64 Summerhill - 78 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 78

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 78

કેપ્ટન ઉલ્હાસનો વ્યુહઃ

શાંગરા તરીકે ઓળખાતી બખોલમાં એક લડાકુ કાફલો રોકાયો છે એવી બાતમી સ્થાનિક આદિવાસીઓ પાસેથી મળી ત્યારે સૌથી પહેલાં કેપ્ટન ઉલ્હાસે તેમની પાસે બખોલનો જેવો આવડે તેવો નકશો બનાવડાવ્યો હતો.

આ લોકો કોણ હતા તેનો તેને કોઈ અંદાજ ન હતો. આઈપીએસ કક્ષાના પોલિસ અફસરનું અપહરણ અને સીધા હોમ મિનિસ્ટ્રીમાંથી જ તલાશનો ઓર્ડર... એટલે મામલાની ગંભીરતા કેપ્ટન ઉલ્હાસ બરાબર સમજી શકતો હતો. રાઘવે જે પ્રકારે સંદેશો મોકલાવ્યો એ પરથી ઉલ્હાસને એટલું જરૃર સમજાયું હતું કે એ લોકો ભારે ખંધા અને ખેપાની છે. તલાશમાં જો જરાક સરખી ય ચૂક થઈ તો રાઘવનો ઘડો-લાડવો થઈ શકે છે.

જોરહટથી તવાંગ અને તવાંગથી બોમ્ડિ-લા તરફ જતા માર્ગે તો એ સ્નિફર ડોગની દોરવણીથી બહુ જ આસાનીથી રાઘવને ટ્રેસ કરી શક્યો હતો પરંતુ નદીના કાંઠા પાસે સ્નિફર ડોગે રાઘવના પેશાબની છેલ્લી ગંધ પારખી એ પછી કેપ્ટન ઉલ્હાસ બરાબર મુંઝાયો હતો.

બ્રહ્મપુત્રના અફાટ પ્રવાહમાં આ લોકો કઈ તરફ ગયા હોઈ શકે? કાંઠાની બંને તરફ એ ધારો કે સ્નિફર ડોગને મોકલે તો પણ સેંકડો કિલોમીટર લંબાઈમાં પથરાયેલા બંને તરફના કાંઠાની બંને દિશા ચકાસવામાં જ અઠવાડિયું નીકળી જાય અને સાથે જોડાયેલી બિરવા અસનાની તેને જીવતો જ ફાડી ખાય.

કોઈપણ કમાન્ડો ઓપરેશનમાં આઉટ સાઈડરની હાજરી હોઈ જ ન શકે એવા ચુસ્ત નિયમ છતાં તેણે ધરાર બિરવાને સાથે લેવી પડી તેને લીધે બિરવાની પહોંચ કેટલી છે એ તેને સમજાઈ ગયું હતું. કોલકાતાથી કાફલો નીકળ્યો એ જ ઘડીથી બિરવા પ્રત્યેક કલાકે તેના બાપને રિપોર્ટ કરતી હતી અને ઉલ્હાસનો ઓફિશિયલ રિપોર્ટ પહોંચે એ પહેલાં તો હેડ ક્વાર્ટર પરથી સુચના આવી જતી હતી.

બિરવાની હાજરી અને સક્રિયતાથી મનોમન ધૂંધવાતો કેપ્ટન બ્રહ્મપુત્રના કાંઠે પહોંચીને બરાબર અટવાયો હતો. ક્યાંય કોઈ બાતમી આપે તેવી સુરાગ શોધવામાં અડધો દિવસ નીકળી ગયો. બિરવાને ફૂંફાડા નાંખતી છોડીને કેપ્ટને નદીના પહોળા, વિશાળ પટમાંથી પસાર થતા હોડકાંની તલાશી લેવા માંડી.

ક્યાંથી આવો છો, ક્યાં જાવ છો, અહીંથી આગળ ક્યાં સુધી પહાડો વચ્ચે વસાહત છે, કેવા પ્રકારનો માલસામન લઈ જાવ છો, રોજના કેટલાંક હોડકાં અહીંથી પસાર થાય છે, રાત્રે નદીમાં કોઈની અવરજવર હોય છે કે કેમ એવા અણધાર્યા સવાલોની ઝડી વરસાવીને ઉલ્હાસના આદમીઓ બાતમી મેળવતા ગયા. ઉલ્હાસ એ બાતમીઓનું શાતિર ઝીણવટથી પૃથક્કરણ કરતો ગયો.

મોડી સાંજે અંધારું ઘેરાયું ત્યારે કાંઠા પર તાપણું કરીને એ બેઠો હતો. છેલ્લી ડિંગી નદીનો ચકરાવો મારીને પાછી ફરી રહી હતી. બે ડિંગી રાતભર નદીમાં પહેરો દેવાની હતી. તાપણું સંકોરી રહેલી બિરવાની આંખોના ઉચાટમાં ઉલ્હાસને તેની ઉતાવળ પરખાતી હતી. અહીં સુધી આવીને અટકી જવું પડયું એથી એ મનોમન અકળાતી હતી.

છેલ્લી ડિંગીના આદમીઓ તેમની તલાશી દરમિયાન મળેલી માહિતી આપી રહ્યા હતા અને અચાનક ઉલ્હાસ ચોંક્યો. ચાર દિવસ પહેલાં મોડી સાંજે અહીંથી એક કાફલો ચારેક જેટલા તરાપા પર લાંગર્યો હતો અને નદીના ઉપરવાસની દિશામાં ગયો હતો.

અડાબીડ પહાડોમાં વસતાં બોડો, સુગ્મા, કોરવા આદિવાસીઓનો આ છેલ્લો પડાવ હતો. એથી ઉપરવાસમાં ભીષણ પહાડો વચ્ચે બેહદ મારકણા વળાંકો લેતી બ્રહ્મપુત્રનું વહેણ તોફાની બનતું હતું અને બેય કાંઠા પર અડાબીડ જંગલો હતા.

એ તરફ કોણ ગયું હોઈ શકે તેવા સહજ સવાલથી ઉલ્હાસ ઊભો થયો. કાંઠા પર ઝળુંબતા પહાડો વચ્ચેની તળેટીમાં વસીને જગતથી પોતાને દૂર રાખતા આદિમવાસીઓ પંખી પકડવા માટે મોડી રાતે કાંઠા પર ઝળુંબતી ચટ્ટાનો પર આવતા હતા. માળામાં જંપી ગયેલા પંખીઓને પકડવા માટે રાતનો સમય તેમને અનુકૂળ રહેતો. રાતે એવી કરાડની ધાર પર ઊંચા ઝાડવા ચડી રહેલા આદિવાસીઓએ જંગલના નિરવ સન્નાટાને ચિરતો એક કાફલો શાંગરાની દિશાએ જતો જોયો હતો.

મોડી રાતે આદિવાસીઓના ભુંગાઓ ફંફોસીને તેણે ઊઠાડયા અને શાંગરા તરફ જતા જળમાર્ગ સુધી લઈ જવા દાટી મારીને તેમને તૈયાર કર્યા. શાંગરાની ભૂગોળ સમજ્યા પછી તેણે આબાદ વ્યુહ વિચારી લીધો હતો. બખોલ પહાડની ચટ્ટાન પર ખુલતી હતી અને ચટ્ટાનના રસ્તે જંગલ ફેંદીને નદીના બીજી તરફના કાંઠે નીકળાતું હતું.

બખોલના મોંઢા આગળ હલ્લો બોલાવ્યા પછી ય જો એ લોકો નાસી જવામાં સફળ થાય તો પણ તેમને દબોચી શકાય એ હેતુથી તેણે એક કાફલો કાંઠાની જંગલ તરફ ખુલતી દિશાએ તૈનાત રાખ્યો હતો.

- પણ તેની ધારણા ખોટી પડી હતી... ભયાનક રીતે ખોટી પડી હતી.

એ સાલાઓએ કશોક ભેદી પ્રહાર કરીને નદી કાંઠે તૈનાત કાફલાને તહસનહસ કરી નાંખ્યો હતો. એ ધડાકો સાંભળીને જ ઉલ્હાસને કંપારી છૂટી ગઈ હતી. ધડાકાની તીવ્રતા ગજબ હતી પણ એ આર્ટિલરી ફાયર ન હતો. તેણે વેરેલી આગનો લિસોટો ય પ્રચંડ હતો તો ય એ મોર્ટારનું ફાયર ન હતું. તેને હજુ ય સમજાતું ન હતું કે એ વેપન ક્યું હતું.

અજાણ્યા વેપને વેરેલી ભયાવહ તારાજી તેણે નજરે નિહાળી હતી. કાંઠા પર લાંગરેલી ડિંગી ક્યાંય દૂર મઝધાર વચ્ચે ઊંધી પડીને તણાઈ રહી હતી. તેનો એકેય આદમી જીવતો ન હતો અને કેટલાંકના શરીર તો ઓળખી ન શકાય એટલી હદે ક્ષત-વિક્ષતા થઈ ગયા હતા, જાણે કોઈએ તેમના શરીર સાથે આરડીએક્સ બાંધીને પલિતો ચાંપ્યો હોય!

કાળુંડિબાંગ અંધારું, માથા પર વરસી રહેલો ધોધમાર વરસાદ, ઉપરવાસમાંથી પહાડો વચ્ચે વળ ખાઈને ધસમસતો બ્રહ્મપુત્રનો વેગીલો પ્રવાહ અને ૭૦-૮૦ અંશના અણિયાળા ખૂણે અચાનક જ પલટી ખાતું વહેણ...

તરાપાઓનો પીછો કરી રહેલો ઉલ્હાસ એ વેપનના ડરથી જ ડિંગીની ઝડપ વધારતા ખચકાતો હતો.

નાઈટવિઝન બાયનોક્યુલરમાં નજર માંડેલી રાખવી, વેપન તૈનાત રાખવા કે શરીરને સ્થિર રાખવું... ઉલ્હાસ અને તેના કમાન્ડો ભારે મુશ્કેલી અનુભવતા હતા.

આગળની ભૂગોળથી પોતે સદંતર અજાણ હતો. તરાપામાં ભાગી રહેલા લોકો માટે અહીંનો ચપ્પો-ચપ્પો ઘરના ફળિયા જેટલો પરિચિત જણાતો હતો. એવા જ કોઈક વળાંક પર ધારો કે...

મનમાં ઊગેલી કલ્પનાથી જ ઉલ્હાસને કંપારી છૂટી ગઈ.

- તો આગળ કાંઠા પરના આદમીઓની માફક પોતે સૌએ પણ અહીં જ જળસમાધિ લેવાની થાય અને કોઈને ચાંગળુ પાણી માંગવાની ય તક ન મળે.

તે મહામુશ્કેલીએ સંતુલન જાળવતો ઊભો થયો. આગળના બે આદમીને નીચે લપાઈને પોઝિશન લેવાની સુચના આપી. ખભા પર સેલ્ફ પ્રોપેલ્ડ લોન્ચર ચડાવીને પોતે બરાબર વચ્ચે ગોઠવાયો. તેનું જોઈને સમાંતરે હંકારી રહેલી બીજી ડિંગીમાં ય પોઝિશન બદલાવા માંડી એટલે ઉલ્હાસે ઈશારો કરી દીધો,

'ગિઅર અપ...'

તેની ધારણા કરતાં ય વધારે જીવસટોસટનો જંગ અહીં મંડાઈ ગયો હતો.

- પણ હજુ ય કેટલુંક એવું થવાનું હતું, જેની તેણે ધારણા કરી ન્હોતી.

કેસીનો વ્યુહઃ

ડિંગીએ હજુ સ્પિડ કેમ વધારી નથી?

માશુકાના પ્રણયગીતની તલ્લિનતાથી ડિંગીના એન્જિનની ભકભકાટી સરવા કાને સાંભળી રહેલો કેસી પણ ઉલઝનમાં હતો.

નદીના ત્રણ કારમા વળાંક પછી ચોથો વળાંક ખાસ્સા લાંબા અંતરે હતો. કાંઠા પર ઉતરેલા તાન્શી, રાઘવ વગેરે જો ડિંગીને રોકવામાં નિષ્ફળ નીવડે તો ડિંગીમાં આવતો કાફલો ચોથા વળાંક પહેલાં પોતાને આંતરી શકે. કેસીએ મનોમન ક્યાસ માંડી લીધો હતો પણ ડિંગીની ઝડપ હજુ ય સ્થિર હતી એથી તેને નવાઈ લાગતી હતી.

શું ઉપરવાસમાં તેમણે બીજો કોઈ કાફલો તૈનાત રાખ્યો હશે અને તરાપાઓ તેમની રેન્જમાં આવે તેની રાહ જોવાતી હશે?

કે પછી તરાપાઓમાંથી કાંઠા પર કૂદી પડેલાં આદમીઓને તેમણે જોઈ લીધા હશે?

બેય ખભા પર વજનદાર સામાન અને હાથમાં કેપ્ટિવ ગન ઝાલીને પરાણે સંતુલન જાળવવા મથતા કેસીના ગોરા ચહેરા પર લાલઘૂમ મૂંઝવણ તરી આવી.

ચોથો, પાંચમો અને છઠ્ઠો વળાંક આવે ત્યાંથી બ્રહ્મપુત્રનો પ્રવાહ ક્રમશઃ સાંકડા ઝરણાની માફક પહાડની ધાર પરથી નીચે ખાબકતો હતો. ભીષણ પછડાટ ખાઈને સડસડાટ ઢાળ ઉતરતા વહેણનો વેગ બેહદ તોફાની હતો. સદીઓથી પાણીની પછડાટ ખાઈ-ખાઈને નીચે ખાઈમાં બબ્બે માથોડાં ઊંડા પોલાણ સર્જાઈ ગયા હતા. એ પોલાણમાંથી પસાર થતું વહેણ ભમ્મરિયો ચકરાવો મારીને નીચે ફંગોળાતું હતું.

ઘૂના તરીકે ઓળખાતા એ પ્રવાહમાં પડવાનું તરાપાઓનું તો ઠીક, મશીનબોટનું ય ગજું ન હતું.

ડિંગીઓ સાથે એ પહેલાં જ મુઠભેડ થઈ જવી જોઈએ એવી કેસીની ધારણા ખોટી પડી રહી હતી. ચોથા વળાંકમાં પ્રવેશીને તેણે એકીટશે બ્રહ્મપુત્રના વેરાન, વિરાટ અને બિહામણા પટને ક્યાંય સુધી નિરખ્યા કર્યો. પછી અચાનક કશાક નિર્ણય પર આવ્યો હોય તેમ તરાપાની ઝડપ ઘટાડવા સુચના આપી દીધી.

તાન્શીનો વ્યુહઃ

આવનારા હુમલાખોરોએ બખોલમાં પ્રવેશીને મશાલ કે એવો કશોક ઉજાસ કરવાને બદલે સીધો ડિઝલનો કેરબો જ સળગાવ્યો હતો એટલે આ વખતે તાન્શી બરાબર સતર્ક હતી.

કાંઠાની સાવ લગોલગ બે આદમીઓને તેણે અડધા નદીમાં અને અડધા કાંઠાના ખડક પર એવી હાલતમાં લેટાવ્યા હતા. ડિંગી નજીક આવે એટલે એક આદમીએ ફૂલઝડી જેવો લાઈટ ક્લસ્ટર તિરછી દિશામાં સામેના કાંઠા તરફ ફંગોળવાનો હતો. તિરછી દિશામાં ફેંકાય એટલે તેમાથી પ્રગટતી રોશનીને લીધી ડિંગીમાં બેઠેલા આદમીઓની આંખો અંજાઈ જાય એટલે તેઓ કાંઠા પર કોઈની હાજરી પારખી ન શકે પણ કાંઠા પર લપાયેલા આદમીઓને ચંદ સેકન્ડ માટે ડિંગીનું લોકેશન આંખોમાં બરાબર વસી જાય.

લાઈટ ક્લસ્ટર ફેંકાય એ જ ઘડીએ કાંઠા પર લપાયેલા બીજા આદમીએ મનોમન ૧, ૨, ૩, ૪ એવી ગણતરી કરીને પાંચમો વિરામ આવે એ સાથે હવામાં સ્હેજ ઊંચેની તરફ ગ્રેનેડ ઉછાળી દેવાનો હતો.

ક્લસ્ટર ફેંકાયાનું ભાળીને ડિંગીમાં બેઠેલા લોકો કાંઠા તરફ બ્લાઈન્ડ ફાયર કરવા જ પ્રેરાશે. એ વખતે અચાનક ઊંચે હવામાંથી ફાટતો ગ્રેનેડ, ભલે નિશાન ચૂકી જાય તો પણ તેમને સ્તબ્ધ તો કરી જ દે.

મુક્તિવાહિનીના બીજા બે આદમીઓને તેણે કાંઠાથી સ્હેજ ત્રાંસમાં ગોઠવ્યા હતા. પોતે બીજા એક આદમીને લઈને કાંઠા પર ધસી આવેલી એક સાવ પાતળી, સીધી ધારની કરાડ પર લપકી હતી અને ત્વરિત, રાઘવને ડિંગી બરાબર તેમની સીધમાં આવે એવી પોઝિશન પર તૈનાત રાખ્યા હતા.

ગ્રેનેડ ફાટે એ સાથે ત્રાંસમાં ઊભેલા આદમીઓ પ્રકાશના શેરડા વચ્ચે પારખેલા ડિંગીના સ્થાન તરફ ત્રણ ફાયર કરે. તેમના પછી તાન્શી અને તેના આદમી ફાયર કરે. એ પછી ત્વરિત અને રાઘવ ગન ચલાવે. એમ કુલ નવ રાઉન્ડ ફાયર કરવાના હતા.

ડિંગીનો કાફલો સહજ પ્રતિક્રિયા તરીકે વળતું ફાયર કરશે જ. કહો કે, એ લોકોને ફાયર કરવા માટે ઉશ્કેરવા એ જ તાન્શીનો વ્યુહ હતો. એ લોકો ફાયર કરે એટલે અવાજના આધારે તેમનું ચોક્કસ લોકેશન પારખીને કાંઠાની સાવ નજીક લેટેલા આદમીઓ ગ્રેનેડ ઝીંકવાના હતા. એ જ વખતે ત્રણ ટીમમાં વહેંચાયેલા તાન્શીના દરેક આદમીઓએ એક સામટો હલ્લો કરી દેવાનો હતો.

ક્લસ્ટર ફેંકાય એ પછી માંડ બે-ત્રણ મિનિટનો જ આ ખેલ હતો. જો એટલી વારમાં ડિંગીને કાબુમાં ન લઈ શકાય તો પછી જોખમ ખડું થવાનું હતું.

- અને થયું પણ એમ જ.

(ક્રમશઃ)