64 Summerhill - 90 books and stories free download online pdf in Gujarati

64 સમરહિલ - 90

સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું

64 સમરહિલ

લેખકઃ ધૈવત ત્રિવેદી

પ્રકરણ - 90

મેજર ક્વાંગ યુને ચેક પોસ્ટ પરથી આવતાંની સાથે જ શીન લાઈને સસ્પેન્ડ કરી દીધો હતો અને લ્હાસાની સુરક્ષા વ્યવસ્થા નવેસરથી ગોઠવવા માંડી હતી.

લ્હાસામાં પ્રવેશતા તમામ માર્ગો પર તેણે નાકાબંધીના આદેશ કરી દીધા અને બહાર નીકળતા દરેક આદમીની સખત જડતી લેવડાવવા માંડી. લ્હાસાના દરેક ગેસ્ટહાઉસ, બોર્ડિંગ હાઉસ, વટેમાર્ગુઓને આશરો આપતાં બૌધ્ધ મઠ અને ઘરઘરાઉ લોજના લિસ્ટ ચેક કરીને દરેક ઠેકાણે સીલ મરાવી દીધા.

રાતભર લ્હાસાની સડકો પર લશ્કરી ગાડીઓની સાઈરન ગૂંજતી રહી. વિદેશીઓની તલાશી લેવાતી રહી. તેમના પરમિટ, બેઈઝ ચેક થતા રહ્યા. દૂર ઉત્તર તિબેટમાંથી આવેલા નાગરિકોને ય શકમંદ ગણીને ઉલટતપાસ હેઠળ લેવાયા. જેમની પાસેથી તમંચા કે છરા જેવા શસ્ત્રો મળ્યા તેમની તો હાલત ખરાબ થઈ ગઈ. જે વિદેશીઓ પરમિટ પૂરી થયા પછી ય રોકાઈ ગયા હતા તેમને જવાબ આપતાં નાકે દમ આવી ગયો.

ધમપછાડા નાંખતો ક્વાંગ યુન પોતે રાતભર દરેક નાકા પર ફરતો રહ્યો. કેટલેક ઠેકાણે તેણે પોતે લ્હાસામાં પ્રવેશતાં કે બહાર નીકળતા લોકોની જડતી લઈ નાંખી. સવાર સુધીમાં ઘૂસણખોરોનો કેડો પામી જવાનો તેને અંદાજ હતો પણ ભડભાંખળું થવા સુધી ક્યાંયથી કોઈ સુરાગ મળતો ન હતો. ક્યાંય કશું અજુગતું હોવાનો સંકેત મળતો ન હતો.

અકળાયેલો મેજર વહેલી સવારે રિજન્ટ હાઉસના પગથિયા ચડી રહ્યો હતો ત્યારે એક સિનિયર અફસર અદબભેર તેની નજીક આવ્યો. પોતે જ્યારે બેજિંગમાં બેસીને તિબેટનો હવાલો સંભાળતો હતો ત્યારથી જ ચૌકન્ના મેજરે લ્હાસામાં પોતાના વિશ્વાસુ ઈન્ટેલિજન્સ ફોર્સને ખડકી દીધું હતું.

ઈન્ટેલિજન્સના અફસરને જોઈને મેજરે બીજા ફૌજીઓને દૂર જવા આદેશ કર્યો. ક્યાંય સુધી પેલો અફસર અત્યંત ધીમા અવાજે મેજરની સાવ લગોલગ જઈને કશુંક કહેતો રહ્યો. મેજરના ચહેરા પર ઘડીક હળવાશ, ઘડીક તંગદીલી, ઘડીક આઘાત તો ઘડીક અચરજની રેખાઓ ઉપસતી રહી, ઉકેલાતી રહી.

રિજન્ટ હાઉસ પહોંચીને ઘડીક આરામ કરવાની તેની ધારણા હતી પણ હવે પાલવે તેમ ન હતું. એ આવ્યો હતો એથી ય ઝડપથી પાછો ફર્યો. પાછળ આવતાં કાફલાને તેણે રૃઆબભેર હાંકોટો પાડયો, 'ડિફેન્સ ઈન-ચાર્જને તાત્કાલિક મારી પાસે મોકલો...'

તિબેટ પહોંચ્યે મેજરને ૩૬ કલાક થયા હતા અને તેને એક મિનિટનો ય વિરામ મળ્યો ન હતો.

- કદાચ મળવાનો ય ન હતો.

***

ભીના, સડેલા ઘાસની ગંધાતી ગંજી, એક ખૂણામાં જલતું નાનકડું ફાનસ, લાકડાના સાંકડા-નાનકડી ડોકાબારી જેવા બારણા પાસે ઊભેલી તાન્શી, તેની પાસે પતરાંના સાંકડા સ્ટૂલ પર બેઠેલી હિરન, ભીની અને પારાવાર ગંધ મારતી ગંજી પર શણિયુ પાથરીને અચંબિત ચહેરે બેઠેલા પ્રોફેસર, પથ્થરની ઉબડખાબડ, ખરબચડી ભોંય પર બેય પગ ફરતા હાથ વિંટાળીને બેઠેલો ઝુઝાર, ટ્રકના રદ્દી ટાયર પર બેઠેલો ત્વરિત, તેના ઢિંચણને અઢેલીને બેઠેલો છપ્પન અને સૂક્કા ખડથી બાંધેલી પડાળી જેવી ખાટ પર બેઠેલો કેસી...

મેજર ક્વાંગ યુને પ્રત્યેક ભારતીય કાફલાની તલાશી લેવાનો આદેશ છોડયો હતો. એ જાણીને સૌના ચહેરા પર પારાવાર તંગદીલી હતી. મહામુસીબતે સૌ આ નવા ઠેકાણે પહોંચ્યા હતા. જે હેતુથી તિબેટમાં ઘૂસવાનું જોખમ ઊઠાવ્યું હતું એ હેતુની દિશામાં એક તસુ ય આગળ વધાયું ન હતું અને અચાનક અણધારી આફતો ખડી થઈ રહી હતી.

'મેજર ક્વાંગ યુન...' કેસીએ તંગ નજરે હિરનની તરફ જોઈને ગરદન ધૂણાવી નાંખી, 'હું એ આદમીને બરાબર ઓળખું છું. એ જેટલો ઝેરીલો છે એટલો જ જીદ્દી છે. તેને ખાતરી થઈ જ છે તો એ હવે છાલ નહિ જ છોડે'

'એમાં આ હથોડાએ આફત ઊભી કરી...' હિરન ઉશ્કેરાટભેર ઝુઝારની તરફ હાથ લંબાવીને કહ્યું એટલે ઝુઝારે તેની સામે નજર ઊંચકી.

તેની આંખોમાં હિંસક જાનવરની જેમ તગતગતી હતી અને ચહેરા પર કશુંક ભેદી છળ જોયાનો ઉન્માદ વર્તાતો હતો. બોરોમના ચોકમાં માસુમ બાળકને પીટનારા જંગલી અફસરને ઝુઝારે એવી જ જંગાલિયતથી ઝૂડી નાંખ્યો એ સાંભળીને કેસી મિશ્રભાવ અનુભવતો હતો. પોતે આસાનીથી ઝડપાઈ શકે તેમ હતો છતાં ય તે જોખમ વ્હોરીને ય અજાણ્યા તિબેટીની વ્હારે ધસ્યો હતો એ માટે કેસી, તાન્શી અને મુક્તિવાહિનીના આદમીઓને ઝુઝાર માટે અહોભાવ થતો હતો પણ આમ કરવાથી પોતાની હાજરી વધુ એકવાર મક્કમ રીતે ખુલ્લી પડી ગઈ હતી તેની ફડક પણ કેસીને અનુભવાતી હતી.

મામલો ફક્ત પ્રોફેસરને જોઈતી હસ્તપ્રતો, જ્ઞાનવારસા પૂરતો જ હોત તો ય કેસીને બહુ વાંધો ન હતો. આ તિબેટ તો તેના બાપદાદાનું થાનક હતું. ગમે તેવા જોખમ વચ્ચે ય તે બહુ આસાનીથી હવામાં ઓગળી શકે તેમ હતો. પરંતુ આ કાફલાની આડમાં તેનો ય એક ઉદ્દેશ હતો. તેણે ચિંતાભરી નજરે તાન્શીની તરફ જોયું અને હવે પછીના પ્લાન માટે પ્રોફેસરને ઈશારો કર્યો.

'ઝેન્પાના મઠમાં ખાસ કોઈ એંધાણી મળી નથી પણ તિબેટના મઠોના આ ગુપ્ત ભોંયરાઓ પ્રાચીન ભારતીય જ્ઞાનનો ખજાનો સમાવીને બેઠા છે એ તો મને ખાતરી થઈ જ ગઈ' દિવસભરની દડમજલ અને એકધારી તંગદીલી છતાં પ્રોફેસરના અવાજનો રણકો સાબૂત હતો. ફિક્કા ચહેરા પર સરી આવતા ભુખરા વાળ કપાળ પરથી ખસેડીને તેમણે વાત માંડી.

'ઝેન્પાના મઠમાં કેટલીક હસ્તપ્રતો અતિ પ્રાચીન છે. એ અનુવૈદિક કાળની એટલે કે આશરે ત્રણ હજાર વર્ષ પૂરાણી છે એવું તો હું જોઈને ય કહી શકું છું પણ તેમાંની મોટાભાગની હસ્તપ્રતો વૈદક, જ્યોતિષ, ખગોળ અને રસાયણને લગતી છે. કેટલાક ભોજપત્રો પ્રાચીન ભારતીય ભૌતિકશાસ્ત્રી કણાદના વખતના છે. કદાચ એ કણાદ કે તેના શિષ્યોના ય હોય. એ બધું ચકાસવું પડે પણ એ આપણો વિષય પણ નથી અને એવો માતબર સમય પણ નથી.'

'આપણા કામની કેટલીક વસ્તુઓ મેં ત્યાં જોઈ...' સૌના સરવા થયેલા કાન અને આતુરતા નીતરતી આંખોમાં તાકીને પ્રોફેસરે કહ્યું, 'આદ્ય શંકરાચાર્યે ઈશ, કેન, કઠ વગેરે ૧૩ ઉપનિષદો પર ભાષ્યો લખ્યા છે. તેમાંથી ૧૦ ઉપનિષદો પરના ભાષ્યો પૂર્ણતઃ પ્રાપ્ય છે પણ બાકીના ત્રણ ખંડિત અથવા તો અપૂર્ણ છે. મેં ઝેન્પા મઠમાં જોયેલી કેટલીક સંસ્કૃત હસ્તપ્રતો મને શ્વેતાશ્વતર ઉપનિષદ વિશે શંકરાચાર્યે લખેલ ભાષ્યનો હિસ્સો હોવાનું લાગ્યું છે.'

'ઝેન્પા મઠનો ગ્રંથાગાર બહુ જ ચુસ્ત છે. ત્રાહિત માણસને ત્યાં પ્રવેશ નથી. અમારી ભારે વિનવણી પછી ત્યાંના વ્યવસ્થાપકે માંડ દસ મિનિટ માટે અમને પરવાનગી આપી હતી અને તોય પોતે હસ્તપ્રતો પોતાના હાથમાં રાખીને ત્રણ ફૂટના અંતરેથી અમને બતાવી હતી. સ્વાભાવિક છે કે એ આપણને મળે તેમ નથી.'

'એ મેળવવાનો એક જ રસ્તો છે...' પ્રોફેસરે ગરદન ઘૂમાવીને ટ્રકના ટાયર પર બેઠેલા છપ્પન તરફ નજર ફેરવી, '... એન્ડ હી ઈઝ ઓલ પ્રિપેર્ડ'!

*** *** *** ***

મોડી રાતે સૌ જંપી ગયા હતા ત્યારે પ્રોફેસર, હિરન અને છપ્પન ક્યાંય સુધી ઘુસપુસ કરતાં રહ્યાં હતાં. છપ્પન સતત કાગળ પર કશુંક નોંધતો જતો હતો. છેવટે પ્રોફેસર અને હિરનને ત્યાં જ છોડીને તેણે ગંધાતા ઘાસની એક ગંજી ઊઠાવી તેના પર શણિયું પાથર્યું અને લંબાવ્યું.

'ગુડ લક માય સન...' આંખો પર ગમછો બાંધી રહેલાં છપ્પનસિંઘના ખભે વ્હાલપભર્યો હાથ પસારીને પ્રોફેસરે હેતાળ અવાજે કહ્યું. તેમની આંખોમાં રીતસર ઝળઝળિયા તગતગતા હતા, 'તારો અહેસાન હું કદી ચૂકવી શકું તેમ નથી પણ આ છેલ્લું કામ પાર પાડજે. મારી જિંદગીનો આધાર જ અહીં લટકે છે...'

છપ્પન ઘડીક અચંબિત થઈને લાગણીશીલ થઈ ગયેલા પ્રોફેસરના ગાલ પર બંધાઈ રહેલી ભીનાશને જોતો રહ્યો. તેણે પ્રોફેસરનો હાથ પોતાના હાથમાં લઈને હળવી ભીંસ આપી, જરાક સ્મિત વેર્યું અને ધીમા અવાજે બબડયો, 'મારી જિંદગીનો પણ...!'

પંદર મિનિટ પછી,

બહાર અંધારું ઘેરાઈને ડમરીએ ચડયું હતું. લ્હાસાની ક્ષિતિજો પર લોખંડી પહેરો ભીંસાઈ રહ્યો હતો અને અહીં ગંધાતા ભોંયરામાં રીઢા, ઉસ્તાદ ચોર છપ્પનસિંહની બંધ આંખોની ભીતર તેનો બાપ ગૂંગાસિંઘ ખડખડાટ હસી રહ્યો હતો.

(ક્રમશઃ)