Sapna advitanra - 58 books and stories free download online pdf in Gujarati

સપના અળવીતરાં - ૫૮

"સુન! ઇસ કિડનેપીંગકે પીછેકી આખ્ખી સ્ટોરી... "

બબલુ દાદાની ગેંગના સૌથી જૂના સભ્યોમાંનો એક હતો, એટલે તે દાદા વિશે લગભગ બધુંજ જાણતો હતો. તેણે ટૂંડાને વાત કહેવી શરૂ કરી.

"યે વો ટાઇમકી બાત હૈ જબ અપના બોસને ગેંગ નહિ બનાયેલા થા. વો અકેલા ભી નહિ થા. ઔર ઉસકા નામ... દાદા... વોભી ઉસકા અસલી નામ નહી હૈ. "

ટૂન્ડો વિસ્મયપૂર્વક બબલુભાઇની વાત સાંભળી રહ્યો હતો. બબલુભાઇને આવી રીતે વાત કરતા જોઇ બીજા બે નવા પંટર પણ બાજુમાં ગોઠવાઈ ગયા. એક હળવો ખોંખારો ખાઇ બબલુએ ફરી વાતનું અનુસંધાન કર્યું.

"વો દો ભાઇ થે. ડેવિડ ઐર દાનિશ. અપના ડેવિડભાઇ, ઉસકો સફેદપોશ રેહનેકા પાગલપન થા. ધંધા કાલા, લેકિન ખુદ એકીદમ વ્હાઇટ હી વ્હાઇટ! વ્હાઇટ કપડા, વ્હાઇટ જૂતાં, વ્હાઇટ ઘડી! બોલેતો, જોભી ઉસકે બોડીપે હોતા થા સબકુછ વ્હાઇટહીચ હોતા થા."

એકસાથે છ આંખોમાં વિસ્મય અંજાતુ જતુ હતુ.

"સ્મગ્લીંગ કરનેમેં દોનો ઉસ્તાદ. ચાહે કોઈ ભી ચીઝ હો, ઉનકો કામ સોંપા, બાત ખતમ. પાર્સલ કબ કહાસે કૈસે આ જાતા કીસીકો પતા નંઈ ચલતા. બસ, કામ હો જાતા. ફિર દોનો મિલકે એક ગેંગ બનાયા, ડી ગેંગ. પહેલેતો ખાલી દુસરોકા માલ સ્મગલ કરનેકા ઓર્ડર લેતા થા. બાદમેં ખુદકા માલભી મંગવાના શુરૂ કીયા. સિક્કા જમને લગા થા ડી ગેંગ કા. "

બબલુએ એક સરસરી નજર એ ત્રણેય પર ફેરવી અને પછી પાછો શૂન્યમાં તાકતો આગળ કહેવા માંડ્યો.

"જૈસે જૈસે કામ બઢા, વૈસે વૈસે ગેંગભી બડા હોતા ગયા. ફિર એક દિન એક નયા પંટર આયા, જાનીભાઇ. ઉસને એક ભંગાર શીપકો હોટેલ બનાયેલા થા. બસ, વો ડી ગેંગકા અડ્ડા બન ગયા. ઉધરહીચ પાર્સલકા ડિલીવરી આને લગા. વો જાનીભાઇકા શીપવાલા હોટેલકા આઇડિયા અચ્છા થા, તો ઉધર ઓલવેઝ ભીડભાડ રેહતા થા, તો ડી ગેંગકે લીયે અચ્છા થા.

વો જાનીભાઇકા એક દોસ્ત થા...મેકવાન. માસ્ટર થા ઇસ્કુલમેં... ઉસકા આનાજાના લગા રેહતા થા શીપ પર. સા... એકદમ ઈમાનદારીકી ઔલાદ... એકદિન ઉસને સારા ઝોલ પકડ લીયા. પાર્સલકી ડિલીવરી હોતે દેખ લીયા. ઉસકુ માલુમ નંઇ થા કી જાનીભાઇભી અપુનકાચ પંટર હૈ. વો ગયા દોડતા દોડતા... જાનીભાઇકો યે પાર્સલકે બારેમેં બોલને, લેકિન જાનીભાઇ ઉસકુંચ સમજાને લગા. ફિરભી વો નહિ માના તો અપના ડેવિડભાઇ પિક્ચરમેં આયા. ઉસનેભી સમજાનેકી કોશિશ કી, મગર વો ઇમાનદારીકા ભૂત જો ઉસકે સિરપે સવાર થા... વો નહિ માના. "

બબલુ સ્હેજ અટક્યો અને પોકેટમાંથી એક નાનકડી બોટલ કાઢી મોઢે માંડી. પેલા ત્રણેયને આટલો બ્રેક પણ કઠ્યો.

"ફિર??? "

ત્રણેય એકસાથે બોલી પડ્યા. તેમની આટલી ઉત્સુકતા જોઈ બબલુ મનોમન પોરસાયો. હાથે કરીને એમજ થોડોક ટાઇમપાસ કરી તેણે ફરી વાતનુ અનુસંધાન કર્યુ.

"ફિર? ફિર અપુન આયા પિક્ચરમેં. "

તેણે ઊંચો રાખેલો કોલર વધુ ઊંચો કર્યો.

"ડેવિડભાઇને અપુનકો બોલા ઉસકું સમજાનેકું. તો ગયા અપુન... દો મારા કાનકે પીછું ઔર લાયા પકડકે... વહી જાનીભાઇકી શીપ પર... ઉધર એક બડા કમરા યે દોનો ભાઇ અપને લીયે રખા થા. બસ, ઉધરહીચ લે ગયા ઉસકું. લેકિન તભીચ કાંડ હો ગયા... ''

''કાંડ? કૈસા કાંડ? ''

ટૂંડાની ઉત્સુકતા ચરમસીમાએ હતી. એ જોઈને બબલુને પણ વાતમાં વળ ચડાવવાની મજા આવતી હતી. ફરી તેણે ગળું ભીનુ કરવાનો એક નાનકડો બ્રેક લીધો.પછી મસ્તીથી એક બીડી સળગાવી ઊંડો કશ લીધો અને એ ધુમાડો ટૂન્ડાનાં મોં પર છોડ્યો. ટૂન્ડાએ એ ધુમાડો શ્વાસમાં ભરી લીધો, જાણે તેને પણ કીક મળી ગઇ.

"બોલોના ભાઇ, ઐસા ક્યા કરતે હો? "

ટૂન્ડો બબલુના પગ દબાવતા બોલ્યો એટલે પેલા બંનેએ પણ તેના બાવડા દબાવવાના શરૂ કર્યા.

"હા, ભાઇ. જલ્દી બોલોના... "

"હા! તો ઐસા હુઆ થા કી.... "

બબલુ આગળ બોલે એ પહેલા તેનો ફોન રણકી ઉઠ્યો. જોયું તો દાદાનો કોલ હતો. તેણે તરતજ ફોન કાને માંડ્યો અને સામેથી જે બોલાયુ તે ચૂપચાપ સાંભળતો રહ્યો. છેલ્લે બસ એટલુંજ બોલ્યો, " ઓકે બોસ." અને ફોન પાછો ખીસ્સામાં સેરવ્યો. પેલા ત્રણેય બબલુની સામેજ જોઈ રહ્યા હતા.

"ચલો, બાકીકી બાતેં રાસ્તેમેં... "

***

"આઇ વોન્ટ ટુ ગો બેક ટુ ઈન્ડિયા. "

રાગિણીનો અવાજ સાંભળીને કેદારભાઈ અને કેકે, બંનેએ તેની સામે જોયુ. તેની નજર શૂન્યમાં તાકી રહી હતી, અને તેના ચહેરા પર એક દ્રઢતા હતી. પણ કેદારભાઈને પોતાના કાન પર ભરોસો ન બેઠો હોય એમ તેમણે પૂછ્યું,

"સોરી, બેટા. વ્હોટ ડીડ યુ સે? "

રાગિણી ફરી એક એક શબ્દ ચીપી ચીપીને બોલી,

"આઇ વોન્ટ ટુ ગો બેક ટુ ઈન્ડિયા. "

"પણ, બેટા, કેયૂર... "

કેકેએ કેદારભાઈનો હાથ દબાવ્યો. કેદારભાઈએ કેકે સામે જોયુ એટલે એણે આંખોથીજ સંમતિ આપી. કેકે સાથે આવેલ ડોક્ટરે પણ એમાં સૂર પુરાવ્યો.

" યસ સર. આઇ થિંક ધેટ વુડ બી બેટર. વી નીડ ટુ બી વીથ ડો. ભટ્ટ એઝ સુન એઝ પોસિબલ બીકોઝ ધ સ્ટોક ઓફ સ્પેશિયલ મેડીસીન ઈઝ લેફ્ટ વેરી લીટલ એન્ડ મોર સ્ટોક ઈઝ વીથ ડો. ભટ્ટ ઓન્લી. "

એ ડોક્ટર વિચારતાજ હતા કે આ પરિસ્થિતિમાં કેકેને ભારત લઈ જવાની વાત કેવી રીતે કરવી. અહીં આવ્યાને ચાર દિવસ થઇ ગયા હતા, એટલે એમને પણ ઉતાવળ હતી કેકેનો કેસ ડો. ભટ્ટને સોંપવાની, કે જેથી પોતે અને સાથે આવેલ નર્સ બંને ઘરભેગા થઇ શકે. એ અસમંજસમાં હતા ત્યા રાગિણીએ સામેથી આવુ કહ્યુ એટલે તરતજ પોતાનો અભિપ્રાય પણ વ્યક્ત કરી દીધો.

કેદારભાઈ હજીય અવઢવમાં હતા. તેમણે કોકિલાબેન સામે જોયું તો ત્યાં પણ કશ્મકશ છવાયેલી હતી. થોડીવારે જાણે કોઇ નિર્ણય પર આવી ગયા હોય એમ કોકિલાબેને પણ સંમતિની મહોર મારી દીધી. કેયૂરને શોધવાનુ કામ તો પોલીસ કરીજ રહી છે, પણ રાગિણીને આ વાતાવરણમાંથી બહાર લાવવી જરૂરી હતી, નહિતર તેની વિપરીત અસર તેના બાળક પર...

છેવટે નક્કી થઇ ગયુ. કેદારભાઈ ત્યાંજ રોકાશે અને બાકી બધા ભારત પરત ફરશે. રાગિણીના ચહેરા પર એક હા'શ પથરાઇ ગઇ. કોકિલાબેને આ જોયું. તેમને જરા અજુગતું લાગ્યું, પણ હાલના સંજોગોમાં કંઇ પણ કહેવુ યોગ્ય ન લાગ્યું.

***

"અપુનલોગ કીધર જા રૈલા હૈ બબલુભાઇ? "

ગાડીમાં ડ્રાઇવરની સીટ બબલુએ સંભાળી હતી. તેની બાજુમાં ટૂન્ડો ગોઠવાયો અને પાછળ પેલા બંને બેઠા. દાદાનો કોલ આવ્યો પછી દસમી મિનિટે એમણે ગાડી ચાલુ કરી દીધી હતી. અડધો કલાક એમજ પસાર થઈ ગયો પણ બબલુભાઇ તરફથી એક અક્ષર પણ ન આવ્યો એટલે ટૂન્ડાની સાથે બાકી બંનેની ધીરજ પણ ખૂટી ગઇ. બબલુને જાણે એ લોકોને ટટળાવવામાં મજા આવતી હોય એમ થોડી વાર મૌન ઓઢી રાખ્યું, એટલે પાછળની સીટ પરથી અવાજ આવ્યો,

" ભાઇ, ખાલી ઈતના તો બોલો વો કાંડ ક્યા હોયેલા થા?"

થોડીવાર મજા લીધા પછી બબલુના શબ્દો ગાડીમાં ઘુમરાવા માંડ્યા.

"વો હુઆ યું કી જબ અપુન મેકવાનકો લેકર શીપ પર પહુંચા તબ ડેવિડભાઇ એક પાર્સલકી ડિલીવરી લે રૈલા થા. એકીદમ છોટા સા પાર્સલ થા... પોકેટમેંભી છીપ જાયે ઐસા... માલુમ નહિ કાહેકા પાર્સલ થા, પર... મેકવાન વો છીનકે ભાગા. ડેવિડભાઇ લપકા... અપના સબ પંટરલોગ ઉસકે પીછુ દૌડા... શીપમેંહી દબોચ લીયા સાલે કો... પકડકે સીધા ડેવિડભાઇકે સામને ખડા કર દીયા. પર યે ભાગાદૌડીમેં વો પાર્સલ પતા નહિ કૈસે છુમંતર હો ગયા... બહોત પૂછા ઉસકો, પર નંઈ બોલા. એન્ડ તક નંઈ બોલા."

"ફિર? "

"ફિર ક્યા? ડેવિડભાઇકી ગરમ તપેલી ઔર ગરમ હો ગઇ. એક ઈશારા ઔર અપનને લગા દી ઉસકી કનપટ્ટી પર બંદૂક. "

ગાડી એકદમ સ્પીડમાં દોડતી હતી. બબલુનું ધ્યાન ડ્રાઇવીંગ કરતા વધારે તેની વાત કહેવામાં હતુ. એવામાંજ સામેથી એક આખલો દોડતો દોડતો છીંકોટા નાંખતો આવ્યો. ટૂંડાથી રાડ પડી ગઇ અને બબલુએ માંડ માંડ આખલા સાથેની ટક્કર ટાળી, પણ ગાડી રોડ પરથી ઉતરી ગઇ. બબલુએ બંને પગ બ્રેક પર દબાવી દીધા, અને ગાડી ચિચિયારી કરતી ધાબા પાસે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈને ઊભી રહી. બબલુના મોઢામાંથી એક ભદ્દી ગાળ નીકળી ગઇ. એને ખાતરી હતી કે બાકીના ત્રણેયે પણ મનોમન ગંગા જમના સરસ્વતી વહાવી જ હશે, પણ બહારથીતો બબલુની શરમ ભરીને મોં બંધ જ રાખ્યું હતું. બબલુએ ગાડીમાં બેઠા બેઠા જ ધાબા પર જમી રહેલા લોકો તરફ નજર કરી. બધા તેમની ગાડી સામે તાકી રહ્યા હતા, પણ કોઈ પોતાની જગ્યાએથી ઉભું નહોતુ થયુ. કદાચ એ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર વોશરૂમ ગયા હશે! ખોટી બબાલ ઉભી થાય એ પહેલા બબલુએ ક્વીક રિવર્સ લઈ ગાડી પાછી પોતાની મંઝિલ તરફ મારી મૂકી. દાદા પહોંચે એ પહેલાં તેનું પહોંચવુ જરૂરી હતુ...

પરિસ્થિતિ થાળે પડી અને બધાના હોંશ ઠેકાણે આવ્યા એટલે ફરી પંટરલોકની ડિમાન્ડ થઈ,

"ભાઇ, આગે? "

"અબે દેખતા નહિ ક્યા? આગે દુસરા ટ્રક હે... "

"અરે ભાઇ, વો આગે નહિ, અપની સ્ટોરીમેં આગે... "

"કીધર થા અપુન? હા, વો કનપટ્ટી પર બંદૂક... બસ એક ઈશારેકી દેર થી ઔર ઢીંચકાંય... પર વોહી ટાઇમ કીસીને દરવાજા ખોલ દીયા. "

"ક્યા? કૌન થા? "

"થા નંઇ, થી... એક છોટી સી માસુમ સી છોકરી.. અપને પાપાકો ઢૂંઢતે ઢૂંઢતે આ ગઇ થી ઉધર... ફીર હમ સબકો દેખા તો વાપસ ચલી ગઇ... પર... વો ટાઇમ કુછ હુઆ થા... "

" બોલે તો??? "

"બોલે તો... મૈને દેખા... વો મેકવાન ઉસ છોકરીકો કુછ ઈશારા કીયા... પતા નહિ ક્યા? પર કુછ તો થા... બસ, વો છોકરી નીકલી ઉધરસે ઔર... "

"ઔર... "

"ઔર થોડી દેરમેં પુલીસને છાપા માર દીયા... "