Saahas - 5 books and stories free download online pdf in Gujarati

સાહસ - 5

સાહસ (અંક 5)

સેજલે અને ધવલે જોયું કે સ્ટ્રેચરમાં મૂકીને લાશને હવે અહીંથી ખસેડાઈ રહી હતી. હવે એ બંનેએ ખૂબ જ સાવચેતીથી કામ લેવાનું હતું. નાનકડી અમથી ભૂલ પણ તેમને માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે તેમ હતી. પોલીસે હવે અહીંથી પોતાનો જાપ્તો હટાવી લેવાનું શરૂ કર્યું હતું. આ રહસ્ય ઉકેલવા માટે ક્યાંથી શરૂઆત કરવી એ વિશે તે બંને જાતજાતનાં તર્ક લગાડી રહ્યાં હતા. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ધવલ બોલ્યો-

“આવા કોઈ કેસને ઉકેલવા માટે બનેલી ઘટનાઓ વિશે વધુમાં વધુ ઈન્ફર્મેશન હોવી જોઈએ.”

સેજલે તેની બૅગ ખોલીને પેન અને ચોપડો કાઢ્યાં. એ બંને પાસે આ ઘટના વિશે જેટલી માહિતી હતી તેટલી લખી અને ચોપડો ધવલ તરફ સરકાવ્યો. માંડ બે-ત્રણ બાબતો તેઓ જાણતાં હતાં. માથું ખંજવાળતો ધવલ બોલ્યો-
“આટલી ઈન્ફર્મેશનમાં તો કંઈ નહિ થાય.”

“એ જ તો!” સેજલે કહ્યું- “વધારે - ઘણી વધારે ઈન્ફર્મેશન કલેક્ટ કરવી પડશે.”

“હા બરાબર!” ધવલે સેજલ સામે જોઈને પૂછ્યું- “પણ કેવી રીતે?”

“એ જ તો વિચારવાનું છે.”

“હા બરાબર.”

“તો વિચાર!” સેજલે કહ્યું.

“હા બરાબર.” ધવલે એ જ રટણ ચાલુ રાખ્યું.

“ધવલ...” સેજલ ચીડાઈ.

“અરે હું કોઈ ડિટેક્ટિવ છું, યાર? તુંય વિચાર કર કંઈક, મારા ઉપર ન છોડીશ બધું.”

સેજલ લમણે હાથ દબાવીને બેઠી. ત્રણેક સેકન્ડ પછી ધવલે ચમકારો કર્યો –

“પોલીસ બીજા લોકો પાસેથી પણ માહિતી મેળવશે, પૂછપરછ કરશે જ.”

“તો શું?”

“આપણે એ બધું સાંભળી લઈએ કોઈક રીતે.”

“પણ કેવી રીતે?”

“અરે તું હાલ તો ખરી!” કહેતો ધવલ ઊભો થઈ ગયો- “ત્યાં પરિસ્થિતિ જોઈએ તો કંઈક આઈડીયા આવે.”

ને તે બંને ઉપડ્યા. પોલીસ અધિકારી પ્રિન્સીપાલની ઓફિસમાં ગયા હતા. દરવાજા આગળ બે કોન્સ્ટેબલ ઊભા હતા. મરેલા ચોકીદારની સાથે સંપર્કમાં રહેતાં સ્ટાફના માણસોને અંદર પૂછપરછ માટે મોકલવાના હતા. આ સ્થિતિ જોઈને બંને નિરાશ થયા. શું માહિતી ભેગી થઈ રહી છે તે જાણી શકવાનો કોઈ ઉપાય દેખાતો નહોતો.

ને તેમને વારંવાર આવો અવસર નહોતો મળવાનો. એટલે કે, એક વખત આ પૂછપરછ પૂરી થઈ ગયા પછી તેઓ ફરીથી ક્યારે અને કેવી રીતે આટલી બધી માહિતી એકસાથે મેળવી શકશે? નહિ મેળવી શકે. અત્યારે ઘણી માહિતીની આપ-લે થશે. આ મોકો કોઈ કાળે જતો ન કરાય. ગમે તે ભોગે આ પૂછપરછ સાંભળવી જ રહી. પણ કેવી રીતે?


કૌશલ અને કૃશાલ બંને સેજલ અને ધવલથી થોડે દૂર ઊભા હતં. વાસ્તવમાં, આ કેસમાં સૌથી વધુ માહિતી અત્યારે કૌશલ અને કૃશાલની પાસે હતી. એ બંને પણ આ પૂછપરછ સાંભળવા માંગતા હતા. એમણે જોયું કે પાછળથી સેજલના ખભે કોઈકનો હાથ મૂકાયો. સેજલ પાછળ ફરવા ગઈ ત્યાં તેના ખભે હાથ મૂકનાર છોકરી જ આગળ આવી ગઈ. તે છોકરી બોલી-
“ચિઁતા ન કરો તમે બંને.”

ને આ બંને- સેજલ ધવલ વધુ કંઈ પૂછે કે એ છોકરીનો ચહેરો સરખો જુએ, ઓળખે એ પહેલાં તે ચાલી પ્રિન્સિપાલની ઓફિસના બારણે. સેજલ અને ધવલ તથા કૃશાલ અને કૌશલની નવાઈનો પાર ન રહ્યો. હવાલદારે તેને રોકી. એ તો થવાનું જ હતું. પણ એણે હવાલદારને કંઈક કહ્યું અને હવાલદારે તેને દરવાજો ખોલી આપ્યો ! તે અંદર ગઈ. એ છોકરીએ સેજલને એમ કેમ કહ્યું કે તમે ચિંતા ન કરશો? એને કેવી રીતે ખબર કે સેજલ અને ધવલ શું વિચારી રહ્યા હતાં? અને તે એક-દોઢ મિનિટમાં બહાર આવી. દરમિયાન કૌશલ અને કૃશાલ સેજલ અને ધવલની જોડે આવીને ઊભા રહી ગયા હતા. તે છોકરી હસતાં ચહેરે પાછી આવી. આ ચારેયની સામે આવીને ઊભી રહી અને બોલી-

“તો, ‘લાશ સૌથી પહેલાં મેં જોઈ હતી’ એવું ગપ્પું માર્યું એટલે અડધી બુદ્ધિના હવાલદારે મને અંદર જવા દીધી. ઊંધીચત્તી વાતોમાં ઈન્સ્પેક્ટરને વ્યસ્ત રાખીને, કોઈનું ધ્યાન ન જાય એ રીતે બાજુની એક તિજોરીના એક ખૂણામાં મારો મોબાઈલ સરકાવતી આવી છું, જેમાં મેં રેકોર્ડર પહેલેથી જ ચાલું કરી રાખ્યું છે. હવે અંદર થનારી બધી વાતો મારા મોબાઈલમાં રેકોર્ડ થઈ જશે. પછી પાછું કોઈ બહાનું બનાવીને ઓફિસમાં જઈશ અને ફોન પાછો લેતી આવીશ.”

આ ચારેય આ છોકરીને ફાટી આંખે જોઈ રહ્યા..... તેનાં કાળા ભમ્મર કેશની નીચેના ઉજ્જવળ ભાલની નીચે ગોઠવાયેલી તેજસ્વી આંખોની મધ્યમાંથી ઉદભવતાં નમણાં નાકની નીચેના નાનકડા અને કૂમણાં હોઠ પર દ્રષ્ટિ ક્ષણવાર અટકી. તાજી જન્મેલી હરણીની ડોક સમી એની સુંવાળી ગરદન પરથી નજર જાણે લપસી અને ડાર્ક રેડ કલરની, આખી બાંયની, શોર્ટ, સિમ્પલ કુર્તીના કોલર પર આવીને ઘડીક સ્થિર થઈ. આખીય કુર્તીમાં ક્યાંય કોઈ ડિઝાઈન નથી. પાતળી અને નાજુક કમરની સહેજ નીચેથી કુર્તીના આગળ-પાછળના બે છેડાં અલગ પડે છે અને ઘુંટણથી સહેજ ઉપર પૂરાં થાય છે. ધીમા પવનમાં એ છેડાં સહેજ લહેરાઈ રહ્યાં છે. એનાં પર ઘડીક હિંચકા ખાધાં પછી નજર બ્લેક નેરો જિન્સ પેન્ટ પર સરકતી ગઈ અને હીલ વિનાની બ્લેક સેન્ડલ પર આવીને અટકી.

વિશ્વભરમાં સુંદરતાના જે માપદંડો પ્રચલિત છે તે હિસાબે આ છોકરી મધ્યમ કક્ષાની સુંદર ગણાય પણ આ ચારેયને એ અનુભવાયું કે તેનાં ચહેરા પર જાણે કોઈ તેજસ્વિતા ઝરી રહી હતી. તેનાં અંગેઅંગમાંથી દિવ્યતા નીતરી રહી હતી. જાણે કોઈ દૈવી તેજના પ્રભાવી ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યાં હોય તેવી લાગણી ચારેયને અનુભવાઈ હતી આની સામે ઊભા રહેવામાં. જાણે અનંત અવકાશમાં ક્યાંક રચાયેલા વિશાળ બ્લેકહૉલમાં કંઈક તણાતું હોય, કંઈક શોષાતું હોય અને સમયનું અસ્તિત્વ નાશ પામી રહ્યું હોય તેવી અકળ લાગણી ચારેયને અનુભવાઈ હતી. શરીરની મર્યાદાઓથી પર ઉઠીને ભાવજગતનું કોઈ પવિત્ર ઝરણું આનામાંથી વહેતું હતું અને તેમાં આ ચારેય તરબોળ થતાં હતાં.

સેજલથી પૂછાઈ ગયું- “તું કોણ?”

“વૃંદા.” તેણે જવાબ આપ્યો....

(વધુ આવતા અંકે)