paanch koyada - 16 books and stories free download online pdf in Gujarati

પાંચ કોયડા - 16

પાંચ કોયડા 16

ચોથો કોયડો આગળ:-

સંજીવ જોગાણીએ દ્વારકાદાસ ના મૃત્યુ થી લઈને, ઘરના બધા સભ્યો ના બયાન, તેમનું ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ જરૂરી ફોટાઓ બધું જ મને આપ્યું.

જતાં જતાં મેં પૂછી લીધું ‘તમે આ વિદ્યાબેન ના બયાન ની તો વાત જ કરી નહીં?’

‘વિદ્યાબેન જે ભજન કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા તે હોલ માં ઘણા બધા સાક્ષીઓએ તે પૂરો સમય હોલમાં હાજર હતા તેવુ બયાન આપેલ છે, એટલે વિદ્યાબેન શંકાથી સો ટકા પર છે.”

“તો પછી આ સફળ અઘરી રહેશે” હું બોલ્યો

‘મારી શુભેચ્છાઓ તારી સાથે છે’ જોગાણી સાહેબે મારો ખભો થાબડતા કહ્યું.

હું અને રઘલો લગભગ આઠ વાગે હોટલ રૂમમાં પહોંચ્યા. નાહી ધોઈને અમે જમવા જવાની તૈયારી જ કરતા હતા ,ત્યાં જ મારું બીપી વધી જાય એવો ફોન કોલ આવ્યો. અમદાવાદથી સાધના નો ફોન હતો.

‘ક્યાં છો તમે? કેટલું જૂઠું બોલો છો તમે ?ઓફિસમાં પંડિતને લાફો મારી નોકરી છોડી દીધી !આ તો ભલું થજો માથુર સાહેબનું કે તેમણે મને ફોન કર્યો!સાહિલ ના સમ ખાઈ ને કહેજો કયા આડા ધંધા તમે શરૂ કર્યા છે ?’

હું ખરેખર ફોન પર બોલવા માગતો હતો. જવાબ આપવા માગતો હતો .પંડિત ના કરી શકે એવી મારી બોલતી તેણે બંધ કરી દીધી. એક પછી એક સવાલો તે ચાબુકની જેમ વીંઝતી અને દરેક બે સવાલ વચ્ચે નવા સમ અપાવતી રહી. તું મારી વાત તો સાંભળ એ વાક્યનું રટણ મેં અનેકવાર કર્યું. દરેક વખતે ફૂટબોલના મજબૂત ગોલકીપર ની જેમ તેણે મારા વાક્યને ગોલ સુધી પહોચવા જના દીધુ. સવાલોથી શરૂ થયેલું આ વૃત્તાંત રોકકળ સાથે પૂરું થયું .મને જેવો બોલવાનો મોકો મળ્યો, તરત મેં કહ્યું

‘હું એક નવા બિઝનેસ માટે અહીં આવ્યો છું’

‘નવો બિઝનેસ ! કયો બિઝનેસ !અને મને કહ્યું કેમ નહીં ?’

‘રેડીમેડ કપડા નો બિઝનેસ !મુંબઈ થી માલ લેવાનો અને અમદાવાદમાં વેચવાનો. મુંબઈના બે-ત્રણ ડીલરો જોડે વાત અને સિલેક્શન ચાલે છે.’

‘તમને ક્યાં કપડાંમાં ખબર પડે છે ? આ કાપડનો ધંધો આપણા કુટુંબમાં કોઈએ કર્યો છે ?અને એ માટે ની મૂડી અને રોકાણ !’ હવે સામે છેડે નું પાત્ર સ્થિરતા ધારણ કરી ચૂક્યું હતું

‘ મારો મિત્ર રહીમ તો જાણે છે ને !ઘીકાટા રહે છે એની સાથે જ આ બધું નક્કી કર્યું છે .હું તને દુઃખી કરવા નહોતો માંગતો .પંડિત ને લાફો માર્યો પછી આજ એક વિકલ્પ બચ્યો હતો.’

ફરી પાછી સવાલોની હારમાળા શરૂ થઈ. દરેક સવાલના મેં ગોળગોળ જવાબો આપ્યા. હું તેને સમજાવી શક્યો કે નહીં તેની ખબર નથી પણ આ ફોન મારા પહેલા સેલ્સ કોલ કરતા દસ ગણો વધારે બદતર હતો. ફોન મુકતા મને આંખે અંધારા આવી ચૂક્યા હતા.

ફોન પતાવીને હું શ્વાસ લેવા રોકાયો ત્યાં રઘલો બોલ્યો.

‘ભાભી નો ફોન પુરો થયો! ચાલ હવે જમવા જઈશું ?એકદમ નીસ્પૃહીની જેમ બોલાયેલા આ વાક્યથી હું તેની સામે જોઈ રહ્યો. થોડી મીનીટો પહેલા મારા પર શું વીતી છે તે જાણવા છતાં આ માણસને જમવાની પડી હતી.

‘ રિલેક્સ યાર ભાભી જાણશે ને તું કરોડપતિ બનવાનો છે! ત્યારે બધા પ્રોબ્લેમ ચપટીમાં દૂર થઈ જશે’ ચપટી વગાડતા તે બોલ્યો

મહાપરાણે મારી કદાવર કાયા મેં પલંગમાંથી બેઠી કરી. અમે નજીકના રેસ્ટોરન્ટ માં જમવા ગયા.જમતી વખતે રઘલાએ જોરદાર દલીલો કરી મને સમજાવ્યું કે સાઘના ચોક્કસ માની જશે. તેણે ફિલોસોફર ની રીતે મને સમજાવ્યું કે સ્ત્રીને શું જોઈએ ? એક સારું ઘર !સારા શોપિંગ મોલમાંથી ખરીદી !ખુબ બધી જવેલરી અને પુરુષનો સહવાસ ! તું આ બધું શરત જીત્યા પછી એને આપી શકે છે.માટે હવે કોયડા ઉકેલવા પર ધ્યાન આપ.

રેસ્ટોરેન્ટ માં થી બહાર નીકળ્યા ત્યાં સુધીમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. હું અને રઘલો એક દુકાનની આડશે ગોઠવાયા. એ જ વખતે યુવાન કપલ અમારી બાજુમાં સામેલ થયુ. બંનેની રંગીન વાતચીતે મારા કરતા રઘલા નું ધ્યાન ખાસ ખેંચ્યુ.

મને ઈશારો કરીને એ બોલ્યો –‘ગજા આપણા આવા દિવસો આવ્યા જ નહીં!’

યુવકે પોતાની હીરોછાપ સ્ટાઈલમાં કહ્યું ‘એવું ક્યારે બનશે કે હું સવારે ઉઠતાવેંત તારો અવાજ સાંભળુ. સૂતા પહેલાં પણ તારો અવાજ સાંભળુ.

યુવતીએ જવાબ આપતા કહ્યું ‘એવું બનતા તો વર્ષો લાગશે. એના કરતાં રેકોર્ડ કરી લે જ્યારે ઈચ્છા થાય ત્યારે સાંભળી લે જે.’

મને અને રઘલા ને ખુબ હસવુ આવ્યું. મારું હસવાનું પૂરૂ થાય તે પહેલા રઘલો મારો હાથ જોરથી પકડી બોલ્યો ‘ગજા તે સાંભળ્યું કે તે શું બોલી?’

‘ હા તે બોલી રેકોર્ડ કરી રાખજે, ઈચ્છા થાય ત્યારે સાંભળજે’

‘ એ મારા ઠાકોરજી !વોટ એ મર્ડર! પરફેક્ટ મર્ડર !વન્ડરફુલ આઇડિયા ઇટ વોઝ !’ જેટલું અંગ્રેજી આવડે એટલું મોટેમોટેથી તે બોલ્યો

‘શું છે તારે ?આને અને મર્ડરને શું લેવાદેવા?’

‘ ગજા ઇટ ઇઝ પરફેક્ટ ક્રાઇમ ! આ છોકરી, શું બોલી રેકોર્ડ કરી નાખજે !કેમ બોલી બોલ તો ?’

‘ કારણકે રેકોર્ડ કરેલું ફરીવાર ગમે તેટલી વાર સાંભળી શકાય’

‘ અને એવું પણ બને કે પિસ્તોલની ગોળી ના અવાજ અગાઉથી રેકોર્ડ કરી નાખવામાં આવે અને ચોક્કસ સમયે અવાજ સંભળાય’

હું આશ્ચર્યચકિત થઇને તેની સામે જોઈ રહ્યો. શેરલોક હોમ્સના ગુજરાતી અવતાર મારી સામે હતો. પોતાની વિચારશક્તિ પર તે મોટેથી હસવા લાગ્યો. મને હજુ કંઈ સમજ પડતી ન હતી.’ તું શું બોલે છે રઘલા ?’

‘ એ જ, કીર્તિ ચૌધરી જે થિયરી રજૂ કરી તે મારા મગજમાં આવી ગઈ છે. ખૂની દ્વારકાદાસ શેઠની આખી લાઈફ સ્ટાઈલથી વાકેફ હતો. ખૂની જાણતો હતો કે સેઠ દ્વારકાદાસ ને સંગીતનો શોખ છે. તે રાતે 10 થી 11 ઘણી વખત સંગીત સાંભળે છે. આ જ વસ્તુનો તેનો ફાયદો ઉઠાવ્યો. વોટ એ ક્રાઇમ ! આખી તપાસ એ રીતે ચાલી કે 11:00 વાગે ગોળી ના બે ધડાકા સંભળાય.પણ ગોળી એક કલાક પહેલાં છૂટી ચુકી હતી, ખૂનીની સાઇલેન્સર વાળી રિવોલ્વરમાંથી. દ્વારકાદાસ ની જે બંધ બારણે ચર્ચા ચાલતી હતી ;તેનો તેણે ફાયદો ઉઠાવ્યો. દસ વાગ્યે તેણે સાઇલેન્સર વાળી રિવોલ્વર વડે દ્વારકાદાસ ની હત્યા કરી .પોતે અગાઉ તે એક નવી રેકોર્ડ સાથે લઈને આવ્યો હતો, જેમાં શરૂઆતમાં સંગીત હતું અને બરાબર એક કલાક પછી રીવોલ્વર માંથી છૂટેલી ગોળી ના બે સ્પષ્ટ ધડાકા સંભળાય. સંગીત શરૂ કરી તે જતો રહ્યો .બધા એ માન્યુ કે દ્વારકાદાસ રાતે સંગીત સાંભળી રહ્યા છે .11 વાગ્યા આસપાસ લાઈટ ઉડાડી દેવામાં આવી, ગ્રામોફોન વીજળી વગર ચાલતું સાધન છે. મારા બાપા એ સમયમાં ક્યાંક થી ઉઠાવી લાવ્યા હતા ,તેથી મને ખ્યાલ છે .ગ્રામોફોન માં સંગીત ની વચ્ચે બે ગોળી ના ધડાકાના અવાજ આવ્યા, લાઈટો ઊડી ગઇ ,બધાએ ત્યાં સુધી કે પોલીસે પણ માન્યું આ ખુન 11:00 વાગે થયું .એમ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નો સમય દસથી બાર વચ્ચેનો બતાવે છે. ખુની આરામ થી પોતાની સાયકલ પર નીકળી ક્રિકેટ મેચ જોવા બેસી ગયો. સો જેટલા આઇવિટનેસ ની સામે .આમ મોટીવ હોવા છતાં ખુની બધાની નજરથી આબાદ બચી ગયો.

રઘલો જેમ બોલતો ગયો તેમ મારા મગજમાં એક પછી એક કડી ગોઠવાતી ગઈ.

‘ તો પછી મનોહર જ !’ હું બોલ્યો

‘ હા મનોહર જ !આબાદ પ્લાનિંગ સાથે કરેલું મર્ડર!’

‘ વાહ રઘલા વાહ !બધી પબ્લિક સામે મેં તેને ઉચકી લીધો. ચોથો કોયડો ઉકેલાઈ ગયો હતો .રઘલા એ તે ઉકેલી દીધો હતો.