Love Revenge - 5 books and stories free download online pdf in Gujarati

લવ રિવેન્જ - ૫

લવ રીવેન્જ

પ્રકરણ-5

ત્યારપછીના લગભગ એક-દોઢ મહિના સુધી લાવણ્યા સિદ્ધાર્થને પટાવવા તેને ભાવ આપતી રહી. ક્યારેક લંચ માટે, ક્યારેક ડિનર માટે, ક્યારેક મૂવી માટે તો અમસ્તુંજ ક્યાંક ફરવા સાથે જવા માટે, લાવણ્યાએ અનેક દાવ અજમાવી જોયા. પણ સિદ્ધાર્થ માટે તો જાણે લાવણ્યા કોઈ સાધારણ છોકરી હતી. તે મોટેભાગે લાવણ્યાને અવગણતો તેમજ લાવણ્યાની કોઈપણ વાત તે મોટેભાગે મજાકમાં જ ઉડાવી દેતો. ઘણીવાર તો તે લાવણ્યાને જવાબ પણ નહોતો આપતો.

એક સમયે જે લાવણ્યાની કોલેજમાં એક ઘમંડી છોકરી તરીકેની છાપ હતી, તે છાપ સિદ્ધાર્થના આવ્યા પછી જાણે મજાક બની ગઈ હતી. અગાઉ લાવણ્યા કોઈનું પણ અપમાન કરી નાખતી તેમજ તેને વાતવાતમાં સામેવાળાને ઉતારી પાડતી. પણ હવે આખી બાજી જાણે પલટાઈ ગઈ હતી. સિદ્ધાર્થની હાજરીમાં તે મજાકનું પાત્ર બની જતી. હાજર જવાબી સિદ્ધાર્થ ગમે ત્યારે તેની મજાક ઉડાવી દેતો. જે લોકો લાવણ્યાંના તુમાખી ભર્યા સ્વભાવથી અગાઉ ડરતાં તેઓ હવે ખૂલીને સિદ્ધાર્થની હાજરીમાં તેની ઉપર હસતાં.

લાવણ્યા હવે આ બધાથી આકળાઈ ઉઠી હતી. તેને સમજાતું નહતું કેમ કરીને તે સિદ્ધાર્થને પોતાની તરફ ખેંચે. એમાય સૌથી મોટી સમસ્યા એ હતી કે સિદ્ધાર્થ મોટેભાગે નેહાની આગળ-પાછળ ફર્યા કરતો. જે સિદ્ધાર્થની પાછળ તે હાથ ધોઈને પડી હતી તે નેહાની આગળ-પાછળ ફર્યા કરતો. એમાય નેહાએ સિદ્ધાર્થને “Friend Zone”માં રાખ્યો હતો. અને આ વાતની સિધાર્થને ખબર પણ હતી. આમ છતાંપણ તે નેહાની પાછળ હાથ ધોઈને પડ્યો હતો. લાવણ્યાને એ વાતની અતિશય ઈર્ષા આવતી.

સતત પ્રયત્ન કરવાં છતાં પણ લાવણ્યા આખરે થાકી. હવે તેનો ઘમંડ પણ જવાબ આપી રહ્યો હતો. હવે શું કરવું એવાજ વિચારોમાં ખોવાયેલી લાવણ્યા કોલેજના પાર્કિંગમાં પાર્ક કરેલા એક્ટિવા ઉપર બેઠી હતી. ખાસો લાંબો સમય સુધી વિચાર્યા બાદ પણ જ્યારે તેને કઇં ના સૂઝયું તો તેણે પોતાનો મોબાઈલ કાઢી વિશાલને ફોન જોડ્યો. લાવણ્યાએ કહ્યાં પ્રમાણે થોડાં દિવસ કોલેજમાં રજા રાખ્યાં પછી વિશાલ અને રાકેશે કોલેજ આવવાનું ફરી શરૂ કરી દીધું હતું. જોકે લાવણ્યાના કહ્યાં મુજબ હવે તેઓ લાવણ્યા અને તેમના ગ્રૂપથી મોટેભાગે દૂરજ રહેતાં. થોડીવાર સુધી વિશાલના ફોનની રિંગ વાગતી રહી.

“મારે મદદ જોઈએ છે....! ક્યાં મળીશ...!?” વિશાલે ફોન ઉતાવતાં લાવણ્યાએ સીધુજ પૂછી લીધું.

“કેવી મદદ...!?” વિશાલે પૂછ્યું.

“સિદ્ધાર્થ....!” લાવણ્યાએ એકજ શબ્દમાં કીધું.

“હવે એણે શું કર્યું....!?” વિશાલ બોલ્યો.

“એ કઇં નથી કરતો એજ તો સમસ્યા છે...!” લાવણ્યા એક્ટિવા ઉપરથી ઉતરી “તું જલ્દી બોલ....! ક્યાં અને કેટલાં વાગે મળીશ....!?”

“ફાઇન....!” વિશાલ બોલ્યો “S G Highway મળીએ ....ખેતલાપાએ ....! એટ્લે દૂર આપણી કોલેજનું લગભગ કોઈ નથી આવતું...!સાંજે મળ...! સાત વાગે…!”

“હમ્મ...!” લાવણ્યાએ ફોન કટ કર્યો અને સામે વિશાલે પણ.

થોડીવાર સુધી પાર્કિંગમાં આમ-તેમ આંટા માર્યા પછી લાવણ્યા સિદ્ધાર્થ વિષે વિચારતી-વિચારતી પાર્કિંગમાઠી નીકળી. કોલેજમાં લેકચર ભરવાનું મૂડ ન બનતાં તે કોલેજથી બહાર નીકળી. ઘરે જઈને વિશાલને મળવા S G Highway જવાનું વિચારી તે ઓટો કરીને ઘરે જવા નીકળી ગઈ.

▪▪▪▪▪

“યાર આ સિદ્ધાર્થ તો ભારે માયા છે...!”લાવણ્યા બોલી. અગાઉ નક્કી કર્યા મુજબ તે વિશાલને મળવા ખેતલાપા ટી-સ્ટોલ ઉપર આવી હતી. વિશાલે ડબલ સ્ટેન્ડ કરેલાં બાઇક ઉપર તે બેઠી હતી. વિશાલ તેની સામે ઊભો હતો. સાંજના લગભગ સાડા સાત થવા આવ્યા હતાં. રોજની જેમજ આજે પણ ટી-સ્ટોલ ઉપર એટલીજ ભીડ હતી.

“મને તો સમજાતું નથી કે તે મને કેમ ભાવ નથી આપતો...!?” લાવણ્યા ફરી નિરાશ સૂરમાં બોલી.

“હું તને કેટલાં મહિનાથી કહી રહ્યો છું...!” વિશાલ બોલ્યો “કે એ તારી ટાઈપનો નથી.....!”

“હું જાણું છું....!” લાવણ્ય બોલી.

“તો પછી શું કામ ટાઈમ વેસ્ટ કરે છે..!?” વિશાલ બોલ્યો.

“તું મને એ કે ...!” લાવણ્યાએ તેની સામે જોયું “કે એનાં જેવાં છોકરાઓને કેવી છોકરીઓ ગમે....! કોઈ ખાસ વાત જે એનાં જેવાં છોકરોને ગમતી હોય...!?”

“એમાં કેવાનું શું યાર....!” વિશાલે લાવણ્યાનાં ઘૂંટણ ઉપર ટપલી મારી “જવાબ તારી સામેજ છે .....! “નેહા”...!”

“પણ હું નેહા કરતાં તો વધુ સારી દેખાઉ છું....!” લાવણ્યા ઘમંડી સ્વરમાં બોલી.

“અને સ્વભાવ....!?” વિશાલે તેની આઇબ્રો નચાવી “એ ફક્ત સુંદરજ નથી....! “Down to earth” પણ છે.....! તારાં જેવુ ઘમંડી અને તોછડું બીહેવ એ કોઇની જોડે નથી કરતી....તે બીજાની અને બીજાની ફિલિંગ્સની કેર કરે છે...એટ્લે તું એની જોડે કાયમ rudely બીહેવ કરતી હોવા છતાં જ્યારે હું અને રાકેશ તારી છેડતી કરી રહ્યાં હતાં ત્યારે એ તને બચાવવા વચ્ચે પડી ગઈ હતી.... ”

લાવણ્યા વિચારી રહી. તેને વિશાલની વાત સાચી લાગી. નેહાનો સ્વભાવ તેનાં કરતાં ક્યાંય સારો હતો.

“કદાચ એ જ દિવસે એને નેહા ગમી ગઈ હશે....!” શૂન્યમનસ્ક વિચારી રહેલી લાવણ્યા બોલી “જ્યારે એ મને બચાવવા તમારી જોડે લડી રહી હતી અને સિદ્ધાર્થે એ જોયું હશે.....! એને એ ગમી ગઈ હશે...”

“કદાચ.....!” વિશાલ બોલ્યો.

“પણ મને એ નથી સમજાતું ....!” લાવણ્યા બોલી “નેહા સિદ્ધાર્થને ખાલી તેનો ફ્રેન્ડ મને છે છતાંપણ તે એની પાછળ કેમ પડ્યો છે.....?”

“કોઈક બહુ મહાન પુરુષે કહ્યું છે.....!” વિશાલ હવામાં હાથ લહેરાવતાં બોલ્યો “કે પ્રેમની શરૂઆત દોસ્તીથીજ થાય છે...!”

વિશાલે મસ્તીમાં મૂવીનો ડાયલોગ મારતાં લાવણ્યા આકળાઇને તેની સામે જોઈ રહી.

“જો મારો મૂડ મજાકનો બિલકુલ નથી ....!” લાવણ્યા બોલી.

“ok સોરી.....!” વિશાલ બોલ્યો. બંને થોડીવાર ચૂપ રહ્યાં.

“તો બોલ...!” લાવણ્યાએ પૂછ્યું “હું શું કરું....!?”

“પહેલાં તો તું તારો સ્વભાવ સુધાર....!”વિશાલે ટોંટમાં કહ્યું. લાવણ્યા જોકે ચૂપ રહી.

“બધાની સાથે સારી રીતે વર્તન કરવાનો પ્રયત્ન કર....!” વિશાલ આગળ બોલ્યો.

“તું ટૂંકમાં કે’ને કે હું નેહા બની જાઉં...!” લાવણ્યા બોલી.

“Exactly…!” વિશાલે હસતાં કહ્યું.

“મને નથી લાગતું કે એ આઇડિયા કામ કરશે.....!”લાવણ્યા બોલી.

“કેમ....!?” વિશાલને નવાઈ લાગી.

“તને શું લાગે છે....!? લાવણ્યા થોડાં તીખાં સ્વરમાં બોલી “જ્યારે ઓલરેડી નેહા available છે....તો એને એના જેવી બનવાનો try કરી રહેલી લાવણ્યામાં શું કામ રસ પડે....!?”

“હમ્મ...!” વિશાલ વિચારવા લાગ્યો. લાવણ્યા પણ સામે હાઇવે ઉપરથી પસાર થઈ રહેલાં સાધનો તરફ જોઈ રહી.

“પહેલાં મસ્ત કડક ચ્હા અને જોડે કઇંક ખાઈએ .....!” વિશાલ બોલ્યો “પછી મગજ દોડાવીએ...! બોલ તું શું ખાઈશ....!”

“ચ્હા...! મસ્કાબબન...!” લાવણ્યાએ તેની આદત મુજબ ઓર્ડર કરી દીધો. વિશાલ ટી-સ્ટોલના કાઉન્ટર તરફ જવા લાગ્યો.

“એક સિગારેટ લાવજે...!” લાવણ્યાએ વિશાલને બૂમ પાડીને કહ્યું. વિશાલે પાછા ફરીને કોઈ નોકરની જેમ કટાક્ષમાં સેલયૂટ કર્યું અને ફરી કાઉન્ટર તરફ જવા લાગ્યો. લાવણ્યા ફરીવાર “હવે શું કરવું” ના વિચારોમાં ખોવાઈ ગઈ.

થોડીવાર બાદ વિશાલ ચ્હા વગેરે લઈને આવ્યો.

“પહેલાં સિગારેટ આપ....!” લાવણ્યા બોલી.

“જી મહારાણી....!” વિશાલે ફરી કટાક્ષ કર્યો “પણ મારાં હાથમાથી પહેલાં આ ચ્હાના કપ અને મસ્કાબન લેશો...!”

લાવણ્યાએ તેનાં કટાક્ષને અવગણ્યો અને તેનાં હાથમાંથી ચ્હાનો એક કપ અને મસ્કાબનની પ્લેટ લઈને બાઇકની સીટ ઉપર ખાલી જગ્યામાં મૂક્યાં. વિશાલે એક સિગારેટ લાવણ્યાને આપી અને એક પોતે લીધી. તેણે ખિસ્સામાથી લાઇટર કાઢી વારાફરતી બંને સિગારેટ સળગાવી. બંને ધુમાડાં કાઢતાં સિગારેટ ફૂંકવા લાગ્યાં.

“કઈં સૂઝયું...!?” થોડીવાર સિગારેટ ફૂંકયાં પછી લાવણ્યા બોલી.

“જો ....!” વિશાલ થોડું વિચારીને બોલ્યો “મને લાગે છે કે તારે એને ભાવ આપવાનો બંધ કરી દેવો જોઈએ....!”

“હું તને તારી પાસે આઇડિયા માંગુ છું....!” લાવણ્યા ઉદ્ધત સ્વરમાં બોલી “ સલાહ નઇ”

“તું પૂરી વાત તો સંભાળ....!” વિશાલ થોડો અકળાયો.

“સારું બોલ....!” લાવણ્યાએ ફરી સિગારેટનો એક કશ ખેંચ્યો.

“કાલથી જ્યારે તું કોલેજ જાય ત્યારથી તું એને ભાવ ના આપતી....!” વિશાલ બોલવા લાગ્યો “શક્ય હોય તો એની આસપાસ ફરકતી જ નહીં....!”

લાવણ્યા સાંભળી રહી. વિશાલ આગળ બોલ્યો “પણ તું એને રોજે દેખાવી જોઈએ...! એટ્લેકે તું નોર્મલી બીજાં ફ્રેંડ્સ જોડે મસ્તી વગેરે કરતી રહેજે.....એ લોકોને દેખાય એ રીતે....! પણ એને ભાવ ના આપતી...!”

“પછી....!” લાવણ્યાએ પૂછ્યું.

“પછી થોડાં દિવસ કોલેજ જવાનું બંધ કરી દેજે....!” વિશાલ બોલીને અટક્યો.

“કેમ….!?” લાવણ્યાને થોડી નવાઈ લાગી.

“તું આઇડિયા પૂછતી હતીને....!?” વિશાલે હવે વધેલી સિગારેટ જમીન ઉપર ફેંકી અને બાઇકની સીટ ઉપર રાખેલી પ્લેટમાથી મસ્કાબનની એક સ્લાઈસ લઈને ખાતો ખાતો બોલવા લાગ્યો –“તો આજ મારો આઇડિયા છે....! તું બસ મારૂ કીધું કરતી જા....!”

“તું સરખું કહીશ......!” લાવણ્યાએ થોડું કડક સ્વરમાં કીધું.

“તું એને ભાવ આપે છે એ વાત બધાંને ખબર છે….!બરાબર...!?” વિશાલે પૂછ્યું. લાવણ્યાએ હકારમાં માથું હલાવ્યું. વિશાલ આગળ બોલ્યો “સિદ્ધાર્થ પણ એ વાત જાણે જ છે....અને ભલે એ તને ભાવ નથી આપતો... પણ જ્યારે તું એને ભાવ આપવાનું બંધ કરીશ ત્યારે બીજાં બધાંને …..ખાસ કરીને સિદ્ધાર્થને નવાઈ તો ચોક્કસ લાગશે કે તે એને ભાવ આપવાનું બંધ કેમ કર્યું....અને હા......!” વિશાલે લાવણ્યાની સાથળ ઉપર હાથ મૂક્યો “યાદ રાખજે....! તારે શક્ય હોય ત્યાં સુધી બધાંની નજરમાં આવતું રહેવાનું પણ એ લોકોથી દૂર રહીને.....સમજી....!?”

“હાં....! મારે એ લોકોની આજુબાજુ જ રહેવાનું....!” લાવણ્યા બોલી “પણ મારે એ લોકો જોડે ફક્ત ફોર્મલ વાતચીતજ કરવાની......!Got it…!”

“અને ખાસ કરીને સિદ્ધાર્થથી દૂરજ રહેવાનું....! એ બોલાવે તો જ બોલવાનું નહીં તો નહીં....ok..!?” વિશાલ બોલ્યો.

“સિદ્ધાર્થથી દૂર રહેવાવાળું કામ થોડું અઘરું છે હો....!” લાવણ્યા ટીખળ કરતાં બોલી.

“હું મજાક નથી કરતો.....!” વિશાલ થોડો અકળાયો.

“ok ....! આગળ બોલ...” લાવણ્યા બોલી.

“જ્યાં સુધી ગ્રૂપના લોકોને ઓળખું છું….!” વિશાલ વિચારતાં બોલ્યો “ત્યાં સુધી સૌથી પહેલાં નેહા અથવા ત્રિશા ....! બીમાંથી કોઈપણ એક સૌથી પહેલાં તને પૂછશે કે તું હવે સિદ્ધાર્થને ભાવ કેમ નથી આપતી.....”

“અને સિદ્ધાર્થ....!?” લાવણ્યાએ તેની આઇબ્રો ઊંચી કરીને પૂછ્યું “એ કઈં નઇ પૂછે...!?”

“ના....!” વિશાલ બોલ્યો “સિદ્ધાર્થ એ ટાઈપનો છોકરો નથી.....કે તું એને ભાવ આપવાનુ બંધ કરી દે તો એની પાછળનું કારણ વિચારવામાં ટાઈમ વેસ્ટ કરે....! એ કદાચ તારાં વિષે વિચારશે પણ નઇ.....!

“મારાં વિષે વિચારશે પણ નઇ.....!?” લાવણ્યાએ મનમાં વિચાર્યું અને તેનું મોઢું ઉતરી ગયું. પોતે સિદ્ધાર્થ માટે મહત્વહીન છે એ વાત જાણીને એનું મન જાણે ભાંગી પડ્યું. વિશાલ લાવણ્યાના મોઢા ઉપર આવેલાં એ ભાવ વાંચી રહ્યો હતો.

“લાવણ્યા સિદ્ધાર્થ માટે તું બહુ નગણ્ય છે....!” વિશાલ બોલ્યો. લાવણ્યાનું મોઢું ફરી ઢીલું થઈ ગયું “એટ્લે બહુ ઝાઝું ના વિચાર.....!”

“હું કહું છું એટલું કરે જા....!” વિશાલ થોડીવાર પછી ફરી બોલ્યો.

“સારું....!” લાવણ્યા નિરાશ સ્વરમાં બોલી. તેનાં મનમાં પોતે સિદ્ધાર્થ માટે મહત્વહિન છે એવાં વિચારો ઘૂમરાયા કરતાં હતાં.

“તો કાલથી સ્ટાર્ટ કરીએ....!” વિશાલ તેનાં બાઇકમાં ચાવી ભરાવતાં બોલ્યો “મિશન સિદ્ધાર્થ..! ok…!”

લાવણ્યા તેનાં બાઇકની સીટ ઉપરથી નીચે ઉતરી ગઈ. વિશાલ બાઇક ઉપર બેઠો અને તેણે પોતાનાં ગોગલ્સ પહેર્યા.

“કાલથી તું કોલેજમાં તારાં બંને કાનમાં ઈયરફોન ભરાવીનેજ ફરજે....!” વિશાલ લાવણ્યા સામે જોઈને બોલ્યો “પણ તારે ખાલી નાટક કરવાનું છે કે તું ગીતો સાંભળે છે....! ઈયરફોનમાં મ્યુજિકનો વોઇસ થોડો ઓછો રાખજે..... જેથી તું જ્યારે એ લોકોની આજુબાજુ હોઉ ત્યારે તને એ લોકોની વાતો સંભાળયા કરશે.....ગીતો સાંભળતા-સાંભળતા તારું માથું થોડી-થોડીવારે હલાવતું રહેવાનુ.....!” લાવણ્યા સાંભળી રહી હતી “એ લોકોને એમજ લાગવું જોઈએ કે તને કશું સાંભળતું નથી.... ! એ લોકો તને બોલાવે તો પણ તારે જવાબ નહીં આપવાનો......OK…!?”

“હમ્મ....!” લાવણ્યાએ હકારમાં માથું ધૂણાવ્યું.

“સિદ્ધાર્થ બોલવે તો પણ નહીં સાંભળવાનું.....!” વિશાલ ફરી બોલ્યો.

“હા સારું બાપા...!” લાવણ્યા થોડી અકળાઇ.

“એ લોકો લંચ માટે કે બીજે ક્યાંય પણ જવાનું કે તો પણ તારે ગમે તે બહાનું કાઢી ના પાડી દેવાની....!” વિશાલ બોલ્યો.

“હું સિદ્ધાર્થને જલાવવાં એની સામે કોઈ બીજાં છોકરાં જોડે અફેરનું નાટક કરું તો....!?” લાવણ્યાએ પૂછ્યું.

“હા.....હા....હા....!” વિશાલ ખડખડાટ હસી પડ્યો. લાવણ્યાને ચીડ ચઢી. તે મોઢું બગાડીને તેની સામે જોઈ રહી.

“લાવણ્યા....!” વિશાલ તેની સામે જોઈને બોલ્યો “સિદ્ધાર્થને એ બધાંથી કોઈ ફર્ક નઇ પડે....! જ્યાં સુધી એ તારા વિષે થોડુંક પણ વિચારતો નઇ થાય ત્યાં સુધી એને કોઈ ફર્ક નહીં પડે....! તું થોડી શાંતિ રાખ.....!”

લાવણ્યાએ એક ઊંડો નિશ્વાસ નાંખ્યો.

“અને હાં....!” વિશાલે બાઇકનો સેલ મારતાં કહ્યું “તું જેવાં કપડાં અત્યારે પહેરે છે એવાજ પહેરવાનાં ચાલુ રાખજે....!”

“એટ્લે...!?” લાવણ્યાને confuse થઈ.

“એટ્લે ....આવાં...!” વિશાલે લાવણ્યા તરફ તેનો હાથ હવામાં ઉપરથી નીચે સુધી લહેરવતા કહ્યું. લાવણ્યાએ હાલ્ફ વ્હાઇટ ટીશર્ટ અને લૉ-વેસ્ટ જીન્સ પહેર્યું હતું, તેની કમર ખુલ્લી હતી.

“પણ કેમ....!?” લાવણ્યાએ પૂછ્યું

“તું ખાલી સિદ્ધાર્થ માટે આવાં કપડાં પહેરે છે એવું એને કે બીજા લોકોને ના લાગવું જોઈએ.....!” વિશાલે સમજવ્યું “ પણ તું કાયમ અવાજ કપડાં પહેરે છે એવું લાગવું જોઈએ...!સમજી...!?”

“હાં....! સારું...!” લાવણ્યા બોલી.

“ચાલ....!” વિશાલ બોલ્યો “નિકળું હવે...!”

“વેઇટ....!” લાવણ્યા બોલી “મને ઘરે ઊતરતો નઇ જાય....!?”

“તારાં ઘર તરફ જતાં પહેલાં રસ્તામાં નેહાનું ઘર આવે છે.....ભૂલી ગઈ...!?” વિશાલ બોલ્યો “મે તારી છેડતી કરી હતી …!?”

“ઓહ હા...! got it….!” લાવણ્યા બોલી “bye….!”

વિશાલે તેનું બાઇક ઘૂમાવીને મારી મૂક્યું. લાવણ્યા બાઇક ઉપર જઈ રહેલાં વિશાલની પીઠ સામે તાકી રહી અને વિચારતી રહી. થોડીવાર પછી રસ્તા પર જઈ રહેલી એક ઓટોને હાથ કરીને લાવણ્યાએ ઊભી રાખી.

“અંકલ ....! જોધપુર તરફ લાઈલો...!” ઓટોમાં બેસીને જોધપૂર એરિયામાં પોતાનાં ઘર તરફ જવાં ઓટોવાળા ભાઈને કીધું. ઓટોવાળાએ તેની રિક્ષા લાવણ્યાના કહ્યા મુજબ જોધપુર તરફ લીધી. રિક્ષામાં બેઠાં-બેઠાં લાવણ્યા આખા રસ્તે વિશાલે કીધેલી વાતો અને સિદ્ધાર્થ વગેરે વિષે વિચારતી રહી.

ઘરે પહોંચ્યા પછી પણ જમીને રાત્રે સૂતાં-સૂતાં લાવણ્યાના મનમાં એજ બધાં વિચારો ઘૂમી રહ્યાં હતાં.

“સિદ્ધાર્થ બોલવે તો પણ નહીં બોલવાનું.....!” વિશાલે કહેલી વાત લાવણ્યાના મગજમાં ઘૂમી રહી હતી. બેડ ઉપર પડી-પડી લાવણ્યા તેનાં બેડરૂમની છત તરફ તાકી રહી હતી. લાવણ્યાને સમસ્યા બીજાં લોકોથી દૂર રહેવાની નહોતી. સમસ્યા સિદ્ધાર્થથી દૂર રહેવાની હતી. તેનાં વ્યક્તિત્વમાં એક એવું અજબ આકર્ષણ હતું કે લાવણ્યા પોતાની જાતને તેની નજીક જવાથી રોકી નહોતી શકતી. છેલ્લાં બે-ત્રણ મહિના દરમ્યાન જ્યારથી તેનાં જીવનમાં સિદ્ધાર્થની એન્ટ્રી થઈ હતી, લાવણ્યાનું જીવન જાણે તેનાં મન અને હ્રદય બંનેની અલગ-અલગ ભાવનાઓ વચ્ચે ઘડીક આમ તો ઘડીક તેમ ઝોલાં ખાઈ રહ્યું હતું. પહેલાંજ દિવસે સિદ્ધાર્થે તેની બધાની સામે જે ઇન્સલ્ટ કરી હતી. તે અપમાનનો બદલો લેવા એક તરફ તેનું મન તેને ઉશ્કેરી રહ્યું હતું તો બીજી તરફ સિદ્ધાર્થના “ignorance” ભર્યા વર્તને લીધે સતત તેનું હ્રદય સિદ્ધાર્થ તરફ ખેંચાણ અનુભવી રહ્યું હતું. લાવણ્યા ઘણાં સમય સુધી પોતાનાં હ્રદયને મનાવવા મથતી રહી હતી કે સિદ્ધાર્થ માટે એવી કોઈ ફિલિંગ નથી પણ છેવટે તેનાં હ્રદયના જોર સામે તે હારી હતી અને તેણે એ વાત મનથી કબૂલી લીધી હતી, કે સિદ્ધાર્થ સાથે બદલો લેવાના ચક્કરમાં તે સિદ્ધાર્થને પ્રેમ કરી બેઠી હતી. આમ છતાં, મનમાં પેલાં અપમાનનો ડંખ હજી પણ તેને લાગ્યા કરતો અને એટલેજ હજી પણ તેનું મન સિદ્ધાર્થ વિરુદ્ધ તેને ઉશ્કેરતું હતું. એટ્લેજ એ વિશાલે જે પ્લાન બનાવ્યો હતો તે મુજબ કરવાં તૈયાર થઈ ગઈ હતી. પણ અંદરખાને લાવણ્યા જાણાતી હતી કે બદલો તો કદાચ બહાનું છે. હકીકતમાં તે કોઈપણ ભોગે બસ સિદ્ધાર્થને મેળવવા માંગતી હતી. કેમકે આખરે તો લાવણ્યાને જે જોઈતું હતું એ બધુજ સિદ્ધાર્થમાં હતું. તે પૈસાદાર હતો, દેખવાડો હતો, સ્વભાવે “One woman man” જેવો હતો. જે દરેક છોકરીને જોઈએ એ બધુજ તેનામાં હતું.

સિદ્ધાર્થ વિષે વિચારતાં-વિચારતાં આખરે તેની આંખો ઘેરવા લાગી.

▪▪▪▪▪

Next Day…..!

“લાવણ્યા....!” કોલેજની કેન્ટીન તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈને પ્રેમે પાછળથી બૂમ પાડીને તેને બોલાવી. લાવણ્યાએ અટકી અને પાછળ ફરી. પ્રેમ તેની તરફ ઉતાવળા પગલે આવી રહ્યો હતો.

“વાહ શું વાત છે...!” લાવણ્યા તરફ જઈ રહેલાં પ્રેમ દૂરથીજ લાવણ્યાને જોઈને કહ્યું. લાવણ્યા એ બ્લેક કલરની લો વેસ્ટ જેગિંસ અને સ્લીવલેસ હાલ્ફ ટોપ પહેર્યું હતું. વિશાલે કહ્યાં મુજબ તેણે રોજ જેવાજ કપડાં પહેર્યા હતાં જેમાં તેની સુંદર ઘાટીલી કમર ખુલ્લી રાખી હતી. વધુમાં તેણે ગોગલ્સ પણ પહેરી લીધાં હતાં જે તેનાં લૂકને વધુ ડેશિંગ બનાવતાં હતાં.

“આજે ગોગલ્સ ...!?” પ્રેમ હવે તેની જોડે આવીને ઊભો રહ્યો.

“બસ આજે ઈચ્છા થઈ ગઈ..!” લાવણ્યા ચિડાઈ ગઈ હતી પણ વિશlલે કહ્યાં મુજબ પોતાનાં સ્વભાવને સુધારવાનો હોય તેણે પ્રેમને શક્ય હોય એટલી શાંતિથી જવાબ આપ્યો અને ફરી કેન્ટીન તરફ ચાલવા લાગી. વિશાલે ઈયરફોન ભરવી રાખવા કહ્યું હતું એ વાત યાદ આવતાં લાવણ્યાએ તેની જેગિંસના પોકેટમાથી પોતાનાં ઈયરફોન કાઢી કાનમાં ભરાવવા લાગી.

“કોઈ ખાસ વાત છે....!?” પ્રેમ હવે લાવણ્યાની જોડે-જોડે ચાલવા લાગ્યો “આજે આટલી મસ્ત તૈયાર થઈને આવી છે..!?”

“હું તો રોજે આવીજ તૈયાર થઈને આવું છું...!” લાવણ્યા હવે તેનાં ફોનમાં music player ચાલુ કરવા લાગી. પ્રેમને નવાઈ લાગતી હતી કે લાવણ્યાએ હજુ સુધી તેની ઇન્સલ્ટ નહોતી કરી. કેમકે પ્રેમ જ્યારે પણ લાવણ્યાને બોલાવતો લાવણ્યા કાયમ તેની જોડે ઉદ્ધત વર્તનજ કરતી.

“હા....!” પ્રેમ બોલ્યો “એતો છે જ ....! પણ આજે તો કઇંક વધારે હોટ લાગે છે...!”

લાવણ્યા મનોમન ખુશ થઈ. તેનાં મોઢા ઉપર હળવું સ્મિત આવી ગયું “ખરેખર....!?” લાવણ્યાએ હવે તેનાં ગોગલ્સ કાઢી તેનાં બેગમાં મૂક્યાં.

“હાસ્તો....!” પ્રેમ બોલ્યો.

“તો...! ખાલી વખાણજ કરીશ....કે પછી કઇંક ચ્હા-કોફી પણ પીવડાવીશ....!” લાવણ્યાએ પ્રેમ સામે જોઈને તેની આંખો નાચવી. પ્રેમને હવે ખરેખર નવાઈ લાગી રહી હતી. લાવણ્યા આજે ખરેખર કઇંક અલગ વર્તન કરી રહી હતી.

“તું લાવણ્યા જ છે ને ....!?” પ્રેમે ટીખળ કરી.

“હા....હા....હા....!” લાવણ્યા હસી પડી અને તેણે તેનો હાથ પ્રેમના હાથમાં ભેરવ્યો અને કેન્ટીન તરફ ચાલવા લાગી “તે તો મારો મૂડ ઠીક કરી દીધો....!પ્રેમ...!” લાવણ્યા બોલી.

“તારો મૂડ સારો કરવાં હું બીજું શું કરું બોલ...!?” લાવણ્યાના બદલાયેલાં વર્તનથી પ્રેમ થોડો “ફોર્મ”માં આવી ગયો અને બોલવા લાગ્યો.

“ના....! બીજું કઈ નઇ...!” લાવણ્યા બોલી “બસ તું મને એક મસ્ત કડક ચ્હા અને મસ્કાબન ખવડાય....!”

“હા....! ચલ..!” પ્રેમ બોલ્યો અને લાવણ્યા જોડે ઉત્સાહમાં આવીને ચાલવા લાગ્યો. લાવણ્યાને તેનાં ભોળપણ ઉપર દયા આવી ગઈ.

▪▪▪▪▪

“ચલ....! ત્યાં..!” પ્રેમે એક ખાલી પડેલાં ટેબલ તરફ હાથ કરીને કીધું “એ ટેબલ ખાલી છે....!” બંને એ ટેબલ તરફ ચાલવા લાગ્યા.

“આજે કેન્ટીનમાં બહુ ભીડ છે....! નઇ...!” ટેબલ તરફ જતાં-જતાં પ્રેમ બોલ્યો.

“હમ્મ....!” લાવણ્યાએ હામી ભરી. બંને ટેબલ પાસે પહોચ્યા અને લાવણ્યાએ એક ચેયર ખેંચી તેની ઉપર બેઠી. તેણે પોતાની બેગ નીચે મૂકી. પ્રેમ તેની જોડે બેઠો.

“એ “બચ્ચન”....!” પ્રેમે હાથ કરીને કેન્ટીનમાં કામ કરતાં એક છોકરાંને બોલાવ્યો. મધ્યમ કદની ઊંચાઈ અને પાતળું શરીર ધરાવતો છોકરો ઉતાવળા પગલે તેમનાં ટેબલ તરફ આવવા લાગ્યો. તેનું સાચું નામ “વિજેન્દ્ર” હતું. પણ તેનાં ઊંચા કદ અને પાતળાં શરીરને લીધે તે દેખાવે બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન જેવો દેખાતો. આથી બધાએ તેનું નામ “બચ્ચન” રાખી દીધું હતું. વિજેન્દ્ર ઉર્ફે “બચ્ચન” ઘણીવાર અમિતાબ બચ્ચનની ફિલ્મોનાં ફેમસ ડાયલોગો બોલી લોકોનું મનોરંજન પણ કરતો.

“તું શું ખાઈશ....!?” પ્રેમે લાવણ્યાને પૂછ્યું.

“એજ....! ચ્હા અને મસ્કાબન....!” લાવણ્યા બોલી. “બચ્ચન” તેમનાં ટેબલ જોડે આવીને ઊભો રહ્યો. તેની હાઇટ ઊંચી હોવાને લીધે પ્રેમે થોડું વધુ ઊંચે જોયું.

“ભાઇ બચ્ચન...!” પ્રેમે તેને કહ્યું “ચ્હા અને મસ્કાબન અમારાં બંને માટે...!”

“બીજું કઇં....!?” “બચ્ચન” બોલ્યો.

“નાં....!” પ્રેમ બોલ્યો “કેમ ભાઈ બચ્ચન....! તારું મૂડ ઠીક નથી કે શું....!?”

“મૂડ કૈસે ઠીક હોયેગા હાઇં.....!” બચ્ચન “બચ્ચન” જેવી સ્ટાઇલમાં હાથ આગળ કરી તેનાં જેવાં અવાજમાં મિમિક્રી કરતાં બોલ્યો “સાલા આજ દોપહર કો આપુનક મૌત કે સાથ મિટિંગ હૈ.. હાઇં..!”

“કેમ તું આજે આત્મહત્યા કરવાનો છે....!?” પ્રેમે વ્યંગ કર્યો.

“ના રે....!” બચ્ચન હવે નોર્મલ અવાજમાં બોલવા લાગ્યો “સ્મશાનયાત્રામાં જવાનું છે...!”

“હા....હા….હા....!” લાવણ્યા હસી પડી. પ્રેમ પણ હસ્યો.

“તું જા ભાઈ....!” પ્રેમ હસતાં હસતાં બોલ્યો “ચ્હા અને મસ્કાબન લઈ આવ....! “મૌત કે સાથ મિટિંગ” હે વાળો...!”

બચ્ચન હસતાં-હસતાં ગયો. લાવણ્યા હજી પણ થોડું-થોડું હસી રહી હતી.

“જબરી આઈટમ છે નઇ...!” લાવણ્યા બોલી.

“હા....!” પ્રેમ બોલ્યો.

“હાય પ્રેમ...!” એટલામાં પ્રેમની પાછળથી આવીને નેહા તેની બાજુમાં બેઠી “હાય લાવણ્યા....!”

“હાય...!” લાવણ્યા સસ્મિત બોલી. તે સિદ્ધાર્થ વિષે પૂછવાજ જતી હતી ત્યાંજ તેને વિશાલનો “પ્લાન” યાદ આવી જતાં અટકી ગઈ. તેણે ફરી પોતાનો મોબાઇલ મંતરવા માંડ્યો. તેણે મોબાઈલમાં ગીતો વગાડવાનું ચાલુ કર્યુ. જોકે વિશાલે કહ્યું હતું તેમ, તેણે ગીતોનો અવાજ ધીમોજ રાખ્યો જેથી બાકીના બધાની વાતો સંભળાય અને જાણે પોતે બહુ મોટા અવાજે ગીતો સાંભળતી હોય એમ થોડી-થોડીવારે માથું હલાવતી રહેતી. નેહાએ એકાદ-બેવાર લાવણ્યા સામે જોયું અને પછી તે પણ તેનો મોબાઈલ મંતરવા લાગી.

“કશું મંગાવ્યું...!?” નેહાએ પ્રેમને પૂછ્યું.

“હા...!” પ્રેમ બોલ્યો “ચ્હા અને મસ્કાબન....! તું શું ખાઈશ....!?”

“એજ ચાલશે….!” નેહા બોલી અને ફરી તેનાં મોબાઈલની સ્ક્રીન તરફ જોવા લાગી. એટલામાં “બચ્ચન” ચ્હા અને મસ્કાબન લઈને આવ્યો અને ટેબલ ઉપર મૂકવા લાગ્યો.

“ભાઈ બીજી એક ચ્હા અને મસ્કાબન...!” પ્રેમે બચ્ચ્નને કીધું.

“અને એક બોર્નવિટાવાળુ દૂધ....!” સિદ્ધાર્થે નેહાની બાજુની ચેયર ખેંચતાં કહ્યું. તે તેની હમેશાની આદત મુજબ ચેયરને ઊંધી ફેરવીને ચેયરની beckrest ઉપર હાથથી ટેકો દઈને બેઠો.

“તો...!” ચેયર ઉપર બેસતાંજ સિદ્ધાર્થ બોલ્યો “ક્યાં છે બધાં...!? હજી સુધી કોઈ દેખાયું નહીં...!”

“બસ તૈયારીમાં....!” પ્રેમ બોલ્યો. એટલામાં ત્રિશા, કામ્યા અને રોહન પણ આવીને બેઠાં. ટેબલ ઉપર બેઠેલાં લોકોની સંખ્યા ધીરે-ધીરે વધવા લાગતાં પ્રેમ થોડો ગભરાયો.

“ઓહ તેરી...!” પ્રેમ મનમાં બાબડ્યો “આટલાં બધાંની ચ્હા ....! મસ્કાબન....! આખી પોકેટમની એક દા’ડાંમાં જ ઊડી જશે કે શું...!”

“આજની પાર્ટી પ્રેમ તરફથી છે હો..!” નેહા રમતિયાળ સ્મિત કરતાં બોલી “જેને જે ખાવું હોય એ મંગાવી લો ....!”

“હે....!” પ્રેમ થોથવાઈ ગયો.

“અરે વાહ....!” ત્રિશા બોલી “હું ચ્હા અને ચીઝ સેન્ડવિચ..... ગ્રીલ ચીઝ સેન્ડવિચ...!”

“હું પણ...!” કામ્યા બોલી. પ્રેમની આંખો ધીરે-ધીરે મોટી થવા લાગી. તેને જાણે “આઘાત” લાગવા લાગ્યો. નેહા મરક-મરક હસી રહી.

“અને તું શું લઇશ...!?” નેહાએ રોહન તરફ જોયું.

“ખાલી ચ્હા...!” રોહન બોલ્યો.

“હાશ.....!” પ્રેમ મનમાં બાબડ્યો.

“અને તું....!” નેહાએ લાવણ્યા સામે જોયું “લાવણ્યા....! તું શું લઇશ...!”

લાવણ્યા બધાંને “અવગણી”ને તેનાં ફોનમાં વ્યસ્ત હતી. તેણે જાણે સંભાળ્યુંજ ના હોય તેમ તેનું માથું ધીરે-ધીરે હલાવી રહી.

“લાવણ્યા....!?” નેહાએ ફરી થોડા ઊંચા સ્વરમાં કહ્યું અને તેની તરફ હાથ કરી ચપટી વગાડવા લાગી “લાવણ્યા...!?”

“ઓય લાવણ્યા....!” લાવણ્યાની જોડે બેઠેલાં રોહને તેનો ખભો ટપાર્યો.

“હા....!” લાવણ્યા જાણે ઝબકી હોય એમ બોલી “બોલ શું થયું...!?”

“અરે તું શું ખાઈશ....!” નેહા ફરી બોલી.

“મે કીધું તો ખરા...! ચ્હા અને મસ્કાબન….!” લાવણ્યા ફરીવાર તેનાં મોબાઈલ સામે જોવા લાગી. તેમ કરતાં પહેલાં તેણે કોઈને ખબરના પડે તેમ ઝડપથી એક નજર સિદ્ધાર્થ તરફ મારી લીધી. તેણે જોયું કે સિદ્ધાર્થનું ધ્યાન તેમની તરફ નહોતું. તે પોતાનો મોબાઇલ મંતરી રહ્યો હતો.

“હજી થોડો સમય લાગશે....!” મનમાં વિચારતી લાવણ્યાએ એક હળવો નિસાસો નાખ્યો.

“ઓય...!” સિદ્ધાર્થે નેહાને હળવી ટપલી મારી “PVR જાવું છે આજે...!?”

“શેનાં માટે...!” નેહાએ પૂછ્યું. PVRનું નામ સાંભળી લાવણ્યાના કાન સરવા થયાં.

“ચૂંટણી છે તો વોટ આપી આઇએને....!” સિદ્ધાર્થ વ્યંગ કરતાં બોલ્યો “અરે મૂવી જોવા યાર....!કોઈ સારું હિન્દી મૂવી યાર...!”

“તને કયારથી હિન્દી મૂવી જોવાનો શોખ લાગ્યો ....!?” નેહાએ પૂછ્યું.

“મને તો કોઈ રસ નથી ફાલતુ હિન્દી મૂવીઝમાં...!” સિદ્ધાર્થે ખભા ઝાટક્યાં “આ તો તારી જોડે એકલાં ટાઈમ સ્પેન્ડ કરવા મળે એટ્લે...!”

“હમ્મ...!” નેહાએ મોઢું મચકોડયું “મૂડ નથી....!”

“અરે જાને ડોબી....!” લાવણ્યા મનમાં બબડી.

“અરે યાર...!” સિદ્ધાર્થે ટેબલ પર હળવી મુઠ્ઠી મારી “તું બહુ અઘરી છે....!”

“તો હું આવું...!ચલ” ત્રિશા જાણે તૈયારજ હોય તેમ બોલી “તારી જોડે તો હું ગમે ત્યાં આવીશ...!”

“વાયડી...!” લાવણ્યા ફરી મનમાં બબડી.

“મૂડ નથી….!” સિદ્ધાર્થ ઝોંબી જેવા અવાજમાં બોલ્યો અને બધાં હસી પડ્યાં. લાવણ્યાએ માંડ પોતાનું હસવું દબાવ્યું. ત્રિશાએ સિદ્ધાર્થની મજાક સામે તેની તરફ જીભ કાઢી અને તે પણ હસી પડી.

એટલામાં “બચ્ચન” બધાં માટે ચ્હા વગેરે લઈ આવ્યો. બધાંજ વારાફરતી પોતપોતાની વસ્તુઓ લઈ ખાવાં-પીવાં લાગ્યા.

“બસ હવે ઊભી થા અને ત્યાંથી નીકળ...!” લાવણ્યાના મોબાઈલમાં વિશાલનો watsapp મેસેજ આવ્યો.

“આજુ-બાજુ જોઈશ નહીં....!” તરતજ બીજો મેસેજ આવ્યો “હું કેન્ટીનમાંજ છુ...!”

“ok…” લાવણ્યાએ મેસેજ વાંચી તરતજ reply કર્યો “પણ બહાનું શું કાઢું...!?” લાવણ્યાએ તરતજ બીજો મેસેજ વિશાલને કર્યો.

“ઘરની ચાવી ભૂલથી તું લઈ આવી છે....!” થોડીવાર પછી વિશાલે reply કર્યો “તારાં પપ્પા બહાર ગયા હતા એ રિટર્ન આવ્યાં છે...! અને મમ્મી ગામડે કોઈ પ્રસંગમાં ગઈ છે...!”

લાવણ્યાએ મેસેજ વાંચ્યો.

“કોઈ પ્રસંગ વિચારજે ....!અને એ પ્રસંગનું કેજે” વિશાલે તરતજ મેસેજ કર્યો “ઉતાવળમાં “કોઈ પ્રસંગ” એવું બોલી ના નાખતી ડોબી...!”

“ડોબી…?” લાવણ્યા ચિડાઈ અને મનમાં બબડી.

“હા સારું...!” લાવણ્યાએ વળતો મેસેજ કર્યો.

“અરે યાર શીટ....!” થોડીવાર પછી લાવણ્યા ઊભી થઈ અને તેની બેગ લેવા લાગી. સિદ્ધાર્થ સિવાય બધાંજ તેની સામે જોઈ રહ્યાં. લાવણ્યા કઇં પણ બોલ્યા વગર પાછી ફરી જવા લાગી.

“અરે લાવણ્યા ક્યાં જાય છે...!?” પ્રેમ અને નેહા લગભગ અચરજપૂર્વક સાથેજ બોલ્યાં.

“મમ્મી ગામડે ગઈ છે અને પપ્પા બહાર ગયા હતા એ રિટર્ન આવ્યાં છે...!” લાવણ્યા પહેલાં પ્રેમ તરફ અને પછી નેહા તરફ જોઈને બોલી “ઘરની ચાવી હું ભૂલથી મારી જોડે લઈ આવી છું....! મારે જવું પડશે...! ok bye…!”

“અરે...!?”પ્રેમ બોલ્યો. પણ લાવણ્યા પાછી ફરીને તેની બેગ ખભે ભરાવતી ચાલવા લાગી. તેણે ફરીવાર કોઈને ખબર ના પડે એ રીતે એક નજર સિદ્ધાર્થ તરફ નાંખી લીધી. લાવણ્યાએ જોયું કે અગાઉની જેમજ સિદ્ધાર્થને તેની વાતમાં કોઈજ રસ નહોતો. તે પોતાનો ફોનજ મંતરી રહ્યો હતો.

લાવણ્યા ત્યાંથી નીકળી ગઈ.

▪▪▪▪▪

“હું નીકળી ગઈ ....!” લાવણ્યાએ કોલેજ કેમ્પસમાથી બહાર નીકળીને વિશાલને મેસેજ કર્યો “પણ હવે હું શું કરું...!? ઘરે જઈશ તો બાપા પૂછસે કે આટલી જલ્દી કેમ પાછી આવી...!?”

“તો ખેતલપા જતી રેહ....!” વિશાલે વળતો મેસેજ કર્યો “ત્યાં આખો દિવસ ટાઈમપાસ કરજે...!”

“તું આવે છે...!?” લાવણ્યાએ મેસેજમાં પૂછ્યું.

“ના...! મારૂ શું કામ...?” વિશાલે reply આપ્યો.

“તો હું એકલા શું કરીશ....ત્યાં...!?” લાવણ્યાએ મેસેજ કર્યો અને જોડે ગુસ્સાવાળું સ્માઇલી મોકલ્યું.

“તું જા....! હું આવું છું....!” વિશાલે reply કર્યો અને જોડે એક હેપી સ્માઇલી મોકલ્યું.

“ok…!” લાવણ્યાએ કહ્યું અને ત્યારબાદ રસ્તા ઉપર જઈને એક ઓટો રોકી અને તેમાં બેસી SG Highway તરફ ચાલી.

▪▪▪▪▪

એકાદ મહિના બાદ….

“તને નથી લાગતું લાવણ્યા બદલાઈ ગઈ છે....!?” નેહાએ તેની જોડે જમણી બાજુ બેઠેલાં પ્રેમને પૂછ્યું. નેહા તેની સામે બેઠેલી લાવણ્યા તરફ જોઈ રહી હતી જે હવે તેની આદત મુજબ તે હમેશા કાનમાં ઈયરફોન ભરાવીને ફર્યા કરતી.

“હાં...!” પ્રેમે સૂર પુરાવ્યો “તે પહેલાં આટલાં બધાં ગીતો નહોતી સાંભળતી....!”

“ઘોડા જેવા....!” નેહાએ પ્રેમને ધબ્બો માર્યો “હુ એમ નથી કે’તી...!”

“તો શું...!?” પ્રેમે તેનાં ખભાં ઉપર હાથ ફેરવ્યો.

“હું એમ કે’તીતી કે એ હમણાંથી કઈંક વધુ પડતી સારી નથી બની ગઈ....!” નેહા બોલી “બધાની જોડે સરખી વાત કરે છે ..! કોઈની ઇન્સલ્ટ નથી કરતી...! ખાસ કરીને તારી...!” પ્રેમે વીલું મોઢું કરીને નેહાની સામે જોયું. નેહા આગળ બોલી “અને સિદ્ધાર્થને પણ હવે ભાવ નથી આપતી....! નેહાએ કીધું.

“તો સિદ્ધાર્થ પણ એને ક્યાં ભાવ આપે છે ...!” પ્રેમ બોલ્યો.

“હમ્મ..!” નેહા બોલી “ખબર નહીં ...! I Mean ....I don’t feel her like …you know “The Lavanya”” નેહાએ હવામાં તેનાં બંને હાથ વડે inverted comaની નિશાની બનાવતાં ટીખળ કરી.

પ્રેમ થોડું હસ્યો પછી બોલ્યો “જવાદે ને ....! મને તો એનું આ બદલયેલું રૂપ ગમે છે.”

લાવણ્યા કાનમાં ઈયરફોન લગાવી ગીતો સાંભળવાનું નાટક કરતી-કરતી સાંભળી રહી હતી. તે મનમાં હસી રહી હતી.

“તને શું લાગે છે...!?” નેહાએ હવે સિદ્ધાર્થ સામે જોયું જે બોર્નવિટાવાળું દૂધ પી રહ્યો હતો “લાવણ્યા વિષે...!?”

“I Don’t care…!” સિદ્ધાર્થે હમેશાં મુજબ ઉડાઉ જવાબ આપ્યો.

લાવણ્યાને સિદ્ધાર્થનો જવાબ સાંભળી તકલીફ થઈ. જોકે તેને એ વાતની ધરપત થઈ કે બાકીના બધા હવે તેના વિષે આ બધું નોટિસ કરી રહ્યાં હતાં.

▪▪▪▪▪

જુલાઇ મહિનો લગભગ અડધો પૂરો થઈ ચૂક્યો હતો. છતાંપણ હજી અમદાવાદમાં “મેઘરાજા”ની સત્તાવાર “એન્ટ્રી” નહોતી થઈ. અસહ્ય ગરમીએ કોલેજનાં યુવાનીઓને આકળાવી મૂક્યા હતા. કાળા ડિબાંગ વાદળાઓથી આકાશ ઘેરાયેલું રહેતું હતું પણ વરસાદનો એક છાંટોય હજી સુધી જમીન ઉપર નહોતો પડ્યો. ટૂંકમાં કાળઝાળ ગરમીમાથી રાહત મળે અને પોતાનાં પ્રેમી જોડે રોમેન્ટીક થવાનું બહાનું મળે એવી મૌસમ હજી જામી નહોતી. જોકે હવામાન ખાતાની આગાહીઓ મુજબ આગામી 48 કલ્લાકમાં અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાંક ભારે વરસાદની આગાહી હતી.

લાવણ્યાની કોલેજ લાઈફનું પણ કાઇંક એવુજ હતું. છેલ્લાં લગભગ એકાદ મહિનાથી તેણે વિશાલનાં પ્લાન મુજબ સિદ્ધાર્થને ઇગનોર કરવાનું શરૂ કર્યું હતું. લાવણ્યા મોટેભાગે કાનમાં ઈયરફોન ભરવીનેજ ફર્યા કરતી. તે બધા જોડે ગ્રૂપમાં બેસતી. તેમજ તેણે પોતાનું વર્તન પણ ઘણે અંશે સુધારી નાંખ્યું હતું. ખાસ કરીને પ્રેમ સાથે. અગાઉ તે પ્રેમની ગમે ત્યારે ઇન્સલ્ટ કરી નાંખતી. પણ હવે તે પ્રેમ સાથે ખૂબ પ્રેમથી વર્તતી. બીજાં બધાની સાથે પણ તેનું વર્તન સારું થઈ ગયું હતું. બધાને ખાસ કરીને નેહાને આ વાતની નવાઈ લાગતી. તેણે ઘણીવાર લાવણ્યાને એના બદલાયેલાં વર્તન વિષે પૂછ્યું પણ ખરું. જોકે લાવણ્યા તે પ્રશ્નનો જવાબ કામ ઉડાવી દેતી. પણ વિશાલે જે અંદાજો લગાવ્યો હતો તે પ્રમાણે કઇં ખાસ પરિણામ નહોતું આવ્યું.

સિદ્ધાર્થને હજી પણ લાવણ્યામાં કે તેનાં એ બદલાયેલાં રૂપમાં કોઈજ રસ નહોતો. હજી સુધી સિદ્ધાર્થે લાવણ્યાની કોઈજ વાતમાં સહેજપણ રસ નહોતો દાખવ્યો. તે કાયમ નેહાની આગળ-પાછળ ફર્યા કરતો. તેમજ મોટેભાગે નેહાને મૂવી, ડિનર, લંચ વગેરે માટે માનવતો રહેતો. તેણે હજી સુધી લાવણ્યા તરફ કે તેનાં એ “બદલાયેલાં” રૂપ તરફ નજર સુદ્ધાં નહોતી નાંખી. લાવણ્યાને એજ વાત સૌથી વધુ કઠતી હતી.

સિદ્ધાર્થ તરફથી કોઈજ પ્રતિસાદના મળતા લાવણ્યાની ધીરજ હવે ખૂટવા લાગી હતી. છેવટે તેણે વિશાલને ફોન કરીને કોલેજ જતાં પહેલાં તેમનો અડ્ડો બની ચૂકેલી SG Highwayની ખેતલપા ટી-સ્ટોલ ઉપર બોલાવ્યો હતો. બંને ચ્હા પીતાં-પીતાં વાતો કરી રહ્યાં હતાં. વિશાલ બાઇક ડબલ સ્ટેન્ડ કરી તેની ઉપર બેઠો હતો.

“મને લાગે છે તારા પ્લાનની કોઈ અસર થઈ નથી રહી....!” લાવણ્યા બોલી અને ચ્હાનો એક ઘૂંટ ભર્યો “સિદ્ધાર્થ તરફથી કોઈજ રિસ્પોન્સ નથી મળતો ….!”

વિશાલે એક ઊંડો શ્વાસ ભર્યો અને ચ્હાનો ઘૂંટ ભર્યો.

“એ તો હજી પણ નેહાની પાછળજ પડેલો છે....!” લાવણ્યા બોલી. વિશાલ હજી પણ ચૂપચાપ ચ્હા પી રહી હતો.

“તું આમ ઠોયાંની જેમ કેમ બેસી રહ્યો છે...!? બોલને...” લાવણ્યા તેનાં મૌનથી આકળાઇ.

“મને એવું લાગે છે....!” વિશાલ હવે બોલ્યો “કે આપણે કઇંક ભૂલી ગયાં છે....!”

“જો યાર તું આમ સ્ટાઇલમાં ના બોલ...” લાવણ્યા ફરી આકળાઇ “સીધે સીધું બોલ..!”

“Ok fine ...!સાંભળ” વિશાલ બાઇક ઉપરથી ઉતાર્યો અને તેણે લાવણ્યાને કમરમાથી પકડીને ઊંચી કરી અને બાઇકની સીટ ઉપર બેસાડી. લાવણ્યાને નવાઈ લાગી. તે વિશાલ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી.

“What….!?” વિશાલે લાવણ્યાની નજારોમાં રહેલા પ્રશ્નનો જવાબ આપ્યો “તારી પાતળી કમર છેજ એટલી ઘાતક કે ટચ કરવાનું મન થઈજ જાય છે....! અને એમ પણ” વિશાલ તેની નજીક આવ્યો “હું જે કઈ પણ તારા માટે કરી રહ્યો છું તેનાં બદલામાં “આટલું” તો મને મળવુંજ જોઈએને...?”

“હવે આગળ બોલીશ...!” લાવણ્યાએ ચિડાઈને કહ્યું.

“હમ્મ...! તો સાંભળ...!” વિશાલ બોલવા લાગ્યો “તું કે છે કે સિદ્ધાર્થ નેહાનીજ પાછળ લાગેલો રહે છે રાઇટ....?”

“હમ્મ...” લાવણ્યાએ ડોકી હલાવી.

“તુજ વિચાર કર....! એ કોલેજમાં આવ્યો ત્યારથીજ ડાયરેક્ટ નેહાની પાછળ લાગી ગયો....!” વિશાલ બોલ્યો “અને નેહાએ પણ ભલે સિદ્ધાર્થને ભાવ નથી આપ્યો પણ તે કદી જોયું કે તે સિદ્ધાર્થથી દૂર ભાગતી હોય...!” લાવણ્યા વિચારવા લાગી.

“સિદ્ધાર્થનું આવું વર્તન જાણે તેનાં માટે “સ્વાભાવિક” હોય નેહા હમેશાં તેની જોડે એજ રીતે વર્તી છે....!” વિશાલ આગળ બોલ્યો “અને બીજી વાત....!” લાવણ્યાએ વિશાલ તરફ જોયું.

“આપણી આખી કોલેજ લાઈફમાં અત્યાર સુધી તે જોયું કે નેહાને કોઈ બોયફ્રેન્ડ હોય....!” વિશાલે કીધું “એણે પોતે પણ ક્યારેય કોઈજ છોકરાને પોતાનો બોયફ્રેન્ડ નથી બનાવ્યો....! કેમ?”

“અચાનક સિદ્ધાર્થ આવ્યો અને....! તે સીધોજ નેહાને “અપ્રોચ” કરવા લાગી ગયો...!” થોડીવાર ચૂપ રહ્યાં પછી વિશાલ બોલ્યો “આવું ત્યારેજ શક્ય છે.....જ્યારે ….!”

“જ્યારે તેઓ પહેલેથી જ એકબીજાને ઓળખતાં હોય....!” લાવણ્યા વિશાલનો તર્ક સમજી ગઈ અને વચ્ચે બોલી પડી.

“Exactly….!” વિશાલે ભારપૂર્વક સૂર પુરાવ્યો. બંને થોડીવાર ચૂપ રહ્યાં અને વિચારવા લાગ્યાં.

“મને નથી લાગતું કે સિદ્ધાર્થને specifically તારાથીજ કોઈ પ્રોબ્લેમ હોય....!” વિશાલ બોલ્યો.

“એટ્લે...!?” લાવણ્યા મૂંઝાઇ.

“એ ફક્ત તનેજ ભાવ નથી આપતો એવું નથી....!” વિશાલ બોલ્યો “એ બીજી કોઈજ છોકરીને ભાવ નથી આપતો....!”

“ત્રિશા...કામ્યા...મેઘા....!” વિશાલ નામો બોલવા લાગ્યો “એ બધી છોકરીઓ એની પાછળ પડી છે ….! પણ એ કોઈને ઘાસ નથી નાંખતો....!”

“ત્રિશા..કામ્યાનું તો મને ખબર હતી...!” લાવણ્યા બોલી “પણ ઓલી મેઘાડી....!?” લાવણ્યાનું મોઢું બગડી ગયું “એ પણ એની પાછળ પડી છે...!?”

“એણે તો સિદ્ધાર્થને જેંટ્સ ટોઇલેટમાં ઘૂસીને ખુલ્લી ઓફર આપી હતી....!” વિશાલ ગંદુ હસતાં બોલ્યો.

“શેની ઓફર...!?” લાવણ્યાને જીણી આંખ કરી.

“Come on લાવણ્યા....!” વિશાલે લાવણ્યાના ખભે હળવો પંચ કર્યો “મેઘા સુપર હોટ છોકરી છે....! એનું ફિગર જોયું છે....!?”

“I am not lesbian….!” લાવણ્યાએ ફરી મ્હોં બગાડયું “મેઘા સુપર હોટ હોય કે ના હોય she is a sl*t…! તું જાણેજ છે એને....!”

“એ હિસાબે તો …અ....!” વિશાલે કાતિલ નજરે લાવણ્યા સામે જોયું.

“Don’t you dare to take my name….!” લાવણ્યા વિશાલ સામે આંગળી કરીને ઘુરકી “હું અલગ છું....” તેણે પોતના વાળ ઘમંડથી ઝાટક્યા. વિશાલે કટાક્ષમાં તેની આંખોની કીકીઓ ઘુમાવી.

“તું એ બધી પંચાત છોડ....!” થોડીવાર પછી લાવણ્યા બોલી “મેઇન વાત ઉપર આવ...!”

“હું કહું છું ને ...!” વિશાલ બોલ્યો “એ બંને (નેહા અને સિદ્ધાર્થ) એકબીજાં પહેલેથી ઓળખે છે...!”

“તો હવે એ વાતની ખાતરી કેવી રીતે કરવી....!?” લાવણ્યા બોલી “અને જો એ બંને એકબીજાને ઓળખતા હોય તો શું...!?”

“તો આપણો પ્લાન બદલવો પડે....!” વિશાલ બોલ્યો “પહેલાં નેહાને રસ્તા ઉપરથી હટાવવી પડે....!”

“હમ્મ...!” લાવણ્યા એ વિષે વિચારવા લાગી.

“આપણે પહેલાં એ જાણવું પડશે કે નેહા સિદ્ધાર્થને ભાવ કેમ નથી આપતી....!?” વિશાલ બોલ્યો “આટલી છોકરીઓ જેની પાછળ પડી છે એ છોકરો જે છોકરીને ભાવ આપે છે એજ એને ભાવ નથી આપતી....! કઇંક તો કારણ હોવું જોઈએને....!?”

“હાં…! સાચી વાત...!” લાવણ્યાએ હામી ભરી “હવે હું શું કરું...!?”

“કઇં નહીં....!” વિશાલ બાઇકમાં ચાવી ભરાવતાં બોલ્યો “કોલેજ જા ...! અને જેમ ચાલે છે એમજ ચાલવા દે...!”

“એટ્લે....!” થોડી મુંઝયેલી લાવણ્યા બાઇક ઉપરથી ઉતરતાં બોલી “હું સિદ્ધાર્થને ઇગનોર કરતી રહું...!? એમ...!?”

“હાં....!” વિશાલે બાઇક ઉપર બેસી તેના ગોગલ્સ ચડાવ્યા “અને હવે જ્યારે પણ તેઓ તને કોઈ જગ્યાએ તેમની સાથે જવાં પૂછે ....! તો પહેલાં થોડો ઘણો ભાવ ખાજે અને પછી હા પડી તેમની જોડે જજે….!”

“કેમ એવું...!?” લાવણ્યા વધુ મૂંઝાઇ.

“તે બંને વચ્ચે શું ચાલે છે...! એ જાણવા તારે હવે એમની નજીક જવું પડશે....!” વિશાલે તેના બાઇંકનું સ્ટેન્ડ ઊંચું કર્યું અને સેલ માર્યો “પણ યાદ રાખજે ....! તારે સિદ્ધાર્થને ભાવ નથી આપવાનો....”

“હમ્મ...!” લાવણ્યા વિચારી રહી.

“ચાલ....!” વિશાલે બાઇકનું સ્ટિયરિંગ ઘુમાવતા કહ્યું “તું આવ ...હું કોલેજ જાવ છું...!”

વિશાલે બાઇક ઘુમાવી મેઇન રોડ ઉપર લીધું અને કોલેજ તરફ હંકારી ગયો. લાવણ્યા નેહા, સિદ્ધાર્થ વગેરે વિષે વિચારતી થોડીવાર ત્યાંજ ઊભી રહી. તેણે ઉપર આકાશ તરફ જોયું. જેમ આકાશમાં ઘેરાયેલાં કાળા વાદળો પોતાની અંદર વરસાદ છુપાવીને બેઠાં હતાં અને ગરમીથી ધગધગતી ધરતીને પાણી માટે તરસવી રહ્યાં હતાં તેમ સિદ્ધાર્થ પણ જાણે તેને તરસાવી રહ્યો હતો.

▪▪▪▪▪

બે-ત્રણ દિવસ પછી...

હવામાનખાતાંની આગાહી બે દિવસ મોડી પણ જાણે સાચી પડી હોય એમ અમદાવાદમાં આખરે છેલ્લાં ત્રણ કલ્લાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. અને જેમ દરેક વર્ષારૂતુમાં થાય છે એમજ અમદાવાદના અનેક વિસ્તારો જાણે નદી કે બેટમાં ફેરવાઇ ગયા હોય એટલું પાણી ભરાઈ ચૂક્યું હતું. કાળઝાળ ગરમીથી કંટાળેલાં જુવાનીઓ માટેતો જાણે આ પ્રેમ મૌસમ હતી. સિઝનનો પ્રથમ વરસાદ શરૂ થતાંજ કોલેજનાં મોટાભાગનાં કપલીયા રિવરફ્રંટ જેવાં સ્થળોએ રોમેન્ટીક થવાં નીકળી પડ્યાં હતાં.

કોલેજ લગભગ ખાલી થઈ જતાં લાવણ્યા પણ પોતાનાં ઘર તરફ જવા નીકળી હતી. જોકે લાવણ્યાનું ઘર જે અમદાવાદનાં જે વિસ્તારમાં હતું તે જોધપુર એરિયામાં “ભયંકર” કહી શકાય તેવું પાણી ભરાયું હતું. આથી મોટાભાગનાં ઓટોવાળા જોધપુર તરફ જવાની નાં પાડી રહ્યાં હતાં. કોલેજની બહારજ AMTSનાં બસસ્ટેન્ડમાં ઊભેલી લાવણ્યા એક પછી એક ઓટોવાળાને હાથ કરીને રોકી તેમણે જોધપુર જવા કહી રહી હતી. હજી સુધી એકેય ઓટોવાળો ત્યાં જવા તૈયાર નહોતો થયો. દર વખતે ઓટોવાળો લાવણ્યાનો હાથ જોઈ ઊભો રહેતો અને લાવણ્યા બસસ્ટેન્ડમાઠી બહાર નીકળી તેને જોધપુર જવા પૂછતી. અને “ના” પડતાં લાવણ્યા મુશળધાર વરસી રહેલાં વરસાદથી બચવા ફરી પાછી બસસ્ટેન્ડમાં ઘૂસી જતી. આમને આમ લાવણ્યા લગભગ આખી પલળી ગઈ હતી. એમાંય લાવણ્યાનું નસીબ ખરાબ કે આજે તેણે વ્હાઇટ કલરનો પંજાબી ડ્રેસ અને ટાઈટ સફેદ લેગિંસ પહેરી હતી. સફેદ ડ્રેસ પલળી ગયાં પછી આરપાર દેખાતું તેનું રૂપ પણ જાણે ધોધમાર વરસાદની જેમ વરસી રહ્યું હતું. અને રસ્તા ઉપર આવતાં જતાં અને છેલબટાઉ રોમિયો જેવાં છોકરાંનું ધ્યાનભંગ કરી રહ્યું હતું.

ક્યાંય સુધી રાહ જોવા છતાં લાવણ્યાને કોઈ રિક્ષાવાળો જોધપૂર જવા નહોતો મળી રહ્યો. કંટાળીને લાવણ્યા વરસાદમાં પલળી ના જાય એટ્લે કોથળીમાં ભરેલો તેનો મોબાઇલ કાઢ્યો અને વિશાલને ફોન કરવા લાગી.

“લાવણ્યા....!” લાવણ્યા વિશાલનો નંબર લગાડવાં જય રહી હતી ત્યાંજ તે જ્યાં ઊભી હતી ત્યાં સામે એક બ્લેક BMW કાર આવીને ઊભી રહી અને તેનો કાંચ ઓપન કરી કોઇકે તેને બૂમ પાડી.

“લાવણ્યા...!” તે નેહા હતી “અરે તું તો આખી પલળી ગઈ છે....ચાલ આવ અંદર બેસ અમે તને છોડી દઈએ...!” નેહાએ ઉપરથી નીચે સુધી પલળી ગયેલી લાવણ્યાને જોઈને કહ્યું.

“અ...અ...!” લાવણ્યાએ નીચે વાળીને જોયું. ડ્રાઇવર સીટ ઉપર સિદ્ધાર્થ હતો. અને તેની બાજુની સીટ ઉપર નેહા બેઠી હતી.

“Its ok…!” લાવણ્યાને વિશાલની “થોડો ભાવ ભાવ ખાજે” વળી લાઇન યાદ આવતાં તે બોલી “I am fine…! હું જતી રહીશ....!”

“અરે કોઈ ઓટોવાળો નહીં મળી અત્યારે....!” ધોધમાર વરસી રહેલાં વરસાદના અવાજમાં સાભળી શકાય એટ્લે નેહા થોડાં ઊંચા અવાજે બોલી “તું ચાલ અંદર બેસ....! એમ પણ આ વ્હાઇટ ડ્રેસ હવે તારા આ હોટ શરીરને ઢાંકવાની જગ્યાએ લફંગાઓ માટે “Invitation” બની રહ્યો છે....! ચલ જલ્દી બેસ...!”

“અરે its ok…!” લાવણ્યાએ ફરી કીધું “તમે બંને જાઓ આ મસ્ત રોમેન્ટીક મૌસમને એન્જોય કરો....! હું તમારી વચ્ચે સ્પીડ બ્રેકર નથી બનવા માંગતી....!”

“હા...હા...હા...!” નેહા હસી પડી “લાવણ્યા...! શું તું પણ...! એવું કઇં નથી....! તું અંદર બેસ જલ્દી ...! પછી વાત કરજે....!”

“લાવણ્યા ....!” હવે સિદ્ધાર્થે સહેજ નમીને લાવણ્યાને જોઈને કહ્યું “પ્લીઝ અંદર બેસ....! નહીં તો આ મને પણ અહી રોકી રાખશે....!” નેહાએ ગમ્મતમાં કતરાઈને સિદ્ધાર્થ તરફ જોયું.

લાવણ્યા સમજી ગઈ કે હવે વધુ પડતો ભાવ ખાવાની જરૂર નથી. આથી તેણે નીચે નમીને સિદ્ધાર્થને કહ્યું “પણ હું આખી ભીની છું....! અને તારી ગાડી પણ ભીની થઈ જશે...!”

“તું અંદર બેસ “Love”…!” સિદ્ધાર્થે લાવણ્યાને કીધું.

“Love…!?” લાવણ્યાને નવાઈ લાગી.

“અરે લાવણ્યાનું પેટ નેમ ….!” સિદ્ધાર્થ બોલ્યો “Love…! ચાલશે ને....!?”

જેમ પ્રથમ વરસાદને લીધે ગરમીથી ત્રાસેલી ધરતી ખીલી ઊઠે તેમ લાવણ્યાનું હ્રદય પણ સિદ્ધાર્થના મોઢે તેનાં માટે એક ક્યૂટ પેટનેમ સાંભળી ખીલી ઉઠ્યું. આ પ્રથમવાર હતું જ્યારે સિદ્ધાર્થે લાવણ્યાની જોડે સરખી વાત પણ કરી હોય અને એમાંય પહેલીવારમાંજ આટલું મસ્ત પેટનેમ પણ આપી દીધું.

“હા...! ચાલશે....!” લાવણ્યા બોલી અને ગાડીમાં પાછળ બેસવાં દરવાજો ખોલવા લાગી. “Love…!” ગાડીમાં બેસતાં-બેસતાં લાવણ્યા મનમાં બબડી “ચાલશે નહીં દોડશે....!”

લાવણ્યા ગાડીમાં બેસતાજ સિદ્ધાર્થે ગાડી St. Xavier's collegeની સામે આવેલાં શંભુ કોફી શોપ તરફ મારી મૂકી.

“લાવણ્યા ...!” નેહા પાછળ ફરીને બોલી “અમે ગરમા ગરમ કોફી પીવા શંભુ ઉપર જઈએ છે....! તને ચાલશે....!?”

ખુશ થઈ ગયેલી લાવણ્યા “હા” બોલવા જતી હતી ત્યાંજ તે અટકી અને બોલી “અ...અ..! પણ મારે ઘરે જવાનું છે...! થોડું કામ હતું એટ્લે...!”

“ઓહ....!” નેહાએ સિદ્ધાર્થ સામે જોયું.

“શું ...!?” સિદ્ધાર્થે રમુજમાં કહ્યું “હું તો ચિઠ્ઠીનો ચાકર છું....! તમે કહો ત્યાં લઈ જાઉં...!”

“its ok…!” લાવણ્યા બોલી “મને Xavier's collegeના બસસ્ટોપ ઉપર ઉતારી દે....! મને ત્યાંથી તો કોઈને કોઈ ઓટો મળી જશે...!”

“અરે ના...!” નેહા બોલી “અમે તને તારા ઘરેજ ઉતારી દઇશું...!”

“અરે તમે તકલીફ ના લો...!” લાવણ્યાએ ફરી દલીલ કરી “મારાં લીધે તમે શું કામ તમારું પ્લાનિંગ બગાડો છો...!?”

“કઇં પ્લાનિંગ નથી યાર....!” સિદ્ધાર્થે નિસાસો નાંખતા કીધું “એમ પણ આણે (નેહાએ) મને રેજેક્ટ કરી નાંખ્યો છે જવાદે ને...!”

“What…!” લાવણ્યાથી બોલી જવાયું. તેનાં પેટમાં ફાળ પડી. જોકે તરતજ તેણે પોતાની ભાવનાઓ ઉપર કાબૂ મેળવી લીધો.

“હું તો તને વર્ષોથી નાજ પાડતી આવું છું....!” હવે નેહા સિદ્ધાર્થ તરફ જોતાં-જોતાં બોલી. સિદ્ધાર્થ સામે જોઈને ગાડી ચલાવી રહ્યો હતો. તેણે કાર Xavier's college ના કોર્નરથી ગુજરાત યુનિવર્સિટી તરફ વાળી.

“પણ તું ખોટો તારો ટાઈમ વેસ્ટ કરે છે...!” નેહા બોલી.

“એક મિનિટ...!” લાવણ્યા વચ્ચે બોલી “વર્ષોથી” એટ્લે...!?”

“અરે લાવણ્યા તને શું કહું...!” નેહા તેની તરફ પાછી ફરી “આ બેવકૂફ મારી પાછળ-પાછળ અહિયાં સુધી આવી ગયો ....!”

“મને કઇં નથી સમજાતું તું શું કહી રહી છે...!” લાવણ્યાએ માથું ધૂણાવ્યું.

“હું તને પે’લ્લાથી બધુ કહું ...!” નેહા લાવણ્યાને સમજાવતી હોય એમ બોલી “Actually..! મારાં અને સિદ્ધાર્થના મેરેજ ફિક્સ થઈ ગયા છે...!”

“Oh…..” લાવણ્યા મનમાં બબડી. જાણે તેનું હ્રદય બેસી ગયું. તેની આંખો પલક ઝપકાવવાનું જાણે ભૂલી ગઈ અને તેની પાંપણો ભીંજાઇ ગઈ.

▪▪▪▪▪

આગળ વાંચો પ્રકરણ-6 માં

નેહાએ સિદ્ધાર્થ સાથે નક્કી થઈ ગયેલાં તેનાં લગ્ન અંગેના ધડકાંથી ડઘાયેલી લાવણ્યા શું કરશે..!?

Follow me on: twitter@jignesh_19

Facebook: https://www.facebook.com/ranvir.thakor.9