Sukh no Password - 40 books and stories free download online pdf in Gujarati

સુખનો પાસવર્ડ - 40

તેર વર્ષની ઉંમરે સ્કૂલ શરૂ કરીને ખ્યાતિ પ્રાપ્ત કરી!

પાકિસ્તાનના ગુજરાંવાલાની રિફાતે અત્યાર સુધીમા હજારો છોકરીઓ અને મહિલાઓના જીવનમા પરિવર્તન આણ્યુ છે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

પાકિસ્તાનના ગુજરાંવાલાના અરૂપ વિસ્તારની એક સ્કૂલમાં સાતમા ધોરણના વર્ગમા શિક્ષિકા હાજર નહોતી એટલે એ વર્ગમા ભણતી રિફાત આરિફ નામની એક છોકરીને મસ્તી સૂઝી. તે શિક્ષિકાની ખુરશી પર બેસીને શિક્ષિકાની કોપી કરીને વિદ્યાર્થીઓને ભણાવવા લાગી. એ જ વખતે શિક્ષિકા ત્યા આવી ચડી. તેણે પહેલા તો રિફાતને ઠપકો આપ્યો. પછી એટલાથી સંતોષ ન થયો એટલે તેણે બધા વિદ્યાર્થીઓ સામે રિફાતની ઠેકડી ઉડાવી. એટલુ પણ ઓછુ હોય એમ તેણે રિફાતને બેરહેમીથી ફટકારી. એ જોઈને વિદ્યાર્થીઓએ પણ તેની મજાક ઉડાવી. ક્લાસમા બધાની વચ્ચે માર પડવાથી અને અપમાન થવાથી રિફાત હતપ્રભ બની ગઈ. તેને થયુ કે આના કરતા તો હુ મરી ગઈ હોત તો સારુ હતુ. તે રડતા રડતા ઘરે ગઈ. એ દિવસથી તેણે નિશ્ર્ચય કરી લીધો કે હવે પછી હુ ક્યારેય સ્કૂલમા નહી જાઉ. એ દિવસે તેણે નક્કી કર્યું કે હુ શિક્ષિકા બનીશ અને મારી સ્કૂલ શરૂ કરીશ અને એમા વિદ્યાર્થીઓને ક્યારેય આવો અનુભવ નહીં થવા દઉ.

રિફાત જે વિસ્તારમા રહેતી હતી એ વિસ્તારમા છોકરીઓ ચાવી દીધેલા રમકડાની જેમ જીવતી હતી. તેમને હસીમજાકની પરવાનગી નહોતી. તેમના પર મોટેથી બોલવા પર, હસવા પર કે ગીતો ગાવા પર પ્રતિબંધ હતો. કોઈ છોકરી પોતાની ઈચ્છા પ્રમાણે કપડાં પહેરી શકતી નહોતી કે નોકરી પણ કરી શકતી નહોતી. તેમનુ જીવન પતિની સેવા કરવામા, પતિના હાથનો માર ખાવામા, ઘરનું કામ કરવામા, બાળકો પેદા કરવામા અને તેમનો ઉછેર કરવામા જ વીતી જતું હતું.

આવા વાતાવરણમા રિફાતે પોતાની સ્કૂલ શરૂ કરવાનુ નક્કી કર્યુ અને તે પણ માત્ર ૧૩ વર્ષની ઉંમરે! તેણે નક્કી કર્યું કે હુ મારી સ્કૂલમા છોકરીઓને ભણાવીને તેમને પગભર કરીશ. રિફાત કોઈ શ્રીમંત કુટુંબની દીકરી નહોતી કે તેને સ્કૂલ શરૂ કરવા માટે જગ્યા શોધવાની અથવા તો બીજી આર્થિક ચિંતા ન કરવી પડે. વળી, તે પોતે હજી તો વિદ્યાર્થિની હતી. એટલી નાની ઉંમરે સ્કૂલ શરૂ કરવાનુ તેનુ સપનું તેને ઓળખતા લોકોને હાસ્યાસ્પદ લાગ્યુ. બીજા બધા તો ઠીક રિફાતની માતા પણ તેને દરરોજ કહેતી હતી કે થોડા વર્ષોમા તારે પરણી જ જવુ પડશે. બધી છોકરીઓએ પરણી જ જવાનુ હોય છે. રિફાત કહેતી કે ઉપરવાળાએ મને માત્ર પરણીને છોકરા પેદા કરવા માટે આ દુનિયામા નથી મોકલી.

રિફાત માત્ર આવુ બોલતી અને માનતી જ એવુ નહોતુ. તેની એ ઉંમરે તેણે લખવાનું શરૂ કરી દીધું હતું. તે તેર વર્ષની હતી ત્યારે તેણે મહિલાઓના અધિકાર પર એક લેખ લખ્યો હતો જે પાકિસ્તાનના જાણીતા અખબાર ‘જંગ’મા છપાયો હતો.

રિફાતનો લેખ ‘જંગ’ દૈંનિકમા છપાયો એટલે તેને ઓળખતા લોકોને લાગ્યુ કે આ છોકરી બીજાઓથી અલગ તો છે. એમ છતાં તેની સ્કૂલ શરૂ કરવાની વાત બધાને ગાંડપણ જેવી લાગતી હતી. જો કે રિફાત નિરાશ ન થઈ. તેણે તેના વડીલોને વિશ્ર્વાસમા લીધા અને તેના ઘરના વરંડામા સ્કૂલ શરૂ કરવાની પરવાનગી મેળવી લીધી. આરિફે ૧૯૯૭મા ૧૩ વર્ષની ઉંમરે સ્કૂલ શરૂ કરી.

રિફાતે સ્કૂલ તો શરૂ કરી દીધી, પણ તેની સ્કૂલમા વિદ્યાર્થિનીઓ લાવવાનું કામ કપરું હતું. તેણે વિદ્યાર્થીઓ શોધવા માટે મથામણ શરૂ કરી દીધી. તેણે તેના વિસ્તારમા ફરીને વિદ્યાર્થિનીઓ શોધવા માંડી. તેણે જાહેરાત કરી કે મારી સ્કૂલમા આવનારી છોકરીઓને હુ મફત ભણાવીશ. બહુ કોશિશ પછી એક છોકરી તેની પાસે ભણવા તૈયાર થઈ. રિફાતે સ્કૂલ તો શરૂ કરી હતી, પણ તેની પાસે કોઈ વસ્તુઓ નહોતી. તેણે તેને આવડતુ હતુ એ રીતે એક માત્ર વિદ્યાર્થિનીને ભણાવવા માંડી.

રિફાતની એક વિદ્યાર્થિનીથી શરૂ થયેલી સ્કૂલમા ધીમે ધીમે છોકરીઓ આવવા લાગી. આ દરમિયાન સ્કૂલ માટે સ્ટેશનરી અને બીજા ખર્ચ કાઢવા માટે આરિફે કોશિશ કરવા માંડી. તેણે સ્કૂલમા ગયા વિના જ દસમા ધોરણની બહારથી પરીક્ષા આપી. એમા તે પાસ થઈ ગઈ. એ પછી તેણે રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી મેળવી. તેને જે પગાર મળતો એ પગાર તે પોતાની સ્કૂલ પાછળ ખર્ચવા લાગી. તે નોકરી પરથી પાછી ફરતી પછી છોકરીઓને ભણાવતી.

ધીમે ધીમે રિફાતની સ્કૂલ જામવા માંડી. તેને લોકોની મદદ પણ મળવા લાગી. એ પછી ફેસબુકની શરૂઆત થઈ ત્યારે રિફાતે એની મદદ લેવા માંડી. તેણે ફેસબુક પર પોતાનુ અકાઉન્ટ શરૂ કર્યું અને એમા તેની સ્કૂલ વિશે માહિતી આપવા માંડી. એને પગલે તેને વિશ્ર્વના ઘણા વિસ્તારોમાંથી મદદ મળવા લાગી. જો કે આ દરમિયાન રિફાતે ઘણા અવરોધો અને ઘણી મુસીબતોનો પણ સામનો કરવો પડ્યો. તે મહિલાઓના હક માટે અવાજ ઉઠાવતી હતી અને છોકરીઓને ભણાવતી હતી એટલે ત્રાસવાદીઓની નજરમા આવી ગઈ. ૨૦૦૬ અને ૨૦૧૩મા આતંકવાદીઓએ તેની સ્કૂલ પર હુમલો કર્યો. જો કે બન્ને વખતે રિફાત બચી ગઈ.

રિફાતની સ્કૂલની અને રિફાતની પ્રવૃત્તિઓની નોંધ પશ્ચિમી દેશોના મીડિયામા લેવાતી થઈ. રિફાતને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ મળવા લાગ્યા. રિફાતના જીવન પર ‘ફ્લાઈટ ઓફ ધ ફાલ્કન્સ’ ડોક્યુમેન્ટરી બની. તેને ન્યૂ યોર્ક ફિલ્મ ફેસ્ટિવલમા એવૉર્ડ મળ્યો.

હવે રિફાતની સ્કૂલમા ૨૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ ભણે છે. તેની સ્કૂલમા ૧૧ શિક્ષિકાઓ અને ૧૧ વોલન્ટિયર્સ છે. ઘણી છોકરીઓ રિફાતની સ્કૂલમા ભણીને ઉચ્ચ અભ્યાસ માટે પાકિસ્તાનની કોલેજો અને યુનિવર્સિટીઝમાં જાય છે. ત્યા તેઓ રિફાતની સ્કૂલ વિશે વાતો કરે છે. રિફાત બારમા ધોરણ સુધી છોકરીઓને મફત શિક્ષણ આપે છે. એ સિવાય તે ઘણી મહિલાઓને કપડાં સીવતા શીખવે છે અન એ રીતે તેમને પગભર થવામાં મદદ કરે છે. રિફાત ઘણી મહિલાઓને બ્યુટિશિયનનો કોર્સ કરાવે છે. એવી મહિલાઓ પછી પોતાના બ્યુટી પાર્લર્સ શરૂ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. રિફાતની સ્કૂલમા છોકરીઓને સ્વરક્ષણની અને બોક્સિંગની તાલીમ પણ અપાય છે. વીસ વર્ષથી સ્કૂલ ચલાવી રહેલી રિફાતે અત્યાર સુધીમા હજારો છોકરીઓ અને મહિલાઓના જીવનમા પરિવર્તન આણ્યુ છે.

રિફાતને તેની વિદ્યાર્થિનીઓ સિસ્ટર ઝેફ કહીને સંબોધે છે. પશ્ચિમી દેશોના મીડિયામા રિફાત સિસ્ટર ઝેફ તરીકે જ જાણીતી બની ગઈ છે. રિફાત તેની વિદ્યાર્થિનીઓને સલાહ આપે છે કે તમે મોટા સપનાં જુઓ અને તમારા સપનાને વાસ્તવિકતામાં પલટાવવા માટે સંઘર્ષ કરો. રિફાતને આવી સલાહ આપવાનો અધિકાર છે. કારણ કે તેણે માત્ર તેર વર્ષની ઉંમરે સ્કૂલ શરૂ કરવાનું સપનું જોયું અને એ સપનાને સાકાર કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.

***