નાયુઓ ય જવાબ દઈ ગયા હતા.

આઈપીએસ અફસર તરીકે તેણે માઉન્ટનિયરિંગ અને રોક ક્લાઈમ્બિંગની તાલીમ લીધી હતી. શરીરથી પણ એ ચુસ્ત હતો પણ મહાવરાના અભાવે સ્નાયુઓએ તાલમેલ ગુમાવી દીધો હતો. એમાં વળી, આ માહોલ અને આ રાની મુખર્જીની એકધારી ચાંપતી નજર...

તેણે છપ્પનનો હાથ ખેંચ્યો, ઊભો કરવાનો અમથો પ્રયાસ કર્યો. છપ્પન ચસક્યો જ નહિ એટલે ફરીથી ખેંચ્યો અને છેવટે એ પોતે જ ગોટમોટ થઈને તેના પર ઢળી પડયો.

બ્રહ્મપુત્રના ઓવારે જેમતેમ સ્નાન કરીને બે-ચાર કોળિયા જેમતેમ સૌએ મોંમાં ઓર્યા. ત્વરિતને બાવડામાં જાણે સીસું ધરબી દીધું હોય તેમ કોળિયો મોં સુધી લઈ જવાના ય હોશ ન હતા અને ખડકની અણિયાળી ધારે આંગળા એવા ચીરી નાંખ્યા હતા કે શાકના રસામાં આંગળી પડે ત્યાં સિસકારો નીકળી જતો હતો.

ખાધા પછી માંડ એકમેકનો ખભો પકડીને પગ ઢસડતા તેઓ પથારી સુધી પહોંચ્યા અને પહોંચ્યા એવા જ ચત્તાપાટ થઈને ઢળી પડયા.

છપ્પને ઝુઝારની ઓલ્ડ મોન્કની બોટલમાંથી પરાણે બે ઘૂંટડા પીધા અને પછી ઝુઝાર સામે બોટલ ધરી પણ તેણે ગરદન ન હલાવી એટલે હોઠ ફફડાવીને તે બબડયો, 'લે થોડોક રમ પી લે...'

'ના યાર...નથી પીવો...' ઝુઝારે ગૂંગણા, ઊંઘરેટા અવાજે ફક્ત આંગળી હલાવીને નનૈયો ભણ્યો, 'મોં ખોલવાની ય...'

'ત્રેવડ નથી' એવો વાક્યનો ઉત્તરાર્ધ તેના મોંમાંથી બહાર આવે એ પહેલાં તો એ ઊંઘમાં સરી પડયો.

ટ્રેનિંગનો એ પહેલો દિવસ હતો અને હજુ એવા બીજા નવ દિવસ બાકી હતા.

(ક્રમશઃ)

Share

NEW REALESED